માર્ગ rathod jayant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માર્ગ

માર્ગ

ટ્રેન તેના અંતિમ મુકામ બનારસમાં પ્રવેશી એ સાથે જ શરૂ થયેલ ‘ગંગા મૈયા કી જય’ નો ઘોષ ડબ્બામાં ગુંજી રહ્યો. તડકામાં ચળકતા ગંગાના લીલા પાણીનો અર્ધ-ચંદ્રાકાર પટ જોઈ, શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કાઓ અને ફૂલો ફેંકાયા. ટ્રેન છેવટે એક આંચકા બાદ સ્ટેશન પર ઊભી રહી ગઈ. ઉતરી રહેલ મુસાફરોને રિકશા ચાલકો ઘેરી વળ્યા. સીટ નીચે લોક કરેલ સૂટકેશ ખોલી એ પણ બીજા મુસાફરો સાથે ઉતરી ગયો. બનારસનો રહેવાસી હોય એવી સહજતા પૂર્વક સ્ટેશન બહાર નીકળી, રિકશાવાળાને ‘ભૈરવ બાબા આશ્રમ’ જવાની સૂચના આપી એ બેસી ગયો. નદી તરફથી ફૂંકાતા પવન છતાં, રિકશામાં ગરમી લાગી રહી હતી. એણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચહેરો અને ચશ્માના કાચ લૂછયા. ચાલતી રિકશામાંથી બહાર દેખાતા દ્રશ્યો ઉપર ફરતી એની નજર, રિકશાના પૈડલ ચલાવતા સુકા માંસપેશી વાળા બે કાળા પગ સુંધી આવીને સ્થિર થઈ. પગ ઉપર શ્રમના મહોર જેવા, પરસેવો સુકાવાથી પડી ગયેલ સફેદ નિશાન એ જોઈ રહ્યો.

મુસાફરીની થકાવટથી આંખો ઘેરાવા લાગી, ત્યાં રિકશાવાળાનો સ્વર “બાબુજી આશ્રમ પહુંચ ગયે” ગરમ લૂ સાથે કાન પર અથડાતાં એ જાગ્રત થઈ ઉતર્યો. મે મહિનાની ગરમીથી બચવા સફેદ અંગૂછા વડે માથું ઢાંકેલો ચાલક, રિકશાના પૈડા તપાસી રહ્યો હતો. ભાડાના પૈસા ચૂકવી એણે આશ્રમની અંદર પ્રવેશ કર્યો.

આશ્રમ વિશાળ જણાયો. કંપાઉંડમાં આવેલ મંદિરની લાંબી ધજા, હવાના અભાવે સફેદ ઘૂમટ ઉપર પડી ગયેલી જોઈ, એને લાલ કપડાંમાં બંધાતી લાશનો વિચાર ઝબકી ગયો. મંદિરની બહાર હવન કુંડમાં, ખોડેલ ત્રિશુળ ઉપરનું સિંદુર તડકામાં ઝગારા મારી રહ્યું હતું. કંપાઉંડની બંને બાજુ માટીની દીવાલો અને ઘાસના છાપરા વડે બનેલી ઝૂંપડીઓ દેખાઈ. ફૂલ-ઝાડ આશ્રમ બન્યો હશે એ પહેલાથી ઉગેલા હોય એવા કુદરતી જણાતા હતા. મંદિર પાસે સફાઈ કરી રહેલ વ્યક્તિ પાસેથી પંડિતજી ક્યાં મળશે એ જાણી, એ દર્શાવેલ આવાસ તરફ ગયો. પંડિતજી સાથે એનો પત્ર-વ્યવહાર ચાલતો હતો, છેલ્લા પત્રમાં એને વારાણસી આવવાની અનુમતિ મળી હતી. આવાસના દરવાજે એક કૃશ, ઘઉંવર્ણી, ઊંચી દેહાકૃતિએ એને આવકારતા કહ્યું ‘ પહુંચ ગયે પુરોહિત!’

સિદ્ધાર્થ પુરોહિતને સમાધાન ન થયું કે જેની સાથે પત્ર-વ્યવહાર ચાલતો હતો એ આજ કિશ્વર પંડિતજી? પણ તેઓ તો પોતાને પ્રથમ મુલાકાતમાં જ ઓળખી ગયા, ખરા સાધક છે. ‘પુરોહિત આજ આરામ કરો, કલ સે સાધના આરંભ કરેંગે’ એવો આદેશ આપી કૃશ શરીર આશ્રમના પ્રવેશ માર્ગની દિશામાં ઝડપથી ચાલી નીકળ્યું. એક સંન્યાસી રહેવાની જગ્યા બતાવી ગયો. એક ઝૂંપડીમાં તેનો ઉતારો હતો. જગ્યા અંદરથી સ્વચ્છ જણાઈ, નાહવાની વ્યવસ્થા પણ અંદર જ હતી. એણે સ્નાન કરી કપડાં બદલ્યા અને ચટાઈ પાથરી લંબાવ્યું. મોડી સાંજે એ સફાળો જાગી ઉઠ્યો, ઊંઘમાં જાણે એની પત્ની બેઉ હાથ વડે ઢંઢોળી જગાડી રહી હતી. ઘેરાતી સાંજના અંધકાર સાથે આરતીનો ઘંટારવ, બારીના માર્ગે ઝૂંપડીમાં પ્રવેશી રહ્યો હતો. બહાર નીકળી એણે મંદિર તરફ ચાલવા માંડ્યુ.

***

બીજા દિવસથી એણે કિશ્વર પંડિતજીના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે સાધનાનો આરંભ કર્યો. શ્વાસ-ઉચ્છવાસનો ચોક્કસ લય પ્રતિપળ જળવાય એવી સૂચના છતાં, લય તૂટવા તરફ ધ્યાન રહેતું ન હતું. ધૂણીમાંથી ઉડતા તણખા જેમ મનમાંથી વિચારો ઉઠતાં રહેતા હતાં.

એક સવારે સિદ્ધાર્થ પત્નીને પત્ર લખવા બેસી ગયો. પોતાના નિર્ણય અંગે પત્નીને સમજાવી નહીં શકાય એવું વિચારી એણે પુત્રને સંબોધીને પત્ર લખવા માંડ્યો-

ચી. રાહુલ.

તમે બન્ને કુશળ રહો એવી કામના.

આદતવશ પત્રમાં લખાઈ ગયેલા એ વાક્ય ઉપર ત્રાટક નજરે જોઈ એણે વિચાર્યું, કે જ્યારે હવે સર્વ ઇચ્છા છોડવાની છે ત્યારે કુટુંબના પણ ક્ષેમકુશળની કામના રાખવાનો શું અર્થ. એણે ‘એવી કામના’ શબ્દો છેકી નાખ્યા, અને આગળ લખવાનું શરૂ કર્યું.... હું બહુ દૂર આવી ગયો છું. તમારાથી, સબંધોથી, અને સ્વયં મારાથી-મને જેવો મેં જાણ્યો હતો- એ કહેવાતા જ્ઞાનથી પણ દૂર નીકળી આવ્યો છું. ઘણા મનોમંથન બાદ મને સમજાયું છે કે સર્વ દુખોનું કારણ કામના છે. જીવનનો બાકી રહેલો સમય હું દુખમુક્તિના પ્રયત્નોમાં ગાળવા માંગુ છું. મારી બચતની રકમનો મોટો ભાગ તમારા બંનેના નામ પર બેંકમાં જમા છે. તારી માતાને મારી સ્થિતિ તું સમજાવી શકશે. શોક કરવાનું કોઈ કારણ હું જોતો નથી. અત્યારે કાશીમાં થોડો સમય છું, આગળ ક્યાં જઈશ હજુ વિચાર્યું નથી. તમારો ઉત્તર જાણવાની પણ કામના રાખવી એ સાધનામાં અડચણ ઊભી કરતી બાબત છે, પણ ઇચ્છા રોકી શકતો નથી, એટલે સાથે જવાબી પોસ્ટકાર્ડ બીડેલ છે. મનમાં પ્રશ્ન ઉઠ્યો. જવાબની કામના શા માટે? મને જ સમાધાન આપ્યું, પત્ની અને પુત્રની પ્રતિક્રિયા કમસે કમ એક વખત જાણી લેવી જરૂરી છે, એણે નક્કી કરેલા માર્ગ ઉપર આગળ વધવાનું એ રીતે સુગમ થશે.

પત્ર લખી નાખવાથી એક બોજ હળવો થયો હોય એવો સિધ્ધાર્થ અનુભવ કરી રહ્યો. હવે સાધનામાં ધ્યાન આપી શકાશે. પછીના દિવસો પંડિતજીએ દર્શાવેલ વિધિઓ, એકાગ્રચિત્તે કરવામાં જવા લાગ્યા. એ દરમિયાન આશ્રમમાં આવતા કાલુ નામના ડોમ સાથે પરિચય થયો. એની સાથે એ મણિકર્ણિકા ઘાટ ઉપર જવા લાગ્યો.

સ્વજનોના ખભાઓ પર ઝૂલી ને આવતી લાશોને ઘાટ પર મૂકાતી એ જોઈ રહેતો. લાલ, પીળા રેશમી વસ્ત્રોના ટુકડાઓ લટકાવેલી, ફૂલોથી લદાયેલી, લાશો જોવા મળતી. કપાયેલા આમ્રવૃક્ષના પાટડાઓનો મોટો જથ્થો ઘાટ ઉપર તેમજ પાણીમાં રહેલી હોડીઓમાં મુકાયેલો જોઈ શકાતો. આ લાકડાઓ વડે દાહ સંસ્કાર કરવા ચિતા ખડકવામાં આવતી. શ્રીમંતો ચંદનના લાકડાઓ ઉપયોગમાં લેતાં. વાંસની નનામી ઉપર બાંધીને લાવવામાં આવેલી લાશને છોડી ગંગામાં સ્નાન કરાવાને કારણે, ઘાટ પાસેના પાણી ઉપર ફૂલો તથા નનામી ઉપરની બીજી સામગ્રીઓની ચાદર તરતી રહેતી. ચિતાઓની જવાળાઓમાં ભડથું થઈ રહેલા અંગોમાંથી ઝરીને આગમાં તતડતા પ્રવાહી સાથે, બળી રહેલા અસ્થિ-માંસની વાસ ફેલાવતો ધુમાડો ફૂંકાઈ રહેતો. ઘાટ એવું સ્મશાન જણાતું, જ્યાં કાળનું મહાતાંડવ આંખો બંધ થયે પણ જોઈ શકાતું. મૃત્યુના બ્લેકહૉલ જેવા જડબાઓ જેને ગળી ચૂક્યા છે, એવા જીવોની અંતિમ વિધિથી ફેલાતી ગમગીન કાળાશ, ઘાટ ઉપરની જૂની ઇમારતના પત્થરોમાં જામી ગઈ હતી. જામી ગયેલી કાળાશ ને કારણે ઇમારત હોય એનાથી પણ વધુ જૂની હોવાનો ભાસ ઊભી કરતી હતી. જોકે ક્ષણભંગુરતાના સાક્ષાત્કાર વચ્ચે પણ આવતી કાલની ચિંતામાં ફરતાં લોકોને જોઈ વાતાવરણ સહ્ય બનતું હતું. દાહ સંસ્કાર માટે માથા ઉપર લાકડાનો ભારો ઊંચકી લાવતાં મજૂરો, સંસ્કાર કરાવી રહેલા પંડિતો, મૃત શરીરોને ચિતા પર ગોઠવી, બાળવાની ક્રિયાને તટસ્થતા પૂર્વક આટોપતા ડોમ, કિંમતી વસ્તુઓ શોધવા, ચિતાની રાખ પાણીમાં ફેંદી રહેલા શ્રમજીવી. ઈંટોની કામચલાઉ બેઠક ઉપર, મૃતકના સ્વજનોને બેસાડી મુંડન કરી રહેલો હજામ–આ સૌના ઘરના ચૂલા, ચિતાઓની અગ્નિને કારણે ચાલુ રહેતા હતા. ખાદ્ય પદાર્થની શોધમાં કૂતરાં પણ ઘાટ પર ફરતા રહેતા હતાં. સિદ્ધાર્થને જણાયું જીવન પણ પાણીની જેમ પોતાની સપાટી મેળવી લે છે, મૃત્યુ ગળી જાય એ પહેલાં.

સિદ્ધાર્થને ઘાટ પર નિયમિત આવતા એક સજ્જનથી મેળાપ થયેલો, તેઓ મુગલસરાઈ તરફના હતા. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત વિષય ભણાવી નિવૃત્તિ બાદ, અહીંજ વસી ગયા હતા. પ્રોફેસર દીક્ષિત સાથે બનારસના ઘાટો ઉપર સાંજના સમયે ફરવા જવાનો એનો ક્રમ થઈ ગયો.

તુલસીદાસ ઘાટ ઉપર એક સાંજે બેઠક લેતા સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો-“પ્રોફેસર, કાશીનું મરણ હિંદુઓ શ્રેષ્ઠ ગણે છે, તમે તો સંસ્કૃતના અભ્યાસી છો. શું કહેશો આ વિષે?”

પ્રો. દિક્ષિતે પોતાની છડી ઉપર બન્ને હાથોનો આધાર લઈ કહ્યું- “સુરતના જમણ જેટલું જ શ્રેષ્ઠ! ઘાટ ઉપર અર્ધ બળેલ મડદાઓ, પાણીમાં વહાવી દેવાતાં તમે જોયા છે. અંતિમ અવસ્થામાં પહોંચતા આસ્થાળુઓને તેમના સ્વજનો કોઈના સહારે છોડી જતાં રહે છે. શ્રેષ્ઠ મૃત્યુ મળવાની કામનામાં બાકી રહેલા દિવસો કેવી સ્થિતિમાં તેઓ ગુજારે છે એ જુવો. ”

“ એ ખરું, પણ કાશીમાં દેહ છૂટવો એટલે મુક્તિ એવી માન્યતાથી લોકો આવે છે ને?’

“મુક્તિ? સિદ્ધાર્થ, તમે મુક્તિ કોને કહો છો?”

“ જન્મના ચક્કરમાંથી મુકત થઈ જવું”

પ્રો. દીક્ષિતના પાન ખાવાથી વધુ લાલ થયેલા હોઠો ઉપર સ્મિત પ્રગટ્યું- “ બનારસ, (ગંગા)મૈયાની પશ્ચિમે વસેલું છે. જીવનદાયી સૂર્ય આ દિશામાં અસ્ત પામે છે. એ અર્થમાં બનારસ એક મોટું સ્મશાન કહેવાય. હવે જરા બીજી રીતે વિચારો બનારસ પૂર્વાભિમુખ પણ છે, પ્રાણઉર્જાનો સંચાર કરતો સૂર્ય પૂર્વ દિશાની ક્ષિતિજે પ્રગટે છે. એટલે બનારસ જન્મ અને મૃત્યુ બેઉનો મહિમા સમજાવે છે. મારી દ્રષ્ટિએ”

“તો દુખથી મુકત થવાનું જ્ઞાન મહાપુરુષો આપી ગયા, એ કેમ સમજશુ”- સિદ્ધાર્થે પોતાની મૂંઝવણ પ્રકટ કરી.

“વાસ્તવમાં દુખ કે સુખ જેવુ શું છે? એક જ પરિસ્થિતિ થોડો સમય સુખ આપ્યા પછી, દુખનું કારણ નથી જણાતી?તમે કદાચ કહેશો, ભગવાન બુદ્ધ જિંદગીના છેલા ઓગણપચાસ વર્ષ દુખ મુક્તિના ઉપાયો ઉપદેશતા રહ્યા. ”

“ હા બરાબર છે, એમણે તો દુખનું કારણ, દુખથી મુક્તિ તેમજ એને દૂર કરવાના ઉપાયો પણ સૂચવ્યા છે. ”

પ્રો. દીક્ષિત ઘાટ પર ઉતરી આવેલ સાંજના ઘેરા અંધકારને જોઈ, છડીને સહારે ઉઠ્યા. સિદ્ધાર્થ પ્રત્યુત્તરની આશામાં ઉઠી પ્રોફેસરની પાછળ ચાલતો રહ્યો. ઘાટના વળાંક પાસે પ્રોફેસર અચાનક ઊભા રહી, સિદ્ધાર્થ તરફ ફરી બોલી ઉઠ્યા – “તથાગતના ઉપદેશને સમજવો એટલો સહેલો નથી. એમની એક દેશના અદભૂત છે–માત્ર દુખ જ છે, પણ તેનાથી દુખી થનાર કોઈ નથી. ક્રિયા છે, પણ ક્રિયાનો કારક (કર્તા) કોઈ નથી. નિર્વાણ છે, પણ નિર્વાણને પામનાર કોઈ પુરુષ નથી. માર્ગ છે, પણ માર્ગે ચાલનાર કોઈ નથી. ”

સિદ્ધાર્થ આ વચનો સાંભળી વધુ ગૂંચવાયો, એનાથી શિષ્યભાવે પૂછાઇ ગયું – “ આચાર્ય! તો મારે માટે ક્યો માર્ગ ઉત્તમ કહેવાય?”

પ્રોફેસર એક હાથ સિદ્ધાર્થના ખભે મૂકી બોલ્યા – “ આપણે સૌ આપણાં માર્ગ ઉપર જ ચાલી રહ્યા છીએ. જીવન તો આ મૈયાના વહેતા પ્રવાહ જેવું છે. આપણી માન્યતાઓના ઘાટ બાંધી, એ પ્રવાહને આપણે જ સ્થગિત કરી નથી રહ્યા?”પાસેના મંદિરમાંથી આરતીનો ઘંટારવ શરૂ થયો, પ્રોફેસરે આગળ વધવા ડગ માંડ્યા. સિધાર્થ જોઈ રહ્યો પ્રજ્વલિત દીપકોના તેજમાં આગળ ચાલી જતી પ્રોફેસરની આકૃતિ, એમના કદ કરતાં આજ મોટી જણાઈ રહી હતી. ઘાટ ઉપર ઘેરાઈ ચૂકેલા અંધકારમાં એક થયેલી જણાતી, પોતાની જાતને કેટલીય ક્ષણો સુંધી સિદ્ધાર્થ ફંફોસી રહ્યો. આરતીનો ઘંટારવ હવે શાંત પડી ગયો હતો. વહી રહેલા દીપકોનું ટમટમાંતું તેજ, સદીઓથી વહેતી ભાગીરથીના પ્રવાહને અજવાળી રહ્યું હતું.

***

આશ્રમે આવી એ ઝૂંપડીનું દ્વાર ખોલવા જતો હતો ત્યાં એક સંન્યાસી આવી સિદ્ધાર્થના હાથમાં પોસ્ટકાર્ડ થમાવી ગયો. અંદર જઈ એણે ફાનસના અજવાળે પત્ર વાંચવો શરૂ કર્યો. અક્ષરો પુત્ર રાહુલના હતા પણ ટૂંકો પત્ર એની પત્ની તરફથી હતો લખ્યું હતું – તમે દૂર કોનાથી ભાગી રહ્યા છો? મુક્તિ અને સાધના ઘર-બાર છોડીને જ થઈ શકે એ જ્ઞાન હજુ દૂર થયું નથી?તમારી બચત, તમારો વિકલ્પ બની શકે? હું તો એટલું જ સમજુ છું, ઘર બાળીને નહીં પણ અજવાળીને થાય એ તીર્થ.

બીજા દિવસની સવારના વારાણસી સ્ટેશનથી છૂટેલા મેલમાં એક ગ્રામીણ બાજુમાં બેઠેલા યાત્રીને પૂછી રહ્યો હતો “બાબુજી આપ કહાં જાયેંગે?સિદ્ધાર્થ પુરોહિતે એ ગ્રામીણને આપેલો ઉત્તર, ગતિ પકડી ચૂકેલી ટ્રેનના ખડખડાટમાં દબાઈ ગયો.

( શબ્દસૃષ્ટિ - ડીસેમ્બર, ૨૦૧૭)