તરસ
ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટના નવમાં માળની બાલ્કનીમાં બેઠેલી પલ્લવીએ પુસ્તકને બંધ કરી ગાર્ડનચેર પાસેના મેહોનીના નક્શીદાર સ્ટેન્ડ ઉપર મૂક્યું.સાફ આકાશને ચીરતું વિમાન ઘરઘરાટ છોડીને પસાર થઈ ગયું. આકાશી ધૂંધમાં એ ધીરે ધીરે ભૂંસાતું ગયું, ત્યાં સુધી પલ્લવી આંખ ઝીણી કરી જોતી રહી. એને વિચાર આવ્યો, મી. પદમાંકર – એના પતિને સૌ એ નામથી જ સંબોધતાં – બોર્ડિંગપાસ મેળવી એરપોર્ટની એક્ઝિક્યુટિવ લાઉન્જમાં અત્યારે કોચીન ફ્લાઇટના બોર્ડિંગ એનાઉસમેન્ટની રાહ જોતાં બેઠા હશે. મી. પદમાંકરની કન્સ્ટ્રકશન કંપની હતી, મુંબઈ અને સોલાપુરમાં ફ્લેટ હતાં. કમાણીની નિશાનીરૂપ તેમની એક વિદેશી ગાડી પણ પાર્કિંગમાં જોઈ શકાતી. સમૃદ્ધિનાં જોરે ઢળતી ઉંમરે પણ પોતાના જેવી જ્ઞાતિની યુવતી મેળવી ખુશ હતાં.પહેલી પત્નીથી ડિવોર્સ થઈ ગયાનાં વરસો બાદ, તેમને હવે વારસ પેદા કરવાનું યાદ આવતાં કોર્ટમેરેજ કરી લીધાં.
પલ્લવી બાલ્કનીમાંથી શહેર ઉપર ઘેરાતી સાંજ જોઈ રહી. મેઇન રોડ ઉપર વહેતાં ટ્રાફિક ઉપર ઝૂકેલી રોડ લાઇટોનો પ્રકાશ હજુ નિસ્તેજ લાગી રહ્યો હતો. મી. પદમાંકરની કન્સ્ટ્રકશન કંપનીના ગ્લોસી સુવેનિયરનાં મુખ્ય આકર્ષણ જેવી,બહુમાળી બિલ્ડિંગો મુખ્ય રોડને સમાંતર ગર્વપૂર્વક ઊભેલી એ જોઈ રહી. મધ્યમવર્ગનાં તપનું ભંગ કરતી અપ્સરાઓ જેવી આકર્ષક એ ઇમારતોથી દૂર એક કાચી વસાહત ઊભી હતી.અડોઅડ ઊભા થઈ ગયેલાં મકાનોનાં કાળા છાપરાં દેખાવાનો બાલ્કનીમાંથી ભાસ થતો હતો. એ રામજીનગરના મેદાનમાં ઉભી થઇ ગયેલી વસાહત હતી. એ તરફ અસ્પૃશ્ય નજર ફેરવી પલ્લવી ડ્રોઈંગરૂમમાં આવી ગઈ. રિમોટ વડે એણે ફ્લેટની લાઇટો ચાલુ કરી. ડ્રોઈંગરૂમનું ઐશ્વર્ય ઝળહળી ઉઠ્યું.પૈસાથી ખરીદી શકાય એવું પ્રકાર પ્રકારનું સુખ,મી. પદમાંકરના ફ્લેટમાં સજાવેલું પડ્યું હતું.
પલ્લવીને થયું રામજીનગરના મેદાનની ખોલીથી એ ઘણે દૂર આવી ગઈ હતી. ગંદગીમાં મોઢું ખોસીને ખોરાક શોધતાં સુવ્વરની જિંદગીનો કણસાટ પણ ન સંભળાય એટલી ઊંચાઈએ રહેવા લાગી હતી. આ બધુ શક્ય બન્યું પોતાની એક હા વડે. કદંબ પિતાજીને સમજાવતાં કહેતો એમ,એક હા વડે બધાના સુખના દરવાજા એણે ખોલી નાખ્યા હતાં.એ સુખની ચાવી પોતા પાસે હતી એની કસ્તુરીમૃગની જેમ એને જ ખબર પડી નહિ. પોતાની યુવાન ઊર્મિઓ, સ્વપ્નોનો ભંગાર વેચી એ બધાનું સુખ ખરીદી લાવી. મહેલોમાં ટિંગાતા, શિકાર કરેલા પ્રાણીનાં મસાલા ભરેલા ભોથા જેમ એ પણ આ ફ્લેટનો એક હિસ્સો હતી.ડ્રોઈંગરૂમની સજાવેલી વસ્તુ જેવો જાજરમાન હિસ્સો.
OOOOO
કદંબ રામજીનગરની બાજુની ખોલીમાં રહેતો બેકાર યુવાન હતો. પલ્લવી કદંબને એની બેકારી સહીત પસંદ કરવા લાગી હતી અને એટલેજ કદંબે જ્યારે પલ્લવીના પિતા સમક્ષ જે પ્રસ્તાવ મુક્યો, સાંભળી એ ડઘાઈ ગઈ હતી. એ દિવસે કદંબ પાછળ મેટ્રો સ્ટેશન સુધી ગઈ હતી. પ્લેટફોર્મ પરની ભીડ અને એનાઉસમેન્ટના અવાજો વચ્ચે જિંદગીના મહત્વના નિર્ણય અંગે કદંબ સાથે ટૂંકી વાત થઈ શકી.
‘તું શું ચાહે છે. હું મારા પિતાની ઉમરના પુરુષ સાથે જિંદગી શરૂ કરું, એ પણ તારા કહેવાથી?’
‘પલ્લવી, એ તો તારા ફેવરની વાત છે, એ તને હથેળીમાં રાખશે. ઉમર થોડી વધારે છે. પણ માણસ બાહોશ છે. બાહોશ છે માટે જ પૈસો ભેગો કરી શક્યો છે. પૈસાની ચમક બધું ભુલાવી દેશે.’– કદંબનો જવાબ એને સેલ્સમેનની ભાષા જેવો વ્યવસાયી લાગ્યો હતો.
‘મારા ફેવરની વાત શું તું સમજતો નથી? કે તારી સમજ પૈસાના વજન નીચે દબાઈ ગઈ છે?’
કદંબ બોલી ગયો હતો–‘હું પદમાંકર શેઠને સારી રીતે જાણું છુ. જો તેઓને તારી શરતો મંજૂર છે. બધાંની ઉમેદ તારા નિર્ણય ઉપર ટકી છે.’
‘એક બૂઢા સાથે મારાં લગ્ન કરાવીને તને શું મળશે, થોડા પૈસા જ ને?’–પલ્લવીને થયું હવે કહેવાનો અર્થ ન હતો છતાં એનાથી કહેવાઈ ગયું હતું –‘આપણ આમચ્યા સ્વપ્ન વિસરું ઇચ્છિત?’ (શું આપણે સાથે જોયેલા સ્વપ્નો ભૂલી જાઉં?)
કદંબે પ્લેટફોર્મ પર આવી રહેલી ફાસ્ટ ગાડી જોઈ ઝડપથી કહ્યું હતું–‘સ્વપ્નો જોઈ બરબાદ થવું મને પોષાય એમ નથી.’
પલ્લવીને એક ક્ષણ લાગ્યું હતું જાણે આસપાસનો ઘોંઘાટ સંભળાતો બંધ થઈ ગયો છે, પ્લેટફોર્મ ઉપરની ભીડ સ્થિર થઈ ગઈ છે..ગાડીમાં ઘૂસતાં પહેલાં કદંબના મોઢેથી ફેંકાયેલા શબ્દો સંભળાયા હતાં....–‘હસનને ખોલીના બાકીના રૂપિયા આપવાના છે. પોસ્ટગ્રેજયુએટ થવા પણ મોટી રકમ જોઈશે? પણ તું કઈ બરબાદીની હજુ રાહ જોઈ રહી છો?તારો વડીલ ખોલીના પૈસા ચૂકવી નહિ શકે તો હસન તને કોઠે બેસાડી આવશે એક દિવસ.’ એક આંચકા સાથે ગતિ પકડી ચૂકેલી ગાડીના ડબ્બાના અજાણ્યા ચહેરાઓ વચ્ચે ખોવાઈ જતો એ જોઈ રહી હતી. સ્થિર થઈ ગયેલી ભીડ, ઘોંઘાટ બધુંજ પૂર્વવત થઈ ગયું હોય અને પોતે પ્લેટફોર્મ પર પત્થર જેમ જડાઈ ગઈ હોય એવો અનુભવ થયો હતો.
OOOOO
હસનની યાદ આવતાં એ અત્યારે પણ અસ્વસ્થ થઈ ગઈ. પિતા પાસે ખોલીના રૂપિયાનો તકાદો કરી હસન પાછો વળી જતો. પણ પલ્લવી પોતાના શરીર પર એની ચકચૂર આંખ વંદા જેમ ફરફરતી ક્યાંય સુધી અનુભવતી. પાણીનો ગ્લાસ લેતાં એ કાયમ સ્પર્શ કરી, પીળાં દાંત દર્શાવતું બીભત્સ હસી જતો. પલ્લવીને એનું વર્તન શિકારને કાંટાદાર જીભથી ચાટતાં હિંસક પશુ જેવુ જણાતું. કદંબ સાથે વાત થઈ ગયા બાદ એણે ભવિષ્ય અંગે વિચારવાનું છોડી દીધું. વિચારવાનું હતું જ ક્યાં? થોપાઈ ગયેલો નિર્ણય સ્વીકારી લેવા સિવાય કોઈ વિકલ્પ હતો? જાદુઇ છડી ફેરવી તકદીર બદલી શકે એવો વિકલ્પ? અશક્ત પિતાજીને હવે મજૂરી નહીં કરવી પડે. બિચારી આઈનું ઘડપણ ગામમાં સુખેથી વિતશે કદંબને પણ એ મદદ કરી શકશે, એ વિચારથી કોઈ માટે ત્યાગ કરવાં જેવો ભાવ થયો હતો.આખરે એણે મેરેજ ડિકલેરેશન ફોર્મ ઉપર સહી કરી આપી હતી.
પલ્લવીએ વિચાર્યું આ નિર્ણયથી પોતાને શું મળ્યું? પૈસાથી ખરીદી શકાય એવું આભાસી સુખ, ટપકતી રહેતી એકલતાથી કોરાતો વર્તમાન, અને પત્નીમાંથી માતા બનવાનું સુખ ન આપી શકવાની મી. પદમાંકરની કમજોરી! રીઅલ એસ્ટેટના બાહોશ ખેલાડી મી. પદમાંકરને બેડરૂમની થોડા ચોરસફીટની જગ્યા હરાવી રહી હતી. હમણાં હમણાં તેઓ કેરળના જંગલોની જડીબુટ્ટીનાં ઈલાજ તરફ વળ્યા હતાં. ઈલાજ કરાવી પરત ફર્યા બાદ તેઓ ઠરી ગયેલા અંગારા ફૂંકવાના પ્રયાસમાં અધીરા બની જતાં. નિષ્ફળ જવાનો ડર, તેમના પ્રયાસને સફળ થવા દેતો નહિ. બહારના જગતમાં મેળવેલી ઝળહળતી જીત, હારમાં પલટાઈ ગયેલી તેઓ પલ્લવીની નિસ્તેજ આંખોમાં જોઈ શકતાં. લઘુતાગ્રંથિમાંથી ઝરતી હતાશા ભૂલવા તેઓ બિઝનેશમાં વધુ મશગુલ થઈ જતાં.ફરી કોઈ નવા ઇલાજનું ચક્કર શરૂ થઈ જતું. છેલ્લા બે-વર્ષથી, માસ્ટર બેડરૂમની દરિયા તરફથી ફૂંકાતી હવામાં રાતોનો શ્વાસ ઘૂંટાતો એ અનુભવતી.
વિચારોને બળજબરીપૂર્વક હટાવા પલ્લવીએ સેલફોનથી યુ.એસ.પિત્ઝામાં ઓર્ડર નોધાવી. પંચાવન ઇંચનું થ્રીડી કર્વ્ડ એલ.ઇ.ડી ચાલુ કર્યું. ન્યૂઝ ચેનલો લાતૂર સ્ટેશને રવાના કરવામાં આવેલ પાણીની ટ્રેન પાછળ ભાગી રહી હતી.પલ્લવીને થયું આતો એનુ જ ગામ, જે છોડીને એના માતા-પિતા સાથે આ શહેરની રામજીનગરની કાચી વસ્તીમાં સ્થળાંતર કરી આવી હતી. એના ગામની સ્ત્રીઓના જીવનના ઘણાં વર્ષ પાણી લાવવામાં જ ખર્ચાઈ જતાં. સમજ આવી ત્યારથી પલ્લવી જોતી આવી હતી કે ચોમાસું નિષ્ફળ જતું,એ વર્ષ પસાર કરવું દુષ્કર બની જતું અનુત્પાદક કામોમાં રોકાયેલ પુરુષો ભાગ્યેજ મદદરૂપ થતાં. ગર્ભવતી, અશક્ત, અપંગ કે બીમાર સ્ત્રીઓને પણ બેસી રહેવું પરવડતું નહિ. ક્યારેક કેટલાય માઈલ પગે ચાલીને પાણી લઈ આવવું પડતું. ઠેકેદારનું ટેન્કર, આવી જાય ન પણ આવે પણ બાર વર્ષની પલ્લવી ભણવાનું છોડી મોડી રાતથી કતારમાં બેસી રહેતી. એકબીજાના સુખ-દૂ:ખમાં ભાગીદાર થતાં ગામના લોકો ટેન્કર આવતાં જ અજાણ્યાં બની જતાં. કૂવાના પાણી ઉપરના કચરા જેમ સ્વાર્થ ઉપર તરી આવતો. ગાળાગાળી, માર-પીટ અને ચારિત્ર્ય હનન જેવા અસ્ત્ર-શસ્ત્ર વડે સ્ત્રીઓનું પાણી-પત ખેલાઈ જતું.
આવા વાતાવરણમાં જ એ મોટી થયેલી.એની ઉમરની છોકરીઓને કૂવાની અંદર દોરડાના સહારે ઊતરતી જોઈ એ આંખો મીંચી જતી. પહેલી વખત ઊતરતી છોકરીને, કૂવાની લગભગ સાઠ ફિટની ઊંડાઈ, પાતાળ બની ડરાવી મૂકતી.પછી આદત પડી જતી–કૂવાની અંદરની બંધિયાર વાસની, કમર ઉપરનાં દોરડાની ભીંસની, કૂવાના મથાળે ડોલતાં માથાઓ અને ધીમાં પડતાં જતાં તેમનાં ગણગણાટની.– પત્થરીયા કૂવાના તળિયે ટેન્કર મારફત ઠલવાયેલાં ચળકતાં પાણી ઉપર માસૂમ આંખ ચોંટી જતી.કૂવામાં ઉતરેલી છોકરીનું કામ તળિયેથી પાણી ઉલેચી પ્લાસ્ટિક કે પત્તરાની ડોલમાં ભરવાનું. દોરડાના છેડે બંધાતી ડોલ, કૂવા ઉપર જમા થયેલા ગ્રામવાસી ખેંચી લેતાં. કામ ખતમ કરીને બહાર આવતી છોકરીને કૂવામાં ઉતરવાના ઈનામ બાબત કોઈ પૂછતું, જવાબમાં એ નાદાન કમર અને પેટ ઉપર પડેલાં નિશાનો, ફ્રૉક અંદરથી દર્શાવતી,રમવાનું છોડી બાળકો એ જોઈ રહેતાં.
એ વર્ષે સાથે ભણતી અર્ચનાને,ઘણાં દિવસ માટે સ્કૂલમાંથી છુટ્ટી મળી ગઈ હતી. કૂવા ઉપરથી દોરડું સરકી જતાં એ તળિયે પછડાઈ. તળિયાની નજીક પહોંચવા આવી હતી,એટલે એક પગના અસ્થિભંગથી દુર્ઘટના અટકી. બે મહિના પહેલાં એક માસૂમ એવો પટકાયો હતો કે પ્લાસ્ટરની જરરૂ જ રહી નહિ. ખરબચડા સફેદ પ્લાસ્ટરમાં વધુ કાળો લાગતો અર્ચનાનો પગ પલ્લવી જોઈ રહેતી. પેન્સિલથી એણે લખેલા બે અક્ષરો ‘સખી’ ધીરે ધીરે મેલાં થઈ ગયેલા પ્લાસ્ટર ઉપર ઝાંખા ધબ્બા જેમ દેખાવા લાગ્યાં, ત્યાં સુધીમાં બેઉ વચ્ચેનું સખ્ય ઘૂંટાઇ ગયું હતું. પ્લાસ્ટર ખૂલ્યું ત્યારે એની સાથે હેલ્થ સેન્ટરમાં ગઈ હતી. પ્લાસ્ટર જેટલાં ભાગમાં ત્વચાનો રંગ શરીના રંગથી જુદો જ લાગી રહ્યો હતો. એણે પગના એ ભાગ ઉપર ધ્રૂજતો હાથ ફેરવ્યો હતો..
OOOOO
પલ્લવી ધ્રુજી ઉઠી જયારે એણે જોયું કે એની સુકુમાર કમર ઉપર કસીને બાંધેલા દોરડાના સહારે પત્થરીયા કૂવામાં ઉતારવા એને મજબૂર કરાઇ છે. ડરથી એના અંગો કાચબાની જેમ સંકોચાઈ ગયાં છે. આંખો ભયથી મીંચી રાખી એ કૂવામાં ઉતરી રહી છે. લોકોની વાતોનો, સમજાયા વિના સંભળાઈ રહેલો ઘોંઘાટ, જેમ જેમ વધુ નીચે ઉતરતાં, ધીમો પડતો લાગ્યો. કૂવામાં ભરાઈ બેઠેલા ભેદી અંધકારમાં એ ખૂંપી રહી છે. કૂવા વિષે સાંભળેલી ડરામણી વાતો ભૂતાવળ બની બંધ આંખો સામે નાચી રહી છે. ત્યાં કોઈ પક્ષી પાંખો ફફડાવતું કાન પાસેથી ઝડપથી ઉડી ગયું. અચાનક એની કમર ઉપરથી દોરડું ખૂલીને સરકી જતું હોય એવું લાગ્યું. ગળામાંથી નીકળી ગયેલી ચીસનો અવાજ, આંધળા કબૂતર જેમ કૂવામાં અથડાઇ રહ્યો છે. એ વેગથી નીચે અંધકારમાં ફંગોળાતી જાય છે, પણ કૂવાનું પાણીથી ચળકતું તળિયું દેખાતું નથી. ચારેતરફ બસ ઘોર અંધકાર છવાઇ ગયો છે. એનો જીવ ગળામાં તરસ બની, જાણે અટકી ગયો છે.
સેલફોનની વાગી રહેલી રિંગથી પલ્લવીની આંખો ખૂલી ગઈ. સ્વપ્નમાં નીકળી ગયેલી ચીસનો અવાજ જાણે હજુ મનમાં પડઘાતો હોય એવું લાગ્યું. સેલફોનની રીંગ તથા ચાલુ રહી ગયેલ ટી.વી.નો જીવંત અવાજ ડ્રોઈંગરૂમની શાંતિ ખળભળાવતો આવી રહ્યો હતો. ડ્રોઈંગરૂમના ટાઈમપિસ તરફ જોતાં પલ્લવીએ વિચાર્યું, અત્યારે વહેલી સવારે કોણ હશે? સ્ક્રીન પર મી. પદમાંકર હસી રહ્યા હતાં. ઝડપથી એણે ફોન કાને માંડ્યો. સામેથી મી. પદમાંકરનાં મેનેજર પ્રભાકરનો અવાજ સંભળાયો “મેડમ..... સાહેબને હોસ્પીટલમાં એડમિટ કર્યા છે...પેરેલીસીસ સ્ટ્રોક..પણ ચિંતાનું કારણ નથી ડોક્ટરનું કહેવું છે રીકવરી શક્ય છે. મેડમ.. તમે નીકળવાની તૈયારી કરો.આપણી ત્યાંની ઓફિસનો માણસ ફ્લાઇટની ટિકિટ અને બીજી વ્યવસ્થા કરી તમને એરપોર્ટ મૂકી જવા નીકળી ચુક્યો છે.” એ કઈં પૂછે એ પહેલાં ફોન કટ થઈ ગયો.
એણે જોયું ટી.વી. ઉપર હજુ પણ પાણીની અછતથી બેહાલ ગામડાઓની સ્થિતિ અંગેના ન્યુઝ ચાલુ હતા. એજ દ્રશ્યો, દૂર દૂર પાણી લાવવા જતી લાચાર સ્ત્રીઓ. ગોબાપડી ગયેલા ખાલી વાસણો લઈ કતારમાં બેસી ગયેલાં એવાજ ગ્રામીણો. પત્થરીયા કૂવા ઉપર માખી જેમ બણબણતા તરસ્યા માણસો…જાનવરોની લાશ ચૂંથી રહેલા ગીધ....! સ્પલિટ એ.સી.ની ફ્રન્ટ પેનલ વીસનું ટેમ્પરેચર બતાવતું હોવા છતાં કપાળ ઉપર પરસેવાની ભીનાશ અનુભવાઈ. પલ્લવીએ ફ્રિજમાંથી બોટલ કાઢી, આંખો મીંચી ઝડપથી બે-ત્રણ ઘૂંટ ગટગટાવી ગઈ. ટી.વી. ન્યુઝ રિપોર્ટરે અહેવાલનું સમાપન કરતાં નાટકીય અંદાજમાં દાગેલો પ્રશ્ન–યે પ્યાસ કબ બુઝેગી? –કાનોમાં જાણે ગરમ સીસું બની રેડાયો.
OOOOO