૪ રસ્તા
રેહા, રાઘવ અને હીનાની એક માત્ર દીકરી હતી. જેને બંને જણા ખુબજ પ્રેમ કરતા. માટેજ એનું નામ બંનેના પ્રથમ અક્ષરનો ઉપયોગ કરીને રાખ્યું હતું. રેહાનો જન્મ તેમની લગ્નની તારીખેજ થયો હતો. રાઘવ અને હીના, રેહાને રોજ સ્કૂલે મુકવા જતા, ત્યાંથી રાઘવ બસ પકડીને એની નોકરી માટે જતો રહેતો. હીના ગાડી લઇને ઘરે પાછી આવતી રહેતી. રેહા સ્કુલેથી છૂટે એટલે એને લેવા હીના એકલીજ જતી. રેહા ૩જા ધોરણમાં ભણતી હતી. સ્કૂલે જતી વખતે ઘરની બિલકુલ નજીકના એક ચાર રસ્તા ઉપર સિગ્નલના કારણે એમની કાર હમેશા ઉભી રહેતી. એક ૫૫-૬૦ વર્ષના ઘરડા દાદા, ૪-૫ આંધળા છોકરા-છોકરીઓને લઇને બધાની ગાડીએ ગાડીએ જઈને ભીખ માંગતા. એ ભીખારી રેહાની ગાડી જોડે આવતાજ રેહાના મમ્મી પપ્પા પહેલા તો કઈ જવાબ ન આપતા અને એમની સામે પણ ન જોતા. જયારે એ દાદા સતત ખાવાનું માંગ્યા કરતા ત્યારે કાચ ઉતારીને કંટાળીને એને ધુત્કારતા અને આગળ જવાનું કહેતા. આવુ રોજ થતું અને રોજ રેહા આ બધું જોયા કરતી અને દુખી થઈને બેસી રહેતી. એને રોજ આશ થતી કે આજે પપ્પા કાતો મમ્મી કાચ ઉતારીને ભિખારી અને એમના સાથેના નાના-નાના બાળકોને કશુક ખાવાનું અથવા થોડાક પૈસા આપશે પણ આમ ન થતું. સ્કૂલેથી હીના જોડે પાછા આવતા રેહા એની મમ્મીને એજ ચાર રસ્તા ઉપર પેલા ભિખારીને કશુક ખાવાનું આપવા માટે ઈશારો કરતી. હીના ભીખારીને કશુક આપવાના બદલે રેહાને રોજ આવી જીદ ન કરવા સમજાવતી.
થોડાક દિવસો પછી રેહા મમ્મી જોડે અને પપ્પા જોડે વધારાના પૈસા માંગવા લાગી. હીના અને રાઘવ કઈ પણ પૂછ્યા વગર આપતા પણ ખરા.
એક દિવસ હીનાથી ન રહેવાયું તો એને પૂછી લીધું કે,
“ રેહા, બેટા શુ કરે છે આ પૈસા નું? કેમ રોજ રોજ પૈસા માંગે છે? પોકેટ મની તો પપ્પા આપે છે. ”
પણ, રેહા કઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી જતી રહી.
હીનાને ખબર પડી કે, રેહા પૈસા લઇને રોજ ક્યાંક જતી. આ વાત હિનાએ રાઘવને કરી કે,
“ રેહા આમ રોજ પૈસા લઇને ક્યાંક બહાર જાય છે, અને થોડી વાર રહીને પાછી આવે છે.”
રાઘવને થયું કે રેહા તેના મિત્રો જોડે દુકાનમાંથી ચોકલેટ અથવા રમકડા લેવા જતી હશે એટલે આમ પૈસા માંગતી હશે, માટે રાઘવે હીનાની વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને કીધું કે,
“ જતી હશે ક્યાંક, તું ચીંતા ન કર ”
આવું ઘણી વાર બનતા રાઘવે પણ આ વસ્તુની નોંધ લીધી હતી અને એને લાગ્યું કે રેહા ક્યાં જાય છે?, એ તપાસ કરવી પડશે. હીના અને રાઘવે રેહાની પાછળ જઈને તપાસ કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે રેહા ફરીથી પૈસા માંગવા આવી અને ફરીથી હીના-રાઘવે રેહાને પૈસા આપ્યા. રેહા જેવી ઘરની બહાર ગઈ એમ તરતજ નક્કી કર્યા મુજબ હીના-રાઘવ રેહાની પાછળ પાછળ જવા લાગ્યા.
પહેલા તો રેહા એક દુકાનમાં જતી અને ત્યાંથી ભેગા કરેલા પૈસામાંથી બિસ્કીટના પેકેટો, ચોકલેટો અને થોડુક બીજું ખાવાનું લેતી. આ બધું જોઈને હીના-રાઘવને કઈ ખબર ન પડી અને વિચારવા લાગ્યા કે, રેહા આ શુ કરે છે? રેહા એ બધું લઇને ચાલતા ચાલતા પેલા ચાર રસ્તા ઉપર એક્બાજુના ખૂણા બાજુ જતી અને કઈક શોધતી હોય એમ ત્યાં આમથી આમ જોવા લાગતી. હજુ પણ હીના-રાઘવને કઈ ખબર પડતી ન હતી. એટલામાં રેહા એ પેલા ભિખારી દાદાને શોધી કાઢ્યા. એમની જોડે જઈને જાણે વાતો કરતી હોય એમ હસવા લાગી. દાદા પણ રેહાને જોઈને ખુશ થઇ ગયા હતા. રેહાએ ફરીથી આજરોજની જેમ દુકાનમાંથી લીધેલો બધો સામાન દાદાને અને પેલા ૪-૫ બાળકોને આપ્યો જે જોઈ શકતા ન હતા. રેહા જાતે બીસ્કીટોના પેકેટ ખોલીને પેલા અંધ બાળકોને આપતી અને એ બાળકોને ખાતા જોઈ રેહા ખુબ ખુશ થતી. પેલા દાદા રેહાની માસૂમિયત અને ભોળા મનને જોઈને મનમાં ને મનમાં હસતા.
આ બધું જોઈને હીના-રાઘવ રડી પડ્યા અને તરત દોડીને રેહાને ઉચકી લીધી અને એને ભેટી લીધી. જયારે પેલા ભીખારી દાદાએ રોજની જેમ રેહાને પૂછ્યું કે,
“ તારું નામ શુ છે અને તું કેટલામાં ભણે છે. ”
ત્યારે રેહાએ કઈ જવાબ ન આપ્યો. રોજની જેમ ખાલી હળવી મુસ્કાન આપતી રહી. પેલા દાદાએ રાઘવ અને હિનાને પૂછ્યું કે,
“ આ તમારી દીકરી છે ? તમારી દીકરી ખુબ સ્નેહાળ છે. છેલ્લા થોડાક દિવસોથી અમને રોજ કશુક ને કશુંક ખાવાનું આપી જાય છે પણ હું જયારે એને એના વિષે કઈ પુછું છું તો કઈ જવાબ નથી આપતી. ”
રેહાના મમ્મી હિનાએ ધીમે રહીને કીધું કે,
“દાદા, આનું નામ રેહા છે અને એ ૩જા ધોરણમાં ભણે છે”.
રાઘવે કીધું કે,
“દાદા, રેહા બોલી કે સાંભળી નથી સકતી.”
દાદાને એ વાતની ખબર પડતાજ એ પણ રોવા જેવા થઇ ગયા હતા.
હીનાએ કીધું કે,
“ આટલી નાની છોકરી તમારું દુઃખ સમજી શકી પણ અમે નહી. રેહા રોજ અમારી ગાડી પાસે તમને અને તમારી સાથેના આ નાના-નાના બાળકોને ભીખ માંગતા જોતી અને મને ઈશારામાં તમને કશુક આપવાનું કહેતી. અમે તમને ભીખ ન આપતા અને ધુત્કારતા, એ કદાચ એને ન્હોતું ગમતું. માટે ઘણા દિવસથી રોજ અમારી પાસેથી થોડા થોડા પૈસા લેતી અને અમને કીધા વગર દુકાનમાંથી કશુક ખાવાનું લઈને તમને અહિયાં આપવા આવતી.”
આ બધું સાંભળીને દાદા વધારે રડવા લાગ્યા. તેમને થયું આટલી નાની છોકરી આટલું બધું કેવી રીતે સમજી શકે.
આ બધું જોઈને રેહાએ હાથના ઈશારા વડે એના મમ્મી-પાપાને સમજાવતા કીધું કે,
“ ભગવાને કોઈને બીજા કરતા વધારે પૈસા આપ્યા છે, જેથી આપડે કોઈને મદદ કરી શકીએ. મારી જોડે તમે આપેલા પોકેટ મનીવાળા પૈસા ઓછા પડતા હતા માટે હું રોજ તમારી જોડે વધારાના પૈસા માંગતી હતી, જેથી હું અહિયાં આવીને આ લોકોને રોજ ખાવાનું આપી શકું. જેમ હું બોલી અને સાંભળી નથી સકતી એનું દુઃખ મને ખબર છે. એવીજ રીતે આ લોકો જોઈ નથી શકતા એનું દુઃખ હું ખુબ સારી રીતે સમજી શકું છુ. મને લાગ્યું કે, આમ કરવાથી હું ભગવાનનો આભાર માની શકીશ કે, ભલે તમે મને બોલવાની અને સાંભળવાની શક્તિ ન આપી પણ આટલી સરસ દુનિયા જોવા માટે આંખો તો આપી છે. આપડા દરેક લોકો જોડે કશુક ને કશુક તો નથી જ. આપડે બધા અધૂરા છીએ પણ જે આપડી જોડે જ છે એ જેની જોડે નથી એને આપીએ તો આપડે આખા(પુરા) થઇ જઈએ છીએ. કોઈને કઈ આપવાથી આપડી જોડે ક્યારેય પણ ઓછુ થતું નથી. ભગવાન આ બધું જોવે છે અને જે બીજાની મદદ કરે છે એને ભગવાન વધુ ને વધુ આપે છે જેથી એ બીજાની મદદ હમેશા કરી શકે. ”
હીના પોતાની ભૂલ સમજતા કીધું, “દાદા, એ બોલી કે સાંભળી સકતી નથી માટેજ એને માત્ર કરીને બતાવ્યુ. જો આટલી નાની છોકરી બીજાની મદદ કરી શકે છે તો આપડે કેમ નહી. એને અમને શીખવાડ્યું કે, જયારે કોઈની પાસે કઈક નથી હોતું ત્યારેજ તમારી પાસે માંગે છે. કારણકે એને ખબર છે કે તમારી પાસે એ છે, જે આપવા તમે સક્ષમ છો.”
Written by
Suketu Kothari