ભાગ -૨
થોડીવારમાં ફરીથી ડોરબેલ વાગી એટલે બહાર ડોરબેલ વગાડનારને ઉતાવળ હોય તેમ લાગ્યું.
શ્રૃજલે ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રાજકુંવર જેવો સોહામણો યુવાન ઉભો હતો. એકદમ ગોવાળીયા જેવા વેશમાં અને માથે મોરપિચ્છ લગાવેલી એક પાતળી રીંગ આકર્ષક લાગતી હતી.
‘અંકલ, હું રિધમ, સ્વરાનો ક્લાસમેટ...’ તેને ખૂબ શિસ્તપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો.
અને તેની સાથે એક પછી એક સાત કોલેજીયન ગ્રુપ અંદર આવ્યું. તેમાં માધ્વી, પ્રિયંકા, વિશ્વા જાણીતા હતા અને બીજા અપરિચિત ચહેરાઓ હતા.
‘તમે બેસો સ્વરા આવે જ છે...!’ શ્રૃજલે બધાને બેસવા ઇશારો કર્યો.
‘ના અંકલ અમારે મોડું થાય છે.... રસ્તામાં ટ્રાફીક વધારે છે... અને તમને ખબર છે’ને અત્યારે પાર્કિંગની તકલીફો કેટલી બધી છે? વળી, પાર્ટીપ્લોટવાળાં રાત્રે સમય થાય કે તરત જ બંધ પણ કરી દે છે.... એટલે સમય ન બગડે તો સારુ....!’ તે યુવાન ગરબા રમવાનો ખૂબ શોખીન હોય અને તેને બધા પાસા વિચારી લીધા હોય તેમ લાગ્યું.
શ્રૃજલે જોયું તો તેની નજર સ્વરાને શોધી રહી હતી અને ફરી ફરીને તે ‘સ્વરા ક્યાં છે?’ તેમ કહેતી હોય તે રીતે આવીને ઉભી રહી.
તે બધાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ હતા... અને તેમાં દરેક બોયઝ માથે મોરપિચ્છનો એકસરખો આકાર અને ગર્લ્સે એકસરખી ચણિયાચોરી પહેરી હતી.
‘આજે કોઇ થીમ પર ગરબે ઘુમવાના લાગો છો....?’ શ્રૃજલે સ્વરા આવે ત્યાં સુધી સમય વિતાવવા પુછ્યું.
‘હા, અંકલ આજે અમારી રાધા-કૃષ્ણની થીમ છે,’ રિધમે તો કેડમાં ભરાવેલી બાંસુરી પણ બતાવી.
બાજુમાં ઉભેલી પ્રિયંકાએ પણ કહ્યું, ‘અમે મટકી માથે લઇશું અને પ્રાચીન ગરબાં અને વેસ્ટર્નનું કોમ્બિનેશન કરવાના છીએ...!’
શ્રૃજલનું ધ્યાન રિધમે હાથમાં લીધેલી વાંસળી તરફ ખેંચાયુ. વાંસળી જોઇને તરત અંદરથી કોઇ તેને વાંસળી વગાડવા પ્રેરી રહ્યું હોય તેન શ્રૃજલે વાંસળી હાથમાં લઇ હોઠે અડાડી દીધી અને આંખો મીંચી’ને ધીરેથી ફૂંક મારી.... સહેજ પણ સિસકારો કે બેસૂરો અવાજ નહી અને સીધી સરગમ રેલાઇ....
અને ત્યાં જ સ્વરાએ રૂમમાં પ્રવેશ કર્યો…..
શ્રૃજલે મારેલી ફૂંકમાં સૂર તો રેલાયો પણ બીજી ક્ષણે જ તેને હોઠેથી દૂર કરી દીધી.
‘અંકલ લાગે છે કે તમને વાંસળી વગાડતા આવડે છે...!!’ રિધમે પુછી લીધું.
‘મારા પપ્પાને વાંસળી પકડતા આવડે છે તેની મને આજે જ ખબર પડી અને રિધમ તું એમ કહે છે કે મારા પપ્પાને વાંસળી વગાડતા આવડે છે.... સારું મને કહે તને કેવી રીતે ખબર પડી કે મારા પપ્પાને વાંસળી વગાડતા આવડે છે... ?’ સ્વરા રિધમની ઉલટતપાસ કરી રહી હોય તેમ પુછવા લાગી.
‘આ તો મને લાગ્યું કે સૂર પરફેક્ટ હતો.... પણ તેમને અધવચ્ચે પડતો મૂક્યો….!’ રિધમના મુખેથી ભલે શબ્દો નીકળી રહ્યાં હોય પણ નજર તો સ્વરા તરફ સ્થિર થઇ ગઇ હતી.
સ્વરાએ તેની મમ્મીની ફેવરીટ ચણિયાચોરી પહેરેલી અને હાથમાં મટકી જોઇને લાગે જ કે સાચે જ સામેથી રાધા આવી રહી છે... જોબનીયું જાણે સાક્ષાત સામે ઉતરીને આવ્યું હોય તેમ સ્વરા તરફ બધાની નજર ચોંટી ગઇ...તેને મટકીની અંદર દાંડિયાની જોડ મુકી અને તે મટકી રિધમનાં હાથમાં પકડાવી દીધી.
રિધમ સાવ બબૂચકની માફક મટકી હાથમાં લઇ કેડમાં ભરાવી અને આંખનું મટકું માર્યા વિના સ્વરા શું કરે છે તેને જ જોઇ રહ્યો...
‘અત્યારે તો કાન પોતે ગોપી બની ગયો હોય તેમ લાગે છે....!!’ માધ્વીએ સીન જોઇને સિકસર મારી.
અને રિધમે પોતાની કેડમાં ગોઠવેલી મટકી કાંઠલેથી પકડી હાથમાં લઇ લીધી અને તે મટકી ક્યાં મુકવી તેની જગ્યા શોધવા લાગ્યો.
કોલેજીયન ગ્રુપના બધા પોતાનો ચહેરો છુપાવી સ્વરાના પપ્પાને ખ્યાલ ન આવે તેમ હસવા લાગ્યાં.
‘તમે જલ્દી નીકળો .. નહી તો ટ્રાફીક અને પાર્કિંગ....!’ સ્વરાના પપ્પાએ તેમની સિચ્યુએશન બદલતા કહ્યું.
‘પપ્પા... તમે એકલા શું કરશો....?’ સ્વરાને પપ્પાની ચિંતા હતી એટલે સાવ નજીક આવીને કહ્યું.
‘તારી મમ્મીને અને તને યાદ કરીશ....!’ શ્રૃજલના હોઠ સુધી શબ્દો આવી ગયા હતા પણ તેને જાણી જોઇને આ શબ્દો દબાવી દીધા અને મટકીની અંદર પડેલી દાંડીયાની જોડ તરફ નજર કરી એટલું કહ્યું, ‘ધ્યાન રાખજે આ દાંડીયાની જોડનું...!’
સ્વરાને આશ્ચર્ય થયું કે પપ્પા તો ક્યારેય મને સલાહ પણ નહોતા આપતા કે સ્વરા, તારું ધ્યાન રાખજે.... સ્કુટી ચલાવતા ધ્યાન રાખજે...... ટ્રાફિકમાં ધ્યાન રાખજે..... અને તેઓ આજે દાંડિયાની જોડને સાચવવાનું કહે છે.... !!
‘પપ્પા.... હું મારું અને આ તમારી દાંડિયાની જોડ બન્નેનું ધ્યાન રાખીશ, બસ....!’ સ્વરાએ એટલું કહી ઘરનો ઉંબરો ઓળંગી લીધો.
યુવાન દિકરી આમ ઉડીને આંખે વળગે તેવી રીતે તૈયાર થઇને નીકળે ત્યારે દરેક પપ્પાના મનમાં જે અગમ્ય ડર લાગી આવે તેવો ડર શ્રૃજલને મહેસૂસ થવા લાગ્યો. શ્રૃજલની નજર તેઓ સોસાયટીના ગેટ સુધી પહોંચ્યા ત્યાં સુધી તેમના પર મંડરાયેલી રહી અને પછી ખાલી ઘરમાં ભારે હૃદયે દાખલ થયાં.
ડ્રોઇંગરૂમની અંદર પગ મુકતાં બરાબર સામે જ લટકાતી સુનયનાની તસ્વીર તરફ તેઓ તાકી રહ્યા અને લાગણીવશ બોલ્યાં, ‘ આમ તું મને એકલો મુકીને ચાલી ગઇ સુનયના... આ નવરાત્રી સાવ ખાલી ખાલી લાગે છે... તું હતી તો તારા રોજે રોજના શણગાર અને સ્વરા સાથે તારા સખીપણાંથી આ ઘર ભર્યુ ભર્યુ લાગતું હતું..... તું હતી તો કોઇ ડર નહોતો કારણ કે સ્વરા તારા પગલે-પગલે તાલ મિલાવીને ઝુમતી.. યુવાન દિકરીની એક સહજ ચિંતા પિતાના હૃદયને નવરાત્રિ સમયે કોરી ખાતી હોય છે, પણ તું હતી ત્યાં સુધી મારા મનને મોકળાશ અને હળવાશ હતી.. સુનયના આઇ મીસ યુ ટુ મચ......!’ અને શ્રૃજલની આંખો સજળ બની ગઇ.
શ્રૃજલ ઘરમાં એકલો હતો, બહાર સોસાયટીમાં આરતી શરું થવાની તૈયારીઓ થઇ ચુકી હતી. લાઉડ સ્પિકરના એનાઉન્સમેન્ટ અને જોર જોરથી વાગતાં પશ્ચિમી ઠબના ગાયનો શ્રૃજલને ગમતાં નહોતા એટલે તે પોતાના બેડરૂમમાં દરવાજો બંધ કરીને બેસી ગયો અને તેના વિચારો અલગ અલગ દિશામાં દોડવા લાગ્યાં...
રિધમ સાચેસાચ ગોવાળીયો નહી પણ મનમોહક કાનુડો લાગતો હતો.... તેની સાથે સ્વરા એ રીતે વાતો કરતી હતી કે બન્ને ક્યાંક...... એ ભૂલ ન કરે...!!!!! જે.....!!!! શ્રૃજલ વિચારોના ચક્રવાતમાં ફસાઇ રહ્યો હતો...
અને તેને એકાએક કંઇક યાદ આવ્યું..... રિધમે કહ્યું હતું કે અંકલ તમને વાંસળી વગાડતાં આવડતી હોય તેમ લાગે છે..... ત્યારે જ મેં મારો સૂર ખેંચી લીધો હતો.... એ સૂર કે મેં વર્ષો પહેલા વગાડ્યો હતો....
શ્રૃજલ ઉભો થયો અને તેના પર્સનલ લોકર જ્યાં ખૂબ અગત્યના ડોક્યુમેન્ટ્સ રહેતા... તે લોકર માત્ર શ્રૃજલ જ ખોલતો....!! તેના એક અંદરના ખૂણે આજે ફરી તેનો હાથ ફરવા લાગ્યો...
અને તેના હાથમાં તે જે વસ્તુ શોધી રહ્યો હતો તે આવતાં જ રોમેરોમમાં ઝણઝણાટી પ્રસરી ગઇ.
- ડૉ. વિષ્ણુ પ્રજાપતિ