સત્ય-અસત્ય
કાજલ ઓઝા વૈદ્ય
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ ૯
પ્રિયંકા ખોટી નહોતી. એ અમેરિકાથી પાછી આવી ગઈ છે એ ખબર સત્યજીતને મળ્યા જ હતા. સોનાલીબેને જ્યારે પ્રિયંકા ઘરે આવી એ ખબર આપ્યા, ત્યારે પણ સત્યજીતની અંદર કશુંક વલોવાઈ ગયું. એને કોઈ પણ રીતે પ્રિયંકા સુધી પહોંચવું હતું. પરિસ્થિતિને યથાવત્ કરી નાખવી હતી. બધું જ પહેલાંની જેમ થઈ જાય એવું સત્યજીત મનોમન ઝંખતો હતો, પરંતુ કોઈક કારણસર એ માટે પ્રયાસ કરી શક્યો નહીં.
સત્યજીતે મનોમન નિર્ણય કરી લીધો હતો, પ્રિયંકા શહેરમાં પાછી આવી ગઈ છે એવું જાણવા છતાં પણ એણે પ્રિયંકાનો સંપર્ક ન જ કર્યો. એના મનમાં થોડો અપરાધભાવ પણ હતો જ. એ જાણતો હતો કે જે કંઈ બન્યું છે એને માટે પોતે જ જવાબદાર છે.
સત્યજીતને અવારનવાર વિચાર આવ્યો કે એ પ્રિયંકા પાસે જઈને એક વાર માફી માગે. એને ફરી એક વાર પોતાના પર વિશ્વાસ કરવા વિનંતી કરે, પણ એ જાણતો હતો કે પ્રિયંકા હવે પોતાનો નિર્ણય નહીં બદલે. પ્રિયંકા વગરની જિંદગી એક મશીનની જેમ જીવાતી જતી હતી. સવારે આંખ ઊઘડે ત્યાંથી શરૂ કરીને આંખ મીંચે ત્યાં સુધી સત્યજીત પ્રિયંકાના વિચારોથી ભાગવાનો પ્રયાસ કરતો, પણ પ્રિયંકાનો વિચાર એક ક્ષણ માટે પણ એને છોડતો નહોતો. આંખ મીંચે ને પ્રિયંકાનો ચહેરો નજર સામે દેખાતો. એની આંખોમાંથી ફરિયાદ વરસતી.
પોતે જેને તદૃન નકામી વાત ગણતો હતો એ વાતે પ્રિયંકા આટલી બધી દુઃખી થઈ જશે એવો અંદેશો એને આવ્યો હોત તો એણે કદાચ પોતાની જાતને વાળી હોત.
પિતાની ઑફિસમાં, પિતાની ખુરશી પર બેસતા સત્યજીતને રોજ રવીન્દ્ર પારેખની યાદ આવતી. પ્રિયંકા સાથેનો સંબંધ તૂટવા માટે આડકતરી રીતે રવીન્દ્ર પારેખ પણ જવાબદાર હતા જ. પિતાનો કડપ એટલો બધો હતો કે સત્યજીત સાચું બોલતા ડરવા લાગ્યો હતો. નાની નાની વાતમાં જુઠ્ઠું બોલવાથી બચી જવાય છે એ વાત એના મનમાં બહુ કાચી ઉંમરે એટલી ઊંડી ઊતરી ગઈ કે એનું મન જ્યાં પણ એને ગૂંચવણભરેલી પરિસ્થિતિ લાગે ત્યાં તરત જ જુઠ્ઠું બોલીને એને બચાવવાનો પ્રયાસ કરતું થઈ ગયું. સત્યજીત પોતે પણ નહોતો જાણતો કે જૂઠ ક્યારે એના લોહી સાથે ભળીને એની સિસ્ટમમાં દાખલ થઈ ગયું. જેવો એને સવાલ પૂછવામાં આવે કે તરત જ એનું બચાવતંત્ર કામે લાગી જતું. જુઠ્ઠું બોલી નાખીએ એ પરિસ્થિતિમાંથી તાત્કાલિક બચી જવાનો પ્રયાસ કરતો.
રવીન્દ્ર પારેખ પાસે ભાગ્યે જ એટલો સમય હતો કે એ પોતાના દીકરાનું જૂઠ પકડીને એને વિશે તપાસ કરે. જ્યારે પણ સત્યજીત માટે પિતા સમક્ષ ઊભા રહીને જવાબ આપવાની પરિસ્થિતિ આવતી કે તરત જ જૂઠ એની મદદે દોડી આવતું. જાણે-અજાણે દીકરાને સાચું બોલવાના સંસ્કાર આપવાને બદલે સોનાલીબહેને પણ એને રવીન્દ્રભાઈના ક્રોધથી બચાવવા ઘરમાં શાંતિ જાળવવા માટે એના જૂઠને છાવરવા માંડ્યું. સત્યજીતને પોતાને પણ ખબર ન પડી કે એ એક પેથોલોજિકલ લાયર બની ગયો હતો. જરૂર હોય કે ના હોય, એનાથી જૂઠ બોલાઈ જ જતું.
ધીમે ધીમે સાચા અને જુઠ્ઠા વચ્ચેની એક પાતળી ભેદરેખા ક્યારે ઓળંગાઈ ગઈ અને ક્યારે સત્યજીત મોટા ભાગની વાતોમાં ખોટું બોલતું થઈ ગયો એ વિશે એને પોતાને પણ ભાન નહોતું રહ્યું.
ધીમે ધીમે આ જ એની જિંદગી બની ગઈ. જ્યારે પણ, જ્યાં પણ એને ફસાવા જેવી પરિસ્થિતિ લાગે કે તરત જ એ જુઠ્ઠું બોલી નાખતો. એ સમજી નહોતો શકતો કે આ જૂઠથી ધીમે ધીમે માણસો એના પરત્વે એક પ્રકારની અણગમાની લાગણી ધરાવતા થઈ ગયા હતા. શરૂઆતમાં પ્રિયંકાએ આખી વાતને બહુ ગંભીરતાથી નહોતી લીધી. પરંતુ સયમ સાથે સત્યજીતનાં જૂઠ વધતાં ગયાં અને પ્રિયંકાનો અણગમો બેવડાતો ગયો.
કોઈ પણ પરિસ્થિતિમાં સત્ય બોલવાના સંસ્કાર પામેલી છોકરી સાવ નાનકડી વાતમાં જુઠ્ઠું બોલી જતા આ માણસ સાથે જિંદગીભરનો સંબંધ ન જ જોડી શકી.
અત્યારે પિતાની ખુરશીમાં બેઠેલો સત્યજીત વિચારી રહ્યો હતો કે એ પોતાના પિતાને જેટલાં કારણોસર ધિક્કારતો હતો એમાં એક કારણનો વધારો થયો હતો. સત્યજીતનું બાળપણ બહુ વિચિત્ર રીતે વીત્યું હતું. રવીન્દ્ર પારેખના કડક શિસ્ત અને અનુશાસનમાં ઉછરેલો સત્યજીત તદૃન બેજવાબદાર અને ઉછાંછળો થઈ ગયો હતો. દીકરાને બચાવવા માટે એને છાવરતાં, પૈસા આપતાં, ખોટું બોલતાં સોનાલીબહેને પણ સત્યજીતને બગાડવામાં પૂરો ભાગ ભજવ્યો હતો. આજે કરોડોની મિલકતના વારસદાર તરીકે એની પાસે પિતાની ખુરશી તો હતી, પણ પિતાના સિદ્ધાંતો નહોતા, પિતાની માન્યતાઓ નહોતી. પિતા જેટલી આવડત કે સમજદારી પણ ધંધામાં નહોતી જ. રવીન્દ્રભાઈની જેમ એ કદાચ આ વ્યવસાયને નહીં ચલાવી શકે એવો ભય એની અંદર ધીમે ધીમે વિસ્તરવા માંડ્યો હતો.
સત્યજીતના જીવનમાં અત્યાર સુધી પ્રિયંકા જ એનો આત્મવિશ્વાસ હતી. એને સતત લાગતું કે પ્રિયંકા છે તો એની પાસે બધું જ છે. એને રવીન્દ્ર પારેખના પૈસા, વ્યવસાય કે બંગલા-ગાડીની સહેજ પણ પડી નહોતી, કારણ કે એની પાસે પ્રિયંકા હતી. રવીન્દ્ર પારેખ ક્યારેક અકળાતા ત્યારે સત્યજીતને કહેતા, “હું બધું જ દાન કરી દઈશ, ટ્ર્સ્ટ કરી નાખીશ, તને ફૂટી કોડી પણ નહીં આપું.”
સત્યજીત ઉશ્કેરાટમાં જવાબ આપી દેતો, “આપી દો ! બોલ્યા છો તો કરી બતાવો. મને તમારા પૈસામાં કોઈ રસ નથી.”
“મને ખબર છે, તું પેલી છોકરીના જોર પર તારી જિંદગી જીવવા નીકળ્યો છે, પણ એક વાત યાદ રાખજે, પણ જો હું એ છોકરીને બરાબર ઓળખતો હોઉં તો એ તારી સાથે નહીં જીવે.” રવીન્દ્રભાઈએ ત્યારે કરેલી ભવિષ્યવાણી આજે સાચી પડી હતી !
આજે સત્યજીત પાસે રવીન્દ્રભાઈના પૈસા હતા, એમનો વારસો હતો, પણ પ્રિયંકા નહોતી.
પ્રિયંકાએ ઘેર આવીને અમેરિકા ભણવા જવાની વાત કરી ત્યારે શીલાબહેને સૌથી પહેલો વિરોધ કર્યો. સિદ્ધાર્થભાઈ અને મહાદેવભાઈએ ઉત્સાહથી હા પાડી એટલું જ નહીં, પ્રિયંકાને બધી જ રીતે મદદરૂપ થવા વચન આપ્યું.
એક પછી એક સીડીઓ સર થતી ગઈ. ટોફેલ, સ્કોલરશિપ, એડ્મિશન, એજ્યુકેશન લોન અને વિઝા...
પ્રિયંકા જવા માટે તૈયાર હતી. મનથી તો એ આ દેશમાં પાછી ફરી જ નહોતી. એનું સમગ્ર અસ્તિત્વ આ શહેર, આ દેશ છોડી જવા માટે જાણે તરફડી રહ્યું હતું. એણે જેટલી આસાનીથી સત્યજીતને ટેબલની બીજી બાજુ બેસીને ‘છૂટા પડવાની’ વાત કહી હતી એટલી સરળતાથી એનું મન સત્યજીતથી મુક્ત થઈ શક્યું નહોતું. જેની સાથે જિંદગી જીવવાનાં સપનાં જોયાં હતાં. સાથે સાથે ચશ્મા પહેરવાના, ઘરડા થવાના, સંતાનોને ઉછેરવાના કંઈકેટલાંય વર્ષો એકબીજાનો હાથ પકડીને પસાર થવાનાં, એ બધાં જ સપનાંઓની તૂટેલી કરચો એની આંખમાં કણાની જેમ ખટકતી હતી. આ શહેરની એક એક ગલી એને સત્યજીત સાથે ગાળેલી પળોની યાદ અપાવતી...
જીવેલો સમય જાણે ફ્રીઝ થઈ ગયો હતો એની સ્મૃતિમાં. એ થીજી ગયેલી પળોને ફરી પીગળાવીને નવા આકારમાં ઢાળવાની હિંમત નહોતી પ્રિયંકામાં.
કદાચ એટલે જ એણે સત્યજીતને મળવાનું ટાળ્યું.
એ સોનાલીબહેનને મળવા ગઈ ત્યારે સોનાલીબહેને લગભગ આજીજીના સૂરમાં એને સત્યજીત સાથે ફરી એક વાર સંબંધ જોડવાનું એકથી વધુ વાર કહ્યું. પ્રિયંકાએ દરેક વખતે એ વાતનો જવાબ આપ્યા વિના જ વાત સંકેલી લીધી. એ નીકળતી હતી ત્યારે સોનાલીબહેને બહુ જ માર્દવથી છતાં રુંધાયેલા કંઠે કહ્યું હતું, “બેટા, સત્યજીતને તેં જે કોઈ કારણસર સજા કરી છે એને માટે ક્યાંક હું પણ જવાબદાર છું. હું તારી માફી માગું છું.”
પ્રિયંકાથી એમના જોડાયેલા હાથ સહેવાયા નહીં. એણે સોનાલીબહેનના હાથ પકડી લીધા, “હું એને સજા કરનાર કોણ ? મેં મારી જિંદગી અલગથી જીવવાનો નિર્ણય કર્યો છે, બસ એટલું જ. સાથે સાથે ચાલવાનાં અમારાં સપનાં પૂરાં થઈ ગયાં. અમે જુદી દિશાઓ લેવાનું નક્કી કર્યું છે. તમે જો એને સજા કહેતાં હો તો અમને બંનેને થઈ છે.” આટલું કહેતાં કહેતાંમાં તો એની આંખો ફરી એક વાર છલકાઈ પડી હતી.
“બેટા, એક વાર... એક વાર સત્યજીતને મળી તો જો. એ બહુ સુધરી ગયો છે.” સોનાલીબહેનનું હૃદય ચીરીને એક મા બહાર નીકળી આવી હતી.
“હું એને નહીં મળું.” પ્રિયંકાએ હોઠ ભીંસી લીધા હતા, અદબ વાળીને જાણે મન અને શરીરના બધા દરવાજા બંધ કરતી હોય એમ એણે આંખ પણ મીંચી લીધી. થોડીક ક્ષણો એમ જ પોતાનો તરફડાટ શાંત થવા દઈને એણે ઉમેર્યું, “એ ખરાબ હતો જ નહીં. હું એને સુધારવા માગતી જ નહોતી. જુઠ્ઠું બોલવું એ કોઈ એવી ટેવ નથી કે જેને માટે માણસને સજા કરવી પડે.”
“તો પછી...”
“એને વ્યસન થઈ ગયું છે- જુઠ્ઠું બોલવાનું વ્યસન. એને નશો થાય છે એના જૂઠનો.” પ્રિયંકાએ ખૂબ સહાનુભૂતિથી સોનાલીબહેનના ખભે હાથ મૂક્યો, “તમે પણ સ્ત્રી છો મમ્મા, માત્ર એક વાર તમારી જાતને મારી જગ્યાએ મૂકીને વિચારી જુઓ. હું જે માણસ પર વિશ્વાસ નથી કરી શકતી, એને ચાહી કેવી રીતે શકું ? જેને સન્માન નથી આપી શકતી એને શરીર કેવી રીતે સોંપું હું ?”
“પણ બેટા... એના પપ્પા...” સોનાલીબહેનના અવાજમાં તિરાડો પડતી જતી હતી, “એમના સ્વભાવને લીધે... સત્યજીતનો કોઈ વાંક નથી બેટા.”
“કશું નહીં કહેતા હવે ! સત્યજીત પાસે એનાં પોતાનાં કારણો હશે જ.” પ્રિયંકાએ લગભગ પોતાને કહેતી હોય એટલું ધીમેથી, પણ પોતાને સંભળાય એટલી દૃઢતાથી કહ્યું, “મારી પાસે પણ મારાં કારણો છે. જૂઠને નહીં સ્વીકારી શકવાના, એને નહીં ચાહી શકવાના, એની સાથે નહીં જીવી શકવાનાં.” એ સોનાલીબહેનને ભેટી પડી. એનું ડૂસકું છૂટી ગયું, “આ ભગવાન પણ આવું કેમ કરતો હશે ? જ્યારે જ્યારે આપણને એમ લાગે કે હવે જિંદગીનો પ્રવાસ પૂરો થયો, સ્ટેશન આવી ગયું, મંઝિલ મળી ગઈ, ત્યારે એક નવી દિશાના દરવાજા ઉઘાડીને તમને ધક્કો મારી દે. જ્યાં અટકવાનું મન થાય ત્યાંથી જ તમને ફરી દોડવાની ફરજ પાડે.” એ રડતા રડતા બોલી રહી હતી, “મને લાગ્યું હતું કે હવે આગળની જિંદગીનો પ્રવાસ હું અને સત્યજીત સાથે સાથે... પણ અમારે એકલા જ... કદાચ આ જ અમારા બંનેનું ભાગ્ય છે. અમારી કુંડળીનાં બાર ખાનાંઓમાં ગ્રહોની ગોઠવણી એકબીજાથી તદૃન ઊલટી હશે...”
એ આંસુ લૂછતી સડસડાટ પગથિયા ઊતરીને પોતાની સ્કૂટી પર ત્યાંથી નીકળી ગઈ. સોનાલીબહેને પગથિયા ઉપર બેસીને માથે હાથ મૂકીને રડવા માંડ્યું. સ્કૂટી પર જઈ રહેલી પ્રિયંકાની સાથે સાથે એમને આ ઘરનાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સત્યજીતની સફળતા જતા દેખાતા હતા.
(ક્રમશઃ)