મહાત્મા ગાંધી Bharti Bhayani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાત્મા ગાંધી


#GreatIndianStories
Gems of india
ભારતના સાચા રત્નોની વાત કરીએ તો આખી રત્નોની માળા બને એટલો ભારત દેશ નશીબદાર છે.તેમાં માત્ર પુરૂષો જ નહી સ્ત્રીઓનો પણ અમૂલ્ય ફાળો છે.એમા સૌનુ અદકેરૂ મહત્વ છે.પરંતુ માત્ર એક વિચાર આવ્યો કે ગાંધીજી ન હોત તો?દેશ આઝાદ થયો હોત?બસ પછી તો ભારતના મહાન રત્નની ગાથા તરીકે ગાંધીજીની જીવનયાત્રા તરફ મારી કલમ આપમેળે ચાલવા લાગી.આમ જોવા જઇએ તો ત્યારથી કરીને અત્યાર સૂધી બાળક થી લઇને વૃધ્ધ તમામ વ્યક્તિ ગાંધીજીને ઓળખે જ છે.પરંતુ તેમની મહાન ગાથાને ગણ્યા ગાંઠયા દિવસોમા યાદ કરવી એ દુઃખની વાત છે.જેવી રીતે આપણે ઈશ્વરને યાદ કરીએ,અરે જેવી રીતે શ્વાસ લઇએ તેવી સહજ રીતે જ આપણે આપણા રાષ્ટ્રપિતાની યાદ આવવી જોઇએ.બરાબરને?તો ચાલો મારી સાથે અઢારમી સદીમા......
આમ તો બાપુ વિશે લખવા માટે મારી કલમનુ ગજુ નહી પરંતુ વિચારોમા પણ વિસરી ગયેલી આજની યુવા પેઢીને તેનો અમુલ્ય વારસો જાળવી રાખવાની પ્રેરણા મળે એ માટે મારે તેમને બાપુની જીવનયાત્રા પર લઇ જવા જ રહયા.આજથી વર્ષો પહેલા ઈસ.૧૮૬૯ની બીજી ઓકટોબરે ગુજરાતના કાઠીયાવાડમા પોરબંદરની પાવન ધરતી પર ગાંધીજીનો જન્મ થયો હતો.તેમનું મૂળ નામ મોહનદાસ હતું.તેમના પિતાનુ નામ કરમચંદ ગાંધી હતું,અને ધન્ય એવા પૂતળીબાઇ કે જેમને ત્યા ભારતના આ મહાન રત્નનો જન્મ થયો.
મોહનદાસના પિતા એ જમાનામા પણ કાઠીયાવાડના પોરબંદરમા દિવાન હતા.તેમની માતા તરફથી તેમને બાળપણમા જ ઉચ્ચ સંસ્કાર મળ્યા હતા.જેમા દુર્બળ લોકો પ્રત્યે દયા રાખવી,શુદ્ધ શાકાહારી ભોજનનુ જ સેવન કરવું,આત્મશુદ્ધી માટે ઊપવાસ કરવા,તથા વિભીન્ન જાતિ પ્રત્યે સમાન ભાવ રાખવો આ બધાનો સમાવેશ થાય છે.કોઇપણ મહાન વિભૂતિના જીવન પર નજર કરીએ તો એક વસ્તુ સામાન્ય રીતે જોવા મળે કે તેમની માતાનુ તેમના જીવનમા વિશેષ યોગદાન હોય છે.આમ પણ એક માતા સો શિક્ષક બરાબર કહેવાય છે.બાપુના ઘડતરમા પણ તેમની માતાનુ યોગદાન ખૂબ જ હતુ.બાળપણથી જ તેઓ સત્યવાદી હતા.બાળપણમા એક સામાન્ય બાળકની જેમ જ સાધારણ શિક્ષા પ્રાપ્ત કરી.બાપુ બાળપણથી શરમાળ હતા.બધા સામે બોલવામા પણ સંકોચ થતો.પ્રારંભિક શિક્ષણ તેમણે રાજકોટમા મેળવ્યુ હતુ.શાળા શિક્ષણ આપે જ છે પણ માતા પિતાના વિચારોનો પ્રભાવ બાળક ઉપર જોવા મળે જ છે.ગાંધીજીને માતા તરફથી ધાર્મિક વિચારો તો મળ્યા જ પરંતુ પિતા તરફથી ન્યાય માટે લડવાનિ પ્રેરણા મળી.માતા પિતા તથા નોકર તરફથી મળેલા સંસ્કારોનો તેમના જીવન પર એટલો પ્રભાવ પડયો કે જીવનભર તેમણે રામનામનુ રટણ કર્યુ.એટલુ જ નહી અંતિમ સમયે પણ તેમના મુખમા હે રામ જ હતુ.જો કે એ વાત ઉપર થોડો વિવાદ સર્જાયો હતો.
પહેલાના જમાનામા બાળ વિવાહ પ્રચલિત હતા.માતા પિતાની પસંદગીનો જીવનસાથી તરીકે સ્વીકાર કરવાનુ અને તો પણ આદર્શ દામ્પત્યજીવનના ઉદાહરણો જોવા મળતા.કોઇપણ મહાન વ્યક્તિની જીવન કિતાબ ખોલવાનો અને વાંચવાનો એક હેતુ આ પણ કહી શકાય કે માત્ર માહિતિ જ નહી પણ ડગલે ને પગલે કંઇક શીખવા મળે.વર્તમાન સમયમા પોતાની મરજીથી જીવનસાથી પસંદ કર્યા પછી પણ આદર્શ દામ્પત્યજીવન તો દૂર માત્ર જીવનભર નિભાવનારા પણ જૂજ જોવા મળે.લગ્નજીવન મા અપેક્ષાઓનુ લાંબુ લીસ્ટ લઇને ટૂંકા ગાળામા ફરિયાદોનુ પોટલુ લઇ ફરનારા માટે ગાંધીજી અને કસ્તુરબાનુ દામ્નત્યજીવન એક ઊત્તમ ઊદાહરણ છે.ઈસ.૧૮૮૩ના મે મહિનામા માત્ર તેર વર્ષની ઉમરે તેમના લગ્ન કસ્તુરબા માખણજી સાથે કરવામા આવ્યા.એ સમયે એવો રિવાજ હતો કે લગ્ન પછી પત્ની પોતાના માતા પિતાના ઘરે રહે અને અમૂક સમય પછી સાસરે આવે.આમ લગ્ન પછી પણ પતિ પત્ની ને ઘણો સમય દૂર રહેવુ પડતુ.ગાંધીજી જ્યારે ૧૫ વર્ષના હતા ત્યારે પ્રથમ વખત પિતા બન્યા હતા,પરંતુ તેમનુ પ્રથમ સંતાન માત્ર થોડા દિવસો જ જીવિત રહયુ.એક બાજુ એ દુઃખ અને એ વર્ષે જ તેમના પિતાજી કરમચંદ ગાંધીએ પણ દેહ છોડયો.
કયારેક કોઇ સફળ કે મહાન વ્યક્તિને જોઇને કોઇને ઈર્ષ્યા થતી હોય કે વિચાર આવતા હોય કે એ લોકો કેટલા ખૂશનશીબ છે,પરંતુ એ લોકો પણ સામાન્ય માણસ જ હોય છે.દરેક સામાન્ય માણસની જેમ એમને પણ દિવસના માત્ર ૨૪ કલાક જ મળતા હોય છે.અને દરેક વ્યક્તિની જેમ જ સુખ દુઃખ સહેવાના હોય છે.એ લોકો પણ કસોટીમાથી પસાર થતા હોય છે.ગાંધીજી પણ એમાથી બાકાત નહોતા.એક સંતાન ને ગુમાવ્યા પછી ગાંધીજી અને કસ્તુરબા સમયાંતરે ચાર બાળકોના માતા પિતા બન્યા.જે ચારેચાર પુત્રો હતા.૧૮૮૮ મા હરિલાલ ગાંધી,૧૮૯૨ મા મણીલાલ ગાંધી,૧૮૯૭મા રામદાસ ગાંધી અને ૧૯૦૦મા દેવદાસ ગાંધીનો જન્મ થયો હતો.ગાંધીજી અને કસ્તુરબાએ પરીવાર પ્રત્યેની પોતાની જવાબદારી ઊત્તમ તરીકે નિભાવી.આ ઉપરાંત પરિવારની જવાબદારી સાથે ગાંધીજીએ પોતાનુ શિક્ષણ પણ આગળ વધાર્યુ.મેટ્રીક પછી તેઓ ભાવનગર ગયા અને ત્યાની શામળદાસ કોલેજમા અભ્યાસ કર્યો.અને અનેક મુશ્કેલી આવવા છતા પાસ પણ થયા.તેમના પરિવારજન તેમને વકીલ બનાવવા ઇચ્છતા હતા.
૧૯ વર્ષ પૂરા પણ નહોતા થયા એના એક મહિના પહેલા જ તેઓ વકીલાત માટે વિદેશ ગયા.વકીલાતનુ શિક્ષણ તેમણે લંડનની યુનીવર્સીટી કોલેજમા લીધુ.ત્યા તેમણે અંગ્રેજી રીત રિવાજોનો અનુભવ પણ કર્યો.વિદેશ જતા પહેલા ભિક્ષુ બેચારગી સમક્ષ તેમણે પોતાની માતાને માંસ શરાબ ન લેવાનુ વચન આપ્યુ.વિદેશના કેટલાક નૃત્યના તેમણે અનુભવ કર્યા પણ માંસાહાર તેઓ કયારેય ન કરી શકયા.વિદેશમા ગાંધીજી કેટલાક શાકાહારી લોકોને મળ્યા.એમાથી કેટલાક થિયોસોફીકલ સોસાયટીના સભ્યો પણ હતા.આ થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના ૧૮૭૫માં વિશ્વ બંધુત્વને મજબૂત કરવા માટે થઇ હતી.અને પાછળથી તેને બૌધ્ધ ધર્મ અને સનાતન ધર્મના સાહિત્ય અધ્યયન માટે સમર્પિત કરવામા આવી.તેમાના જ કેટલાક લોકોએ ગાંધીજીને શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવાની પ્રેરણા આપી.હિન્દુ,ઇસાઇ,બૌધ્ધ અને ઈસ્લામ ધર્મને વાંચતા પહેલા ગાંધીજીએ ધર્મમા કોઇ વિશેષ રૂચિ ન દેખાડી.ઈંગ્લેન્ડ અને વેલ્સ બાર એસોસિએસનમા પાછા બોલાવવાથી તેઓ ભારત પાછા તો આવ્યા ,પરંતુ મુંબઇમા પણ તેમને વકીલાતમા સફળતા ન મળી.પછી જરુરિયાતમંદ માટે મુકદમાની અરજી લખવા માટે રાજકોટને જ તેમણે પોતાનુ મુકામ બનાવી લીધુ.પરંતુ પાછળથી થોડા સમય બાદ એક અંગ્રેજ અધીકારીની મુર્ખતાને કારણે એ પણ તેમને છોડવુ પડયું.થોડા સમય પછી ઈસ.૧૮૯૩મા એક કેસના નિકાલ માટે ગાંધીજીને દક્ષિણ આફ્રીકા જવુ પડયુ.
દક્ષિણ આફ્રીકા જતા પહેલા જ તેમની મુશ્કેલીઓની શરૂઆત થઇ ગઇ.પહેલો ખરાબ અનુભવ ટ્રેનમા જ થયો.ગાંધીજી પાસે પ્રથમ શ્રેણીની ટીકીટ હતી છતા તેમને સામાન્ય શ્રેણીમા બેસવાનુ કહેવામા આવ્યુ.ખોટું સહન કરવાની આદત ન હોવાથી ગાંધીજીએ તેનો સહજ રીતે વિરોધ કર્યો.વિરોધ કરતાની સાથે જ તેમને ટ્રેનમાથી બહાર ફેંકી દેવામા આવ્યા.આ ઉપરાંત તેમણે એક યુરોપિયન મુસાફરના હાથનો માર પણ ખાધો.ભારતીય જાણે અછૂત હોય તેમ આફ્રીકાની કેટલીયે હોટલમા તેમને પ્રવેશની બદલે જાકારો આપવામા આવ્યૌ.
દક્ષિણ આફ્રીકા આવ્યા પછી ત્યા હિન્દુઓની દુર્દશા જોઇ તેમને ખૂબ થયુ.ત્યા દરેક ક્ષેત્રમા હિન્દુઓનો અનાદર થતો.તેમને સાંભળનારુ કે ન્યાય અપાવનારુ પણ ત્યા કોઇ નહોતુ.ગાંધીજીને પણ ત્યા બધા કુલી બેરિસ્ટર કહીને ચીડવતા.એક વખત તો ન્યાયાધીશે બધાની સામે તેમને પાઘડી ઉતારવા પણ કહયુ હતું.ગાંધીજીએ ન્યાયાધીશની વાતનો ઇનકાર કર્યો હતો.ઈસ.૧૯૦૬મા દક્ષિણ આફ્રીકામા જુલુ વિરુધ્ધ અંગ્રેજોનુ યુદ્ધ થયુ.તે યુદ્ધમા બે અંગ્રેજ મૃત્યુ પામ્યા.ગાંધીજીએ બ્રિટીસોને ભારતીયોની ભરતી કરવાની પ્રેરણા આપી,તેમનો તર્ક એ હતો કે પોતાની નાકરીકતાને કાનુની જામો પહેરાવવા માટે ભારતીયોએ યુદ્ધમા જોડાવુ જોઇએ.અંગ્રેજોએ સેનામા સ્થાન આપવાની વાત તો ન માની પણ ઘાયલ સૈનિકોના ઉપચાર કરવા માટેનુ કાર્ય સ્વેચ્છાએ કરવાની પરવાનગી આપી દીધી.એનુ નેતૃત્વ ગાંધીજીએ સંભાળી લીધુ.દક્ષિણ આફ્રીકામા ભારતીય લોકોને ઈન્ડીયન ઓપિનિયનમા પોતાની કોલમ દ્વારા યુદ્ધમા ભાગ લેવા માટે આગ્રહ કર્યો.અને સાથે કહ્યુ કે સરકાર જ્યારે એવું અનુભવશે કે આરક્ષિત દળ બેકાર થઇ રહયા છે ત્યારે જ તેમનો ઉપયોગ કરશે અને અસલી લડાઇ વખતે ભારતીયોને પ્રશિક્ષણ આપીને પછી જ તક આપશે.ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રીકાથી ભારત પાછા આવ્યા ત્યારે જ મનમા દેશને સ્વતંંત્ર કરવાની ભાવના સાથે લઇને આવ્યા હતા.
ભારત આવ્યા બાદ તેમણે ભારતીયોને અપીલ કરી કે તેઓ બ્રિટનને મદદ કરે.આ માટે તેમણે ભારતીયોને મિલટરીમા ભરતી કરવાનુ પણ ચાલુ કર્યુ.ઈસ.૧૯૧૯મા બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યુ કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર સીધી કેદ કરી શકે.તેના વિરોધમા ગાંધીજી અને અંગ્રેજો વચ્ચેના સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયુ.ગાંધીજીએ સત્યા ગ્રહનુ એલાન કરી દીધુ.આખા દેશમા હિંસા ફાટી નીકળી.અમૃતસરમા ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને બ્રિટીશ લશ્કરે રહેસી નાખ્યા.ચંપારણ્ય અને ખેડા સત્યાગ્રહમા સફળતા મેળવ્યા પછી ૧૯૨૦મા અસહકારનુ આંદોલન શરુ કર્યુ.વિદેશી વસ્તુનો બહિષ્કાર અને ખાદીનો પ્રચાર કર્યો.તેમનો હેતુ દેશને સ્વદેશી બનાવવાનો હતો.તેમણે સ્ત્રીઓને ખાદી કાંતવાની પ્રેરણા આપી.બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે તેમણે યુવાનોને બ્રિટીશ ભણતર,ન્યાયાલય તથા તમામ સરકારી નોકરીના બહિષ્કાર માટે જોશ ચડાવ્યુ.જનતાને અપિલ કરી કે કોઇપણ વેરો ભરવો નહી.સરકાર તરફથી પ્રાપ્ત ઈનામો, ઈલ્કાબો કે સન્માન પત્રો પણ પાછા આપવા સમજાવ્યા.આખો દેશ ગાંધીજીના રંગે રંગાઇ ચૂક્યો હતો.લોકોમા સ્વરાજ્યની તરસ જાગી હતી.ત્યા જ સ્વાતંત્ર્ય સંગ્રામને ધક્કો લાગ્યો.ઉતર પ્રદેશમા થોડા સ્વાતંત્ર્ય સેનાની બેકાબુ બનતા આ સંગ્રામ હિંસા તરફ વળ્યો.ગાંધીજીની બધી મહેનત પર પાણી ફરી વળ્યુ.તેમને સાધનની શુદ્ધી વિનાની સાધના નિરર્થક લાગી.અને તેમણે અસહકારની ચળવળ આટોપી લીધી.તેમને છ વર્ષની જેલ થઇ.સંગ્રામના રસ્તે આ પહેલો કારાવાસ નહોતો પણ તેમના જીવનની અત્યાર સુધીની સૌથી લાંબી જેલયાત્રા હતી.
ગાંધીજીની ગેરહાજરીમા કોંગ્રેસ ધીમે ધીમે પીછેહઠ કરવા લાગી.અને બે ભાગમા વહેચાઇ ગઇ.એક તરફ ચિતરંજનદાસ અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમા ભારતીય કોંગ્રેસની ભાગીદારીની તરફેણમા હતા.તો બીજી બાજુ સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજગોપાલાચાર્ય હતા જેઓ એમ માનતા કે સત્તામા ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે.ગાંધીજીએ હિન્દુ મુસ્લીમ વચ્ચેની ખાઇ પુરવા પણ ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળ ન રહયા.તેઓ સક્રીય રાજનીતિથી દૂર રહયા.૧૯૨૯મા લાહોરમા ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાયો.ગાંધીજીએ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછુ ભારતને કંઇ નહી ચાલે.સરકાર જ્યારે ન ઝૂકી તો મીઠાના સત્યાગ્રહ વખતે ગાંધીજીએ પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા.
દાંડીકૂચના કાર્યક્રમ મુજબ ૨૧માર્ચ ના રોજ સાબરમતીથી કૂચ કરીને ૬એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીપહોચ્યા.અમદાવાદથી દાંડી સૂધીની આ યાત્રામા હજારો ભારતીયોએ ભાગ લીધો.બ્રિટીશ અવજ્ઞાના પ્રતિક રૂપે ગાંધીજીએ કોઇ કર ભર્યા વગર જાહેરમા દાંડીમાથી એક મુઠ્ઠી મીઠું લીધું.અને તેને સવિનય કાનુન ભંગ નામ આપ્યુ.આ સત્યાગ્રહમા હજારો ભારતીયો જેલમા ગયા પણ દાંડીકૂચ સુવર્ણ અક્ષરે ઈતિહાસમા લખાઇ ગયુ.ભારતના ખૂણે ખૂણે આની અસર થઇ અને સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી.બ્રિટીશ સરકારના પ્રતિનિધિ તરીકે લોર્ડ ઈરવીને ગાંધીજી સાથે મંત્રણા કરી.બંને પક્ષે સમાધાનરૂપે ગાંધી ઈરવીન કરાર પણ થયો.એ મુજબ નક્કી થયુ કે સરકાર તમામ કેદીઓને છોડી દે અને ગાંધીજી આ લડાઇ છોડી દે.એ ઉપરાંત ગાંધીજીને ગોળમેજી પરીસદમા આમંત્રિત કરવામા આવ્યા.પરંતુ પરિષદમા ભારતીયોને ખાસ તો ગાંધીજીને નિરાશા સિવાય કશુ ન મળ્યુ.
૧૯૩૨મા ગાંધીજીએ દલીતોના હિત માટે કાર્ય કર્યા.અછૂતોના જીવન સૂધારવા માટે તેમણે હરિજન અભિયાન કર્યુ.ગાંધીજી હરિજનને હરિના જન એટલે કે ભગવાનના સંતાન કહીને સંબોધતા.આ દરમિયાન તેમણે ૨૧ દિવસના ઉપવાસ પણ કર્યા.તેઓ માનતા કે છૂતાછૂતની બિમારી મોટી બિમારી છે.એ વખતે હરિજનને મંદિરમા પણ પ્રવેશ ન મળતો.આખરે ગાંધીજીના પ્રયત્નો પછી તેમા અમુક અંશે સફળતા મળી.પરંતુ એ દરમિયાન ગાંધીજી ઉપર જીવલેણ હુમલાઓ પણ થયા.
૧૯૩૯ મા જર્મન નાઝીઓએ પોલેન્ડમા ઘૂસપેઠ કરવાને કારણે બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું.બ્રિટીશરોની કોશીશ એ રહી કે હિન્દુ મુસ્લીમ વચ્ચે તણાવ પેદા થાય અને જળવાઇ રહે.જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ ગાંધીજીનુ અંગ્રેજો પર દબાણ વધતું ગયું.છેવટે ભારત છોડોની ચળવળ ભારતભરમા છવાઇ ગઇ.હજારો લોકોના મૃત્યુ પછી પણ ગાંધીજીનુ એક જ સૂત્ર રહયુ,કરો યા મરો.૯ ઓગષ્ટ ૧૯૪૨ મા ગાંધીજી ફરી ગીરફતાર થયા.એ જ વખતે મહાદેવભાઇ દેસાઇનું નિધન થયું.અને ૧૯૪૪મા કસ્તુરબા ગાંધી પણ ગાંધીજીનો સાથ છોડી ગયા.ગાંધીજી માટે આ બંને આઘાત ખૂબ મોટા હતા.ગાંધીજીની તબિયત બગડી અને તેમને જેલમાથી મુક્ત કરવામા આવ્યા.
આખરે ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ દેશ આઝાદ થયો.દેશમા આઝાદીનો સૂરજ ઊગ્યો.દેશવાસીઓઐ સ્વતંત્રતા દિવસને ખૂબ ધામધૂમથી ઊજવ્યો.પરંતુ દેશ સામે હજુ ઘણી સમસ્યાઓ હતી.ભાંગી પડેલા ભારતને ઊભો કરી તેને પ્રગતિના પંથે લઇ જવાનો હતો.પંડીત નહેરૂ,સરદાર પટેલ અને લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓએ દેશની કાયાપલટ કરવા ઘણા પ્રયત્નો કર્યા.પરંતુ જેમણે દેશને આઝાદીનો સૂરજ દેખાડયો એની જયોત આઝાદીના થોડા સમય પછી બુઝાઇ ગઇ
.૩૦ જાન્યુઆરી ૧૯૪૮ નો એ દિવસ ભારત માટે ગોઝારો બન્યો.ગાંધીજી ત્યારે દિલ્હીમા હતા.તેઓ સાંજની પ્રાર્થના માટે જઇ રહયા હતા.ત્યારે નાથુરામ ગોડસેએ ગાંધીજીને એક પછી એક ત્રણ ગોળી મારી દીધી.પહેલી ગોળી બાપૂની નાભિથી ઉપર પેટમાથી થઇને પીઠમાથી નીકળી ગઇ.ગોળી લાગતા જ બાપૂના પગ અટકી ગયા.છતા પણ તેઓ ઊભા રહયા.બીજી ગોળી પાંસળીઓની વચ્ચે ઘૂસી અને પીઠ ચીરીને નીકળી ગઇ.બાપૂના સફેદ વસ્ત્ર લોહીલુહાણ થઇ ગયા અને તેમનો ચહેરો સફેદ પડવા લાગ્યો.વંદન માટે જોડાયેલા હાથ છૂટી ગયા.આખરે ત્રીજી ગોળી ડાબી તરફ લાગી અને ફેફસામા ઘૂસી ગઇ.આભા અને મનુએ તેમનું મસ્તક પોતાના હાથમાં ટેકવ્યુ.પરંતુ આ ગોળી લાગતા જ બાપૂનું શરીર ધરતી પર ઢળી પડયું,ચશ્મા નીકળી ગયા અને ચપ્પલ પણ.
બસો વર્ષ સૂધી અંગ્રેજોની ગુલામી સહયા પછી જેણે દેશને આઝાદ કરાવ્યો એ આ ત્રણ ગોળીથી હંમેશ માટે અંધકાર કરીને ચાલ્યા ગયા.જેમણે પોતાની જીંદગીના બાર હજાર પંચોતેર દિવસ સ્વાતંત્ર્ય સંગ્રામ માટે હોમી દીધા એ આઝાદીના માત્ર એકસો અડસઠ દિવસ જ જોઇ શકયા.ઘરમાથી માત્ર એક દીવો બુઝાઇ જાય તો અંધકાર છવાઇ જાય છે.૩૦ જાન્યુઆરીના એ ગોઝારા દિવસે આખા ભારતમા હંમેશ માટે અંધકાર કરી દીધો.જેમ વડિલના હાથ વગર ઘર અધૂરુ તેવી હાલત બાપુ વગર દેશની થઇ ગઇ.
ગાંધીજીએ તો સ્વપ્ને પણ નહી વિચાર્યુ હોય કે જે દેશને આઝાદ કરવા તેમણે આટલા પ્રયત્નો કર્યા,એ આઝાદી પોતાના ગયા પછી કોઇ જાળવી નહી શકે.અંગ્રેજોમાથી છોડાવ્યા તો અંદરો અંદર લડવા લાગ્યા?ગરીબી,બેકારી,અંધશ્રધ્ધા,લાગવગ અને આ શુ?જે બાપુ પોતાની પત્નીને પણ બા કહેતા એ બાપુના ભારતમા સ્ત્રી તો શું નાની સગીર બાળાઓ પણ સલામત નહી?કદાચ આટલા અનિષ્ટોના ગુલામ તો અંગ્રેજોના રાજમા પણ નહોતા.બાપુએ અપાવેલી આઝાદી ભારતીયો ન તો પચાવી શકયા ન તો જાળવી શકયા.
માત્ર ગાંધીજી જ નહી એના જેવા કેટલાય દેશભકતોનુ લોહી રેડાયુ ત્યારે આઝાદી મળી છે.એ માટે આપણે તેમના જીવન ચરીત્ર વાંચવા પડે.બાપુએ તો પોતાની આત્મકથા ૨૯ નવેમ્બર ૧૯૨૫ મા લખવાની શરુ કરી અને ૧૯૨૯ મા ૩ ફેબ્રૂઆરીના નવજીવનના અંકમા પૂર્ણ કરી જે સત્યના પ્રયોગો તરીકે ઓળખાય છે.આ ઉપરાંત હિંદ સ્વરાજ,દક્ષિણ આફ્રીકાના સત્યાગ્રહનો ઇતિહાસ તથા ગીતા પદાર્થ કોષ જેવા પુસ્તકો પણ લખ્યા.સામાન્ય રીતે તેઓ ગુજરાતીમા લખતા પછી હિન્દીમા અનુવાદ કરતા કે કરાવતા.
ગાંધીજીએ આપેલા બલીદાનનુ વળતર તો ન ચૂકવી શકાય પણ ગાંધીજીનો જન્મદિવસ આજે પણ ગાંધીજયંતિ તરીકે ઉજવાય છે.૩૦ જાન્યુઆરી,તેમની પુણ્યતિથીએ શાળામા મોન પાળીને યાદ કરવામા આવે છે.બિરલાભવન પણ ગાંધી સ્મૃતિમા લોકો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે.જ્યિ ગાંધીજીની હત્યા થઇ તે ત્યા શહીદ સ્તંભ રાખવામા આવ્યો છે.જ્યા તેમના અંતિમ સંસ્કાર થયા તેને રાજઘાટનું બિરુદ આપી વિશેષ માન આપ્યુ છે.ગાંધીજીની પ્રતિમા મેડમ તુસાદ મ્યુઝીયમ લંડન,ન્યુયોર્ક અને બીજા શહેરોમા આજે પણ ગાંધીજીની યાદ અપાવે છે.આજીવન તો ખરા જ પણ શહીદ થયા બાદ પણ ભારતના એ અમુલ્ય રત્ન માત્ર ભારતમા જ નહી વિદેશમા પણ ખ્યાતિ પામ્યા છે.બાપુ વિશે લખીએ તો કલમ ટૂંકી પડે પણ બાપુ વિશે ટૂંકમા કહેવુ હોય તો હુંએમ કહુ કે,
પોરબંદરમા જન્મેલા,મોહન જેનું નામ,
માતા પૂતળીબાઇ અને,પિતા હતા દિવાન,
બિલવિવાહે જોડાયા,કસ્તુરબાને સંગ,
સાથ સોનેરી નિભાવ્યો,દામ્પત્યનો રંગ,
ભારતીયોને અપાવ્યુ,વિદેશમા પણ સ્થાન,
શાકાહારી આજીવન,સરળ ખાન ને પાન,
સાદગીથી પણ શોભાવી,ભારત કેરી શાન,
અહિંસાના પૂજારીથી,અંગ્રેજો ભૂલ્યા ભાન,
છૂતાછૂત ને મિટાવ્યા,સત્ય જેનો સંદેશ,
નાથુરામે બુજાવ્યો,એ દીપક હરહંમેશ,
આજ ફરી અનિષ્ટો થકી,દેશ થયો ગુલામ,
જૂઠી શાન આઝાદીની,જૂઠી ભરે સલામ,
થર થર કાંપે જોઇ દેશમાં,અનિષ્ટોની આંધી,
દેશ પૂકારે,વતન પૂકારે,પાછા આવો ગાંધી,
તમે પાછા આવો ગાંધી.
ભારતી ભાયાણી.