Sambandh ane Lakshya books and stories free download online pdf in Gujarati

સંબંધ અને લક્ષ્ય

સંબંધ અને લક્ષ્ય

એક સિક્કાની બે બાજુ સમાન

(૧) શ્રીમદ ભગવદ ગીતા ના સિદ્ધાન્તો પૈકી ના એક "કર્મ કર્યે જા, ફળ ની આશા ન રાખ" ને અનુસરવું એજ ઉત્તમ છે. આપણું કાર્ય ફક્ત કામ કરવાનું જ છે. આપનો અધિકાર ફક્ત અને ફક્ત 'કર્મ' જ છે, નહિ કે એના ફળ (પરિણામો) પર. આપણા કાર્ય થી આપણો બોસ કે બીજા ખુશ થવા જ જોઈએ એવું હંમેશા તો બનતું નથી. છતાં આપણે આપણું કામ પુરી નિષ્ઠા અને ઈમાનદારી થી કરવું જોઈએ. કહેવાય છે ને કે અસત્ય, ચોરી અને જુલ્મ જેટલું છૂપું રાખવામાં આવે એના કરતા વધારે ફોર્સ થી બહાર આવે છે. એથીજ કામ પ્રત્યે હંમેશા ઉદાર બનો, ઈમાનદાર બનો, આજે નહિ તો કાલે તમારું કામ દેખાશે જ, અને બની સકે કે એ કામ તમારા દ્વારા ભૂતકાળમાં થયેલા કામો કરતા પણ સર્વોત્તમ હોય.

(૨) જીવનમાં દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ સમસ્યા, કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી જ હોય છે, રોજ અવનવા પડકારો નો સામનો કરવો પડે છે, દરેક માનવીમાં આ બધી મુશ્કેલીઓ અને પડકારો ઝીલવાની સમજ હોવી ખુબ જરૂરી છે. કેટલીક વાર આપણને એવા પડકારો જીલવાના હોય છે કે એવા કાર્યો આપણને પહેલી વાર આપવામાં આવે છે. અને એ સમયે આપણે થોડા નર્વસ (હતાશ) થઇ જઈએ છીએ. હું આ કામ કરી શકીશ કે નહિ?, આ કામ મારાથી નહિ થાય, કઈ ખોટું થઇ ગયું તો?, આવા ઘણાં બધા વિચારો થી મન ઘેરાઈ જાય છે. અને એવા સમયે ગભરામણમાં ને ગભરામણમાં, હવે શું કરું?, કેવી રીતે થશે?, એવું ઘણું અણધાર્યું વિચારતા થઇ જઈએ છીએ. પરિણામે મળેલ કામ/ પડકાર સીધો, સરળ, નાનો હોવા છતાં અઘરો, અટપટો અને મોટો લાગવા લાગે છે. આવા સંજોગોમાં જ તો આપણે આપણી ક્ષમતા, આપણા જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય નું પ્રદર્શન કરવાનું હોય છે. હા....., શરુઆત માં થોડો સમય લાગશે. બધા તો નહિ પણ સાથે કામ કરતા કેટલાક અપવાદરૂપ કર્મચારીઓ કે જે હંમેશા આપણા કામ થી, આપણા નોલેજ(જ્ઞાન) થી ઈર્ષ્યા કરતા હોય છે, જેઓને આપણા થી જલન થતી હોય છે એવા અપવાદરૂપ લોકો તમારા દ્વારા થઇ રહેલા કામ ની હંમેશા હસી મજાક ઉડાવે છે, આપણા કામ ની મસ્કરી પણ કરે છે. એવા લોકો હંમેશા આપણને પછાડવાની કોશિશ કરતા હોય છે. પણ આપણે એવા લોકો ને નજરઅંદાજ કરી ને આપણા "લક્ષ્ય ની પ્રાપ્તિ" પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. "આપણે એ ધ્યાન રાખવાનું હોય છે કે ક્યાંથી આપણને મદદ મળી રહે છે, એ બાબતો અને તત્વો થી દૂર રહેવું જોઈએ કે જેઓ આપણી ઈર્ષ્યા કરે, આપના કામ ની મજાક ઉડાવે, આપણી અવગણના કરે અને હંમેશા આપણે પછાડવા ની કોશિશ કરે".

(૩) લક્ષ્ય પ્રાપ્તિ માટે આવશ્યક તત્વોમાં સંબંધ અને વર્તન અગત્યની ભૂમિકા ભજવે છે. જે રીતે સાકળ કે ખાંડ ની મીઠાસ અન્ય વસ્તુમાં ભળી ને જે તે વસ્તુ ને મીઠી અને સ્વાદિષ્ટ બનાવે છે તેજ રીતે સંબંધોમાં રાખેલી મીઠાસ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ ને મોકળો બનાવે છે. લોકો દ્વારા આપણી સાથે કરવામાં આવતા વર્તન ને અનુરૂપ આપણે તેઓ સાથે વર્તન કરીએ એ ઉચિત નથી, મતલબ "જેવા સાથે તેવા" ની વિચારસરણી ને દિમાગ માંથી દૂર કરવી જોઈએ. "જેવા સાથે તેવા જેવી વિચારધારા ની જગ્યાએ સંબંધ એવા બનાવો કે તમારી ઉપેક્ષા કરતા લોકો પણ તમારી અપેક્ષા કરવા લાગે". અને જયારે તમારી ઉપેક્ષા કરતા લોકો તમારી અપેક્ષા કરતા થઇ જાય ત્યારે સમજી લેવું કે તમારું લક્ષ્ય દૂર નથી. "જાણું છું કે અપેક્ષા મહા દુઃખ નું કારણ છે પણ જયારે લોકો તમારી અપેક્ષા કરવા લાગે ત્યારે અંદરોઅંદર જે સુખ ની અનુભૂતિ થાય એ સુખ દ્વારા થતી ખુશી જીવન ની દરેક ખુશીઓ માંથી શ્રેષ્ઠ હોય છે". સંબંધ ની વાત કરું તો જાણી કે અજાણી એવી દરેક વ્યક્તિ જે આપણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક માં આવે છે એ દરેક સાથે એવા સંબંધ રાખવા જોઈએ કે એની સાથે એકવાર વ્યવહાર કાર્ય પછી એને વારંવાર આપણી સાથે વ્યવહાર કરવાનું, આપણને મળવાનું મન થાય. આપણી ઉપસ્થિતી કે અનુપસ્થિતી માં પણ આપણી છબી, આપણી વાતો અને આપણા વર્તન નું એને સ્મરણ રહ્યા કરે. અને આ બધું ત્યારે શક્ય બને જયારે સંબંધો માં નિઃસ્વાર્થતા હોય, મદદ નો ભાવ હોય, વાત ની નિખાલસતા અને સરળતા હોય. બને એટલું લોકો ને નિઃસ્વાર્થ ભાવે મદદે રહેવું જોઈએ. કહેવાય છે ને કે "કોની ક્યારે જરૂર પડે એ કઈ નક્કી નથી હોતું". કુદરત ના ખેલ નિરાળા હોય છે, અને જરૂર દરેક ની પડે જ છે, મારા અનુભવ પ્રમાણે ગમે ત્યારે, ગમે તે સંજોગો માં જે તે (ગમે તે) વ્યક્તિઓ ની જરૂર પડે જ છે. આપણું કામ પૂરું થઈ ગયા પછી કે વર્ષો સાથે રહ્યા બાદ વિખુટા પડ્યા પછી એનું ભવિષ્ય માં ક્યારેય કામ નહિ પડે એમ માની એની સાથે હંમેશા માટેનો સંપર્ક નહિ રાખવો અને "હવે મારે એની શી જરૂર" એવું માની લેવું એ ભૂલ ભરેલી વિચારસરણી કહેવાય.

(૪) મેટ્રીક કે દસ ધોરણ સાથે ભણ્યા બાદ અલગ અલગ ક્ષેત્રમાં ચાલી ગયેલ એકજ બેન્ચ પર બેસતાં બે મિત્રો, મળી ને વાત કરવાની જગ્યાએ, સમય ના અભાવ ને દોષી ગણાવી એક બીજા થી છુપાઈ ને ત્યાંથી નશીછૂટાવ ના પ્રયત્ન કરવા, પોતે સારી રીતે સ્થાયી થયા પછી સાથી મિત્રો ને રસ્તામાં મળ્યા છતાં એને અવગણવું કે કોઈ પ્રતિભાવ ન આપવો, સાથે નોકરી કરતા અને એકજ ટિફિન બોક્સ માં સાથે જમતા સહકર્મચારીઓ સાથે નોકરી છોડ્યા બાદ સંબંધનો અંત લાવવો અને એમની સાથે કોઈ સંપર્ક ન રાખવો એ બધું સ્વાર્થીપણાં ની નિશાની છે. સ્કૂલ છોડો, કોલેજ છોડો, નોકરી છોડો, રહેણાંક વિસ્તાર છોડો, રાજ્ય બદલો, કે પછી દેશ બદલો, પણ સંપર્ક ક્યારેય નહિ છોડવો."કોઈક ની સાથે લાંબા ગાળાનો સંપર્ક તમારા સંબંધ ને અતિ મજબૂત બનાવે છે અને સંબંધ ની મજબૂતી તમને આવનારા પડકારો નો સામનો કરવાની શક્તિ પુરી પડે છે."

(૫) ગ્રુપમાં કે પછી સાથી કામદારો સાથે વાટાઘાટો દરમિયાન પણ સંબંધો નું ધ્યાન રાખવું ખુબ જરૂરી બને છે. વાટાઘાટો માં ઘણી વાર એવું બને છે કે એક વ્યક્તિ પોતાનું સામર્થ્ય બતાવવા, મોટાઈ બતાવવા, પોતાનું બુદ્ધિ નું પ્રદર્શન કરવા કે પછી પોતાના અહમી સ્વભાવ ને કારણે બીજી વ્યક્તિ ને ઉતારી પાડવાનું કે અવગણવાનું વર્તન કરતો રહે છે. એના પરિણામે સામી વ્યક્તિ સાથે લાંબા ગાળા ના અબોલા થઇ શકે છે અથવા સંબંધ માં તિરાડ પડે છે. અને ઘણીવાર એવું પણ બને છે કે જે વ્યક્તિ ની અવગણના કરવાની, ઉતારી પાડવાનું કે ટોણાં મારી એને પરોક્ષ રીતે સંભળાવી દેવાનું વલણ વારંવાર કરવામાં આવતું હોય એ જ વ્યક્તિ મુશ્કેલી ના સમયે જરૂર પડે. અને એવું પણ બને કે મુશ્કેલી ના સમય માં એજ વ્યક્તિ આપણે સાથ આપી જાય. ત્યારે માથું સરમ થી ઝુકાવવું, પછતાવો કરવો કે રડવા શિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. દરેક વ્યક્તિને પોતની વાત રજુ કરવાનો કે કહેવાનો પુરેપુરો સમય આપવો જોઈએ એ દરમિયાન દલીલ કે દખલગીરી ના કરીએ એ જ ઉત્તમ કહેવાય. સામી વ્યક્તિ શું કહેવા માંગે છે એ પહેલા ધ્યાન થી સાંભળવું જોઈએ, એની વાત પુરી થઇ ગયા પછી જ એને રજુ કરેલી વાત પર ચર્ચાવિચારણા કરવી જોઈએ, ચાલુ વાતે સામી વ્યક્તિને ઉતારી પાડવાની કે એની વાત માં દખલગીરી કરવાની આપણી ખોટી ટેવ સારા સંબંધ ને જાકારો આપે છે. હા, જો આપણને એની વાત માં રસ નાં હોઈ તો આપણે આપણું ધ્યાન બીજે પરોવી દેવું જોઈએ મતલબ "સામી વ્યક્તિ ની અણગમતી વાત ને નજરઅંદાજ કરવા કરતા બીજા કાર્ય માં આપણી વ્યસ્તતા બતાવવી વધારે યોગ્ય કહેવાય".

(૬) સફળ ધંધાનું કે સફળ વ્યક્તિત્વ નું ઉત્તમ સાધન જો કઈંક હોઈ તો એ છે સંબંધ. કોઈ એક ઔદ્યોગિક એકમ ની વાત કરીએ તો ત્યાં ના કર્મચારીઓ ની શક્ય એટલી અપેક્ષાઓ પુરી કરવામાં સક્ષમ થઇ રહેલું કંપની નું મેનેજમેન્ટ એ દરેક કર્મચારીઓ પાસે થી ઇચ્છીત કાર્ય મેળવવા માં સફળ બની સકે છે. બોસ દ્વારા જો કર્મચારીઓની સવલતો, તેની સલામતી, તેનેે પ્રોત્સાહન, તેના સારા કાર્ય બદલ અભિવાદન કે કર્મચારી ની મુશ્કેલી (પારિવારિક કે કંપની લક્ષી) સમયે યોગ્ય સલાહ સુચન આપવા માં આવતા હોઈ તો એ કર્મચારી જરૂર પડ્યે હંમેશા બોસ ની તરફેણ માં જ રહેશે. બોસ ને આપવામાં આવતા ટાર્ગેટ કે પડકારો ને પાર પાડવામાં તે દિવસ-રાત મદદરૂપ રહેશે. આમ બોસે કર્મચારી સાથે રાખેલો સારો સંબંધ (સવલત, સલામતી, પ્રોત્સાહન, અભિવાદન, સલાહ-સુચન ના સંદર્ભે સારો સંબંધ) કંપનીને, બોસને કે મેનેજમેન્ટને પોતાના લક્ષ્ય સુધી આસાનીથી પહોંચાડી સકે છે.

આભાર

~~~~~~

બીજા રસપ્રદ વિકલ્પો