Satya Asatya - 24 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 24

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૪

મેટરનિટી હોમથી ડિસ્ચાર્જ થઈને અમોલા સીધી એની મમ્મી સાથે પિયર ચાલી ગઈ. એને લેવા આવેલાં સત્યજીત અને સોનાલીબહેન સાથે એણે વાત સુધ્ધાં ના કરી. ડ્રાઇવરની જેમ આવેલો સત્યજીત ચૂપચાપ ઊભો રહીને સોનાલીબહેનને કરગરતાં, અમોલાને મનાવતા જોઈ રહ્યો. એનું સમગ્ર અસ્તિત્વ દોડીને એની દીકરી પાસે પહોંચી જવા માગતું હતું. પોતાના અંશને હાથમાં લઈને વહાલ કરવા માટે એ બેબાકળો થઈ ગયો હતો, પરંતુ જાત પર કાબૂ રાખીને એ મેટરનિટી હોમના કોરિડોરમાં ભજવાતું દૃશ્ય સિનેમાના પડદે જોતો હોય એમ તદૃન નિસ્પૃહ થઈને જોતો રહ્યો.

“તું ભૂલ કરે છે બેટા અમોલા...” સમજાવીને થાકેલાં સોનાલીબહેને આખરે હથિયાર નાખી દીધાં.

“ભૂલ તો મેં ત્યારે જ કરી હતી, જ્યારે તમારા દીકરા સાથે લગ્ન કર્યાં. એણે તો મને કહ્યું જ હતું કે એ મને પ્રેમ નથી કરતો, પણ મને લાગતું હતું કે હું ધીમે ધીમે એને મારો બનાવી દઈશ...” અમોલાએ તલવારની ધાર જેવા આરપાર નીકળી જાય એવા અવાજે કહ્યું, “સારું જ થયું પેલી છોકરી આને છોડી ગઈ. આ કોઈનાય પ્રેમને લાયક નથી. કોઈને સુખી કરવાની આવડત જ નથી એનામાં.”

“એમ જ હશે.” આખરે સત્યજીતે મૌન તોડીને ચર્ચામાં પૂર્ણવિરામ મૂકતો હોય એમ કહી નાખ્યું, “મારા પિતાને પણ મારી સામે ઘણી ફરિયાદો હતી. મારી મા પણ સુખી નથી જ. પ્રિયંકા પણ છોડી ગઈ ને હવે તું... મને લાગે છે તમે બધાં સાચાં છો. હું કોઈનેય સુખી કરી શકું એમ નથી.” એણે પીઠ ફેરવીને ચાલવા માંડ્યું, “મોમ, હું બહાર ઊભો છું. તમારી ચર્ચા પતી જાય એટલે બહાર આવી જજે.” ભાંગેલા પડે ડગલાં ભરતા સત્યજીતને જોઈને સોનાલીબહેનને પણ આગળ કશું કહેવું અર્થહીન લાગ્યું.

એમણે આગળ વધીને અમોલાના હાથમાં ઘસઘસાટ ઊંઘી રહેલી નાનકડી બાળકીના માથે હાથ ફેરવ્યો. પછી અમોલાના માથે હાથ મૂકીને કહ્યું, “આમ પણ સુવાવડ પછી દીકરી પિયર જાય તે સારું. આરામ કરજે. બેબીનું ધ્યાન રાખજે અને તારા પોતાના ઘેર પાછા ફરવાનું મન થાય તો કહેજે મને. હું જાતે લેવા આવીશ તને.” એમણે સોનાલીનાં મમ્મી સામે હાથ જોડ્યા, “બોલ્યું-ચાલ્યું માફ કરજો બહેન, અમોલા જેટલી તમારી દીકરી છે એટલી જ અમારી દીકરી છે. મારા મનમાં કોઈ કડવાશ નથી.” ભરાયેલા કંઠે ઉમેર્યું, “બને તો તમે પણ નહીં રાખતા.”

બહાર જઈને ગાડીમાં બેઠેલાં સોનાલીબહેન રડતાં હતાં. ચસોચસ હોઠ ભીડીને સત્યજીત એવી રીતે ગાડી ચલાવતો હતો, જાણે કશું બન્યુ જ ન હોય, પણ ખરેખર તો એના શરીરનું એક અંગ કપાઈ ગયું હોય એટલી વેદના થતી હતી એને.

કોઈ નહોતું જાણતું, પણ ગઈ કાલે પ્રિયંકા સાથે વાત થયા પછી એણે મનોમન નક્કી કર્યું હતું કે એ આ પરિસ્થિતિ બદલવાનો સંનિષ્ઠતાથી પ્રયાસ કરશે. બે દિવસમાં એણે કિડ્‌ઝ રૂમ તૈયાર કરાવ્યો હતો. ગુલાબી દીવાલો, ગુલાબી બેબીક કોટ, રમકડાં, કપડાં... આજે અમોલા ઘેર આવવાની હતી એટલે ઘરે જઈને એણે ફુગ્ગા અને ફૂલો સજાવ્યાં હતાં. વેલકમ હોમનાં કાર્ડ લગાવ્યાં હતાં. આ બધું કરતાં એને ખૂબ કુતૂહલ થતું હતું. આ એનો સ્વભાવ નહોતો. તેમ છતાં જો બાળકનું ભવિષ્ય સુધરી શકતું હોય તો અમોલા સાથે સમાધાન કરવા એ તૈયાર થઈ ગયો હતો.

મેટરનિટી હોમમાં દાખલ થતાં જ અમોલા જે રીતે વર્તી એ પછી એને કશુંય કહેવાની જરૂર ના લાગી. અત્યારે એક શબ્દ બોલ્યા વિના એ ગાડી ઘર તરફ હંકારી રહ્યો હતો ત્યારે પ્રિયંકા સાથે થયેલી વાતચીતનો એક એક શબ્દ રહી રહીને એના મનમાં પડઘાતો હતો.

“તારી દીકરીના કાનમાં સૌથી પહેલું વાક્ય કહેજે કે - હંમેશાં સાચું બોલજે...”

“નહીં કહું.” સત્યજીતનો કંઠ રુંધાયેલો હતો, “તારો અનુભવ જુદો હશે કદાચ, પણ મારો અનુભવ એમ કહે છે પ્રિયંકા કે તમારા સત્યમાં કોઈને રસ નથી.”

“એક અનુભવ પરથી જિંદગીનો નિર્ણય ન કરી શકાય.”

“મારા માટે તો એક જ અનુભવ પૂરતો છે. સાચું બોલવા ગયો તોય મારી સાથે ન્યાય ન થયો. આજે હું મારી દીકરીને જોઈ નથી શકતો.” એણે ખૂબ કડવાશથી ઉમેર્યું, “ખરેખર તો મને દુઃખ ન થવું જોઈએ. ઝંખેલું-માગેલું સંતાન નથી આ. બાજુ બાજુમાં આળોટતાં બે શરીરો વચ્ચે ઉન્માદમાં થઈ ગયેલા બાયોલોજિકલ એક્સિડન્ટથી જન્મેલા આ સંતાન માટે મારો જીવ શું કામ ખેંચાતો હશે ?”

“તું અકસ્માત ગણે તો અકસ્માત, પણ આ સંતાન તારો અંશ છે એને કેવી રીતે નકારીશ ?” પ્રિયંકાએ ખૂબ સમજાવટભર્યા અવાજે કહ્યું, “આ પૃથ્વી પર તારા અંશને આવકાર, એને ઉત્તમ ભવિષ્ય આપવાનો પ્રયત્ન કર. જે વીતી ગયું તે તારા હાથમાં નથી સત્યજીત... પણ આવનારી ક્ષણો, દિવસો અને વર્ષો તો બિલકુલ તારા કાબૂમાં છે.”

સત્યજીત હસવું રોકી શક્યો નહીં, “મારા કાબૂમાં ? તું કહે છે તો એમ હશે. તું ક્યારેય જુઠ્ઠું નથી બોલતી એની મને ખબર છે ને સાચું કહું તો ક્યારેક તું જુઠ્ઠું બોલે તો પણ મારી શ્રદ્ધા તારામાંથી ન ડગે એટલો પ્રેમ કરું છું તને.”

પ્રિયંકા ક્ષણભર માટે ચૂપ થઈ ગઈ. શું કહેવું તે એને સમજાયું નહીં. પછી સ્વસ્થ થઈને એણે ધીમેથી કહ્યું, “અકસ્માતે કે ઇચ્છાથી તારું સંતાન તારી જવાબદારી છે. એને અધિકાર છે તારા પ્રેમનો, તારી કાળજીનો અને સુરક્ષિત ભવિષ્યનો.” એણે દૃઢતાથી કહ્યું, “સાચે જ મને ચાહતો હોય તો જા, લઈ આવ તારા સંતાનને. તારી દીકરીને એટલી ઉત્તમ રીતે ઉછેર કે તારા બધા અભાવો, તારા બધા સંતાપ, તારાં બધાં દુઃખો અને અન્યાયો એના સુખ માટે કુરબાન થઈ જાય.”

બોલતાં બોલતાં પ્રિયંકા રડી પડી. સત્યજીત પણ સાચે જ લાગણીશીલ થઈ ગયો હતો. કોઈ ઔપચારિકતા વિના એણે ફોન કાપી નાખ્યો. પ્રિયંકા થોડી વાર એમ જ ઊભી રહી. પછી બંને હાથે આદિત્યને વીંટળાઈ વળી, “આદિ, સત્યજીતની આ પરિસ્થિતિ માટે હું જવાબદાર છું ?”

“કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે આપણી જાતને જવાબદાર ગણીએ ને તો એ આપણું અભિમાન છે. આપણે કશું જ કરી શકતા નથી. બધું નિશ્ચિત- નિર્ધારિત છે. નિમિત્ત છીએ આપણે. એેેણે બિછાવેલી આવડી મોટી રમતના એક નાનકડાં મહોરાં માત્ર ! બધું ઠીક થઈ જશે. મને ખાતરી છે કે એ એની પત્ની સાથે સમાધાન કરવાનો પ્રયાસ જરૂર કરશે.”

આદિત્યની વાત ખોટી નહોતી. સત્યજીતે પૂરા હૃદયથી પ્રયાસ કર્યો હતો અમોલાને ઘેર લઈ આવવાનો અને પોતાનાં લગ્નને એક નવી દિશા આપવા માટેનો.

ઘરે આવીને એણે સૌથી પહેલો નિર્ણય એ કર્યો કે એ હવે અમોલાને લેવા નહીં જાય. આ એનું ઘર હતું. આવવા માગે તો આનંદથી આવે. પણ દીકરીને હથિયાર બનાવીને જો એ લડવા માગતી હોય તો પોતે એની આ ચાલને સફળ નહીં થવા દે.

એ આખી રાત સત્યજીત નર્સરીરૂમમાં આમથી તેમ ફરતો રહ્યો. દીવાલો પર આંગળીઓ ફેરવતો, રમકડાંને સ્પર્શતો, એના લીસા રુંવામાં પોતાની દીકરીના ગાલની સુંવાળપને શોધવાનો પ્રયત્ન કરતો સત્યજીત વિધિની વિચિત્રતા પર ક્યારેક હસતો તો ક્યારેક રડતો રહ્યો. એ આખી રાત એણે એક મટકું માર્યા વિના પસાર કર્યું. એ પોતે અનુભવી શકતો હતો કે એની અંદર કશુંક ધરમૂળથી બદલાઈ રહ્યું હતું. કોઈ ન સમજાય તેવો ચમત્કારિક રાસાયણિક ફેરફાર થઈ ગયો હતો એની અંદર એક રાતમાં.

દિવસ શરૂ કરતાં પહેલાં એણે જાતને અરીસામાં જોઈ. પેલે પાર દેખાતા પ્રતિબિંબની આંખોમાં આંખો પરોવી અને સામે ઊભેલા સત્યજીતને કહ્યું, “મને લાગે છે હવે તને સમજાઈ ગયું હશે કે તારે શું કરવાનું છે. રડવા, કકળવા, ફરિયાદ કરવાનું આજથી બંધ. તારી દરેક પીડાને ઇંટ બનાવીને તારી આસપાસ એક કિલ્લો ચણી લે આજથી. એવી મજબૂત દીવાલ બનાવ કે એને તોડીને તારા સુધી કોઈ પહોંચી શકે નહીં. હું, આ તરફ ઊભેલો સત્યજીત હવે દુનિયાને મળીશ. જુઠ્ઠી, બેરહમ આ દુનિયા સાથે હું યુદ્ધ કરીશ. તારે કંઈ નથી કરવાનું. તું આજથી મારી અંદર એક એવા ખૂણામાં બંધ થઈ જઈશ જ્યાં તને મારા સિવાય કોઈ જોઈ શકશે નહીં. તારા સુધી કોઈ પહોંચી શકશે નહીં... હવે તને કોઈ તકલીફ નહીં આપે ને મને કોઈ તકલીફની અસર થવાની નથી. ”

એ શૅવ કરીને તૈયાર થઈન ઑફિસ જવા નીકળ્યો ત્યારે સોનાલીબહેન નવાઈથી એની સામે જોઈ રહ્યાં. જાણે કશું જ ના બન્યું હોય એમ એ તદૃન સ્વસ્થ અને સ્વાભાવિક હતો.

ઑફિસમાં પણ એ પૂરેપૂરી સ્વસ્થતાથી, સહેજ પણ વિચલિત થયા વિના કામ કરતો રહ્યો. બપોર પછીના સેકન્ડ હાફમાં એણે પ્રિયંકાની બધી તસવીરો, એનાં પત્રો-કાડ્‌ર્સ, નાનામાં નાની ચબરખી પણ ભેગી કરીને એક બોક્સમાં મૂકી દીધી. લાકડાના એ બોક્સને તાળું મારીને એણે એના કબાટોમાં છેક છેલ્લા ખૂણે એટલું ઊંડે દાટી દીધું કે જ્યાંથી શોધવું હોય તો થોડાં વર્ષો પછી કદાચ સત્યજીતને પોતાને પણ ન જડે.

સાંજે ઘરે જતાં એણે અમોલાને ફોન લગાડ્યો, “મારી દીકરીનું નામ શ્રદ્ધા છે.”

“કોણે નક્કી કર્યું ?” અમોલાના અવાજમાં તોછડાઈ હતી.

“દીકરી મારી છે એટલે મેં નકકી કર્યું.” એક ક્ષણ રોકાઈને એણે કહી દીધું, “એનું નામ શ્રદ્ધા સત્યજીત પારેખ છે. કોઈ પણ પ્રકારની માથાકુટ કે ચર્ચા કરવામાં મને રસ નથી. તારે જેમ જીવવું હોય એમ જીવવાની તને છૂટ છે. જે કરવું હોય તે કરવાની છૂટ છે, પણ મારી દીકરી મારી ઇચ્છા-મરજીથી ઉછરશે.”

“એટલી બધી દાદાગીરી હોય તો લઈ જા. ઉછેરી બતાવ.” અમોલાનું આ વાક્ય પૂરું થાય એ પહેલાં એની આંખો પહોળી થઈ ગઈ. સત્યજીત એની નજર સામે ઊભો હતો. પારણામાં સૂતેલી દીકરીને એણે ફૂલની નજાકતથી ઊંચકી લીધી. અમોલા આગળ વધવા ગઈ, પણ સત્યજીતે આંગળી ઊંચી કરીને એને ત્યાં જ અટકવાની ચેતવણી આપી. સત્યજીતની આંખોમાં આજે એક એવો વિચિત્ર ભાવ હતો કે અમોલાની એક ડગલું પણ આગળ વધવાની હિંમત ન થઈ.

અમોલાનાં મમ્મી બૂમો પાડતાં ધસી આવ્યાં, પણ સત્યજીતનો બદલાયેલો ચહેરો જોઈને બારણાંમાં જ અટકી ગયાં.

દીકરીને હાથમાં લઈને સત્યજીત આત્મવિશ્વાસથી પગલાં ભરતો બારણાની વચ્ચોવચ ઊભેલાં અમોલાનાં મમ્મીને એક હાથે ખસેડીને ઘરની બહાર નીકળી ગયો. અવાચક થઈ ગયેલાં મા-દીકરી એને જતો જોઈ રહ્યા. એક જ ક્ષણમાં સત્યજીત પાછો ફર્યો. એણે દૂર ઊભા રહીને અમોલાને સ્પષ્ટ કહી દીધું, “પોલીસ, કોર્ટ એવા કોઈ લફરામાં નહીં પડતી. મારી દીકરી માટે હું તને મારી નાખતા પણ અચકાઈશ નહીં. હા, તારે ઘરે આવવું હોય તો દરવાજા ખુલ્લા છે, પણ હું મારી દીકરીથી જુદો નહીં રહું. દુનિયાની કોઈ તાકાત મને મારા અંશથી જુદો નહીં પાડી શકે.”

સાથે લઈ આવેલા બેબી કૅરિયરમાં બાળકને મૂકીને એણે આગળની સીટ પર ખૂબ જ નજાકતથી ગોઠવ્યું. સીટબેલ્ટ બાંધ્યો. એ ગાડી હંકારીને કંપાઉન્ડની બહાર નીકળી ગયો ત્યાં સુધી અમોલા કે એની મમ્મી પથ્થરના બન્યાં હોય એમ સાવ થીજીને ઊભાં રહી ગયાં.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED