ફોગાટ-રત્નો Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોગાટ-રત્નો

ફોગાટ-રત્નો

સુકેતુ કોઠારી

આ વાર્તા એક એવી વ્યક્તિની છે, જેને પોતાની પત્ની તરફથી સંતાન તરીકે એક પુત્રની આશા હોય છે અને પરિણામ સ્વરૂપે પુત્રી મળે છે, એક વાર નહિ પણ સતત ત્રણ વાર. જેટલી વાર પત્ની ગર્ભવતી થાય એટલી વાર એકજ આશ કે આ વખતે પુત્રીના બદલે પુત્ર જન્મે પણ ત્રણે વાર પુત્રીજ જન્મે છે.

ગામડાનો ખેડૂત હોય કે શહેરનો ભણેલો ગણેલો વ્યક્તિ, સંતાન તરીકે પુત્રજ ઈચ્છતો હોય છે. આ કડવું સત્ય છે અને એટલાજ માટે ભારત ભ્રુણ હત્યાના કિસ્સાઓમાં આખી દુનિયામાં મોખરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભ્રુણ હત્યાના કિસ્સાઓ, આપડા દેશના ગામડાઓ કરતા વધારે શહેરોમાં થાય છે. આના પરથીજ શહેરના કહેવાતા મોર્ડન વ્યક્તિત્વની પાછળ રહેલો અસલી ચહેરો કેવો છે એ સાબિત થાય છે.

અહીંયા સુધી તો વાર્તા સામાન્ય વ્યક્તિ જેવી લાગતી હશે, પણ હવે જે વાર્તા વાંચશો અને મહેસૂસ કરશો એ બિલકુલ સામાન્ય નહિ લાગે.

આ વાત છે હરિયાણા રાજ્યના ભીવાની જીલ્લાની. હરિયાણા, એક એવું રાજ્ય જ્યાં દેશમાં છોકરીઓ ઉપર બાળલગ્ન, ભ્રુણહત્યાં, છોકરા અને છોકરીમાં અસમાનતા અને સ્વમાન માટે છોકરીઓની હત્યા (ઓનર કિલિંગ) જેવા અત્યાચારના કિસ્સાઓ સૌથી વધારે નોંધાય છે.

આવા રૂઢિચૂસ સમાજમાં ઉછરેલો એક જાટ, જે પોતે પણ પોતાનાં સમાજની જેમ છોકરીઓને છોકરાઓ કરતા નીચે ગણે છે. આ વ્યક્તિની જીવનની એકજ મહત્વાકાંક્ષા હોય છે કે એનો પુત્ર કુશ્તીમાં વિશ્વવિજેતા બને જે પોતે ન બની શક્યો અને પોતાના ઘરે પુત્ર આવશે તો એ પોતેજ એને કુશ્તીના બધાજ દાવપેચ શીખવાડશે અને વિશ્વવિજેતા બનાવશે. જો તમે અને હું કોઈ સપનું જોવા બેસીએ તો ૫ જ મિનિટમાં કેટલું વિચારી લઈએ?, તો આ વ્યક્તિએ તો ઘણા વર્ષો સુધી બસ આ એકજ સપનું સેવેલું, અને એ પણ એને પુરા કરવાના બધાજ જવાબો સાથે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે જે પોતે ન બની શકયો, એ પોતાનું સંતાન જરૂર બને, પણ મહાવીરસિંઘ ફોગાટ જોડે આ કશુંજ ન થયું.

મહાવીરસિંઘ ફોગાટના સપનાઓ અને એને પુરા કરવાના જવાબ એક પુત્રના જન્મથી જ ચાલુ થતા હતા અને સદનસીબે એજ ન થયું. સદનસીબ કેમ કીધું એ એના વિશેની આ વાર્તા વાંચશો એટલે ખ્યાલ આવશે.

કુશ્તીમાંથી રીટાયર થયા પછી મહાવીરસિંઘ ફોગાટનું એકજ સ્વપ્ન હતું, પોતાના પુત્રને ખુબજ મોટો કુશ્તીબાજ બનાવવાનું. જે ન થતા એ ખુબ માયુસ રહેવા લાગ્યો હતો. આમ માયુસ થઇને એક સાંજે એની સૌથી નાની પુત્રી સાથે જમવા બેસ્યો હતો, એટલામાં ગામવાળાઓ બે છોકરાઓને લઇને મહાવીરના ઘરે પહોચી જાય છે અને ફરિયાદ કરે છે કે, “તારી બે છોકરીઓએ અમારા આ બે છોકરાઓની આવી હાલત કરી છે”. એ બંને છોકરાઓની હાલત ખરાબ હતી કારણકે એકનો પગ તૂટેલો હતો અને બીજાનો જમણો હાથ હલતો ન હતો. આ સાંભળીને મહાવીરસિંઘની પત્ની ગુસ્સે થઇ અને એને હતું મહાવીરસિંઘ પણ ખુબ ગુસ્સે થશે, પણ મહાવીરસિંઘના મનમાં કશુક બીજુંજ ચિત્ર દોરાઈ રહ્યું હતું અને મનોમન ખુશ થઇ રહ્યો હતો. ગામવાળાઓની શરૂઆતની બધીજ વાતો સંભાળતો રહ્યો પણ જેવી ખબર પડીકે આ છોકરાઓની આવી હાલત તેની પોતાની બે છોકરીઓએ કરી છે કે તરત એ એનાજ વિચારોમાં ખોવાઈ ગયો જાણે એને હવે કોઈની ફરિયાદ સંભળાતીજ ન હતી. મહાવીર જયારે ગામવાળાઓની ફરિયાદોનો જવાબ નહોતો આપી રહ્યો ત્યારે તેની પત્ની દયાએ તેને હાથ વડે સાધારણ ધક્કો મારીને મહાવીરને એના વિચારોમાંથી પાછો લાવીને ઈશારો કર્યો કે એ ગામવાળાઓની ફરિયાદોનો જવાબ આપે. મહાવીરે એની બંને છોકરીઓને બોલાવીને પૂછ્યું કે, “છોકરાઓ જોડે આમ મારામારી કેમ કરી?”, ત્યારે ગીતા-બબીતાએ કીધુકે, “આ બે છોકરાઓ અમને છેલ્લા ઘણા દિવસોથી હેરાન કરતા હતા. સ્કુલેથી પાછા આવતી વખતે અમને કશુકને કશુક બોલીને ચીડવતા હતા. આજે જયારે એ લોકો ફરીથી અમારી મસ્તી કરતા હતા તો મેં અને બબીતાએ એમને માર્યા”. ગીતા-બબીતાને મોઢા પરથી અને હાથ પરથી થોડું લોહી નીકળતું હતું પણ છોકરાઓની હાલત વધારે ગંભીર હતી. ગીતા-બબીતાનો આ જવાબ સાંભળી ગામવાળાઓ આપોઆપ ત્યાંથી બીજું કશું બોલ્યા વગર જતા રહ્યા.

આખી રાત મહાવીરસિંઘને ઉંગ ન આવી અને એજ વિચારો ચાલુ રહ્યા જેનાથી એના સપનાનું ચિત્ર પૂરું થયું. હવે એમાં રંગો પુરવાના બાકી હતા.

આખી રાત મહાવીરે જે ચિત્ર પોતાના મનમાં દોર્યું હતું એને શબ્દો વડે પોતાની પત્નીને સમજાવતા કીધું કે, “એ પોતાની મોટી બે છોકરીઓને કુશ્તીબાજ બનાવવા માંગે છે”. આ સાંભળીને એની પત્નીએ પહેલાતો આ વાત હસવામાં કાઢી નાખી પણ જયારે એને લાગ્યુકે એનો પતિ આ વાતને લઈને ગંભીર છે, તો એને તરત ઘસીને ના પાડી દીધી કે, “છોકરીઓને આમ દંગલ ન કરાવાય અને કરાવડાવશો તો લોકો શું કહેશે”. મહાવીરે પોતાની પત્નીને સમજાવતા કીધુકે, “ગીતા-બબીતા એ બે છોકરાઓની જો એવી હાલત કરી શકતી હોય તો એ લોકો કુશ્તી પણ લડીજ શકશે, અને સાથે સાથે એ પણ કીધું કે મને લોકો શું કહેશે અને શું વિચારશે એની કઈ પડી નથી”. મહાવીરસિંઘએ પત્નીને કીધુકે, “એ પોતે ગીતાકુમારી અને બબિતાકુમારીને કાલથીજ કુશ્તી માટેની તૈયારીઓ ચાલુ કરાવશે”.

આ બધી વાત થતી હતી ત્યારે ગીતાકુમારી અને બબીતાકુમારી ત્યાંજ ઊભી હતી, એમને તો જાણે કઈ ખબર ન પડતી હોય એમ એક બીજાની સામે જોવા લાગી. મહાવીરસિંઘ ગીતાકુમારી અને બબિતાકુમારીને બીજા દિવસે સવારે ૪ વાગ્યે ઊઠવાનું કહીને જતો રહ્યો. ગીતાકુમારી બબીતાકુમારી પણ એની માતા સામે જોઈને ઊંઘવા જતી રહી.

મહાવીરસિંઘ બીજા દિવસે પરોઢિયે પોણા ચાર વાગે ગીતાકુમારી બબિતાકુમારીને ઉઠાડી તૈયારીઓ ચાલુ કરાવે છે. એક અઠવાડિયું તો રોજ સવારે સતત દોડ કરાવે છે જેથી તેમનો સ્ટેમિના વધારી શકે કારણકે સ્ટેમિના કોઈ પણ રમત રમવા મુખ્ય અને પાયાની જરૂરિયાત હોય છે, પણ આ એક અઠવાડિયામાં તો ગીતાકુમારી બબીતાકુમારીએ હાર માની લીધી હોય એમ માતાને પિતા જોડે વાત કરવા કહે છે કે તે લોકો આટલી આકરી કસરત નહિ કરી શકે. ગામવાળા પણ મહાવીરસિંઘ વિરુદ્ધ બોલતા હતા કે છોકરાઓનું કામ છોકરીઓને ન શોભે. આ બધી વાત તેમની માતા મહાવીરસિંઘને કરે છે, પણ મહાવીરસિંઘ કશુંજ સાંભળવા તયાર નહોતો. એને પોતાની પત્ની જોડે એક વર્ષનો સમય માંગ્યો અને કીધુકે એક વર્ષ માટે એને જેમ કરવું હોય એમ કરવા દે. એક વર્ષમાં કોઈ સારું પરિણામ નહિ આવે તો પોતેજ ગીતા-બબીતાને કુશ્તી શિખવાડવાનું છોડી દેશે.

થોડાક દિવસ દોડવાની કસરત કરાયા પછી મહાવીરસિંઘને લાગે છે કે ગીતાકુમારી બબીતાકુમારીનું વજન વધારવું જરૂરી છે,પણ એ શાકાહારી ભોજનથી શક્ય ન હતું, માટે એ પોતાની પત્નીને કીધાં વગર એમને ચિકનનું માંસ ખવડાવવાનું ચાલુ કરે છે. મહાવીરસિંઘ દીકરીઓને માંશાહારી ખવડાવે છે એ ખબર પડતા ફરીથી બંને પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય છે. મહાવીરસિંઘ પત્નીને સમજાવે છે કે, “આપડા શાકાહારી ભોજનથી જરૂરી પ્રોટીન ઝડપથી નથી મળતું અને આવશ્યક પ્રોટીન એ કોઇપણ રમતવીર માટે ખુબ આવશ્યક છે ખાસ કરીને છોકરીઓ માટે”. પત્ની પોતાના મનને મનાવીતો લે છે, પણ માંશ ઘરમાં બનાવવાની ના પડે છે. મહાવીરસિંઘ એનો રસ્તો શોધીને હવેથી ગીતાકુમારી બબિતાકુમારીને પોતાના ખેતર પર બનાવીને ખવડાવવાનું ચાલુ કરે છે. સાથે સાથે મહાવીરસિંઘે બંને છોકરીઓનું ડાયટ એટલેકે રોજ શું ખાવું અને શું ન ખાવું તે પણ નક્કી કરીને ગીતા-બબીતાને અને તેની પત્ની દયાને સમજાવી દે છે. મહાવીરે ખાસ સુચના આપેલી કે બહારનું અને તળેલું બિલકુલ ખાવું નહિ અને પાણીપૂરી તો ખાસ, કારણકે ગીતા-બબીતાને પાણીપુરી ખુબ ભાવતી. સ્કુલેથી વળતા મહાવીરે ઘણીવાર તેમને પાણીપુરી ખાતા જોયેલ હતી. પૌષ્ટિક આહારની સાથે સાથે તેમના લાંબા વાળ કુશ્તી માટે નડતરરૂપ હતા, એ પણ મહાવીરે જબરદસ્તીથી કપાઈ દેવડાયા. કોઈ પણ છોકરીઓની જેમ ગીતા-બબીતાને પોતાના વાળ ખુબ પ્રિય હતા અને એ કારણે એ લોકો માતાના ખોળામાં માથું મૂકી એ આખી રાત રડતા રહ્યા. દયાએ પતિને એક વર્ષનો સમય આપ્યો હતો માટે પોતે પણ આ વિષે ફરિયાદ ન કરી શકી.

કુશ્તી રમવા પૂરતો સ્ટેમિના અને વજન બરાબર થઇ રહ્યું હતું. હવે કુશ્તી શીખવાનો સમય આવી ગયો હતો. મહાવીરસિંઘ પોતાનાજ ખેતરમાં એક નાની જગ્યામા કુશ્તી રમી શકાય તેવી વ્યવસ્થા કરીને ગીતાકુમારી બબિતાકુમારીને કુશ્તીની ટ્રેનીગ ચાલુ કરાવે છે.

હવેથી ગીતાકુમારી બબીતાકુમારીનું આખા દિવસનુ કાર્યક્રમ નક્કી હતું. સ્કૂલે જતા પહેલા પરોઢિયે ૪ વાગે ઉઠીને સ્ટેમિના માટે દોડવાનું. સ્કૂલેથી આવીને ખેતરે પિતા મહાવીરસિંઘ જોડે કુશ્તી ટ્રેનિંગ લેવાની અને ત્યાર બાદ મહાવીરસિંઘ પોતાના હાથે ચીકન બનાવીને ગીતાકુમારી અને બબિતાકુમારીને ખવડાવે, ત્યાર બાદ બધા સાથે ઘરે જાય. ઘરે જતાજ ગીતાકુમારી બબીતાકુમારી થાકી ને ઠૂસ થઇ ગયી હોય એટલે ઘરે પહોચતાજ ખાટલો પકડી લે.

થોડા મહિનાઓ બાદ જ્યારે ગીતાકુમારી-બબીતાકુમારી કુશ્તી લડવા તૈયાર થઇ જાય છે ત્યારે સામે કુશ્તી કરવા કોઈ છોકરીઓ ન હોવાથી દંગલ સ્પર્ધાના સંચાલકો જોડે ખુબ માથાકૂટ કરીને મહાવીરસિંઘ ગીતાકુમારી-બબિતાકુમારીને છોકરાઓ જોડે કુશ્તી કરાવડાવે છે. મહાવીરની આ હરકતના કારણે પોતાના સગાસબંધીઓ અને સમાજના લોકો પણ મહાવીરસિંઘને ન કહેવાનું કહે છે.

ગીતાકુમારી બબીતાકુમારી જ્યારે જયારે આવી નાની સ્પર્ધાઓમાં છોકરાઓ સામે જીતે છે ત્યારે મહાવીરસિંઘના એ સપનાના ચિત્રમાં રંગ પુરાવા લાગે છે એટલે હવે એને લોકોની કશીજ પડી ન હતી. આવી જીતના કારણે મહાવીરસિંઘ સામે બોલવાવાળા બધા ધીમે ધીમે ચૂપ થઇ જાય છે. હવે તો જયારે જયારે ગીતા બીબીતા છોકરાઓ જોડે દંગલ કરવા ઉતરે તો છોકરીઓને દંગલ કરતી જોવા માણસોની ભીડ જામી જાય. પછીતો દંગલ સ્પર્ધાના સંચાલકો પણ ગીતા-બબીતાને દંગલની સ્પર્ધામાં રમાડવા ખાસ આમંત્રણ આપવા લાગ્યા હતા.

મહાવીરસિંઘ ગીતાકુમારી બબિતાને વધુ સખ્ત ટ્રેનિંગ આપીને ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે રમાડે છે અને જીતે પણ છે. મહાવીરસિંઘનું સપનું એની નજર સામે હવે પૂરું થતું દેખાય છે, પણ વિશ્વ વિજેતા બનાવડાવાંનું સપનું એટલું સરળ નથી કે આટલી આકરી મહેનત કરીને પણ પૂરું થઇ જાય. મહાવીરસિંઘના મનમાં હજુ પણ એક પુત્રની ઈચ્છા હતી અને માટેજ દયા ચોથી વાર પેટથી થાય છે અને ચોથી વખત પણ પુત્રીનોજ જન્મ થાય છે. કદાચ ભગવાન પણ ઈચ્છતો હતો કે મહાવીરસિંઘ ફોગાટ, એ માણસ બને જેનું ઉદાહરણ લઈને છોકરીઓને કમજોર ગણવાવાળાઓની માનસીકતા બદલાય. મહાવીરસિંઘનું વર્લ્ડરેસલિંગમાં ગોલ્ડ મેડલ લાવવાનું લક્ષ્ય વધુ ને વધુ મહત્વનું બનતું જતું હતું. મહાવીરને ખ્યાલ આવી ગયો હતો કે હવે પુત્રની આશા રાખીને ગીતા-બબીતા માટે જોયેલ સપનાને તુટવા નથી દેવું. મહાવીરે હવે બધુજ ધ્યાન ગીતા-બબીતા પર લગાડી દીધું જેથી એમની ટ્રેનીંગમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય. ગીતા-બબીતાએ પણ ઘણી વાર જીતનો સ્વાદ ચાખી લીધો હતો એટલા માટે હવે તે લોકો પોતાના પિતાના કહેવા પ્રમાણે અઘરામાં અઘરી ટ્રેનીંગ લેવામાં પાછીપાની કે ફરિયાદ કરતા ન હતા. જયારે તમે જીતો છો ત્યારે લોકોની તમારા પ્રત્યેની આદર કરવાની લાગણી વધી જાય છે. લોકો તમને માન-સન્માનથી જોવા લાગે છે. ગીતા-બબીતાનું નામ ડિસ્ટ્રિક્ટ લેવલે ખુબ પ્રખ્યાત થઇ ચૂકેલું. પિતાનું સપનું પૂરું કરવા ગીતા-બબીતા માનસિક અને શારીરિક બધીજ રીતે તયાર હતી. જેટલું માન-સન્માન તેમની મળી રહ્યું હતું એના અસલી હકદાર તેમના પિતા મહાવીરસિંઘ ફોગાટ હતા, એ તેમને ખબર હતી. ગીતા-બબીતાની હવે પોતાના પિતા સાથેની લાગણી ખુબજ ગાઢ થઇ ચુકી હતી. ગીતા-બબીતાને ખબર હતીકે તેમના સમાજમાં છોકરીઓ સાથે કેવી રીતે વર્તવામાં આવે છે. પિતાએ એ બધાની સામેં લડીને ગીતા-બબીતાને આખા સમાજમાં માન-સન્માન અપાવ્યું હતું.

હવે, નેશનલ લેવલે રમવા નેશનલ સ્પોર્ટ્સ એકેડેમીમાં એડમિશન લઈને ત્યાંજ ટ્રેનિંગ લેવી એ કોઈ પણ રમતવીર માટે ફરજીયાત હોય છે. ગીતાકુમારી પણ આમજ કરે છે,પણ ત્યાં ગીતાકુમારી પોતાનું અને પિતાના વિશ્વવિજેતા બનવાનાં સ્વપ્નને ભૂલી જઈ પોતાની ટ્રેનિંગને અગત્યતા આપવાના બદલે નવા મિત્રો જોડે બહાર ફરવા જવું, ડાયટ પ્રમાણે ખાવું નહિ, સિનેમા જોવા જવું વગીરે વગીરે.. વધી ગયું હતું, જેના કારણે ગીતાકુમારીની રમત ખુબ બગાડવા માંડી હતી. પિતા ફોન ઉપર ઘણી વાર આ બાબતે ગીતાકુમાંરીને ઠપકો આપી ચુક્યા હતા પણ ગીતાકુમાંરીને શહેરની હવા લાગી ગઈ હતી જે ગીતાએ પોતાના ગામમાં ક્યારેય જોઈ ન હતી. ગીતાકુમારીને પોતાની ભૂલનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે એ નેશનલ ગેમ રમવા ડિસ્ક્વોલીફાય થાય છે. અત્યાર સુધી એને એમજ લાગતું હતુંકે એના નવા કોંચ અને એમની કુશ્તી રમવાની ટેક્નિક પિતાએ આપેલી ટ્રેનિંગ કરતા વધુ સારી અને એડવાન્સ હતી. અત્યાર સુધીતો ગીતાકુમારી પોતાના પિતાની જૂની ટેકનિકો માટે પિતા જોડે અને નાની બહેન બબીતાકુમારી જોડે પણ ઝગડી લીધું હતું જેનો અફસોસ એને હવે થતો હતો.

આવી પરિસ્થિતિમાં પોતે પિતા જોડે કેવી રીતે વાત કરે તેનો ગીતાને ખ્યાલ ન્હોતો આવી રહ્યો છેવટે ખુબ હિમ્મત ભેગી કરીને પિતાને રડતા રડતા ફોન કરે છે અને માફી માંગે છે. મહાવીર ગીતાની ભૂલોથી ખુબ ગુસ્સે હતા પણ પુત્રીની બધીજ ભૂલો માફ કરીને મહાવીરસિંઘ ગીતાકુમારીના અકેડેમીવાળા શહેરમાં પહોચી જાય છે, અને એક ભાડાનું મકાન લઇ લે છે. અકેડમીના નિયમ વિરુદ્ધ મહાવીરસિંઘ ગીતાકુમારીને ભાડે રાખેલ ઘરે બોલાવીને ટ્રેનિંગ આપવાનું ચાલુ કરે છે.

ગીતાની રમત હવે પહેલા કરતા સુધારવા લાગી હતી. નવા કોચને ગીતાકુમારી તરફથી બ્રોન્ઝ મેડલથી વધારે આશા ન હતી, માટે તેમને પણ જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું ગીતાકુમારી ઉપર નહોતું આપ્યું. કોચને ગીતાકુમાંરીનાજ મિત્રો દ્વારા ખબર પડે છે કે ગીતાકુમારી એના પિતા જોડે ટ્રેનીંગ લેવા અકેડેમીમાંથી ચોરીછુપીથી મળવા જાય છે. કોચ આ વિશેની ફરિયાદ અકેડેમીના ઉપરના મેનેજમેન્ટને કરે છે. મેનેજમેન્ટ ગીતાકુમાંરીની આ ભૂલને સંસ્થાના નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરે છે. મહાવીરસિંઘને આ વિષે ખબર પડતાજ પોતે માફી માંગવા અકેડેમી પહોંચી જાય છે અને પોતે ગીતાકુમાંરીને કેવી રીતે અહિયાં સુધી પહોચાડી છે, તેના વિષે મેનેજમેન્ટને જણાવે છે. મેનેજમેન્ટ મહાવીરની હિંમત અને મહેનત જોઇને ગીતાકુમારીને એકવાર ફરીથી તક આપવી જોઈએ તેમ વિચારીને તેનું સસ્પેન્સન રદ કરે છે. મહાવીર ધન્યવાદ કહીને અને હવે આવી ભૂલ નહિ થાય એમ વચન આપીને એ શહેર છોડી પોતાના ગામે જવા નીકળી જાય છે.

ગીતાકુમારીને જરૂર હતી એ બધી ટ્રેનિંગ મહાવીરે ફરીથી આપી દીધી હતી. ત્યારબાદ ગીતાકુમારી નેશનલ રમવા ક્વોલિફાય પણ થઇ જાય છે અને ફાઇનલમાં પહોચીને ખુબ સારું પ્રદર્શન કરીને ગોલ્ડ જીતનારી દેશની પ્રથમ મહિલા રેસલર બને છે. આમ મહાવીરસિંઘએ જોયેલુ એ સ્વપ્ન પૂરું થાય છે.

મહાવીરસિંઘ તેમના એકજ પરિવારમાંથી ભારત ગર્વ લઇ શકે તેવા ઘણા રત્નો ઘડ્યા અને દેશને આપ્યા. જેમ ગીતાકુમારીએ દેશને ગોલ્ડ અપાવી સન્માન અપાવ્યું તેમ બબીતાકુમારી પણ ગોલ્ડ મેડલ જીતે છે. આ બધું ઘરમાં જોઈને તેમની નાની બહેનો રીતું ફોગાટ અને સંગીતાકુમારી ફોગાટ અને તેમના પિત્રાઈ બહેનો વીનેશ ફોગાટ અને પ્રિયંકા ફોગાટ પણ કુશ્તીબાજ બને છે, અને દેશ માટે મેડલ્સ પણ લાવે છે.

આમ પહેલા ગીતાકુમારી, બબીતાકુમારીએ અને પછી તેની બહેનો ભારત દેશનું નામ આખી દુનિયામાં ગર્વથી ઊંચાઈ પર લઇ ગયા અને ભારતના રત્નો બન્યા.

પણ, સાચો ભારતનો રત્ન તો મહાવીરસિંઘ ફોગાટ છે જે પહેલા પોતાની માનસિકતા સામે લઢ્યો કે છોકરીઓ ફક્ત ઘરમાં રહેવા અને પરિવારની સેવા માટેજ જન્મે છે અને, રેસલિંગ તો ફક્ત છોકરાઓની જ રમત છે. પોતે પોતાના જેવીજ માનસિકતાવાળા આખા સમાજ સામે પણ લડ્યો. એને સાબિત કરી બતાવ્યું કે છોકરીઓ એ બધુજ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે. બસ જરૂર છે ફક્ત પરિવારની મદદ અને વિશ્વાસની.

આજ વિચારોની ભારત સરકારે પણ નોંધ લીધી અને મહાવીરસિંઘ જેવા વિચાર આખા દેશમાં પહોંચાડવા સરકાર દ્વારા મહાવીરસિંઘ ફોગાટને રેસલિંગ માટે દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો.

મહીવીરસિંઘ ફોગાટના પરિવારની પ્રસિધ્ધીઓ

૧) ગીતાકુમારીકુમારીએ ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સમાં ૫૫ કિગ્રા ફ્રી-સ્ટાઈલમાં દેશનો સર્વપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો.

૨) ગીતાકુમારીકુમારી ઓલઅમ્પીક્સમાં ક્વોલીફયાડ થનાર પ્રથમ મહિલા બની.

૩) બબીતાકુમારીકુમારીએ ૨૦૧૨ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

૪) બબીતાકુમારીકુમાંરીએ ૨૦૧૪ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.

૫) રીતુકુમાંરીએ ૨૦૧૬માં કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

૬) પ્રિયંકાકુમારીએ એશિયન ચેમ્પિયનશીપમાં સીલ્વેર મેડલ મેળવ્યો.

૭) ગીતાકુમારીકુમાંરીની પિત્રાઈ બહેન વીનેશ ફોગાટએ કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

૮) ગીતાકુમારીકુમાંરીની પિત્રાઈ બહેન સંગીતાકુમારી ફોગાટે ઇન્ટરનેશનલ લેવલે ઘણા મેડલ્સ મેળવ્યા.

Written by

Suketu Kothari