સત્ય અસત્ય - પ્રકરણ - 28 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 28

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૮

જેમ જેમ પ્રિયંકાની ડિલિવરીની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ આદિત્ય વધુ ને વધુ બેચેન થતો ગયો. મહિનાઓ સડસડાટ વીતતા હતા. પ્રિયંકાની તબિયતમાં કોઈ ફરિયાદ નહોતી. ડૉક્ટરને પણ આનંદ થાય એટલી સરસ રીતે બાળકનું વજન વધતું હતું. સોનોગ્રાફીના રિપોટ્‌ર્સ નોર્મલ હતા. ક્યાંય કરતાં ક્યાંય નંદનકાકાએ ભાખેલી ભવિષ્યવાણીનો અણસારો સુધ્ધાં વરતાતો નહોતો. આદિત્ય લગભગ રોજ ફોન કરતો. પ્રિયંકાની તબિયતના સમાચાર પૂછતો. ખડખડાટ હસતી પ્રિયંકાને સાંભળીને એને રાહત પણ થતી અને ભય પણ લાગતો. રોજ શું ખાધું, ક્યાં ફરવા ગઈ હતી, કોને મળી એ બધી જ વિગતો પ્રિયંકા એને કહેતી. એ આદિત્યને ખૂબ જ મિસ કરે છે એ વાત પણ દરરોજ કહેવાનું એ ભૂલતી નહીં.

સિદ્ધાર્થભાઈ અને શીલાબહેન પ્રિયંકાનું ખૂબ ધ્યાન રાખતાં. દાદાજી રોજ એને દેવી ભાગવતમાંથી, મહાભારતમાંથી, રામાયણમાંથી કંઈ ને કંઈ વાંચી સંભળાવતા. સારી ફિલ્મો, સારું મ્યુઝિક પ્રિયંકા માટે જુદી જુદી જગ્યાએથી લઈ આવતા.

સવારે મહાદેવભાઈ એને ધ્યાન કરાવતા.

ચાર મહિનામાં પ્રિયંકાના ચહેરા પર અજબ જેવું તેજ આવ્યું હતું. એ પ્રેગનન્સીમાં સુંદર તો લાગતી જ હતી, પરંતુ માતા-પિતાની કાળજી, દાદાજીના લાડ અને નિયમિત કસરત, સારો ખોરાક, ધ્યાન વગેરેથી એના સમગ્ર સ્વાસ્થ્યમાં સુંદરતા ઉમેરાઈ હતી.

પોતાની પ્રેગનન્સીની એકએક પળ એણે પૂરેપૂરી માણી હતી. ધ્યાન કરતી વખતે એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નાભિમાં કેન્દ્રિત કરતી. પોતાના બાળકને સદ્‌વિચારના, સારાઈના, સાચું બોલવાના અને સારા માણસ થવાના સંસ્કાર મનથી મનની વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરતી. રાત્રે સૂતી વખતે પણ આંખ મીંચીને એ પોતાના બાળક સાથે વાતો કરતી. એ જાણે સામે બેઠું હોય અને સાંભળતું હોય એવી રીતે પ્રિયંકા એની સાથે મનની વાતો વહેંચતી.

એને લાગતું હતું કે આ બધું કરીને એ પોતાના બાળક સાથે એક એવો અદ્‌ભુત તંતુ જોડી રહી છે, જે જીવનભર નબળો નહીં પડે. જેવી રીતે ગર્ભમાંથી સ્ટેમસેલ કાઢીને સાચવી રાખવાથી મોટી ઉંમરે આવતી અસાધ્ય બીમારીઓમાં કામ લાગે છે એવી રીતે ગર્ભમાં રહેલા બાળક સાથે એણે એક એવો સંબંધ જોડવા માંડ્યો હતો, જે સંબંધ એના બાળકને જીવનભર આવનારી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત અને શક્તિ આપે.

એ દરમિયાન પ્રિયંકાએ સત્યજીતને મળવાના અનેક પ્રયત્નો કર્યા હતા. બે-ચાર વાર એની ઑફિસ ગઈ હતી. બે-ચાર વાર એને ઘેર પહોંચી ગઈ હતી, પણ સત્યજીત એને મળ્યો નહોતો. જોકે પ્રિયંકા સાથે એ ફોન પર નિયમિત વાત કરતો. શ્રદ્ધા વિશે જણાવતો રહેતો. પ્રિયંકા જેટલી વાર એને મળવાનું કહેતી એટલી વાર કોઈ ને કોઈ બહાનું બનાવી એ ટાળી જતો. ક્યારેક કામનું, ક્યારેક શ્રદ્ધાનું, ક્યારેક સોનાલીબહેનની તબિયતનું... પરંતુ સત્યજીત પાસે એક બહાનું હંમેશાં તૈયાર રહેતું !

સાચી વાત તો એ હતી કે પ્રિયંકા જેટલી વાર ઘેર પહોંચી કે ઑફિસ પહોંચી એ દરેક વખતે સત્યજીત ત્યાં હાજર જ હતો. ક્યારેક એ પોતાના એન્ટીરૂમમાં ચાલી જતો અને પ્રિયંકાને દસ-પંદર રાહ જોવડાવી ફોન કરતો, “અહીં મિટિંગમાં ફસાઈ ગયો છું. નહીં નીકળી શકું. તને ગાડી મૂકી આવશે.”

પ્રિયંકા જ્યારે અચાનક ઘેર પહોંચી ત્યારે પણ સત્યજીત ઘરમાં જ હતો.

એણે દોડીને સોનાલીબહેનને સાવધ કર્યાં, “પ્રિયંકા આવી છે. હું ઘરમાં નથી એવું કહી દેજે.”

“પણ કેમ ?”

“બસ, મારે એને મળવું નથી.”

“એ છોકરી બિચારી મા બનવાની છે તો પણ તને મળવા ધક્કા ખાય છે. ખરેખર તો તારે જવું જોઈએ, એને બદલે...”

“જો મા, હું જે કંઈ કરું છું એનાં મારી પાસે યોગ્ય કારણો છે.”

“હિંમત હોય તો જઈને પ્રિયંકાને જ કહી દે ને...” પાછળ ઊભેલી અમોલાએ ચાબખો મારવાની તક છોડી નહોતી, “સામે ઊભા રહીને કહી કે મારે તને નથી મળવું.”

“એની જગ્યાએ તું હોત તો ચોક્કસ કહી દેત, પણ પ્રિયંકા જેટલી સારી અને પ્રેમાળ છોકરીને દુઃખ પહોંચાડવાની મારી ઇચ્છા નથી.”

“જો ખરેખર સારી અને પ્રેમાળ હોય તો મળતો કેમ નથી ?” સણસણતો જવાબ સાંભળ્યા પછી અમોલાથી ચૂપ રહી શકાય એમ નહોતું.

“સારી અને પ્રેમાળ છે એટલે જ નથી મળતો. હું અત્યારે જે મનઃસ્થિતિમાં છું એ સ્થિતિમાં હું એને મળીશ તો કદાચ રડી પડીશ. મારા જીવનનો એક જ ભીનો ખૂણો છે, એનું નામ પ્રિયંકા છે. લગભગ તમામ સંબંધોમાં મરી પરવારેલો સત્યજીત જિંદગીના એક જ ટુકડામાં હજી જીવતો રહી ગયો છે. એ ટુકડાનું નામ પ્રિયંકા છે... મારું આખું શરીર પથ્થરનું બની ગયું છે. બે આંખો અને હૃદય હજી જીવે છે, સમજી ? માટે નથી મળવું મારે એને...” આટલું કહીને એ સડસડાટ સીડી ચડી ગયો. સોનાલીબહેન એને જોતાં રહી ગયાં. અમોલાએ છણકો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં પ્રિયંકા પગથિયા ચડીને અંદર દાખલ થઈ ચૂકી હતી.

અમોલા અને પ્રિયંકા પહેલી વાર મળ્યાં ત્યારે અમોલાનું વર્તન જોઈને સોનાલીબહેન પણ આઘાત પામી ગયાં. સતત કડવું બોલતી, શબ્દોને ચાબુકની જેમ વાપરતી આ સ્ત્રી આટલું મીઠું બોલી શકે છે, આટલી સારી રીતે વર્તી શકે છે એ જોઈને એમને પોતાની જાત પર વિશ્વાસ ન આવ્યો. જોકે અમોલાનાં બે રૂપ એમણે જોયાં હતાં, પણ આવા બે રૂપ એમને માટે કલ્પનાની બહાર હતાં.

પ્રિયંકા માટે જાતે મિલ્કશેક બનાવીને લઈ આવી. એને ખાવાનો આગ્રહ કર્યો. પ્રેગનન્સી વિશે જાતજાતની સલાહો આપી. શ્રદ્ધાને રમાડતી પ્રિયંકા સાથે એણે પોતાની પ્રેગનન્સી વિશે એવી રીતે વાત કરી, જાણે એને માટે પ્રેગનન્સી એ જીવનનો ઉત્તમ કાળ રહ્યો હોય. ખરેખર તો સોનાલીબહેન જાણતાં હતાં કે અમોલાએ પોતાની પ્રેગનન્સીમાં કેટલું ખરાબ વર્તન કર્યું હતું, એણે સોનાલીબહેનને અને સત્યજીતને કેટલું દુઃખ આપ્યું હતું એ બધું જ જાણે બન્યું જ ન હોય એવી રીતે અમોલા ખુશખુશાલ થઈને પોતાની પ્રેગનન્સી વિશે વાતો કરી રહી હતી.

પ્રિયંકાને કોઈ ને કોઈ બહાને એણે રોકી રાખી. સોનાલીબહેન જાણતાં હતાં કે ઉપર બેઠેલો સત્યજીત મનોમન અકળાતો હશે, પણ અમોલા જાણે એને અકળાવવા માટે જ વર્તતી હોય એ રીતે વર્તતી હતી. સોનાલીબહેને એક-બે વાર જુદી જુદી રીતે પ્રિયંકાને ‘આરામ કરવો જોઈએ’ અથવા ‘શીલાબહેન ચિંતા કરતાં હશે’ જેવા ઇશારા કરીને ઘરે મોકલવાનો પ્રયત્ન કર્યો, પણ અમોલાએ એને પૂરા ત્રણ કલાક બેસાડી! દરમિયાનમાં શ્રદ્ધાને લાડ કરીને, પ્રિયંકાનો ખ્યાલ રાખીને એને એવી અભિભૂત કરી નાખી કે પ્રિયંકા સત્યજીતની પત્ની વિશે એક જુદો જ ખ્યાલ લઈને ઘરની બહાર નીકળી.

એ બહાર ઊભા રહીને ગાડીમાં બેસતા પહેલાં અમોલાને ભેટી, “મેં તો શું ધાર્યું હતું તારા વિશે... પણ તને મળ્યા પછી મારો ખ્યાલ સાવ બદલાઈ ગયો. સત્યજીત સુખી છે એ વિચાર જ મારા માટે પૂરતો છે.” એણે તરત જ ઉમેર્યું, “ગેરસમજ નહીં કરતી, પણ એ દોસ્ત છે મારો અને એનું સુખ મારા માટે બહુ અગત્યનું છે.”

અમોલાએ પણ એને ભેટીને લાગણી છલકાવી, “હું જાણું છું, મને તમારા સંબંધ વિશે ક્યારેય શંકા નહીં આવે. મને એ પણ ખબર છે કે હું આ ઘરમાં પાછી આવી છું એનું કારણ તું છે.”

“એટલે ?”

“મને સત્યજીતે કહ્યું છે કે તેં જ એને મને પાછી લઈ આવવાનો આગ્રહ કર્યો હતો.”

“અમોલા, હું પહેલેથી એવું માનું છું કે પતિ-પત્નીનો સંબંધ એટલે વિશ્વાસનો, લાગણીનો અને બિનશરતી પ્રેમનો સંબંધ, એકબીજાને પૂરેપૂરા સમજીને જો બે જણા એકબીજાને સ્વીકારે તો ખરેખર જિંદગી સ્વર્ગ થઈ શકે.” એના ચહેરા પર સ્મિત આવી ગયું, “આદિત્ય અદ્‌ભુત પતિ છે. મને આવો માણસ મળ્યો એ મારું સદ્‌નસીબ છે.”

“મને પણ સત્યજીત મળ્યો એ મારું સદ્‌નસીબ છે.” અમોલાએ પૂરેપૂરો અભિનય કરીને પ્રિયંકાને એટલી તો ગદ્‌ગદ કરી નાખી કે ગાડીમાં બેઠેલી પ્રિયંકાની આંખમાં સત્યજીતના સુખના વિચારે આંસુ આવી ગયાં. પોતે એને છોડીને ગઈ એ પછી સત્યજીતની જે મનઃસ્થિતિ હતી એને બદલે આજે એક સુખી કુટુંબ, સારી પત્ની અને જવાબદાર થઈ ગયેલા સત્યજીત વિશે જાણીને એને ખૂબ સંતોષ થયો, પરંતુ બિચારી જાણતી નહોતી કે આ બધું જ એક છલનો, એક અસત્યનો એવો પરદો હતો, જેની પેલે પાર વસતું સત્યજીતનું સત્ય કંઈ ઓર જ હતું.

એ પછી એણે સત્યજીતને મળવાના સારા એવા પ્રયત્નો કર્યા, પણ જાણે કોઈ ને કોઈ અકસ્માતે ન જ મળી શકાયું હોય એવો દેખાવ કરીને સત્યજીતે પ્રિયંકાને મળવાનું સફળતાપૂર્વક ટાળ્યું.

*

નવમો મહિનો બેસી ગયો હતો. પ્રિયંકાનું હરવા-ફરવાનું થોડું ઓછું થયું હતું. હવે મોટા ભાગનો સમય એ ઘરમાં જ ગાળતી. વધુ વાંચન, વધુ સંગીત તો ક્યારેક સારી ફિલ્મોની ડીવીડી લાવીને જોતી. સિદ્ધાર્થભાઈ પણ વહેલા ઘરે આવતા. એની સાથે સમય ગાળતા.

મહાદેવભાઈ એની સાથે પત્તા રમતા, નજીકના બગીચામાં દાદાજી અને દીકરી ચાલવા જતાં. ધીમે ધીમે ડગલાં ભરતી પ્રિયંકા હાંફી જતી એટલે બંને જણા બાંકડા પર બેસીને આથમતા સૂરજનું સૌંદર્ય જોતાં. બગીચામાં રમતાં બાળકો, એકદોકલ પ્રેમીઓ, ઝડપથી ચાલતા વજન ઉતારવા આવેલા લોકો, પંખીઓ... પ્રિયંકાને આ દુનિયા ખૂબસુરત લાગવી માંડતી. આ દેશ સાથે જોડાયેલાં એનાં મૂળ ક્યારેક એને લાગણીવશ કરી નાખતા.

અઠવાડિયે એક વાર દાદાજી અને દીકરી મિનરલ વૉટરમાંથી બનેલી પાણીપૂરી ખાવા અચૂક પહોંચી જતાં. પાણીપૂરી ખાઈને પ્રિયંકાના ચહેરા પર જે તૃપ્તિ આવતી એ જોઈને મહાદેવભાઈ હસતા, “આ ગર્ભાવસ્થા એની સાથે બદલાતા સ્વાદ, ગમા-અણગમા અને શારીરિક પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું સદ્‌ભાગ્ય ઈશ્વરે સ્ત્રીને જ આપ્યું છે... અન્યાય કહેવાય.”

“આહ ! એમાં અન્યાય શાનો ? એક મા જ આટલું બધું સહન કરી શકે. તમે લોકો નવ દિવસ સુધી એક મોટો તકિયો પેટ પર બાંધીને ફરી જુઓ. એક સેકન્ડ માટે પણ છોડવાનો નહીં. ખાતા-પીતા, ઊઠતા-બેસતા, સૂતા પણ એ તમારી સાથે ને સાથે... અગવડ અને તકલીફની કલ્પના આવે છે તમને ?”

“આવે છે બેટા, સાચું કહું તો તારાં દાદીને કે શીલાને જોઈને આવો ખ્યાલ નહોતો આવ્યો, પણ ગઈ કાલ સુધી મારા ખોળામાં ઝૂલતી, મારી નજર સામે ઉછરીને મોટી થયેલી છોકરી હવે મા બનવાની છે એ જોઉં છું ત્યારે સમજાય છે કે સમય કેટલો ઝડપથી અને ક્યાં વહી જાય છે.”

*

નવમા મહિનાની શરૂઆતમાં પ્રિયંકાને સામાન્ય શારીરિક તકલીફો શરૂ થઈ હતી. પગે સોજા આવવા, ક્યારેક ચક્કર આવવા, નાનો-મોટો દુખાવો કે ઊલટી થતી હોય એવી લાગણી...

કોઈને સ્વપ્નેય કલ્પના નહોતી કે નવમા મહિનાના અંતમાં ક્રોસ મેચ કરવા માટે લેવાયેલા બ્લડ ટેસ્ટમાં આવો ભયાનક રિપોર્ટ પ્રિયંકાના આખા કુટુંબને હતપ્રભ કરી નાખશે.

(ક્રમશઃ)