Nav Raatni Navalkatha - 9 books and stories free download online pdf in Gujarati

નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ, ભાગ – ૯

ભાગ – ૯

સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી... રિધમે સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં... પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે.... તું સાથે તારી વાંસળી લેતો આવજે..’

લીઝાએ આપેલા ત્રણ પાસ સ્વરા પાસે હતા તેમાંથી એક પાસ રિધમને આપ્યો અને રાત્રે જરુર આવવાનું કહ્યું.

સ્વરાએ પપ્પાને ફોન કરીને કહી દીધું રાત્રે સાથે પાર્ટી પ્લોટમાં જવાનું છે એટલે વહેલા આવજો.

સ્વરા ઘરે પહોંચી. શ્રૃજલ પણ ઘરે વહેલો આવી ગયો. જો કે સ્વરાએ કહ્યું નહી કે આજે પોતે ક્યાં ગઇ હતી.

સાંજે ચા બનાવી ડાયનિંગ ટેબલ પર સ્વરા અને તેના પપ્પા સામસામે બેઠાં, ‘પપ્પા આજે તમારે મારી સાથે ગરબે રમવું પડશે.’

‘હા... ચોક્કસ...’ શ્રૃજલે કોઇપણ આનાકાની વગર હા કહી.

‘પપ્પા તમને ગરબાના સ્ટેપ ફાવશે..?’ સ્વરાએ ક્રોસ ચેક કરવા પુછ્યું.

‘શીખી લઇશ’

‘તમારી પેલી સ્પેશ્યલ દાંડિયાની જોડ સાથે લેજો, ટ્રેડિશનલ કપડાં હું લઇ આવી છું...’ સ્વરાએ કહ્યું

‘સ્વરા મેં તારી મમ્મીને કહ્યું હતું કે આ નવરાત્રીમાં તારી સાથે ગરબે ઘુમીશ પણ હું તને કંપની ન આપી શક્યો.. સોરી.....!’ શ્રૃજલે પોતે સુનયનાને આપેલ વચનને પાળ્યું તે બદલ માફી માંગી લીધી.

‘કેમ પપ્પા... તમે આટલા વર્ષો સુધી કેમ કોઇવાર અમારી સાથે ગરબે ન ઘુમ્યાં...?’ સ્વરાના શબ્દો અને આંખો બન્નેમાં પ્રશ્નો હતા.

શ્રૃજલ તેની આંખો જોઇને સાવ નિરુત્તર રહ્યો...

‘પપ્પા તમે કેમ તમારી પ્રિય વાંસળીને પણ ભૂલાવી દીધી...?’ સ્વરાના આ બીજા પ્રશ્નથી શ્રૃજલ હલબલી ગયો.

શ્રૃજલ થોડીવાર સ્વરાની પ્રશ્નોભરી આંખોમાં જોઇ રહ્યો અને ગંભીરબની જવાબ આપ્યો, ‘સ્વરા... જિંદગીમાં કેટલાય વ્યક્તિ, વસ્તુ કે શોખ આવે અને જાય.. તેમાં કોઇ વસવસો ન હોય.’

‘કંઇક તો હતું જ પપ્પા, કે જે તમારી જિંદગીમાંથી તમારા બધા શોખને તાણીને લઇ ગયું...!’ સ્વરા હવે મિત્ર બની પપ્પા સાથે વાત કરી રહી હતી.

‘બેટા... હવે તે ઇતિહાસને ખાળવાનો કોઇ અર્થ નથી..’

‘પણ.. પપ્પા તે ભૂતકાળમાં બનેલી ‘દાંડિયાની જોડ’ વર્ષો પછી મળે છે ત્યારે એમ લાગે છે કે તેમાં પણ કોઇ ઇશ્વરનો સંકેત છે.’

‘કઇ જોડ... અને ક્યાં મળી...?’ શ્રૃજલને લાગ્યું કે સ્વરા ઘણું જાણી ચુકી છે.

‘મેં તમને કહ્યું હતું કે તમારી પાસે રહેલી ‘દાંડિયાની જોડ’ અધુરી લાગે છે… મેં તે આખી જોડ જોઇ ત્યારે મને લાગ્યું કે તમે તે દાંડિયાની જોડનું રહસ્ય છુપાવી રહ્યા છો.’ સ્વરાએ કહ્યું.

‘ક્યાં જોઇ તેં બીજી દાંડિયાની જોડ?’ શ્રૃજલ તે જાણવા અધીરો બન્યો.

‘આજે રાત્રે તે અધુરી દાંડિયાની જોડ તમને પણ જોવા મળશે..! પપ્પા મને તમારા પ્રત્યે કોઇ પ્રશ્ન કે અણગમો નથી પણ મને અને મારી મમ્મીને તમારા શોખનો કાયમ અભાવ રહ્યો તેનો વસવસો રહેશે.’ સ્વરાએ નરમ અવાજે કહ્યું.

‘બેટા, જીવનમાં કોઇ વાર એવા તોફાન સર્જાઇ જતા હોય છે જે આપણી જિંદગીને ઘણી ઘણી રીતે ખેદાન મેદાન કરી નાખે છે...! જો કે તે ઇતિહાસ જાણીને કોઇ અર્થ નથી પણ હવે તને પછીની એકપણ નવરાત્રીમાં તને તારી મમ્મીની ખોટ નહી વર્તાય તે પ્રોમીસ આપું છું.’ અને પછી શ્રૃજલ તથા સ્વરાની વચ્ચેની વાતચીતમાં એક લાંબો અંતરાય આવ્યો... આ ખામોશી નિરુત્તર હતી.... સમજણની હતી... પરિપક્વ વિચારોની હતી.

‘બસ તો મારે એ પપ્પા આજે રાતે ગરબે ઘુમતા જોઇએ કે જે એવોર્ડ પણ જીતી શકે છે.’ સ્વરાએ વાતાવરણ બદલતા કહ્યું.

‘શ્યોર’ શ્રૃજલે પોતાના જમણા હાથનો અંગૂઠો ઉંચો કરીને કહ્યું.

આ નવરાત્રિની છેલ્લી રાતે સ્વરા શ્રૃજલની સાથે પાર્ટીપ્લોટ પર પહોંચી. ત્યાં લીઝા અને તેની મમ્મી તેમની રાહ જોઇ રહ્યા હતા...

શ્રૃજલ તેની દાંડિયાની જોડ લઇને આગળ વધે છે.... ત્યાં સામે દૂર લીઝાની મમ્મી જેસિકા દેખાય છે.... આ એ જ જેસિકા જેનુ નામ વર્ષો પહેલા તે વાંસળી પર નામ કોતરાયેલું હતું. એસ એટલે શ્રૃજલ અને જે એટલે જેસિકા...!

શ્રૃજલ અને જેસિકાની આંખો મળતાં ભૂતકાળની યાદોના ઘોડાપુરમાં તણાવા લાગ્યાં.

સ્વરાની નજરમાંથી તે છાનું ન રહ્યું.... સ્વરા તેમને એકાંત મળે એટલે રિધમ અને લીઝાને તેમનાથી દૂર લઇ ગઇ... તે બન્નેને એકાંત મળતા વર્ષો જુનો પ્રેમ ફરી નવપલ્લવિત બની ઉભરી આવ્યો...

‘જેસિકા.... ક્યાં હતી....?’ મેં તને કેટલી શોધી હતી.

‘પણ અધવચ્ચે તેં જ મને તરછોડી હતી....’ જેસિકાએ ફરી ત્યાંથી વાત શરુ કરી જ્યાં વર્ષો પહેલા તેમની પ્રેમકહાની અધુરી રહી હતી.

‘જેસિકા... એવું નહોતું... તે રાતે આપણે આપણી બધી મર્યાદા ભૂલી ગયા હતા... મને ખૂબ દુ:ખ થયેલું કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે....’

‘તે ભૂલ નહોતી... આપણો પ્રેમ હતો...’ જેસિકાએ તરત જ કહ્યું.

‘હા... એ પ્રેમ હતો... પણ તે પ્રેમને હું પામી ન શક્યો... અમારા ચુસ્ત પરિવારને આપણાં લગ્નની વાત સ્વીકાર નહોતી... હું તેમને સમજાવવામાં નાકામિયાબ રહેલો...એટલે તને કહ્યું હતું કે હવે આપણે દૂર જ રહીએ....એ તિરસ્કાર નહોતો પણ હું તને વધુ દુ:ખી કરવા નહોતો માંગતો...હું તને સ્વીકારી શકે તેમ નહોતો એટલે તે રાત પછી હું થોડા દિવસો તારાથી દૂર ચાલ્યો ગયો હતો. તે રાત પછી હું તારી માફી માંગવા થોડા દિવસો પછી કોલેજ આવ્યો પણ તું ચાલી ગઇ હતી... અને મને એમ કે તું પણ મારી જેમ ’ વર્ષો જુની વાત ફરી આજે શ્રૃજલે જેસિકાને કહી.

‘તું મારાથી દુર થાય તેનાથી મોટું દુ:ખ મારા માટે બીજું શું હોઇ શકે...?’ જેસિકા આજે પણ એટલી મૃદુ અને સંવેદનશીલ હતી જેટલી વર્ષો પહેલા હતી.

‘તું ગયો અને મને કોલ આવ્યો કે મારા મમ્મી-ડેડીને મેજર એક્સિડેન્ટ થયો છે મારે મારા દેશ પરત જવું પડે તેમ હતું.. તારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો પણ તું ન મળ્યો..... હું મારા દેશ પહોંચી અને ત્યાં મારા મમ્મી ડેડી પણ મને છોડીને ચાલ્યા ગયા...! અને તે મારા કપરાં દિવસોમાં ખ્યાલ આવ્યો મારા ગર્ભમાં આપણાં પ્રેમની નિશાનીએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું એ મારી જિંદગીનો ખૂબ કપરો સમય હતો.... હું તે સ્થિતિમાં ઇન્ડિયા આવી શકું તેમ નહોતું... હું ભાંગી પડી હતી.. મારે ત્યારે કોઇની જરુર હતી એટલે ત્યાં મારી સાથે કામ કરતા વ્યક્તિ સાથે મેં મેરેજ કર્યા, લિઝાને એક ડેડીનું નામ મળી ગયું, અમે થોડા વર્ષો સાથે રહ્યાં અને પછી તે પણ એક એક્સિડેન્ટમાં અમને છોડીને ચાલ્યા ગયા. લિઝાને ગુજરાતની નવરાત્રિ જોવી હતી એટલે તે આપણે જુની દાંડિયાની જોડ લઇ હું અહીં આવી...’ જેસિકાએ પોતાની આપવીતી જણાવી.

‘એટલે કે તે નવરાત્રિ ફંક્શન પછીની રાત.... એ આપણાં શારીરિક ઉન્માદની સજા તને મળી...’ શ્રૃજલ વિહવળ બની ગયો.

‘લીઝા તારી જ દિકરી છે.’ જેસિકાએ કહ્યું.

‘ઓહ માય ગોડ, સો... સોરી....! મારા કારણે તને જિંદગીની અનેક મુશ્કેલીઓ પડી..’ શ્રૃજલ પોતાને દોષી સમજી રહ્યો હતો.

‘શ્રૃજલ.. મને જિંદગીમાં ભલે મુશ્કેલીઓ પડી પણ મારા પ્રેમને મેં ક્યારેય ભૂલ સ્વરુપે નથી જોયો... તે મારા માટે કાયમ ઉર્જાવાન અને શાશ્વત રહ્યો છે... મને તારી કોઇ ફરીયાદ નથી… આપણી લીઝા પણ ગરબાની ખૂબ શોખીન બની... તેના દરેક સ્ટેપમાં મને તારી યાદ આવતી... હું તેને રોકતી નહોતી... તેની નસેનસમાં આપણો પ્રેમ હતો તેને હું માણતી હતી..’ જેસિકાની નજર લીઝા તરફ ગઇ.

‘પણ હું મારા પ્રેમને તારી જેમ મુક્ત ન રાખી શક્યો... તારા ગયા પછી હું મારા બધા શોખ અને તારી સાથે વીતાવેલ દરેક યાદોને મીટાવવા વ્યર્થ પ્રયત્નો કરતો રહ્યો.... હું તારી જેમ ન સમજી શક્યો પ્રેમને....! વાંસળી... નવરાત્રિ... ગરબા... બધુ ભૂલીને અને મારા બધા શોખને વર્ષો સુધી સંકોચીને બેસી રહ્યો...!’ અને શ્રૃજલે પોતે પોતાના શોખ કેમ મીટાવી દીધા તેની વાત કરી.

‘આપણે બનાવેલી દાંડિયાની જોડ.. જે એક તારી પાસે હતી અને એક મારી પાસે હતી....! તેમાંની મારી જોડ મેં વર્ષો પછી બહાર કાઢી... અને તે જોડ ફરી મળી... અને આ દાંડિયાની જોડ જ આપણાં મિલન માટે ફરી નિમિત્ત બની... સ્વરા અને લિઝા મળ્યાં બન્નેની દાંડિયાની જોડ સામસામે ટકરાઇ અને સ્વરાએ તે દાંડિયાની જોડનું રહસ્ય શોધ્યું...’ શ્રૃજલે બધી વાત કરી.

બીજી બાજુ સ્વરાએ લિઝા અને રિધમને જેસિકા અને તેના પપ્પાની બધી વાત કરી. મોબાઇલના ફોટામાં તે બન્નેને કોલેજમાં મળેલા એવોર્ડ.. તેમની ફ્રેન્ડશીપ... પણ તેઓ નહોતા જાણતા કે તેઓ કેમ કાયમ માટે અલગ થયેલા.... સ્વરાએ તેમની બનાવેલી દાંડિયાની જોડ પાસે રાખી અને કહ્યું, ‘તેઓ બન્ને આ દાંડિયાની જોડની જેમ જ સાથે રહેતા હતા.. પણ એકાએક તેમની દોસ્તી સાવ તૂટી ગઇ અને તેઓ એકબીજાથી કાયમ માટે દૂર થઇ ગયા. આજે નવરાત્રિ અને આ દાંડિનાની જોડના સંગે ફરી તેઓ જોડાઇ જાય તેવી મારી ઇચ્છા છે.’ રિધમ અને લિઝા પણ તેમની દબાઇ ગયેલી મિત્રતાને ફરી જોડવા સંમત થયા.

પાર્ટી પ્લોટમાં હવે ભીડ વધી રહી હતી... સૌ ગરબે ગાવા તલ્લીન હતા. લિઝા અને સ્વરા જેસિકા અને શ્રૃજલ પાસે આવ્યા. તે બન્ને તેમના હાથમાં રહેલી દાંડિયાની જોડ તે બન્નેને આપી અને કહ્યું, ‘ પ્લીઝ આજે વર્ષો પછી એ રીતે જ ગરબે ઝુમજો કે બધા તમને જોતા રહી જાય..’

રિધમે તેના હાથમાં રહેલી વાંસળી શ્રૃજલને આપી. શ્રૃજલે તેના સૂર વગાડ્યો અને જેસિકા વર્ષો પછી તેના સૂરમાં ખોવાઇ ગઇ...

પાર્ટીપ્લોટમાં મ્યુઝીકલ પાર્ટીની ગરબા શરુ થઇ ગયા હતા... તે અવાજની વચ્ચે હવે વાતચીત કરવું શક્ય નહોતું.....

ગરબાની રમઝટ જામવા લાગી. જેસિકા અને શ્રૃજલ ‘દાંડિયાની જોડ’ લઇને તે ભીડ વચ્ચે અદભૂત સ્ટેપ કરતા કરતા ખોવાઇ ગયા....અને સ્વરા, રિધમ. લિઝા તેમના અદભૂત સ્ટેપ શીખવા તેમની આગળ પાછળ ઘુમી રહ્યા હતા. તે બન્ને હૈયાંમાં આજે વર્ષો પછી એવોને એવો જ થનગનાટ હતો જે વર્ષો પહેલા ભૂતકાળમાં ધરોબાઈ ગયો હતો.. શ્રૃજલ અને જેસિકા તેમની ‘દાંડિયાની જોડ’ સાથે શોભી રહ્યાં હતા.

સમાપ્ત

આપના પ્રતિભાવો નીચેના નંબરે અવશ્ય વ્હોટસએપ કરશો.. આભાર…

- ડો. વિષ્ણુ પ્રજાપતિ - ૯૮૨૫૮૭૪૮૧૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED