શક-એ-ઇશ્ક-૭ Rohit Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શક-એ-ઇશ્ક-૭

અમન અને ઇશા હનિમુન માટે શિમલા ગયા. અઠવાડિયાની આ ટ્રીપમા બંને ઘણી જગ્યાએ ફર્યા. હવે તેઓ એકબીજાની વધુ નજીક આવ્યા હતા. અમન અને ઇશાએ બરફની વચ્ચે એકબીજા સાથે ઘણી મસ્તી કરી. બંનેએ એકબીજાના કપડાની અંદર બરફ નાખ્યો હતો. સાંજે હોટલ પરત ફર્યા બાદ જ્યારે સ્વેટર કાઢ્યુ તો બંનેને ઠંડી લાગતી હતી. બંને એક જ રજાઇ ઓઢીને એકબીજાની બાહોમા ખોવાયેલા હતા. નાઇટ લેમ્પના ગુલાબી રંગના આછા પ્રકાશમા ઇશા ખુબ જ મનમોહક લાગી રહી હતી.

અત્યંત ઠંડી વચ્ચે અમન અને ઇશા એકબીજાના ગરમ શ્વાસોશ્વાસને મહેસુસ કરી રહ્યા હતા. વિજાતીય આકર્ષણથી બંને એકબીજાની વધુ નજીક આવ્યા, અમને ઇશાના હોઠ ચુમી લીધા. ધીમે ધીમે બંને એકમેકમા ખોવાઇ ગયા અને એક પછી એક વસ્ત્રોના આવરણ ક્યારે ઉતરતા ગયા, એ તો એમને ખબર જ ના રહી. બે પ્રેમીઓના મનની સાથે આજે એમના તન અને આત્મા પણ આજે એક થઇ ગયા હતા. એ રાતે માણેલા સહવાસથી બંનેમા આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

***

વિવેકથી અલગ થયા બાદ સંજનાને પસ્તાવો થયો હતો. તે નિત્યદિન વિવેકના વિરહમા તડપતી હતી. સાથે ના આવવાને કારણે વિવેક ગુસ્સે હતો એટલે સંજનાના કૉલ અને મેસેજીસનો જવાબ આપતો નહતો.

એક પ્રોડ્યુસરે સંજનાને ફિલ્મની ઓફર કરી અને બધુ ફાઇનલ કરવા તેને ફ્લેટ પર બોલાવી. નિયત સમયે તે પહોચી ગઇ. થોડીવાર વાતચીત કરીને પ્રોડયુસર એની જાંઘ પર હાથ ફેરવવા લાગ્યો. સંજના એની નિયત સમજી ગઇ.

સંજના પહેલાથી જ વિવેકથી દુર થવાથી દુખી હતી, એના ગયા પછી અહેસાસ થયો કે એ સાચા મનથી વિવેકને ચાહવા લાગી હતી. આ પ્રેમવિરહમા તે તડપી રહી હતી અને આજે ફરી કોઇ મોકાનો ફાયદો ઉઠાવવા માંગતો હતો.

પ્રોડ્યુસરે સંજનાનો હાથ પકડીને એને ખેચી અને પોતાના ખોળામા બેસાડી દીધી અને ચુમવા લાગ્યો, “લેટસ હેવ સમ ફન ટુનાઇટ બેબી” વાસનાભરી નજરથી એ સંજનાને ભુખ્યા વરુની માફક સુંઘવા લાગ્યો.. સંજનાએ પ્રતિકાર કર્યો પણ એ જાડા સુંવર જેવી શક્તિ ધરાવતા માણસ આગળ તે શક્તિહીન મહેસુસ કરતી હતી. આમ છતાય તેણે હાથ થોડો લંબાવીને ટીપોઇ પર પડેલો ફ્લાવર પોર્ટ ઉપાડીને એના માથા પર જોરથી માર્યો. એ તો ત્યા જ ઢળી પડ્યો. ઝડપથી ઉભી થઇ પણ ત્યા જ એ ફરી એની તરફ આગળ વધ્યો. સંજનાએ એના બે પગની વચ્ચે ખેચીને લાત મારી અને એને તંબર આવવા લાગી. પ્રોડ્યુસર હવે સંજનાથી થોડો ડર્યો હતો. થોડાક દુર રહેલા બારણા તરફ એની નજર પડી અને એ તરફ ભાગી. બારણો ખોલતા જોયુ તો સામે ગેલેરી હતી.

પ્રોડયુસર ફરી એની તરફ હસતા હસતા આગળ વધ્યો. સંજનાએ નીચે તરફ જોયુ અને વિચાર કર્યો, “ઓહહ...એક તરફ પ્રેમવિરહ અને બીજી તરફ આ શૈતાનો, આવી જિંદગી કરતા તો મોત સારી...” આંખોમા આંસુની સાથે સંજનાએ સાતમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી. ફફડાટના મારે એ વરુ ત્યાથી ભાગી નિકળ્યો.

લોકોની ભીડ ત્યા એકત્ર થવા લાગી. સંજનાને ખુબ ગંભીર ઇજા પહોચી હતી. લોહીમા લથબથ થયેલી સંજના સામે વિવેકનો ધુંધળો ચહેરો દેખાતો હતો. આંસુ સાથે આછુ સ્મિત તેના ચહેરા પર આવી ગયુ, “આઇ....લવ યુ...વિ...વે....” શબ્દ અધુરો રહી ગયો, હંમેશા માટે આ પાપી દુનિયાને તે અલવિદા કહી ચુકી હતી.

***

અમન અને ઇશા શિમલાથી પરત ફર્યા હતા, હવે બંનેના વચ્ચે ગાઢ પ્રેમ હતો. એકબીજા વગર જીવવુ જાણે અશક્ય હતુ. ઇશા કિચનમા રસોઇ બનાવતી હતી. ડાઇનિંગ રૂમમા અમન, અનિતા અને હિરાબા બેઠા હતા. અમનને ઇશા વગર ચેન પડતુ નહતુ. વારંવાર તે કિચનમા જતો અને ઇશાને ચુમીને પાછો આવી જતો. આ પાચ-છ વાર બની ચુક્યુ હતુ.

“અમન શુ કઇ ખાસ કામ છે?” અનિતાએ પૂછ્યું.

“ના...ના...કેમ શુ થયુ?” અમને કહ્યું.

“એ તો અત્યાર સુધી તુ આટલી બધી વાર કિચનમા જઇ આવ્યો એટલે....”

“ના એ તો પાણી પીવવા...” અમને બહાનુ બનાવ્યુ.

“ઓહોહો...મારા ભાઇને તરસ ખુબ લાગે છે ને આજકાલ...?” અનિતા હસી પડી જાણે કે તેણે અમનનુ જુઠાણુ પકડી પાડ્યુ હોય અને એની ટાંગ ખેચવાના ઇરાદે પુછી રહી હોય.

થોડીવારે અમન ફરી કિચનમા ગયો. ઇશાને પાછળથી પકડીને તેના ગાલ અને ગળા પર ચુમવા લાગ્યો.

“અરે છોડો મને...બદમાશ....” ઇશાએ મીઠો છણકો કર્યો.

“અહહહ....નહી, પહેલા કિસ આપ તો જ જઉ....” અમને જાણે જિદ્દ પકડી.

“અરે દાળ બળી જશે, બા વઢશે મને....”

“તો જલ્દીથી આપ...”

“ઓફ્ફો...” ઇશા પાછળ વળીને અમનને ચુમવા જતી હતી, બંનેના હોઠ વચ્ચે થોડુક જ અંતર હતુ, ત્યા જ હિરાબા આવ્યા અને બંનેને જોઇ શરમાઇ ગયા અને પાછા વળવા લાગ્યા, “અલ્યા અમનિયા લુચ્ચા....બિચારી છોકરીને કામ કરવા દે....”

પોલ પકડાઇ જતા અમન સીધો બાથરૂમમા નહાવા જતો રહ્યો અને શરમથી ગેસ બંધ કરીને ઇશા પણ તેના રૂમમા દોડી ગઇ. બારણાની પાછળ ઉભી તે અમન પર ગુસ્સો કરવા લાગી. અનિતા તો આ જોઇને હસતી જ રહી.

સાંજે બન્ને હોટલમા જમવા ગયા. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રંટ બેઠા. અમને ઘુંટણિયે બેસીને ઇશાની આંગળીમા સોનાની વીંટી પહેરાવી, “આઇ લવ યુ.”

“ઓહહહ....” ઇશા ખુશ થઇને અમનને જોતી રહી, “આઇ લવ યુ ટુ.” બંનેએ ઘણી વાર સુધી વાતો કરી. હસતા રહ્યા, એકમેકના સંગાથમા આ ખુશીઓથી ભરેલી ક્ષણો માણતા રહ્યા.

***

બપોરનો સમય હતો. ઇશા કામ પતાવીને બેડરૂમમા સુઇ રહી હતી. ડોરબેલ વાગતા તે જાગી અને બારણુ ખોલ્યુ. કોઇ કુરિયરવાળુ એક બોક્સ પકડાવીને જતો રહ્યો, સહી લેવા પણ ઉભો ના રહ્યો. ઇશાને થોડી નવાઇ લાગી અને અંદર જઇને બોક્સ ખોલ્યુ. અંદર પિસ્તા રંગનો સુંદર ડ્રેસ હતો. મનોમન લાગ્યુ કે અમને જ સરપ્રાઇઝ આપી હશે, ત્યા જ ફોનની રિંગ વાગી. તેણે જોયુ કોઇ અજાણ્યાનો નંબર હતો. થોડા અચરજ સાથે તેણે ફોન ઉપાડયો, “હેલો કોણ?”

“ઇશા....”

અવાજ કોઇ જાણિતો હોય તેવુ લાગ્યુ. માત્ર થોડીક ક્ષણોમા તે અવાજ ઓળખી ગઇ. “વિવેક....” તે ગુસ્સામા બોલી.

“તો હજુ પણ હુ યાદ છુ, ભુલી નથી મને.” વિવેકને થોડો હાશકારો થયો.

“મારો નવો નંબર કોણે આપ્યો તને?” ઇશાને નવાઇ લાગી, લગ્ન બાદ તેણે પોતાનો નંબર ચેંજ કર્યો હતો.

“એ બધુ છોડ, તુ કેમ છે?” વિવેકે પુછ્યુ.

“હુ બહુ ખુશ છુ.” ઇશા વિવેકને બાળવા માંગતી હોય તેવા લહેકાથી બોલી.

“પણ હુ ખુશ નથી, તારા વિના....” વિવેકના ગળે ડુમ્મો ભરાયો અને બોલતા અટકી પડ્યો.

“ફોન કેમ કર્યો તે?” ઇશા ગુસ્સે થઇ.

“તારી યાદ આવતી હતી, હુ એ ફિલ્મી કરિયર છોડી ચુક્યો છુ.”

“મને કોઇ ફરક નથી પડતો, હવેથી અહી ફોન ના કરતો.” ઇશા ફોન કટ કરવા જતી હતી ત્યા જ વિવેક બોલ્યો, “એક મિનિટ ઇશા….ફોન ના કાપતી....મારે તને એક આખરી વાર મળવુ છે, પ્લીઝ.”

“પણ મારે તને નથી મળવુ ઓકે બાય....”

“તને મારી કસમ, જો તે ક્યારેય મને પ્રેમ કર્યો હશે તો તુ કાલે સાંજે ચાર વાગ્યે સનસાઇન રેસ્ટોરેંટમા મળવા આવીશ, જ્યા આપણે હંમેશા મળતા હતા અને આ સુંદર પિસ્તા કલરનો ડ્રેસ પહેરીને આવજે પ્લીઝ.” વિવેકે કહ્યુ.

ઇશાએ ફોન કટ કર્યો. હવે તેને ખબર પડી કે એ ડ્રેસ અમને નહી, પણ વિવેકે કુરિયર દ્વારા મોકલાવ્યો હતો. અમનના પ્રેમથી એ માંડ પોતાના ભુતકાળને ભુલી હતી, ત્યા ફરી વિવેક એના અંતરમનને તોડવા એની જિંદગીમા પાછો આવ્યો હતો. ઇશાએ ઓશિકા પર માથુ ઢાળ્યુ. તેણે ખુબ કોશિષ કરી પણ નિષ્ફળ રહી. ફરી એ ભુતકાળની યાદો એની સામે આવવા લાગી.

રાતે અમનને પણ થોડી નવાઇ લાગી અને પુછયુ પણ ખરા, “શુ થયુ છે આજે મુડ કેમ ઓફ છે?”

“માથુ દુખે છે, સુઇ જઇશ તો સારુ થઇ જશે.” આમ બહાનુ બનાવીને ઇશાએ ઉંઘવાનુ નાટક કર્યુ પણ રાતભર પોતાના મન સાથે લડતી રહી. મન કહેતુ હતુ કે, “એક અંતિમ વાર વિવેકને મળવુ છે, પુછવુ છે તેણે મારી સાથે આમ કેમ કર્યુ?” જ્યારે દિમાગ કહેતુ હતુ, “આમ કરવાથી અમન સાથે દગો કરીશ? નહી...નહી...એને મળવુ વ્યર્થ છે. જો અમન જ કોઇ અન્ય છોકરીને મારી જાણ બહાર મળે તો મને કેવુ લાગે? હુ વિવેકને નહી જ મળુ.” ઇશાએ નિર્ણય કર્યો.

બીજા દિવસે ઇશા મળવા ન ગઇ. રાતે વિવેકનો મેસેજ આવ્યો, પણ એણે કોઇ જવાબ ન આપ્યો. અઠવાડિયા સુધી વિવેક ફોન પર મેસેજીસ કરીને કેટલીય આજીજીઓ કરતો રહ્યો, બસ માત્ર એક મુલાકાત માટે.

ઇશાના મનમા અઠવાડિયા સુધી ફરી એ ભુતકાળની લહેરો એના મનને ભીંજાવી નાખતી. વિવેક સાથેની પહેલી મુલાકાત, દોસ્તી, વિવેકનો પ્રપોઝ અને ખુદનો ઇકરાર, એકબીજા સાથે વિતાવેલો એ સુવર્ણ સમય વારંવાર એના વર્તમાનમા ડોકિયુ કરતા હતા. ઇશા ફરી ઉદાસ થઇ હતી. અમને એને બદલાયેલા વર્તન વિશે પુછ્યુ પણ ખરા, વિવિધ બહાના હેઠળ તે વાત ટાળી દેતી. વિચારોની લડાઇમા બુધ્ધી સામે અંતે મન જીતી ગયુ, તેણે એક છેલ્લી વાર વિવેકને મળવાનો નિર્ણય કર્યો.

***

ઇશાએ વિવેકને મેસેજ કરીને બપોરે બાર વાગ્યે સનસાઇન હોટલમા બોલાવ્યો. નિયત સમય મુજબ બંને પહોચી ગયા. એ ગાર્ડન રેસ્ટોરેંટ હતી. ફરી એ જ વાતાવરણ જોઇને એની યાદો તાજા થઇ. વિવેક સાથે કોલેજ બાદ તે અહી જ આવીને મળતી હતી. એ જ ખુણાના ટેબલ પર વિવેક બેઠો હતો, જ્યા હંમેશા બંને બેસતા હતા. આજે લગભગ સાડા ચાર વર્ષ બાદ એ બંને એકબીજાને જોઇ રહ્યા હતા. ઇશાને જોઇને વિવેક ઉભો થઇ ગયો. ઇશાએ બ્લુ રંગનો ડ્રેસ પહેર્યો હતો જેનાથી વિવેક હતાશ થયો હતો સાથે તેની સેંથીમા સિંદુર અને ગળામા મંગળસુત્ર જોઇને વિવેક વધુ દુખી થયો. ઇશા આવીને બેસી વાતચીત શરૂ થઇ.

“બોલિવુડના સુપરસ્ટાર વિવેક શાહ ને મળીને ખુશી થઇ, કેમ છો તમે? ઇશા કટાક્ષમા બોલી.

“યાર પ્લીઝ, હવે મને વધુ લજ્જીત ના કરીશ.” વિવેકે કહ્યુ.

“મે જીવનમા બધુ ગુમાવ્યુ જ છે, પહેલા મા-બાપ અને પછી તને....” વિવેકની આંખોમા આંસુ આવી ગયા. રૂમાલથી લુછ્યા અને ફરી વાત શરૂ કરી. ઇશાની પણ આ જ હાલત હતી. મન રડવા માંગતુ હતુ, પણ આંખએ સાથ ન આપ્યો. વિવેકને રડતો જોઇ ઇશાએ ક્યારે એનો હાથ વિવેકના હાથ પર મુકી દીધો, એની પોતાને ખબર ના રહી. વેઇટર આઇસક્રીમ લઇને આવ્યો.

“તારી ફેવરીટ સ્ટ્રોબેરી આઇસક્રીમ...” વિવેકે ગળગળા થઇને કહ્યુ.

ઇશા આઇસક્રીમને જોતી રહી, પહેલી વાર તેને ખાવાની ઇચ્છા ન થઇ. બસ વિવેકને જોતી રહી. અચાનક ધ્યાન આવતા એણે પોતાનો હાથ પાછો ખેચ્યો. વિવેકે નિસાસો નાખ્યો, “કાશ...ઇશુ જો તારી વાત માની લીધી હોત, હુ મુંબઇ ગયો જ ના હોત, અને અહી જ ક્યાક સારી જોબ શોધી લીધી હોત અને વેલ સેટલ થયેલો હોત, તો આજે તે તારો હાથ મારા હાથથી અળગો ન કર્યો હોત.”

ઇશાને ઘણુ કહેવુ હતુ, પુછવુ હતુ, પણ ન જાણે કેમ વિવેકને સામે જોતા જ એની જીવાએ મૌન ધારણ કરી લીધુ. વિવેક બોલતો રહ્યો અને ઇશા સાંભળતી રહી. થોડી વાર બાદ બંને અળગા થયા. ઇશાએ પાછળ ફરીને ના જોયુ, પણ વિવેક એને તાકી રહ્યો હતો.

બે દિવસ બાદ ઇશાના ફોન પર વિવેકનો મેસેજ આવ્યો, “શુ આપણે મિત્ર બનીને પણ ના રહી શકીએ?” ઇશાએ મેસેજ વાંચ્યો, પણ રિપ્લાય ન કર્યો.

ઇશાના મનમા જાણે ભયંકર વાવાઝોડુ ચાલી રહ્યુ હતુ. ઘણીવાર તેને થતુ કે અમનને સત્ય વાત જણાવી દે, પણ અમનનો થોડો શંકાશીલ સ્વભાવ એને મનની વાત જણાવતા રોકતા હતા. માંડ તે અમનનો વિશ્વાસ જીતી શકી હતી. એક નવા પ્રેમની શરૂઆત થઇ જ હતી, ત્યા વિવેક પાછો એના જીવનમા આવ્યો. સાત વરસ વિવેક સાથેની યાદો ભુલવી ઇશા માટે ખુબ અઘરી હતી, પણ અમનને ખુશ રાખવા એ તમામ સફળ પ્રયાસ કરી રહી હતી.

ઇશાએ નક્કી કરી લીધુ, “જે થાય તે પણ અમનને આજે બધુ સાચુ જણાવી દઇશ.”

રાતે તેણે અમન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ અમન આજે ખુબ થાકેલો હતો. તેણે વાત ટાળી દીધી અને કહ્યુ, “ઇશુ જે પણ હોય આપણે કાલે વાત કરીએ પ્લીઝ....”

ઇશા દુખી મન સાથે પડખુ ફેરવીને ઉંઘી ગઇ.

***

ક્રમશઃ

રોહિત સુથાર “પ્રેમ”