ભેદી ટાપુ - 18

ભેદી ટાપુ

[૧૮]

નવું રહેઠાણ

અનુવાદ

ડો. અમૃત રાણિગા

કપ્તાનની યોજના સફળ થઈ હતી, પણ રાબેતા મુજબ તેણે સંતોષ પ્રગટ કર્યો ન હતો. બધા ખૂબ આનંદમાં હતા. કપ્તાન હોઠ બીડીને ગંભીર ચહેરે ઊભો હતો. નાઈટ્રોગ્લિસરીનને પોતાનું કામ જોરદાર રીતે કર્યું હતું. જમીન નીચે વહેતા પ્રવાહ કરતાં ત્રણ ગણું પાણી આ ધોધ મારફત વહેતું હતું. થોડા સમયમાં તળાવના પાણીની સપાટી બે ફૂટથી વધારે નીચે ઉતરી ગઈ.

બધા પાછા ગુફામાં ગયા. કુહાડી, કોદાળી, ભાલા, વગેરે સાધનો લઈને તેઓ પાછા તળાવની પાળે આવી પહોંચ્યા. ટોપ તેમની સાથે હતો. રસ્તામાં ખલાસીએ ઈજનેરને કહ્યું:કપ્તાન, તમે ધારો તો એ પ્રવાહી દ્વારા આખા ટાપુને ઉડાડી મૂકો.

હા. ટાપુ, ખંડ કે આખી પૃથ્વીને ઉડાડી શકાય.ઈજનેરે જવાબ આપ્યો.પ્રવાહીનું પ્રમાણ કેટલું છે તેના પર બધો આધાર છે.

આ પ્રવાહી બંદૂકમાં ન વપરાય?” ખલાસીએપૂછ્યું.

ના.કપ્તાને જવાબ આપ્યો.એમ કરવામાં જાનનું જોખમ છે. પણ બીજી રીતે, જો બંદૂક હોય તો તેને જરૂર વાપરી શકાય.

બધા સરોવરના કિનારાના ઉચ્ચ પ્રદેશ્પાસે આવી પહોંચ્યા. જૂનું પોલાણ હવે ખુલ્લું થયું હતું. તે લગભગ ૨૦ ફૂટ પહોળું હતું. હવે તેમાં પાણી જતું ન હતું. હવે તેમાં પ્રવેશવું સહેલું હતું. થોડા વખતમાં તેઓ તળાવના નીચેના ભાગે આવી પહોંચ્યા. તેમની મહેનત સફળ થઈ હતી. આ પોલાણ ૨૦ ફૂટ પહોળું હતું. પણ ઊંચું તો માત્ર બે ફૂટ જ હતું. તેથી તેમાં પ્રવેશવું મુશ્કેલ હતું. નેબ અને પેનક્રોફટે ત્રિકમ દ્વારા ખોદીને યોગ્ય ઊંચાઈ ઉભી કરી.

પછી ઈજનેર આગળ વધ્યો. ઢોળાવ ૩૦ થી ૩૫ અંશનો હતો, એટલે આગળ વધવામાં કોઈ મુશ્કેલી પડે તેમ ન હતી. અંતે કદાચ સમુદ્ર પાસે પહોંચાય. અંદર કદાચ મોટું ભોંયરું પણ નીકળવાનો સંભવ હતો.

કપ્તાન, હવે કોની રાહ જોવાની છે?” ખલાસીએ પૂછ્યું.

ટોપ તો આગળ નીકળી ગયો હતો. કપ્તાને અંધારામાં જોઈ શકાય તે માટે ડાળીઓની મશાલ બનાવવાનું કામ નેબને સોંપ્યું. મશાલો લઈને તેઓ એ અંધારા રસ્તામાં પ્રવેશ્યા. જેમ તજેમ તેઓ અંદર ગયા તેમ રસ્તો પહોળો અને ઊંચો થતો હતો. હવે તેઓ ઊભા ઊભા આગળ વધી શકતા હતા. પાણીની લીલને કારણે પથ્થર લપસણા થઈ ગયા હતા. બધાએ એકબીજાના હાથ પકડીને આગળ વધવા માંડ્યું. સાભાગ્યે આગળ જતાં પગથિયાં જેવું આવતું હતું તેથી સરળતાથી ઊતરી શકાતું હતું.

બધા ધીમે ધીમે નીચે ઊતરતા હતા. આ અજાણી ગુફામાં ઊતરતાં તેમને ભય લાગતો હતો. કદાચ આમાં પહેલી જ વાર માણસો પ્રવેશ્યા હશે. આ  ગુફાનું સમુદ્ર સાથે જોડાણ હતું. અહીં કોઈ રાક્ષસી પ્રાણી રહેતું તો નહિ હોયને? ટોપ આગળ હતો; અને તે ભય હોય તો ચેતવણી આપ્યા વગર રહે એમ ન હતો.

લગભગ ૧૦૦ ફૂટ ઉતર્યા પછી રસ્તો જરા વળાંક લેતો હતો. હાર્ડિંગ ઉભો રહ્યો. બધા રોકાયા.

કપ્તાન,” સ્પિલેટે કહ્યું; “આ સલામત જગ્યા છે; પણ રહી શકાય એવી નથી.

કેમ?”

કેમ કે તે ખૂબ નાની અને અંધારી જગ્યા છે.

તો તેને ખોદીને મોટી બનાવીશું; અને અંદર હવા ઉજાશની વ્યવસ્થા કરીશું.ખલાસી બોલ્યો. તેને હવે કશું અશક્ય લાગતું ન હતું.

પણ આપણે આગળ વધીએ.કપ્તાને કહ્યું; “નીચાણના ભાગમાં કદાચ વધારે સારી જગ્યા મળી જાય તો મહેનત બચે.

તેઓ હજી ત્રીજો ભાગ જ ચાલ્યા હતા; પ્રવેશ દ્વારથી માંડ ૧૦૦ ફૂટ આગળ વધ્યા હતા. એકાએક---

ટોપ ક્યાં?” નેબે પૂછ્યું..

બધા ઝડપથી આગળ વધ્યા. ટોપ ક્યાંય દેખાતો નહતો. લગભગ પચાસ ફૂટ આગળ વધ્યા ત્યારે તેમને ટોપના ભસવાનો અવાજ સંભળાયો.

ટોપ ભસે છે!નેબે પૂછ્યું.

બધા હથિયાર તૈયાર રાખી, સાવધાન થઈને આગળ વધો,” હાર્ડિંગે આદેશ આપ્યો.

કૂતરો હિંસક બનીને ભસતો હતો. શું તે કોઈ પ્રાણી સાથે અથડામણમાં આવ્યો હશે? ભયનો વિચાર કર્યા વિના બધા દોડ્યા. અહીં ગુફાનો છેડો આવી ગયો હતો. ટોપ આમતેમ દોડતો દોડતો જોરથી ભસતો હતો. પેનક્રોફટ અને નેબે પોતાની મશાલ લઈને બધાં ખૂણાં તપસ્યા. હાર્ડિંગ, સ્પિલેટ અને હર્બર્ટ પોતાનાં ભાલા ઉગામીને ઊભા રહ્યાં; પણ એ વિશાળ ગુફા તદ્દન ખાલી હતી. પ્રાણી કે માણસ ત્યાં કોઈ ન હતું. તેમ છતાં ટોપ સતત ભસતો હતો. વહાલ કરવા છતાં કે ધમકી આપવા છતાં કે ધમકી આપવા છતાં તે શાંત થતો ન હતો.

અહીં કોઈ સ્થળ હોવું જોઈએ, કે જ્યાંથી આ સરોવરનું પાણી દરિયામાં પહોંચતું હોય.ઈજનેરે કહ્યું.

હા, એ ખરું;” ખલાસીએ જવાબ આપ્યો, “અને આપણે એ ખાડામાં પડી ન જઈએ તેની સાવચેતી રાખવી જરૂરી છે.

ટોપ, આગળ વધ!હાર્ડિંગ બોલ્યો.

કૂતરો દોડીને ગુફાને છેડે ગયો, અને ત્યાં બમણા જોરથી ભસવા લાગ્યો. બધા તેની પાછળ પાછળ ગયા.  મશાલના અજવાળામાં ત્યાં એક મોટો કૂવો દેખાયો. આ કૂવામાંથી પાણી દરિયામાં જતું હશે. કૂવાને કાંઠે મશાલો ધરવામાં આવી; પણ પ્રકાશ કૂવાને તળિયે પહોંચતો નહોતો. અંદર કંઈ દેખાતું ન હતું.

હાર્ડિંગે એક સળગતું લાકડું કૂવામાં ફેંક્યું. તે અંદર પડીને  થ્રી ગયું, પણ કંઈ દેખાયું નહિ. લાકડું પડવાના સમય ઉપરથી હાર્ડિંગે ગણતરી કરી કે , કૂવો લગભગ નેવું ફૂટ ઊંડો હતો તો પછી આ ગુફાનું તળિયું દરિયાની સપાટીથી નેવું ફૂટ ઊંચું હશે.

અહીં આપણે રહીશું.હાર્ડિંગ બોલ્યો.

પણ. અહીં તો કોઈ પ્રાણી રહેતું લાગે છે.સ્પિલેટે જવાબ આપ્યો.

એ તો આપણે માટે જગ્યા ખાલી કરીને જતું રહ્યું છે.ઈજનેરે કહ્યું.

મને થાય છે કે,” ખલાસી બોલ્યો, “પંદર મિનિટ માટે હું ટોપ બની જાઉં; એના ભસવાની પાછળ કોઈ કારણ તો છે જ.

હા.હાર્ડિંગે ઉત્તર આપ્યો, “ટોપ આપણા કરતાં ઘણું વધારે જાણે છે.

ગમે તેમ પણ, આ જગ્યા ખૂબ સલામત હતી; અને ખૂબ વિશાળ હતી. ઈંટોના ચણતરથી તેના અલગ ઓરડાઓ બનાવી શકાય એમ હતા. પાણી હવે એમાં પ્રવેશે એમ નહોતું. પણ અહીં રહેવામાં બે મુશ્કેલી હતી; એક તો, આ ગુફામાં ખૂબ અંધારું હતું. તેમાં પ્રકાશની વ્યવસ્થા કરવી અઘરી પડે એમ હતી, બીજુ, અંદર આવવું જવું કેવી રીતે? સરોવરની અંદરથી સાંકડા માર્ગ દ્વારા આવકજાવકમાં મુશ્કેલી પડે એમ હતી.

હાર્ડિંગની ગણતરી હતી કે, ગુફાની પૂર્વ બાજુની ભીંત પાતળી હશે. જો ત્યાં ફાંકુ પાડવામાં આવે તો પ્રકાશની અગવડ મટી જાય અને એ રસ્તે આવકજાવક પણ થઈ શકે. ત્યાં બારી બારણા લગાડી શકાય; અને સીડી મૂકી ઉતર-ચડ કરી શકાય.

હાર્ડિંગગે પોતાની યોજના સાથીઓ પાસે રજૂ કરી.

ચાલો, શરૂ કરીએ.ખલાસીએ ત્રિકમ ઉપાડ્યું; “બોલો ક્યાં ફાંકુ પાડું?”

અહીં!ઈજનેરે જગ્યા દેખાડી.

ખલાસી ત્રિકમ લઈ જોરજોરથી ઘા કરવા માંડ્યો. અર્ધી કલાક પછી નેબનો વારો આવ્યો, તે પછી સ્પિલેટે નેબની જગ્યા લીધી. બે કલાક પછી બધા થાક્યા. સફળતા નહિ મળે એવું બધાને લાગ્યું. ત્યાં તો સ્પિલેટનો ઘા ખડકની સોંસરવો નીકળી ગયો; અને હાથમાંથી ત્રિકમ છટકીને કાણાની બહાર ચાલ્યું ગયું.

બધાએ આનંદની ચિચિયારી પાડી. દીવાલની જાડાઈ ત્યાં ત્રણ ફૂટ જ હતી.

હાર્ડિંગેએ ફાંકામાંથી બહાર જોયું. મેદાન ૮૦ ફૂટ નીચે હતું. સામે દરિયાકિનારો દેખાતો હતો. એની પાછળ નાનકડો ટાપુ, અને તેની પેલી બાજુ મહાસાગર લહેરાતો હતો.

ગુફામાં આ કાણા દ્વારા જોરદાર પ્રકાશ ફેલાયો. ગુફા હવે સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. ડાબી બાજુએ ગુફાની ઊંચાઈ અને પહોળાઈ માંડ ૩૦ ફૂટ હશે. પણ જમણી બાજુએ ગુફા ૮૦ ફૂટ કરતાં વધારે ઊંચી હતી. ક્યાંક કમાનો અને ક્યાંક થાંભલા દ્વારા આ ગુફાનો આકાર કોઈ દેવળ જેવો લાગતો હતો. આ ગુફા રોમન અને ગોથિક શિલ્પકલાનું મિશ્રણ હોય એવી લગતી હતી. પણ આ કોઈ માણસની કામગીરી નહોતી; આ માત્ર કુદરતની કળા હતી.

પાંચેય જણાના આનંદનો પાર નહોતો. જ્યાં નાનકડી બખોલની આશા રાખી હતી ત્યાં તેમને અદ્ભૂત રાજમહેલ  સાંપડ્યો હતો. જાણે કોઈ મંદિરમાં ગયો હોય એમ નેબે આદરપૂર્વક પોતાની હેટ ઉતારી.

આપણે અહીં આરામથી રહી શકીશું.કપ્તાન બોલ્યો; “આપણે આ જગ્યાનું નામગ્રેનાઈટ હાઉસરાખીએ.

બધાને એ નામ પસંદ પડ્યું.

લાકડાંને સળગાવીને બનાવેલી મશાલો હવે પૂરી થવા આવી હતી. એટલે હવે જલ્દી બહાર નીકળવાનું નક્કી કર્યું. ગુફાને વધારે વ્યવસ્થિત કરવાનું કામ બીજા દિવસ પર મુલતવી રાખ્યું.

જતાં પહેલાં કપ્તાને વળી પાછું પેલા કૂવામાં ડોકું કાઢ્યું. તેણે ધ્યાનથી સાંભળવા કાન માંડ્યા.પણ અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહતો. વળી પછી સળગતી ડાળી તેણે અંદર ફેંકી. પણ પહેલાંની જેમ કંઈ દેખાયું નહિ. તેમ જ કોઈ શંકાસ્પદ  વસ્તુ જોવામાં ન આવી.

જો કોઈ રાક્ષસી દરિયાઈ પ્રાણીની નિવાસ અહીં હશે, તોત અત્યારે માણસોને જોઈને તે કૂવામાં થઈને સમુદ્રમાં પ્રવેશી ગયું હશે.

દરમિયાન ઈજનેર અખાત સામે એકી નજરે જોઈ રહ્યો હતો. મશાલો બુઝાતી જોઈ તેણે કહ્યું:હવે આપણે નીકળવું જોઈએ.

હાર્ડિંગના આદેશ પ્રમાણે બધા પાછા ફર્યા. ટોપ સૌની પાછળ હતો. ચઢાણ મુશ્કેલ હતું. હજી ટોપ વચ્ચે વચ્ચે ઘૂરકતો હતો. મશાલો એક પછી એક ઓલવવા લાગી. તેઓ બધા સરોવરને કિનારે આવી પહોંચ્યા.

એ વખતે સાંજના ચાર વાગ્યા હતા.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Mahi Joshi 2 માસ પહેલા

Verified icon

Vasu Patel 3 માસ પહેલા

Verified icon

Suresh Prajapat 4 માસ પહેલા

Verified icon

Jigar Shah 5 માસ પહેલા

Verified icon

Dr.Bhuva 5 માસ પહેલા