સત્ય-અસત્ય
કાજલ ઓઝા વૈદ્ય
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ ૬
અમેરિકન એમ્બેસીની બહાર નીકળતી વખતે પ્રિયંકાનું મન હજુ અવઢવમાં હતું. અપરિણિત હોવા છતાં પોતાના અખબારનું ઓળખપત્ર અને અમેરિકામાંથી પ્રકાશિત થતા ગુજરાતી અખબારના આમંત્રણનો પત્ર તથા રાષ્ટ્રપતિ સાથેના ઇન્ટરવ્યૂની તારીખ દર્શાવતો ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’નો પત્ર હોવાને કારણે પ્રિયંકાના વિઝા તો થઈ ગયા હતા.
સામાન્ય રીતે અમેરિકન એમ્બેસીએ આપેલી ડેટ પ્રમાણે જ વિઝા લેવા જવું પડે, પરંતુ આ કિસ્સામાં અખબાર માટે ઇન્ટરવ્યૂ કરવાનો હોવાથી અને રાષ્ટ્રપતિ ઓબામાની ડેટ મળી ગઈ હોવાથી એને વહેલી તારીખ મળી. તરત વિઝા પણ! જિંદગીનો એક અમૂલ્ય અવસર એની નજર સામે હતો. એની કારકિર્દીનું કદાચ એક ઘણું જ મહત્ત્વનું પગલું ભરવા માટે એ આગળ વધી રહી હતી. એણે ક્યારેય નહોતું વિચાર્યું કે એને આવી રીતે અમેરિકા જવાની તક મળશે. પરંતુ સત્યજીતથી દૂર જવાનું નક્કી કરતાં જ એની જિંદગીમાં એક મોટી તક આવીને ઊભી રહી ગઈ.
મુખ્ય રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી. પ્રિયંકા વિચારવા લાગી, ‘શું સત્યજીત સાથેનો સંબંધ તોડતા જ મારા નસીબે મને સાવ જુદી દિશામાં લઈ જવાનું નક્કી કર્યું હશે !’
વિઝા મળી ગયાનો ઉત્સાહ તો હતો જ, સત્યજીત સાથે સંબંધ તોડવાનું દુઃખ પણ એને સતત કોરી ખાતું હતું. એણે બે-ત્રણ વાર વિચાર્યું. સત્યજીતને ફોન કરવાનું, એની સાથે વાત કરવાનું, પરંતુ કોણ જાણે કેમ એનું મન એને વારે વારે કહી રહ્યું હતુંં કે જો એક વાર એ સત્યજીતને ફોન કરશે તો ફરી એક વાર એની વાતોમાં લપેટાઈ જશે.
આટલા બધા પ્રેમ છતાં પણ જે માણસમાં વિશ્વાસ ન મૂકી શકાય એ માણસ સાથે જિંદગી જોડવા પ્રિયંકાનું મન કોઈ રીતે તૈયાર નહોતું થતું. રહી રહીને એની સંવેદના એને સવાલો પૂછતી હતી, ‘મેં સત્યજીતને અન્યાય તો નથી કર્યો ને? હું વધારે પડતી હઠાગ્રહી કે દુરાગ્રહી તો નથી ને ?’
“જીવી શકીશ એના વિના ?” અમેરિકન એમ્બેસીની બહાર ઊભેલી પ્રિયંકાની આંખો રહી રહીને ભરાઈ આવતી હતી, “એક વાર તોડ્યા પછી જોડાયેલા સંબંધોમાં તિરાડ રહી જાય છે એટલું યાદ રાખજે.”
“જે થવાનું હોય તે થાય, પણ સતત અવિશ્વાસ અને શંકા સાથે હું નહીં જીવી શકું.” એના જ મને એને જવાબ આપી દીધો.
“સત્યજીત પછી જેની સાથે જિંદગી જોડવાનું નક્કી કરીશ એ સાચો અને પ્રામાણિક હશે એવી વૉરન્ટી છે તારી પાસે?” એના મનમાં સવાલ ઊઠ્યો, “સત્યજીતને તો તું ઓળખે છે. નવ્વાણું ગુણો છે એનામાં, દિલ ફાડીને ચાહે છે તને. ક્યાંક એવું ન થાય કે એને તું ખોઈ બેસે અને પછી...”
“હું લગ્ન કરીશ જ એવું ક્યાં નક્કી છે ?” એણે પોતાની જાતને સમજાવી લીધી, “જ્યારે જે મળશે ત્યારે એના વિશે વિચારીશું.” એણે આંખો લૂછી નાખી. રસ્તો ક્રોસ કરીને સામેની બાજુ ચાલી ગઈ. ફૂટપાથ ઉપર ધીમેથી બ્રિચકેન્ડી તરફ આગળ જતાં એના મનમાં સેંકડો સવાલો ઉદ્ભવી રહ્યા હતા.
“અમેરિકા જવું એ યોગ્ય નિર્ણય હતો ? સત્યજીતને કહેવું જોઈએ કે નહીં ? જતા પહેલાં એક વાર એને મળવું જોઈએ? મળ્યા પછી એ જે કહેશે એ સાંભળીને પણ સ્વસ્થ રહી શકવાની તૈયારી છે મારી ? હું સાચી દિશામાં છું ? એણે મને દુઃખ પહોંચાડ્યું છે એ સાચું, પણ એથી મને એને દુઃખ પહોંચાડવાનો અધિકાર મળે છે ? મને જો એના માટે સાચો પ્રેમ હોય તો મારે દૃઢ રહીને એને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એને એના નસીબ પર છોડીને મારી જિંદગી જીવી લેવી જોઈએ?”
એના જ મન પાસે એના સવાલોના જવાબો નહોતા.
એણે મન કઠણ કર્યું, સૌથી પહેલાં પિતાને વિઝા મળી ગયાના ખબર આપ્યા. પછી, ઘરે ફોન કર્યો. દાદાજી સાથે વાત શરૂ થાય તે પહેલાં જ એની આંખ ભીંજાઈ ગઈ. “બેટા, વિઝા મળી ગયા ? કૉન્ગ્રેચ્યુલેશન.”
“દાદાજી... સત્યજીતનો ફોન હતો ?”
“ફોન ? એના દસ-બાર ફોન આવી ગયા છે બેટા, એને ખૂબ અફસોસ છે આખી વાતનો. તારી માફી માગવા ઇચ્છે છે.”
“દાદાજી, તમને ખરેખર લાગે છે કે કંઈ બદલાશે ? એ જુઠ્ઠું બોલવાનું છોડી શકશે દાદાજી ?”
મહાદેવભાઈએ ઊંડો શ્વાસ લીધો. એક ક્ષણ દાદા અને દીકરી વચ્ચે ચુપકિદી છવાઈ. પછી મહાદેવભાઈએ દૃઢતાથી કહ્યું, “જો બેટા, સત્ય માટેનો તારો આગ્રહ એને સમજાતો જ નથી. નાની નાની વાતમાં જુઠ્ઠું બોલવાની એની સહજતા તને સમજાતી નથી. બે જણા એકબીજાને ગમે તેટલું ચાહતા હોય, પણ સમજી ન શકતા હોય તો સાથે જીવવું અઘરું થઈ પડે.”
“મને પણ એમ જ લાગે છે દાદાજી, એ ખૂબ સારો છે. હું એને ખૂબ પ્રેમ કરું છું, પણ આ એક વાત મને રહી રહીને ડરાવે છે. આજથી દસ વર્ષ પછી જો આ સંબંધ તૂટવાનો જ હોય તો...”
“હું તારી વાત સમજું પણ છું અને સ્વીકારું પણ છું. જો આજથી દસ વર્ષ પછી પણ તમે આ જ બાબતે એકબીજાથી નારાજ અને દુઃખી રહેવાના હો તો સારું એ જ છે કે આ વાત આજે અને અહીં જ પૂરી થઈ જાય.”
“તમે મારી સાથે છો ને દાદાજી ?” પ્રિયંકાનું ડૂસકું છૂટી ગયુંં.
“હા બેટા, હું તારી સાથે જ છું અને છતાં તને એક સલાહ આપું છું. જગતનો કોઈ પણ સંબંધ અધૂરેથી, પાનું ફાડીને કે બટકાવીને નહીં તોડવાનો. જે સચ્ચાઈથી અને સમજદારીથી સંબંધ શરૂ કર્યો હતો એ જ સચ્ચાઈ અને સમજદારીથી સંબંધ શરૂ કર્યો હતો એ જ સચ્ચાઈ અને સમજદારીથી આ સંબંધ પૂરો કરવાનો. તમે લગ્ન નથી કરવાના તો શું થયું, મિત્રો તો રહી જ શકો છો. જિંદગીનો ઉત્તમ સમય ગાળ્યો છે તમે એકબીજાની સાથે. એ શા માટે ભૂલી જવાનું ? પાછી આવે પછી એક વાર એને મળજે. એની સામે બેસીને, આંખમાં આંખ નાખીને તારી વાત દૃઢતાથી કહેજે.”
“એ નહીં સાંભળે દાદાજી, એ નહીં સમજે.” પ્રિયંકા રડી રહી હતી. એ ફરી એક વાર મને આ સંબંધના જાળામાં...
“જો બેટા, તું મારી દીકરી છે. મજબૂત અને સાચી. તું એનાથી દૂર જાય એનો મને વાંધો નથી, પણ એનાથી ભાગે તો મને લાગે કે હું ક્યાંક ખોટો પડ્યો છું.” મહાદેવભાઈ એને સમજાવતા રહ્યા અન પ્રિયંકા રડતી રહી.
“હું મળીશ એને દાદાજી, હું ચોક્કસ મળીશ.” પ્રિયંકાએ રડતાં રડતાં પણ દૃઢતાથી કહ્યું, “એની દલીલોથી કે એના ચાર્મથી ડરીને એને ન મળું તો મારે એવું સ્વીકારી લેવું પડે કે હું મારી જાત સામે હારી ગઈ છું. મને મારામાં વિશ્વાસ છે એટલું સાબિત કરવા માટે પણ મારે એક વાર એને મળવું જ પડે.”
“ધેટ્સ લાઈક માય ગર્લ.” મહાદેવભાઈ આટલે દૂર હતા તેમ છતાં પ્રિયંકાને લાગ્યું કે દાદાજી એની પીઠ થાબડી રહ્યા હતા. એણે બીજી થોડી વાતો કરીને ફોન મૂક્યો.
એ રાત્રે મુંબઈથી અમદાવાદ આવવા નીકળી ત્યારે એણે મનોમન નક્કી કરી લીધું હતું કે જેમ આઈ લવ યુ કહીને આ સંબંધની શરૂઆત થઈ હતી એવી જ રીતે ‘હવે આપણે સાથે નથી’ એવું કહીને આ સંબંધને ઔપચારિક પૂર્ણવિરામ મુકાવું જોઈએ.
કંઈ પણ શરૂ કરતી વખતે જેમ આપણે વ્યવસ્થિત અને ઔપચારિક રીતે શરૂઆત કરીએ છીએ એવી જ રીતે પૂરું કરવાની પણ એક રીત હોય છે. સન્માનપૂર્વક અને પૂરેપૂરા ખુલાસા સાથે પૂરા કરાયેલા સંબંધમાં ક્યાંક સુકાયેલા ફૂલની સુગંધ બાકી રહી જાય છે. મસળીને ફેંકી દેવાતાં ફૂલો ફરી ક્યારેય જોઈ શકતાં નથી, પણ સાચવીને પુસ્તકમાં મૂકી દેવાયેલું ફૂલ ક્યારેક જડી આવે છે ત્યારે એનો મૂળ રંગ કદાચ બાકી ન હોય તો પણ એની સુગંધ પુસ્તકનાં પાનાંઓમાં સચવાયેલી રહી શકે છે.
*
“હવે એ શક્ય નથી સત્યજીત.” પ્રિયંકાના અવાજમાં પહેલાં ક્યારેય ન અનુભવાયેલી એક દૃઢતા અને આત્મવિશ્વાસ સત્યજીત અનુભવી શકતો હતો. એ પહેલાં ફરિયાદ કરતી ત્યારે રડતી, ઝઘડતી, ગુસ્સો કરતી. આજે એની આંખો કોરી હતી, અવાજ સ્થિર. એ ખૂબ શાંતિથી પોતાની વાત કહી ચૂકી હતી. સત્યજીત ની બધી જ દલીલો નાકામિયાબ નીવડી હતી. પ્રિયંકાને મનાવવાના તમામ પ્રયત્નો પૂરા થયા પછી પ્રિયંકાએ પૂર્ણવિરામની જેમ ધીમેથી, પણ પૂરેપૂરી દૃઢતા સાથે પોતાની વાત ફરી એક વાર કહી હતી, “હવે એ શક્ય નથી સત્યજીત.”
“પણ હું તને ખૂબ ચાહું છું.”
“હું પણ ચાહું છું તને, આ ક્ષણ સુધી. પણ હવે હું તારા પર વિશ્વાસ નથી કરી શકતી. તારી દરેક વાતને ચેક કરવાની ઇચ્છા થાય છે મને. તું કંઈ પણ કહે ત્યારે એ સાચું હશે કે ખોટું એવો સવાલ થાય છે અને એવા વિચારો બદલ હું મારી જાતને માફ નથી કરી શકતી.”
“શું કામ વિચારે છે આટલું બધું ? વિચારવાથી સંબંધો ગૂંચવાય છે.”
“સત્યજીત, વિચારવું એ મારી પ્રકૃતિ છે. મારી બુદ્ધિ અને મારો તર્ક મારા જ અસ્તિત્વનો ભાગ છે. તું આજ સુધી એવી જ સ્ત્રીઓને મળ્યો છે, જે લાંબુ વિચાર્યા વિના પરિસ્થિતિને, માણસોને, સંબંધોને એમ જ જીવ્યા કરે. હું એવી નથી. બની પણ નહીં શકું. પ્લીઝ, મને માફ કર. હું તારે લાયક નથી.”
“કે પછી હું તારે લાયક નથી, એવું કહેવા માગે છે ?”
“હું જે કહેવા માગું છું તે જ મેં કહ્યું છે. સાથે રહીને એકબીજાને દુઃખી કરવા જેટલું ક્રૂર કામ બીજું કોઈ નથી. બે વ્યક્તિઓ એકબીજા સાથે સૉલફુલી - આત્માથી જોડાયેલી હોય તો જ એ સંબંધ એની પૂર્ણતાને પામે છે. પેઈનફુલી કનેક્ટેડ વ્યક્તિઓ એકબીજાને દુઃખી કરવા સિવાય બીજું આપી શકતા નથી એકબીજાને.”
“હું તને દુઃખી નહીં કરું.”
“એક જ જિંદગી છે. હું હું પુનર્જન્મમાં નથી માનતી... યુ ઑન્લી લીવ વન્સ, જે શાંત અને સુખી હોવી જોઈએ.”
“હું એ બધું આપીશ તને... આઈ પ્રોમિસ...” સત્યજીતને શું કહેવું એ સમજાતું નહોતું. એણે પ્રિયંકાનો હાથ પકડી લીધો. એ બેબાકળો થઈ ગયો હતો. આ પહેલાં ઘણી વાર ઝઘડ્યાં હતાં બંને, પણ ત્યારે પ્રિયંકાનો ઉશ્કેરાટ અને એનો ગુસ્સો સત્યજીતને સમજાતો હતો. એને કેવી રીતે ઠંડો કરવો એ પણ એને આવડતું હતું. પ્રિયંકાની આ સ્વસ્થતા અને સ્પષ્ટતા સામે ટકવું સત્યજીતને અઘરું પડી રહ્યું હતું.
“આપણે બે જણા પતિ-પત્ની તરીકે એક છત નીચે એકબીજાની જિંદગી ઝેર કરી દઈશું સત્યજીત, તારા માટે જુઠ્ઠું બોલીને છટકી જવું, સમસ્યાનો તરત જ ઉકેલ લાવીને એમાંથી બહાર નીકળી જવું એ જ જિંદગી છે. જ્યારે મારા માટે દરેક વાતને ઝીણવટથી અનુભવવી, વિચારવી, એનાં પરિણામો વિશે વિચારવું અને પરિણામોની ચિંતા કરીને જીવવું એ જિંદગી છે. જે બે માણસોની જિંદગીની વ્યાખ્યા જ જુદી હોય એ બે જણા એક સાથે કેવી રીતે જીવી શકે ?”
“હું બદલાઈ જઈશ, સુધરી જઈશ.” સત્યજીતની આંખો ભરાઈ આવી હતી, પણ પ્રિયંકાની આંખો હજી કોરી હતી.
“આપણે એ પ્રયત્નો પણ કરી ચૂક્યા ને ? તું જે સ્વાભાવિકતાથી તારા પપ્પાને હાર્ટઅટેક આવ્યાના સમાચાર આપી શકે છે એ વાત જ દેખાડે છે કે તારે માટે બીજાની સંવેદનાનું મૂલ્ય શું છે ?”
હવે સત્યજીત કશું જ બોલ્યો નહીં. ભીની આંખે પ્રિયંકાની સામે તાકી રહ્યો. બંને જણા થોડીક ક્ષણો એકબીજાની આંખોમાં જોતા રહ્યા. પછી પોતાની અંદરનાં બધા જ ઉફણાઈ રહેલાં સંવેદનોને એકઠાં કરીને પ્રિયંકાએ સ્વસ્થતાનું મહોરું પહેરી લીધું. એણે સત્યજીતના હાથ પર હાથ પર મૂક્યો, “ગેરસમજ નહીં કરતો. મેં જે કોઈ નિર્ણય કર્યો છે એમાં આપણા બંનેનું ભલું છે.”
“ક્યારે જાય છે ?”
“આજે રાત્રે.” બંને વચ્ચે અજંપ પળો એક પછી એક પસાર થતી રહી. સાથે જીવેલો સમય અને સાથે જીવવાનાં સપનાં એકબીજાની સાથે લડતાં-ઝઘડતાં પસાર થતાં રહ્યાં, “તું ઇચ્છે તો આપણે મિત્રો રહી શકીએ, પણ એકબીજાને આપેલાં બધાં જ વચનોમાંથી હું મારી જાતને અને તને મુક્ત કરું છું..” હવે પ્રિયંકાને ડૂમો ભરાઈ ગયો હતો, પણ કદાચ એણે નક્કી કર્યું હતું કે એ સત્યજીતની હાજરીમાં નહીં રડે.
સામે પડેલા પાણીના ગ્લાસમાંથી એણે ઘૂંટડો ભર્યો અને ડૂમાને ગળાની નીચે પાછો ધકેલી દીધો, “મારા માટે પણ સહેલું નથી આ સંબંધમાંથી બહાર નીકળવું, પણ હવે આમાં સાથેય રહી શકાય એવું નથી.” સત્યજીત કશું જ ન બોલ્યો, પણ ફરિયાદભરી ભીની આંખે પ્રિયંકા સામે જોઈ રહ્યો. પ્રિયંકાએ ટેબલ પર પડેલી બેગ ઉપાડી. એ કૉફીશોપની બહાર નીકળી ગઈ.
સત્યજીત હજી ત્યાં જ બેઠો હતો. એના માન્યામાં જ નહોતું આવતું કે એની જિંદગીનું એક પ્રકરણ, જે એની જિંદગીનો પર્યાય હતું, જેઆખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી એની સાથે ચાલવાનું હતું એ અચાનક આવી રીતે એને ગળે ન ઊતરે એવા કારણસર પૂરું થઈ ગયું હતું. એ કાચના દરવાજાને ધકેલીને બહાર નીકળતી પ્રિયંકાની આત્મવિશ્વાસથી સભર ચાલને જોતો રહ્યો. પ્રિયંકા દૃષ્ટિથી ઓઝલ થઈ ત્યાં સુધી એ પ્રિયંકાને જ નિહાળતો રહ્યો. પછી અચાનક જોરથી ચીસ પાડીને એણે ટેબલ પર પડેલા કપ-ગ્લાસ બધાને હાથના એક જ ઝટકાથી જમીન પર પછાડી દીધા. પોતાના જ હાથે પોતાના વાળ પકડીને એ નાના બાળકની જેમ રડવા લાગ્યો. આસપાસ બેઠેલા લોકોમાંથી થોડા લોકો નજીક આવી ગયા. વેઇટર અને બીજા લોકોએ એને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, તો કોઈએ શું થયું તે સમજવાનો...
*
પોતાની જાતના વીખરાયેલા ટુકડા વીણતો સત્યજીત મુખ્ય રસ્તા પર ચાલી રહ્યો હતો. બરાબર એ જ વખતે એનો સેલફોન રણક્યો. એણે ખિસ્સામાંથી ફોન કાઢીને જોયું. સ્ક્રીન ઉપર ‘હોમ’ શબ્દ ઝબકી રહ્યો હતો. ફોન ઘરેથી હતો. ફોન ઉપાડવો કે નહીં એની દ્વિધામાં એ હાથમાં સેલ પકડીને વિચારી રહ્યો હતો કે ફોન ડિસકનેક્ટ થયો અને ફરી વાગવા માંડ્યો.
‘પ્રિયંકાએ મમ્મીને જણાવ્યું હશે ? એ મારી સાથે આ જ બાબતે વાત કરવા માગતી હશે ?’ સત્યજીતના મનમાં એક પછી એક વિચાર આવવા લાગ્યો. લાંબી પિંજણ અને ઉપદેશ સાંભળવાની એની માનસિક તૈયારી નહોતી જ. છતાં ચોથી વાર જ્યારે સેલ રણક્યો ત્યારે એણે ફોન કાને લગાડ્યો, “જી મમ્મા...”
“બેટા !” સોનાલીબેનનો અવાજ ગભરાયેલો હતો. સત્યજીતને લાગ્યું કે એ રડતાં હતાં, કદાચ, “તારા પપ્પાને ઑફિસમાં હાર્ટઅટેક આવ્યો છે. એમને સાલ હૉસ્પિટલ લઈ ગયા છે. તું ત્યાં જ પહોંચ. હું પણ અહીંથી નીકળી ગઈ છું.”
“હા મમ્મા !” સત્યજીતને પોતાના અવાજની સ્વસ્થતા ઉપર આશ્ચર્ય થયું. સોનાલીબેનનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો, પણ સત્યજીત હજી ફોન હાથમાં પકડીને મુખ્ય રસ્તા ઉપર એ જ રીતે ઊભો હતો. હજી બે દિવસ પહેલાં એણે જે વાત મજાકમાં કહી હતી એ સાચી પડી હતી !
(ક્રમશઃ)