સત્ય અસત્ય - પ્રકરણ - 20 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સત્ય અસત્ય - પ્રકરણ - 20

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૨૦

પ્રેગનન્ટ થતાં જ અમોેલાના નખરા વધી ગયા. સોનાલીબહેને એની આળપંપાળ કરવા માંડી. સત્યજીત જેટલી વાર આ સાસુ-વહુના એકબીજા સાથેના સંબંધો જોતો એટલી વાર એને અંદરથી એક ચીડ ઊભરાતી. અમોલા સત્યજીતને પોતાની તરફ ખેંચવાની એક તક છોડતી નહીં. ડૉક્ટરને ત્યાં જવાનું હોય તો સત્યજીતને ઑફિસથી આવીને કોઈ પણ સંજોગોમાં અમોલાની સાથે જવું પડતું. એ દેખાવ તો એવો કરતી કે જાણે ખૂબ સમજદાર છે... સત્યજીતને સોનાલીબહેનની હાજરીમાં એટલી સ્વાભાવિકતાથી ટોણો મારતી કે સત્યજીત ઊભો ઊભો સળગી જતો.

ડૉક્ટરને ત્યાં પણ સત્યજીતની વ્યસ્તતા અને પોતાની એકલતાની વાતો કરી કરીને બિનજરૂરી સહાનુભૂતિ ઉઘરાવતી. આટલું ઓછું હોય એમ ગમે ત્યારે આવી પહોંચતા ઠક્કર સાહેબ એના માટે આઇસ્ક્રીમ, ચોકલેટ, પિત્ઝા અને સમોસાં લઈ આવતા. સત્યજીત હાજર હોય ઠક્કર સાહેબ એની સામે જોઈને એને જ સંભળાવતા હોય એવી રીતે કહેતા, “બિચારી છોકરી... જાતજાતનું ખાવાની ઇચ્છા થતી હશે, પણ કહે કોને ?”

સત્યજીત જ્યારે ઠક્કર સાહેબના આવા વલણ વિશે ગુસ્સો ઠાલવતો ત્યારે પહેલાં તો અમોલા રડવાનું ચાલુ કરી દેતી, “બિચારા મારા પપ્પા... એમને શી ખબર કે દીકરીને ત્યાં જવું એ પણ ગુનો છે.”

“અમે તને ખવડાવતા નથી ?”

“હું ક્યાં એવું કહું છું ? એ બિચારા પ્રેમથી કંઈ લઈ આવે એમાં આટલો બધો ગુસ્સો આવવા જેવું શું છે ?” એ એટલા મોટા અવાજે રડતી કે સોનાલીબહેન ધસી આવતાં.

“છોકરી કેમ રડે છે ?” એ સગા દીકરાને એવી રીતે પૂછતાં, જાણે સત્યજીત કોઈ અત્યાચારી રાક્ષસ હોય.

“મેં મારી એને.” સત્યજીત કંટાળાથી કહેતો અને નીચે જઈને અડધી રાત સુધી બાર પાસે બેસી રહેતો.

એનું પીવાનું ભયાનક રીતે વધી ગયું હતું. પોતાના ફ્રસ્ટેશન કે કંટાળાને કોઈ પણ રીતે કાબૂમાં રાખવા એણે દારૂનો આશરો લીધો હતો. ધીમે ધીમે ઑફિસથી આવીને બેડરૂમમાં જવાને બદલે એ સીધો ડ્રોઇંગરૂમના ખૂણામાં બનેલા બાર પાસે ચાલી જતો અને અડધી રાત સુધી ત્યાં જ બેસી રહેતો.

એ બેડરૂમમાં દાખલ થતો કે અમોલાનું બદલાયેલું રૂપ એની સામે નવેસરથી ઊઘડતું, “પગ પર કાબૂ નથી રહેતો એટલું શું કામ ઢીંચતા હશો ?”

“શટ અપ...”

“યુ શટ અપ... હું જ્યાં સુધી તમારા ઘરની આબરૂ જાળવીને બેઠી છું ત્યાં સુધી મને વતાવતા નહીં. મારી છટકશે તો મા-દીકરો બેઉંને જેલભેગા કરીશ.” અમોલા ટૂંકી નાઇટી પહેરીને સોફા પર પગ લંબાવી સિગરેટ પીતી રહેતી.

એક-બે વાર સત્યજીતે એને ટોકવાનો પ્રયાસ કરેલો, “તું મા બનવાની છો. સિગરેટથી તારા બાળક પર ખરાબ અસર થશે.”

“આ બાળક જોઈએ છે કોને ? હું તો એવો જ પ્રયત્ન કરું છું કે અબોર્શન થઈ જાય ને મારો છૂટકારો થાય.” એ હસતી. સત્યજીતને તમાચો મારી દેવાની ઇચ્છા થઈ આવતી. એ મહાપરાણે જાત પર કાબૂ રાખીને પલંગમાં પડતો ને આખી રાત પડખાં ઘસતો રહેતો.

એ કોઈ પણ રીતે અમોલાનાં આ બે રૂપને ખુલ્લાં પાડવા ઇચ્છતો હતો, પણ એને કોઈ રીતે તક નહોતી મળતી. ડ્રોઇંગરૂમમાં એની સામે કરગરતી રડતી અમોલા અને બેડરૂમમાં એના પર રીતસર દાદાગીરી કરતી અમોલા... બેની વચ્ચે સત્યજીત ફંગોળાતો રહેતો હતો.

એક સાંજે... કોણ જાણે કયા કારણસર સત્યજીત વહેલો ઘરે આવ્યો. એ ઘરમાં દાખલ થયો ત્યારે જે દૃશ્ય ચાલી રહ્યું હતું એ જોતાં જ એનું માથું ફાટી ગયું. ઠક્કર સાહેબ અને અમોલા એની મમ્મીને બેસાડીને રીતસર ધમકાવી રહ્યા હતા.

“જુઓ સોનાલીબહેન, તમારા દીકરાનું આ નાટક લાંબો વખત નથી ચાલવાનું. બહુ માથાકુટ કરશે તો હું પોલીસ ફરિયાદ કરી દઈશ. પછી બદનામી અને મુશ્કેલીઓ, જે થાય તે સહન કરવું પડશે. એટલું યાદ રાખજો.”

સોનાલીબહેન નીચું જોઈને સાંભળી રહ્યાં હતાં. સામાન્ય રીતે ગરીબ ગાય જેવી લાગતી, મોટા ભાગે રડતી રહેતી અમોલાના અવાજની રેન્જ સાંભળીને સત્યજીતને નવાઈ લાગી, “મેં તમને હજાર વાર સમજાવ્યા છે, તમારા છોકરાનું ભલું ઇચ્છતા હો તો એને સુધારો. એને ગમે કે નહીં, એણે મને પ્રેમ કરવો જ પડશે.” અમોલાના અવાજમાં એક વિચિત્ર પ્રકારની દાદાગીરી હતી. સત્યજીતને એક વાર થયું કે પોતે અંદર દાખલ થઈને આ લોકોની સામે ઊભો રહી જાય. બંને જણને ભોંઠા પાડી દે. પણ એણે એવું કર્યું નહીં. એ સમજવા માગતો હતો કે એવી કઈ મજબૂરી હતી, જે એની માને ઠક્કર સાહેબના આવા શબ્દો સાંભળવા મજબૂર કરતી હતી.

“સોનાલીબહેન, મેં અવારનવાર રવીન્દ્રભાઈને રૂપિયા ધીર્યા છે. કોઈ દિવસ પાછા નથી માગ્યા. જ્યારે એમને જરૂર પડી ત્યારે આવીને ઊભો રહ્યો છું. હવે એ નથી રહ્યા એટલે હું રૂપિયા ભૂલી નહીં જાઉં એટલું યાદ રાખજો. આપણે પૈસા ખર્ચીને ખરીદેલી વસ્તુ જો બરાબર કામ ના આપે તો આપણે દુકાનદાર પાસે જઈને વસ્તુ બદલાવીએ છીએ. તમને સાંભળીને કદાચ ખરાબ લાગશે, પણ મેં મારી હેસિયત કરતા વધારે રૂપિયા ચૂકવ્યા છે તમારા સુપુત્ર માટે...”

“ઠક્કર સાહેબ, અમોલાને પૂછી જુઓ, હું કેટલું સમજાવું છું એને. હવે એ...”

“ડેડી, એને તમારે જ સીધો કરવો પડશે. અત્યાર સુધી એ એવા ભ્રમમાં જીવે છે કે આ ઘર, ફેક્ટરી બધું એનો બાપ એના માટે છોડી ગયો છે.”

ઠક્કર સાહેબનું ભયાનક હાસ્ય આખાય ઘરમાં ગૂંજ્યું, “આ મકાનની એકેએક ઈંટ દેવામાં છે. હું ઇચ્છું ત્યારે મા-દીકરાને રસ્તા પર મૂકી દઉં એમ છું.”

“ડેડી, ખાલી ધમકી આપવાથી નહીં થાય. તમે એક વાર એને સમજાવી દો. આઇ થિન્ક એ વિના એ સીધો નહીં ચાલે.” અમોલાના અવાજમાં ડંખ હતો.

સત્યજીત ઘરમાં દાખલ થઈને એમની સામે ઊભો રહી ગયો, “સમજાવો... શું સમજાવવું છે મને ?” એણે સીધું ઠક્કર સાહેબની આંખોમાં જોયું, “કેટલું દેવું હતું રવીન્દ્ર પારેખના માથે ? મને મોર્ગેજના પેપર્સ અને ટોટલ હિસાબ જોઈએ છે.”

અણધાર્યા હુમલાને કારણે બાપ-દીકરી થોડીક ક્ષણો ડઘાઈ ગયા. સોનાલીબહેને આંસુ ભરેલી આંખે સત્યજીત સામે એવી રીતે જોયું, જાણે એને ચૂપ રહેવાની વિનંતી કરતાં હોય. સત્યજીતે એક શબ્દ બોલ્યા વિના માને ફક્ત આંખોથી જ સધિયારો આપ્યો. પછી ફરી એક વાર ઠક્કર સાહેબની આંખોમાં જોયું, “હું કાલે તમારી ઑફિસે આવીશ. મને એક એક પૈસાનો હિસાબ જોઈએ છે. તમારું એક રૂપિયાનું દેવું નથી રાખવું મારે. ઘર, ઑફિસ, ફેકટરી, જમીન- જે જોઈતું હોય તે લઈ લો, પણ એ બધાની સાથે તમારી દીકરીને પણ અહીંથી લઈ જાવ. મને રૂપિયા આપીને ખરીદ્યો છે એમ માનો છો ?” સત્યજીતનો અવાજ એટલો મોટો થઈ ગયો કે અવાજમાં તિરાડો પડી ગઈ. ફાટેલા અવાજે એ બરાડ્યો, “ગેટ લોસ્ટ, બોથ ઑફ યુ...”

ઠક્કર સાહેબે આગળ વધીને સત્યજીતને તમાચો મારવા હાથ ઉઠાવ્યો, પણ સત્યજીતે એમનું કાંડું એટલી મજબૂતીથી પકડ્યું કે ઠક્કર સાહેબ ડરી ગયા. મહામુશ્કેલીએ હાથ છોડાવીને જતા જતા એમણે ધમકી આપી, “આ બધું સારું નથી થયું. હું એવો પાઠ ભણાવીશ કે...”

“જિંદગીના બધા પાઠ હું ભણી ચૂક્યો છું. હવે મારે કંઈ શીખવા કે ભણવાનું બાકી નથી. ગેટ આઉટ...” સત્યજીત ક્રોધના આવેશમાં ધ્રૂજતો હતો. એ અમોલા તરફ ફર્યો. એની આંખોમાં ઊતરી આવેલું લોહી જોઈને અમોલા પણ એક ક્ષણ માટે ઝંખવાઈ ગઈ, “હું આજથી નીચેના બેડરૂમમાં સૂઈશ.” એણે અમોલાને જે રીતે કહ્યું એમાં આગળ દલીલની ગુંજાઈશ નહોતી, “મારા રૂમમાં આવીશ તો ટાંટિયો કાપી નાખીશ. આજ પછી મારી સાથે વાત કરવાનો પ્રયત્ન સુધ્ધાં નહીં કરતી.” એણે જોરથી લાત મારીને નજીક પડેલી ખુરશી ઉછાળી અને મોટી મોટી ડાફો ભરતો ગેસ્ટરૂમ તરીકે ઓળખાતા નીચેના બેડરૂમ તરફ ચાલી ગયો.

એ આખી રાત ગેસ્ટરૂમનો દરવાજો બંધ રહ્યો. અમોલાએ ચારેક વાર દરવાજો ખખડાવવાની કોશિશ કરી, પણ અંદરે સત્યજીતે જે વૉલ્યુમ પર ‘ગેટ આઉટ...’ની બૂમ પાડી એનાથી અમોલા સાચે જ હેબતાઈ ગઈ હતી.

અત્યાર સુધી પોતાની સાથે નમ્રતાથી અને સૌજન્યતાથી વર્તતો આ માણસ એક જ ક્ષણમાં જે રીતે બદલાયો હતો એ અમોલા માટે આશ્ચર્યજનક અને આઘાતજનક હતું.

બીજા દિવસે સવારે સત્યજીતે દરવાજો ખોલ્યો ત્યારે એ હજી રાતનાં જ વસ્ત્રોમાં હતો. એનો ચહેરો ચાડી ખાતો હતો કે એણે ખૂબ દારૂ પીધો હતો અને આખી રાત ઊંઘ્યો નહોતો.

એનાં એ જ વસ્ત્રોમાં એ સવારના સાડા નવ વાગ્યે ઠક્કર સાહેબની ઑફિસ પહોંચી ગયો. એંમની ચૅમ્બરના દરવાજાને લાત મારીને દાખલ થયા પછી એણે પિતાની સંપત્તિના તમામ પેપર્સ ઠક્કર સાહેબના ટેબલ પર ફેંક્યા, “ચલો કાઢો હિસાબ... કેટલા રૂપિયા લીધા છે મારા બાપે તમારી પાસેથી...”

ઠક્કર સાહેબને સ્વપ્નેય કલ્પના નહોતી કે સત્યજીત આવી રીતે એમની ઑફિસમાં ધસી આવશે, “કોઈ હિસાબ નથી, લખાણ-ભૂસાણ નથી... મેં તો દોસ્તી દાવે...” એ થોથવાયા...

“દોસ્ત ગયો, દોસ્તી ગઈ, એની સાથે રૂપિયા પણ ગયા ઠક્કર...” સત્યજીત આખી ઑફિસને સંભળાય એટલા ઊંચા અવાજે બોલી રહ્યો હતો, “મારી માને શાનો ધમકાવે છે ?

બાપ-દીકરીમાંથી કોઈ પણ હવે પછી મારી સાથે સહેજ પણ આડુંઅવળું વર્ત્યા છો તો હાથ ઉપાડતા પણ નહીં અચકાઉં.” એણે ઠક્કર સાહેબની આંખમાં આંખ પરોવી, “આજ પછી મારે તમને કશું આપવાનું રહેતું નથી. હું કોઈના દેવામાં નથી...”

“એટલે સાવ નાદારી...” સત્યજીતનું આ વર્તન ઠક્કર સાહેબ માટે તદૃન અકલ્પ્ય હતું, “સાઠ-સિત્તેર લાખ રૂપિયા ભૂલી જવાના ?”

“હું ભૂલી ગયો છું, તમારે યાદ રાખવા હોય તો છૂટ છે.” સત્યજીતે તદૃન નફટાઈથી કહ્યું. પછી ઠક્કર સાહેબની નજીક જઈને એક હાથે એમનો કૉલર પકડ્યો, “તારી દીકરીને મારે ઘેર રાખવી હોય તો સીધો રહેજે ઠક્કર... બાકી બિસ્તરા-પોટલા અને પેટમાં છોકરાં સાથે દસ મિનિટમાં તારે ઘેર ઉતારી દઈશ.” એ જેવો આવ્યો હતો એવો જ મોટી મોટી ડાફો ભરતો ઑફિસની બહાર નીકળી ગયો.

એને જતો જોઈ રહેલા ઠક્કર સાહેબને ઍરકન્ડિશન ચૅમ્બરમાં પરસેવો વળવા માંડ્યો. એમનો ડાબો હાથ ખોટો પડવા માંડ્યો. આખી ઑફિસ ગોળ ગોળ ફરતી લાગી. એ પોતાની રિવૉલ્વિંગ ચૅરમાં ફસડાઈ પડ્યા. છાતીએ હાથ દાબતા એમણે જોરથી બૂમ પાડી, “હેલ્પ... હેલ્પ...”

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

ATULKUMAR PATHAK

ATULKUMAR PATHAK 2 માસ પહેલા

Sanjay

Sanjay 3 માસ પહેલા

Suchita

Suchita 3 માસ પહેલા

Jigna

Jigna 5 માસ પહેલા

Mayur

Mayur 8 માસ પહેલા