સત્ય અસત્ય - પ્રકરણ - 19 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 19

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૯

પ્રિયંકાનો અવાજ સાંભળીને સત્યજીત સ્તબ્ધ થઈ ગયો.

“તું... તું ક્યારે આવી ?”

“ત્રણ વીક થયાં. કાલે જાઉં છું. તને મળવું છે.” એણે બધું એક જ શ્વાસમાં કહી નાખ્યું.

“હા !” એ અન્યમનસ્ક હતો, “ક્યાં મળીશું ?”

“કૉફીશોપ ?”

સત્યજીતે બીજી કોઈ વાતો કર્યા વિના ફોન મૂક્યો. એનું હૃદય જાણે ગળામાં આવીને ધબકતું હોય એવું લાગતું હતું. ચારેક વાર શર્ટ બદલીને એ તૈયાર થયો ત્યારે પલંગમાં પડેલી અમોલા એની સામે જોઈ રહી હતી, “કોનો ફોન હતો? ક્યાં જવાનું છે ?”

“એક... એક બિઝનેસ મિટિંગ છે.” એણે અમોલા સામે જોવાનું ટાળ્યું.

“જે બિઝનેસ મિટિંગમાં તું જાય છે એ કંપની તો ટેકઑવર થઈ ગઈ.” એ હસીને પલંગમાં બેઠી થઈ, “તારી પ્રિયંકાનાં લગ્ન થઈ ગયાં.” સત્યજીતને કોઈએ તમાચો માર્યો હોય એવી લાગણી થઈ. પ્રિયંકા પરણી જાય અને પોતાને ખબર સુધ્ધાં ના આપે ? એણે અમોલા સામે અવિશ્વાસથી જોયું, “આદિત્ય નામ છે એના વરનું.... આદિત્ય પટેલ, ન્યૂજર્સીમાં રહે છે... આજે પાછી જવાની છે.”

“તને... તને કેવી રીતે ખબર ?”

“મારા વરની ગર્લફ્રેન્ડ વિશે ખબર તો રાખવી પડે ને ?” એ ખંધુ હસી રહી હતી. ઊભી થઈને સત્યજીત પાસે આવી. એના ગળામાં હાથ નાખ્યા અને એક ચુંબન કર્યું, “મારું આવનારું બાળક બધા સારા સમાચાર લઈને આવ્યું છે.”

“મારે એ વિશે વાત નથી કરવી.” સત્યજીતે એના હાથ ગળામાંથી કાઢી નાખ્યા, “તેં મને છેતર્યો છે.”

“નહીં તો બીજું શું કરું ? તને બાંધવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો હતો ? કાલે ઊઠીને તું મને કાઢી મૂકે તો હું ક્યાં જાઉં ?” એણે ભોળપણની એક્ટિંગ કરી.

“બાળક સાથે નહીં કાઢી મૂકું એવી કોઈ ખાતરી છે ?”

“હવે હું તને કાઢી મૂકીશ.” એણે સત્યજીતનું શર્ટ બંને હાથે કૉલરમાંથી પકડી લીધું. એની એકદમ નજીક આવીને આંખમાં આંખ પરોવી, “થોડા વખતમાં આ ઘરમાં હું કહીશ એ જ થશે. તારી મમ્મી જાતે પોતે તને ઘરમાંથી કાઢી મૂકે એવાં મહોરાં ગોઠવતા મને આવડે છે.”

“ગોઠવ... ગોઠવ્યા કર ને રમ એકલી.” પોતાનું શર્ટ એક જ ઝાટકામાં છોડાવીને સત્યજીત ઓરડાની બહાર નીકળી ગયો. એ નીચે પહોંચ્યો ત્યારે સોનાલીબહેને વિચિત્ર નજરે એની સામે જોયું. એમને અવગણીને એ નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયો. એની પ્લેટમાં ટોસ્ટ મૂકીને ઓરેન્જ જ્યુસ ગ્લાસમાં રેડતાં સોનાલીબહેને સીધું જ પૂછી નાખ્યું.

“પ્રિયંકાને મળવા જાય છે ?”

“હા.”

“અમોલાને પૂછ્‌યું ?”

અત્યાર સુધી પોતાની જાત પર કાબૂ રાખીને સલુકાઈથી વર્તી રહેલા સત્યજીતને અચાનક ક્રોધ આવી ગયો. એણે ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ઉઠાવી સામે ભીંત પર છૂટ્ટો ફેંક્યો, “મારે કેમ જીવવું અને શું કરવું એ વિશે મારે અમોલાને પૂછવાની કોઈ જ જરૂર નથી, સમજી ?” એ ખાધા-પીધા વિના ઘરની બહાર નીકળીને ગાડીમાં બેસી ગયો.

કૉફીશોપ સુધી પહોંચતા એના મનમાં હજાર વિચારો આવી ગયા. એણે માંડ માંડ પોતાની જાત પર કાબૂ મેળવ્યો.

મૂડ બને તેટલો સુધારવાનો પ્રયાસ કરી એ કૉફીશોપમાં દાખલ થયો ત્યારે પ્રિયંકા સામે જ બેઠી હતી.

જીન્સ અને શર્ટ પહેરીને બેઠેલી પ્રિયંકા સવા વર્ષમાં સહેજે નહોતી બદલાઈ.

“આવીને ફોન ના કર્યો ?” સત્યજીતે એની સામે ગોઠવાતા સીધું જ પૂછી નાખ્યું.

“થોડી બિઝી હતી.”

“લગ્નની તૈયારીઓ કરવામાં ?” સત્યજીતના અવાજમાં ઘણું દબાવવા છતાં પણ ચીડ છલકાઈ ગઈ, “મને જણાવવાની પણ જરૂર ના લાગી તને ?”

“જણાવવા જ આવી છું.” એણે સ્મિત કર્યું. એ શાંત હતી. એણે સત્યજીતના હાથ પર હાથ મૂક્યો અને થપથપાવ્યો, “હું દોસ્ત છું તારી... દોસ્ત તો રહીશ જ. તું ઇચ્છે કે નહીં.”

“ફાલતુ વાત નહીં કર. આપણી વચ્ચે દોસ્તી શક્ય જ નથી.” કોણ જાણે કેમ, સત્યજીતને નાના બાળકની જેમ રડવું આવતું હતું. રડવું દબાવવા જતા ક્રોધ છલકાતો હતો. એ સમજી નહોતો શકતો કે એણે પ્રિયંકાને કહેવા માટે તો કંઈક બીજું જ નક્કી કરેલું. એમાંથી એ આ વાત કેવી રીતે કરવા માંડ્યો !

“આદિત્ય પણ મારો દોસ્ત હતો. લગ્ન પછી પણ અમે બહુ સારા દોસ્તો છીએ. એ પણ તને મળવા માગે છે.”

“મારે નથી મળવું એને.”

“કમ ઓન સત્યજીત, શું થઈ ગયું છે તને ?”

એને કહેવું હતું, “તને કોઈ ફેર પડે છે ? મારી જિંદગી ઝેર થઈ ગઈ છે. એક પળ માટે પણ સુખનો શ્વાસ નથી લઈ શકતો. મારું ઘર મને ખાવા ધાય છે. બેડરૂમમાં પગ મૂકવાની ઇચ્છા નથી થતી. અમોલા અજગરની જેમ વીંટળાઈ છે મારા ગળામાં. રોજ વધારે ને વધારે ભરડો લે છે...” એને બદલે એણે કહ્યું, “મારી પાસે ટાઇમ નથી. મારી વાઇફ પ્રેગનન્ટ છે. એને લઈને ડૉક્ટરને ત્યાં જવાનું છે. તારા હસબન્ડને કહેજે ફરી ક્યારેક મળીશું.” એ ઊભો થવા જતો હતો.

પ્રિયંકાની આંખો ભરાઈ આવી, “તું સુખી છે ને ? મારે તો એટલું જ જાણવું છે.”

“ખૂબ સુખી છું. સરસ છોકરી છે અમોલા. ખૂબ પ્રેમ કરે છે મને. મારું ધ્યાન રાખે છે...”

“સાચું કહે છે ?”

“અને હા, મારી દરેક વાતમાંથી સાચું-ખોટું શોધવાનો પ્રયત્ન તો નથી જ કરતી...” સત્યજીત થોડીક ક્ષણો માટે પ્રિયંકાની આંખોમાં જોઈ રહ્યો અને કૉફીશોપની બહાર ચાલી ગયો. પ્રિયંકા ત્યાં જ બેઠી રહી. લગભગ પોણો કલાક પછી આદિત્ય આવ્યો ત્યારે પ્રિયંકા એકલી બેઠી હતી.

આદિત્યને જોતાં જ પ્રિયંકાનું ડૂસકું છૂટી ગયું, “એણે બહુ ખરાબ વર્તન કર્યું. હું હવે એને ક્યારેય નહીં મળું.”

“ગુસ્સામાં હોઈએ ત્યારે કોઈ નિર્ણય ન લેવા.” આદિત્યએ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પ્રિયંકાની આંખો લૂછી. કૉફીશોપમાં બેઠેલા લોકો એને જોઈ રહ્યા હતા, “જો પ્રિયંકા, એને હક છે એનો ગુસ્સો ઠાલવવાનો. એની જગ્યાએ હું હોઉં તો કદાચ આમ જ કરું.”

“તું એનો પક્ષ શા માટે લે છે ?”

“કારણ કે હું પુરુષ છું. એના મનની વાત સમજી શકું છું...” એણે બે કૉફીનો ઑર્ડર આપ્યો, પ્રિયંકાની સામે જોયું અને સ્મિત કર્યું, “તું એનાથી જે રીતે છૂટી પડી એનો ડંખ એ ક્યારેય નહીં ભૂલી શકે. એ તને જેટલી વાર મળશે એટલી વાર એનો ડંખ તાજો થઈ આવશે. ફરી એ જ કડવાશ, એ જ બિટરનેસ એને યાદ આવશે.”

“તો તારે મને પહેલાં કહેવું હતું, હું એને મળવા જ ન આવત.”

“ત્યારે કહેત તો કદાચ તને એવું લાગત કે મારામાંનો પતિ તને રોકે છે.”

“તું આટલું બધું શા માટે વિચારે છે આદિત્ય...”

“કારણ કે તને પ્રેમ કરું છું, ખૂબ ચાહું છું તને, પણ ભૂલેચૂકેય તારો માલિક નથી બનવા માગતો. તું મને જેવી મળી હતી એવી જ મુક્ત, ખુશખુશાલ અને સ્વતંત્ર જિંદગીભર રહી શકે એવો પ્રયત્ન કરવા માગું છું. મારે પાંજરું નથી બનાવવું, માળો બાંધવો છે તારી સાથે...”

“આઇ લવ યુ આદિત્ય... આઇ રિયલી લવ યુ...”

“તને ખબર છે આજે તેં મને પહેલી વાર લવ યુ કહ્યું... અને એ પણ એટલા માટે, કારણ કે તારો બોયફ્રેન્ડ તને ધમકાવીને જતો રહ્યો.” આદિત્યએ મજાક કરી.

“શટ અપ.”

“ઓ.કે. મેડમ.” એણે કહ્યું અને પ્રિયંકા ભીની આંખે જ હસી પડી.

“આદિત્ય, મારા દાદાજી હંમેશાં કહેતા કે ઈશ્વર જ્યારે તમારી પાસેથી એક વસ્તુ લઈ લે ત્યારે તમને આપવા માટે એનાથી વધુ સારી અને તમને જેની વધુ જરૂર હોય એવી વસ્તુ એણે તૈયાર જ રાખી હોય છે. એ આવું કહેતા ત્યારે માન્યામાં નહોતું આવતું, પણ અત્યારે, આ પળે સમજાય છે કે એ સાચું કહેતા હતા.” આદિત્યએ કશું જ બોલ્યા વિના આછી આછી મહેંદી દેખાતી હતી એવો પ્રિયંકાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને એની સામે જોઈ રહ્યો.

*

બંને જણા નુઆર્ક એરપોર્ટ પર ઊતર્યા ત્યારે પ્રિયંકા જાણે પિયરને, અમદાવાદને, સત્યજીતને, એના ભૂતકાળને અને વીતેલાં બધાં જ વર્ષોને પાછળ છોડી આવી હતી. નવેસરથી કોરી પાટીમાં એણે એક સંબંધના અક્ષર પાડવાની શરૂઆત કરી. થોડાક જ મહિનાઓમાં એ બંને એકબીજાને એટલું સમજતા થઈ ગયા કે આદિત્યનો ફોન આવે ને એનું ‘હલો’ સાંભળીને પ્રિયંકા જવાબ આપી દે, “હું આજે જ નીકળું છું.”

ને પ્રિયંકા ક્યારેક ઉદાસ હોય તો આદિત્યને જણાવે તે પહેલાં આદિત્ય પિત્ઝા લઈને એના સ્ટુડિયો અપાર્ટમેન્ટ પર હાજર થઈ ગયો હોય. ચાર કલાકથી પણ વધુ ડ્રાઇવ કરીને ન્યૂજર્સીથી બોસ્ટનને બોસ્ટનથી ન્યૂજર્સી પહોંચી જવું એમને માટે જાણે રમત વાત થઈ ગઈ હતી.

સાચું જ કહ્યું છે, બે અંતરો જ્યારે એક થઈ જાય ત્યારે ભૌગોલિક અંતરનો કોઈ અર્થ રહેતો નથી. પ્રિયંકાનું છેલ્લું સેમિસ્ટર શરૂ થયું કે તરત જ આદિત્યએ ન્યૂજર્સીમાં હાઉસ લઈ લીધું. ફર્નિચર, કર્ટન્સ કશું જ વસાવવાનું બાકી નહોતું. પ્રિયંકા જે દિવસે ઘરમાં દાખલ થઈ એ દિવસે આદિત્યએ હાથમાં આરતી લઈને દરવાજા ઉપર એને પોંખી. ઘરની ચાવી એના હાથમાં આપી, “આજથી તું મારી ગૃહલક્ષ્મી છે.” એણે કહ્યું.

પ્રિયંકાને લાગ્યું કે એ એક સપનું જીવી રહી છે. હવે આંખ ઊઘડે જ નહીં એમ આ સપનાને છેલ્લા શ્વાસ સુધી જીવી નાખવાનું એણે નક્કી કરી લીધું.

(ક્રમશઃ)