સત્ય-અસત્ય - પ્રકરણ-1 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય-અસત્ય - પ્રકરણ-1

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧

પાર્ટી પૂરજોશમાં ચાલતી હતી. ચારે તરફ યુવાની અને મસ્તીનો માહોલ હતો. મોટા અવાજે વાગતું સંગીત કોઈનું પણ લોહી ગરમ કરી નાખે એવું જોશીલું અને જબરદસ્ત હતું. ક્યાંક બિયર તો ક્યાંક બકાર્ડી બ્રિઝર છલકાતા હતા. બૅકલેસ અને સ્પગેટી ટોપ્સની સાથે ઉછાળા મારતાં જિસ્મ અને મુસ્કુરાતા ચહેરાઓ બદલાતી લાઇટો કરતાં પણ વધુ તેજસ્વી દેખાતા હતા.

કૉલેજની ફ્રેશર પાર્ટીમાં હાથ-પગ ઉછાળીને નાચી રહેલા યુવાનો તો હતા જ, સાથે બે-ચાર પ્રોફેસર્સ અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ બધા ટોળામાં એક છોકરી સાવ જુદી તરી આવતી હતી. કમરથી નીચે એના ડેનિમના ગર્ડલને ઢાંકી દે એટલા લાંબા, ગાઢા, કાળા વાળ લહેરાવતી એ ખૂણામાં કૉલ્ડ્રીંકનો ગ્લાસ લઈને ઊભી ઊભી ઘેલા થઈ રહેલાં ટોળાંને જોઈ રહી હતી. મ્યુઝિકની મસ્તીમાં ઝૂમતું ટોળું વચ્ચે વચ્ચે ચીસો પાડતું, તાળી પાડતું, હાથ-પગ ઉછાળતું યુવાનીની મસ્તી છલકાવતું હતું...

એ છોકરીની આસપાસ ઊભેલા બીજા બે-ત્રણ જણા માત્ર એ છોકરીને જોઈ રહ્યા હતા. હરણ જેવી મોટી, લાંબી લાંબી પાંપણોવાળી આંખો, સહેજ ભીને વાન, પણ અતિશય નમણો ચહેરો ધરાવતી એ છોકરીના ચહેરા પર અજબ પ્રકારનું માર્દવ હતું. સફેદ રંગની આભલા ભરેલી સ્લીવલેસ શોર્ટ કુર્તી અને બ્લૂ રંગનું ડેનિમ પહેરીને આ સ્પગેટી ટોપ અને બેકલેસના ટોળામાં જુદી પડી જતી એ છોકરી કદાચ કોઈકની રાહ જોઈ રહી હતી.

દરેક વખતે ખૂલતા કાચના દરવાજામાંથી દાખલ થતા માણસને જોઈને એના ચહેરા પર આશાનું એક વાદળ ઘેરાતું અને વીખરાઈ જતું. એ થોડીક વાર પાર્ટીમાં સામેલ થવાનો પ્રયાસ કરતી, પણ ફરી પાછી એની નજર કાચના દરવાજા પાસે જઈને અટકી જતી.

"ચાલને પ્રિયંકા... એક કાળું બેકલેસ સ્માર્ટ ટોપ પહેરેલી છોકરીએ એનું બાવડું પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો.

"ના, ના... પ્રિયંકાએ બાવડું છોડાવ્યું.

"જ્યાં સુધી પેલો ઇડિયટ સત્યજીત નહીં આવે ત્યાં સુધી આ અહીં આમ જ ઊભી રહેશે. પ્રિયંકાની બાજુમાં ઊભેલા, એને હસરતથી જોઈ રહેલા, એના જ ક્લાસમાં ભણતા મૃગાંકે કહ્યું, "પેલો તો કોણ જાણે ક્યાંય રખડતો હશે અને આ એની રાહ જોઈને અહીં ઊભી છે... સાવિત્રી... ચાલ હવે સત્યવાન નથી આવવાનો.

"પેલાને તો આની પડી પણ નથી. બૅકલેસ ટોપ પહેરેલી અનિતાએ ખભા ઊંચક્યા, "હમણાં આવશે અને એક ફાલતુ બહાનું બતાવશે. મને હજુ સુધી એ નથી સમજાતું કે તું એ જુઠ્ઠાને છોડી કેમ નથી દેતી ?

"કારણ કે આ કોઈ બસ કે ટ્રેન નથી, માણસ છે. આઇ લવ હિમ. પ્રિયંકાએ સ્મિત કર્યું.

"પ્રિયંકા, આ સત્યજીત તારી સાથે ક્યારેય લગ્ન નહીં કરે. એક નંબરનો ફ્‌લર્ટ છે - ચાલુ છોકરો. મૃગાંકના ચહેરા પર એની ઇર્ષ્યા સ્પષ્ટ દેખાતી હતી. પ્રિયંકા જવાબ આપ્યા વિના માત્ર નજર ઉઠાવીને હમણાં જ ખૂલેલા કાચના દરવાજા તરફ જોયું. એ દરવાજામાંથી ડેનિમની ઉપર બ્લૂ અને બ્લૅક ચેક્સનું બ્રાન્ડેડ શર્ટ પહેરેલો એક દિલધડક હેન્ડસમ છોકરો દાખલ થયો. પ્રિયંકાની આસપાસ ઊભેલા તમામ લોકોના ચહેરા એ છોકરાને જોઈને ખીલી ગયા. એણે ત્યાં ઊભા રહીને જ હાથ હલાવ્યો ને સ્મિત કર્યું. તન ભૂખરી-કથ્થઈ આંખો, ગોરો ચહેરો અને એક સરખા ગોઠવાયેલા મોતી જેવા સફેદ દાંત. એને જોનારી કોઈ પણ છોકરી એક વાર ધડકારો ચૂકી જાય એ નક્કી. એની કથ્થઈ આંખોમાં એક શરારત હતી અને સ્મિતમાં એક વિચિત્ર પ્રકારનું તોફાન. છ ફૂટ ઊંચો એ છોકરો ફ્રન્ટ પોકેટ ડેનિમના ખિસ્સામાં હાથ નાખી બેફિકર ચાલે ચાલતો પ્રિયંકા સુધી આવ્યો. એણે પોતાનું માથું પ્રિયંકા સાથે ટકરાવ્યું, "હાય બેબી!

"ઓહ! તું મને ઓળખે છે ? પ્રિયંકાના અવાજમાં સહેજ અકળામણ છાની ન રહી શકી.

"આઇ નૉ, તું ગુસ્સામાં છે. એણે ડેનિમના ખિસ્સામાંથી હાથ કાઢી પ્રિયંકાના ખભે લપેટ્યો, "પણ શું કરું? મમ્મીની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરેને ઘરે બોલાવવા પડ્‌યા. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું. મમ્મીને જરા રાહત થઈ પછી નીકળી શક્યો. સૉરી બેબી.

"ઓહ ! પ્રિયંકાનો તંગ ચહેરો એકદમ નરમ થઈ ગયો, "ચલ, આપણે ઘરે જઈને મમ્મી પાસે બેસીએ. આમ પણ પાર્ટીમાં બહુ મજા નથી.

"ના, ના, મમ્મી તો ઊંઘી ગઈ છે. એણે પ્રિયંકાના ગાલ થપથપાવ્યા, "હવે આપણે પાર્ટી એન્જોય કરીએ. આમ પણ હું મોડો આવ્યો છું. આઈ મસ્ટ મેકઅપ ફોર ધ લાસ્ટ ટાઇમ. આઇ એમ સૉરી.

"નોટ એટ ઑલ... પ્રિયંકાએ ખૂબ વહાલથી કહ્યું અને સત્યજીતે લંબાવેલો હાથ પકડી ડાન્સફ્‌લૉર પર જતી રહી. ત્યાં ઊભેલા મૃગાંક અને અનિતાની આંખો ઇર્ષ્યામાં લીલી થઈ ગઈ.

પ્રિયંકા અને સત્યજીત કૉલેજનું હોટફેવરિટ કપલ હતાં. કોઈના પણ હોંશ ઉડાવી દે એવી પ્રિયંકા ભણવામાં હોંશિયાર હતી. બે વર્ષથી યુનિવર્સિટીમાં ટોપ કરતી હતી. સત્યજીત શહેરના બિઝનેસ ટાઇકુનનો દીકરો હતો. દેખાવડો, સ્માર્ટ અને સ્પોટ્‌ર્સમાં અવ્વલ નંબર રહેતો સત્યજીત કૉલેજની લગભગ દરેક છોકરીનો ડ્રીમબોય હતો. પ્રિયંકા અને સત્યજીત સાથે ઊભા હોય ત્યારે લગભગ એકબીજા માટે જ બન્યા હોય એટલા બધા ઓતપ્રોત દેખાતા. છેલ્લા એક વર્ષથી કૉલેજમાં સૌને ખબર હતી કે ગ્રૅજ્યુએશન પૂરું કરીને પ્રિયંકા અને સત્યજીત એકબીજા સાથે પરણી જશે.

પ્રિયંકાના દાદા સ્વાતંત્ર્યસેનાની હતા. એના પિતા એક અખબારના તંત્રી. સિદ્ધાંતો અને શિક્ષણને ખૂબ મહત્ત્વ આપતા કુટુંબમાં જન્મેલી પ્રિયંકા એક ગંભીર અને સમજદાર છોકરી હતી. જિંદગી વિશે જુદી રીતે વિચારતી. વૃદ્ધાશ્રમ, એઇડ્‌સના દર્દીઓ માટે કામ કરતી. કૉલેજની સોશિયલ સર્વિસમાં આગળ પડતો ભાગ ભજવતી. જ્યારે સત્યજીત માટે જિંદગી એક રમત હતી. એને હજી સુધી જિંદગી વિશેની કોઈ બાબત ગંભીરતાથી લેવાની જરૂર પડી જ નહોતી. એ દરેક વખતે કોઈ પણ ગંભીર બાબતને ટાળી જતો. સમયસર ન પહોંચવું. સોંપાયેલું કામ ન કરવું. કોઈ પણ વાતને મજાકમાં ઉડાવી દેવી એની ફિતરત હતી. ખરેખર તો આ બે જણા એકબીજાથી એટલા વિરુદ્ધ સ્વભાવના હતા કે કૉલેજમાં સૌને લાગતું હતું કે આ સંબંધ લાંબુ નહીં ખેંચે !

પરંતુ સૌની માન્યતા વિરુદ્ધ આ સંબંધ એક વર્ષથી લાંબો ચાલ્યો હતો. એટલું જ નહીં, એક ગંભીર વચનમાં પરિણમ્યો હતો અને થોડાક વખતમાં જીવનભરનો સાથ બનવાનો હતો...

પાર્ટી પૂરી થઈ અને સત્યજીત પ્રિયંકાને ગાડીમાં મૂકવા એના ઘર સુધી આવ્યો. પ્રિયંકાના બિલ્ડિંગ નીચે ગાડી ઊભી રહી કે સત્યજીતે હંમેશની જેમ એની આંગળીઓ પ્રિયંકાની ગરદન પર ફેરવીને એની ડોકની પાછળ એના વાળમાં પરોવી. એણે સાવ હળવા ઝટકાથી પ્રિયંકાને પોતાની નજીક ખેંચી. સહેજ વિરોધ સાથે આંખોમાં શરમ છલકાવી પ્રિયંકા નજીક ખેંચાઈ આવી. સત્યજીતે એના હોઠ પર હોઠ મૂકી દીધા. એક પ્રગાઢ ચુંબન પછી પ્રિયંકા હળવેથી છૂટી પડી. સત્યજીતના નાક સાથે નાક ઘસી એણે લાડથી ‘ગુડનાઇટ’ કહ્યું. એ ગાડીનો દરવાજો ખોલીને ઊતરી ગઈ. ગીત ગણગણતી પ્રિયંકા પોતાની બિલ્ડિંગના પગથિયા ચડતી હતી કે એના સેલની રિંગ વાગી.

"હલો અંકલ... પ્રિયંકાએ સત્યજીતના ઘરનો નંબર જોયો.

"અંકલ નહીં બેટા, આન્ટી બોલું છું. સત્યજીતનાં મમ્મી સોનાલીબહેન હતાં, "સત્યએ સેલ બંધ કર્યો છે. મને જરા ચિંતા થઈ એટલે મેં ફોન કર્યો. તું ઘરે પહોંચી બેટા ?

"હા આન્ટી, મને ઉતારીને એ હમણાં જ નીકળ્યો છે. ઘરે પહોંચતો જ હશે. પછી એણે લાગણીથી પૂછ્યું, "હવે કેમ છે તમારી તબિયત ?

"મારી તબિયત ? સોનાલીબહેન ખડખડાટ હસ્યાં, "મને શું થયું છે ?

"કેમ? તમારી તબિયત ખરાબ હતી ને? ઘરે ડૉક્ટરે બોલાવવા પડ્‌યા... એટલે તો સત્યજીતને પાર્ટીમાં આવતા મોડું થયું. પ્રિયંકાએ કહ્યું તો ખરું, પણ એના હૃદયના ધબકારા વધી ગયા. સત્યજીત ફરી એક વાર જુઠ્ઠું તો નહીં બોલ્યો હોય ને ? એ વિચારે એનું મન એકદમ ખિન્ન થઈ ગયું.

"બેટા, તું તો ઓળખે છે સત્યને... કોઈ કારણ વગર જુઠ્ઠું બોલે છે એ છોકરો. કેટલું સમજાવ્યો, પણ સમજતો જ નથી. મેં એને કહ્યું યે ખરું કે પાર્ટીમાં પ્રિયા રાહ જોતી હશે પણ કોણ જાણે કમ્પ્યૂટર પર શું કરતો હતો... એ નીકળ્યો જ મોડો! કોણ જાણે શું મજા પડે છે એને, નાની નાની વાતમાં જુઠ્ઠું બોલીને... એ પછી સોનાલીબેન પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં હતાં, પણ પ્રિયંકાના કાને હવે કશું જ પડતું નહોતું. હજી ગઈ કાલે જ સત્યજીતે એનો હાથ પોતાના હાથમાં લઈને એને વચન આપ્યું હતું કે એ ક્યારેય જુઠ્ઠું નહીં બોલે. સાવ નાનકડી- સામાન્ય વાતમાં પણ નહીં... આજે ફરી એણે કોઈ કારણ વગર જુઠ્ઠું બોલ્યો હતો.

પ્રિયંકાને લાગ્યું કે જાણે કોઈકે એનું હૃદય એના શરીરમાંથી બહાર કાઢીને જોરથી નીચોવી નાખ્યું હતું. એને શ્ર્‌વાસ લેવામાં તકલીફ પડવા માંડી. આંખોમાં પાણી આવી ગયાં, એને ડૂમો ભરાઈ ગયો, "હું તમને પછી ફોન કરીશ આન્ટી. એણે કહ્યું, ફોન મૂકી દીધો. મનોમન નક્કી કર્યું કે હવે સત્યજીત સાથે ક્યારેય વાત નહીં કરે. આટલું બધું સમજાવ્યા છતાં એના જુઠ્ઠાણાની ટેવ નહીં છૂટે તો આ છોકરા સાથે જીવવું અસંભવ છે એવું એને સમજાવા લાગ્યું હતું.

એણે બીજા દિવસે આ વિશે સત્યજીત સાથે ચોખ્ખે ચોખ્ખી વાત કરી લેવાનું નક્કી કરી લીધું. આંખમાં છલકાઈ આવેલાં પાણી લૂછી નાખ્યાં. એ સડસડાટ પગથિયા ચડીને પોતાની પાસે રહેતી ચાવીથી દરવાજો ખોલી, ઘરમાં દાખલ થઈને પોતાના પલંગમાં પટકાઈ.

છેલ્લા એક વર્ષમાં નાની-નાની વાતોમાં સત્યજીતે કહેલાં જુઠ્ઠાણાં રહી રહીને એની નજર સામે આવતાં રહ્યાં. એણે છેલ્લા છ મહિનામાં જે રીતે દરેક વખતે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ એને યાદ આવ્યું. કોણ જાણે કેમ, અત્યાર સુધી એને એક શ્રદ્ધા હતી કે સત્યજીત બદલાશે... આજના પ્રસંગ પછી એનું મન તૂટી ગયું. આ ક્ષણે એને એવું લાગ્યું કે હવે કદાચ સત્યજીત ક્યારેય નહીં બદલાય. બીજે દિવસે આ સંબંધ પૂરો કરી નાખવાનો નિર્ણય વધુ ને વધુ દૃઢ થતો રહ્યો.

(ક્રમશઃ)