Chumbkiy Tofan - 3 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન (ભાગ-૩)

3. યલોસ્ટોન નેશનલ પાર્ક

VSGWRI પહોંચીને અર્જુને વિડીયો કોન્ફરન્સીંગથી VSGWRIની સહયોગી સંશોધન સંસ્થાઓના ભારતભરમાં ફેલાયેલા સંશોધકોને ભારતના અલગ અલગ રાજ્યોના કુલ ૧૪ ભુગર્ભ ગરમ પાણીના ઝરાઓના અવલોકનો લેવાનું કામ આપી દીધું હતું. અર્જુનને એમના ડેટાનો ઇંતેજાર હતો. અર્જુન VSGWRI પહોંચ્યો ત્યારે ૧૪ માંથી ૨ ઝરાઓના ડેટા આવ્યાં હતાં. એમાંનો એક હતો ગુજરાતના ગીરમાં આવેલ તુલસીશ્યામનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં ૭ ડીગ્રી વધ્યું હતું. બીજો હતો ઓરીસ્સા રાજ્યમાં આવેલો તપ્તાપાનીનો ઝરો જેનું તાપમાન સામાન્ય કરતાં લગભગ ૧૦ ડીગ્રી વધ્યું હતું. બંનેમાં ગરમ પાણીના ઝરાનું તાપમાન ખાસ્સું વધ્યું હોવાનું સ્પષ્ટ થતું હતું. અર્જુનના મગજમાં હવે એ બાબતે શંકા ન હતી કે પૃથ્વીના પેટાળમાંથી ભુગર્ભ ઉર્જા મોટા પ્રમાણમાં બહાર આવી રહી હતી.

અર્જુનને હવે અમેરિકાના વાયોમિંગ રાજ્યના યલોસ્ટોન નેશનલ પાર્કના જગવિખ્યાત ગરમ પાણીના ફુવારા ઓલ્ડ ફેઇથફુલમાં કોઇ પરિવર્તન આવ્યું છે કે કેમ તે જાણવાનો ઇંતેજાર હતો. એ સવારથી ડૉ.જોન સ્મિથના ફોનનો ઇંતેજાર કરતો હતો. આખરે બપોરે ૨ વાગે ડૉ.જોન સ્મિથનો ફોન આવ્યો. એમણે ખાસ્સો અડધો કલાક અર્જુન સાથે વાતચીત કરી. એમની વાતોનો સાર એ હતો કે ઓલ્ડ ફેઇથફુલ નામના એ ફુવારાની પરિસ્થિતિ પહેલાની સરખામણીમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘણી જ બદલાઇ હતી. અહીંનું તાપમાન લગભગ ૨૦ ડીગ્રી જેટલું વધ્યું હતું. વાયોમિંગ રાજ્યનો યલોસ્ટોન નેશનલ પાર્ક, જેમાં આ ઓલ્ડ ફેઇથફુલ ફુવારો આવેલો છે, તેના ખડકોના અનેકવિધ રંગો માટે જાણીતો છે. મુખ્યત્વે એના ખડકો પીળા છે, એટલે એ યલો સ્ટોન કહેવાય છે. એ સિવાય પચરંગી ખડકો પણ પુષ્કળ છે. તાપમાન બદલાયું એમ એનાં રંગોમાં પણ ફેરફાર થવા લાગ્યો હતો. ભુસ્તરશાસ્ત્ર અનુસાર ભુગર્ભ જ્વાળામુખ પર આવેલા આ પ્રદેશનો પોપડો નરમ પડ્યો હતો અને એ સારા સંકેત ન હતાં. ઓલ્ડ ફેઇથફૂલનો ફુવારો દર ૫૬ મિનિટે એનું પાણી ઉંચે સુધી ઉછળે એમ બહાર ફેંકતો હતો. હવે, આ તાપમાનના ફેરફારની સાથે યલોસ્ટોનના ફુવારાનું ૫૬ મિનિટનું ચક્ર પણ ખોરવાયું હતું.

આ ઉપરાંત બીજી પણ એક વાત હતી જે કહેવા ડૉ.સ્મિથે ફોન કર્યો હતો. અર્જુનના અંદેશા અનુસાર ભુગર્ભ ઉર્જાના ફેરફારો અમેરિકન વૈજ્ઞાનિકોથી છુપા ન હતાં. અમેરિકન સરકારને આ વાતની જાણ થતાં ત્રણ દિવસ પછી તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વના ૧૦૦ થી પણ વધારે વૈજ્ઞાનિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડૉ.સ્મિથ અમેરિકન સરકાર વતી વાયોમિંગ રાજ્યમાં રિસર્ચ કરતા સિનિયર સાયન્ટીસ્ટ હતાં એટલે બેઠકમાં એમનું નામ હોય એ સ્વાભાવિક હતું પણ અમેરિકન સરકાર અર્જુનનું નામ અવગણી શકી ન હતી. આ બેઠકમાં અર્જુનનું નામ પણ સામેલ હતું, જેનું ઓફીશીયલ કન્ફર્મેશન થોડી વારમાં એને મળી જશે એવું પણ ડૉ.સ્મિથે કહ્યું. ટૂંકમાં કહીએ તો અચાનક ઉભી થયેલી પરિસ્થિતિ અર્જુનને અમેરિકા બોલાવી રહી હતી.

ડૉ.સ્મિથના આ શબ્દોથી અર્જુનને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. એણે આગળ કોઇપણ પ્રકારની દલીલ કરવાની જગ્યાએ તાત્કાલીક યુ.એસ.એ. જવાની તૈયારી શરૂ કરી. VSGWRI ના ઉપરી ઓફીશીયલ્સને ઔપચારીક જાણ કરી અર્જુને સીધી જ અમેરિકાની ફ્લાઇટ બુક કરાવી દીધી અને બપોરના ૩ વાગ્યા સુધીમાં તો ઘરે પરત પહોંચી ગયો. અર્જુનની પત્ની આસ્થાને પણ અર્જુનને વહેલો આવેલો જોઇ આશ્ચર્ય થયું. અર્જુને ટુંકમાં પત્ની આસ્થા અને દિકરી તનિશ્કાને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી અને અમેરિકા જવા પેકીંગ કરી લીધું. ગાંધીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જતું પ્લેન રાત્રે ૧૧ વાગે ટેક-ઓફ કરવાનું હતું. અર્જુન પોતાની રિસર્ચ નોટ્સ સહિતના અગત્યના બધા કાગળો પેક કરી નિયત સમયે ગાંધીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી ગયો.

આમ તો ઇ.સ.૨૦૨૭ થી વિશ્વભરમાં ફ્લાઇંગ કારની શરૂઆત થઇ ચુકી હતી. એનો ભાવ માલેતુજારોને જ પરવડે એવો હતો. તેમ છતાં શરૂ શરૂમાં એનું વેચાણ ખાસ્સું ચાલ્યું. પણ પાછળથી ફ્લાઇંગ કારમાં દેશોની બોર્ડર ગેરકાયદે ઓળંગવાના બનાવોની સંખ્યા વધવા લાગી. આમેય આકાશને ક્યાં કોઇ સરહદ નડે છે! આવા ગેરકાયદે પ્રયાસો બદલ દુબઇ અને સિંગાપોર જેવા દેશોએ દંડને લગતા કાયદાઓની જોગવાઇઓ કરી નાંખી. આખરે વૈશ્વિક કાયદાની જરૂરિયાતોને ધ્યાને લઇ ઇ.સ.૨૦૨૯ના માર્ચમાં નેધરલેન્ડ્સ દેશના આમ્સ્ટરડેમ શહેરમાં વિશ્વના નેતાઓની બેઠક યોજાઇ. આ બેઠકમાં આમ્સ્ટરડેમ ટ્રીટી પર સહી કરવામાં આવી. આ ટ્રીટી અનુસાર કોઇપણ દેશની ફ્લાઇંગ કાર એ દેશની સીમામાં જ ઉડાન ભરી શકે. દેશની ભૌતિક સરહદ આકાશને પણ લાગુ કરી દેવામાં આવી. આ કાયદામાં યુરોપના દેશોને યુરોપ પુરતી ગમે ત્યાં ઉડવાની છુટ હતી. યુરોપિયન યુનિયન ભેગું હતું એટલે આ છુટછાટ સ્વાભાવિક હતી. આ ઉપરાંત મિત્ર દેશો ઇચ્છે તો આમ્સ્ટરડેમ ટ્રીટી હેઠળ બે દેશોનો પારસ્પરિક કાયદો ઘડી અંદર અંદર ફ્લાઇંગ કારનું ઉડ્ડયન કરી શકે તેમ હતાં. સિંગાપોર-મલેશિયા જેવાં દેશોએ એમ કર્યું પણ હતું. ભારત માટે ભારતની ભૌતિક સરહદ એજ આકાશી સરહદ હતી. એટલે બીજા દેશમાં જવા માટે એરલાઇન્સનો ઉપયોગ અનિવાર્ય હતો. એરલાઇન્સ બીઝનેસ એટલે જ હજી ધમધોકાર ચાલતો હતો.

ગાંધીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાત્રે બરાબર ૧૧ વાગ્યે ફ્લાઇટે ટેક ઓફ કર્યું. ગાંધીનગરથી અમેરિકાના વાયોમિંગ રાજ્યના પાટનગર ‘શાયેન’ (cheyenne) પહોંચતા અર્જુનને લગભગ ૯ કલાકનો સમય લાગ્યો. આજથી દસેક વર્ષ પહેલાં આ પ્રવાસ ૧૫ કલાક લેતો. પરંતુ નવી બનાવટના બોઇંગ અને એરબસ બંનેએ એ અવધિ ઘટાડી દીધી હતી. દસ વર્ષ પહેલાં ૯૦૦ કીમી/કલાકની ઝડપે ઉડતા આ પેસેન્જર પ્લેન હવે લગભગ ૧૩૦૦ કીમી/કલાકની ઝડપે ઉડતાં થયા હતાં. આવા જ એક પ્લેને અર્જુનને ૯ કલાકમાં વાયોમિંગના પાટનગર શાયેન પહોંચાડી દીધો. ત્યાંથી વાયોમિંગ યુનિવર્સિટીનું એક નાનું ચાર્ટર પ્લેન અર્જુનને યલોસ્ટોન નેશનલ પાર્કની સૌથી નજીકના એરપોર્ટ યલોસ્ટોન રીજનલ એરપોર્ટ લઇ જવા તૈયાર ઉભું હતું અને ત્યાંથી ફ્લાઇંગ કારમાં યલોસ્ટોન નેશનલ પાર્ક જવાનું હતું. અમેરિકામાં વૈજ્ઞાનિક સંશોધકોને પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. ડૉ.સ્મિથે વાયોમિંગ યુનિવર્સિટીમાં ફોન કરી બધી વ્યવસ્થા કરાવી દીધી હતી. શાયેનથી યલોસ્ટોન પણ નિર્વિઘ્ને પહોંચી જવાયું. અર્જુન હોટેલ પહોંચ્યો ત્યારે ત્યાં ૧૩ જુલાઇ સવારના ૭ વાગ્યા હતા. ભારતમાં એ વખતે સાંજના ૭.૩૦ થવા આવ્યા હતાં. અતિશય લાંબા પ્રવાસના લીધે થતી ‘જેટ લેગ’ ની અસર નિવારવા અર્જુને ચારેક કલાકનો આરામ કર્યો. સવારે ૧૧ વાગ્યે એ તૈયાર થઇ ગયો. ડૉ.જોન સ્મિથ એ હોટેલના વિશાળ વેઇટીંગ રૂમમાં અર્જુનની રાહ જોતા બેઠા હતાં.

“Hello, Dr.Smith. It’s nice to meet you after a long time.” અર્જુને ઉમળકાથી ડૉ.સ્મિથ સાથે હાથ મિલાવતા કહ્યું.

“Nice to see you too Arjun. You have always been a very good friend of mine. The conditions are getting worse day by day. Your theory is right. The temperature of almost all hot springs is increasing. Let’s have a look at Yellowstone.” ડૉ.સ્મિથે જવાબ આપ્યો.

ડૉ.સ્મિથના કહ્યા મુજબ અમેરિકાના પણ લગભગ બધા ગરમ પાણીના ઝરાઓનું તાપમાન વધી રહ્યું હતું. એમને તથા એમના સાથી સંશોધકોને પણ ભુગર્ભ ઉર્જા હદ કરતાં વધુ બહાર આવી રહી હોવાનો અંદેશો હતો.

અર્જુન અને ડૉ.સ્મિથ યલોસ્ટોન નેશનલ પાર્ક જવા નીકળ્યા. વાયોમિંગ યુનિવર્સિટીએ તેઓની બધી વ્યવસ્થા કરી દીધી હતી. દસ મિનિટમાં તો એ લોકો ફ્લાઇંગ કારમાં યલોસ્ટોન નેશનલ પાર્ક પહોંચી ગયા. કુદરતના અજાયબ કરિશ્મા સમાન એ રમણિય પાર્કને જોઇને કોઇપણ રોમાંચિત થઇ જાય, પણ અત્યારે રોમાંચિત થવાની પરિસ્થિતિ ન હતી. આ વિસ્તાર વોલ્કેનીક એક્ટીવ રીજીયન એટલે કે એક ભુગર્ભ જ્વાળામુખ પર આવેલો હોઇ પૃથ્વીના ભુગર્ભમાંથી નીકળતી વરાળ અહીં-તહીં કેટલીય જગ્યાએથી બહાર નીકળતી જોઇ શકાતી. ચારેબાજુ પાણીની વરાળ જોઇ શકાતી તથા પીળા ખડકો ઉપરાંત અમુક જગ્યાએ ખડકો રંગબેરંગી સ્વરૂપ પણ ધારણ કરતાં. દુનિયામાં બહુ ઓછી જગ્યા છે જ્યાં તમને રંગબેરંગી ખડકો જોવા મળે, યલોસ્ટોન નેશનલ પાર્ક આમાની એક સુંદર જગ્યા છે. યલોસ્ટોનનો પીળો રંગ સલ્ફરને આભારી હતો. ત્યાંના ખડકોમાં સલ્ફર પ્રચુર માત્રામાં હતું. બીજા કેટલાક તત્વો સલ્ફર સાથે પ્રક્રિયા કરી અન્ય રંગ ઉત્પન્ન કરતાં અને એટલે અમુક ખડકો રંગબેરંગી થયા હતાં. દુનિયાભરમાં ફેલાયેલા ઘણાબધા ગરમ પાણીના ઝરાઓમાં સલ્ફર જોવા મળે છે. અવકાશમાંથી પૃથ્વી પર આવી ચડતી અને પૃથ્વીના વાતાવરણના ઘર્ષણથી સળગી ઉઠતી ઉલ્કાઓમાં પણ સલ્ફર મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુરૂ ગ્રહના ઉપગ્રહ ‘આઇઓ’ નો પીળો રંગ પણ તેમાંના સલ્ફરને આભારી છે.

યલોસ્ટોનમાં ટહેલતા ટહેલતા ડૉ.સ્મિથ અર્જુનને યલોસ્ટોનના જુના ફોટા સાથે તાજેતરની પરિસ્થિતિની સરખામણી બતાવતાં હતાં. છેલ્લા એકાદ અઠવાડીયામાં યલોસ્ટોનની પીળાશ વધી હતી. મતલબ કે સલ્ફરનું પ્રમાણ વધી રહ્યું હતું. અર્જુનને આ સાંભળી આશ્ચર્ય થયું. કુદરતી સલ્ફરનું પ્રમાણ એકાએક કેવી રીતે વધી શકે છે? અર્જુન વિચારતો રહી ગયો.

ડૉ.સ્મિથે એનો જવાબ આપતાં કહ્યું કે પૃથ્વી પર પેસીફીક મહાસાગરમાં પથરાયેલી પેસીફીક રિંગ ઓફ ફાયર આવેલી છે. રિંગ ઓફ ફાયર મતલબ દરિયાઇ પેટાળમાંની એવી જગ્યા કે જ્યાં સૌથી વધુ ભુકંપ આવતા હોય અથવા તો વધુમાં વધુ જ્વાળામુખી પ્રવૃત્તિઓ થતી હોય. પેસીફીક રિંગ ઓફ ફાયરમાં પૃથ્વી પરનું સૌથી વધુ સલ્ફર સમાયેલું છે. સલ્ફર-૩૨ અર્થાત S32 કુદરતમાં 109 (૧ ની પાછળ નવ મીંડા) કેલ્વીન તાપમાને ફ્યુઝન પ્રક્રિયાથી બને છે. અહીં સિલિકોનનો એક પરમાણુ અને હીલીયમનો એક પરમાણુ ફ્યુઝ થાય અર્થાત તેમનું સંલયન થાય ત્યારે કુદરતી સલ્ફર બને છે. હવે મારી થિયરી એમ છે કે માત્ર આટલા ઉંચા તાપમાને જ નહી પરંતુ 6000˚C તાપમાને (કે જે પૃથ્વીના પેટાળનું તાપમાન છે) પણ એક વિશિષ્ટ પ્રક્રિયા થાય છે, જે એક પ્રકારનું કોલ્ડ ફ્યુઝન છે. એમાં પણ કેટલીક પરોક્ષ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સલ્ફર બને છે. મારા માનવા પ્રમાણે પૃથ્વીના પેટાળમાંથી ભરપુર ઉર્જા સીધી જ બહાર નીકળી રહી છે અને એ ઉર્જા પૃથ્વીના પેટાળના તાપમાન જેટલું તાપમાન ધરાવતી હોઇ એટલા તાપમાને કોલ્ડ ફ્યુઝન થઇ જાય છે અને સલ્ફર ઉત્પન્ન થાય છે. તો સલ્ફરના પ્રમાણમાં થઇ રહેલો વધારો ભુગર્ભ ઉર્જા ચિંતાજનક હદે બહાર આવી રહી હોવાનું સુચવે છે.

ડૉ.સ્મિથે આગળ કહ્યું કે તેમણે હમણાં ત્રણ કલાક પહેલા જ આયર્લેન્ડ ખાતેના તેમના સંશોધક મિત્ર સાથે વાત કરી છે અને ત્યાંના ભુગર્ભ ઝરા તો ઉકળી રહ્યાં છે. આઇર્લેન્ડ ખાતે પણ એવો જ હાલ છે. અર્જુન બે ઘડી ડૉ.સ્મિથ સામે જોઇ રહ્યો. એને હજી વિશ્વાસ નહોતો આવતો. બધાને લાગતું હતું કે ગ્લોબલ વોર્મિંગની અસરો હજી એક-બે પેઢી પછી બદતર બનશે પણ અહીં તો પૃથ્વી અત્યારથી જ તીખી પ્રતિક્રીયાઓ આપી રહી હતી. ભુગર્ભ ઉર્જામાં થતો ફેરફાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પણ નુકસાન પહોંચાડતો હતો. દહેશત એજ હતી કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ડામાડોળ થશે તો શું થશે? ડૉ.સ્મિથે જણાવ્યું કે એમણે અમેરિકન સત્તાધીશો સુધી પણ આ વાત પહોંચાડી દીધી છે.

ડૉ.સ્મિથ અને અર્જુન યલોસ્ટોનથી પરત ફર્યા. ડૉ.સ્મિથ એને યુનિવર્સીટી ઓફ વાયોમિંગની પોતાની લેબોરેટરી ખાતે લઇ ગયા. ત્યાં એમની પાસે અમુક ડેટા હતાં. એમણે છેલ્લા અઠવાડીયામાં બનેલી અગિયાર એવી ઘટનાઓ સામે આંગળી ચીંધી કે જેમાં તહોમતદાર તરીકે પૃથ્વીનું ચુંબકત્વ આવતું હતું. એક અઠવાડીયામાં આઠ વિમાનોના હોકાયંત્રમાં ખરાબી આવી ગયેલી અને એ દિશા ભટકી ગયેલા અને તે પણ કોઇ દેખીતા કારણ વગર. ભારતનું જ એક ઉદાહરણ ડૉ.સ્મિથે બતાવ્યું. એર ઇન્ડીયાનું એક પ્લેન લંડન જતું હતું ત્યારે એના દિશાશોધક યંત્રો ખોટકાયા. એ માર્ગ ભટક્યું અને કઇ દિશામાં જવું એની સુધબુધ વિમાનના હોકાયંત્રોને રહી નહી. વિમાન માર્ગ ભટકવાથી વિમાન અકસ્માતનો ભય પેદા થયો. એતો અણીના સમયે જર્મન એરફોર્સના બે ફાઇટર પ્લેન તેમની વહારે આવ્યા અને વિમાનને ગાઇડ કરી લંડનના હીથ્રો એરપોર્ટ પર હેમખેમ પહોંચાડ્યું. આ ઉપરાંત રશિયાના પાટનગર મોસ્કોથી છેક દક્ષિણ ધ્રુવ સુધી પ્રવાસ કરતાં કેટલાક પ્રવાસી પંખીડા પોતાનો પ્રવાસ માર્ગ ભુલ્યાં હતાં. વર્ષોથી આ પંખીડા પર રિસર્ચ કરતાં બાયોલોજીસ્ટોએ અમને આ માહિતી આપી. એમના મતે આ આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત હતી કેમકે આ પંખીડા અત્યાર સુધીના વર્ષોમાં ક્યારેય દિશા ભુલ્યા નથી. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કંઇક નખરા કરી રહ્યૂં છે એટલી વાત નક્કી અને ચુંબકીય ક્ષેત્રની આ વર્તણૂક (કે ગેરવર્તણૂક) તથા પૃથ્વીના ભુગર્ભમાંથી બહાર આવતી ઉર્જા એ બંને વચ્ચે કોઇ સંબંધ જરૂર હોવો જોઇએ.

અર્જુન હજી વિચારમાં જ હતો. શું બોલવું એ સુઝતું જ ન હતું. અર્જુનને હજી આ બધું એક સ્વપ્ન જેવું લાગતું હતું. શું ખરેખર પૃથ્વી કોઇ તબાહીના દૌરમાંથી પસાર થઇ રહી છે? એની દિકરી તનિશ્કા સહિત આગામી પેઢીનું ભવિષ્ય શું?

કંઇક વિચાર્યા પછી ત્યાંથી અર્જુને VSGWRI ફોન કર્યો. ભારતના ભુગર્ભ ઝરાઓની હાલત શું હતી એ તેણે જાણવું હતું. એણે VSGWRI ના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે વાત કરી એટલે ખબર પડી કે ભારતના ઘણાખરા ભુગર્ભ ઝરાઓ ઉકળી ગયાં હતાં. ભારતમાં ચામડીના રોગો સહિત ઘણા રોગો માટે ઔષધ તરીકે ઘણા લોકો આવા ઝરાઓના પાણીને વાપરે છે તો એનું ધાર્મિક મહત્વ પણ છે. પરંતુ હવે એ પાણી ઉકળી ગયું હતું. લોકો માટે પણ આ અચરજનો વિષય હતો. આ વાત સાંભળી અર્જુન સમજી ગયો કે પૃથ્વી ખૂબ ઝડપથી એની પ્રકૃતિ બદલી રહી હતી. હવે પેલી અગત્યની કોન્ફરન્સનો સમય થવા આવ્યો હતો. એમણે એકાદ કલાકમાં જ વોશિંગ્ટન જવા નીકળવાનું હતું. વોશિંગ્ટનથી પોટોમાક નદીના સામે કાંઠે અમેરિકાનું ડીફેન્સ હેડક્વાર્ટર અને પંચકોણ આકાર ધરાવતું ‘ધ પેન્ટાગોન’ આવેલું છે. નદીના સામે કાંઠે જોકે રાજ્ય બદલાઇ જાય છે. પેન્ટાગોન વર્જીનીયા રાજ્યમાં આવેલું છે. અર્જુને વોશિંગ્ટન જતા પહેલા એક અગત્યનું કામ કર્યું. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીને તથા ભારતના પ્રધાન મંત્રીને ઇમર્જન્સી ઇ-મેઇલ કરી દીધા. ખુબ જ ટૂંકમાં એમને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી દીધી.

એક કલાકમાં અર્જુન અને ડૉ.સ્મિથ વોશિંગ્ટન જવા રવાના થઇ ગયાં. રાત્રીનો સમય હતો. પ્લેનમાં લગભગ બધા સુઇ ગયાં હતાં. અર્જુન જાગતો બેઠો હતો. પૃથ્વીના પેટાળમાં શું ચાલી રહ્યું છે એ સમજવા શું કરવું એના ગહન વિચારોમાં અર્જુન ખોવાઇ ગયો હતો. એટલામાં પ્લેને એક જોરદાર આંચકો ખાધો. ડૉ.સ્મિથ સહિત બધા મુસાફરો જાગી ગયા. પ્લેનમાં રહેલી બધી લાઇટોએ એક-બે ઝબકારા મારી દીધા. વિમાન થોડો સમય ડચકા ખાતું રહ્યું પણ પછી સ્થિર થઇ ફરીથી રાબેતા મુજબ ઉડવા લાગ્યું. ડૉ.સ્મિથ અને અર્જુન આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ હોઇ પ્રોટોકોલના ધોરણે પાઇલોટની કેબીનમાં ગયાં અને શું થયું છે એની માહિતી મેળવી. બંનેને ખ્યાલ આવી ગયો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિમાનના હોકાયંત્રોને ગુમરાહ કરી રહ્યું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થઇ રહ્યો હતો.

સવારના ૧૦ વાગે તેઓ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડી.સી. પહોંચી ગયાં. બપોરે ૨ વાગે અમેરિકાના પ્રેસિડન્ટ સાથેની મુલાકાતની તૈયારી શરૂ થઇ ગઇ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, કેલટેક, પ્રિન્સટન યુનિવર્સિટી, M.I.T. જેવી ખ્યાતનામ યુનિવર્સિટીઓ તથા ફર્મીલેબ, નાસા વગેરે જેવી સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો તથા સ્પેસ એક્સ જેવી પ્રાઇવેટ સંસ્થાઓના ભેજાબાજ સંશોધકો પણ પ્રેસિડન્ટ સાથેની એ મુલાકાત માટે ત્યાં હાજર હતાં. અર્જુન પણ બધાની સાથે જોડાઇ ગયો.

બપોરે બે વાગવામાં પાંચેક મિનિટની વાર હતી ત્યાં જ અમેરિકાના પ્રેસિડન્ટ આવ્યાં. બધાનું અભિવાદન ઝીલી એમણે તમામ સંશોધકોનું સ્વાગત કર્યું. મીટીંગની શરૂઆત થઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED