Satya Asatya - 25 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 25

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૫

સત્યજીત દીકરીને લઈને દાખલ થયો ત્યાં સુધીમાં અમોલાએ ફોન કરીને સોનાલીબહેનને ન કહેવાનું કહી દીધું હતું. ફોન પર રડતી-કકળતી પુત્રવધૂ અને એની મમ્મીની વાતો સાંભળીને સોનાલીબહેન પણ વિચલિત થઈ ગયા હતા. એ ઓટલા પર જ બેઠાં હતાં. ગાડી ખોલીને અંદરથી બૅબી કેરિયરમાં સૂતેલા બાળકને લઈને સત્યજીત દાખલ થયો ત્યારે સોનાલીબહેનની આંખો છલકાઈ આવી, ‘‘બેટા, એક માને એના બાળકથી દૂર કરવા જેટલું મોટું પાપ આ દુનિયામાં બીજું કોઈ નથી.’’

‘‘તમે બધાએ ભેગા થઈને મા અને બાળકના સંબંધને બિનજરૂરી ગ્લેમર આપી દીધું. એક બાપને પણ એટલું જ દુઃખ થાય છે એવું કોઈ સમજવા જ તૈયાર નથી.’’

‘‘બેટા...’’

‘‘તમે સલાહ આપવા માગતા હો તો માંડી વાળજો કારણ કે હું સાંભળવાનો નથી.’’

‘‘હું મા છું તારી...’’ સોનાલીબહેને જરા અધિકારપૂર્વક કહ્યું, ‘‘મારી સલાહ નહીં સાંભળે ?’’

‘‘ના.’’ સત્યજીતનો અવાજ સપાટ અને ભાવવિહીન હતો, ‘‘ખરેખર તો તમારી સલાહ મારે ઘણા સમય પહેલા સાંભળવાની બંધ કરી દેવી જોઈતી હતી. જ્યારે જ્યારે પપ્પા ગુસ્સો કરતા ત્યારે મને જુઠું બોલવાની સલાહ આપીને, મારી સામે જુઠું બોલીને તમે જે ભૂલો કરી એનું પરિણામ હું આ પળ સુધી ભોગવી રહ્યો છું.’’

‘‘એટલે ? તું એમ કહેવા માગે છે કે મેં તારી ભલાઈ માટે જે કંઈ કર્યું...’’

‘‘ભલાઈ ?’’ સત્યજીતના અવાજમાં અજાણતા જ ઉશ્કેરાટ આવી ગયો, ‘‘શેની ભલાઈ મૉમ ? નાની નાની વાતમાં જુઠું બોલતા શીખીને મેં જિંદગીમાં શું મેળવ્યું ? એ મિનિટે કદાચ બચી ગયો હું, પણ પછીથી જ્યારે જ્યારે પપ્પાને જાણ થઈ ત્યારે મેં વધારે તકલીફ સહન કરી છે... મારા પપ્પાનો વિશ્વાસ ઊઠી ગયો મારા પરથી... પ્રિયંકા મને છોડીને ચાલી ગઈ... આ બધાના કારણમાં મારું જુઠાણું હતું, મૉમ... થોળી પળો માટે કદાચ એ જુઠે મને ગુસ્સાથી સામેવાળી વ્યક્તિના રિએક્શનથી બચાવ્યો, પણ મેં વિશ્વાસ ખોયો, કાયમ માટે.’’

‘‘આ બધું આજે યાદ આવે છે ?’’

‘‘હા, કારણકે આજે મારી પાસે પણ એક કોરું કડાક ભવિષ્ય છે. મારા ખોળામાં વિશ્વાસથી આંખો મીંચીને સૂતેલી મારી દીકરી કાલે સવારે મને જુઠો કહેશે તો મારાથી સહન નહીં થાય.’’

‘‘સત્ય...’’ સોનાલીબહેન આગળ કશું બોલી શક્યા નહીં. એમને ડૂમો ભરાઈ આવ્યો. એમણે ધાર્યું હતું કે સત્યજીત દીકરીને લઈને ઘરે આવે કે બહારથી જ એને સમજાવીને અમોલા પાસે પાછો મોકલશે. એને બદલે સત્યજીત તો કંઈ જુદું જ બોલી રહ્યો હતો.

‘‘કેટલી નવાઈની વાત છે. તમે મારું નામ સત્યજીત પાડ્યું... ને તમે જ મને સત્યથી અળગો કરતા ગયા. મૉમ, હું તમારો વાંક નથી કાઢતો. તમે જે કંઈ કર્યું તે પ્રેમથી કર્યું. મારા માટેની લાગણીથી કર્યું. મને પપ્પાના ક્રોધથી બચાવવા માટે કર્યું.’’ એ પણ સંવેદનશીલ થઈ ગયો હતો. પોતાના હાથમાં ઊંચકેલી દીકરી સામે જોઈને એનો અવાજ પણ ભીનો થઈ ગયો, ‘‘આજે કદાચ શ્રદ્ધાને અમોલા પાસે મૂકીને હું મા અને બાળકને છૂટા નહીં પાડવાના એ વર્ષો જૂના વિચારમાં ઘસડાઈ જાઉં, પરંતુ થોડાં વર્ષો પછી મારી દીકરી મોટી થઈને મને સવાલ પૂછશે કે ડૅડ તમે મને કેમ ના રાખી ? ત્યારે હું શું જવાબ આપીશ ? હું જાણું છું કે અમોલા એને સંસ્કારના નામે કશું નહીં આપી શકે અને મારે મારી દીકરીને સગવડ કે સુખ કરતા વધારે સંસ્કાર આપીને ઉછેરવી છે.’’ મા-દીકરો બંને થોડી વાર એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કરી રહ્યાં, ‘‘મા, આપણે આપણા સંતાનોની ભલાઈ માનીને જે કંઈ કરતા હોઈએ છીએ એ દરેક વખતે આપણે ધારીએ એવા પરિણામ આપતું નથી. દરેક વખતે બાળકને ચૉકલેટ આપવાથી એ ખુશ થાય એ વાત સાચી, પણ માતા-પિતાની ફરજ, ખાસ કરીને માની ફરજ એ છે કે પોતાના સંતાનને ક્યારેક કડવી દવા પણ પીવડાવી દે.’’

‘‘તું મને મા બનતા શીખવે છે ?’’ સોનાલીબહેનને ખરેખર ખૂબ દુઃખ પહોંચ્યું હતું. એમની આંખોમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું કે સત્યજીતની આ વાતથી એમને પોતાના વીતેલાં વર્ષોની ભૂલ સમજાઈ હતી, સાથે જ એમને એ પણ સમજાયું હતું કે પોતે ઘરમાં શાંતિ રહે એ માટે શોધેલો ઉપાય કેટલો ભયાનક નીવડ્યો હતો.

‘‘ના, એ વિશે મારે કંઈ કહેવું નથી. હું તમને મા બનીને બતાવીશ.’’ એણે પોતાની દીકરીને એક હળવું ચુંબન કર્યું, ‘‘મારી શ્રદ્ધાની મા અને બાપ બંને બનીશ. એને એ બધું આપીશ જે મને નથી મળ્યું.’’

‘‘હવે આટલું બોલ્યો છે તો એ પણ કહી જ દે કે તને શુ નથી મળ્યું ? અમે અમારાથી બન્યું તે બધું તને આપ્યું છે. તેંં તારી જિંદગીમાં જે કાંઈ ખોયું એ માટે અમને જવાબદાર ઠેરવીને તારી જવાબદારીમાંથી છટકી તો ન જ શકે. બાળપણમા મેં તને શીખવ્યું એમ કર્યું સ્વીકારું છું, પણ મોટો થયા પછી જો તને સમજાયું હોય કે એ ખોટું હતું તો શા માટે કરતો રહ્યો ?’’ સોનાલીબહેનનો અહમ્‌ પણ ઘવાયો જ હતો. એ મનોમન ભલે સમજ્યા હોય, પણ સત્યજીતની સામે સ્વીકારવા તૈયાર નહોતા.

‘‘મને સમજાયું તે ક્ષણથી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું, મા.’’ સત્યજીતના અવાજમાં નિષ્ઠાનો રણકો હતો, ‘‘અફસોસ એટલો જ છે કે મારી જિંદગીને ખોઈ દીધા પછી મને આ સત્ય સમજાયું. બહુ આકરી કિંમત ચૂકવી છે મેં આ શીખવા માટે.’’ એ શ્રદ્ધાને લઈને અંદર ચાલ્યો ગયો. સોનાલીબહેન પાસે ખાસ કાંઈ કહેવાનું રહ્યું નહીં. એમણે તો ફોન ઉપર અમોલાને વચન આપ્યું હતું કે રાત પહેલા એ શ્રદ્ધાને અમોલા પાસે પાછી મોકલી દેશે. સત્યજીત સાથેની આ વાતચીત પછી એમને લાગ્યું કે હવે શ્રદ્ધાને પાછી મોકલી લગભગ અસંભવ છે. એ ગૂંચવાઈ ગયા. હજી તો અમોલાને ફોન કરીને શું કહેવું એનો નિર્ણય કરે તે પહેલા એમના ઘરનો ફોન રણક્યો.

‘‘શું થયું, મમ્મી ?’’ સામે અમોલા હતી. એના અવાજમાં હાર અને પીડા સ્પષ્ટ સંભળાતા હતા.

‘‘એ નહીં માને.’’ સોનાલીબહેને પણ હિંમત કરીને કહી જ નાખ્યું.

‘‘તમે તો કહ્યું હતું કે...’’

થોડી વાર માટે સોનાલીબહેન ચૂપ થઈ ગયા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહી નાખ્યું, ‘‘મેં તને કહ્યું હતું ત્યારે મને કલ્પના નહોતી કે મારો દીકરો આટલો બધો મોટો અને સમજદાર થઈ ગયો હશે. જિંદગીને જોવાના તારા અને એના ચશ્મા અલગ છે, અમોલા. હવે દીકરી જોઈતી હોય તો તારે અહીં આવીને રહેવું પડશે. મને એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી.’’

સોનાલીબહેને ફોન મૂકી દીધો. અમોલા થોડી વાર ફોન પકડીને અવાચક્‌ ઊભી રહી. મિસીસ ઠક્કર એને હચમચાવીને પૂછતાં રહ્યા, પણ અમોલા પાસે કોઈ જવાબ નહોતો. ભાંગેલા પગે એ ત્યાં જ બેસી પડી. એનું મન એટલું બધું ક્ષુબ્ધ થઈ ગયું હતું કે એ રડી પણ ન શકી. આ એની હાર હતી... સત્યજીતની સામે ઘુંટણીયે પડીને એણે સ્વીકારવી જ પડે એવી ભયાનક હાર. એણે ક્યારેય નહોતું ધાર્યું એવું બન્યું હતું... શરૂઆતમાં જે સત્યજીત સાવ દબાયેલો, કહ્યાગરો અને સહનશીલ લાગતો હતો એ સત્યજીતની લગામ એના હાથમાંથી છૂટી ગઈ હતી અથવા એના હાથમાં ક્યારેય હતી જ નહીં એવું અમોલાને સમજાયું હતું. માથું નીચું કરીને, પોતાની ભૂલ સ્વીકારીને એણે સત્યજીતના ઘરે રહેવા જવું પડે એ વાત પર એનો અહમ્‌ ફુત્કારતો હતો... અને દીકરી વિના જીવવું એને અસંભવ લાગતું હતું.

થોડી વાર એમ જ ચુપચાપ બેસી રહ્યા પછી એણે નિર્ણય કર્યો, ‘‘હું જાઉં છું. સત્યજીતને ઘેર.’’

‘‘અરે પણ...’’ મિસીસ ઠક્કર પણ ડરી ગયાં હતાં, ‘‘એમણે શું કહ્યું, એટલું તો કહે મને ?’’

‘‘કોઈએ કશું નથી કહ્યું. આ લડાઈ સત્યજીતે શરૂ કરી છે. હવે આ લડાઈ સો ટકા ખુવારીની લડાઈ છે. જ્યાં સુધી સંપૂર્ણ વિનાશ નહીં થઈ જાય ત્યાં સુધી આ લડાઈ અટકવાની નથી, મમ્મી.’’ એ ઊભી થઈ. પોતાના રૂમમાં ગઈ અને બાઈ બોલાવીને બૅબીની અને પોતાની વસ્તુઓ પેક કરવાની સૂચના આપવા લાગી.

*

સત્યજીત સાથે વાત થયા પછી પ્રિયંકાએ આદિત્યને કહ્યું હતું, ‘‘બધું ઠીક થઈ જશે. મને ખાતરી છે કે સત્યજીત એની પત્ની સાથે સમાધાન કરવાનો પ્રયાસ જરૂર કરશે.’’

પ્રિયંકા પણ એ પછી બેચેન થઈ ગઈ હતી. લગભગ ૪૮ કલાક વીતી ગયા હતા. સત્યજીત તરફથી કોઈ સમાચાર નહોતા. એણે ઘણી રાહ જોઈ, પણ સત્યજીતનો ફોન ન આવ્યો. ત્રીજી રાત્રે એ ખૂબ જ બેચેનીમાં પડખા બદલતી હતી ત્યારે આદિત્યએ એના માથા પર હાથ ફેરવતા કહ્યુંં, ‘‘એ જ ફોન કરે એવો આગ્રહ શું કામ રાખે છે ? તું ફોન કર.’’

‘‘મારે જે વાત કરવાની હતી તે થઈ ચૂકી. હવે શું...’’ પ્રિયંકાને આદિત્યની ઉદારતાથી સાચે જ અપરાધી હોવાનો અનુભવ થતો હતો. એ જેટલો વધારે સમજદારી દેખાડવાનો પ્રયાસ કરતો હતો એટલી જ પ્રિયંકા વધુ ને વધુ સંકોચ અનુભવતી હતી. સત્યજીત એનો એક સમયનો પ્રેમી હતો એ વાત જાણવા છતાં આદિત્ય ક્યાંય પોતાના અધિકારો ઠોકી બેસાડવાનો પ્રયાસ નહોતો કરતો એટલે જ પ્રિયંકા સત્યજીતથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હતી. એને રહી રહીને એવું લાગતું હતું કે આદિત્યને ક્યાંક પોતાના સત્યજીત માટેની આ ચિંતાથી શંકા ન થઈ જાય.

‘‘ના આદિત્ય. વારે વારે ફોન કરીને હું તને તકલીફ પહોંચાડવા નથી માગતી.’’

આદિત્ય હસી પડ્યો, ‘‘તું એને ફોન કરે છે એનાથી મને તકલીફ પડે છે એવું તને કોણે કહ્યું ?’’ એણે પ્રિયંકાની કથ્થાઈ આંખોમાં જોયું. એની આંખોમાં વહાલ છલકાતું હતું. પ્રિયંકા માટેનો વિશ્વાસ અકબંધ દેખાતો હતો, ‘‘મને તકલીફ પડે છે, પણ સત્યજીતને ફોન કરે છે એથી નહીં... એની ચિંતા કરે છે એનાથી પણ મને તકલીફ નથી થતી. મને તકલીફ થાય છે જ્યારે તું બેચેન હોય છે. હું બધું સહન કરી શકું છું, પ્રિયંકા. તને બેચેન કે પીડામાં નથી જોઈ શકતો.’’

પ્રિયંકા એને ભેટી પડી, ‘‘આટલો પ્રેમ નહીં કર મને.’’

‘‘એ મારા હાથમાં નથી.’’

‘‘આદિત્ય, હું સાચા હૃદયથી ઇચ્છું છું કે સત્યજીત સુખી થાય. આપણા જેટલી જ સારી જિંદગી જીવી શકે. બસ, એટલું જ.’’ એણે આદિત્યના ગાલ પર હાથ મૂક્યો, ‘‘એ સુખી હોય તો કદાચ ક્યારેય હું એના સુધી પહોંચવાનો પ્રયાસ પણ ના કરું.’’

‘‘જાણું છું અને એટલે જ ઇચ્છું છું કે તું એની સાથે વાત કર.’’ આદિત્યએ પ્રિયંકાને પોતાનાથી સહેજ અળગી કરી, એની આંખોમાં જોયું, ‘‘તેં જે કંઈ કર્યું તે સમય અને સંજોગ અનુસાર કર્યું છે. એ સમયે એની સાથે નહીં જીવી શકવાનો તારો નિર્ણય સાચો હોઈ શકે, એને માટે હજી સુધી જાતને જવાબદાર ઠેરવવાની જરૂર નથી એમ હું માનું છું, પરંતુ એને માટે એના મુશ્કેલ સમયમાં તારી સાથે વાત કરવાથી મોટો બીજો કોઈ સધિયારો નથી ને તારે માટે પણ એના મુશ્કેલ સમયમાં એની બાજુમાં ઊભા રહેવાથી મોટું બીજું કોઈ પ્રાયશ્ચિત નથી.’’

પ્રિયંકા આદિત્યના ગાલ પર એક ચૂમી ભરીને સત્યજીતને ફોન લગાડવા દોડી...

અમોલા પોતાના ઘરમાં પેક થઈ રહેલો સામાન જોતી સત્યજીતને પાઠ ભણાવવાની ગાંઠ વાળતી હતી.

દીકરીને છાતીસરસી ચાંપીને થપકીઓ લગાવતો સત્યજીત એક મા કરતાય વધારે વહાલથી શ્રદ્ધાને ઊંઘાડી રહ્યો હતો, એણે મનોમન નકકી કર્યું હતું, ‘‘મારી દીકરીને હું સાચા અર્થમાં શ્રદ્ધા બનાવીશ. બીજા માટે પણ અને પોતાના માટે પણ એ શ્રદ્ધા પુરવાર થશે.’’

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED