ભાગ - ૧
‘મારા દાંડિયા ક્યાં મુક્યાં છે મમ્મી ?....’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે પછી સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી.
સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી કાયમ વાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા ફરી તેની યાદમાં ગરકાવ થઇ ગઇ. મમ્મી શબ્દ પછી તેનો શબ્દ પ્રવાહ અને વિચારપ્રવાહ તો એકાએક થંભી જ ગયો.... પણ તેની અંદર ભરાયેલી લાગણીઓનો પ્રવાહ એમ અટકી શકે તેમ નહોતો.... ! નિ:શબ્દ બનીને સંકોચાઇને બેડના ખૂણામાં બેસી ગયેલી સ્વરાએ પોતાનું માથું પોતાના બન્ને હાથ વચ્ચે દબાવી દીધું. તે આંગળીઓથી આંખોને દબાવી આંસુને રોકવા ચાહતી હતી પણ આ તો લાગણીઓ નો પ્રવાહ... વહેવાનું શરુ કરે એટલે જ્યાં સુધી મન હળવું ન થાય ત્યાં સુધી તેનો ભાર ઠાલવ્યાં જ કરે....!
આંખોના બન્ને ખૂણા છલકાઇને તેના આંસુ મધ્યમા અને તર્જની આંગળીઓને ભીની કરી આગળ વધવા લાગ્યાં. હાથની આંગળીઓ પછીની ખાલી જગ્યામાં તો આંસુઓને વહેવા માટે ઘણી મોટી મોકળાશ હતી... સ્વરાએ તેને રોકવા આંખોને બંધ કરી જોઇ પણ આંખોની અંદર ઉભરાયેલા આંસુઓ તો ધક્કામુકી કરીને ઉછળવા લાગ્યાં અને આંખોની પાંપણોનો આડબંધ તેને રોકી શકે તેમ નહોતો.
પોતાની ભીની આંગળીઓની હવે તાકાત નહોતી કે આંસુઓને રોકી શકે એટલે સ્વરા ઓશિકા નીચે મોં અને આંસુ બન્ને સંતાડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સ્વરાની એક કમજોરી એ પણ હતી કે તે રડવા લાગે તો તે પોતાને રોકી શકતી નહોતી. તેના આંસુ રોકવા માટે તો માનો ખોળો જ આજ સુધી મળતો અને તે શાંત થઇ જતી પણ આજે તે ખોળો નહોતો એટલે તે ચોધાર રડી રહી હતી.
સ્વરા એટલે સુનયના અને શ્રૃજલની એકની એક લાડકવાયી દિકરી...!
સ્વરા તો તેની મમ્મી સુનયનાની એકદમ ઝેરોક્ષ કોપી જ જાણે...! મમ્મીની સુંદરતા અને નમણાશ સોએ સો ટકા સ્વરામાં ઉતરી હતી. મારકણી આંખો અને ઘાટીલું શરીર કોઇને પણ મોહી લે તેવું હતું. કોલેજના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી સ્વરા સાચેસાચ યુવાનીમાં સોળે કલાએ ખીલી ઉઠી હતી.
નવરાત્રી આવે એટલે સુનયના અને સ્વરા એ રીતે તૈયાર થઇને નીકળે કે આખી સોસાયટી કે જોનારા બધાની આંખો તેના પર મંડરાયેલી રહે....! બન્ને ગરબાના ભારે શોખીન... ગરબાના જેટલા પ્રકારો કે સ્ટેપ હોય તે બધા સ્ટેપ આ બન્ને માં-દિકરી સહજતાથી કરે અને સોસાયટી કે કોઇપણ ગરબા ઇવેન્ટના બેસ્ટ ઇનામો તો આ બન્ને જ લઇ જાય.
‘ત્વચા સે તો મેરી ઉમ્ર કા પતા હી નહી ચલતા’ આ જાહેરાત સુનયના માટે એકદમ બંધ બેસતી હતી. લગભગ પિસ્તાલીસ વર્ષે પહોંચવા છતાં તેમની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હતી.
નવરાત્રીમાં સ્વરા અને સુનયના માં-દિકરી નહી પણ સખીઓ બની જતાં..... બન્ને સરખી ચણિયાચોળી અને દાંડિયાની જોડ લઇને આવે અને તેમને ગરબે ઝુમતા જોઇ સૌ કોઇની આંખો તેમના પર જ સ્થિર થઇ જાય... ગયા વર્ષની નવરાત્રીમાં તો તે બન્નેને અનેક પાર્ટી પ્લોટના પાસ એડવાન્સમાં સામેથી પાસ મળેલા... તે બન્નેની હાજરી હોય એટલે ગરબાની રોનક વધી જાય.
‘મમ્મી તું કોલેજ કરતી ત્યારે તારા પર તો બધા ફિદા હશે’ને...? તારી સાથે ફ્રેન્ડશીપ કરવાની લાઇન લાગતી હશે’ને..?’ જેમ બે સખીઓ વાત કરતી હોય તેમ સ્વરા પણ તેની મમ્મી સાથે સહજતાથી વાત કરી શકતી.
ક્યારેક તો સ્વરા મમ્મી અને પપ્પાના કજોડાં પર પણ હસતી અને તેમાંય નવરાત્રી પર તો ખાસ...! તે કહેતી, ‘ મમ્મી તું ક્યાં અને ક્યાં મારા પપ્પા....??? તું ગરબાની શોખીન અને મારા પપ્પાને ગરબાનું એકે’ય સ્ટેપ આવડે નહી..! તું ગરબાના તાલે ઝુમતી હોય અને પપ્પા કોઇ ખૂણામાં લપાઇને તને જોતા જ હોય છે. મમ્મી તેં આ મૂરતીયો કઇ રીતે પસંદ કરેલો...?’ અને બન્ને એકમેકની સાથે સૂરના તાલે હસતાં રમતાં ગરબે ઘૂમતાં.
સ્વરા તો કહેતી પણ ખરી, ‘ મમ્મી ક્યારેક તો પપ્પાને ગરબામાં ખેંચીને લઇ આવ... ખબર તો પડે કે તેમના પગ ઉપડે છે કે નહી ?’ જો કે તેઓ બન્નેએ તેનો પ્રયત્ન ઘણીવાર કરી જોયેલો પણ સ્વરાના પપ્પાને ગરબા ધૂમવાને જાણે જન્મો જન્મના વેર હોય તેમ છટકી જતા અને ફરી ઓડિયન્સમાં જઇને છુપાઇ જતા.
મમ્મી-પપ્પા બન્નેના શોખની સરખામણીમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હતા જ્યારે સ્વરા તે બન્ને વચ્ચેનું મધ્યકેન્દ્ર હતી. આ મધ્યકેન્દ્રની આસપાસ સૌ સાથે મળીને એકમેકને ખૂબ પ્રેમ કરતા.
શ્રૃજલ, આર્કિટેક ડિઝાઇનર અને પોતાના બિઝનેસમાં અતિવ્યસ્ત વ્યક્તિ... તેના માત્ર બે જ શોખ...! એક કે પોતાના પરિવાર પ્રેમ કરવો અને બીજો પોતાના વ્યવસાયને પ્રેમ કરવો. આ બન્ને શોખ વચ્ચે શ્રૃજલે પોતાની જિંદગી સુખેથી પસાર કરી હતી.
પણ જિંદગીની કેટલીક ઘટનાઓથી વહેતા પ્રેમના પ્રવાહો ફંટાઇ જતા હોય છે.... અને એવું જા બન્યું હતું સ્વરાની જિંદગીમાં કે નવરાત્રમાં કાયમ થનગનતી સ્વરા આજે બેડરૂમમાં પોતાના આંસુને રોકી શકતી નહોતી.
‘અરે સ્વરા...!!’ સ્વરાનાં ડુસકાંનો અવાજ સાંભળી તેના પપ્પા રૂમમાં દોડી આવ્યાં.
પપ્પાને જોઇ સ્વરા તેમને બાઝી પડી અને ડુસકાંના અવાજ વચ્ચે બોલી, ‘મમ્મી..... યાદ આવે છે...’
શ્રૃજલની આંખો પણ ભીની થઇ ગઇ હતી.... તે પુરુષ અને પિતાનો રોલ અદા કરી રહ્યો હતો એટલે તે સ્વરાની જેમ સહજતાથી રડી શક્તો નહોતો એટલે તે અંદરો અંદર પોતાના દર્દ સાથે લડી લેતો અને સ્વરાને સમજાવતો હતો.
ભીની આંખે વ્હાલથી સ્વરાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ‘ તારા કોલેજ ફ્રેન્ડ આવતા જ હશે....તું જલ્દી તૈયાર થઇ જા...... તારા પગમાં એવો જ થનગનાટ રહેવો જોઇએ જેટલો પહેલા હતો.... જો નવરાત્રી એ તારી અને તારી મમ્મીની યાદગાર રાતો હતી..’
‘પણ, પપ્પા...! મમ્મી વિના મને ગમતું નથી... એના દાંડિયાની જોડ અને મારીની એની જોડ વિના મને કોઇની સાથે નહી ફાવે....!’ સ્વરાના નિરંતર વહેતાં આંસુઓ પપ્પાને ભીંજવી રહ્યાં હતા.
‘પપ્પા મારી જિંદગીની આ પહેલી નવરાત્રી મમ્મી વિનાની છે... મારે નથી જવું....!’ સ્વરા ફરી બેડ પર ફસડાઇ પડી.
‘સ્વરા... જિંદગીને સાવ ન સમજે તેટલી નાસમજ તું નથી... ઇશ્વર પણ ક્યારેક આપણી પરીક્ષા કરતો હોય છે… અને મારી દિકરી, તું બહાદુર છે, આ પરીક્ષામાં પણ હસતા હસતા પાસ થઇશ અને તું ખુશ થઇશ તો મને પણ સહારો મળશે. હવે આપણે બેઉ જ છીએ કે એકમેકનો સહારો બની શકીએ.’ શ્રૃજલ તેને આશ્વાસન આપીને પોતાને પણ હિંમત આપી રહ્યા હતા.
‘પણ... પપ્પા.. મમ્મીના દાંડિયાની જોડ લઇને હું ગરબે નહી રમું....!’ સ્વરા સહેજ સ્વસ્થ થતા બોલી.
‘તો તું જલ્દી સ્વસ્થ થઇ જા... હું તને એક નવા દાંડિયાની જોડ આપું છું...’ એમ કહી શ્રૃજલે પોતાની રૂમમાં જઇ થોડીવાર પછી એક સાવ અનોખી ડીઝાઇનવાળી દાંડિયાની જોડ લઇને આવ્યો.
‘લે સ્વરા... આ તારી નવી દાંડિયાની જોડ.’ શ્રૃજલે તે દાંડિયા આપતા જ સ્વરા તેને જોતી જ રહી ગઇ.
‘પપ્પા... આ દાંડિયા... મેં તો પહેલીવાર જ જોયાં... ખૂબ સરસ છે... ક્યાંથી લાવ્યાં..?’ સ્વરાના હાથમાં દાંડિયા આવતા જ તેની આંગળીઓ વચ્ચે તે ગોળ ગોળ ફરવા લાગ્યાં.
‘હું કોલેજમાં હતો ત્યારે મેં ડિઝાઇન કરેલા...’
‘શું વાત કરો છો... તમને દાંડિયાની ડિઝાઇન કરતા આવડે છે...?’ સ્વરા માટે પપ્પાને આવો પણ શોખ હશે તે જાણી આંચકો લાગ્યો..
અને ત્યાં જ ઘરની ડોરબેલ સંભળાઇ.
સ્વરાની આંખો આ દાંડિયાની જોડ પર સ્થિર હતી... પપ્પાએ આજે વર્ષો સુધી આ દાંડિયા વિશે મને કે મમ્મીને કેમ નહિ કહ્યું હોય....?
તે સ્વરા માટે પણ કુતુહલ હતું..... અને કોઈ અજાણ્યું રહસ્ય પણ......
ક્રમશ:......