દિલ કબૂતર - છેલ્લો ભાગ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કબૂતર - છેલ્લો ભાગ

દિલ કબૂતર

અંતિમભાગ

અમાયા અને શિવ ના પ્રેમ પ્રકરણ વિશે સૈયદ અબ્દુલ ને જાણ કરે છે.. સૈયદ ની બતાવેલી જગ્યા એ પહોંચીને અબ્દુલ શિવ ને ઢોર માર મારી લગભગ મોત ના મુખ સુધી પહોંચાડી દે છે..કાળુ શિવ ને બચાવવા રાજુ અને જોની સાથે ત્યાં પહોંચે છે પણ શિવ ને ઘવાયેલો જોઈ એ ત્રણેય શિવ ને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરે છે.. ત્યાં ફરજ પરના ડોકટર શિવ ની નાજુક સ્થિતિ વિશે એના મિત્રો ને જણાવે છે..શિવ ની સલામતી ની દુવા માટે એના મિત્રો દુવા કરે છે..હવે વાંચો આગળ

શિવ પર થયેલાં હુમલા ની વાત વાયુ વેગે આખી ચાલ માં પ્રસરી જાય છે..શિવ ત્યાં ના લોકો નો લાડકવાયો હોવાથી શિવ ના પરિવાર જન ની સાથે આજુ બાજુ ના પાડોશી પણ હોસ્પિટલ માં પહોંચી જાય છે..જ્યાં રાજુ એમને શિવ ની સ્થિતિ ગંભીર હોવાની વાત કરે છે..પણ એ નથી કહેતો કે આ હુમલો કોને કર્યો છે..કેમકે જો આ લોકો ને ખબર પડી જાય કે પ્રેમ પ્રકરણ માં એક મુસ્લિમ યુવક દ્વારા શિવ પર આ હિચકારો હુમલો થયો છે તો ચાલ માં કોમી રમખાણ ફાટી નીકળવાની ભીતિ હતી.

રાજુ એ બધાં ને આશ્વાસન આપી ઘરે રવાના કર્યા..શિવ ના માતા પિતા ને પણ રાજુ એ થોડું ધીરજ અને હિંમત થી કામ લેવાનું સમજાવી ઘરે જઈ આરામ કરવાનું સૂચવી એ રાતે શિવ ની પથારી જોડે જ સુઈ ગયો..શિવ ને આવા મિત્રો મળ્યાં બદલ એના માતા પિતા પણ ભગવાન નો આભાર માની રહ્યાં હતાં.

બીજા દિવસે સવારે શિવ ના શરીર માં થોડી હલચલ જણાતાં રાજુ ના હરખ નો પાર ન રહ્યો..એ દોડીને બહાર ગયો અને મંદિર માં જ આખી રાત બેસીને પ્રભુ નું રટણ કરતાં કાળુ ને બોલાવી લાવ્યો..સાથે સાથે રાજુ અને કાળુ માટે ચા નાસ્તો લેવા ગયેલો જોની પણ પાછો વળતાં એને પણ શિવ ના શરીર માં થયેલી હલચલ ની વાત સાંભળી અનેરો આનંદ થયો.

દોડીને એ લોકો ડોકટર ને બોલાવી લાવ્યાં..શિવ હવે ધીરે ધીરે ભાન માં આવી ગયો હતો..હવે એની આંખો પણ થોડી થોડી વારે ખુલતી હતી.ડોક્ટરે આવીને શિવ ને ચેક કર્યો અને રાજુ,કાળુ,અને જોની ને ઉદ્દેશીને કહ્યું..

"ભગવાન નો ખુબ ખુબ આભાર..કે તમારો મિત્ર હવે આઉટ ઓફ ડેન્જર છે..આટલા ટૂંક સમય માં રિકવરી આવવા બદલ ઈશ્વર નો આભાર માનવો ઘટે..થોડાં દિવસ માં એ બોલતો પણ થઈ જશે..તમારા વચ્ચે ની મિત્રતા જોઈ મને ખુબ આનંદ થયો.."

"Thank to you ડોકટર.."આટલું કહી રાજુ,કાળુ અને જોની એકબીજા ને ભેટી પડયા.. ત્રણેય ની આંખો માં અત્યારે હર્ષ ના આંસુ હતાં.

ડોકટર ની ટ્રીટમેન્ટ અને મિત્રો ની દેખરેખ ના લીધે શિવ ચાર પાંચ દિવસ માં તો બોલવા લાયક થઈ ગયો..હવે એ પથારી માં બેસી શકે એટલો રિકવર થઈ ગયો હતો..!!શિવ માં હવે વાતચીત કરવાની તાકાત આવી ગઈ છે એ જાણતાં ડોક્ટરે પોલીસ સ્ટેશન ફોન કરી પોલીસ ને બોલાવી લીધી..કેમકે હતો તો આ એક પોલીસ કેસ જ..!!

થોડીવાર માં બાપુનગર પોલીસ સ્ટેશન ના સબ ઇસ્પેક્ટર રાકેશ પટેલ શારદાબેન હોસ્પિટલ માં આવી ગયાં..અત્યારે એ શિવ ના બેડ જોડે એક સ્ટુલ પર બેઠાં હતાં..જોડે બે કોન્સ્ટેબલ અને શિવ ના મિત્રો ની સાથે ફરજ પર ના ડોકટર ઉપસ્થિત હતાં.શિવ ની તરફ નજર કરી પટેલ સાહેબે કહ્યું.

"હા તો mr. શિવ તમારા પર થયેલાં હુમલા વિશે જણાવશો.."

"સાહેબ એતો હું એ દિવસે બપોરે એક કામ થી બહાર ગયો હતો..રસ્તા માં પેશાબ આવતાં મેં બાઈક સાઈડ માં પાર્ક કર્યું ને નીચે ઉતરી ઝાડીઓ માં પેશાબ અર્થે ગયો..બસ ત્યારે જ કોઈએ લૂંટ ના ઇરાદે મારા ઉપર હુમલો કરી દીધો.."અબ્દુલ દ્વારા હુમલો થયો છે એ વાત છુપાવતાં શિવ એ કહ્યું.

શિવ નો આ જવાબ સાંભળી એના મિત્રો ના ગુસ્સા નો પાર ના રહ્યો અને એ લોકો વચ્ચે બોલવા જતાં હતાં પણ શિવ એ એમને આંખો ના ઈશારા થી ચૂપ રહેવા કહ્યું.

"તમે હુમલાખોરે ને જોયાં ખરાં.. કોઈ નો ચહેરો યાદ છે..?"ઇન્સ્પેકટર પટેલે સવાલ કર્યો.

"ના સાહેબ મને માથા માં વાગતાં મને આંખે અંધારા આવી ગયાં એટલે મેં કોઈને જોયા નથી.."શિવ એ ગપ્પુ માર્યું.

"સારું તો વાંધો નહીં.. અમે અમારી રીતે તપાસ કરીશું..ગુડ બાય..ટેક કેર"ઊભાં થતાં ઇન્સ્પેકટર પટેલે કહ્યું અને એ બહાર નીકળી ગયાં..એમની જોડે આવેલ કોન્સ્ટેબલ અને ડોકટર પણ બહાર નીકળી ગયાં.. એમનાં બહાર નીકળતાં ની સાથે જ રાજુ શિવ ની નજીક આવ્યો અને કહ્યું.

"એ ગેલ્ફાડ્યા તે પેલા અબ્દુલ નું નામ કેમ ના આપ્યું..લાગે છે તારું ચસ્કી ગયું છે.."

"રાજુ પહેલાં તો એ દિવસ ના વર્તન માટે હું તમારા બધાં જોડે માફી માંગવા માંગુ છું..કાળુ ખાસ તો તારી એ દિવસે મેં તારા પર હાથ ઉપાડ્યો અને અપશબ્દો કહ્યા એ બદલ હું માફી ને પણ લાયક નથી..sorry યાર"ઘીમાં અવાજે હાથ જોડી ને શિવ એ કહ્યું.

શિવ ની વાત નો જવાબ કઈ રીતે આપવો એ ના સૂઝતાં કાળુ કંઈપણ બોલ્યાં વગર શિવ ને જઈને લપાઈ ગયો..એને જોઈ રાજુ અને જોની પણ શિવ ને વળગી પડયા..આ જ હોય છે મિત્રતા..લડે,ઝગડે પણ જીવ તો એક જ હોય..!!

થોડીવાર આમ જ એ લોકો એકબીજાને વળગી રહ્યાં.. પછી હળવેક થી કાળુ એ કહ્યું..

"અલ્યા sorry કોને બોલે છે..આતો દોસ્તી માં સૌથી મોટી ગાળ છે..પણ તે પેલા અબ્દુલ નું નામ કેમ ના આપ્યું."

"અબ્દુલ એની જગ્યા એ યોગ્ય જ હતો..જો કાળુ અમાયા ની જગ્યા એ તારી બહેન હેતલ હોય કે રાજુ તારી બહેન જલ્પા હોય તો તમે શું કરો..?"રાજુ અને કાળુ તરફ જોઈ શિવ એ પૂછ્યું.

શિવ નો સવાલ સાંભળી એ લોકો નિરુત્તર થઈ ગયાં.. પછી જોની એ કહ્યું.

"શિવ તારી વાત સાચી છે પણ અમાયા વિશે શું વિચાર્યું..શું તું એને ભૂલી જઈશ..જો તું કહેતો હોય તો એના ઘરે થી એને ઉપાડતાં આવીએ.."

"હા હવે આ પર કે પેલે પાર.."કાળુ એ પણ જોની ની વાત માં ટેકો પુરાવ્યો.

"હા શિવ તું ખાલી એકવાર બોલી દે..પછી અમે જોઈ લઈશું..એના ભાઈઓ ને પણ અને એના ભાઈઓ ના નકામા દોસ્તો ને પણ"રાજુ આવેશ માં બોલ્યો.

"તમારા જેવા મિત્ર મળ્યાં એ બદલ હું ભગવાન નો આભાર માનું એટલો ઓછો છે..પણ મારા લીધે તમને કોઈને કંઈપણ થઈ જાય એ ના પોસાય..આ ઉપરાંત રાજુ તારા કહ્યા પ્રમાણે આને કટ્ટરવાદ નો મુદ્દો બનાવી નકામા કોમી રમખાણો ફાટી નીકળે એ પણ યોગ્ય નથી..હવે અમાયા એના ઘરવાળા લોકો ની મરજી થી જ મારા ઘરે ધામધૂમ થી લગ્ન કરે તો જ ઠીક બાકી હું એની સાથે નું પ્રેમ પ્રકરણ અહીં જ પૂર્ણ કરીશ..હા એને ભૂલી તો નહીં જ શકું છેલ્લા શ્વાસ સુધી.."શિવ એ આંખો માં આંસુ સાથે કહ્યું.

રાજુ,કાળુ અને જોની પણ પોતાનાં મિત્ર ને ઉદાસ ચહેરે રડતો જોઈ રહ્યાં.

***

અચાનક બારણે થયેલાં અવાજે શિવ નું ધ્યાન એ તરફ દોર્યું..શિવ થોડો સ્વસ્થ થયો..અને પોતાની આંખો ને લૂછી..શિવ એ જોયું તો હુસેનમિયાં અને અમાયા ના અમ્મી સલમાબાનુ ત્યાં હતાં..સાથે શિવ એ જોયું તો એના માતા પિતા પણ ત્યાં હાજર હતાં.

એ લોકો શિવ ના બેડ તરફ આગળ વધ્યા..એમને સાથે જોઈને શિવ અને એના મિત્રો ને આશ્ચર્ય પ્રગટ થયું..એ લોકો શિવ ના બેડ જોડે આવ્યાં અને હુસેનમિયાં એ શિવ ના ઘા તરફ નજર કરીને કહ્યું.

"બેટા..તારી તબિયત હવે કેમ છે..?"

"છોકરો જીવલેણ હુમલો કરે અને બાપ ખબર અંતર લેવા આવે જોર કહેવાય.."કટાક્ષ માં કાળુ એ કહ્યું.

"કાળુ ચૂપ થા..આવું ના બોલાય.."શિવ એ કહ્યું.

"અંકલ હવે સારું છે..થોડાં દિવસ આરામ કરવો પડશે પછી બધું સારું થઈ જશે..પણ તમને મારા ભાન માં આવવાની ખબર કોને આપી??"શિવ એ શાંતિ થી જવાબ આપ્યો.

"બેટા તારો દોસ્ત સાચું જ કહે છે..કે મારા દીકરા એ તારા પર હુમલો કર્યો..અને હમણાં હોસ્પિટલ ના ગેટ જોડે મળેલાં ઇન્સ્પેકટર સાહેબે એ પણ જણાવ્યું કે તે તારા પર હુમલો કોને કર્યો એ વિશે કોઈ જાણકારી ના આપી..પણ આવું કેમ..જેને ગુનો કર્યો છે એને એની સજા તો મળવી જ જોઈએ..ભલે ને એ મારો દીકરો જ કેમ ના હોય..હમણાં રાજુ એ ફોન કરી તારા ભાન માં આવવાની વાત તારા પિતાજી ને કરી એટલે એમને મને કહ્યું અને અમે અહીંયા આવ્યાં.."હુસેનમિયાં એ કહ્યું.

"અંકલ..અબ્દુલ ભાઈ એમની જગ્યા એ યોગ્ય હતાં.. મારી બેન ને હું બીજા કોઈ યુવક સાથે આ રીતે જોઈ જાઉં તો મને પણ ગુસ્સો આવે..એજ રીતે એમને પણ ગુસ્સા માં આ બધું કર્યું..એક બીજું કારણ પણ હતું કે અબ્દુલ ભાઈ એક વાર તો હાફ મર્ડર ના કેસ માં જેલ જઈ આવ્યા છે..હવે જો હું એમનું નામ ઇન્સ્પેકટર ને જણાવત તો એમને વધુ ભારે સજા મળત.. અને એ હજુ હમણાં જ પીતા બન્યાં છે એટલે હું એમની ખુશી છીનવી લેવા નહોતો માંગતો.."શિવ એ અબ્દુલ નું નામ ના આપવાનું કારણ આપતાં કહ્યું.

શિવ ની વાત સાંભળી હુસેનમિયાં એ શિવ નો હાથ પોતાનાં બંને હાથ માં લઈ લીધો અને કહ્યું.."વાહ દીકરા..તારા આ સંસ્કાર અને આ વાત સાંભળી મને આજે મારી અમાયા ની પસંદગી ઉપર મને ગર્વ છે..સોળ વર્ષ થી મારા હૃદય પર રહેલો બોજો આજે ઉતર્યો.. મારા મિત્ર ની આત્મા ને હવે શાંતિ મળશે.."

"એનો મતલબ તમને મારા અને અમાયા ના સંબંધ થી કોઈ વિરોધ નથી..પણ તમારા કયા મિત્ર ની આત્મા ની શાંતિ ની વાત તમે કરો છો..?"શિવ એ પૂછ્યું.

"જો દીકરા આજે અમાયા ની જીંદગી ની એક સચ્ચાઈ હું તને જણાવવા માંગુ છું..આ એવી સચ્ચાઈ છે જેની અમાયા ને પણ અત્યાર સુધી ખબર નહોતી"હુસેનમિયાં બોલી રહ્યાં હતાં અને ત્યાં ઉપસ્થિત બધાં એમની વાત ધ્યાન આપી સાંભળી રહ્યાં હતાં.

"અમાયા નું સાચું નામ અમીતા છે..એ મારા મિત્ર વિનાયક શુક્લ ની દીકરી છે..અમાયા ના પિતા એક બાહોશ પોલીસ ઓફિસર હતાં..અમે વડોદરા ખાતે નજીક નજીક જ રહેતાં.. એક બ્રાહ્મણ હોવા છતાં એ નાત જાત કે ધર્મ માં બહુ માનતાં નહીં.. એક વાર વડોદરા માં કોમી રમખાણ ફાટી નીકળ્યું..અમારા વિસ્તાર માં હિન્દૂ વસ્તી વધુ હતી..!!"

"કેટલાય ઉગ્ર બનેલાં હિન્દૂ તલવારો લઈને મારા પરિવાર પર હુમલો કરવા આવ્યાં ત્યારે વિનાયક ભાઈ એ પોતાની ભરી બંદૂકે એ લોકો નો સામનો કરી એમને સમજાવી પાછા વાળ્યા, ત્યારબાદ જ્યાં સુધી શાંતિ ના થઇ ત્યાં સુધી પોતાના ઘરે આશ્રય આપ્યો.બહુ ભલા માણસ હતા વિનાયક ભાઈ અને એમનાં પત્ની સુભદ્રા દેવી..એવા માં એમના ઘરે દીકરી નો જન્મ થયો.દીકરી અમીતા ના જન્મ પછી એમનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો.."

"અમાયા હજુ ત્રણેક વર્ષ ની માંડ થઈ હતી એવા માં એક ગોઝારી ઘટના એ એમના હસતાં ખેલતાં પરિવાર ને વીંખી નાંખ્યો..એક માર્ગ અકસ્માતમાં વિનાયક ભાઈ અને સુભદ્રા બેન નું મૃત્યુ થયું..પાછળ રહી ગઈ દીકરી અમીતા.વિનાયક ભાઈ ને નજીક નું સગુ તો કોઈ હતું નહીં એટલે દીકરી અમીતા ની જવાબદારી ઉપાડવાનો નિર્ણય મેં લઈ લીધો..એમાં મને મારી પત્ની અને પરિવાર નો સપોર્ટ મળ્યો..અબ્દુલ અને શાહિદ તો અમીતા ને સગી બેન થી પણ વધુ પ્રેમ કરતાં.. અમારી જીંદગી માં રાત્રી ના મીઠા વરસાદ ની મહેક લઈને આવી હતી અમીતા..એટલે અમે એનું નામ અમાયા કરી દીધું.એ દિવસ થી અમાયા અમારા પરિવાર નો જ ખાસ ભાગ બની ગઈ છે.."

"અરે ભગવાન પણ કેવાં ખેલ કરે છે..એક હિન્દૂ પરિવાર ની દીકરી મુસ્લિમ પરિવાર માં ઉછરી અને એ પણ સગી દીકરી થી પણ વિશેષ..હુસેનમિયાં તમારા જેવાં માણસ ની આ દુનિયા પર મોજુદગી એ વાત નો પુરાવો છે કે કુદરત હજુ પણ આ દુનિયા માં કોઈના કોઈ રૂપે હયાત છે"શિવ ના પિતાજી શંકર શાસ્ત્રી એ કહ્યું.

"મને જ્યારે શિવ પર થયેલાં હુમલા વિશે ખબર પડી એટલે મેં તરત જ અબ્દુલ અને શાહિદ ને બરાબર ના ધમકાવ્યા અને પછી મેં દીકરી અમાયા ને સત્ય શું છે એ વિશે પૂછ્યું તો એને મને બધી હકીકત જણાવી દીધી કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માટે ઇચ્છુક છો..બસ પછી તો મારી દીકરી ની ખુશી માં મારી ખુશી રહેલી છે એટલે હું તારા પિતાજી ને મળ્યો અને બધી હકીકત થી એમને વાકેફ કર્યા એ પણ અમાયા ને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છે.."શિવ ના માથે હાથ મૂકી હુસેનમિયાં એ કહ્યું.

એમની વાત સાંભળી શિવ એ પોતાનાં માતાપિતા તરફ નજર કરી તો એમને નજર વડે પોતાની સહમતિ દર્શાવી એટલે શિવ ની આંખો ભરાઈ આવી ખુશી ના આંસુ થી.

શિવ ના મિત્રો એને વળગી પડ્યાં અને શિવ ને અભિનંદન આપ્યાં.

"શિવ ને એકલાં ને જ અભિનંદન આપશો તમારી ભાભી ને અભિનંદન નહીં કહો.."હુસેનમિયાં એ કહ્યું.

"એનો મતલબ..અમાયા...અહીં.."શિવ ખુશી ના આવેગ માં એટલું જ બોલી શક્યો.

"હા એ અહીં જ છે..અને અબ્દુલ અને શાહિદ પણ સાથે આવ્યાં છે..એ બંને ને પણ તારા જોડે કરેલા વ્યવહાર બદલ પસ્તાવો છે..તે જો ઇન્સ્પેકટર ને નામ આપ્યું હોત તો એ સામે થી જ સરેન્ડર કરવાના હતાં.. પણ તે એમનાં નામ ઇન્સ્પેકટર સાહેબ ને ના જણાવી ને એ બંને ની આંખો ને વધુ ખોલી નાંખી છે...બેટા અબ્દુલ અમાયા ને અંદર લઈને આવ.."અમાયા ની અમ્મી એ કહ્યું.

એજ ક્ષણે અબ્દુલ અને શાહિદ અમાયા ને લઈને બધાં લોકો જ્યાં ઉપસ્થિત હતાં એ રૂમ માં પ્રવેશ્યાં.. અમાયા અત્યારે ગુલાબી રંગ ના સિલ્ક ડ્રેસ માં અમાયા નું રૂપ ખીલી રહ્યું હતું.. શિવ નો બધો દર્દ એને જોતાં જ ગાયબ થઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું..અમાયા ને લઈને શિવ ના બેડ સુધી લાવ્યાં પછી અબ્દુલે શિવ ની તરફ જોઈને કહ્યું.

"શિવ મને માફ કરી દે..એ દિવસે આવેશ માં આવીને મેં તારા પર હુમલો કરી દીધો..સારું થયું એ તો તારા મિત્રો એ તને બચાવી લીધો નહીં તો હું મારી જાત ને આજીવન માફ ના કરી શકત.. મારી નાનકી તને આટલો બધો પ્રેમ કરે છે એની ખબર હોત તો આ ઘટના જ ના બનત.. હું ખૂબ દિલગીર છું..!!"

શિવ એ અબ્દુલ ના હાથ ને હાથ ને પોતાનાં હાથ માં લીધો અને આંખો વડે જ ઈશારા થી એને માફ કરી દીધો હોય એવું દર્શાવ્યું.

"શિવ તો હવે બધાં ની રજા છે તો હવે તારા અને અમાયા ના લગ્ન ટૂંક સમય માં થશે અને એ પણ ધામધૂમથી.."શાહિદે કહ્યું.

શાહિદ ની વાત સાંભળી ત્યાં હાજર દરેક લોકો એ એકબીજા ને શુભેચ્છાઓ આપી..શિવ અને અમાયા હવે એકબીજા ના થવા જઈ રહ્યાં હતાં એ વાત ની ખુશી દરેક ના ચહેરા પર વર્તાતી હતી.!!

"અમાયા અમે બધાં બહાર જઈએ છીએ તું શિવ જોડે થોડો સમય વાતચીત કરી લે.."હુસેનમિયાં એ કહ્યું.અને એમની વાત સાંભળી બધાં રૂમ ની બહાર નીકળી ગયાં.. અને કાળુ એ રૂમ નો દરવાજો ધીરે થી બંધ કરી દીધો.

બધાં ના બહાર જતાં ની સાથે જ અમાયા દોડીને શિવ ને વળગી પડી..એના ચહેરા ને બેતહાશા ચુમતી અને રડતી અમાયા અત્યારે શિવ ને પોતાનાં પ્રેમ નો અહેસાસ કરાવી રહી હતી..પછી અમાયા એ શિવ ની સામે જોયું અને કહ્યું..

"શિવ તને કંઈક થઈ ગયું હોત તો..મારું શું થાત?"

"અરે પાગલ મને કંઈ ના થાય..હજુ તો તારી સાથે આખી જીંદગી પસાર કરવાની છે મારે..તારા જોડે જોયેલું દરેક સપનું પૂરું કરવું છે મારે..પ્રેમ નો અધુરો અધ્યાય પૂર્ણ કરવાનો છે હજુ..એટલો બધો પ્રેમ કરવો છે કે આખી ક્રિકેટ ની ટીમ હોય આપણા ઘરે"શિવ એ હસતાં હસતાં કહ્યું.

શિવ ની વાત સાંભળી અમાયા હસવા લાગી અને ધીરે થી એનાં અધર પર પોતાનાં અધર મૂકીને આટલાં દિવસ ની તરસ ને બુઝાવી દીધી.

થોડાં જ દિવસ માં ધામધૂમથી શિવ અને અમાયા ના લગ્ન કરવામાં આવ્યાં.. આ લગ્ન માં બંને ધર્મ ના લોકો ઉપસ્થિત હતાં..દરેક વ્યક્તિ શિવ અને અમાયા ની આ જોડી ને આશીર્વાદ આપી ને કુદરત ની અનેરી લીલા ને મહેસુસ કરી રહ્યાં હતાં...!!

***

#અંત નહીં શરૂવાત એક નવા અધ્યાય ની....એક નવા ઉજ્જવળ સોનેરી ભવિષ્ય ની#

સરળ શબ્દો માં રચાયેલ આ શુદ્ધ લવ સ્ટોરી ને સર્વે વાંચકો નો જે પ્રેમ મળ્યો એ બદલ બધાં જ વાંચકો નો ખુબ ખુબ આભાર.. આગળ પણ વધુ સારું લખાણ આપ બધાં માટે લાવતી રહીશ.. ટૂંક સમય માં આપ વાંચી શકશો એક બીજી લવ સ્ટોરી..!!!

લેખક:- દિશા. આર. પટેલ