Dil Kabutar - 2 books and stories free download online pdf in Gujarati

દિલ કબૂતર ભાગ ૨

દિલ કબૂતર

ભાગ ૨

ચાર મિત્રો વચ્ચે ચા ની કીટલી પર થયેલી વાતચીત ના અંતે શિવ ના મન માં અમાયા પ્રત્યે જાગેલા પ્રેમ ને યોગ્ય મંજીલ અપાવવાના ઉદ્દેશ થી કાળુ, રાજુ અને જોની કંઈક પ્લાન બનાવે છે..હવે વાંચો આગળ...!!

ચા ની કીટલી પર થયેલી વાતચીત ના આધાર પર કાળુ, રાજુ અને જોની નક્કી કરેલાં કામ પર વળગી જાય છે. એમના પ્લાન મુજબ રાજુ નું કામ અમાયા ક્યારે ઘર ની બહાર નીકળે અને ક્યારે પાછી આવે એનું ધ્યાન રાખવાનું હોય છે.અમાયા ના ચાલી માં અને ચાલી બહાર કોની કોની મિત્રતા ભર્યા સંબંધો છે એનું ધ્યાન રાખવાની જવાબદારી કાળુ ના માથે હોય છે.

જ્યારે જોની ના ભાગ માં અમાયા ના પરિવાર ના દરેક સદસ્ય વિશે નાના માં નાની વસ્તુ ની માહિતી એકત્રિત કરવાની જવાબદારી આવી હોય છે..એક જાસુસ ના જેમ ત્રણેય બીજા દિવસ થી પોતપોતાના સોંપાયેલા કામ ને નિભાવવામાં લાગી જાય છે.

પાંચ દિવસ ની રેકી પછી ત્રણેય જોડે જરૂરી માહિતી એકઠી થઈ ગઈ હોય છે..એટલે શિવ ને કોલ કરી ભીખાભાઈ ની ચા ની કીટલી ઉપર આવવાનું કહી બધાં ત્યાં એકઠાં થાય છે..અને પછી ચાલુ થાય છે ચારેય મિત્રો વચ્ચે ની ચર્ચા.

"જો ભાઈ શિવ તારા માટે અમે પાંચ પાંચ દિવસ સખત મહેનત ના અંતે અમાયા ભાભી અને એમના પરિવાર ની બધી ડિટેઈલ કઢાવી દીધી છે..મિશન અમાયા ભાભી નું પ્રથમ સોપાન આ સાથે પૂર્ણ થયું..."કાળુ એ દર વખત ની જેમ વાત ની શરૂઆત કરી.

"જો ભાઈ સૌપ્રથમ તો અમાયા ભાભી ના રોજીંદા ક્રમ વિશે ની માહિતી હું તને જણાવું..ભાભી સવારે ૯:૩૦ સુધી ઘરે હોય છે, પછી શ્યામલ કોમ્પ્લેક્ષ માં ટેલી ના કલાસ કરવા જાય છે..૧૨ વાગ્યા આજુબાજુ ઘરે આવે છે..પછી સાંજે પાંચ-છ વાગ્યા આજુબાજુ એની અમ્મી જોડે શાકભાજી અને બીજી જરૂરી વસ્તુની ખરીદી માટે જાય છે..ત્યાં થી પરત આવ્યા પછી એ ઘરે જ હોય છે..બીજી એક વાત શુક્રવારે એ રેહમતશાહ ની દરગાહ ઉપર માથું ટેકવા માટે પણ જાય છે બપોર ના સમયે.."રાજુ એ વિગતવાર બધી માહિતી આપતાં કહ્યું.

"ખૂબ સરસ...તમે તો લ્યા આખો દિવસ તમારી ભાભી નું ધ્યાન રાખ્યું હોય એવું લાગે છે."શિવ એ કહ્યું.

"અરે મારા ભાઈ અત્યાર સુધી તે અમારા માટે જે કર્યું છે એની સામે તો આ બધું કંઈ નથી.."રાજુએ કહ્યું.

"અમાયા ના પિતાને ચાલ માં શાબિરભાઈ, નુસરત ચાચા અને બેકરી વાળા તૌફિક સાથે સારા સંબંધો છે...અમાયા ને નુસરત ચાચા ની છોકરી જુબેદા સાથે સારુ બને છે..બંને સાથે જ ટેલી ના કલાસ માં જાય છે.."કાળુ એ કહ્યું.

"જુબેદા...અરે જુબેદા તો તને ભાઈ જેવો માને છે ને શિવલા...તો તો એ તને ચોક્કસ હેલ્પ કરશે.."રાજુ એ ખુશ થતાં કહ્યું.

"હા પણ પહેલાં મારી વાત સાંભળી લો પછી આગળ નું વિચારજો..."ચહેરા પર વિચિત્ર ભાવ લાવી ને જોની એ કહ્યું.

"ભાઈ એવું તો શું જાણી લાવ્યો છે તું...?"શિવ અને કાળુ એ એકસાથે સવાલ કર્યો.

"જો ભાઈ તમે મને કામ આપ્યું હતું અમાયા ની ફેમિલી ની ફૂલ ડિટેઇલ લાવવાની તો હું એના પરિવાર ના લોકો વિશે ની રજેરજ માહિતી લેતો આવ્યો છું...અમાયા ની અમ્મી સલમાબાનુ ગૃહિણી છે..એના અબ્બા હુસૈનમિયાં કુરેશી ની મચ્છી બઝાર માં મટન ચિકન ની દુકાન છે..તું મળ્યો હતો એ એનો મોટો ભાઈ અબ્દુલ એક ગેરેજ નો માલિક છે અને એને એક બીજો ભાઈ છે શાહિદ એ સિવિલ એન્જીનીયર છે અને નવરંગપુરા એક ઓફીસ માં જોબ કરે છે..અબ્દુલ પરણિત છે એની પત્ની ગર્ભવતી હોવાથી એ એનાં પિયર છે.."આખા ઘર ના દરેક સભ્ય ની માહિતી જોની એ આપતાં કીધું.

"આ બધી વાત માં વિચારવા જેવું શું છે...?"રાજુ એ જોની સામે જોઈને પૂછ્યું.

"અરે ભાઈ એનો ભાઈ અબ્દુલ વડોદરા માં એક હાફ મર્ડર કેસ નો ગુનેગાર રહી ચુક્યો છે..અમાયા ની છેડતી ના કારણે એને એક યુવક ને મોત ના મુખ સુધી પહોંચાડવાની કોઈ કચાશ બાકી રાખી નહોતી...અને એના પિતા હુસૈનમિયાં નો સ્વભાવ પણ બહુ ગુસ્સેલ છે..હજુ આવે પાંચ દિવસ થયાં છે ને મચ્છી બઝાર માં એમની ધાક વાગી ગઈ છે.."જોની એ ઘીમાં અવાજે કહ્યું.

જોની ની વાત ત્યાં અણુબોમ્બ ની અસર કરી ગઈ હતી..પાંચ છ મિનિટ સુધી બધાં મૌન ધારણ કરીને બેસી રહ્યાં...ભીખાભાઈ ના "ભાઈઓ, ચા લઈ લો ચા" અવાજ થી બધા ના વિચારો ને બ્રેક લાગી અને ચા લઈને ચૂસકી મારતાં મારતાં હવે આગળ શું કરવું એના મનોમંથન માં બધાં લાગી ગયાં.

"ભાઈ શિવલા આ જોનીયા ની વાત સાંભળી વિચાર તો નથી બદલાઈ ગયો...?"રાજુ એ શિવ ની ચુટકી લેતાં કહ્યું.

"ના ભાઈ ના 'જબ પ્યાર કિયા તો ડરના કયા'..ના રે મારો વિચાર કે પ્રેમ થોડો પણ બદલાયો નથી..હવે તો બસ અમાયા સાથે રૂબરૂ મુલાકાત કઈ રીતે થાય એ વિચારવાનું રહ્યું..."પોતાની આંગળીઓને ચહેરા પર ઉગેલી આછી દાઢી માં ફેરવતાં શિવ એ કહ્યું.

"ધીસ ઇસ માય બ્રો... વાહ વાહ ભાઈલા.. આજે તો ગોલ્ડફ્લેક મારા તરફ થી..."કાળુ ગોલ્ડફલેક લેવા ઉભો થતાં બોલ્યો.

કાળુ ગોલ્ડફલેક લઈને આવ્યો એટલે એના બે ચાર કસ મારી ને મિત્રો ની આ ટોળી પોતપોતાના ઘરે જવા માટે નીકળી ગઈ.

***

ભુરા ને બધું કામ કાજ સમજાવી બપોરે ઘરે જમવાનું પતાવી શિવ નીકળી પડ્યો નુસરત ચાચા ના ઘરે..નુસરત ચાચા ખુદા ના નેક બંદા તરીકે ચાલી માં જાણીતા હતાં.. એમને હાર્ડવેર ની આઈટમ ની દુકાન હતી..શિવ ના પિતાજી શંકરલાલ અને નુસરતચાચા ની પ્રકૃતિ એક સરખી હોવાથી એમને પહેલાં થી જ સારું બનતું..નુસરત ચાચા ની દીકરી જુબેદા અને શિવ નાનપણ થી જ એકબીજા ને ઓળખતા..શિવ ને જુબેદા પોતાના મોટાભાઈ જેવો ગણતી..અને રક્ષાબંધન ના પવિત્ર પર્વ પર જુબેદા શિવ ને રાખડી બાંધવા અચૂક જતી.

"જુબેદા જુબેદા..."ઘર ના બારણે ઊભાં ઊભાં જ શિવ એ બુમો પાડી.

"અરે ભાઈજાન તમે...બહુ દિવસે અમારા ઘરે...?"શિવ ને બારણે ઉભેલો જોઈ ખુશ થતાં જુબેદા એ કહ્યું.

"એતો અહીં થી પસાર થતો હતો તો થયું કે લાવ ને મળતો જાઉં..અને આ ચુડી તારા માટે ભદ્ર ના માર્કેટ માં થી લાવ્યો હતો.."પેપર માં વીંટાળેલા એક બોક્સ ને જુબેદા ને આપતાં શિવ એ કહ્યું.

"ચુડી..શુક્રિયા ભાઈજાન..ચાલો ઘર માં...ચા બનાવી દઉં તમારા માટે મસ્ત મજાની..."જુબેદા એ ખુશ થતાં કહ્યું.

શિવ ને જોઈ જુબેદા ની અમ્મી શકિનાબાનુ પણ ખૂબ ખુશ થયાં.. થોડી ઘણી વાતચીત કર્યા બાદ બે ભાઈ બહેન ને એકલા મૂકી તેઓ ઉપર ના માળે આવેલાં કમરા માં સુવા માટે જતાં રહ્યાં.

"એ જુબેદા એક કામ પડ્યું છે તારું.."શકિનાબાનુ ના ઉપર જતાં ની સાથે જ શિવ એ કહ્યું.

"હમમમમમ.. તો ભાઈજાન કોઈ કામ થી આવ્યા છે અને આ ચુડીઓ એ કામ કરાવાની રીશ્વત છે એમ ને.."આંખો ઊંચી કરીને જુબેદા એ કહ્યું.

"અરે ના એવું કંઈ નહીં..."ભોંઠપ અનુભવતો હોય એમ શિવ નીચું મોંઢું કરીને બોલ્યો..

"અરે ભાઈ મજાક કરું છું..આમ શું તમે પણ ...બોલો બોલો શું કામ હતું..તમારી આ બેન તમારું બધું કામ કરી દેશે.."આંખ મિચકારતાં જુબેદા એ કહ્યું.

"જુબેદા..તું ટેલી ના કલાસ કરવા જાય છે ત્યારે તારી જોડે એક છોકરી હોય છે..અમાયા..બસ એ વિષય માં જ વાત કરવી છે.."ધીમે અવાજે શિવ એ કહ્યું.

"ઓહહ.. તો ભાઈ ને એનું નામ પણ ખબર છે...ભાઈ જોવો એક વાત દઉં..એ છોકરી બહુ સીધી સાદી છે..આમ લફરાં ના ચક્કર માં નહીં પડે..."જુબેદા એ કહ્યું.

"અરે લફરાં ના ચક્કર માં નહીં પડે પણ કોઈનો સાચો પ્રેમ તો સમજશે ને.."શિવ એ કહ્યું.

"આઈ મીન..સાચો પ્રેમ..એ પણ તમને...ના મુલાકાત ના ઓળખાણ બસ ખાલી નામ ની ખબર છે ને પ્રેમ થઈ ગયો..ભાઈજાન તમે તો ભારે કરી..."જુબેદા એ આશ્ચર્ય સાથે કહ્યું.

"હા બહેના હા..તારા આ ભાઈ ને ખબર નહીં શું જાદુ કરી નાખ્યું છે એ જાદુગરની એ..દિવસ રાત પળે પળ આંખો ની સામે એનો જ ચહેરો દેખાય છે..એનો મધુર અવાજ હજુયે કાને પડઘાય છે..આને પ્રેમ નહીં તો બીજું શું સમજવું?"જુબેદા ને હાથ પકડી એની સામે ઘૂંટનભેર બેસી શિવ એ કહ્યું.

"ઓહ..તો હવે અમાયા ને ભાભી કહી સંબોધવા નું શરૂ કરી દઉં એમજ ને..?"શિવ ની મજાક ઉડાડતી હોય એમ જુબેદા એ કહ્યું.

"અરે શું તું પણ હજુ તો ભેંશ ભાગોળે ને છાશ છગોળે જેવી વાત કરે છે ને...ભાભી ભાભી કહેવાનું પછી વિચારજે પણ પહેલાં તારી એ સહેલી જોડે મારી એક મુલાકાત ની ગોઠવણ કરી આપ પછી બધું આગળ નું વિચારીશું..."આજીજી ના સુર માં શિવ એ કહ્યું.

"ભાઈજાન મુલાકાત તો કાલે જ ગોઠવી દઉં પણ ..મારી એક સલાહ છે જો તમને યોગ્ય લાગે તો જણાવું...?"જુબેદા એ સવાલ કર્યો.

"હા બોલ ને બેન..તું કહીશ એ મારા સારા માટે જ કહીશ ને..."સલાહ આપવાની સહમતિ આપતાં શિવ એ કહ્યું.

"જો ભાઈ છોકરીઓ ને એવો છોકરો ગમે જે એના પ્રેમ નો પ્રસ્તાવ સામે થી મૂકે..એનું કારણ એ છે કે આવું કરવાથી છોકરી ને છોકરા ની હિંમત નો અંદાજો આવી જાય અને બીજું એ કે ડાયરેકટ પ્રપોઝ ના લીધે પોતાની પ્રેમ કહાની જાહેર થવાની ચિંતા પણ ના રહે..."જુબેદા એ કહ્યું.

"એનો મતલબ હું...એટલે કે હું...અમાયા ને સીધો જ પ્રપોઝ કરું...?"શિવ ના અવાજ માં આશ્ચર્ય અને ડર નું મિશ્રણ હતું.

"હા ભાઈ..અમાયા ને તમે સામે ચાલી ને પ્રપોઝ કરશો તો તમારા પ્રસ્તાવ ને સ્વીકારી લેવાના ચાન્સ બમણા થઈ જશે..."જુબેદા એ કહ્યું.

"સારું તો તારો આ ભાઈ તારી સહેલી કમ ભાભી ને જાતે જ પ્રપોઝ કરશે...એ પણ ટૂંક સમય માં..."ઉભા થઈ કોઈ પ્રતિજ્ઞા લેતો હોય એમ શિવ એ કહ્યું.

"ઓલ ધ બેસ્ટ...મારા ભાઈ.."જુબેદા એ કહ્યું.

જુબેદા ના ઘરે થી નીકળતાં શિવ ના ચહેરા પર એક ગજબ પ્રકાર ની ચમક હતી..જુબેદા ની સલાહ માની અમાયા ને મળીને પોતાના દિલ ની વાત એને કહેવા માટે ની તૈયારી આપણી નોવેલ નો હીરો મનોમન કરી ચુક્યો હતો..!!

***

બીજા દિવસ થી અમાયા ની પાછળ પાછળ શિવ ના ધક્કા ચાલુ થઈ ગયાં..અમાયા ક્યારે એકલી પડે ને પોતે એને મળી શકે ને વાત કરી શકે એ મારે શિવ અમાયા નો પડછાયા ની જેમ પીછો કરતો હતો..ચાર દિવસ વીતી ગયાં.

"આજે તો કંઈપણ થાય અમાયા સાથે વાત તો કરવી જ પડશે.."સવારે ઉઠતાં ની સાથે શિવ મનોમન બબડયો.રોજ ની માફક આજે પણ એ અમાયા ની પાછળ પાછળ લાગી ગયો.કહેવાય છે ને કે જો તમે કોઈ વસ્તુ મન થી નક્કી કરી લો કે કરવી છે તો કુદરત પણ તમને એની નજીક લઈ જવાની કોશિશ માં લાગી જાય છે..!!

આમ તો સાંજે બઝાર માં ખરીદી કરવા જવાના સમયે અમાયા ની અમ્મી હમેશા એની સાથે જ રહેતી પણ આજે અમાયા ઘરે થી એકલી નીકળી..અમાયા ને એકલી જોઈ શિવ ની હિંમત બેવડાઈ ગઈ હતી..આજે તો કોઈપણ સંજોગો માં પોતાની ડ્રીમ ગર્લ સાથે વાત કરી ને જ રહેશે એવું શિવ વિચારતો હતો એટલામાં રાજુ ને પોતાની તરફ આવતો જોઈને શિવ ને થોડી રાહત થઈ..કેમકે મિત્ર જોડે હોય તો ગમે તેવું ભારે કામ કરતાં પણ જીવ ગભરાય નહીં.. અને અહીં તો આપણા મજનુ શિવ ની પ્રથમ અગ્નિ પરીક્ષા હતી.

"ભાઈ અહીં કેમ ઉભો છે..?" આવતાં ની સાથે જ રાજુ એ શિવ ને સવાલ કર્યો.

"ભાઈ એતો સામે જો..અમાયા..."શિવ એ આજુબાજુ જોઈ ધીરે થી કહ્યું.

"ઓહ...તો ભાભી ને લાઇન મારે છે...વાહ મારા શેર..." રાજુ એ કહ્યું.

"અલ્યા ધીરે બોલ..કોઈ સાંભળી જશે તો લોચા થઈ જશે..." શિવે હોઠ પર આંગળી રાખીને કહ્યું.

"હા ભાઈ તો આગળ શું વિચાર છે..આમ લાઈન જ મારવાની છે કે બીજું આગળ કંઈ પ્લાનિંગ છે..?" રાજુ એ સવાલ કર્યો.

"અરે એના માટે તો અહીં ઉભો છું..આજે અમાયા એકલી છે..એની અમ્મી આવી નથી..હું સારી તક ની રાહ જોઈને જ બેઠો છું કે ક્યારે અમાયા જોડે વાત થાય..."અમાયા ને દૂર થી જ જોતાં જોતાં શિવ એ કહ્યું.

"પણ વાત ની શરૂવાત કઈરીતે કરીશ..કંઈ વિચાર્યું છે કે નહીં...?"રાજુ એ પુછ્યું.

"હા એક આઈડિયા છે..."આટલું કહી શિવ એ રાજુ ના કાન માં કંઈક કહ્યું.

"સરસ હો..ફિલ્મી આઈડિયા છે..પણ વાત ની શરૂવાત માટે સારો વિચાર છે...ઓલ ધ બેસ્ટ ભાઈ..હું અહીં જ ઉભો છું.. તું તારે આગળ વધ..!!"શિવ ને અમાયા તરફ જવા માટે નું સૂચન કરતાં રાજુ એ કહ્યું.

"સારું..હું જાઉં છું..તું અહીં જ રહેજે..ક્યાંય જતો નહીં..."શિવ એ કહ્યું.

રાજુ એ થમ્સઅપ ની સાઈન બતાવી શિવ ને અમાયા ઉભી હતી ત્યાં જવા કહ્યું..પોતાના શ્વાસ ની સ્મેલ ને હાથો થી ચેક કરતો શિવ નીકળી પડ્યો પ્રેમ નું પ્રથમ પગથિયું સર કરવા માટે...!!!

***

વધુ આવતા સપ્તાહે...

પ્રથમ ભાગ પછી આપનો સારો એવો રિસ્પોન્સ મળ્યો..જેના લીધે મારી ખુશી બેવડાઈ ગઈ..આગળ શિવ અને અમાયા ની લવ સ્ટોરી સાથે આમ જ જોડાયેલા રહો એવી આપ ને વિનંતી..શિવ કઈ રીતે અમાયા સાથે વાતચીત નો દોર આગળ વધારશે અને અમાયા નો પ્રતિભાવ શું હશે જાણવા આવતા ગુરુવાર ની રાહ જોવી રહી.

લેખક:- દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED