Chumbkiy Tofan - 1 books and stories free download online pdf in Gujarati

ચુંબકીય તોફાન

1. વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ

વાતાવરણ સવારથી જ બહુ ખરાબ હતું. સવારે છ વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. બપોરના બે વાગવા આવ્યાં હતાં પણ વરસાદ અટકવાનું નામ લે એવા કોઇ અણસાર ન હતાં. આજે રવિવાર હતો એટલે અર્જુન ઘરે હતો. વરસાદના રૌદ્ર સ્વરૂપને અર્જુન એક સંશોધકની નજરે સવારનો જોઇ રહ્યો હતો પણ વરસાદ તો એનાથી બેખબર એનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યે જ જતો હતો. ધોધમાર વરસતા વરસાદમાં વચ્ચે વચ્ચે ઝડપી પવન ફુંકાઇ જતો. અર્જુન બારીમાંથી આ બધુ નિહાળી રહ્યો હતો ત્યાં જ અત્યંત તેજ લીસોટા સાથે વીજળી થઇ. વીજળીનો પ્રકાશ આંખો અંજાઇ જાય એટલો તીવ્ર હતો. દસેક સેકન્ડ રહીને એ વીજળીનો એટલો જ જોરદાર કડાકો થયો. અર્જુનને થોડી નવાઇ લાગી. ભારતમાં આટલી તીવ્રતાની વીજળી જવલ્લેજ જોવાં મળતી. એટલામાં તો બીજી વખત ભયંકર વીજળી થઇ અને પ્રકાશ તેમજ અવાજની ઝડપ વચ્ચેના દસેક સેકન્ડના ઇન્ટરવલ પછી ફરીથી જબરજસ્ત કડાકો સંભળાયો.

છેલ્લાં ઘણાં વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને વાતવરણીય ફેરફારોની ચર્ચાએ જોર પકડ્યું હતું. કેટલાંય દેશોમાં ગ્લોબલ વોર્મિંગના પરિણામોએ દેખા દીધી હતી. અમેરિકાના અમુક ભાગ, કેનેડા અને યુરોપિયન દેશો ભયંકર હિમવર્ષાની ઝપેટમાં આવી ગયાં હતાં તો સામે પક્ષે ઇન્ડોનેશીયા, મલેશીયા, ચીન અને સિંગાપુર જબરજસ્ત પુરનો સામનો કરી રહ્યાં હતાં. ઓસ્ટ્રેલીયામાં દર વર્ષે ગરમીનો પારો આગલા વર્ષનો રેકોર્ડ તોડતો જતો હતો. જોકે ભારતને આ બાબતમાં સુખી દેશોની હરોળમાં ગણી શકાય એમ હતો. કેમકે ભારતમાં ગરમીના રેકોર્ડ તુટવા સિવાય બીજો ખાસ ફેર પડ્યો ન હતો. જોકે ગરમીએ આ વર્ષે ૫૭ ડિગ્રી પર જઇને આગલા બધાં રેકોર્ડ તોડી નાંખ્યા હતાં અને કેટલાયને બેહાલ કર્યા હતાં, પણ તોય ક્યાંક ને ક્યાંક ભારતના લોકો વર્ષોથી ગરમીથી ટેવાયેલાં હતાં એટલે એમનું જીવન અસ્તવ્યસ્ત ભલે થયું હોય પણ અટક્યું ક્યારેય ન હતું. ચોમાસામાં પણ ગ્લોબલ વોર્મિંગને લીધે થોડા ડિસ્ટર્બન્સીસ જોવાં મળેલાં પણ આજનું વાતાવરણ તો કંઇક અલગ જ લાગતું હતું. ગ્લોબલ વોર્મિંગની માઠી અસર છેવટે ભારત આવી પહોંચી હોવાનું અર્જુને અનુભવ્યું.

ધોધમાર વરસાદ સામેથી અર્જુને ધ્યાન હટાવ્યું. ગાંધીનગર સિવાય ભારતમાં બીજી જગ્યાઓએ વરસાદ તથા વાતાવરણની સ્થિતિ જાણવા એ ‘લાઇવ ન્યુઝ’ એવું બોલ્યો અને વિશ્વભરના ન્યુઝ એની સામેની દિવાલ કમ સ્ક્રીન પર ફુલ સ્ક્રીન મોડમાં ડીસ્પ્લે થવા લાગ્યાં. અર્જુનના ઘરની તથા ઓફીસની તમામ ઇલેક્ટ્રોનીક ડીવાઇસીસ એક સ્માર્ટ ઓપરેટીંગ સિસ્ટમ વડે એકમેક સાથે જોડાયેલી હતી અને એ સિસ્ટમ પોતે ઇન્ટરનેટ સાથે જોડાયેલી હતી. અર્જુને એની સ્માર્ટ ઓપરેટીંગ સિસ્ટમને ‘સ્કારલેટ’ નામ આપ્યું હતું. દસેક વર્ષ પહેલાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) નો વિકાસ પૂરજોશમાં થયો એટલે આ પ્રકારની સ્માર્ટ ઓપરેટીંગ સિસ્ટમ બનવા લાગેલી. પરંતુ સિસ્ટમ આઉટ ઓફ કંટ્રોલ જવાના કિસ્સાઓ વધી ગયેલાં. મશીનો પોતાની ભાષામાં વાતો કરવા લાગવાના કિસ્સાઓ બહાર આવતાં ઇ.સ.૨૦૨૫માં ઇન્ટરનેશનલ લેવલે એવો પ્રોગ્રામ બનાવવામાં આવેલો જે સિસ્ટમને કાબુ બહાર જતાં જુએ કે તરત જ એને શટ ડાઉન કરી દે. AI પર કાબુ રાખવા માટે વૈજ્ઞાનિકો જેવાં બુદ્ધિજીવીઓ કેટલાક પ્રકારની સગવડોનો ઉપયોગ ટાળતા. ગણિતશાસ્ત્રીઓ ઘણીવાર કેટલીક અગત્યની ગણતરીઓ માટે હજી કાગળ અને પેન વાપરતાં. AI એમને મન ભરોસાપાત્ર ન હતી.

અત્યારે ઇ.સ.૨૦૩૦ નો જુલાઇ મહિનો ચાલી રહ્યો હતો. આજે ૭મી તારીખ હતી. લગભગ સમગ્ર ભારતમાં વરસાદ હતો. ગુજરાતમાં અને એમાંય મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ થઇ રહ્યો હતો. સાયન્ટીફીક પોઇંટ ઓફ વ્યુથી એમાં કંઇ નવું ન હતું. આ વરસાદની સીઝન હતી અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. નથીંગ ન્યુ.. વાતાવરણને લગતાં કોઇ વૈજ્ઞાનિક સમાચાર જોવા અર્જુને વારાફરથી ઘણી ચેનલો ફેરવી જોઇ. બધામાં ભારે વરસાદના જ ન્યુઝ ચાલતાં હતાં પણ એકેય ચેનલને આ વરસાદમાં કંઇ અજુગતું લાગતું ન હતું.

ઇ.સ.૨૦૩૦ સુધીમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યંત વિકસિત શહેરોની હરોળમાં આવી ગયું હતું. હજી હમણાં જ પ્રસિધ્ધ થયેલ વિશ્વના ટોપ સ્માર્ટ સીટી ની યાદીમાં ગાંધીનગર પણ આવ્યું હતું. ગાંધીનગર સ્માર્ટ તો હતું જ પણ સંપૂર્ણપણે સોલારસીટી પણ બની ગયું હતું. ગાંધીનગરમાં લગભગ બધું કામ સોલાર એનર્જીથી થતું હતું. અહીંના દરેક ઘરની છત પર સોલાર પેનલ્સ લગાવવામાં આવેલ હતી. સુર્યપ્રકાશ ન હોય એવા સમયે પણ વીજળી મળતી રહે એ હેતુથી છતની ચારેબાજુની પેરાપેટ પર નાની નાની પવનચક્કીઓ લગાવવામાં આવેલ હતી. આમ પવનઉર્જા અને સૌરઉર્જા એમ બંને પ્રકારની ઉર્જાઓથી દરેક ઘરનું લાઇટબિલ લગભગ શૂન્ય આવતું હતું. એમાંય ગાંધીનગરમાં લગભગ દરેક ઘરમાં લગાવવામાં આવેલા ખાસ એલ.ઇ.ડી. (લાઇટ એમીટિંગ ડાયોડ) બલ્બ પણ વીજળીની ખાસ્સી બચત કરી આપતાં. ગાંધીનગરની યશગાથામાં સુવર્ણ છોગું ત્યારે ઉમેરાયું જ્યારે વિશ્વ સ્તરની વિજ્ઞાન સંશોધન સંસ્થા વિક્રમ સારાભાઇ ગ્લોબલ વોર્મિંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (VSGWRI) ની ગુજરાતના પાટનગરમાં ઇ.સ.૨૦૨૬ માં સ્થાપના થઇ. આ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ VSGWRI માં અર્જુન સિનિયર સાયન્ટીસ્ટ હતો. અર્જુન ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની હરોળમાં સ્થાન પામતો હતો. અર્જુને એના પી.એચ.ડી. થીસીસમાં ગ્લોબલ વોર્મીંગની અવળી અસરો વિશે ઉંડું સંશોધન પ્રગટ કરેલું. અર્જુને ગ્લોબલ વોર્મીંગની જગ્યાએ ગ્લોબલ કુલીંગનો આઇડીયા આપ્યો હતો. અર્જુનના સંશોધનો પ્રમાણે ગ્લોબલ વોર્મીંગને લીધે શરૂઆતમાં પૃથ્વીનું ઓવરઓલ તાપમાન વધશે. જેથી એન્ટાર્કટીકાનો બરફ એક હદ કરતાં વધુ પીગળશે. આ પાણી વિશ્વભરના સમુદ્રોમાં ભળશે, જેથી સમુદ્રોની ખારાશ ધીમે ધીમે ઘટશે. ખાસ કરીને ઉત્તર યુરોપ સહિત આખા યુરોપને હુંફાળું રાખતા ગલ્ફ સ્ટ્રીમ જેવા અસંખ્ય ભુગર્ભ ઝરણાઓ આખરે તો સમુદ્રોમાંથી જ તેમનું પાણી મેળવે છે. એટલે એ ઝરણાઓની પણ ખારાશ ઘટશે જેના લીધે વોર્મનેસ એટલે કે હુંફાળાપણું પોતાની સાથે લઇ જઇ તેના ઉપર રહેલા દેશોને હુંફાળા કરવાની આ ઝરણાઓની ક્ષમતામાં જબરજસ્ત ઘટાડો આવશે અને એટલેજ ભુગર્ભમાંથી જ ઠંડક પ્રસરતા ચારેબાજુ ઠંડક પ્રસરશે, જે હીમયુગ લાવવા માટે પુરતું છે. ઇન શોર્ટ પૃથ્વી ગ્લોબલ વોર્મીંગની અસરોથી માઇક્રોવેવ ઓવન બનવાની જગ્યાએ ફ્રીઝર બનશે એવા મતલબની થિયરી આપી દસેક વર્ષ પહેલાં અર્જુને વિશ્વ સ્તરે ખાસ્સી ખ્યાતિ મેળવી હતી. પરંતુ હજી સુધી એની થીયરીને સમર્થન આપે એવાં કોઇ પુરાવાઓ મળ્યાં ન હતાં. એમાં હમણાંથી અર્જુન, એની થિયરીના ગાણિતીક સુત્રોના આધારે એવો તર્ક વિચારી રહ્યો હતો કે કદાચ પૃથ્વી પરનો પ્રલય જળ પ્રલય હશે. ધ્રુવ પ્રદેશોનો પીગળેલો બરફ જળ ચક્રનું સંતુલન ખોરવશે તો વાદળા બંધાવાની લિમિટ નહી રહે અને હદ બહારનું પાણી વરસવાથી જળ પ્રલય આવશે. પણ એની થિયરી હજી પ્રારંભિક તબક્કામાં હતી અને એને જોઇએ એવાં પુરાવાઓનું સમર્થન પણ ન હતું.

VSGWRIની સ્થાપના થઇ ત્યારથી એટલે કે ઇ.સ.૨૦૨૬ના વર્ષથી અર્જુન એમાં પોતાની સેવાઓ આપી રહ્યો હતો. મૂળ તો એ અમેરીકાના એરિઝોના રાજ્યની એક ટોચની સંશોધન સંસ્થામાં કામ કરતો હતો પણ VSGWRIની સ્થાપના થઇ ત્યારે એને ભારત સરકાર દ્વારા ત્યાંથી પરત બોલાવી ખાસ નિમણૂક આપવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગને લગતું ઘણું રિસર્ચ અર્જુન કરી ચુક્યો હતો અને એનું અનુભવી દિમાગ એમ કહેતું હતું કે આજનો વરસાદ ગ્લોબલ વોર્મિંગની કોઇક અસરોને તો સાથે લઇ જ આવ્યો છે.

અર્જુન ભારે વરસાદના સમાચારોની લેટેસ્ટ અપડેટ્સ ન્યુઝમાં જોઇ રહ્યો હતો. અચાનક ન્યુઝ ચેનલ્સની ટિપિકલ રેડ બોટમ લાઇન્સમાં બ્રેકિંગ ન્યુઝનું મથાળું ચમક્યું. નેપાળમાં ૮.૬ રિક્ટર સ્કેલનો ભુકંપ આવ્યો હતો. ૮.૬ રિક્ટર સ્કેલ એ ભુકંપના સંદર્ભમાં ઘણી વધારે તીવ્રતા હતી. અર્જુનની આંખો સફાળી મોટી થઇ. એના જીનીયસ મગજે એને આ તીવ્ર વરસાદ અને આ ભયાનક ભુકંપ વચ્ચે કંઇક સમાનતા હોવાનું કહ્યું. અર્જુન વરસતા વરસાદમાં રવિવારની એ બપોરે VSGWRIના હેડક્વાર્ટર જવા નીકળ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED