Chumbkiy Tofan - 4 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૪)

4. ચુંબકીય ધ્રુવોનો પલટો

આજે ૧૩ જુલાઇ, ૨૦૪૦નો દિવસ હતો. અમેરિકાના પ્રેસિડન્ટ સાથે દુનિયાના ટોચના ૧૦૦ વૈજ્ઞાનિકોની મીટિંગ ચાલુ હતી. અમેરિકાના પ્રેસિડન્ટ એમની સ્પીચ આપવા ઉભા થયા. પ્રેસિડન્ટ ઉભા થયા કે તરતજ તેમની આજુબાજુની ત્રણેય બાજુની દિવાલો પર મોટી સાઇઝની ૨૫ થી વધુ સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન ઝબકી ઉઠી. પ્રેસિડન્ટ અને બધા વૈજ્ઞાનિકો એક વિશાળ કોન્ફરન્સ રૂમમાં હતાં. અચાનક બધી સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન્સ પર વિશ્વના ટોચના ૨૫ દેશોના પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર હાજર હતાં. અર્જુને ફટાફટ બધી સ્ક્રીન્સ પર નજર નાખી. તેના જમણા હાથની દિવાલે ત્રીજા નંબરની સ્ક્રીન પર ભારતના પ્રાઇમ મિનિસ્ટર પણ આ વિડિયો કોન્ફરન્સીંગમાં હાજર હતાં. હજી સુધી આ બધું ટોપ સિક્રેટ રાખવામાં આવ્યું હતું એટલે બધા દેશોના પ્રાઇમ મિનિસ્ટર સિવાય કોઇનેય આ બાબતની જાણ ન હતી. પરંતુ આ સિક્રેટ બાબત ચેતવણીસૂચક જ હોવી જોઇએ, નહી તો આટલી ધમાલ કરવામાં આવે નહી.

અમેરિકાના પ્રેસિડન્ટે એમની સ્પીચ ચાલુ કરી.

“ગુડ આફટરનૂન લેડીઝ એન્ડ જેન્ટલમેન. આપ કેવું અનુભવશો જો હું એમ કહું કે આપણે પૃથ્વીના આખરી દિવસોની મજા માણી રહ્યાં છીએ. આપણી આ પૃથ્વી માતા હવે તબાહ થવાની છે.”

થોડીવાર હોલમાં શોરબકોર થઇ ગયો. બધા માટે આ વજ્રાઘાત હતો. બધા વૈજ્ઞાનિકો અંદર અંદર ચર્ચાઓ કરવા લાગ્યા. બધા દેશોના પ્રાઇમ મિનિસ્ટરો પણ બેબાકળા બની ઉઠ્યા.

અમેરિકાના પ્રેસિડન્ટે એમની વાત આગળ ચલાવી.

“મિત્રો, મારી પાસે એવા ડેટા છે કે જે ચેતવણીસૂચક છે. છેલ્લા દસેક દિવસથી દુનિયાભરના દેશોમાં એવી ઘટનાઓ બની રહી છે જે આપણને આ ચેતવણીઓના પુરાવાઓ આપે છે. વધુ સમય ન વેડફતા સીધો મુદ્દા પર આવું. મારી પાસેના ડેટા હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. જેથી આપ પણ પૃથ્વી પર બની રહેલી ઘટનાઓથી અવગત થાવ. આ વખતનું ચોમાસુ અમેરિકા માટે ભયાનક રહ્યું છે. અમેરિકામાં આવતાં કુલ ટોરનેડોની સંખ્યામાં આ વર્ષે જ ૨૪% નો વધારો થયો છે. અમેરિકામાં દર વર્ષે પડતી સરેરાશ વીજળી કરતાં આ વખતે ૩૬% વીજળી વધુ ત્રાટકી છે. જેણે ઓગણીસ જણનો ભોગ લીધો છે. દુનિયાભરમાંથી રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે દિશાશોધન યંત્રો બરાબર કામ નથી આપી રહ્યાં. લાંબી ઉડાનના વિમાનો કોઇ અગમ્ય કારણોસર પોતાના સિગ્નલ્સ મધરસ્તે ખોઇ રહ્યાં છે. માત્ર પ્લેન્સ જ નહી અન્ય પ્રકારના નેવીગેશન પણ ઠપ થઇ રહ્યાં છે. દક્ષિણ અમેરિકા ખંડના બ્રાઝીલ, ચીલી અને ઉરૂગ્વેમાંથી પારેવડાઓના રસ્તે ચાલતા વાહનો સાથે અથડાવાના સમાચાર આવી રહ્યાં છે. ગઇકાલે ઉરૂગ્વેના પાટનગર મોન્ટેવીડીયોમાં હાઇવે પર ધુમ્મસ છવાયેલું હતું અને અચાનક ઋતુપ્રવાસી પંખીડાઓ ગાડીઓ સાથે અથડાવા લાગ્યાં. જેનાથી એક પછી એક ગાડીઓ ટકરાવાથી ઘણો મોટો અકસ્માત થયો. વિશ્વના ઘણા દેશોમાં ગુગલની ડ્રાઇવર વગરની ઓટોમેટીક કાર જાહેર પરિવહનનો હિસ્સો છે, એ કારે કામ કરવાનું બંધ કરી દીધું છે. સ્કેન્ડેનેવીયન દેશોમાં સ્વીડનની વોલ્વો કંપનીની ઓટોમેટીક કાર સફળતાથી પાંચ વર્ષથી ચાલે છે એ પણ ઠપ થઇ ગઇ છે. માત્ર ગાડીઓ જ નહી લગભગ તમામ સ્વયંસંચાલીત સાધનો કામ કરતાં બંધ થઇ ગયાં છે. અનેક દેશોના સેટેલાઇટસ પણ એક પછી એક કામ કરવાનું બંધ કરી રહ્યાં છે. માત્ર મજબુત સેટેલાઇટસ હજી સુધી ટકી રહ્યાં છે. અતિ ઉચ્ચ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફીલ્ડ ધરાવતા સેટેલાઇટ બચ્યા છે પણ ૫૦% થી વધુ સેટેલાઇટ્સ એમની કામગીરી ખોઇ બેસ્યાં છે”

આટલું બોલી પ્રેસિડન્ટની પાછળની વિશાળ દિવાલ પરની થિયેટર સાઇઝની સ્ક્રીન ચાલુ થઇ. એમાં સેટેલાઇટ્સની બળી ગયેલી સર્કીટ્સના ફોટોગ્રાફ સેટેલાઇટસ પરના જ અમુક કેમેરાએ ક્લીક કરેલા એ ફોટો બતાવ્યાં. કેટલાક કેમેરા પોતે જ બળી ગયેલાં પણ વર્કીંગ કેમેરાના ફોટોગ્રાફ્સ પરિસ્થિતિનો ચિતાર આપતા હતાં. ઉરૂગ્વેમાં થયેલા અકસ્માતોનો પણ ફોટોગ્રાફ એ વિઝ્યુઅલ્સમાં હતો.

પ્રેસિડન્ટે એમની સ્પીચ ચાલુ રાખી.

“આ બધું થવાનું કારણ હજી સુધી કોઇ દેશ સમજી શક્યો નથી. અમેરિકાના ડૉ.જહોન સ્મિથ અને ભારતના ડૉ.અર્જુનના ગરમ પાણીના ઝરાઓ અને ભુગર્ભ ફુવારાઓ પર કરેલ સંશોધનને આધારે એટલું જાણવા મળ્યું છે કે પૃથ્વીના પેટાળમાંથી હદથી વધારે ઉર્જા બહાર આવી રહી છે, જે થવું જોઇએ નહી. પરંતુ આમ થવાનું ટેકનીકલ કારણ આપણને મળી શક્યું નથી. આ શું થઇ રહ્યું છે એ આપણને ખબર નથી. પરંતુ જે કંઇ થઇ રહ્યું છે એ સારૂં નથી થઇ રહ્યું. અને આ જે કંઇ થઇ રહ્યું છે એની ઝડપ ઘણી જ વધારે છે. આ વાત આપણને સૌને પરેશાન કરી રહી છે. પૃથ્વીની ભુગર્ભ ઉર્જા બહાર આવી રહી હોવાની થિયરી સામે આવ્યાં પછી અમે વિશ્વના તમામ જ્વાળામુખી, ભુકંપ સેન્સીટીવ ઝોન અને સુનામી એલર્ટ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું. એમાં છેલ્લા બે દિવસમાં કંઇક આવી જાણકારી મળી છે. વિશ્વનાં ઘણાબધા દેશોમાં જ્વાળામુખી હલચલ દેખાઇ રહી છે, જેમાં ઇટાલીનો ‘માઉન્ટ વિસુવીયસ’, ઇન્ડૉનેશીયાના જાવા અને સુમાત્રાની વચ્ચે આવેલ ‘ક્રાકાટોઆ’ અને ઇન્ડૉનેશીયાનો જ ‘માઉન્ટ તંબોરા’ તથા હવાઇ ટાપુનો ‘માઉના લોઆ’ મુખ્ય છે. આ જ્વાળામુખીઓ વહેલા-મોડા ફાટવાના છે એવું ભૂસ્તર નિષ્ણાતો માની રહ્યાં છે. અમેરિકાના ટોચના ભૂસ્તર નિષ્ણાતોની એક ટીમે પૃથ્વીના પેટાળમાં ભૂસ્તરીય પ્લેટોનું હલનચલન નોંધ્યું છે. આ ટીમના ડેટા મુજબ હિમાલય નીચેની યુરેશિયન ભુસ્તરીય પ્લેટ અને કેલીફોર્નિયાની ભૂસ્તરીય પ્લેટ, જેને સાન-એન્ડ્રીઆઝ ફોલ્ટ નામે ઓળખવામાં આવે છે, એ બંનેમાં ખતરનાક હદે ફેરફારો જણાઇ રહ્યાં છે.”

વાક્ય પુરૂ કરી પ્રેસિડન્ટે સાન-એન્ડ્રીઆઝ ફોલ્ટનો ફોટો સ્ક્રીન પર બતાવ્યો.

“હવે સૌથી છેલ્લો પણ સૌથી અગત્યનો ડેટા. પૃથ્વી પરના સૌથી નિર્જન ખંડ એવા એન્ટાર્કટીકા પર અમેરિકાની ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. આજે સવારે જ એ ટીમ તરફથી ન્યુઝ મળ્યા કે એન્ટાર્કટીકા ખંડમાં અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી તિરાડ પડી છે અને એ તિરાડ છેક થી છેક સુધી સળંગ છે. મતલબ કે એન્ટાર્કટીકા ખંડ હવે એક નથી રહ્યો. આ મોટી તિરાડે એને બે ભાગમાં વિભાજીત કરી દીધો છે. અને નાસાના સેટેલાઇટ્સે આજે સવારે જ આ ન્યુઝને સમર્થન આપ્યું છે. આ જુઓ......”

એમ કહીને પ્રેસિડન્ટે વિશાળ સ્ક્રીન પર એન્ટાર્કટીકાનો સેટેલાઇટ ફોટો બતાવ્યો. ખરેખર એન્ટાર્કટીકા ખંડની વચ્ચોવચથી મોટી આડી તિરાડ પડી હતી જેણે એ ખંડને ચીરી નાંખ્યો હતો. એન્ટાર્કટીકા ખરેખર બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. એની તિરાડમાંથી સમુદ્રનું પાણી દેખાઇ રહ્યું હતું. વૈજ્ઞાનિકોમાં શોરબકોર શરૂ થઇ ગયો. વિશ્વના તમામ નેતાઓના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી.

થોડોક સમય અટક્યા બાદ એક ખોંખારો ખાઇને પ્રેસિડન્ટે એમની સ્પીચ આગળ વધારી.

“હું કોઇ વર્લ્ડ લીડર નથી એટલે કોઇના પર હુકમ ન કરી શકું પણ તમને સૌને એક વિનંતી જરૂર કરી શકું કે, અહીં જે પણ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યાં છે એ એમના ક્ષેત્રના ટોચના વૈજ્ઞાનિકો છે. આપણે એમને સાથે મળીને એક ટીમ તરીકે કામ કરવાની સગવડ આપીએ અને આ સમસ્યાનું સમાધાન એ શોધી કાઢે અને આપણી પૃથ્વીને બચાવી લે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ તમામને આ વર્લ્ડ ટીમના પ્રતિનિધી બનાવવામાં આવે છે. તમારા દેશમાં એમને સંપુર્ણ સહકાર મળે એ રીતે એમના હાથ નીચે દેશના અન્ય સંશોધકોએ કામ કરવાનું રહેશે. આ પ્રતિનિધી વર્લ્ડ ટીમ સાથે સતત સંપર્કમાં રહેશે અને પૃથ્વીને બચાવવાના ઉપાયો તલાશશે. હું પણ આ ટીમની સલાહ મુજબ પૃથ્વીને બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધરીશ. અને તમને સૌને પણ સલાહ આપીશ કે આ ટીમની સલાહ મુજબ તમારા દેશોમાં પણ કાર્યવાહી કરજો. મહેરબાની કરીને આ ભગીરથ કાર્યમાં મને સહકાર આપજો. હવે પૃથ્વીનું ભવિષ્ય આ ભેજાબાજ વૈજ્ઞાનિકોના હાથમાં છે. Thank You.”

અમેરિકાના પ્રેસિડન્ટે ગંભીર અવાજે પોતાનું વક્તવ્ય પુરૂ કર્યું. પ્રેસિડન્ટ આગળ આવ્યા અને અર્જુન સહિત ઘણા વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યા. તરત જ બોડીગાર્ડસ એમને ઘેરી વળ્યા અને પ્રેસિડન્ટ વ્હાઇટ હાઉસ જવા રવાના થયા. આ બાજુ પેલા ૧૦૦ ભેજાબાજોની અંદર અંદર ચર્ચાઓ ચાલી. એમની સાથે અમેરિકાના ડીફેન્સ સેક્રેટરી હાજર હતાં. પૃથ્વીને બચાવવાની ગાડી કયા પાટા પર આગળ ચલાવવી એ ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. જોકે હજી સુધી ટીમને સમસ્યા વિશે જ ઝાઝી ખબર ન હતી. મોટાભાગના વૈજ્ઞાનિકો એ વાત સાથે સહમત હતાં કે આ ગ્લોબલ વોર્મિંગની જ માઠી અસરો વર્તાઇ રહી છે. પરંતુ આખરે પૃથ્વીના પેટાળમાં થઇ શું રહ્યું હતું? એ વિશે તમામ અજાણ હતાં. એમાંથી મોટાભાગના ગ્લોબલ વોર્મિંગના કારણ સાથે સહમત હતાં પણ એક-બે વૈજ્ઞાનિકોનું માનવું હતું કે પૃથ્વી પર ફરીથી હિમયુગ આવી રહ્યો છે. પૃથ્વીની બધી ભુગર્ભ ઉર્જા ભુકંપ અને જ્વાળામુખી સ્વરૂપે બહાર નીકળી જશે એટલે પૃથ્વી આપોઆપ ઠંડી પડશે. આ ગ્લોબલ કૂલીંગ વાળી થિયરી તરફ દસેક વર્ષ પહેલાં અર્જુને જ વિશ્વનું ધ્યાન દોર્યું હતું એટલે બધાનું માનવું હતું કે અર્જુન પણ ગ્લોબલ કૂલીંગના મત તરફી હશે. બધા પોતપોતાના વિચારો પ્રગટ કરી રહ્યાં હતાં. એકમાત્ર અર્જુન ઉંડા વિચારોમાં ખોવાયેલો હતો. એનાં ચહેરા પર પણ દહેશતનો ભાવ હતો. અર્જુન વિશ્વના ફલક પર જાણીતો વૈજ્ઞાનિક હતો એટલે બાકીના વૈજ્ઞાનિકોને પણ એના મંતવ્યનો ઇંતેજાર હતો. ડૉ.સ્મિથે અર્જુનનું મંતવ્ય પુછ્યું.

“તમારામાંથી નાસામાંથી કોણ છે?” અર્જુને કોઇપણ પ્રશ્નનો જવાબ આપ્યા સિવાય સીધું ત્યાં ઉપસ્થિત સૌને પુછ્યું.

“અમે બંને નાસામાંથી છીએ.” બે વૈજ્ઞાનિકોએ પ્રત્યુત્તર આપ્યો.

“શું તમે વાન-એલન બેલ્ટમાં કોઇ ફેરફાર થયો છે કે નહી એ ચેક કર્યું? મારે વાન-એલન બેલ્ટનો ડેટા જોઇએ છે. છેલ્લા એકાદ દિવસમાં કે એકાદ અઠવાડીયામાં વાન-એલન બેલ્ટમાં સામાન્યથી સામાન્ય ફરક પણ પડ્યો હોય તો મારે એની તીવ્રતા જોવી છે.” અર્જુને થોડા ઉત્તેજીત સ્વરમાં કહ્યું.

“હા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવા લાગ્યા એવું પહેલાં જ અમે વાન-એલન બેલ્ટ ચેક કર્યો પણ એમાં કોઇ ખાસ ફેરફાર જણાતો નથી.” નાસાના બે માંથી એક વૈજ્ઞાનિકે કહ્યું.

“ઓકે. બની શકે કે ફેરફાર ખુબ સામાન્ય હોય અથવા તો હવે ફેરફાર દેખાય. તમે પ્લીઝ વાન-એલન બેલ્ટ પર નજર રાખજો અને મને એમાં સામાન્યથી અતિ સામાન્ય ફેરફારની નોંધ પણ આપતા રહેજો. મને દહેશત છે કે......” અર્જુને થોડા ચિંતિત સ્વરે બોલેલું વાક્ય અધૂરૂં રાખ્યું.

વાન-એલન બેલ્ટ અવકાશમાં ફેલાયેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો નકશો છે. દરેક ચુંબકને એની ક્ષેત્ર રેખાઓ હોય છે અને એના પર લોખંડનો ભૂકો ભભરાવો તો એ ભૂકો ચોક્કસ પેટર્નમાં ગોઠવાય છે. આ પેટર્ન જ ચુંબકની અદ્રશ્ય ચુંબકીય ક્ષેત્રરેખાઓનું દ્રશ્ય સ્પષ્ટ કરે છે. પૃથ્વી પણ એક મોટું ચુંબક જ છે. આ મોટા ચુંબકની ક્ષેત્રરેખાઓ પણ અવકાશમાં મોટા ક્ષેત્રમાં પથરાયેલી હોય છે. આ ક્ષેત્રરેખાઓના સમૂહને વાન એલન બેલ્ટ કહે છે. અમેરિકન ભૌતિક વિજ્ઞાની જેમ્સ વાન એલનના નામ પરથી એને વાન-એલન બેલ્ટ એવું નામ આપવામાં આવ્યું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું સ્ટ્રોંગ છે અને અવકાશમાં ક્યાં સુધી ફેલાયેલું છે એ વાન-એલન બેલ્ટ પરથી નક્કી કરી શકાય છે. વાન-એલન બેલ્ટ પૃથ્વીનું રક્ષણાત્મક આવરણ પણ છે. સુર્યમાંથી આવતા હાનીકારક વિદ્યુતભારીત કણો (charged particles) એ બેલ્ટના કારણે જ સીધા આપણા સુધી આવી શકતા નથી. આ વિદ્યુતભારીત કણોના અથડાવાથી જ અદ્રશ્ય એવા વાન-એલન બેલ્ટનું અસ્તિત્વ સ્પષ્ટ જાણી શકાય છે. આ વિદ્યુતભારીત કણ વાન-એલન બેલ્ટના લીધે ગળાઇને બેલ્ટના કિનારા પાસે અર્થાત ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે છે અને એટલે જ એ પ્રદેશોમાં રાત્રે આકાશમાં કુદરતી આતશબાજી જોવા મળે છે. આ વિદ્યુતભારીત કણો વાતાવરણ સાથે પ્રતિક્રિયા કરી પ્રકાશ ઉત્પન્ન કરે છે. એવો લાલ-પીળો અને મુખ્યત્વે તો લીલો પ્રકાશ ત્યાંના આકાશમાં મન મુકીને વિખેરાય છે. જાણે રંગબેરંગી પ્રકાશના પડદા લહેરાતા હોય એમ આકાશમાં સુંદર દ્રશ્યો જોવા મળે છે. આ પ્રકાશને અરોરા બોરિયાલીસ કહે છે.

...... તો અર્જુનને દહેશત હતી કે ક્યાંક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂળભુત લેવલે જ મતલબ કે પૃથ્વીના પેટાળમાં જ કંઇક ફેરફાર થતો હોવો જોઇએ. જો એમ હશે તો વાન એલન બેલ્ટમાં કંઇક ફેરફાર જરૂર નોંધાશે. અર્જુનની વાતથી હોલમાં બે ઘડી શાંતિ છવાઇ.

“અર્જુન, આખરે તને કઇ વાતની દહેશત છે?” ડો.સ્મિથે અર્જુનને પુછ્યું.

અર્જુન થોડો સ્વસ્થ થયો. એણે બોલવાનું શરૂ કર્યું.

“આપણી પૃથ્વીએ એના અસ્તિત્વથી લઇને અત્યાર સુધી કેટલી વાર પ્રલયનો સામનો કર્યો હશે? કંઇ કેટલીય પ્રજાતિઓનું અસ્તિત્વ પૃથ્વી પરથી ભુંસાઇ ગયું. કંઇ કેટલીય વખત પૃથ્વી પર હિમયુગ આવી ગયો. એમાંથી વૈશ્વિક કહી શકાય એવી મોટા પાયાની તબાહી (mass destruction) ડાઇનાસોર યુગની ગણી શકાય. મોટેભાગે આ પ્રલય માટે મોટા ઉલ્કાપિંડના ટકરાવને કારણભૂત માનવામાં આવે છે. પણ મારા મનમાં જે ચાલી રહ્યું છે એના વિચારબીજ તરફ એટલે કે હું તમારા સૌનું ધ્યાન દોરવા માગીશ. એક ઓછી જાણીતી થિયરીના સંશોધનોનો સાર એ છે કે ઉલ્કાપિંડ કે ધૂમકેતૂ દ્વારા ડાઇનાસોરોનો સફાયો થયો નથી પણ એક એવી આફત, જે આપણા માટે નવી છે, ના દ્વારા સફાયો થયો હતો. તો.. આ સંશોધનોનનો મુખ્ય વિષય હતો, ‘ચુંબકીય ધ્રુવોનો પલટો’….”

‘ચુંબકીય ધ્રુવોનો પલટો’ …એ વાક્ય સાંભળતા જ બાકીના વૈજ્ઞાનિકો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યાં.

અર્જુને વાત આગળ ચલાવી.

“જુઓ. પૃથ્વીના પેટાળમાં તેના ગર્ભ ભાગમાં ગરમ લાવા અને ધાતુના પીગળેલા લાવા કે મેગ્મા, જેને મેન્ટલ કહે છે, સતત ફરતો રહે છે. તેનું તાપમાન લગભગ ૬૦૦૦° સેલ્શીયસ છે. આ પીગળેલા ધાતુ અથવા મેન્ટલ પૃથ્વીના કેન્દ્રસ્થ ભાગમાં સતત ફરતું રહેતું હોઇ પાતળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને પછી દરેક ક્ષણે પોતાનીજ ચુંબકીય ક્ષેત્રરેખાઓ પોતાનીજ ગતિથી કાપતું આ ગતિશીલ મેન્ટલ વધુને વધુ મજબુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતર સુધી ફેલાય છે. છેલ્લા એક મહિનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગોથા ખાતું હોવાના સમાચાર તમે સાંભળતા જ હશો. થોડા દિવસોમાં જ વિશ્વના તમામ ગરમ પાણીના ઝરાનું તાપમાન વધી ગયું છે. ભુકંપ અને જ્વાળામુખીની સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. જેનો સીધો મતલબ હું એવો કાઢું છું કે, પૃથ્વીના કેન્દ્રના પીગળેલા ખડકો-મેન્ટલ ઠંડો પડી રહ્યો છે અને એ ગરમી ઉર્જા સ્વરૂપે બહાર આવી રહી છે. એક ક્રીટીકલ તાપમાન સુધી કેન્દ્રસ્થ ભાગ – કોર (core) ઠંડો પડશે એટલે એની ગતિ ધીમી પડશે. જેમ જેમ ગતિ ધીમી પડશે એમ એમ ચુંબકીય ક્ષેત્ર નબળું પડતું જશે. ક્રીટીકલ તાપમાને કેન્દ્રસ્થ ભાગ - કોર (core) ની ગતિ અતિશય ધીમી થશે પણ એ વખતે પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ હરકતમાં આવશે. અત્યાર સુધી core ની તેજ રફ્તારને લીધે તેમજ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીને લીધે ગુરૂત્વાકર્ષણ બળની ખાસ અવરોધક અસર થતી ન હતી. પરંતુ ગતિ અને ચુંબકીય ક્ષેત્ર બંને અત્યંત નબળા પડતાં ગુરૂત્વાકર્ષણ બળ હરકતમાં આવશે. ક્રીટીકલ તાપમાન અને ક્રીટીકલ સ્પિડે coreની ગતિની દિશા ઉલટાશે અને ધીરે ધીરે સ્ટાર્ટ થતાં એન્જીનની જેમ ફરીથી એ ગતિ પકડશે. પરંતુ આ વખતે એ વિરૂધ્ધ દિશામાં હશે. ઉત્તર ધ્રુવ હવે દક્ષિણ ધ્રુવ બની ગયો હશે અને દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ બની ગયો હશે. પરંતુ આ આખી પ્રક્રિયા દરમિયાન ચુંબકીય ક્ષેત્ર કોઇ દિશામાં નહી હોય. વિદ્યુત ચુંબકત્વથી ચાલતા તમામ ઉપકરણો મતલબ કે જેના વગર આપણી મોર્ડન લાઇફ અધુરી છે એવા તમામ વિદ્યુત ઉપકરણો કામ કરતા બંધ થઇ જશે. પૃથ્વીનો core ઉલટાતો હોવાથી પૃથ્વીના પડમાંથી અંદરથી તબાહી વધવા લાગશે. ભુકંપ, સુનામી અને જ્વાળામુખીની વણઝાર લાગશે અને આગામી સમયમાં કદાચ આપણામાંથી કોઇ બચશે નહી.” અર્જુને એકીશ્વાસે વાક્ય પુરૂ કર્યું.

મીટિંગ હોલમાં સન્નાટો છવાઇ ગયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED