Rakshasni kedma Pari books and stories free download online pdf in Gujarati

“રાક્ષસની કેદમાં પરી.”

“રાક્ષસની કેદમાં પરી.”

કદાચ મારું મૃત્યુ થયું?

હા મારી લાશ એક ટ્રકના પાછળના ટાયરમાં પડી. હું હવે શું છું? બસ એક ઉર્જા માત્ર? કોઈ સંવેદના નહિ કોઈ વિચાર નહિ, સ્પેસમાં જેમ ગુરુત્વાકર્ષણ વગર કોઈ જંક ઉડતું હોય એમ હું ભટકવા લાગ્યો. ઉર્જા સ્વરૂપે મને કદાચ એક શરીરની જરૂર હતી.

પણ એ કેવી રીતે શક્ય બને? હું તો વિચારી જ નથી શકતો? ઊડતી ઉર્જા માત્ર છું? પણ અચાનક મને કોઈ પ્રભાવી પ્રકાશ દેખાયો મારી આંખ અંજાઈ જાય એવી કોઈ આભાના સંપર્કમાં આવ્યો. વીજળીના ચમકારા થયા અને હું એક પરીની સામે ઉભો હતો. એ પરીની આભામાં આવતા જ મને આસપસનું દ્રશ્ય દેખાવા લાગ્યું, હું જંગલમાં હતો, હું એ પરીને જોઈ શકતો હતો, એ પરીની આભામાં જતાં જ એ પરી પણ મને જોઈ શકતી હતી. મેં એની આંખોમાં જોયું, એની આંખોમાં આંસુ હતા, પણ એ એક વૃક્ષ સામે ઉભી ઉભી આજીજી કરી રહી હતી. એના હાથમાં એક નાની લાકડી હતી જેમાં થોડા થોડા અંતરે ટાંકેલા હિરાઓ ચમકતા હતા અને લાકડીની ટોચ ઉપર એક મોટો મણી જેવો હીરો હતો જે મને એની તરફ આકર્ષતો હતો. પણ મને સમજમાં ન આવ્યું કે એ કોને આજીજી કરી રહી હતી. મેં પરી સામે જોઇને એને પૂછવા પ્રયાસ કર્યો, પહેલા તો મને શંકા હતી કે શું એને મારો અવાજ સંભળાશે? પણ મારી શંકાનું સમાધાન મને મળી ગયું, એના આંસુ અને એની આભાનો હું અનુભવ કરી શકું તો એ મારો અવાજ કેમ ન સાંભળી શકે?

મેં એ પરીને પૂછ્યું,

“પરી તું રડે છે શા માટે? અને તું આ કોની સાથે વાત કરી રહી છો?”

પરીએ મારી સામે જોયું એનો ચહેરો ખૂબ સુંદર લાગી રહ્યો હતો કદાચ એ મારી પત્નિ જેવી લાગી રહી હતી.

“ હું રડું એટલા માટે છું કે આ વૃક્ષની અંદર એક દૈત્ય છે જેની કેદમાં છું. તું ફક્ત મને જ જોઈ શકીશ એ દૈત્ય તને નહિ દેખાય. જો તારે એ દૈત્ય જોવો હોય તો તું મારા શરીર માં આવી જા, તને બધુંજ દેખાશે.”

પરી એવી રીતે બોલી રહી હતી જાણે એના મોમાંથી નીકળતા શબ્દો મને મારી પત્ની આદેશ કરતી હોય એવું લાગ્યું, અને પત્નિનો આદેશ! કોણ ન માને?

“હું પોતે પણ તમારી આભામાં કેદ થઈ ગયો છું, મને ખબર નથી પડતી કે હું તમારા શરીરમાં કેમ પ્રવેશ કરું?” મેં કહ્યું.

“જો તારે મને બચાવવી હોય તો તારે મારા શરીરમાં પ્રવેશ કરવો પડશે, જેમ હું વિચારી રહી છું તેમ વિચારવું પડશે. મારી આભામાં એક ચમત્કાર છે. જો તું મારી લાકડીમાં લાગેલી આ મણી સામે જોઇશ તો તને મારા શરીરમાં પ્રવેશ કરવામાં કોઈ તકલીફ નહિ પડે.” પરીએ કહ્યું.

“પણ તું મારી સાથે વાત કરી રહી છે એ વાત એ વૃક્ષમાં રહેલી દૈત્ય સાંભળતો હશે ને?”

“ના તારી અને મારી વાતચીત એને નહિ સંભળાય તું આ મણી ને જો અને મારા શરીરમાં આવી જા” પરીએ કહ્યું.

હું એ મણી ને જોવા લાગ્યો અને એક ચમકારા સાથે હું એ પરીના શરીરમાં ચાલ્યો ગયો. હવે મારું હૃદય જોર જોરથી ધબકતું હતું. મેં સામે વૃક્ષ તરફ નજર કરી તો મારી સામે એક મહાકાય રાક્ષસ ઉભો હતો. એ રાક્ષસનો ચહેરો મારા જેવો જ હતો. મેં મારી આંખના આંસુ સાફ કર્યા, મારા હાથમાં રહેલી લાકડી ઊંચી કરી પણ આ શું? હું તો સાંકળ થી વીંટડાયેલી હતી.

મેં એ રાક્ષસને કહ્યું.

“મને મુક્ત કરો, મારે ઘણા બધા કામ છે, સવાર પહેલા જો મને મુક્ત નહિ કરો તો મોટી ગડબડ થઈ જશે?” પરી સ્વરૂપે મેં કહ્યું.

“પરી તું મને ખુબ સુંદર લાગે છે. તને જોઈને મને ખુબ આનંદ થાય છે, હું તને મારી પટ્ટરાણી બનાવીને રાખીશ, જો તું મારી વાત મનીસ તો.” રાક્ષસે કહ્યું.

“પટ્ટરણી કે નોકરાણી? સવાર પડતા પહેલા તારે મને આઝાદ કરવી જ પડશે. જો તું મને નહિ છોડે તો જે જંગલમાં તું રહે છે એ જંગલ ગાયબ થઈ જશે.”

“હા હા હા એમ હું તારી ધમકીથી થોડો ડરી જવાનો? પણ હા જો તું મારી ત્રણ શરતો માને તો હું તને આ કેદમાંથી આઝાદ કરી દઉં. બોલ મંજુર છે?”

જ્યારે રાક્ષસે ત્રણ શરતોની વાત કરી ત્યારે પરીના શરીરમાં હું શાંત પડી ગયો. હું ડરી ગયો. હું પરીના દિમાગમાં જઈ શાંત પડ્યો અને પરી નીચે ઉતરી આવી જ્યાં ધકધક આવાજ થતો હતો. પરીએ જવાબ આપ્યો.

“આમ પણ અમે પરીઓ સ્ત્રીની જાત શરતોને આધીન હોઈએ છીએ આઝાદી માટે તારી ત્રણ શરત વધારે બીજું શું? બોલ શુ શરત છે તારી?”

પરીની વાત સાંભળી રાક્ષસનું અટ્ટહાસ્ય પુરા જંગલમાં પડઘાયું. અને પરીએ મને બીજો આદેશ આપ્યો.

“હે માણસ હવે તું રાક્ષસના શરીરમાં પ્રવેશ કર, મારું શરીર છોડીને એના શરીરમાં જા.”

મને પરીની વાત સમજમાં આવી ગઈ હું પરીના શરીરમાંથી નીકળી અને રાક્ષસના શરીરમાં ચાલ્યો ગયો. રાક્ષસના દિમાગ ઉપર સવાર થઈ ગયો. અને મેં રાક્ષસ વતી પરીને કહ્યું.

“જો રૂપ સુંદરી મારી ત્રણ શરતોમાં પહેલી શરત એ છે કે હું દિવસ દરમિયાન માનવોનું માસ ખાઉં છું, એમનું લોહી પીવું મને ખુબ ગમે. તો એ કામમાં તારે મારી મદદ કરવી પડશે. મારી બીજી શરત એ છે કે હું રાત્રે જ્યારે પણ તને બોલાવું તારે મારી સેવામાં હાજર રહેવું પડશે. અને ત્રીજી શરત એ કે મને માનવોનું કાચું માસ ખાવાની મજા નથી આવતી એ માસ તારે મને પકાવીને આપવું પડશે બોલ મંજુર છે.”પરીએ રાક્ષરૂપી મારી વાત શાંતિથી સાંભળી અને મને કહ્યું..

“મને તારી ત્રણેય શરત મંજુર છે પણ તારે મારું એક કામ કરવું પડશે. હું એક પરી છું આ સુંદર મજાની પાંખો મને દિવસ દરમિયાન મળે છે પણ હું સરખું ઉડી નથી શકતી અને રાત્રે ઉડવાની હિંમત આવે છે તો આ પાંખો ગાયબ થઈ જાય છે. માટે એ સમય દરમિયાન તારે મને ખભા ઉપર બેસાડીને જંગલની સફર કરાવવી પડશે. બીજું આ જંગલમાં રહેલા વૃક્ષ પસું પક્ષીઓ ઝરણાઓ વગેરેનું હું ધ્યાન રાખું છું જ્યારે મારી પાંખો ગાયબ થઈ જાય છે. તો એ કામમાં તારે મારી મદદ કરવી પડશે બોલ મંજુર છે?”

ફરી રાક્ષસરૂપી મારા ચહેરા ઉપર એક અટ્ટહાસ્ય રેલાયું અને પરીએ મને એવું કામ કરવા જ કહ્યું જે હું કરી શકું, અને આટલું નાનું કામ કરતા જો મને આટલી સુંદર પરી હંમેશા માટે મળી જતી હોય તો મને શુ વાંધો?

મેં પરીની સાંકળ ખોલી એને મારા બંને હાથેથી ઉઠાવી મારા ખભા ઉપર બેસાડી હું આકાશમાં ઉડવા લાગ્યો અને મેં પરીને કહ્યું.

“મને તારી શરત મંજુર છે, ચાલ આપણે આજે આખું જંગલ ફરીએ અને આ જંગલનો આનંદ માણીએ.”અમે ખૂબ ઊંચે આકાશમાં ઉડી રહ્યા હતા અને પરીએ મને હુકમ કર્યો કે

“હવે તું રાક્ષસના શરીરમાંથી નીકળી જા તું પણ મુક્ત અને હું પણ મુક્ત..”

પરીનો આદેશ મળતા જ હું જેવો રાક્ષસના શરીરમાંથી નીકળ્યો.

હું એક શરીરમાં હતો.. અને ડોકટર મારી પત્નીને કહી રહ્યા હતા કે.

“ઇટ્સ અ મિરેકલ! આ તો ખરેખર કોઈ ચમત્કાર છે. આ માણસને અમે મૃત જાહેર કર્યો હતો પણ આ “માણસ” બચી ગયો..

સમાપ્ત.

- નીલેશ મુરાણી.. (નીલ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED