સમી સાંજ...દરિયા કિનારે Ujas Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમી સાંજ...દરિયા કિનારે


"સમી સાંજ... દરિયા કિનારે.."

આજે ફરી સૌનક દરિયા કિનારે એ જ જૂની જગ્યા પર આવી બેઠો,સામે અફાટ મહાસાગર એ જ ઊછળતા મોજાઓ દોડી દોડી તેના તરફ આવે છે ને પગ ને ભીનાં કરી એક આહલાદક આનંદ આપે છે.ફરક માત્ર એટલો છે આજે આ આનંદ લેવા એ એકલો જ છે.

સૌનક વિચારવા લાગ્યો કેવો એ સમય હતો જ્યારે સૌનક અને તેના ત્રણ ખાસ લાગોટિયાઓ નિખિલ,હાર્દ, ઇમરાન સાથે આજ દરિયાના કિનારે અનેક રમતો નાગોલ,ગિલ્લી ડંડા, બેટ દડે, ફૂટબોલ,છુટપીટ,કબડ્ડી વિગેરે અનેક રમતો રમતાં, કિનારે બિછાયેલી રેતીના લીધે ક્યારેય પડવા વાગવાની પણ બીક ન રહેતી..બિન્દાસ કુદા કુદી કરી રેતીના પટને 'માં' ના ખોળા ને જેમ એક નાનું બાળક ખૂંદે તેમ ખૂંદાતા અને કુસ્તી ની રમતમાં તો ઓર મજા પડતી.રોજ સાંજે 5 વાગ્યા નથી ને ચંદાલ ચોકડી કિનારે પહોંચ્યા નથી.સમય વીતતો ગયો ચારેય મિત્રો હવે એમના ભણતર પર ફોકસ થવા લાગ્યાં

**********

દરિયાના મોજાઓ જેમ કિનારે પહોંચવા એક બીજા સાથે હરીફાઇ કરે અને પછી અંતે કિનારે રેતીમાં ઓઝલ થઈ જાય તેમ મિત્રો સાથે ની એ યાદગાર ગમ્મત ,જુદી જુદી યાદો સમયના ગર્તમાં ખોવાઈ ગઈ.

સમયના વહેતા પ્રવાહ સાથે સૌનક પણ વહેતો ગયો એમના એ જ ખાસ લંગોટિયા મિત્રો સાથેની  એ જ નિર્દોષ મિત્રતા હવે હરીફાઈ નું સ્વરૂપ લઈ લે છે. ચારેય મિત્રો એમના ભણતર પર એવા ફોકસ થયા કે પહેલા ભણતર ની હરીફાઈ શરૂ થઈ ગઈ ચારેય મિત્રો માં સૌથી વધુ હોશિયાર નિખિલ હતો ઇમરાન અને હાર્દ લગભગ સરખા હતાં પણ ગમે તેમ ગોખણ પટ્ટી કરી સન્માનીય માર્ક્સ મેળવી લેતા જ્યારે સૌનક તો માંડ માંડ આજુબાજુ વાળની મહેરબાની એ પાસ થતો પણ તેને બહુ ચિંતા ન હતી તેના બીજા મિત્રોના પપ્પાઓ નોકરિયાત હતા જ્યારે સૌનકના પિતાજીની શહેરમાં કરિયાણાની પ્રખ્યાત દુકાન હતી એટલે તેનું ત્યાં બેસવાનું જ નક્કી હતું બસ થોડી ગણતરી કરતાં શીખી જાય. ચારેય નું ભણવાનું પૂરું થયું અને સાંજે ફરી એજ દરિયા કિનારે ભેગા મળ્યાં, નિખિલ એ ચારેય ને,"યારો મારા વીઝા થઈ ગયા છે હું નેક્સ્ટ વિક યુ.એસ. જાવ છું," હાર્દ નિખિલ ની વાત સાંભળી "આ તો ખૂબ સરસ વાત કહેવાય, હું પણ મુંબઇ જાવ છું ત્યાં મારા અંકલની કંપની માં તેની સાથે જ કામ કરીશ., સૌનક બંને ની વાત સાંભળી "ઇમરાન તું તો અહીં જ છે ને ?" ઇમરાન સૌનક ને જવાબ આપતાં "હા યાર હજુ તો અહિંજ છું પણ મેં એક કંપની માં ઈન્ટરવ્યુ આપ્યું છે જો સિલેક્ટ થઈશ તો હું પણ ગુરગાઉં જઈશ. પણ યારો એ પહેલાં આવતાં વિક મારા નિકાહ છે તો બધાએ આવવાનું છે." સૌનક બધા ની વાતો સાંભળી થોડો ઉદાસ થયો ત્યાં વાત ને ભૂલવા નિખિલ એ દરિયાના પાણીની છાલક ઉડાડી અને ફરી ધીંગા મસ્તીમાં લાગી જાય છે.સૌનક તો એમની વારસાઈ કરિયાણાનો ધંધો સાંભળવાનો હતો. મસ્તી કરતાં નિખિલ એ કોમેન્ટ કરી," ભલે આપણે બધા અલગ થઈ પણ આપણે બધા એકજ છીએ, અને હા આ બધી હરીફાઈ કરતાં પેલી કિન્નરીને પટાવવા માં તો સૌનક એ જ બાજી મારી હોં!!!!" સૌનક આ કોમેન્ટ સાંભળતા જ તેની સાથે કુસ્તી દાવ કરતાં "હવે એ તમારી ભાભી બનવાની છે હો." 

આમ, હરિફાઈઓના લીધે થતી ચર્ચાઓ, ઝગડાઓ,દલીલ બાઝીઓ તો આજ દરિયા કિનારે થતી આજ ઉછળતા દરિયાના મોજાં ઓ સામે જ થતાં, ફરક માત્ર એ જ પડ્યો એ સમયે રમત, તોફાન,અને ધીંગા મસ્તી હતી આજે એ જગ્યા એ દરિયાની સામે જ સમૂહમાં બેસી એક બીજાની અંગત વાતો, ટીખળ, ચર્ચાઓ, હતી એની સાક્ષી પણ આ કિનારો અને દરિયાના મોજાં હતાં
***********
સૌનકના પગને ફરી એક મોજું અડે છે અને પગથી માથા સુધી ઠંડક નો અહેસાસ થાય છે. પાણીના એક મોજાની બરોબર ઉપર જેમ બીજું મોજું એકદમ જોશ અને અનેરી તાકાત સાથે આવે છે બરોબર તેમ જ બધા મીત્રો ની જિંદગીમાં પણ હરિફાઈઓ ઉપર હવે છોકરી અને નોકરી નું મોજું જોશ ,નવા ઉમંગ અને તાકાત થી જિંદગીમાં પ્રવેશે છે.હવે મિત્રો ની ચર્ચાઓ નથી દલીલ બાજી નથી બસ પ્રેમાલાપ છે.બધા મિત્રો પોત પોતાની પ્રેયસી સાથે લવ બર્ડ બની વિહરતા હતાં અને ભવિશ્યના આયોજનો કરતાં હતાં.

ઇમરાન ના નિકાહ સલમા સાથે થઈ જાય છે અને ઇન્ટરવ્યૂ માં પાસ થતા એ એમની બેગમ સલમા સાથે ગુડગાઉં જતો રહે છે. નિખિલ યુ. એસ.માં ગૌરી મેમના ચક્કરમાં પડે છે અને ત્યાંજ સેટ થઈ જાય છે માત્ર વારે તહેવારે એમના ફોન આવતાં રહેતાં, હાર્દ મુંબઇ એમના અંકલ ની કંપની માં પાર્ટનર બની જાય છે અને પછી હાઈ પ્રોફાઈ લાઈફમાં જતો રહે છે. સૌનક કોલેજ લાઈફ દરમિયાન પ્રેમમાં પડેલ કિન્નરી સાથે પ્રભુતામાં પગલાં પાડે છે અને લગભગ અઠવાડિયે દરિયા કિનારે ભીની રેતીમાં એક બીજાના હાથમાં હાથ નાખી જૂની યાદો વાગોળતાં,જોત જોતાં માં તેમને ત્યાં બે દીકરા અને એક દીકરી જન્મે છે.ઇમરાન ને એક દીકરો , હાર્દ ને બે દીકરી અને નિખિલ કોઈના કોન્ટેક્ટ માં ન રહેતા તેની માહિતી કોઈને મળતી નથી.
**********
સમયના આ પડાવ બાદ જવાબદારી ઓનું મોજું આવ્યું,કુટુંબ પરિવહન, બાળકોના ભરણ પોષણ,ભણતર, માંદગી,જીવનમુડી ભેગી કરવામાં,જેમ દરિયામાં થી ઓચિંતા ખુબજ તાકાતવર મોજું આવે અને એની અસીમ તાકાતથી ન ધારેલ હદ પાર કરી  ભીંજવી નાખે તેમજ જવાબદારીઓનું મોજું એટલું પ્રબળ હતું કે જિંદગીનો મોટા ભાગ નો સમય ભીંજવી નાખ્યો.

સૌનકની કરિયાણાની દુકાન હવે તેનો નાનો દીકરો સાંભળતો હતો,મોટો દીકરો હીરા ઉદ્યોગ માં આગળ વધ્યો હતો .દીકરી પણ પરણી સાસરે સુખી હતી.પણ આ બધું જોવા તેની પ્રેમિકા કે જેને મિત્રો સાથે ની હરીફાઈ માં જ પામી હતી એ કિન્નરી ન હતી. જ્યારે તેના મિત્રો પૈકી નિખિલ સાથે ના સંબંધો ગૌરી મેમ સાથેના લગ્ન બાદ જ છૂટી ગયા હતાં. હાર્દિક તેની કંપની ને વધુ ને વધુ આગળ લઇ જવામાં ખુબજ તણાવમાં રહેતો જેથી હાઇ બ્લડપ્રેશર નો રોગી થઈ ગયો અને એક મહિના પહેલાં જ બ્રેઇન સ્ટ્રોકમાં અનંતની ગતિ એ જતો રહ્યો. જયારે ઇમરાન તો પાંચ વર્ષ પહેલાં જ કેન્સરની ભયાનક બીમારી નો ભોગ બની જન્નનત ને પામી ગયેલ.
********
અસંખ્ય મોજાઓ બાદ જેમ કોઈક સાગરનું મોજું તદ્દન અશક્ત,ક્ષીણ, અસીમ તાકાત ગુમાવી ચુકેલું, કે જે નિર્ધારિત હદ સુધી પણ ન પહોંચી શકતું હોવા છતાં ખેંચતા ખેંચતા કિનારે પહોંચતા સુધીમાં સાગરમાં જ વિલીન થઈ જાય.તેમ આજે આ સાગરની સામે સૌનક વૃદ્ધત્વ ના લીધે અશક્ત, ક્ષીણ શરીર સાથે જીંદગી ના અફાટ મહાસાગરમાં સતત સમય સાથે સાગરના મોજારૂપી હિલ્લોળા લેતો મિત્રો અને પ્રેયસી ને જીવન ના સાગરમાં પાછળ છોડી જીવન ની સમી સાંજે પહોંચેલ છે.

આજે આ સમિસાંજે સૌનક જીવનના દરેક પ્રસંગોને યાદ કરતાં બાળપણના એ શ્રેષ્ઠ કાળ ને વાગોળતાં ..... કોઈ મારુ-તારું નહીં,કોઈ  હરીફાઈ નહી,અન્ય કોઈનાં માટે જીવવાનું નહીં બસ નિખાલસ આનંદ ,મસ્તી, નિજાનંદ સાથે દરીયા ના કિનારે ફરી મિત્રો સાથે જીવવા ઈચ્છે છે.

"આ ઢળતી સાંજ ને રોકી શકે તો રોક..
ચળકતા તારલા ને જોખી શકે તો જોખ...
તડકે ખૂબ તપાવી છે મેં આ આંખો ને..
ફરી ભીનાશ ન વળગે ટોકી શકે તો ટોક..."
(રાકેશ શુક્લા)

દરેક મનુષ્ય તેની સમી સાંજે ક્યાંકને ક્યાંક સૌનકની જેમજ વિચારતો હોય છે....