એક કદમ પ્રેમ તરફ પાર્ટ 6 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 6

એક કદમ પ્રેમ તરફ

પાર્ટ 6

(આગળના ભાગમાં આપણે જોયું કે અજિત રાઠોડ માધવગઢનું નામ સાંભળીને ગુસ્સે થઈ જાય છે, કરણ પૈસાની વ્યવસ્થા કરવા માટે વિકીનું કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય છે, ધનરાજ અને નંદની વિવાન ઈન્ડિયા છે એ જાણીને ચિંતિત થાય છે.)

હવે આગળ....

વિવાન જ્યારે ઉઠ્યો ત્યારે એમિલી તેનો સામાન પેક કરતી હતી, તે જોઈને વિવાન તેને પૂછે છે,"તુમ કહી જા રહી હો?"

"હા મે ઘુમને જા રહી હું"

“કુછ દિન ઓર રુક જાઓ તો અચ્છા હોગા”

“ક્યું”

“બસ યું હી”

“લેકિન અબ મેં યહા રુક કે ક્યાં કરુંગી, મેં જિસ કામસે યહાઁ આયીથી વો તો હો..” એમિલી ભૂલથી તે અહીંયા શા માટે આવી છે તે બોલી જાય છે.

“કિસી કામસે યહાઁ આયીથી? કૌનસા કામ? તુંમને તો મુજે બતાયા થા કી તુમ સિર્ફ યહાઁ ઘુમને આયી થી” વિવાન અચંબાથી પૂછે છે.

“હા મેરા મતલબ હે તુમસે મિલને આયી થી, અબ તુમસે મિલ લિયા તો થોડા ઘુમકે વાપસ લંડન ચલી જાઉગી” એમિલી પોતાની ભુલ સુધારતા કહે છે.

“લેકિન જહાં તક મેં જાનતાં હું, તુમ ભી કોલેજ કર રહી હો ઓર બીચ મેં હી પઢાઈ છોડકે કોઈ ક્યુ આયેગા?”

“તુમ ક્યાં કહેના ચાહતે હો?”

“યહી કી તુમ જૂઠ બોલ રહી હો” વિવાન ગુસ્સામાં બોલે છે, “તુમ યહા ના હી મુજસે મિલને આયી હો ઓર ના હી ઘુમને, તુમ યહાઁ મેરી જાસૂસી કરને આયી હો”

“શાયદ તુમ્હે કોઈ ગલતફેમી હુઈ હોગી” એમિલી તેનો બચાવ કરતા કહે છે.

“નહિ….મુજે કોઈ ગલતફેમી નહીં હુઈ હે, મુજે તો જીસ દિન તુમ યહા આયી થી ઉસી દિન પતા ચલ ગયા થા”

“વો કૈસે?”

“ઉસ દિન જબ મેં તુમ્હે તુમ્હારા કમરા બતાકે ચલા ગયા થા તબ કુછ યાદ આયા તો મેં વાપસ તુમ્હારે કમરે મેં આયા થા તભી મેને સબ સુન લિયા થા”

“તો તુમને મુજે અબ તક કુછ બતાયા ક્યુ નહીં?

“ક્યુકી મેં જાનના ચાહતા થા કી કોન હે વો જીસકે કહેને પર તુમ યે સબ કર રહી થી ઓર ક્યુ કોઈ મેરી જાસૂસી કરવાના ચાહતા હે?”

“મુજે નહિ પતા” એમિલી કઈ પણ કહેવાની ના પાડતા કહે છે.

“જૂઠ મત બોલો ઓર તુમ્હે જો ભી પતા હે વો બતા દો” વિવાન થોડું મોટેથી કહે છે.

“મુજે તુમ્હારે ડેડને ભેજા થા તુમ્હારે પીછે યે દેખને કે લિયે કી તુમ યહાઁ ક્યુ આયે હો ઓર ક્યાં કરતે હો?”

“પર ક્યું?”

“વો સબ તો મેં નહીં જાનતી, ઉન્હોને મુજે કુછ નહિ બતાયા, મુજે સિર્ફ ક્યાં કરના હે વહી બતાયા થા..”

“તુમને મેરે ડેડ કો કૌનસી બાતેં બતાયી?”

“મેરી ઉનસે સિર્ફ દો-તીન બાર હી બાત હુઈ હે, લાસ્ટ મેં જબ મેને બતાયા કી તુમ વો હવેલી ગયે થે તબ ઉન્હોને મુજસે કહ દિયાકી તુમ્હારા કામ અબ હો ગયા, તુમ વાપસ આ સકતી હો”

“ઠીક હે” વિવાન વિચારમાં પડી જાય છે આખરે તે હવેલીમાં એવું શું છે, જે પોતાનાથી છુપાવવામાં આવ્યું છે.

કોલેજનો ટાઈમ થઈ જવાથી વિવાન બધા વિચારોને સાઈડમાં મૂકીને કોલેજ જવા નીકળી જાય છે.

***

કરણ બીજા દિવસે સવારમાં જ વિકી પાસે પોહચી જાય છે, વિકી તેને એક બેગ અને એક એડ્રેસ લખેલી ચિઠ્ઠી આપતા કહે છે,”આ એડ્રેસ પર આ બેગ પોહચાડી દે તને પૈસા મળી જશે, પણ હા સાવધાની પૂર્વક જજે કારણ કે રસ્તામાં ચેકીંગ આવશે.”

“એવું શું છે આ બેગમાં??” કરણ આશ્ચર્યથી પૂછે છે.

“તારે એની સાથે કોઈ લેવા દેવા નથી, તું ખાલી આ બેગ પોહચાડી દે એટલે તને પૈસા મળી જશે”

કરણ વધુ કઈ પૂછ્યા વગર બેગ લઈને નીકળી જાય છે, ચિઠ્ઠીમાં લખેલું એડ્રેસ જોઈને ગાડી એ તરફ ભગાવી મૂકે છે, રસ્તામાં સરદાર ચોક પાસે પોલીસનું ચેકીંગ ચાલતું હોય છે.

કરણ એ બેગ કારની પાછલી સીટ નીચે છુપાવી દે છે, જેથી ચેકીંગ દરમિયાન કોઈ મુશ્કેલી ના આવે, સરદાર ચોક પાસે તેની ગાડીનું પણ ચેકીંગ થાય છે પણ તે બચી જાય છે.

ત્યાંથી આગળ અમુક અંતરે બીજું ચેક-પોસ્ટ આવે છે, એક વખત બચી જવાથી કરણ ચિંતામુક્ત થઈને સ્પીડમાં ગાડી ચલાવે છે જેથી કરીને જલ્દી એ બેગ પોહચાડી શકાય અને પૈસા લઈ શકાય.

ગાડીની સ્પીડ વધુ હોવાથી ચેક-પોસ્ટ નજીક આવતા કરણ જોરથી બ્રેક મારે છે આથી પાછળ સીટ નીચે રહેલું બેગ ધક્કો લાગતા બહાર સરકી જાય છે.

કરણ આ વાતથી બેખબર છે, ચેકીંગ દરમિયાન એક ઓફિસરનું ધ્યાન એ બેગ પર પડે છે અને તે બેગ બહાર કાઢે છે.

“આ બેગમાં શુ છે?” ઓફિસર કરણને પૂછે છે.

“કઈ જ નહીં, ક…કપડાં છે..” કરણ થોડું ગભરાતા જવાબ આપે છે.

ઓફિસર એ બેગ ખોલે છે, જેમાં કપડાં જ હોય છે, એ જોઈને કરણને રાહત થાય છે કે સારું કર્યું તેણે નીકળતા પહેલા એક વખત બેગ ચેક કરી લીધી હતી.

ઓફિસર થોડા કપડાં ઉથલાવીને ચેક કરે છે અને ત્યાં જ એક કપડામાંથી એક સફેદ રંગનું પેકેટ નીચે પડે છે, ઓફિસર એ પેકેટ જોઈને ચમકી જાય છે.

કરણ એ પેકેટ જોઈને ગભરાઈ જાય છે, ઓફિસર એ પેકેટ કરણ સામે રાખીને પૂછે છે,”આ શું છે?”

“ખબર નહિ સર…”

“આ ડ્રગ્સનાં પેકેટ છે, તારી બેગમાં ક્યાંથી આવ્યા?”

“આ બેગ મારુ નથી..”

“તો તારી ગાડીમાં ક્યાંથી આવ્યું?”

“મને નથી ખબર..”

“તારી ગાડીમાં એક બેગ મળે છે જેમાં ડ્રગ્સના પેકેટ છે અને તને ખબર જ નથી કે એ બેગ કોનું છે અને ક્યાંથી આવ્યું?” ઓફિસર ગુસ્સામાં કરણને કહે છે.

કરણ કઈ બોલ્યા વગર ચૂપ ઉભો રહે છે, ઓફિસર તેની ગાડી જપ્ત કરી લે છે અને કરણને પોલીસ સ્ટેશન લઈ જાય છે.

પોલીસ સ્ટેશનમાં કરણની પૂછપરછ કરવામાં આવે છે,

“તારું નામ શું છે?”

“કરણ અજિત રાઠોડ” કરણ જવાબ આપતા કહે છે.

અજિત રાઠોડનું નામ સાંભળીને એક હવાલદાર એ ઓફિસર પાસે આવીને તેના કાનમાં કહે છે,“સાહેબ, આ તો રાજગઢના મહારાજા અજિત રાઠોડનો છોકરો છે.”

ઓફિસર તેને આગળ વધુ પૂછપરછ કરે છે પણ કરણ કઈ જ જણાવતો નથી આથી ઓફિસર તેના પિતાને બોલાવવાનું કહે છે પણ કરણ ના પાડે છે.

“જો તારે છૂટવું હોય તો સાચી હકીકત જે હોય તે કહી દે”

“પણ મને આના વિશે કઈ જ નથી ખબર…” કરણ તો પણ જુઠ્ઠું બોલતા કહે છે.

ઓફિસર તેને લોકઅપમાં નાખી દે છે, કરણ વિકીને કોલ કરીને આ બધી વાત જણાવે છે પણ વિકી તેની મદદ કરવાની ના પાડી દે છે, કરણ તેના બીજા અમુક ફ્રેન્ડ્સને પણ ફોન કરે છે પણ કોઈ પોલીસના મામલામાં પડવા નથી માંગતું.

આખરે હારીને કરણ તેની બહેન મોહિનીને ફોન લગાવે છે અને તે પોલીસ સ્ટેશનમાં છે તે જણાવે છે.

મોહિની આ વાત સાંભળીને ટેન્શનમાં આવી જાય છે, તે તરત જ પોલીસ સ્ટેશન જવા નીકળે છે, વિવાન પણ તેની સાથે આવે છે, થોડીવારમાં તેઓ પોલીસ સ્ટેશન પોહચી જાય છે.

ઓફિસર પાસે તે કરણને મળવાની મંજૂરી લઈને કરણ પાસે જાય છે અને પૂછે છે,”આ બધું શું થયું કરણ? કેવી રીતે થયું?”

કરણ મોહિનીને પહેલેથી બધી વાત જણાવે છે તે સટ્ટામાં હારી જાય છે જેથી શોએબના માણસો ઉઘરાણી માટે તેને ઉઠાવી જાય છે, પૈસાની વ્યવસ્થા કરવા તે વિકી પાસે જાય છે અને વિકી તેને એક બેગ પોહચાડવાનું કહે છે જેમાં ડ્રગ્સ હોય છે અને તે બેગ સાથે તે પકડાઈ જાય છે.

વિવાન તેને પૂછે છે,”તે પોલીસને આ બધું જણાવ્યું?”

કરણ ના પાડતા કહે છે,”મેં કઈ જ નથી જણાવ્યું મને લાગ્યું કે હું એમ કરવામાં ક્યાંક વધુ ફસાઈ જઈશ.”

“તું ચિંતા ના કર, હું કઈક કરું છું, તું પૈસાનું ટેન્શન ના લે એનું પણ આપણે કઈક કરી લઈશું” વિવાન કરણને સાંત્વના આપતા કહે છે.

વિવાન ઓફિસર પાસે કરણ વિશે વાત કરવા જાય છે, વિવાનના ગયા પછી કરણ મોહિનીને પૂછે છે,“આ તારો ફ્રેન્ડ વિવાન છે ને જેણે તને વાગ્યું ત્યારે તને હેલ્પ કરી હતી?”

“હા આ એ જ વિવાન છે” મોહિની તેને જવાબ આપતા કહે છે,”તું ટેન્શન ના લે અમે તને કઈ નહીં થવા દઈએ.”

મોહિની પણ વિવાન પાસે આવે છે અને તેઓ ઓફિસર સાથે વાત કરે છે, ઓફિસર તેમને કરણના બચવાનો એક રસ્તો બતાવતા કહે છે,”જો કરણ આ ડ્રગ્સ સપ્લાઈ કરતી ગેંગને પકડવામાં મદદ કરે તો તે બચી શકે છે.”

વિવાન ખાત્રી આપતા કહે છે,”એ ગેંગને પકડવા કરણ જ નહીં અમે પણ અમારાથી બનતી દરેક મદદ કરશું, અમારે શુ કરવું પડશે?”

ઓફિસર કરણને લોકઅપમાંથી બહાર લાવવા આદેશ આપે છે, એક હવાલદાર કરણને લઈને આવે છે, કરણના આવ્યા પછી ઓફિસર બધાને પોતાનો આખો પ્લાન સમજાવે છે….

(ક્રમશઃ)

હવેલીનું રહસ્ય શું છે? ઓફિસરે ડ્રગ્સ સપ્લાઈ કરતી ગેંગ માટે કેવો પ્લાન તૈયાર કર્યો છે? કરણની મદદથી તે ગેંગ પકડાશે કે નહીં? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

Thank you

  • - Gopi kukadiya.