શક-એ-ઇશ્ક-૮ Rohit Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શક-એ-ઇશ્ક-૮

ત્રણ દિવસ બાદ વિવેકનો ફરી મેસેજ આવ્યો, “ઇશા શુ આપણે અંતિમ વાર મળી શકીએ, હુ હંમેશા માટે ફરી મુંબઇ જઇ રહ્યો છુ. તને અંતિમ વાર જોવા માંગુ છુ.”

આખો દિવસ વિચાર્યા બાદ ફરી તે મનથી હારી ગઇ અને વિચાર્યુ, “વિવેક જઇ રહ્યો છે, શુ હુ એક અંતિમ વાર પણ ના જોઇ શકુ એને?”

ઇશાએ સાંજે મેસેજ કર્યો અને બીજા દિવસે ૧ વાગ્યે મળવાનુ નક્કી થયુ.

વિવેકે ૫ મિનિટ બાદ પાછો મેસેજ કર્યો, “પ્લીઝ મે તને જે પિસ્તા રંગનો ડ્રેસ ગિફ્ટ કર્યો હતો, એ જ પહેરીને આવજે ને....મારી અંતિમ ઇચ્છા પુરી નહી કરે પ્લીઝ....”

ઇશા મેસેજ વાંચીને ભાવુક થઇ ગઇ.

***

બપોરે ૧ વાગ્યે ફરી બંને મળ્યા. ઇશાને પિસ્તા રંગના ડ્રેસમા જોઇને વિવેક ખુબ ખુશ થયો. ઇશા વિચારતી હતી કે તે વિવેકને આખરી વાર મળી રહી છે. ગળગળી થઇને તે જોઇ રહી હતી. વિવેકે એના હાથ પર ખુદનો હાથ મુકી દીધો. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

અમન....સામેની બિલ્ડિંગમા ટેરેસ પર ઉભો હતો. હાથમા દુરબીન લઇને વિવેક અને ઇશાને જોતો હતો. તેણે ઇશાને હસતી જોઇ. થોડી વારે બંને ત્યાથી કારમા બેસીને જતા રહ્યા. અમન પણ જલ્દીથી નીચે ઉતર્યો, બાઇક સ્ટાર્ટ કરીને તે બંનેનો પીછો કરવા લાગ્યો.

કાર સ્પીડમા હતી, પણ અમને પણ સારી એવી બાઇક ચલાવી હતી. એક જગ્યાએ અમનની બાઇક લપસી અને તે પડ્યો, ચાર પાચ લોકોએ આવીને ઉભો કર્યો. હાથની કોણી અને ઘુંટણ છોલાયા હતા, પણ આ બધાની તેને ક્યા પરવાહ હતી. ફરી બાઇક ઉભી કરીને ત્યાથી નીકળ્યો.

રસ્તામા એ-વન ગેસ્ટ હાઉસ બહાર તેણે એ જ કાર જોઇ. અમને જોયુ કે વિવેકે ઇશાના કમર પર હાથ મુક્યો છે અને બંને અંદર જતા રહ્યા. અમને ગુસ્સાથી મુઠ્ઠી વાળી. એક મન થયુ કે અંદર જઇને બંનેનો ભાંડો ફોડુ, પણ પછી વિચાર્યુ કે જો ઇશા વિવેક સાથે જ ખુશ હોય તો પોતે જ અલગ થવા તૈયાર છે. ઇશાની પીઠને એ તાકતો રહ્યો, તે બેવફાઇની આગમા બળી રહ્યો હતો.

***

ઈશાના ઘરે આવ્યા બાદ અમને વાત કરવાના બદલે ઝઘડો જ શરુ કર્યો. ઇશાએ ઘણી માફી માંગી, પણ અમને એક ના સાંભળી. એ ગેસ્ટહાઉસનો નજારો ફરી ફરીને એની આંખો સામે આવતો હતો. અમન હવે ઇશાથી ડિવોર્સ ઈચ્છતો હતો, પણ ઇશા કોઇ કિંમતે ડિવોર્સ આપવા તૈયાર નહતી. અમને ઈશાના માતા-પિતાને પણ ફોન કરીને બોલાવી લીધા.

“ઈશા, આ બધું હું શું સાંભળી રહ્યો છું?” કેશવભાઈએ ગુસ્સામાં કહ્યું.

“પપ્પા, મારાથી ભૂલ થઇ ગઈ. હું વિવેકને રેસ્ટોરેન્ટમાં મળવા ગઈ હતી.” કહેતા ઈશાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

“અને ત્યારબાદ ગેસ્ટહાઉસમાં પણ ગઈ હતી, એ કોણ કહેશે?” અમને જોરથી કહ્યું.

“પપ્પા, વિવેકને મળ્યા બાદ હું મારી ફ્રેન્ડ રિયાને મળવા એના ઘરે ગઈ હતી અને ત્યારબાદ હું તમારે અહી જ આવી હતી ને?” ઈશાએ કહ્યું.

“તો શું હું જુઠ્ઠું બોલું છું?” અમને કહ્યું.

“એક મિનીટ અમન, આ વાત સાચી છે કે ઈશા અમને મળવા આવી હતી અને હવે તમને ખાતરી કરાવવા માટે એની ફ્રેન્ડ સાથે પણ વાત કરાવી દઈએ. ઈશા રિયાને ફોન લગાવ.” કેશવભાઈએ કહ્યું.

ઈશાએ રિયાને ફોન લગાડ્યો અને સ્પીકર મોડમાં એક્ટીવ કર્યો.

“હેલ્લો રિયા, આજે લગભગ બે વાગ્યે હું તારે અહી આવી હતી ને?” ઈશાએ પૂછ્યું.

“મેડમ, તને મળ્યે જ ત્રણ મહિના ઉપર થઈ ગયા અને આજે તું આ શું પૂછી રહી છે?” રિયાએ કહ્યું.

“અરે જુઠ્ઠું કેમ બોલે છે?” ઈશાએ નવાઈથી પૂછ્યું.

“હમણા હું વ્યસ્ત છું પછી વાત કરું.” કહીને રિયાએ ફોન કટ કર્યો.

“હવે તમારે બધાએ સત્ય જાણવું હોય તો એ ગેસ્ટહાઉસના મેનેજર સાથે વાત કરી લઈએ?” અમને બધાની સામે જોતા કહ્યું.

***

લગભગ સાંજ સુધીમાં કેશવભાઈએ ઈશાને નિર્દોષ સાબિત કરવા એ ગેસ્ટહાઉસના મેનેજર સાથે પૂછપરછ કરી લીધી. પણ જે સત્ય સામે આવ્યું એનાથી એમના પગ નીચેની જમીન જાણે સરકી ગઈ હોય એવો આભાસ થયો હતો. એ મેનેજરે ઈશાના ફોટાને જોઈને પૃષ્ટિ કરી કે બપોરે લગભગ બે વાગ્યે ઈશા કોઈ યુવાનની સાથે ત્યાં આવી હતી.

અમને ખુદનો અંતિમ નિર્ણય બધાને કહી દીધો. તે ઇશાથી ડિવોર્સ ચાહે છે. ઈશાની વાત કોઈએ માની નહિ. તે વારંવાર એક જ વાતનું રટણ કરતી રહી કે તે વિવેકને માત્ર રેસ્ટોરેન્ટમાં જ મળી હતી, એ જ માત્ર એની ભૂલ છે. પણ કોઈએ તેની વાત માની નહિ. અહી સુધી કે તેના માતા-પિતાએ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

ઈશાએ તેની સુટકેશ પેક કરી અને ઘરની બહાર નીકળી ગઈ. તે ક્યાં જઈ રહી છે એ વાત તો એને ખુદને નહોતી ખબર. તે મનથી એકદમ તૂટી ગઈ હતી. અહી સુધી કે તેના માતા-પિતાએ તેને ન સમજી. તેની વાતનો વિશ્વાસ ન કર્યો.

રેલ્વે સ્ટેશન પહોચ્યા બાદ હવે કઈ બાજુ જવું એ વાતનો વિચાર એ કરી રહી હતી.

***

૭ વર્ષ બાદ....

એ વાતને વર્ષો વીતી ગયા હતા. એકથી વધારે દુખ અમનને મળ્યા હતા. અમનની આ હાલતથી હિરાબા ખુબ આઘાત પામ્યા હતા, ત્રણ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. અનિતાને ખુબ સમજાવી અને કમલ નામના યુવક સાથે એના પુર્નવિવાહ કરવામા આવ્યા. અમન ઇશાએ કરેલી બેવફાઇથી બહાર આવ્યો નહતો, આ જ કારણે તેણે બીજા લગ્ન કર્યા નહતા. બેંકથી ઘરે આવ્યા બાદ તે બુકસમા જ પોતાની જાતને ડુબાડીને દુખોથી દુર રહેવાની કોશિષ કરતો. અનાથાલયમા જઇને નાના ભુલકાઓ સાથે રહીને વ્યસ્ત રહેતો. ખુશ રહેવાના તમામ નિષ્ફળ પ્રયાસો તે કરતો.

એક દિવસ કોઇ અજાણ્યા લેંડલાઇન નંબરથી ફોન આવ્યો. અમને ઉપાડ્યો, “હેલો કોણ?”

“અમન પટેલ?” કોઇ અજાણ્યો અવાજ હતો.

“હા બોલુ છુ, તમે?”

“હુ સિટી હૉસ્પિટલમાથી બોલુ છુ, વિવેક શાહ તમને મળવા માંગે છે.” નર્સ બોલી.

અમનને વિવેકનુ નામ સાંભળતા જ ફરી મનમા આગ લાગી, “મારે એને નથી મળવુ.” તે ફોન મુકવા જતો હતો પણ નર્સ ફરી બોલી, “સર એ વિવેકની અંતિમ ઇચ્છા છે.”

“મતલબ...?” અમનને નવાઇ લાગી.

“બ્લડ કેન્સરના અંતિમ સ્ટેજ પર છે, તમને કઇક કહેવા માંગે છે.” નર્સ બોલી.

અમને ફોન મુક્યો અને થોડી વાર વિચારતો જ રહ્યો, “હવે મને શુ કહેવા માંગતો હશે એ....” મન ઘણા ભાગે વિખેરાઇ ગયુ, પણ અંતે તેણે મળવાનુ નક્કી કર્યુ.

***

અમન રૂમમા પ્રવેશ્યો અને વિવેકની દયનીય હાલત જોઇ રહ્યો. સાત આઠ વર્ષ પહેલાના વિવેક અને આજના વિવેકમા ખુબ અંતર હતો. માથાના વાળ ખરી પડ્યા હતા, ચહેરો કાળો, શરીર એકદમ સુષ્ક અને પાતળુ થઇ ગયુ હતુ. તે જીવનની અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય તે દેખાઇ આવતુ હતુ.

અમનને સામે જોઇને વિવેકની આંખોમા આંસુ આવી ગયા. થોડી મુશ્કેલીથી તેણે હાથ જોડ્યા અને અમનની માંફી માંગી. તે બોલવા જતો હતો ત્યા જ નર્સે અટકાવ્યો, “સર તમે બોલશો નહી.”

“આજે રોકશો નહી, બોલવા દો મને....” ધીમા અવાજે તે બોલી રહ્યો હતો. નર્સ ત્યાથી જતી રહી અને ફરી વિવેકે વાત શરૂ કરી.

“દોસ્ત જીવનમા ક્યારેય ખરાબ કર્મ ના કરવા જોઇએ, મે જે કર્યુ એનુ પરિણામ આજે ભોગવી રહ્યો છુ.” વિવેકે કહ્યુ.

વિવેકે ફરી વાતની શરૂઆત કરી, “વર્ષોથી જે વાત મનમા દફન છે એ રાજ આજે તને કહેવા છે.”

અમન તેને અચરજભરી નજરોથી જોઇ રહ્યો હતો.

“ઇશા નિર્દોષ હતી, તેને તો બિચારીને ખબર જ નહતી કે મે શુ ખેલ રચ્યો છે.”

“મતલબ....?” અમનને નવાઇ લાગી.

“એ દિવસે પહેલા મે ઇશાને ફોન કર્યો અને મળવા માટે બોલાવી, સાથે મે પિસ્તા કલરનો ડ્રેસ તેને કુરિયર કર્યો હતો. પહેલા તો તેણે મળવા ના પાડી દીધી, પણ મને ખબર હતી કે ભુતકાળના વહેણમા વહીને એ ચોક્કસ આવશે જ. એ દિવસે જ્યારે ઇશાએ મળવા માટે મેસેજ કર્યો, પછી મે તને ફોન કર્યો અને કહ્યુ કે ઇશા એના બોયફ્રેન્ડને આજે પણ પ્રેમ કરે છે, જો સબુત જોઇએ તો કાલે ૧ વાગ્યે સનસાઇન રેસ્ટોરેંટમા આવજે.” વિવેકે કહ્યુ.

“હમમમ...તો....?”

“યાદ છે તારી બાઇક રસ્તામા સ્લીપ ખાઇ ગઇ હતી?”

“હા....” અમને કહ્યુ.

“રેસ્ટોરેન્ટથી થોડે આગળ મે ઇશાને ઉતારી દીધી. રિક્શામા બેસીને એ પહેલા એની ફ્રેન્ડ રિયાને મળવા ગઈ અને બાદમાં એના પિયર જતી રહી હશે.” વિવેકે કહ્યુ.

“તો પછી એ ગેસ્ટ હાઉસમા....” અમનની આંખો પહોળી થઇ અને જાણવાની જિજ્ઞાસા વધી.

“એટલા માટે જ મે ઇશાને ડ્રેસ આપ્યો હતો, એના જેવો જ ડ્રેસ અન્ય યુવતીએ પહેર્યો હતો. જેથી તુ એને ઇશા જ સમજે. તે ઇશાની પીઠને જોઈ હતી, આગળથી થોડી...જોઇ હોત તો ખબર પડી જાત કે એ તારી ઇશા નથી, કોઇ અન્ય યુવતી છે. એ ગેસ્ટ હાઉસનો મેનેજર મારો મિત્ર જ હતો, રિયા પણ મારી ફ્રેન્ડ હતી. બન્નેએ મારા કહેવાથી ઈશા વિરુદ્ધ ખોટી ગવાહી આપીને તેને ફસાવી.” વિવેકે બીજી તરફ શરમથી મોઢુ ફેરવ્યુ.

જો ધરતી ફાટે તો અમન એમા શમાઇ જાય એવો અહેસાસ એને થયો. આંખમાથી આંસુ નદીની માફક વહી રહ્યા હતા. મન તો થયુ કે અહી જ વિવેકને મોતને ઘાટ ઉતારી દે, પણ આ કામ કુદરત કરવા જ વાળુ હતુ, “મરેલાને મારીને શુ ફાયદો?”

“તે આ બધુ કેમ કર્યુ?” અમને ગુસ્સામા કહ્યુ.

“ઇશાને પામવા માટે....લાગતુ હતુ કે તમે બંને અલગ થઇ જશો પછી, ઇશાને હુ મનાવી જ લઇશ અને મારા પ્રેમને ફરી પામી લઇશ.....” વિવેક રડતા રડતા પસ્તાવો જાહેર કરવા લાગ્યો.

“તો આટલા વર્ષો પછી આજે કેમ કહે છે?” અમને પુછ્યુ.

“ઘણી વાર વિચાર આવતો પણ તારો સામનો કરવાની તાકાત નહતી. આજે હુ અંતિમ શ્વાસ ગણી રહ્યો છુ, એટલે ગુનો કબુલ કરવાની હિંમત આવી છે, હુ તારો અને ઇશાનો ગુનેગાર છુ, માફી માંગવા ઇચ્છુ છુ.” વિવેકે ફરી હાથ જોડ્યા.

“તારી ઇશા ક્યા છે, જાણવા નહી માંગે?” વિવેકે પુછ્યુ.

“ક્યા....?” અમન દુખી સ્વરે બોલ્યો.

“તે શિમલામા છે.… તેનુ એડ્રેસ.... એડ્રે.....સ....” વિવેકની આંખો હંમેશા માટે બંધ થઇ ગઇ.

“હા...બોલ એડ્રેસ.… અરે બોલ ને એડ્રેસ.....” અમન તેના શરીરને જોરથી હલાવવા લાગ્યો.

“સર....સર… હી ઇઝ ડેડ.....” નર્સે આવીને કહ્યુ.

“હે..… મરી ગયો, પણ મારી ઇશાનુ એડ્રેસ?” અમન રડવા લાગ્યો.

અમન હોસ્પિટલની બહાર પગથીયા પર બેસીને એની ઇશાને યાદ કરવા લાગ્યો, “હુ જઇશ શિમલા....મારી ઇશાને પાછી લાવવા.” આંખોમા મુશળધાર અશ્રુ સાથે તે બોલી ગયો.

***

ક્રમશ:

રોહિત સુથાર “પ્રેમ”