Nav Raatni Navalkatha - 3 books and stories free download online pdf in Gujarati

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ ભાગ – ૩

નવ રાતની નવલકથા

દાંડિયાની જોડ

ભાગ – ૩

એ વર્ષો પછીનો આંગળીના ટેરવે અનુભવાયેલો સ્પર્શ શ્રૃજલને રોમાચિંત કરી રહ્યો હતો કે તેના ખાલીપાને ભરી રહ્યો હતો તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો પણ આજે તે લાગણીના પ્રવાહમાં વહીને ઇતિહાસમાં ખેંચાઇ રહ્યો હતો.

શ્રૃજલને ખ્યાલ આવ્યો કે આજે ઘણા વર્ષો પછી તેને પોતાનું પર્સનલ લોકર ખોલ્યું છે..... એ યાદો અને એ સંવેદનાઓને તેને કેટલાય વર્ષો સુધી સુષુપ્ત અવસ્થામાં પોઢાડી દીધી હતી. પણ આજે ફરી તે જુની યાદો તેને સુંવાળી બનીને પોતાને સથવારો આપી રહી હતી કે જ્વાળામુખી બનીને તેને દઝાડી રહી હતી તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો.

પણ સુનયના વિનાની જિંદગીમાં એકલતા તેને અંદરોઅંદર કોરી ખાતી હતી... સુનયના જિંદગીમાં આવ્યા પછીના વર્ષો કેટલા ઝડપથી પસાર થઇ ગયેલા તેનો ખ્યાલ જ ન રહ્યો.... પણ સુનયનાના ગયા પછી આઠેક મહિનામાં તો સંસાર સાવ ખાલી-ખાલી થઇ ગયો હતો.

અને શ્રૃજલને પોતાના હાથની પક્કડ મજબૂત કરી તે વસ્તુને લોકરમાંથી બહાર લઇ આવ્યો. આજે શ્રૃજલે પોતાના પર્સનલ લોકરમાંથી બે વસ્તુઓ કાઢી હતી. જો કે શ્રૃજલ માટે આ બે વસ્તુઓ નહી પણ તે બન્ને તેની જિંદગી હતી.

એક તેને કોલેજ સમયમાં ડિઝાઇન કરેલા દાંડિયાની જોડ....!!! અને

બીજી વસ્તુ એટલે તેની પ્રિય વાંસળી...!!!

શ્રૃજલે વાંસળી પર ધીરે ધીરે હાથ ફેરવ્યો અને તેની નજર તેના પર કોતરાયેલા બે શબ્દો એસ.... અને જે.... પર મંડરાયેલી રહી... આર્કિટેક કોલેજના તેજસ્વી વિદ્યાર્થીએ વર્ષો પહેલા આ બન્ને શબ્દો જાતે કોતરેલા.... અને તે શબ્દો માત્ર વાંસળી પર નહી દિલમાં પણ કોતરી દીધેલા....

‘તું વાંસળીના સૂર રેલાવ શ્રૃજલ.... હું તારી રાધા બની તને સાંભળ્યા જ કરીશ....!!’ એ કોલેજના ભૂતકાળમાં રેલાયેલો મધૂર અવાજ આજે વર્ષો પછી શ્રૃજલને સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો.

અને શ્રૃજલે વાંસળીને હોઠે લગાવી.... આંખો બંધ કરી અને કેટલા વર્ષો પછી આજે શ્રૃજલે તેની પ્યારી વાંસળીમાં ફૂંક મારી.... વર્ષો પછી કોઇપણ રિયાઝ વિના આજે પણ અદભૂત સૂર રેલાયો.... એ સૂર અદભૂત એટલા માટે હતો કેમ કે એ પ્રેમનું એ સંગીત હતું.... એ મનમીતની યાદોનું ગીત હતું......જે સાંભળવા એ કાયમ રાધા બનીને દોડી આવતી તે સૂર ફરી પાછો રેલાયો..... !!!

શ્રૃજલ અત્યારે એ સૂર સાથે ખોવાઇ ગયો હતો.... આંખો બંધ અને જાણે પોતાની અંદરની બધી સંવેદનાઓ નીચોવીને તે મગ્ન... લીન અને સમાધિસ્થ બની ગયો હતો... હૃદયમાં સચવાયેલી અનેક વર્ષો જૂની વેદનાઓને ઠાલવી રહ્યો હતો... અને એકાએક તેની આંખોમાંથી આંસુની ધારા સ્વયં ફૂટી નીકળી... આ એ જ આંસુ જે વર્ષો પહેલા નીકળ્યા હતા.... અને દુનીયાથી કાયમને માટે છુપાઇ ગયા હતા તે વર્ષો પછી પણ આજે પોતાનું અસ્તિત્વ દેખાડી રહ્યાં હતા.....તે લાગણીભીના સૂરો રેલાઇને બેડરૂમની દિવાલને અથડાઇ રહ્યા હતા... આ સૂરો સાંભળનાર કોઇ નહોતું…. શ્રૃજલ અને તેની એકલતા આજે બેડરુમમાં ચોધાર વરસી રહ્યાં હતા.

‘શ્રૃજલ આ શું કરી રહ્યો છે....?’ એકાએક અંદરથી જ અવાજ આવ્યો અને શ્રૃજલને તે વાંસળીમાંથી કરંટ આવ્યો હોય તેમ તેને બેડ પર ફેંકી દીધી..

સૂર બંધ થઇ ગયા પણ શ્રૃજલની નજર તો બેડ પર પડેલી વાંસળી પર કોતરાયેલા એસ... જે... પર ચોંટી ગઇ હતી.

નવરાત્રિના નવલાં દિવસોમાં સ્વરા અને તેનું ગ્રુપ ગરબે ઝુમવા થનગની રહ્યું હતું જ્યારે શ્રૃજલ પોતાના બેડરૂમમાં પોતાની સાથે જ લડી રહ્યો હતો.

સોસાયટીમાં માં જગદંબાની આરતી શરુ થઇ ગઇ હતી અને તેનો અવાજ બારી બારણાંની નાની નારી જગ્યાઓને ચીરીને અંદર આવી રહ્યો હતો.... ‘જયો જયો માં જગદંબે....!!’ આદ્યશક્તિ જગદંબાની સૌ પૂજા-અર્ચના કરી રહ્યા હતા... જ્યારે આજથી વર્ષો પહેલાં એક નવરાત્રિ એવી હતી જ્યાં શ્રૃજલે જિંદગીની અક્ષમ્ય ભૂલ કરી હતી.....

અને તે ભૂલની સજા કોને કેવી ભોગવી તે શ્રૃજલ પણ નહોતો જાણતો......!! કારણ કે તે સજા ભોગવનાર તો તેનાથી ખૂબ દૂર ચાલી ગઇ હતી...

શ્રૃજલની નજર સામે લટકતી સુનયનાની તસ્વીર પર પડતાં જ બોલ્યો, ‘ સોરી સુનયના.....!!... આજે હું મારી જાતને રોકી ન શક્યો....તું હતી તો મને જીવનમાં ક્યારેય ભાર નહોતો લાગ્યો...તેં મને જિંદગીની હળવાશ અને મોકળાશ એટલી આપી હતી કે હું પણ ભૂલી ગયો હતો કે.....!!!’ અને શ્રૃજલે વિચારોમાં પણ આગળનાં શબ્દો અધ્યારમાં છોડી દીધાં.

શ્રૃજલ તે વાંસળીને ફરી મુકીને જુની યાદો ભૂલવા માંગતો હતો.... અને તેની નજર સામે રહેલ ‘સુનયના’ લખેલ ફાઇલ પર પડી...

શ્રૃજલે તેના પર હાથ ફેરવ્યો અને જાણે સુનયનાના માથે હાથ ફેરવી રહ્યો હોય તેમ લાગ્યું.

સુનયના….!!!!

‘તું અચાનક મારાથી દૂર કેમ ચાલી ગઇ....?? સ્વરાને નહી મારે પણ તારી જરુર હતી....!!’ એમ કહી શ્રૃજલ તેની ફાઇલ હાથમાં લઇ તેની યાદોમાં ખોવાઇ ગયો..

સુનયના સાથે શ્રૃજલનો સંસાર સુખેથી પસાર થતો હતો.... સુંદરતા, સહનશીલતા અને સરળતાના ગુણો કુદરતે સુનયનામાં ઠાંસી ઠાંસીને ભર્યા હતા... નવરાત્રિમાં ગરબે ઘુમવું, ઘર-પરિવારને સજાવવા અને સાચવવા તે તેના શોખ અને તેની જિંદગી હતી.... પણ ગઇ નવરાત્રિમાં ગરબે ઘુમ્યા પછી સુનયનાને શરીરનો અતિશય દુ:ખાવો શરુ થયો હતો...

ગરબે ઘુમીને ક્યારેય ન થાકતી સુનયના ગઇ નવરાત્રીમાં પહેલીવાર થાકનો અનુભવ કરતી હતી... અને છેલ્લા નોરતામાં તો તેને કહ્યું કે આજે હું નહી ગાઇ શકું....

તે તેનું છેલ્લું નોરતું હતું કે જેમાં પહેલીવાર સુનયના પોતાના પગને તાલ સાથે ઘુમાવી શકતી નહોતી..

‘આ વર્ષે કેમ થાકી જવાય છે ખબર નથી પડતી....? અને છેલ્લા દસેક દિવસથી શરીરમાં તાવ જ રહેતો હોય તેમ સુનયનાની ફરીયાદ તો હતી જ...!! પણ આ નવરાત્રિનો થાક હશે...’ તેમ સમજી તે ગરબે ઘુમતી... આખરે તે થાકી.....!!

બે ત્રણ દિવસ આરામ કરીશ એટલે મટી જશે... પણ તેનો થાક ઓછો ન થયો..... નવરાત્રિ પુરી થઇ પછી ડોક્ટરને બતાવ્યું...

સાવ સાધારણ થાક અને અશક્તિ મોટું સ્વરુપ ધારણ કરશે તેવી કોઇને કલ્પના પણ નહોતી....

ડોકટરે રીપોર્ટ્સ લખી આપ્યાં... શ્વેતકણોની સંખ્યામાં અસાધારણ વધારો અને પછી બોન મેરો (હાડકાંના મજ્જા) રીપોર્ટમાં ‘લ્યુકેમીયા – બ્લડ કેન્સર’ ડિટેક્ટ થયું...

સ્વરા અને શ્રૃજલ સાથે સુનયના ત્રણેય એકસાથે ભાંગી પડ્યાં...

પછી તો કિમોથેરાપીથી અને દવાઓ શરુ થઇ.... સુનયનાની સુંદરતા સાવ હણાઇ ગઇ... વાળ પણ ખરી પડ્યાં.... અને છેલ્લે તો સુનયનાએ શ્રૃજલને કહ્યું કે આવતી નવરાત્રિ સુધીમાં ગરબે રમવાનું શીખી જજો અને સ્વરા સાથે તમે મારા વતી ગરબે ઘુમજો....

શ્રૃજલ તે દિવસે પહેલીવાર પોતાના જીવનનું એક ઢંકાયેલું સત્ય ખોલેલું.... તેને સુનયનાનો હાથ પકડીને કહ્યું હતું, ‘ મને ગરબે ઘુમતા આવડે છે.... આપણે ત્રણેય સાથે ગરબે ઘુમીશું..... બસ તું સાજી થઇ જા.....!!’

પણ આ શબ્દો સાંભળે તે પહેલાં સુનયનાએ કાયમ માટે આંખો મીંચી દીધી. સ્વરા અને શ્રૃજલને એકલા મુકીને સુનયના એ વાટે ચાલી કે જ્યાંથી કોઇ પાછુ ન ફરી શકે.....!!!

શ્રૃજલ તેં સુનયનાને ત્યારે વચન આપેલું કે હું સ્વરા સાથે ગરબે ઘુમીશ... પણ હું ભૂલી ગયો હતો.... શ્રૃજલ મનોમન સુનયનાની માફી માંગી રહ્યો હતો...

શ્રૃજલે સામે પડેલી વાંસળીને ફરી ઝડપથી પકડીને લોકરમાં ઉંડે ખૂણે સંતાડી દીધી અને ફરી ત્યાં હાથ કે વિચાર ન પહોંચે તેમ મુકી દીધી.

‘સોરી સુનયના....અને સોરી.... જે.......!!!’ લોકર બંધ કરતાં જ શ્રૃજલના હૃદયના દૂર ખૂણેથી એકસાથે બે નામ ઉછળી આવ્યાં.

આ જે..... પછી ન બોલાયેલ શબ્દે શ્રૃજલને તીવ્ર વેદના કરી.... આ જે…. એટલે એ જ શબ્દ કે જે વર્ષો પહેલાં તે વાંસળી પર કોતરાયેલો હતો......!!!!

- ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED