પૂર્ણ પ્રેમ Ujas Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂર્ણ પ્રેમ



સાથ નહીં સંગાથ આપ 
વિચારીને નહીં
એમ જ આપ... 

હું માંગીશ નહીં 
તું સમજીને આપ

જોખીને નહીં 
બેહિસાબ આપ

કોઈ સ્વાર્થથી નહીં 
પૂર્ણ પ્રેમથી આપ

દિવસો, મહિના, વરસો નહીં 
જીવનભર આપ

નિયમો સૌ કોરે રાખ
બંડખોર બનીને આપ

નામની નથી પરવા કોઇ 
સ્નેહના સંબંધે આપ
આંખોની ભાષા સમજીને
હ્રદયના ધબકારે આપ

પૂર્ણતાની નથી મંછા 
થોડું થોડું સઘળું આપ

શું જોઈએ છે પુછીશ નહીં મને
મને તારો વિશ્વાસ જ જોઈએઆપી શકે તો એજ આપ.... (રાકેશ શુક્લા)

" અરે  .. જાનું આમ તું મારી સાથે અબોલા ન કર.. તારું મૌન મારો જીવ લઈ રહયો છે!"

"તું એ જ લાગનો છે.. કાલે પેલી ચિબલી સાથે તે વાત જ શા માટે કરી? આજે એક દિવસ હું તારી સાથે નહીં જ બોલું.."

"જાનું... મને માફ કર પ્લીઝ.. નેક્સટ ટાઈમ હું ધ્યાન રાખીશ.."

શહેરના બગીચામાં સવારે  ચાલવા આવેલ રાકેશના કાને કુંજલ અને સૌમિલ વચ્ચે ચાલી રહેલો સંવાદ અથડાયો અને સહજ એનાથી હસી જવાયું.  રાકેશનું હાસ્ય સૌમિલથી સહન ન થયું.  અને તે રાકેશ તરફ ધસ્યો..," શું અંકલ અમારી વાત માં મજા લો છો! ક્યારેય પ્રેમ કર્યો હોય તો ખબર પડે. આ છોકરીઓના નખરાં, એની માંગણીઓ કેવી હોય છે તમને ખબર છે? સાલું આ પ્રેમ કરીને પણ કેટલું ટેંશન પાળું છું."

થોડી દૂર બેઠેલી કુંજલ ઉભી થઇ આવી,"એટલે... હવે હું તારા માટે ટેંશન છું! હું નખરાં કરું છું? હું તારી પાસે માંગણીઓ મુકું છું એ તને ભારી પડે છે! તો પછી આ જાનું... જાનું... કરી આખો દિવસ મારી આગળ પાછળ શા માટે ફરે છે! આખો દિવસ સાથે હોવા છતાં રાત્રે તારા વિના ઊંઘ નથી આવતી, ગીત ગાય ને સંભળાવ એવા મેસેજ ,ફોન કોલ્સ બધું નાટક જ છે? જા આજથી તારું અને મારું બ્રેક અપ." કુંજલ આટલું બોલી છણકો કરી ચાલી ગઈ. 

સૌમિલ રાકેશ તરફ ફરીને," શુ અંકલ તમે તો મારું પાંચમી વાર બ્રેકઅપ કરાવ્યું!" આટલું કહી ને જાનું.... જાનું... બુમો નાંખતો કુંજલ પાછળ દોડતો જાય છે.

કુંજલ અને સૌમિલ કોલેજમાં ભણતાં પ્રેમી પંખીડા હતા, રોજ સવારે એ બને બગીચામાં ભેગા મળી પ્રેમાલાપ કરે.  રાકેશ 35 વર્ષનો પરિણિત યુવાન શહેરની માધ્યમિક શાળામાં આચાર્ય હતો. એમને એમ.એસ.સી. બી.એડ કરેલું ત્યાર બાદ આચાર્યની પરીક્ષા પાસ કરેલી. અને શહેરની સરકારી માધ્યમિક શાળામાં આચાર્યનું પદ શોભવ્યું હતું. રાકેશને નાની ઉંમરમાં જ સફળતાઓ મેળવેલી હતી. એ રોજ સવારે બગીચામાં ચાલવા જતો અને ત્યાં આ પ્રેમી પંખીડા ને જોઈ એમના દિવસો યાદ કરતો. આજે સવારે કુંજલ અને સૌમિલ સાથે અનાયાસે જ બનાવ બનેલો. આ બનાવને અંતે રાકેશ મનોમન એક જ વાત વિચારતો રહ્યો. " હું તો માત્ર હસ્યો જ હતો એમાં 'હું' બ્રેકઅપ નું કારણ શા માટે ? અને 'હું' એટલો પણ મોટો નથી કે 21 વર્ષના છોકરાઓ મને અંકલ કહે!!" 

બીજે દિવસે સવારે ફરી પ્રેમી પંખીડા એક બીજામાં ઓતપ્રોત થઈ બેઠાં હતાં. રાકેશ ને નવાઈ લાગી અને મનોમન,"હજુ કાલે તો બ્રેક અપ થયેલું! આ આજની યુવા પેઢીએ પ્રેમ શબ્દ ને મજાક બનાવી દીધો છે".

રાકેશ બંને ની પાસે જાય છે અને, "તો આજે ફરી પેચ અપ થઈ ગયું?"

કુંજલ હળવું સ્મિત આપે છે અને સૌમિલ એક આંખ મિચાવી અંગુઠો બતાવી તેમનો મુક પણ હકારમાં જવાબ આપે છે. પછી રાકેશને મનમાં એક પ્રશ્ન ખૂંચતો હતો એ પૂછી નાખે છે, "બાય ધ વે!! હું તમને ક્યાં એંગલથી અંકલ જેવો દેખાવ છું?" સૌમિલ હાથ જોડવાનો અભિનય કરી,"સર! આઈ એમ સોરી.. બધાને અંકલ કહી સંબોધવાની મને આદત છે. હું મારા મીત્રોને પણ વાત વાતમાં અંકલ કહું છું." આ વાત સાંભળી ત્રણેય હસી પડે છે.

રાકેશ પાછો ફરતો હોય છે. ત્યાં પાછળ થી કુંજલ  રાકેશ ને , "સર..એક મિનિટ ... મારે પણ તમને એક પ્રશ્ન કરવો છે. તમને કાલે અમારી વર્તણુંક માં એવું શું લાગ્યું કે હસવું આવી ગયું?"

રાકેશ કુંજલના પ્રશ્નનો જવાબ આપતા, "ખોટું ન લગાડશો પણ તમે લોકોએ પ્રેમ શબ્દને મજાક બનાવી દીધો છે. ક્યારેક કૃષ્ણ ચરિત્ર વાંચો, રોમિયો જુલિયત વાંચો, પ્રેમ ઉપર ઘણા સાહિત્યો લખાયાં છે. ક્યારેક પ્રેમ શું છે એ તો સમજો! પ્રેમ કોઈ દિવસ કરવાનો ન હોય એ તો સહજ થાય. પ્રેમ માત્ર વિજાતીય જાતિ સાથે હોય તેવું પણ જરૂરી નથી.  સૌમિલ એ વાત કરી 'મારૂં પાંચમી વખત બ્રેકઅપ થયું'. એટલે શું સમજવાનું!! પ્રેમમાં બ્રેકઅપ- પેચઅપ થોડું હોય. જો કૃષ્ણજી અને રાધાજી ઈશ્વરીય અવતાર  થઈને પણ એક બીજાને પામી નહતાં શક્યાં, પણ એમનો પ્રેમ આજે એક પ્રતીક છે. તમે લોકોતો ફિલ્મી ટાઈપ પ્રેમની વાતો કરો છો. નાના છોકરા કે છોકરીઓ ને જ્યારે કોઈ ઢીંગલી કે રમકડાં તરફ લગાવ થઈ જાય ત્યારે એ સૂતાં, બેઠાં, ઊઠતાં દરેક વખતે એ સાથે રાખે,એના વિના એ રડવા લાગે. એ જ રીતે એ નિર્જીવ રમકડા ની જગ્યા એક વિજાતિય જીવ એ લીધી અને તેના વિના ન ચાલે એવું વારંવાર મનને તમે જ સમજાવેલું હોય છે. પ્રેમતો એક અલભ્ય અનુભુતી છે. જેને પ્રેમ થયો છે એ વ્યક્તિ નજીક હોય કે ન હોય તેની હાજરી હંમેશ અનુભવાતી હોય, હદયના તાંતણાઓ મળી ગયાં હોય. પ્રેમમાં પામવા કરતાં આપવું વધુ ગમે. પ્રેમમાં તો બોલ્યાં વિના સમજી જવાનો ભાવ હોય. પ્રેમમાં ક્યારેય ફરિયાદ ન હોય માત્ર સમર્પણ ભાવ જ હોય. પ્રેમમાં રિસમણા કે મનામણાં ક્યારેય ન હોય. પ્રેમ તો સતી સાવિત્રીનો પણ હતો કે જે તેના પતિને યમરાજ પાસેથી પાછો લઈ આવે છે". પ્રેમ વિશે વાતો કરતાં રાકેશની આંખોમાં અશ્રુબિંદુ આવી જાય છે.

સૌમિલ અને કુંજલને એક ધારા વાતો સાંભળતાં અને એકીટશે જોતાં રાકેશની ભીનીઆંખો જોવે છે. કુંજલ સહજતાથી રાકેશને, "સર.. તમને પણ પ્રેમ થયો હતો.શું તેની યાદ આવી?"

રાકેશ તેનું માથું હકાર માં ધુણાવે છે અને જગ્યાએથી ઉભો થાય છે, " ચાલો કાલે મળીશું મને મોડું થાય છે" કહી બગીચા માંથી જતો રહે છે.

રાકેશના ગયા બાદ સૌમિલ અને કુંજલ ને રાકેશનું વોલેટ પડેલું મળે છે. સૌમિલ વોલેટ ઉપાડી ખોલે છે. વોલેટમાં એક રૂપાળી, જોઈને કવિઓની કવિતા બની જાય, ચિત્રકારનું એક અલભ્ય તૈલી ચિત્ર બની જાય, સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખી પાડે એવી એક સ્ત્રીનો ફોટો જોવે છે. એ ફોટો કુંજલને બતાવે છે," જાનું... આ ફોટો તો જો..વોહટ એ પ્રિટી વુમન, કદાચ સરના વાઈફ હશે. આમાં સરનું વિઝીટિંગ કાર્ડ છે તેના પર એડ્રેશ પણ છે ચાલ આપણે સરને વોલેટ દેતાં આવીએ". કુંજલ સૌમિલને સંમતિ આપે છે. 

બંને જણ રાકેશના ઘરે પહોંચે છે. ઘરના દરવાજા પર તકતી પર કોતરણી વાળા અક્ષરોમાં મિ. રાકેશ શુક્લા અને મિસિસ. અમિ શુક્લા એમ.એસ.સી. બી.એડ. લખેલું હોય છે. કુંજલ ડોર બેલ વગાડે છે. થોડીવાર પછી રાકેશ ટ્રેકિંગ સૂટમાં જ દરવાજો ખોલે છે. સામે સૌમિલ અને કુંજલને જોઈ થોડો અચંબિત થાય છે પણ સૌમિલના હાથમાં પોતાનું વોલેટ જોઈ બંને ને આવકારે છે.

ઘરમાં પ્રવેશતાં જ સુવ્યવસ્થિત ગોઠવાયેલ ઘર જોઈ કુંજલ ખુશ થાય છે. ઘરની દીવાલ પર રાકેશ, અમિ અને તેના એકના એક દીકરા રુદ્ર ના ફોટાઓ લગાવેલા હોય છે.  દીવાનખંડમાં રાકેશ બેસવાનું કહી રસોડા તરફ જાય અને થોડી વારમાં એક ટ્રે માં ત્રણ કપ ચા લઈ આવે છે.

રાકેશને ચા લઈને આવતાં જોઈ કુંજલ ઉભી થઇ સામે લેવા જાય છે, "સર.. લાવો હું લઈ લઉ." ચાની ટ્રે લઈ એ દીવાનખંડમાં આવેલ ટીપોય પર રાખે છે અને ત્રણેય સાથે બેસી ચા પીવાનું શરૂ કરે છે.  સૌમિલ કુંજલ ને ચા પીતાં..અમિ વિશે પૂછવાનો ઈશારો કરે છે. કુંજલ સૌમિલ ના ઈશારા સમજી રાકેશને, "સર... મેડમ... નથી દેખાતાં?" રાકેશ કુંજલ તરફ  સ્મિત કરી, "એ હજુ સૂતી છે." હજુ વાકય પૂરું થયું ન થયું ત્યાં બેડરૂમ માંથી એક સુરીલા અવાજે ," રાકેશ... હું ઉઠી છું." રાકેશ તુરંત જ ઉતાવળી ચાલે બેડરૂમ તરફ જાય. 

થોડો સમય વીતી જાય છે પણ રાકેશ રૂમની બહાર નથી આવતો. કુંજલની ઉત્સુકતા વધી હોય છે એ ચોર પગલે બેડરૂમમાં શુ બની રહ્યું છે એ જોવા જાય છે. રૂમમાં બનતી પ્રક્રિયા ઓ જોઈ કુંજલ અવાચક થઈ જાય છે. લગભગ પાંચેક મિનિટ બાદ કુંજલ દોડી સૌમિલ પાસે આવી સોફા પર બેસે છે. કુંજલનો ચહેરો ક્ષોભિત હોય છે કદાચ બેડરૂમમાં ચોરીથી જોતા એ પકડાઈ ગઇ હશે.

રાકેશ બેડરૂમની બહાર આવે છે અને સૌમિલ-કુંજલ પાસે બેસે છે. બંનેના ચહેરા પર આશ્ચર્યનો ભાવ દૂર કરવા રાકેશ પોતાની વાત કહે છે," અમિ હલન ચલન કરી નથી શકતી હું તેનું રૂટિન કાર્ય કરાવવા ગયો હતો.  અમિ અને હું તમારી જેમ જ કોલેજ કાળથી ,પહેલાં મિત્રો અને પછી પ્રેમીઓ છીએ. અમે અમારા વડીલોની સંમતિ સાથે એકબીજા ના જીવનસાથી બન્યાં, લગ્નજીવન ના બે વર્ષ, જ્યારે પ્રેમીઓ તરીકે આઠ વર્ષ અમે એકબીજાને સમર્પિત જીવન નો અનેરો આંનદ ઉઠાવ્યો. જેમ બે પૈડાં એક ધરી સાથે જોડાઈ એક સાથે રસ્તા પર દોડે તેમ અમે લગ્નરૂપી ધરીથી જોડાઈ જીવનપથ પર દોડતાં હતાં.

પ્રથમ ખુશીના પડાવ સ્વરૂપે અમિ અને મારા જીવનમાં રુદ્રનો પ્રવેશ થાય છે. અમે બંને ખુબજ ખુશ હતા, પણ ઈશ્વર ને અમારી પરીક્ષા લેવાનું સૂઝયું હશે તે અમિ સખત તાવમાં પટકાઈ. તાવ તેના મગજ પર ચડી ગયો અને તેના જ્ઞાનતંતુને શિથિલ કરી નાખ્યા. અમિ બેભાન અવસ્થામાં જતી રહી. અમિ ને છ મહિના બેભાન અવસ્થામાં જ દવાખાને રાખી અને ત્યારબાદ દાક્તર એ કહી દીધું હવે ઘરે લઇ જાવ અને શ્વાસ ચાલે ત્યાં સુધી સેવા કરો. 

હું અમિને મારી સાથે ઘરે લાવ્યો, મને મારા પ્રેમ માં વિશ્વાસ હતો. મારાથી બનતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ ઘર બેઠા કરાવી ઈન્ટરનેટ પર વિદેશના જુદા જુદા ડોક્ટર સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચાઓ કરી આજે સાડા ત્રણ વર્ષ બાદ સજાગ થઈ છે. એનું શરીરની ચેતાઓ હજી મગજના જ્ઞાન તંતુ સાથે જોડાયા નથી જેથી પોતાની જાતે કશું જ કરી શકતી નથી. અમારા પ્રેમની શક્તિ એ અમિને સજાગ કરી દીધી અને એક દિવસ પહેલાં જેવી જ દોડતી કરી દઈશ."

આખી વાત પૂરી કરે છે ત્યાં જ રુદ્ર ઊઠીને આંખો ચોળતો "ડેડી દુધુ આપો" કરતો બહાર આવે છે.  કુંજલ અને સૌમિલ રડેલી આંખો સાથે રાકેશને આવજો કરી ઘરની બહાર નીકળી જાય છે. રાકેશ રૂદ્ર ને વ્હાલ કરતાં તેડી ને રસોડા તરફ એક માં તરીકે નો રોલ અદા કરવા જાય છે.

(સત્ય બનાવ પરથી પ્રેરિત)