ફેસબુક ફ્રેન્ડસ Bharti Bhayani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુક ફ્રેન્ડસ

ફેસબુક ફ્રેન્ડસ.

દાદી, જલ્દી આવોને, આ મારા ફ્રેન્ડસ તમારી રાહ જુએ છે. ધૈર્યએ કોમ્પ્યુટર ખોલતા જ સુનંદાબહેનને રાડ પાડી. સુનંદાબહેને કંઇક કામ કરતા કરતા જ કહયુ, હા બેટા. પૌત્રનુ મન રાખવા સુનંદાબહેન રોજ તેની પાસે બેસતા. ધૈર્ય પોતાના વહાલા બા ને બધાની સાથે ઓળખાણ કરાવીને વાતચીત કરાવતો. આમ તો તે જ વાત કરતો એમ કહીએ તો ચાલે, કારણ કે એક તો સુનંદાબહેન ને ખાસ કંઇ રસ નહી અને પાછુ અંગ્રેજી આવડે નહી. આ ઉમરે પોતે દસ બાર વરસના છોકરાઓ સાથે શુ વાત કરે એ પણ તેમને ના સમજાય. આ તો બસ બાળકનુ મન રાખતા. એ બહાને થોડો સમય નીકળી જાય.

જ્યારથી સુનંદાબહેન દીકરા અને વહુ સાથે લંડન આવ્યા ત્યારથી રોજ એક વખત ઞામડાને યાદ કરે. ઘણી વખત વિચારે કે કયા મારી માટીની સુઞંધ અને કયા અહીના મોટા રસ્તાઓ. અહી પેકેટના ફુડ અને ત્યા મારે ચૂલાના રોટલા. અહી તો દૂધ પણ પેકેટમા ને ત્યા તો ગાય ભેસના ચોખ્ખા દૂધ. કયા મારા લીમડાની મીઠી ઠંડી હવા અને કયા અહીના એ. સી. ને આ વળી શુ્? ફેસબુક? અમારો તો ઓટલો જ અમારુ ફેસબુક. પણ જ્યારે વહુ અને દીકરાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે તેઓ ગામડેથી અહી આવી ગયા. વળી તેમને કયારેય એવું ન લાગ્યુ કે તેઓને માત્ર કામ કરવા માટે જ લાવવામા આવ્યા છે, તેથી તેઓ મરજીથી જ રોકાઇ ગયા. ઉંમર ગમે તેટલી થાય માવતરની જરુર હંમેશા રહે જ. જે સંબંધમા સમયની સાથે કયારેય ઓટ ન આવે તે જ સાચો સંબંધ. હા, સમયની સાથે બદલાવ ચોક્કસ આવવો જોઇએ. દીકરી હોય તો સાસરીયામા ભળી જવાની સલાહ આપવી અને દીકરાને તેની પત્ની સાથે જ સ્વીકારવો. જેથી કોઇ પુરૂષને પત્ની અને મા વચ્ચે પિસાવાનો સમય ના આવે.

સુનંદાબહેને સ્નેહાને ખૂબ જ સ્નેહ સાથે સ્વીકારી હતી. સાસુ જો મા બને તો વહુ આપોઆપ દીકરી બની જ જાય. લંડનમા આસપાસના લોકો તેમની ઈર્ષ્યા કરતા, કારણ કે એક તો ત્યા મોટાભાગના લોકો એકલા જ રહેતા હોય અને બાળકોને પણ સ્વતંત્રતા જોઇતી હોય. પણ સ્નેહાને તો સ્વતંત્રતાની સાથે મા નો પ્રેમ પણ મળતો હતો. દીપ ને સ્નેહા પોતાને ખૂશનશીબ માનતા. ધૈર્ય તો બા નો ખૂબ લાડકો બની ગયો હતો.

બસ પૌત્રના કારણે જ બાને થોડું ગમતું, બાકી તો આસપાસમાં પોતાના જેવડું કોઇ ન હોવાથી તેઓ કંટાળી જતા. આખો દિવસ કરવું શું? સ્નેહા ખૂબ ના પાડે છતાં રસોઇમા તો ઘણી વખત ઘૂસી જતા અને બધાને ભાવતું કંઇક બનાવીને ખવડાવતા. પણ પછી શું કરવું? એમા ને એમા એક દિવસ ધૈર્ય એ કોમ્પ્યુટર પાસે બોલાવ્યા અને પછી તો જાણે નિત્યક્રમ બની ગયો. થોડીવાર તેમની વાતો સાંભળતાં. સ્નેહા એ પણ કહ્યુ કે તમારો સમય નથી જતો તો તેની પાસે બેસો, એ બહાને એ કોની સાથે વાત કરે તેનું ધ્યાન રહેશે , તેને સાચા ખોટાની સમજ મળશે અને તમારો સમય કયાં જતો રહેશે તેની ખબર પણ નહી પડે.

દીપ અને સ્નેહા સાથે જ ઓફીસે જતા અને સાંજે સાથે જ પાછા ફરતા. ધૈર્ય સ્કુલેથી આવીને આખો દિવસ બા પાસે જ હોય. તેથી બા સાથે બધી જ વાતો કરતો. એક દિવસ વાતવાતમાં બાને કહે, બા, ઈન્ડીયાથી મારી એક ફ્રેન્ડ તમારી સાથે વાત કરવા માગે છે. સુનંદાબહેનને થયું, ચાલો એ બહાને મારા વતનને યાદ કરીશ. તેઓ ધૈર્યની બાજુમા બેઠા. હવે તો ધૈર્ય એ બાને થોડું થોડું અંગ્રેજી શીખવી દીધું હતું. તેણે ફ્રેન્ડસ કઇ રીતે શોધવા તે શીખવ્યુ અને પછી પોતાના ગ્રુપમા જઇ મિસરી નામ પર કલીક કર્યુ. બા એ પૂછ્યુ, બેટા, તારી ફ્રેન્ડનું નામ મિસરી છે? ધૈર્ય એ કહયુ, હા, બા જુઓને કેવું નામ છે મને તો સમજાતુ પણ નથી. બાએ સમજાવ્યુ કે મિસરી એટલે ક્રુષ્ણ ને પ્રિય વસ્તુઓમાની એક. જેમની વાતો પોતે રોજ પૌત્રને કરતા. વાહ, કેટલું મીઠું નામ!

તે દિવસ પછી તો બા પણ મિસરી સાથે વાતો કરતા થઇ ગયા. મિસરીની વાતોમા તેમને વતનની સુગંધ મળતી હતી ને! ભલે અહી તેમને કોઇ તકલીફ નહોતી પણ તેમનો અંતરાત્મા દેશને ઝંખતો હતો. જ્યા જન્મ થયો, બાળપણ વિત્યું, જ્યા બહેનપણીઓ સાથે ઘર ઘર રમ્યાં, જ્યા સાથે મળીને ગોરમા પુજ્યા, વાજતે ગાજતે મનગમતો વર પામ્યા, દીપ પણ ત્યા જ જન્મેલો. જ્યા જીવનના તમામ સુખ અને પતિને ગુમાવ્યાનું દુઃખ ભોગવ્યા. એ તો કઇ રીતે ભૂલાય? અહીના લોકોને અહી વધારે ગમે તો તેઓ કહેતા કે આ તમારુ વતન છે, મને મારુ વતન જ વધારે ગમવાનું, પોતાના વતનને ચાહવાનો હક તો સૌ ને સરખો જ ને?

સ્ત્રીઓને ખૂબ લાગણીશીલ માનવામા આવે છે. જીવનની તમામ વાતોને તે હ્રદય સાથે જોડી દે છે. જ્યારે પુરૂષ માટે પ્રેમ પણ જીવનનો એક માત્ર ભાગ હોય છે. સ્ત્રીને તો પિયરનુ ઝાડ પણ વહાલું લાગે તો આ તો છોકરી. સુનંદાબહેનને તો મિસરીની માયા લાગી ગઇ. હવે તો રાહ જોતા કે ક્યારે મીઠડી સાથે વાતો કરુ.

એવામા એક દિવસ તો લોટરી લાગી ગઇ. મિસરીએ જણાવ્યુ કે ગામડેથી તેના દાદા દાદી આવવાના છે. સુનંદાબહેન ખૂશ થઇ ગયા કે તેમના જેવડું કોઇક તો મળશે વાતો કરવા. ધૈર્ય એ મજાક કરી, દાદી શું કહેવાય? બહેનપણી ? દાદી બોખા મોંએ હસી પડયા. સવારે પોતે તો ભૂલી જ ગયેલા. બપોરે પરવારીને વાતો કરવા બેઠા. મિસરીએ કહયુ કે તેના દાદી જય શ્રી ક્રુષ્ણ કહે છે. સારૂ લાગ્યુ. હજુ મિસરીના દાદી જાતે વાતો કરે તો મજા આવે. પણ પોતાને પણ શીખવામા સમય લાગ્યો હતો ને? છતા પણ બાળકોની મદદથી પોતાની ઉંમરની એક સહેલી મળી તે ગમ્યુ. બાળપણમા તો કેટલી બહેનપણી!લગ્ન સૂધી સંપર્ક રહ્યા ને પછી ધીમે ધીમે છૂટી ગયા.

બે ચાર દિવસ સમય ના મળ્યો. ફરી પાછા એક દિવસ વાતો ચાલુ કરી. મિસરી તેના દાદીને ના આવડે ત્યા મદદ કરતી. બંને દાદી વાતો કરતા. સરખી ઉંમર હોવાથી દીકરા વહુ, દીકરી જમાઇ અને પૌત્ર પૌત્રીની વાતો થતી. વચ્ચે વચ્ચે પગના દુ:ખાવાની યે વાતો આવતી. ધીમે ધીમે રસોઇ ને અથાણા, પાપડ ને મસાલા ને વેફર બનાવવાની વાતો ચાલું થઇ. અહીં આવીને તો આવું સાંભળવા પણ ના મળતું. જાણે પોતાનું ગામ જીવંત બન્યું.

હવે તો જ્યારે નવરા પડતા કેબંને વાતો કરતા. ધીમે ધીમે બંને એકબીજાને સુનંદા અને શ્રીલતા કહેતા થઇ ગયા હતા. ધૈર્ય કયારેક મજાક કરતો, દાદી, અમારો વાતો કરવાનો વારો તો આવવા દો. મમ્મી પપ્પા એ થોડાં નીયમ રાખેલા હોવાથી હજુ ફેસ ટુ ફેસ વાત નહોતી થઇ. અચાનક એક દિવસ મિસરીના દાદીએ પૂછ્યુ, તમે લંડન પ્લેનમા ગયા હશો ને? પછી પાછા કહે, મને પણ પ્લેન ખૂબ ગમે. પોચા પોચા વાદળમાથી પ્લેન પસાર થાય ત્યારે કેવી મજા આવે નહી?

સામેથી જવાબ ના મળતા પૂછયું, તમે તત્રયા જ છો ને?

સુનંદાબહેને જવાબ આપ્યો, મને મારી એક સહેલી યાદ આવી ગઇ. તે પણ આવી જ વાતો કરતી. ખબર નહી કયા હશે? તે દિવસે આટલેથી વાત અટકી ગઇ.

એક દિવસ રજાના દિવસે પાછા મળ્યા ત્યારે ધૈર્ય અને મિસરી વાતો કરતા હતા. મિસરીએ કહયુ કે આજે તો દાદીના હાથની પૂરણપોળી ખાધી. ફરી સુનંદાબહેન ભાવવિભોર થઇ ગયા. શ્રીલતાબહેન વાત કરવા આવ્યા તો ધૈર્યએ કહયુ કે બાને તેની માધુરી યાદ આવી ગઇ. એટલે રડે છે. અચાનક માધુરી સાંભળીને મિસરીના બા એ કહયુ કે તારા બાને બોલાવ. સુનંદાબહેન હળવે હળવે આવ્યા તો શ્રીલતાબહેન તેમને માધુરી વિશે પૂછવા લાગ્યા. તમારુ ગામ, શાળા, શિક્ષકો, વઞેરે... પછી પોતે જ જવાબ આપવા લાગ્યા, કે માધુરીને શું ગમતું, શું નહી, માધુરી ને સુનંદા છેલ્લે ક્યારે મળ્યા ને એકબીજાને કઇ ભેટ આપી વગેરે...

હવે સુનંદાબહેન ચમકયા, તમને ખબર છે માધુરી ક્યા છે? અને જવાબ સાંભળીને તો ઝૂમી ઊઠયા.

માધુરીના પતિનુ નામ શ્રીધર હોવાથી સાસરીમા શ્રીલતા કહેતા. આટલા વર્ષે પોતે પણ પોતાનુ નામ માધુરી હતુ એ યાદ કરીને ગળગળાં થઇ ગયા. હું જ તારી માધુરી, બોલ હવે અહી ક્યારે આવે છે? ને સુનંદાબહેન કહે, પાંખ મળે તો હમણાં જ. દીપ ને સ્નેહા ને ખબર પડતા બંને દોડીને આવ્યા અને બંને ને ફેસ ટુ ફેસ વાત કરાવી. બંને આટલા વર્ષે એકબીજાને રૂબરૂ જોઇ ને ગળગળાં થઇ ગયા. પછી તો ધૈર્ય અને બા પોતપોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા INDIA આવ્યા.

વર્ષોથી વિખૂટી પડેલી બહેનપણીઓ એ વિચાર્યુ પણ નહોતુ કે હવે મળી શકશુ કે કેમ? આંખોમાથી તો પૂર ચાલ્યા જાય ને હ્રદયમા તો ખુશીઓના ઘોડાપૂર. પૌત્ર પૌત્રીના કારણે બંને દાદીઓનું કેવું અદ્ભુત મિલન!

બંને બહેનપણીઓને લાગ્યુ કે દરેક નવી શોધ સારી જ હોય છે. નવા નવા ઉપકરણોનો સદુપયોગ થાય તો પૃથ્વી સ્વર્ગ જ ન બની જાય! માનવી જ તેનો દુરુપયોગ કરે ને પછી બદનામ કરે. ઈશ્વરે તો દુનિયા સુંદર જ બનાવી છે.

નાજુક, ક્ષણભંગુર જીવન સમાપ્ત થાય એ પહેલા ઈશ્વરે બનાવેલી રંગીન, સુંદર દુનિયાને જાણીએ, માણીએ અને તેમનો આભાર માનીએ. જીવનમા એક મિત્ર એવો રાખીએ જેની સાથે મનની તમામ વાત વહેચી શકીએ. નવા જમાનાની સાથે ચાલવુ તો જરુરી જ છે. પણ તેનો સાચો ઊપયોગ કરીએ અને પછી ખરા અર્થમા પ્રગતિનો અહેસાસ કરીએ

ભારતી ભાયાણી.....