નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૪ Dr Vishnu Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૪

ભાગ - ૪

સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે યુવાન હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે નાચી રહ્યાં હતા.

બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને ગરબા તો સાવ જુદા જ બની ગયેલા. પાર્ટી પ્લોટમાં પોતાના જોડીદાર સાથે કે ગ્રુપ સાથે મનફાવે તેમ અથવા બધાથી સાવ જુદી જ સ્ટાઇલથી ગાવું તે ફેશન બની ગઇ હતી.

આ બધાની વચ્ચે સ્વરાએ દેશી પધ્ધતિનો ગરબો માથે લઇ તેમાં દિવા પ્રગટાવી સાવ નોખી ભાત પાડી... !!! રિધમ પણ તેની સાથે કૃષ્ણ બની ખૂબ સારી રીતે સ્ટેપ મિલાવી રહ્યો હતો... બધાની નજર તો આ બન્ને પર પડી.. સાથે તેના ગ્રુપે ગોવાળીયા અને ગોપીઓ બની રાસલીલા અને મટકીફોડના આબેહૂબ સ્ટેપ કર્યા....

આ સ્ટેપ બધાથી અલગ હતા અને એટલે તો આ ગ્રુપને આયોજક તરફથી શ્રેષ્ઠ ગ્રુપનો એવોર્ડ મળ્યો. જ્યારે સ્વરા અને રિધમને બેસ્ટ જોડીનો એવોર્ડ અને ગિફ્ટ મળ્યાં.

‘જોયું મારા શીખવાડેલ સ્ટેપ્સ કેટલા જોરદાર હતા....!, ગમે તેવા લલ્લુ-પંજુને પણ એવોર્ડ મળી જાય...’ સ્વરાએ ગરબા પાર્ટી પતાવી ફૂડ કોર્નર પર સેન્ડવિચનું મોટું બાઇટ હાથમાં પકડી રિધમ સામે જોઇને કહ્યું.

‘એમ.... હું લલ્લુ-પંજુ...?’ રિધમ તો તરત જ ઉકળી ગયો.

‘મેં તને ક્યાં કહ્યું છે... પણ તું જો તને જાતે સ્વીકારતો હોય તો મને કોઇ વાંધો નથી....!’ સ્વરાએ મજાકમાં કહ્યું.

રિધમ પણ ગુસ્સે થયો અને બોલ્યો, ‘જો જે એક દિવસ આ લલ્લુ-પંજુ વિના તારે એક દિવસ પણ નહી ચાલે.....!’ રિધમ બોલતાં તો બોલી ગયો પણ ગ્રુપમાં બધા તેના બોલાયેલા શબ્દોને જે અર્થ કરી રહ્યાં હતા તેનાથી તેને ચુપ થઇ જવું પડ્યું.

‘આઇ મીન નવરાત્રીમાં તને મારા વિના સારી જોડ બીજી કોઇ નહી મળે.... બીજું કંઇ નહી….!!’ રિધમે ખુલાશો તો કર્યો પણ ફરી તે છોભીલો પડી ગયો.

બાજુમાં બેઠેલી વિશ્વાએ તેના ભોળાં સ્વભાવના ઓવારણાં લીધા અને બોલી, ‘ રિધમ.... અમે તો બીજું કંઇ સમજતા જ નથી... પણ તું કહે છે એટલે માની પણ જઇએ હોં...’ અને સ્વરા-રિધમ બન્ને સિવાય બધા હસી પડ્યાં.

‘આજનું નોરતું પુરુ થયું... હવે આગળના નોરતામાં શું પ્રોગ્રામ છે...?’ રિધમની બાજુમાં બેસેલા વિશ્વાસે પુછ્યું.

‘રોજેરોજ પાર્ટીપ્લોટ ના પરવડે... આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાતમાં....!’ રિધમે કહ્યું.

‘કદાચ, હું આવતીકાલે મારા પપ્પા સાથે રહીશ.. તે એકલાં છે...રોજે રોજ હું બહાર નહી આવી શકું...’ સ્વરાએ કહ્યું.

‘ઓ પપ્પાની પરી.... એ તો નવરાત્રીમાં પપ્પાને સમજાવી દેવાના...’ વિશ્વાસે સ્વરાને સલાહ આપી.

‘આ પપ્પાને સમજાવી દેવાનું કામ તમારા જેવા છોકરાઓનું છે... અમે તો પપ્પાને સમજાવતા નથી તેમને સમજીએ છીએ અને એટલે તો કાયમ તેમની લાડકવાયી બનીને રહીએ છીએ..’ સ્વરાએ તરત જ જવાબ આપ્યો.

વિશ્વાસે ઉભા થઇને સ્વરાને દંડવત કર્યા અને બોલ્યો, ‘ સ્વરા માત કી જય...’ અને બધા તેની સામે જોઇને હસી પડ્યાં.

નાસ્તો પતાવી એક પછી એક બધા છૂટાં પડવા લાગ્યા... છેલ્લે રિધમે તેની કારમાં સ્વરા, વિશ્વા, પ્રિયંકાને ઘરે ડ્રોપ કરવા સાથે લીધા.

સ્વરાએ આગળની સીટ લીધી... તેને તેની મટકી અને દાંડિયાની જોડ કારની ડેકીમાં મુકી.

રિધમે કાર હંકારી... નવરાત્રીની રાતમાં હજુ પણ અલગ અલગ જગ્યાએથી ગરબાનો અવાજ સંભળાઇ રહ્યો હતો અને સ્વરા તે આવતા અવાજ સાથે ગરબા ગણગણતી હતી.

‘આજે તારા મમ્મીને ખુશી થશે કે તેં તેના વિના પણ એવોર્ડ જીતી બતાવ્યો....!’ રિધમે આખરે સ્વરાને તેની મમ્મીની યાદ અપાવી દીધી.

સ્વરા મમ્મીનું નામ સાંભળતા જ સાવ ચૂપ થઇ ગઇ અને તેની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

સ્વરાની આ પહેલી નવરાત્રી તેની મમ્મી વિનાની હતી. જો કે રિધમની વાત પણ સાચી છે કે તેને પહેલીવાર મમ્મી સિવાય બીજાની સાથે ગરબાનો બેસ્ટ જોડીનો એવોર્ડ જીત્યો છે.

સ્વરાએ રિધમની વાતનો કોઇ જવાબ ન વાળતાં રિધમ ગીતની ધૂન ગણગણવા લાગ્યો, ‘યે શામ મસ્તાની... મદહોશ કિયે જાયે... મુઝે ડોર કોઇ ખીંચે તેરી ઓર લીયે જાય....’ રિધમ ખરેખર અંદરો અંદર પ્રેમના તાંતણે સ્વરા તરફ ખેંચાઇ રહ્યો હતો અને સ્વરા પણ એટલી નાસમજ નહોતી કે રિધમને સમજી ન શકે...!

‘સ્વરા, મને ખરેખર એમ જ લાગ્યું કે તારા પપ્પાને વાંસળી વગાડતા આવડે છે...’ રિધમને સ્વરા સાથે કોઇપણ રીતે વાત કરવી હતી.

સ્વરા તરત જ મમ્મીની યાદમાંથી બહાર આવી ગઇ, ‘ રિધમ.... મારા પપ્પા એટલે ઘર અને બિઝનેસ...!! આ બન્ને સિવાય કોઇ દિવસ બીજા શોખ તેમને કર્યા હોય તેવું શક્ય જ નથી.’

‘પણ જે રીતે તેમને સૂર છેડેલો તે સાંભળીને મને લાગ્યું કારણ કે તે ટ્યુન તો એક વર્ષથી શીખું છું પણ વગાડી શકતો નથી.’ રિધમે સહજતાથી જ કહ્યું.

‘એટલે તને વાંસળી વગાડતા આવડે છે, એમ જ કહેવું છે’ને...!’ સ્વરાએ તેની વાતનો અવળો અર્થ લીધો.

‘અરે... એમ નહી... પણ....!! સારું છોડ વાત.... તારુ ઘર આવી ગયું.... એકવાર મારી સોસાયટીમાં આવ... અમારી નવરાત્રી પણ પાર્ટીપ્લોટથી કમ નથી.’ રિધમે આખરે વાત બદલી નાખી.

સોસાયટીના ગેટ પાસે જ સ્વરા તેનો એવોર્ડ અને ગિફ્ટ લઇને ઉતરી ગઇ... ‘ બાય.. અને ગુડનાઇટ’ થી બધા છુટા પડ્યા.

સોસાયટીમાં બધા હજુ રાસ રમી રહ્યા હતા... સ્વરાની સોસાયટીની ફ્રેન્ડે તેને દાંડીયાનો ઇશારો કરી બોલાવી.... અને સ્વરાને અચાનક યાદ આવ્યું કે તે તેની દાંડીયાની જોડ અને મટકી તો રિધમની કારમાં જ રહી ગઇ હતી.

તેને ગેટ પર નજર કરી પણ રિધમ તો નીકળી ગયો હતો.

સ્વરા ઝડપથી ઘરે પહોંચી... પપ્પા હજુ જાગતા હતા... પપ્પાને બેસ્ટ જોડી એવોર્ડ અને ગિફ્ટ બતાવ્યા... પણ શ્રૃજલની આંખો તો દાંડિયાની જોડને શોધવા આમ તેમ ફરી રહી હતી....

‘સ્વરા... પેલી દાંડિયાની જોડ....??’ આખરે શ્રૃજલે પુછી લીધું.

‘એ તો હું રિધમની કારમાં ભૂલી ગઇ, પણ પપ્પા તે દાંડિયાની જોડ કાંઇ ખાસ હતી....??’ સ્વરાએ પપ્પાની આંખોમાં રહેલી એક અલગ પ્રકારની વિવશતા પારખી લીધી હતી..

‘ના... આ તો એમ જ....!’ અને શ્રૃજલે આંખો ફેરવી લીધી.

જો કે આ દાંડિયાની જોડ આજે વર્ષો પછી બહાર નીકળી હતી... તે જાણે પોતાનો રસ્તો શોધી તેની સાચી જોડને મળવા જઇ રહી હતી.... જેની એક જોડ વર્ષો પહેલા વિખુટી પડી ગયેલી.... જેનાથી સૌ કોઇ અજાણ હતા કે આ ‘દાંડિયાની જોડ’ શું રંગ લાવશે....

ક્રમશ: ......

- ડો. વિષ્ણુ પ્રજાપતિ