સત્ય અસત્ય - પ્રકરણ - 29 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 29

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૯

પ્રિયંકાનો બ્લડ રિપોર્ટ હાથમાં આવ્યો એ ક્ષણથી સિદ્ધાર્થભાઈની તો જાણે વાચા જ હણાઈ ગઈ હતી. ભલભલી તકલીફ અને ક્રાઇસિસમાંથી સિદ્ધાર્થભાઈ પસાર થયા હતા, પરંતુ ક્યારેય સિદ્ધાર્થભાઈને આટલા હારેલા કે ગૂંચવાયેલા કોઈએ જોયા નહોતા. મહાદેવભાઈ હિંમત રાખવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ એમની આંખો વારે વારે ભરાઈ આવતી. કંઈ બોલવાનો પ્રયાસ કરતા ને ગળામાં ખખરી બાઝી જતી. રિપોર્ટ આવ્યો તે પહેલાં સુધી પ્રિયંકાના બાળકની રાહ જોતાં, મજાકમસ્તી કરતા અને પરદાદા બનવાના ઉત્સાહથી છલકાતા મહાદેવભાઈ જાણે પ્રાણ વગરનું ખોળિયું હોય એમ હરતા-ફરતા હતા. શીલાબહેન તો સાવ જ હતપ્રભ થઈ ગયા હતા. એમને માટે આ પરિસ્થિતિ કલ્પના બહારની હતી.

એ જેટલી વાર પ્રિયંકાને પોતાની નજર સામે જોતાં એટલી વાર એમની અંદર એક વધુ તિરાડ પડતી.

બે દિવસ સુધી તો ઘરમાં છાને ખૂણે એ જ ચર્ચા ચાલતી રહી કે આ વાત આદિત્યને કોણ કહે ? ફોન પર જણાવાય એવી આ વાત નહોતી. તાત્કાલિક અમેરિકાથી બોલાવવો હોય તો શું કારણ આપવું એ સમજાતું નહોતું.

પણ સૌની સમસ્યા હલ કરી નાખવાનો જાણે ઉપરવાળાએ નિર્ધાર કર્યો હોય એમ ત્રીજે દિવસે સવારે ઘરની બેલ રણકી. દરવાજો ખોલતાં જ જોયું તો આદિત્ય સામે જ ઊભો હતો. હસતો, ખુશખુશાલ... મહાદેવભાઈ આગળ વધીને આદિત્યને ભેટી જ પડ્યા. કેટલાય સમયથી રોકી રાખેલું એમનું રુદન આદિત્યને જોતાં જ વહી નીકળ્યું. પોતાને ભેટીને રડવા લાગેલા દાદાજીને કઈ રીતે શાંત કરવા એ આદિત્યને સમજાયું નહીં. કદાચ ભાવાવેશમાં રડતા હશે એમ માનીને એણે દાદાજીની પીઠ પર હાથ ફેરવ્યો. સાચવીને સોફામાં બેસાડ્યા. મહાદેવભાઈના ડૂસકા અટકતા નહોતા. જિંદગીના સાત દાયકા વટાવી ગયેલો માણસ આમ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડે એ જોતાં જ આદિત્યને એટલું તો સમજાયું કે કશુંક અજુગતું બન્યું હતું. એની સમજદારીએ એને પ્રશ્નો પૂછતો રોક્યો.

કંઈ સમજાય તે પહેલાં સિદ્ધાર્થભાઈ અને શીલાબહેન પણ બહાર આવી ગયાં. એમના ચહેરા પણ થાકેલા અને નિસ્તેજ લાગતા હતા. શીલાબહેન પણ આદિત્યને જોતાં જ રડવા લાગ્યાં. સિદ્ધાર્થભાઈએ અંદર જઈને પાણી લાવીને આદિત્યને આપ્યું ખરું, પણ એમની ચાલમાં કે ચહેરા પર ઉત્સાહ નહોતો જ.

“શું થયું છે ? પ્રિયંકા તો ઠીક છે ને ?” આદિત્યથી રહેવાયું નહીં.

“બેટા, અમે તને ફોન જ કરવાના હતા.” મહાદેવભાઈએ વાત કઈ રીતે શરૂ કરવી એની ગડમથલમાં પડ્યા વિના સીધું જ કહી નાખ્યું, “બે દિવસ પહેલાં પ્રિયંકાની ડિલિવરી માટે ક્રોસમેચ કરવા બ્લડ ટેસ્ટ કર્યો. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો બ્લડ ટેસ્ટ કરતા જે રિપોર્ટ આવ્યો છે તે...”

આદિત્યએ મહાદેવભાઈનો હાથ બંને હાથે એટલો જોરથી પકડ્યો કે આદિત્યની આંગળીઓ એમનાં હાડકાંમાં ખૂંચવા લાગી, “શું રિપોર્ટ આવ્યો છે દાદાજી ? પ્રિયંકાનો કંઈ પ્રોબ્લેમ નથી ને ?”

“પ્રોબ્લેમ તો છે બેટા.” મહાદેવભાઈને ડૂમો ભરાઈ આવ્યો હતો એટલે સિદ્ધાર્થભાઈએ વાતનો દોર સાધ્યો, “હમણાં નહીં કહીએ તો થોડી વાર પછી પણ કહેવાનું જ છે. એટલે...” એમણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો, “પ્રિયંકાને ફર્સ્ટ સ્ટેજમાં બ્લડ કેન્સર છે.”

આદિત્યએ પકડેલો મહાદેવભાઈનો હાથ છૂટી ગયો. ઘડીભર પહેલાં ઉત્સાહથી છલકતો - હસતો આદિત્ય સાવ ઢીલો, હિંમત વગરનો લાગવા માંડ્યો. નંદનકાકાની ભવિષ્યવાણી એને ફરી એક વાર યાદ આવી ગઈ. એણે માંડ માંડ વિખરાયેલી જાતને સમેટી અને સિદ્ધાર્થભાઈની સામે જોયું, “તમે બીજો ઓપિનિયન લીધો ?”

“પાંચ ઓપિનિયન લીધા બેટા, આ શહેરના ત્રણ જાણીતા ડોક્ટર્સ અને એક દિલ્હીના ને એક લંડનના ડૉક્ટરનો ઓપિનિયન લીધો.” વાક્ય પૂરું કરીને એમણે ડોકું એવી રીતે ધુણાવ્યું કે હવે કોઈ લાંબી આશા નથી એવું સૌ સમજી શકે.

“પ્રિયંકા જાણે છે ?” જવાબમાં ત્રણેય જણાએ ડોકું ધુણાવ્યું. આદિત્યએ નિરાંતનો શ્વાસ લીધો, “એને હમણાં કહેતા પણ નહીં.”

“બેટા, બહુ હોંશિયાર છે પ્રિયંકા. એને જે કોઈ દવા આપો એ વિશે સત્તર સવાલો કરે છે. એ ડૉક્ટરનું પણ માથું ખાઈ જાય છે. નવી દવાઓ શરૂ કરી એટલે તરત એણે સવાલો પૂછવા માંડ્યા છે.”

“કશો વાંધો નહીં, હવે હું આવી ગયો છું એટલે એના સવાલોના જવાબો હું આપીશ.” આદિત્યએ પોતાની જાતને આવનારી પરિસ્થિતિ માટે તૈયાર કરવા માંડી, “બાળકને કંઈ નુકસાન...?”

“હજી તો નથી.” સિદ્ધાર્થભાઈએ ટેક્‌નિકલ માહિતી આપવા માંડી, “માના બ્લડ કેન્સર સાથે બાળકને કોઈ નિસબત નથી હોતો. વારસામાં આવવાની પણ શક્યતાઓ ઓછી જ છે. બાળક તો નોર્મલ અને સ્વસ્થ છે.” એમને ફરી ડૂમો ભરાઈ આવ્યો, “પણ પ્રિયંકા...”

“જુઓ સિદ્ધાર્થભાઈ...” આદિત્ય એમને એ જ નામે બોલાવતો, “બાળકને કોઈ નુકસાન નથી એ એક પોઝિટિવ પોઇન્ટ છે. છેલ્લો મહિનો છે એટલે ડિલિવરી પછી તરત એની ટ્રીટમેન્ટ શરૂ કરી શકાશે એ બીજો પોઝિટિવ પોઇન્ટ છે.”

“એનું બ્લડ પ્રેશર બહુ ઊંચું રહે છે.” મહાદેવભાઈએ એક નવી સમસ્યા રજૂ કરી, “ડૉક્ટર કહે છે કે આટલા ઊંચા બ્લડ પ્રેશરને કારણે ક્યારેક ઇન્ટરનલ બ્લિડિંગ શરૂ થઈ શકે. ગમે તેટલી દવાઓ આપવા છતાં બ્લડ ક્લોટ થાય જ નહીં અને બાળકને જન્મ આપતી સ્ત્રી...” એમણે આંખો લૂછી, “કોણ જાણે મારી ફૂલ જેવી દીકરીને કોની નજર લાગી... ઈશ્વરથી એનું સુખ જોવાતું જ નથી.”

“ઈશ્વરને બ્લેઇમ કરવા કે નજર લાગી જેવા વિચારો કરવાને બદલે હવે આમાં શું થઈ શકે એનો વિચાર કરવો જોઈએ.” આદિત્ય સૌને હિંમત આપતો હતો, સધિયારો બંધાવતો હતો. પણ એની ભીતરનો ફફડાટ એટલો બધો વધી ગયો હતો કે એને પોતાના હૃદયના ધબકારા સંભળાતા હતા.

કોની સાથે વાત થઈ શકે એ વિશે વિચારતા આદિત્યને એક જ માણસનો વિચાર આવ્યો, સત્યજીત... એને પોતાને પણ નવાઈ લાગી કે જેને એ પોતે ઓળખતો નહોતો, એનો મિત્ર નહોતો કે એવો આત્મિય પણ નહોતો એની સાથે પોતાની જિંદગીની આવી ભયંકર ઘટના વિશે વાત કરવાનો એને કેમ વિચાર આવ્યો ?

લાંબુ વિચારતા એને સમજાયું કે એમને જોડનારી એક જ કડી હતી, પ્રિયંકા... બંને પ્રિયંકાને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યારે પ્રિયંકાની જિંદગી આટલી કપરી મુશ્કેલીમાં મુકાય ત્યારે સત્યજીત સાથે વાત કરવાથી કદાચ મન હળવું થઈ શકે. આદિત્યને લાગ્યું કે પોતાના દુઃખની માત્રા અને પોતાની પીડા એક જ વ્યક્તિ સમજી શકશે, કદાચ.

એણે ફોન લગાવ્યો. સારી એવી રિંગ વાગ્યા પછી સત્યજીતે ફોન ઉપાડ્યો, “બોલ પ્રિયંકા...”

“પ્રિયંકા નથી, હું છું - આદિત્ય...”

સત્યજીત ઝંખવાઈ ગયો, “ઓહ, હાય... તું આઇ મીન તમે ક્યારે આવ્યા ?”

“તું જ સારું લાગે છે.” આદિત્યનો અવાજ થોડો ઢીલો હતો, “મારે તને મળવું છે, આજે જ... બને તો હમણાં જ.”

“શું થયું છે ? તમારા બે જણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ તો...” સત્યજીતે પોતાના માપદંડથી વિચારી નાખ્યું, “હું આટલા દિવસ દરમિયાન પ્રિયંકાને એક વાર પણ નથી મળ્યો. ફોન પર વાત થતી રહી છે, પણ...”

“ઓહ... એવી કોઈ વાત નથી.” આટલા ટેન્શનમાં પણ આદિત્યને હસવું આવી ગયું, “હું પ્રિયંકા પર ક્યારેય શંકા નથી કરતો, એને પ્રેમ કરું છું અને સુખી રહે એનાથી વધારે મારે કંઈ જોઈતું પણ નથી.” એનું ગળું ભરાઈ આવ્યું, “પ્રોબ્લેમ છે સત્યજીત, અમારા બે જણા વચ્ચે નથી પણ પ્રોબ્લેમ તો છે જ.”

“પ્રિયંકાની તબિયત તો સારી છે ને ?”

“ના... એટલે જ તને મળવું છે.” આદિત્યએ લાંબીચૌડી વાત કર્યા વિના સીધું જ કહી નાખ્યું.

“હું થોડી વારમાં જ આવું છું. તું... તમે... આઇ મીન તું... પ્રિયંકાના ઘરે જ છે ને ?”

“હા, પણ હું કોઈને કહેવાનો નથી કે તને મળવા આવું છું.”

“સૂટ યોર સેલ્ફ...” સત્યજીતે ઉતાવળમાં ફોન સમેટ્યો, “હું પંદર-વીસ મિનિટમાં પહોંચું છું.”

પંદર મિનિટથી કૉફી શોપમાં સામસામે બેઠેલા આદિત્ય અને સત્યજીત સાવ ચૂપચાપ હતા. આખરે સત્યજીતની ધીરજ ખૂટી ગઈ, “શું થયું છે પ્રિયંકાને ?”

આદિત્યએ સીધું સત્યજીતની આંખમાં જોયું, “બ્લડ કેન્સર...” ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, “ફર્સ્ટ સ્ટેજમાં છે.”

કૉફીમાં ચમચી હલાવી રહેલો સત્યજીતનો હાથ સહેજ ધ્રૂજ્યો. બે ક્ષણ પછી એની આંખમાંથી કૉફીટેબલ પર પાણીનાં બે-ચાર બુંદ ટપક્યાં, “તમને પૂરી ખાતરી છે ? આઇ મીન તમે ડૉક્ટર્સને...”

“ઘણા ઓપિનિયન લીધા છે.”

“હવે ?”

“એ જ સવાલ મને પણ મૂંઝવી રહ્યો છે. હેમખેમ ડિલિવરી થઈ જાય પછી તરત જ હું એને અમેરિકા લઈ જવાનો વિચાર કરું છું.”

“આદિત્ય, મને સમજાતું નથી મારે તને શું કહેવું... પણ હું તારી સાથે જ છું.”

“જાણું છું, એટલે જ તારી સાથે વાત કરવા આવ્યો છું.” આદિત્યએ કોણ જાણે કઈ લાગણીથી સત્યજીતનો હાથ પકડી લીધો, “હું પ્રિયંકાને ખોઈને નહીં જીવી શકું. એને કંઈ થશે તો હું...”

“આમ તો હું પણ આવું જ માનતો હતો.” સત્યજીતના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું, “પણ એના વિના જીવી જ રહ્યો છું. ખાઉં છું, પીઉં છું, દીકરીને મોટી કરું છું. કશુંયે અટકતું નથી.” એણે પણ ઊંડો નિઃશ્વાસ નાખ્યો, “અટકી શકતું નથી ! માણસ તૂટી જાય છે સંબંધ તૂટે ત્યારે... પણ જીજીવિષાનું ગુંદર બધું જ જોડી નાખી છે. તિરાડો દેખાય છે ને રહી જાય છે...” એણે આદિત્યનો હાથ થપથપાવ્યો, “જોકે તું બહુ સાચો અને સારો માણસ છે. તારી સાથે એવું કંઈ નહીં થાય.”

“હું નથી સાચો કે નથી સારો. મારા એક જ્યોતિષ કાકાએ ભવિષ્યવાણી કરી હતી કે મારી પત્ની એના પ્રથમ સંતાનને જનમ આપતી વખતે...” આદિત્યની આંખો ભરાઈ આવી, “તોય એક સ્વાર્થી, નક્કામા માણસની જેમ મેં...”

“એવું કંઈ નથી. જેમ નક્કી થયું હશે એમ જ થાય છે. આપણે આપણી જાતને બહુ મહત્ત્વ આપીએ છીએ આદિત્ય કે કોઈ એક પરિસ્થિતિ આપણે લીધે ઊભી થઈ... આપણે કશાક માટે જવાબદાર છીએ એવું માનીએ છીએ, પણ એવું હોતું નથી. તમામ પરિસ્થિતિઓ પહેલેથી નક્કી હોય છે ને એમાં આપણી કોઈ જવાબદારી નથી હોતી.”

“એવું કહેવાથી છટકી નથી શકાતું. હું મારી જાતને માફ નથી કરી શકતો. હું કંઈ પણ કરીને પ્રિયંકાને બચાવવા માગું છું. મારો જીવ આપીને પણ...”

“કમ ઓન... પ્રિયંકા મરવાની છે એવું તું શું કામ ધારી લેશ ? ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હવે મટી શકે છે. તું જે દેશમાં રહે છે ત્યાંની ટેક્‌નોલોજી કંઈ પણ કરી શકે છે... કંઈ પણ... જો ખરેખર પ્રિયંકાને પ્રેમ કરતો હોય તો નિરાશા ખંખેરી નાખ. ઊભો થા અને ભવિષ્યવાણી ખોટી પાડવા માટે કામે લાગી જા...” આદિત્ય નવાઈથી જોઈ રહ્યો, “જોઈ શું રહ્યો છે ? પ્રેમ કરે છે ને ? જીવ આપવા તૈયાર છે, તો પછી હિંમત ભેગી કરીને લડ તારા ઈશ્વર સાથે... ફર્સ્ટ સ્ટેજમાં કોઈ મરતું નથી આદિત્ય... ને મારે તને એ કહેવાની જરૂર નથી કે જો તારો પ્રેમ સાચો હશે તો ઈશ્વર એક વાર એનો નિર્ણય બદલી નાખશે.”

અંધારામાં લાઇટની સ્વીચ પર હાથ પડે અને ઓરડો ઝળાહળા થઈ જાય એવી રીતે સત્યજીતની વાતથી આદિત્યના મનમાં લાઈટ થઈ. એના મનનો ખૂણેખૂણોે અજવાશથી ભરાઈ ગયો, “સારું થયું હું આને મળ્યો.” એણે વિચાર્યું, “કદાચ ભગવાન જ એને મળવા અહીં સુધી લઈ આવ્યો મને.”

(ક્રમશઃ)