સત્ય અસત્ય - પ્રકરણ - 27 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 27

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૭

પ્રિયંકા અમદાવાદ એરપોર્ટ પર ઊતરી ત્યારે ગોળમટોળ અને રૂપાળી લાગતી હતી. લગભગ દસેક કિલો વજન વધ્યું હતું એનું... ગાલ પર સુરખી આવી હતી. એક અજબ પ્રકારનું તેજ અને સુંદરતા ઉમેરાઈ હતી ચહેરામાં.

આદિત્ય એને એરપોર્ટ મૂકવા આવ્યો ત્યારે એકીટશે એની સામે જોઈ રહ્યો હતો. ખુશખુશાલ પ્રિયંકા જાતભાતની વાતો કરી રહી હતી. અમદાવાદમાં દરેક માણસને યાદ કરી કરીને એણે સૌ માટે શોપિંગ કર્યું હતું.

એના ઘરે યોજાયેલા ‘બેબી શાવર’માં એને મળેલી બધી જ ભેટો એણે યાદ કરી કરીને પોતાની બેગમાં મૂકી હતી. જીદ કરીને આદિત્યનો એક ફોટો પડાવ્યો હતો. એની દસ કોપી કરાવી હતી. આદિત્ય નવાઈથી એ દસ કોપી જોતો રહ્યો. પછી એણે પૂછ્‌યું, “આટલી બધી કોપી ?”

“હું બધે જ આ ફોટા લગાડવાની છું. બેડરૂમમાં પલંગની સામે, ડ્રોઇંગરૂમમાં ડાઇનિંગ ટેબલની સામે, બાથરૂમમાં પણ...”

“કેમ ?” આદિત્ય હસતો રહ્યો.

“કારણ કે હું જ્યાં જોઉં ત્યાં મને તું દેખાય અને આપણું બચ્ચું બિલકુલ તારા જેવું હોય.”

“સ્ટુપિડ... તું મારા કરતા વધારે સુંદર છે. આપણું બચ્ચું તારા જેવું હોવું જોઈએ.”

“તું સ્ટુપિડ... બચ્ચું તારા જેવું દેખાય તો મારા જેટલી બુદ્ધિ આવે. નહીં તો પટેલની બુદ્ધિને મારું રૂપ... બિચારું ક્યાંય નહીં પહોંચે જીવનમાં...” પ્રિયંકા આદિત્યને ચીડવતી રહી.

આદિત્ય ઉપર ઉપરથી હસતો રહ્યો. પ્રિયંકાની મજાક-મસ્તી માણતો રહ્યો, પણ એની અંદર ખૂબ ઊંડે એક ભય સતત ધબકતો રહ્યો.

એ પ્રિયંકાને એરપોર્ટ પર મૂકવા આવ્યો ત્યારે પણ એકીટશે જોઈ રહ્યો હતો. છ મહિનાની પ્રેગનન્સી થઈ જાય પછી વિમાનમાં ન જઈ શકાય. એટલે પ્રિયંકાને પાંચમા મહિને જ ભારત મોકલવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. આદિત્ય અમેરિકન સિટિઝન હતો. એટલે એનું બાળક ક્યાંય પણ જન્મે, એ આપોઆપ અમેરિકન નાગરિક બની જ જવાનું હતું... પ્રિયંકાની જીદ હતી કે એ એના માતા-પિતા પાસે ડિલિવરી કરે. ઘણી દલીલો અને માથાકુટને અંતે એવું નક્કી થયું કે પ્રિયંકા જશે.

છેલ્લી ઘડી સુધી આદિત્ય અને સમજાવતો રહ્યો, મનાવતો રહ્યો, પણ પ્રિયંકાને ઘર બહુ જ યાદ આવતું હતું. એને માના હાથની ગરમ ગરમ રોટલી ખાવી હતી. દાદાજી પાસે માથામાં તેલ નંખાવવું હતું. આદિત્ય એને પ્રેમ કરતો હતો એની ના નહીં, પણ મા બનવાની હોય ત્યારે સ્ત્રીને કદાચ પોતાની મા કદાચ વધારે યાદ આવતી હશે !

ગર્ભાવસ્થા એક એવો સમય છે, જ્યારે સ્ત્રીની તમામ સંવેદનાઓ પૂરેપૂરી જાગીને એના રક્તમાં વહેવા લાગે છે. થનારી પીડાનો ભય, જન્મ લેનાર બાળકનો આનંદ અને સાથે જ બદલાતા શરીરની અને હોર્મોનની મૂંઝવણો એને માટે એક વિચિત્ર પરિસ્થિતિ હોય છે. આવા સમયે એને પોતાના માતાપિતા પાસે રહેવાનું વધુ ગમતું હશે કદાચ.

આદિત્યએ કમને પ્રિયંકાને જવા તો દીધી, પણ ડૉક્ટરે આપેલી તારીખના છેલ્લા અઠવાડિયે એણે પોતે પણ અમદાવાદ પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. જોકે એણે પ્રિયંકાને કશું જ કહ્યું નહોતું, પણ એણે મનોમન એટલું તો નક્કી કરી જ લીધું હતું કે બાળકના જન્મ સમયે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો પોતે ત્યાં હાજર હોવો જોઈએ. નંદનકાકાની કોઈ ભવિષ્યવાણી આજ સુધી ખોટી નહોતી પડી...

આદિત્ય મનોમન ઇચ્છતો હતો કે નંદનકાકા જિંદગીમાં એક વાર ખોટા પડે.

*

સોનાલીબહેન અને અમોલા સત્યજીતમાં આવેલા પરિવર્તનને ભયાનક આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. એ શ્રદ્ધાની સાથે જ સવારે ઊઠી જતો. સવારે પાંચ વાગ્યે ઊઠતી શ્રદ્ધા હાથ-પગ હલાવતી ઘૂઘવાટા કરતી. સત્યજીત એને રમાડતો, એનું ડાયપર બદલતો, દૂધ બનાવીને એને બોટલ આપતો... પોતાની ચા બનાવતો અને અખબાર વાંચતા શ્રદ્ધાને રમાડતો રહેતો.

નવ વાગ્યે શ્રદ્ધાને નવડાવનારી બાઈ આવતી. એનું માલિશ, નહાવાનું પતે એટલે ફરી એનું દૂધ બનાવીને દસ- સવા દસે સત્યજીત ઘરેથી નીકળતો...

એ પછી શ્રદ્ધા બાઈ પાસે રહેતી, પણ દર કલાકે ફોન કરીને આદિત્ય એના ખબર પૂછતો રહેતો. સાંજે પાંચ-સાડા પાંચે એક વાર ઘેર આવતો. શ્રદ્ધાની સાથે અડધો-પોણો કલાક ગાળીને પાછો પોતાના કામે જતો.

અમોલાની હાજરી હોવા છતાં, અમોલા ઘરમાં છે જ નહીં એટલી નિસ્પૃહતાથી એણે વર્તવા માંડ્યું હતું. બને ત્યાં સુધી શ્રદ્ધાને અમોલા પાસે જવું જ ન પડે એ રીતે એણે દિવસ ગોઠવ્યો હતો.

અમોલાને ઘણી અકળામણ થતી હતી. પરંતુ એ કશું જ કરી શકતી નહોતી. એણે એક-બે વાર સત્યજીત સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. એક દિવસ શ્રદ્ધાને નવડાવીને ફલાલીનના કપડામાં લપેટીને ઢીંગલી જેવી બનાવીને બાઈ બેબીકોટમાં સુવાડતી હતી ત્યારે એના કપાળે હાથ ફેરવી રહેલા સત્યજીતને જોઈ અમોલાને ઇર્ષ્યા આવી ગઈ. એણે જોરથી કહ્યું, “મારે તારી સાથે વાત કરવી છે.”

સત્યજીતને એની સામે પ્રશ્નાર્થચિહ્‌નભરી નજરે જોયું, “શ્રદ્ધાને મારાથી દૂર રાખીને શું મળે છે તને ?” એના અવાજમાં ચીડ હતી.

“શ્રદ્ધા તારાથી હંમેશાં દૂર જ રહી છે. તારા શરીરનો ભાગ હતી ત્યારે પણ તને શ્રદ્ધા માટે કોઈ લાગણી કે માતૃત્વ નહોતું જ. અરે, તારે આ બાળક જોઈતું જ નહોતું. હવે તને જવાબદારીમાંથી મુક્ત કરું છું તો તને ગુસ્સો આવે છે ?” સત્યજીતનો અવાજ સાવ સ્થિર અને ઠંડો હતો.

“પ્લીઝ... મારી સાથે આવું નહીં કર.” અમોલા કોઈ પણ હિસાબે સત્યજીતની નજીક જવા માગતી હતી. એ ઇચ્છતી હતી કે એક વાર સત્યજીત જિતાઈ જાય તો પછી એ પોતાની રીતે આ ઘરમાં રહી શકશે. શ્રદ્ધાને પોતાની કરી શકે. ને ધીમે ધીમે સત્યજીતે કરેલા અપમાનના ગણી ગણીને બદલા લઈ શકે, પણ સત્યજીત એને એવી તક જ નહોતો આપતો. એને અમોલાના ઇરાદાથી ગંધ આવી ગઈ હોય એમ પોતે તો એનાથી દૂર રહેતો જ, પણ શ્રદ્ધાનેય એની બહુ માયા થવા ના દેતો.

સામે પક્ષે સોનાલીબહેન આખો દિવસ શ્રદ્ધા પર ઓળઘોળ થયાં કરતાં. સત્યજીતને ખબર હતી કે પોતે શ્રદ્ધાને બાઈને પાસે મૂકીને જાય છે, પણ એનું ખરું ધ્યાન તો સોનાલીબહેન જ રાખે છે. એ આખો દિવસ શ્રદ્ધાની પાછળ વિતાવી નાખતા. એની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું, રમાડવી, સુવડાવવી... બધું સોનાલીબહેન જાતે જ કરતાં. એમણે બાઈને કડક સૂચના આપી હતી કે આ વાત સત્યજીતને ના કહેવી. પરંતુ સત્યજીતની નજરથી આ વાત છૂપી રહી શકી નહોતી.

શ્રદ્ધા રોજેરોજ મોટી થતી હતી. રોજ કંઈક નવું શીખતી. સત્યજીતની સવાર અને સાંજ શ્રદ્ધાના ખિલખિલાટથી ભરાઈ જતી. એણે પીવાનું ઓછું કરી નાખ્યું હતું. એ મોટા ભાગનો સમય ઑફિસ અને શ્રદ્ધાની વચ્ચે વહેંચી નાખતો... પાર્ટીઝ, મિત્રો અને બીજી બધી જ અંગત પ્રવૃત્તિઓ એણે લગભગ બંધ કરી દીધી હતી.

અમોલા જેટલી વાર એકાંતનો લાભ લઈને શ્રદ્ધાને પોતાની પાસે લેવાની કે વહાલ કરવાની કોશિશ કરતી એટલી વાર કાં તો બાઈ કાં તો સોનાલીબહેન એની પાસેથી શ્રદ્ધાને લઈ લેતા. પોતે જ લીધેલી જવાબદારીને કારણે અમોલાએ ઑફિસ તો જવું જ પડતું. પોતે એકલી જ હતી એટલે ઑફિસમાં પણ એના પર સારી એવી જવાબદારી હતી. બીજા પર વિશ્વાસ કરવાનો એનો સ્વભાવ નહોતો એટલે અમુક કામ જાતે કરવાની ધૂનમાં એણે પોતાની જવાબદારીઓ એટલી વધારી હતી કે એ ધારેલા સમયે ઘરે પહોંચી શકતી નહોતી.

શ્રદ્ધાના ઉછેરની જવાબદારી સત્યજીતે લઈ લીધી એનાથી એક રીતે એને રાહતની લાગણી થતી હતી તો બીજી તરફ પોતાનાથી ધીમે ધીમે દૂર થતી જતી પોતાની દીકરી માટેની અસલામતી માથું ઊંચકતી હતી.

*

સત્યજીત ઑફિસમાં બેઠો હતો તે જ વખતે એના ફોનની રિંગ વાગી. આનંદથી લગભગ ઊછળી પડતાં એણે ફોન ઉપાડ્યો, “આવી ગઈ ?”

“તને કેવી રીતે ખબર હું આવવાની છું ?”

“મેં દાદાજીને પૂછ્‌યું હતું...”

“મારી સરપ્રાઇઝની મજા મારી નાખી તેં.”

“સરપ્રાઇઝ તો હજી છે જ. મારે માટે તો તું મારી નજર સામે ઊભી હોય એનાથી મોટી સરપ્રાઇઝ બીજી કઈ હોઈ શકે?”

“એક બીજી સરપ્રાઇઝ છે...” પ્રિયંકા હસી રહી હતી, “તું મને ઓળખી નહીં શકે એવી લાગું છું હું. ગોળમટોળ... દસ કિલો વજન વધ્યું છે.”

“એમ ?” સત્યજીતનો અવાજ તરલ થઈ ગયો, “ખૂબ રૂપાળી લાગે છે ?”

પ્રિયંકા પણ લાગણીમાં ભીંજાઈ ગઈ, “મને ખબર નથી, પણ એવું આદિ કહે છે.”

સત્યજીત અચાનક જ જાણે જાગી ગયો હોય એમ એને આદિત્યના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો. પ્રિયંકા કોઈની પત્ની હતી અને એના બાળકની મા બનવાની હતી એ વિચારે એની અંદર આજે પણ જાણે શારડી ફરી વળી. છેક ઊંડે સુધી વીંધાઈ ગયો એ...

“આદિત્ય...” એ સહેજ અચકાયો, “નથી આવ્યો ?”

“હજી સુધી તો નથી આવ્યો, પણ મને ખાતરી છે કે એ બહુ લાંબો સમય ત્યાં રોકાઈ નહીં શકે.” એ ખડખડાટ હસી પડી, “બૈરાછોકરાને મૂકીને પટેલો બહુ લાંબો સમય ક્યાંય રહી ના શકે.”

“પ્રિયા...” સત્યજીતનો અવાજ જાણે ફોનમાંથી પીઘળીને વહેતો હતો, “સુખી છે ને ?”

“ખૂબ.” પ્રિયંકાએ સહેજ પણ અચકાયા વિના સત્ય કહી દીધું, “મને લાગે છે ઈશ્વરે આદિત્યને મારા માટે જ બનાવ્યો છે.” પછી ધીમેથી પૂછ્‌યું, “અમોલા ઘરે આવી ગઈ ? તેં એની સાથે સુલેહ કરી લીધી ને ?”

સત્યજીતે એક ક્ષણ માટે આંખ બંધ કરી, ઊંડો શ્વાસ લીધો. પછી સહેજ પણ અચકાયા વિના કહ્યું, “આવી ગઈ. એ ખૂબ બદલાઈ ગઈ છે. મારું ખૂબ ધ્યાન રાખે છે. શ્રદ્ધાને પણ બહુ સાચવે છે. મમ્મી સાથે પણ એનું વર્તન બદલાઈ ગયું છે. હું હવે ખૂબ સુખી છું. કદાચ મેં આવાં જ લગ્નની કલ્પના કરી હતી.”

“ગ્રેટ !” પ્રિયંકાના અવાજમાં સાચે જ ખુશી છલકાતી હતી.

સત્યજીતે ફરી એક ઊંડો શ્વાસ લઈને મનોમન કહ્યું, “પ્રિયંકા, હું તો તારા માટે જુઠ્ઠો જ હતો... ત્યારે મારા સુખ માટે જુઠ્ઠું બોલતો હતો, હવે મારા સુખ માટે જુઠ્ઠું બોલીશ...” એણે ભરાયેલા ડુમાને પરાણે રોક્યો, “કોઈ આવ્યું છે પ્રિયંકા, હું તને ફોન કરું છું.” એણે ફોન કાપી નાખ્યો અને બંને હાથે મોઢું ઢાંકીને સાવ નાના બાળકની જેમ રડી નાખ્યું.

(ક્રમશઃ)