રવજી Krunal jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

રવજી

|| રવજી ||
"વાસી, સુક્કુ, લુખ્ખુ, લોકોના ઘરનું વધેલું હું ખાઉં છું અને ન મળે ત્યારે ભુખો સુઈ જાઉં છું. ફાટેલા, ઉતરેલા, સીવેલા અને મેલથી ગંદા કપડાં હું પહેરું છું. ભણતરથી અજાણ છું, ક્યારેક કોઈક ધનિક સામે જોય છે તો આશાઓનાં પહાડોથી હૈયું ભરાઈ જાય છે અને પળભરમાં જાણે એ આશાઓનો પહાડ તૂટીને ચૂર ચૂર થઇ જાય છે. આશાવાદી જીવન મારુ, આપી જનારનો આભાર માનું છું અને ક્યારેક તિરસ્કારનો ભોગ બની હતાસ થઈ જાઉં છું. સુવા, રહેવા માટે આખી પૃથ્વી ઘર મારુ, આકાશ જાણે ખુલ્લી છત અને ફૂટપાથ જાણે ઘર આંગણ મારુ. દરેક ઋતુ જાણે નવા નવા પડકારો લઈને આવતી હોઈ એમ ઠંડીમાં થિજાઉં છું, ગરમીમાં બફાઉ છું અને વરસાદમાં ભીંજાઉં છું. સહન કરું છું શ્રુષ્ટિના બારે માસ પણ જયારે કઈ નાં મળે ત્યારે મુંજાઉં છું અને ફરી રાતે ભુખો સુઈ જાઉં છું. રોગ ક્યાં જોયા માણ્યા છે મેં, પણ શરૂ જીવન જ દુઃખ દર્દ થી જણ્યો છું હું. ફાંફાં મારુ છું પેટ ભરવા માટે, ક્યારેક બીજા પાસે છીનવા ઉશ્કેરાઉ છું તો ક્યારેક ઉદારતાથી સાથી મિત્રોને ખવડાવ છું. કેવી જિંદગી આપી હે ઈશ્વર મને તે, ઠોકરો ના પોટલા, અને આશાઓનાં રોટલા વચ્ચે સોપારી બનાવી દીધો મને તે,  કોઈ તિરસ્કારથી જુએ છે, કોઈ હમદર્દી જતાવે છે તો કોઈ 'ભિખારી' થી બિરદાવે છે. 
"હા, હું એક ભિખારી છું."
વરસાદમાં ફૂટપાથ પર ભીંજાતા, ઠુંઠવાતા, કુકડું વળીને એક ખૂણામાં બેઠેલા એ આસરે પચાસેક વર્ષનાં વૃદ્ધને જયારે હું મદદ કરવા પહોંચ્યો ત્યારે તેઓની આ આપવીતી હતી.
"ચાલો હું તમને ત્યાં તાડપત્રી નીચે છોડી દઉં, આવો મારી સાથે." મેં એ વૃદ્ધને આશ્વાસન આપતા કહ્યું. 
એમણે મારી સામે આશા ભરી આંખે જોયું. જાણે વરસાદ એમને નવડાવતો હોય એમ માથાના અને દાઢીના વાળ માંથી ટપકતાં મેલા પાણીનાં ટીપાં એમની ઘણા દિવસોથી નાહ્યા નહિ હોવાની સાબિતી કરાવતા હતા. એમની ચામડી સાથે ચોંટેલા હાડકા એમનો ભુખાપો દર્શાવતા હતા અને ફાટેલું ધોતિયું ગરીબી દર્શાવતું હતું. મારો હાથ પકડીને તેઓ તાડપત્રી સુધી આવ્યા.
"ભાઈ, કંઈક આપો ને, એક-બે રૂપિયા." એમણે કહ્યું.
"હું પૈસા તો નથી આપતો, હા જો ખાવું હોઈ તો બિસ્કીટ અપાવી દઉં." પૈસા નો કોણ કેવો ઉપયોગ કરે એ મને ખ્યાલ છે, કદાચ તેઓ પાન, માવો કે ગુટખા ખાઈ લેશે એ વિચારી મેં પૈસાને બદલે બિસ્કીટની વાત કરી.
"હા", એમને પેટ પર હાથ ફેરવતા કહ્યું. 
મેં એમને એક બિસ્કીટનું પાકીટ અપાવ્યું. જેવું મેં એમને બિસ્કીટનું પાકીટ અપાવ્યું એવુજ સામે ફૂટપાથ પર બેસેલા બીજા એક પછી એક આવવા લાગ્યા. એ લોકો હતા એ વૃદ્ધનાં પરિવારજનો. આશાઓથી ભરપુર એમની આંખો મારી સામે જોઈ રહી હતી. પડાપડી થઇ ગઈ કે ક્યાંક કોઈ રઇ નહિ જાય. દરેકને મેં પાંચ પાંચ રૂપિયા વાળા પારલેજી ના બિસ્કીટ પેકેટ અપાવ્યા. તેઓની ખુશી જાણે મારા માટે આશીર્વાદ સમાન બની ગઈ.
હું જનક મદ્રાસી, પૈસાથી સિવિલ એન્જિનિયર છું. એક પ્રોજેક્ટ માટે રોકડી કરવા વાળા માણસોની ખોજમાં મંદિરની નજીકના ઝુપડાઓ પાસે આવ્યો ત્યાંનું આ વાતાવરણ હતું. હું મારી નવી ફોરવ્હીલ 'આઈ-૨૦' માં આવ્યો હતો. મારા માટે શુભ દિવસ હોઈ ખુશીથી એ વૃદ્ધને મદદ કરવાનુ વિચારેલું પણ, પછી આખેઆખી ટોળકીની અપેક્ષા અને આશાઓને પૂરું કરવા મારુ હૃદય પીગળી ગયું. બિસ્કીટનું પાકીટ તો બધા પલભરમાં જ ખાઈ ગયા જાણે ઘણા સમયથી ભૂખ્યા હોઈ એમ. મને પણ નવી ગાડી લીધાનો આનંદ હતો અને વળી એમાં આ એક વધુ આનંદ ઉમેરાયો.
એ ટોળકીમાં બે પુખ્તવયની સ્ત્રી તેઓના નાના નાના બાળકોને માટલાની જેમ કેડે પકડીને ઉભી હતી, એક પુખ્તવયનો પુરુષ અને બીજા બે, દસ થી બાર વર્ષના છોકરા અને એટલીજ ઉમરની એક બાળા હતી. ત્યાંજ ચાની લારી પાસે મજુર વર્ગ માંથી મેં ત્રણ મજુર ને ચારસો રૂપિયા રોજમાં નક્કી કર્યા, પરચુરણ કામકાજ માટે.
મન થયું મને ચા પીવાનું, ક્યારેક સાથે સાથે એક ગોલ્ડફ્લેગ સિગારેટ પી લઉં છું. હું સિગારેટ સાથે ચા ની ચુસ્કી લઇ રહ્યો હતો, ભીનું વાતાવરણ, મંદિરના ઘંટ અને પક્ષીઓનો કલરવ તથા વરસાદ વચ્ચે મનમોહક વાતાવરણ હું માણી રહ્યો હતો. મંદિરમાં દર્શનાર્થે આવતી જતી વ્યક્તિઓ પેલા વૃદ્ધ અને એમના પરિવાજનો ને વધેલું ઘટેલું રાતનું ભોજન આપી જતા હતા. કોઈક બિસ્કીટ તો કોઈક રોકડા રૂપિયા શ્રદ્ધાથી આપતા જતા હતા. બસ એજ એમનું ગુજરાન હતું. ત્યાંજ મારી નજર એ ટોળકીમાં એક છોકરા પર પડી જે ફક્ત મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો. ખબર નઈ એના મન માં શું હતું. ભૂરા ભૂખરા બાલ, નાક માંથી આછું પાણી ટપકી રહ્યું હતું જે એ ઊંડા શ્વાસે ઉપર ચઢાવી રહ્યો હતો અને ઊંધા હાથે સાફ કરી રહ્યો હતો, આંખોની આસપાસ કાળા કુંડાળા પડી ગયા હતા, આંખો જીણી હતી, ફાટેલું જીન્સ દોરી વડે કમર પર ટેકવેલું હતું, કોઈક મોટી ઉમરની વ્યક્તિનું શર્ટ એક બાય લાંબી અને એક ટૂંકી, બગલથી ફાટેલું એણે પહેરેલું હતું. હાથમાં ફાટેલું દફતર અને એક ખાણાવાળી પૂઠાંની નોટ હતી. મેં એને ઇસારો કરી બોલાવ્યો.
"શું જોઈએ છે, બેટા?"
ઊંધા હાથે નાક નૂછતાં એને ડોક ડાબી જમણી બાજુ ફેરવી. એ એનો "કઈ નઈ" નો ઇસારો હતો.
"મને લઈ જશો તમારી જોડે?" એ છોકરા એ પૂછ્યું.
"કેમ, શું કરવું છે તારે." મેં પૂછ્યું.
એ ત્યાંથી પસાર થતા સ્કૂલનાં છોકરાઓ તરફ જોવા લાગ્યો, એટલે મને અંદાજ આવ્યો.
"ભણવું છે તારે?" મેં પૂછ્યું.
એવામાં જ એના બાપ આવી પાછળથી કોલર પકડી એને ગુસ્સે થી ઉંચકી ગાળો આપવા લાગ્યો. સાલા ભીખ માંગ, જો પેલી ગાડી આવી, સાલા ધ્યાન કા છે તારું, લોકો જોયા નઈ કે બક શરુ, ભીખ કોણ તારો બાપ માંગશે?, ચાલ ફટાફટ...., જા પેલી ગાડી આવી.....એનો બાપ એને ખેંચીને લઇ ગયો. છોકરો ફરી ફરીને મને જોઈ રહ્યો હતો. મેં રોકવાની કોશિશ કરી.
"અરે..અરે..અરે..અરે..., આ શું કરો છો ભાઈ, થોભો જરા, એ મારી સાથે વાત કરે છે."
"સાહેબ, એ તો બધા જોડે વાત કરવા માંડે છે, આમ જ કરશે તો અમે ખાઈશું શું?" એના બાપે જવાબ આપ્યો.
"અરે ભાઈ એને ભણવું છે, એમ મને લાગે છે." મેં કહ્યું.
"કોણ, તમે ભણાવશો?" એ હસવા લાગ્યા.
"જાઓ સાહેબ, તમારું કામ કરો."
પેલો છોકરો પાછો મારી પાસે આવતો હતો, ત્યાં જ....,
"હરામખોર, તું પાછો આવ્યો! ચાલ, સાલા... કીધુંને જા પેલી ગાડી આવે છે." લાત મારીને એને છોકરાને તગેડયો.
"ભાઈ આમ લાત કેમ મારો છો, ગાળો કેમ આપો છો, છોકરા સાથે કઈ આમ વાત થાય?, શાંતિ થી વાત કરો." મેં કહ્યું.
"તમ તમારે તમારૂં કામ કરો. એ ભીખ જ માંગશે." એના બાપે કહ્યું.
હું પણ પછી.., "અલા એને ભણવું છે તો ભણવા દે ની. સાલા, નાના બાળકો પાસે ભીખ મંગાવતા સરમ નથી આવતી." મેં પણ સુરતી વાળી શરુ કરી.
પેલા પચાસ વર્ષના વૃદ્ધ પણ ઇચ્છતા હતા કે એના પૌત્રો ભણે. પણ હવે એ લાચાર હતા, છોકરાના બાપ સામે એનું કશું ચાલે એમ ન હતું. છોકરો ફરી ભીખ માંગવા લાગ્યો. એનો માસુમ ચહેરો લોકોની હમદર્દી નું કારણ હતું જે એના બાપ ની ભીખી કમાઈ વધારવા માં મદદ રૂપ હતો. લોકો એને જોઈને એમ જ પાંચ પચાસ આપી દેતા. મેં એ વૃદ્ધ સાથે એ છોકરા વિષે વાત કરી. દરમિયાન ખબર પડી કે એનું નામ 'રવજી' છે, એની એક ખાસિયત એવી છે કે એ દરેક વ્યક્તિને ઓળખી શકતો હતો, લોકોના હાવભાવ પરથી જ તે અનુમાન લગાવી લેતો કે સામી વ્યક્તિ તેને પૈસા આપસે કે નઈ. શૂટ બુટમાં મોટી ગાડીઓમાં આવતા ભણેલા ઘણેલા લોકો તેની ભણવાની ભૂખ વધારતા જતા હતા પણ તેનો બાપ તેને છોડતો નહતો, માર મારીને પાછો ભીખ જ મંગાવતો. 
મને મોડું થઇ રહ્યું હતું કેમ કે મારે એક મકાનનું બાંધકામ પૂરું કરવાનુ હતું અને એના માટે મેં રોક્ડી પર કારીગર પણ નક્કી કર્યા હતા. તેઓને લઇને હું ત્યાંથી નીકળી ગયો. જતી વેળાએ રવજી એ ફરી એક વાર મારી સમક્ષ ઉદાસ નજર નાખી. મને થોડો પછતાવો થયો કે સાલું શું ગરીબ અને રસ્તા પાર રખડતા ભીખ માંગતા લોકો ને ભણવાનો અધિકાર નથી?
સાંજે જમતી વખતે મેં મારી પત્ની દીક્ષાને સવારે બનેલી ઘટના અને રવજી વિષે વાત કરી. એમ તો એ ઘરમાં એક થી સાત ધોરણ સુધીના ટયુશન ક્લાસ ચલાવે છે અને સાથે સાથે બાળકોને ચિત્રકામ શીખવાડે છે.
"તો શું આપણે રવજીને દત્તક લઇ લઈએ?" દીક્ષા એ મને પૂછ્યું.
"અરે નાં, એનો બાપ જોયો છે, વિચિત્ર ખોપડીનો છે, માથા ભારે." મેં કહ્યું.
"તો પછી આપણે પોલીસ સ્ટેશન જઈએ. હા, પણ પાક્કું કે એ છોકરો તારી સાથે આવશે જ,જનક?"
"હા, ચોક્કસ, એની આંખો જ બતાવતી હતી કે એ શું ઇચ્છે છે, ખરેખર એ ભણશે. પણ આપણે પોલિસના લફડામાં નથી પડવું , હું રાતે જાઉં છું એની ઈચ્છા હશે તો ગાડીમાં બેસી જશે."
"તું ભણાવીશ ને?" મેં દીક્ષા ને પૂછ્યું.
"હા વળી."
"બસ તો તૈયારી કર, રાતે છોકરો આપણા ઘરે હશે."
રાતે પોણા બાર વાગ્યે મેં ગાડીને સેલ માર્યો. મને વિશ્વાસ હતો કે એ છોકરો મારી સાથે આવશે જ એટલે હું કંઈપણ વિચાર્યા વગર મંદિર તરફ નીકળી ગયો. મંદિરની આસપાસ કોઈ ફરકતું દેખાતું ન હતું, સુમસાન રસ્તે ફક્ત કુતરાઓ ભસતા હતા. મંદિરની બાજુનાં ઓટલા પર આખું પરિવાર સુતેલું હતું. ગાડીનો અવાજ સાંભળી એ વૃદ્ધ જાગી ગયા. રવજી ખૂણામાં કુતરાના ગલુડિયાઓ સાથે સૂતો હતો. ગાડીની લાઈટનો પ્રકાશ સીધો વૃદ્ધ પર પડતા એ ગાડી તરફ આવ્યા. એમને ખબર પડી ગઈ કે હું રવજીને લેવા આવ્યો છું. એમણે રવજીને થપથપાવી જગાડ્યો અને મારી પાસે લઇ આવ્યા. આંખો ચોળતો ચોળતો, થાકેલો એ મારી પાસે આવ્યો.
મેં કહ્યું, "આવીશ મારી સાથે?"
"લઈ જાઓ સાહેબ, કંઈક ઉદ્ધાર થશે એનો, ભગવાન દુઆ આપશે તમને." પેલા વૃદ્ધે કહ્યું.
મેં રવજી સામે જોયું અને પૂછ્યું "તારી ઈચ્છા?"
એણે તરત જ ગાડીનો દરવાજો પકડી લીધો, જાણે જેલ માંથી મુક્ત થવાનો હોય એમ. મેં દરવાજો ખોલ્યો અને અંદર બેસવા માટે કહ્યું. એ અંદર બેસ્યો. વૃદ્ધને પ્રણામ કરી મેં ગાડી હંકારી. 
બીજો દિવસ રવજીના જીવનનો નવો તબક્કો હતો, એના સપનાઓને સાકાર કરવા માટે એને જે દિશાની જરૂર હતી તે એને મળી ગઈ. મારી સાથે એ ખુશ હતો પણ મન રુદન થી ભરેલું હતું. એનું કારણ પરિવારથી વિખુટા પાડવાનું નહતું પણ એના બાપની જબરદસ્તી અને માર હતો.
 મેં એને પૂછ્યું.....,
"અલ્યા, રડે શું કામ?, મારી સાથે આવવા માં તને કોઈ વાંધો તો નથી ને?"
એને ડોક હલાવતા "નાં" કહ્યું.
"તો પછી?"
"સારું થયું કે તમે મને છુટકારો અપાવ્યો, નહીંતર મારી જિંદગી ભીખ માંગવામાં જ બરબાદ થઇ જાત. ભીખ માંગ્યા પછી પણ મારો બાપ બધા પૈસા લઇ લે છે, અને રાતે દારૂની પોટલી અને પાન મસાલા માંજ પુરા કરી દે છે, ખાવાનું છીનવી લે છે, માર મારે છે અને લાત મારી ભગાવી દે છે, છેવટે કોઈક આપી જાય તો ખાઈ લાઉ છું નહીંતર ભુખો જ સુઈ જાઉં છું."
"બસ, હવે એ દિવસો ગયા તારા, તું અમારી સાથે બિન્દાસ્ત રેજે, બધું મળશે તને."
ઘરે લાવીને પહેલા તો મેં એને ખવડાવ્યું અને પછી સુવડાવી દીધો.
હું એક સામાન્ય ઘરમાં જ રહું છું પણ એ ઘર એના માટે જાણે વિશાળ બંગલો હોય એમ ઉપર-નીચે, આગળ-પાછળ એ નજરો ફેરવતો રહ્યો. બાથરૂમ, ટોયલેટ, ટીવી, ફ્રીઝ, ડાઇનિંગ ટેબલને એ એક નજરે જોઈ રહ્યો હતો બસ જોઈ રહ્યો હતો, એના માટે એ બધી તદ્દન નવી અનુભૂતિ હતી. સવારની મારી પ્રવૃતિઓ જોઈ એ જાણે આશ્ચર્ય પામ્યો જે એને કદી કર્યું જ ન હોય એમ. હું બ્રશથી દાંત સાફ કરું તો એ જોયા કરે, કાંસકીથી વાળ સરખા કરું તો જોયા કરે, ડાઇનિંગ પર બેસી બ્રેક ફાસ્ટ કરું તો એ નિહાળ્યા કરે, કપડાંને ઈસ્ત્રી કરું તો તે જોય. દીક્ષા રસોડામાં રોટલી બનાવે, સાકભાજી બનાવે એ બધું એ આશ્ચર્યથી જોયા કરે.
હું સાંજે એના માટે બે જોડી કપડાં, એનું નાનું ટૂથબ્રસ, એક પેઇન્ટિંગ કરવા માટે ચિત્રકામ બુક, પેન્સિલ, રબર, બે નોટબૂક અને થોડા રમકડાં લઇ આવ્યો. અહીં એને રોકટોક કરવા વાળું, મારવા વાળું, બળજબરી કરવા વાળું કે ગાળો આપવા વાળું કોઈ નથી, મળશે તો ફક્ત અને ફક્ત પ્રેમ જ. રસ્તા પર રઝળતા, ભીખ માંગતા છોકરાની જિંદગી બદલવાની મારી ઈચ્છા પ્રબળ બનતી જતી હતી જયારે દીક્ષા એની કેળવણીમાં મને સાથ આપવા લાગી.
દીક્ષાએ એની રોજબરોજ ની પ્રવૃતિઓની યાદી તૈયાર કરી. એના ઉઠવાનો, ભણવાનો, ખાવાનો, ટીવી જોવાનો, ફરવા રમવાનો સમય પણ નક્કી કર્યો. કામથી આવીને હું પણ એના માટે પૂરો સમય ફાળવતો. હું એની સાથે રમતો, કાગળના વિમાન બનાવતા શીખવતો, લોકો સાથે વાતચીત વર્તન કરતા શીખવતો. જેટલો ઉત્સાહ હું દાખવતો એટલા જ ઉત્સાહથી એ શીખતો. મારે કોઈ સંતાન નથી. પણ આસપાસનાં લોકો દ્વારા જયારે પૂછવામાં આવતું કે આ રવજી કોણ છે ત્યારે અમે બંનેએ એકજ ઉત્તર નક્કી કર્યો હતો કે અમે એને દત્તક લીધો છે. છ મહિના માં તો એ પોતાના ભૂતકાળ ને સાવ ભૂલી ચુક્યો હતો.
પરિપક્વ થતા જ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં એનું એડમિશન કરાવ્યું, ઉંમર અને વિકાસને ધ્યાનમાં રાખી ને એને સીધો ત્રીજા ધોરણમાં પ્રવેશ મળ્યો, એની ઉંમર ૧૧ વર્ષ આસપાસ હતી પણ જન્મ તારીખ ખબર નહતી, પણ મારા પપ્પા ની સારી ઓળખાણ ને કારણે એનો જન્મ દાખલો બની સક્યો, એની જન્મ તારીખ પણ નક્કી કરી. એનો આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ પણ બનાવ્યા અને  રેશનકાર્ડમાં નામ પણ ઉમેર્યું જેથી એની એક આગવી ઓળખ ઉભી થાય.
હવે રવજી રોજ સ્કૂલે જવા લાગ્યો, સવારે સાત વાગ્યે ઓટો રીક્ષા એને લેવા આવી જતી અને બપોર બાર વાગ્યે પરત મૂકી જતી. એક ભિખારી છોકરાનું જીવન પરિવર્તનમય બની ગયું જાણે એનો નવો જન્મ થયો હોય એમ. પણ એક દિવસ સ્કૂલેથી આવતી વખતે એના બાપની નજર રવજી પર પડી ગઈ. અને રિક્ષા પાછળ દોડતો દોડતો એ મારા ઘર સુધી પહોંચી ગયો. દીક્ષા ઘરમાં એકલી હતી, અને એના બાપે તમાશો કર્યો, ગાળાગાળી કરી. આસપાસના લોકો જોતા જ રહી ગયા અને એનો બાપ એને માર મારતા બળજબરીથી લઇ ગયો.
દીક્ષા એ તરત જ મને ફોન કર્યો. ઘટનાની જાણ થતા બધા કામ છોડીને હું સીધો મંદિર તરફ વળ્યો. ત્યાં જોયું તો રવજીની ફરી એજ હાલત હતી. ગળામાં પાણીની બોટલ, ખભે દફતર, પગમાં બુટ મોજા અને સ્કૂલ ડ્રેશ માંજ એનો બાપ એને ખભે માર મારી ભીખ માંગવા બળજબરી કરી રહ્યો હતો. મને જોઈને રવજીમાં હિંમત આવી, એણે એના બાપનાં હાથમાં બચકું ભરી મારી ગાંડી તરફ ભાગ્યો.
મેં ગાડી માંથી ઉતરી એને ઉંચકી લીધો, હું આસપાસ એ વૃદ્ધને શોધતો હતો પણ એ દેખાયા નહિ. એનો બાપ મારી સાથે જગાડવા લાગ્યો.
"સાલા, હું શોધી શોધીને થાક્યો, પણ તું લઇ ગઈલો એમ ને...., તારી જાતને...." એ મને ગાળો આપવા લાગ્યો અને બાજુમાં પડેલા ફટકાથી પ્રહાર કરવા લાગ્યો.
મેં ફટકા ને પકડી એને રોક્યો.
"અલ્યા ભાઈ, આવડો મોટો અને હૃષ્ટપુષ્ટ હોવા છતાં કઈ કામ નથી કરવું, ને આવડા દસ વર્ષના છોકરા પાસે ભીખ મંગાવે છે, સરમ નથી આવતી?"
"મારો પોઇરો(છોકરો) છે હું કઈ પણ કરું, તારા બાપનું શું જાય છે?, ચાલ ફુટ અહીં થી."
"હું નથી ઇચ્છતો કે એ ભીખ માંગે, એની ઉંમર ભણવા રમવાની છે, આમ ભીખ મંગાવી એની ખુલ્લી પાંખોને ગુલામ નાં બનાવ."
"તું બોલવા વાળો કોણ?, હું નક્કી કરીશ કે એ શું કરશે."
"હારામખોર, અહીંયા આવ સાલા, હમણાં સીધો કરું તને, તારી માઁને.......," એ રવજીને ફટકાની બીક બતાવવા લાગ્યો.
"એઇ..., છોકરાને ગાળો ના આપીશ, પોલીસને બોલાવી અંદર નંખાવી દઈશ."
"હવે જા જા, પોલીસ વાળો, જા જે કરવું હોઈ કર પણ મને મારો પોઇરો આપી દે અને હા, દેખાઈશ નહિ અહીં પાછો."
હું પાછો વળ્યો નહીં, હવે તો કોઈપણ હાલત માં રવજીને ઘરે લઇ જ જવાનો મેં નિર્ણય કરી લીધો હતો. મેં દીક્ષાને ફોન કરીને પોલીસ સાથે મંદિર તરફ આવવા કહ્યું. મને વિશ્વાસ હતો કે પોલીસ પણ મારા પક્ષમાં જ હશે, કેમ કે રવજી મારી સાથે હતો. 
એ દિવસ કે જયારે મેં રવજીને મારા ઘરે લઇ ગયો એના ત્રીજા દિવસે જ એ વૃદ્ધ અવસાન પામ્યા. અને એનું કારણ પણ રવજીનો બાપ જ હતો. જે રવજીની માઁ એ મને જણાવ્યું. એમણે કહ્યું કે બીજે દિવસે જયારે બધા રવજીને શોધતા હતા ત્યારે સામે ચા વાળા એ એના બાપ ને કહ્યું કે પેલા ડોસાજી એ કોઈ ગાડી વાળા સાથે રવજીને મોકલી દીધો હતો. બસ એ પછી તો ડોસા સાથે ખુબ ગાળાગાળી થઇ અને એમણે ડોસા ને ખુબ માર મારી લોહીલુહાન કરી નાખ્યા. અમે રોક્યા પણ એમને પણ ફંગોળી દીધા. આખરે લોહીલુહાન હાલતમાં ભર વરસાદે તફડતાં ધ્રુજતા એમણે જીવ ગુમાવ્યો. આખરે, બિનવારસી લાશમાં ખપાવી એમનો અંતિમ સંસ્કાર કરાવી દીધો.
એની માઁની વાત સાંભળી રવજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, મેં એને સાંત્વના આપી. દીક્ષા પોલીસને લઇ આવી પહોચી. આ વખતે જો પોલીસને સત્ય ઘટનાની જાણ ન કરવા માં આવે તો એવું કાયમ જ ચાલશે એ વિચારી મેં પોલીસને તમામ હકીકત કહી દીધી. મારે એમપણ કઈ છુપાવવું ન હતું. રવજીને ભણાવી ગણાવી કાબીલ બનાવવો એ જ મારુ અને દીક્ષા નું લક્ષ્ય હતું. પોલીસ મને અને એના બાપ ને ગિરફ્તાર કરી પોલીસ સ્ટેશન લઇ ગઈ અને પુરે પૂરું લખાણ લીધું જે કોર્ટ કેશ માટે જરૂરી હતું.
મેં વકીલ રોકી દીધો. રસ્તા પર ભીખ માંગતા બાળકને ગેરકાનૂની રીતે મારા ઘરે લઇ જવું એ મારો ગુનો હતો. પણ એમાં મારો કોઈ સ્વાર્થ કે કુવિચાર ન હતો, હું તો ફક્ત એટલું ઇચ્છતો હતો કે આમ રસ્તે રખડતા, ભીખ માંગતા નાના બાળકના મગજમાં શિક્ષા રૂપી નવી કૂંપળ ફૂટે અને એનો વેલો એક સારી દિશામાં આગળ વધે. જે દેશ વિકાસ માટે અને ગરીબી નાબુદી માટે પણ ઉપયોગી સાબિત થાય.
કોર્ટે પ્રથમ રવજીનું નિવેદન લીધું, જે મારી તરફેણ માં રહ્યું, એ મારી સાથે જ આવવા તૈયાર હતો. એના બાપ દ્વારા એના પર થતા અત્યાચાર અને બળજબરીથી ભીખ મંગાવતો હોવાનું તથા ભીખના પૈસે દારૂ પી માર મારવાનું નિવેદન આપ્યું. વળી રવજીની માઁ એ પણ બયાનમાં જણાવ્યું કે કઈ રીતે રવજીનાં બાપે ડોસાને માર મારી ઠામ પડ્યા હતા. 
બધી બાબત રવજીનાં બાપની વિરુદ્ધ હતી, કોર્ટે એના બાપને જેલ ભેગો કર્યો અને પાંચ વર્ષ જેલની સજા ફટકારી. રવજી સાથે ન્યાય થયો, અમે એને સહર્ષ ઘરે પાછા લાવ્યા અને વાતાવરણ પહેલા જેવું થઇ ગયુ. રવજી ની માઁને મેં મારા એક મિત્ર ના ફાર્મહાઉસે રખેવાળી કરવા મોકલી આપી. મંદિરની બહાર હવે ભીખ માંગતા એક પરિવારનો અંત આવ્યો અને એ દરેકને એક મહેનત કરી આગળ વધવાની એક નવી દિશા મળી.
|| અંત ||
એ વાતને આજે દસ વર્ષ પુરા થઇ ચુક્યા છે, રસ્તા પર રખડી ભીખ માગતો એ ભિખારી છોકરો આજે કડકડાટ અંગ્રેજી બોલતો થઇ ગયો છે, નિખાલસ બની ચુક્યો છે, લોકો સાથે આંખોમાં આંખ મિલાવી વાત કરતો થઈ ગયો છે. દીક્ષાનાં આકસ્મિક મૃત્યુ બાદ આજે હું અને રવજી એક સાથે રહીએ છીએ, રવજી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવ્યું ચુક્યો છે, જેનો પૂરો શ્રેય દીક્ષાને જ જાય છે. 
"આભર દીક્ષા, જો તું નહિ હોટ તો આજે હું આ ન કરી શક્યો હોત.".....દીક્ષાની પહેલી વરસી પર હું તેના ફોટા સમક્ષ ઉભો તેને ધન્યવાદ પાઠવું છું.
રવજી પણ અશ્રુ ભીની આંખે દીક્ષાના ફોટાને પ્રણામ કરી, ઉન્નતિના આશીર્વાદ માંગે છે. અને જનક જેવો બની ફરી કોઈ ભિખારીના જીવન ને નવજીવન આપવાના પ્રણ લે છે.

||આભાર||
કૃણાલ જરીવાલા