અમર પ્રેમ. Ujas Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ.


"અમર પ્રેમ"

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ!!
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ..

"જો પેલો ગાંડો જોયો ?"

"એવું ન કહેવાય.. ગમે તેમ તો એ પ્રેમ ના લીધે એમની આવી હાલત થઈ છે."

"તને કેમ ખબર..?"

"જ્યારે કોઈ વ્યક્તિ બગીચામાં મસ્ત તૈયાર થઈ હાથોમાં ગુલાબના ફૂલ સાથે બેઠો હોય અને એકાંત પકડી બોલ બોલ કરતો હોય તો પ્રેમમાં જ પાગલ થયો હોય"

"વાહ! કહેવું પડે! શું તારું અવલોકન છે."

ઋષિના આવા શબ્દોથી નંદીની હસી પડે છે. નંદીની ઋષિને, "ચાલ એ વ્યક્તિના પ્રેમની વાતો છોડ અને થોડો ગંભીર થા, શું તે આપણી વાત ઘરે કરી?" નંદીનીના પ્રશ્નથી બંને વચ્ચે થોડી શાંતિ જળવાઈ જાય છે. નંદીની ઋષિના મૌનથી અકળાઈ છે, "ઋષિ આપણે ક્યાં સુધી આમ છુપાઇને મળ્યા કરીશું? આવા સંબંધોમાં અંતે તો છોકરીને જ ભોગવવાનું આવે છે.સામે બેઠેલા પ્રેમમાં પાગલ જેવી હાલત મારી ન થાય તેનું ધ્યાન રાખજે."

ઋષિ નંદીનીના મો પર હાથ દઈને,"અરે.. આવું ન બોલ હું ઘરે વાત કરીશ તું ચિંતા ન કરીશ, ચોક્કસ સમય આવે એની રાહ જોઉં છું.તું મારા પર વિશ્વાસ રાખ." નંદીની વ્યાકુળતાં વશ કહે છે," ચાલ આપણે ઘર છોડી દૂર જઈ નવી શરૂઆત કરીએ."

ઋષિ અને નંદીનીની વાતચીત દરમિયાન પેલો પાગલ ત્યાં આવે છે બંનેની સામે જોવે છે બન્નેના માથાં પર પ્રેમાળ વાત્સલ્યમય હાથ મૂકી,"દીકરાઓ... પ્રેમ એ મનુષ્ય જીવનની અદભુત અનુભૂતિ છે પણ પ્રેમમાં ચકચૂર બની, સ્વાર્થી બની કોઈના દિલને દુભાવશો નહીં." આટલું બોલી પાગલ લાગતો માણસ બગીચા બહાર જતો રહે છે.

ઋષિ અને નંદીનીને એમની વાત પરથી પાગલ લાગતો નથી તેઓ એ માણસ વિશે વધુ માહિતી મેળવવાની ઝંખના થાય છે એ બંને પાગલ લાગતાં માણસની પાછળ જાય છે.

એ માણસ સતત કોઇ સાથે વાતો કરતો જણાય છે,રસ્તામાં પણ એકલો બોલતો બોલતો જતો હોય છે. એ માણસનું ઘર આવે છે, ઘરની અંદર પણ કંઈક બોલતો જાય છે.ઋષી અને નંદીની ઘરની બારી પાસે જઇ ચોરી છુપીથી એ માણસની વર્તણુક જોવા પ્રેરાય છે.

માણસ પોતાના ઘરની અંદર પણ બોલતો જ જોવા મળે છે. થોડીવાર બાદ અવાજ આવતો બંધ થાય છે. ઋષી બારીમાં ખેંચાયને એ પાગલ માણસને એના ઘરમાં જ ગોતવા મથે છે. અચાનક પાછળથી અવાજ આવે છે, "કોનું કામ છે?અહીં કેમ ઉભા છો?" ઋષી અને નંદીનીને ચોરી છુપે બારીમાંથી ડોકવા બદલ ક્ષોભ અનુભવાય છે. પેલો માણસ બંન્નેને ઘરમાં આવવા કહે છે.નંદીની અને ઋષી ગભરાઈ છે આ પાગલ માણસ ક્યાંક કોઇક નુકશાન પહોંચાડશે તેવી ભીતિ સાથે તેઓ ત્યાંથી છટકવા પ્રયત્ન કરે છે. પણ, પેલા માણસના ખુબજ આગ્રહ પાસે બંન્ને હારી ઘરમાં પ્રવેશે છે.

ઘરમાં પ્રવેશતાંની સાથે જ નંદીની હિંમત કરી કહે છે, "તમે એકલાં શા માટે બોલ-બોલ કરો છો? એ માણસ બંન્નેને બેસાડી કહે છે, "મારુ નામ પ્રો.અનુજ શ્રીવાસ્તવ છે,હું કોલેજમાં મનોવિજ્ઞાન અને ઇતિહાસ ભણાવું છું અને આ સામે ફોટામાં મારી પત્નિ શાલિની છે. લોકો માટે એ મરણ પામેલી છે પણ મારા માટે જીવિત છે અત્યારે અહીં સામે સોફા પર જ બેઠી છે." ઋષી અને નંદીની હવે વધુ ડરવા લાગે છે અને ઋષી મનોમન આ કોઈ ભેદી વ્યક્તિ છે,જેમ બને તેમ વહેલાં અહીંથી છટકવું જ પડશે!!" 

પ્રો.અનુજ એમની વાત આગળ વધારતાં, "તમે ડરશો નહીં, એ ફક્ત મને જ દેખાય છે અને એ પણ મારાં અપાર પ્રેમના લીધે જ!" નંદીનીને એમની વાતમાં રસ પડે છે એ પ્રોફેસરને પ્રશ્ન કરે છે,"સર.. પ્રેમના લીધે!!અમને વિસ્તારથી કહેશો,આપની વાત સમજાઈ નહીં?" પ્રોફેસર થોડું હસે છે ત્યારબાદ,"મારી વાત સાંભળી તમેં પણ મને પાગલ કહેશો, પણ મને કોઈ ફરક નહીં પડે,હું અને શાલિની બંને માઘ્યમિકથી સાથે ભણતાં હતાં. શરૂઆતમાં અમે બંને એક સારા મિત્રો હતા. સમયના વહેણ સાથે અમે એકબીજાની વધુ નજીક આવ્યાં, અમને એક બીજાની આદત પડી ગઈ હતી.એક દિવસ પણ મળ્યાં વિના પસાર નહોતો થઈ શકતો. 

અમારી ઉંમર વધતાં, જેમ અમારી નજદીકી વધી, તેમ અમારાં ઘરમાં વડીલોનો અમારાં સંબંધ તરફનો અણગમો પણ વધવા લાગ્યો હતો, અમે ઉંમરની પરિપક્વતા સાથે બધું સમજવા લાગ્યાં હતાં, વડીલોના વિરોધ છતાં અમે એકબીજાને મળવાનું ચાલુ રાખ્યું હતું,બંને એકબીજા વગર રહી શકતાં ન હતાં. અમે લગ્ન કરવાની વાત પણ અમારા વડીલો સમક્ષ મૂકી, પણ તેઓએ માન્ય ન રાખી. અચાનક એક દિવસ શાલિની સામાન સાથે મારા ઘરે આવી ગઈ, શાલિનીના માં-બાપુજી શાલિનીની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાના હતાં જેથી ઘર છોડીએ મારા ઘરે આવી ગઈ. પણ મારા માં-બાપુજી પણ આ સંબંધના વિરોધમાં હતાં. એ લોકો શાલિનીને ઘરમાં પ્રવેશવાની મનાઈ કરી દીધી. જેના પરિણામે મેં પણ ઘર છોડી દીધું.

અમે બંને કોર્ટમાં જઇ કોલેજ ના મિત્રોની સાક્ષીએ લગ્ન કર્યા અને ઘર,પરીવાર, સમાજ,શહેરથી દૂર નવા શહેર,નવા વાતાવરણમાં અમારા સંઘર્ષમય જીવનની શરૂઆત કરી. એક ટ્યૂશન કલાસમાં કોલેજના છોકરાઓને ભણાવી જે મહેનતાણું મળે તેમાં અમારું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. બંનેના સહિયારા પ્રયાસે બે-ત્રણ વર્ષબાદ અમારા સપનાનું એક નાનકડું ભાડાનું ઘર બન્યું ત્યાં સુધી ચાલીમાં એક વૃદ્ધ દંપતીની છત્રછાયામાં રહ્યાં.

સમયના પ્રવાહે અને સતત પ્રયાસે મેં કોલેજમાં લેક્ચરરની નોકરી મેળવી સાથે શાલિની પણ ગર્ભવતી થઈ અમારા પ્રેમનું પ્રતીક શાલિનીના ઉદરમાં ઉછરવા લાગ્યું. 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેના શાલિની ડોક્ટર દ્વારા નક્કી કરાયેલ સમયપત્રક મુજબ ચેકઅપ માટે ઘરેથી નીકળી દવાખાને જઈ રહી હતી. અચાનક અમારા જેવા પ્રેમમાં પાગલ નવયુગલ બાઇક પર પ્રેમલાપ કરતાં જઈ રહ્યાં હતાં ત્યારે શાલિની તેના હડફેટે ચડે છે અને નીચે પટકાઈ પડે છે. તેને રસ્તા પરના પથ્થર સાથે માથું ટકરાય છે અને ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. 

હું એ સમયે કોલેજના છોકરાઓને વેલેન્ટાઈન ડે નિમતે સ્પેશિયલ પાર્ટી આપી રહ્યો હતો. શાલિનીના અકસ્માતના સમાચાર સાંભળતાની સાથે જ હું બેબાકળો બની દવાખાના તરફ દોટ મુકું છું જ્યારે દવાખાને પહોંચું છું ત્યારે શ્વેત પથારી પર રક્તભીની મારી શાલિની મુખ પર સ્મિત ધરી મારા બાળકને ઉદરમાં લઈ હમેશાં માટે પોઢી ગયેલી મળે છે. 

પ્રેમીઓના મળવાના દિવસે જ મારા અંતરમાં રહેલ પ્રેમનો તાંતણો તૂટ્યો હોય છે અને એની પીડાના લીધે શરીરનાં રોમે રોમમાંથી રૂદન એક અસ્ખલિત ધોધ સ્વરૂપે મારા નેત્રો વાટે બહાર નીકળે છે. શાલિનીના ગુમાવ્યાના દુઃખે બહાર નીકળેલ મારુ રોદ્ર સ્વરૂપ હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ વડે કાબુમાં આવતું નથી. અકસ્માતમાં ઘાયલ થયેલ પ્રેમી યુગલ જ્યારે મારી પાસે આવી પગમાં પડી માફી માંગે છે ત્યારે એ બન્નેમાં અમારો જ ભૂતકાળ દેખાય છે. અને મારૂં રોદ્ર સ્વરૂપ સમી જાય છે.

શાલિનીના ગયાં બાદ તેમની પાછળ ગીતાજીના પાઠ વાંચવાનું બ્રાહ્મણ દ્વારા સૂચન કરવામાં આવે છે. જ્યારે ગીતાજીના પાઠનો અભ્યાસ કરું છું ત્યારે તેમાં લખેલ વાત,"આત્મા કદી મરતો નથી" એ મારા મનમાં ઘર કરી જાય છે. હું વધુને વધુ ગ્રંથોનો અભ્યાસ કરવા લાગું છું. ઇતિહાસમાં ઘટેલી અગોચર વાતોનો તર્ક બદ્ધ અભ્યાસ અને અંતરમાં રહેલ દ્રઢ સંકલ્પના બળે હું શાલિનીને પામવા મથું છું.

જયારે કોઈ ઈશ્વરનો ભક્ત એની અદમ્ય ભક્તિએ પરમાત્માને રિઝવી પામી શકે તો પરમાત્માના અંશ સ્વરૂપની આત્માને પામી કેમ ન શકાય!! ઈશ્વરને પામવું એ પણ ભક્તના અંતરમાં પ્રગટેલ ભક્તિપ્રેમ જ છે. એ વ્યાખ્યાના પ્રભાવથી શાલિનીને ફરી પામવા મારામાં તાલાવેલી જાગી ઉઠે છે.શાલિનીને પામવા માટે મેં હઠયોગનો સહારો લીધો અને બ્રહ્માંડમાં વિહરતી મારી શાલીની, મારી જીદ સામે હારી મારી પાસે આવી ગઈ. જ્યાં સુધી હું આ પૃથ્વી પર છું ત્યાં સુધી મારી શાલિની મારી સાથે અહીં જ છે. મૃત્યુ પછીના વિશ્વ વિશે નથી જાણતો, પણ શાલિનીને મેં પ્રશ્ન કરેલો કે આમ શા માટે બન્યું ત્યારે એમણે જવાબ આપેલો,"જયારે પ્રેમનો સંબંધ સ્વાર્થના પાયા પર બંધાય છે અને માતા-પિતા કે જેનું સ્થાન ઈશ્વરની જગ્યા એ છે તેના દિલને દુભાવી રચવામાં આવે છે ત્યારે એ પ્રેમસંબંધ સફળ થતો નથી. 

 શાલિનીના ભૌતિક રીતે ગયાને આડત્રીસ વર્ષ વીતી ગયા છે પણ એ આડત્રીસ વર્ષથી મારી સાથે જ છે. હું સતત શાલિની સાથે જ વાતો કરતો હોઉં છું જેથી લોકોને હું પાગલ લાગુ છું. હું કબૂલ કરું જ છું હું પાગલ જ છું પણ પ્રેમમાં પાગલ છું. અને એ અમારા અમર પ્રેમ માટે મને કબૂલ છે. પણ દીકરાઓ મારી એક અંગત સલાહ છે પ્રેમમાં સ્વાર્થી ન બનતાં.પ્રેમ હંમેશા ત્યાગથી દીપી ઉઠે છે.પ્રેમ એક અનુભૂતિ છે.પ્રેમમાં એટલાં પણ ચકચૂર ન થતા કે લોકોનાં દિલમાં જગ્યા બનાવવાની જગ્યાએ, નફરત ઉભી થઇ જાય."

પ્રો. અનુજની વાતો પૂર્ણ થતાં નંદીની અને ઋષી એકબીજા સામું જોઈ મનોમન એમના પ્રેમને પાંગળો સમજે છે તેઓ ભીની આંખે અંતરથી નમન કરી રજા લઈ છુટા પડે છે.નંદીની પ્રેમનું મહત્વ સમજે છે અને માતા-પિતાને મનાવી એમનાં પ્રેમસંબંધને આગળ ધપાવવાનો નિર્ણય કરે છે.

✍️ઉજાસ વસાવડા