દસ પાગલ ભાગ 2 Jashuraj Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દસ પાગલ ભાગ 2

દસ પાગલ

જશુરાજ

પ્રકરણ ૨

વહેલી સવારે ગુલાબી ઠંડી હતી. દુર દુર સુધી સૂર્યના કોઈ સમાચાર ન હતા. હજુ આછું અંધારું હતું. ઊંઘના પુજારીઓ માટે રજાઈ ઓઢીને સુવા માટે આ મસ્ત સમય હતો. તંદુરસ્તીના સેવકો માટે આ સમય વરદાન સમાન હતો.

ગુપ્તપુરના પાર્કમાં ખાસી એવી ચહલપહલ હતી. જુવાનીયા પાર્કને ફરતે દોડી રહ્યા હતાં. કેટલાંક ઘાસમાં કસરતો કરી રહ્યા હતાં. દસ-બાર લોકો એક ખૂણામાં ભેગા થઈને હાથ ઊંચા કરીને જોરજોરથી હસી રહ્યા હતાં. તેમને જોઈને લોકો વિચારતા કે આમને આટલું સુખ કઈ રીતે હોઈ શકે!

એ બધામાં એક પચાસી વટાવી ચુકેલા વ્યક્તિ પણ હતાં. તેઓ શરીરે ઘણા થાકેલા જણાતા હતા. તેઓ એક બાંકડે બેસીને હાંફી રહ્યા હતાં. તેમના કપાળે નીતરી રહેલ પરસેવો તેઓ હમણાં જ દોડીને બેઠા છે તે વાત ની સાક્ષી પૂરી રહ્યો હતો. તેઓ બંધ આંખો સાથે ગરદન ઝુકાવીને શ્વાસોચ્છવાસનો દર સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા હતાં.

“કેમ છો શંકરકાકા?” એક ત્રીસી વટાવી ચૂકેલ લાંબો પાતળો વ્યક્તિ તેમની પાસે આવીને બેઠો.

“બસ મજામા. માફ કરશો....”

“અરે એમાં માફી માગવાની કોઈ જરૂર નથી. કોઈ મજામાં હોય તો કોઈ મજામાં ના પણ હોય. એમાં વળી માફી શું માંગવાની?”

“હું એમ કહેવા માંગું છું કે મેં તમને ઓળખ્યા નહિ. એટલા માટે...”

“મને ના ઓળખ્યો, શંકરકાકા? હું નિકુંજ. આપણે લગભગ કોઈ લગ્નપ્રસંગમા કે કોઈના મરણમાં મળ્યા હતા. તમારા પર ઉમરની અસર દેખાવા માંડી છે હો કાકા?”

“હા તને ક્યાંક જોયો હોય તેવું લાગે તો છે.” શંકરકાકાને આ ચહેરો લેશમાત્ર પણ યાદ ન હતો, પણ પોતાની યાદશક્તિ પર પ્રહાર થતા તેમણે જુઠ્ઠું ચલાવ્યું.

“લાગે જ ને કાકા, આપણે મળ્યા જ છીએ. એ બધું છોડો કાકા, બીજું કેવું ચાલે છે? તબિયત તો એકદમ બરાબર છે ને? આમ હાંફી કેમ રહ્યા છો?” નિકુંજની ગાડી અટકવાનું નામ ન હતી લેતી.

“આ તો હમણા જ એક રાઉન્ડ દોડીને બેઠો એટલે. બાકી તો હું એકદમ તંદુરસ્ત છું. તું કહે તું કેમ છે?”

“કાકા ઘણી તકલીફો છે. જીવન ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે,” નીકુંજે નજરો ઝુકાવીને ઉદાસ ચહેરે કહ્યું.

“કેમ શું થયું? ઘરે.. ઘરે તો બધા બરાબર છે ને?” શંકરકાકા એ પણ ન હતા જાણતા કે આ અજાણ્યા વ્યક્તિના ઘરમાં અન્ય કોઈ છે કે નહિ.

“હા એ રીતે તો બધું બરાબર છે, પણ તમે જુઓને મોંઘવારીએ કેવી માઝા મૂકી છે. આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. કોઈ માણસ બિમાર થાય તો દવા લેવા જતા પણ હવે ડર લાગે છે. છોકરાઓને ભણાવવા માટે પણ દેવું કરવું પડે તેવું થઈ ગયું છે, કાકા.”

શંકરાકાકા વિચારી રહ્યા હતા કે આ નિકુંજ ક્યાંક એની જોડે ઉધાર માંગી ના લે.

“હા વાત તો તારી સાચી છે. બધાની એવી જ હાલત છે. મારા દવાના પૈસા પણ મારે દીકરા જોડે માંગીને લેવા પડે છે. હવે તો તે પણ પૈસા આપતી વખતી મોંઢું બગાડે છે. સારું બેટા મારે થોડી ઉતાવળ છે હું નીકળું છું હવે,” શંકરકાકાએ ઉભા થતા કહ્યું.

નીકુંજે હાથ પકડીને એક હળવા ધકા સાથે શંકરકાકાને બાંકડા પર બેસાડી દીધા.

“અરે બેસો ને, કાકા. હજુ તો ઘણી વાતો બાકી છે.”

શંકરાકાકાને નિકુંજનું આવું વર્તન જોઈને થોડો આંચકો લાગ્યો હતો. કઈ રીતે પ્રત્યુતર આપવો તે તેઓ સમજી શકતા ન હતાં.

નિકુંજના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા હતાં. શાંત અને ખુશ લાગતા ચહેરા પર થોડો તાણ વર્તાઈ રહ્યો હતો. શંકરાકાકા મૂર્તિની જેમ નિકુંજની બાજુમાં બેસી રહ્યા.

સૂર્યના કિરણો ધરતી પર પધારી ચુક્યા હતા. ગુલાબી ઠંડીની જગ્યા હવે કોમળ તડકાએ લઈ લીધી હતી. પાર્કમાં ભીડ વધી રહી હતી. ઘણી ગૃહિણીઓ જે વહેલી આવી હતી તે હવે ઘરના કામની ચિંતાના કારણે ઘર તરફ જવા માટે નીકળી રહી હતી. પાર્કમાં ઘણા નજીકની શાળાના વિદ્યાર્થીઓ પણ જણાઈ રહ્યા હતા. કદાચ તે નિર્દોષ બાળકો માતાપિતા અને શિક્ષકોને છેતરીને કુદરતનો અભ્યાસ કરવા આવ્યા હતાં.

“કાકા આ દુનિયા છે ને આ દુનિયા તે બહુમુખી બની ચુકી છે. કોઈ પણ વ્યકિતનું કોઈ એક ચોક્કસ વ્યક્તિત્વ છે જ નહીં. એવા બહુમુખી લોકોને જોઈને મને તો એટલો બધો ગુસ્સો આવે છે કે ઘણીવાર મન થાય છે કે આ દુનિયાને આગ લગાવી દઉં.” નિકુંજ બંને મુઠ્ઠીઓ બાંકડા પર પછાડીને ઉભો થઈ ગયો.

“અરે શાંત થઈ જ બેટા,” આજુબાજુના લોકો સામે તમાસો ના થઈ જાય તે ડરથી શંકરાકાકાએ હળવેથી કહ્યું.

આ વખતે શંકરાકાકાનો વારો હતો હાથ પકડીને બેસાડવાનો, પણ તેમને ધકો મારીને નહિ પણ હળવેથી નિકુંજને હાથના ઇશારાથી બાંકડા પર બેસાડ્યો.

“જો નિકુંજ બેટા, પરિસ્થિતિ મુજબ માણસે વર્તન કરવું પડે છે. દરેક વખતે એક સમાન વ્યવહાર કરવો શક્ય નથી.”

નિકુંજ હજુ ગુસ્સામાં હતો. તે કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ એકધારી નજરે જમીન તરફ જોઈ રહ્યો હતો.

“કાકા, જો બધા માણસો એકબીજાને જેવા છે તેવા સ્વીકારવા માંડે તો તમારે અને મારે આપણું વર્તન બદલવું જ ના પડે. પણ ના. આ માણસો તો બીજા છે તેવા તેમને સ્વીકારવા તૈયાર જ નથી. દરેક ને પોતાના વિચારો અને માન્યતાઓ મુજબ જ સામેનો માણસ જોઈએ છે. ઘણીવાર તો માણસો અચાનક એવું વર્તન કરવા માંડે છે કે આપણને પણ શક થઈ જાય કે હું આને ઓળખું છું કે નહિ,” નિકુંજ અટક્યો, તેણે શંકરાકાકા સામે એકદમ ધારદાર નજરે જોયું અને કહ્યું, “એટલા માટે જ આપણે ઘણીવાર ગાંધીજી તો ઘણીવાર હિટલર બનવું પડે છે.”

શંકરાકાકા હવે થોડું અસ્વસ્થ મહેસુસ કરી રહ્યા હતાં. તેમને નીકુંજનું વર્તન જોઈને એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો. તેઓ જલ્દીથી ત્યાંથી નીકળવા માટે બહાનું શોધવા માટે મથી રહ્યા હતાં.

“જો નિકુંજ બેટા...”

“નિકુંજ બેટા?,” નીકુંજે આશ્ચર્યજનક નજરે શંકરાકાકા તરફ જોયું અને ઉમેર્યું, “તમે છો કોણ અને મને કઈ રીતે ઓળખો છો?”

“અરે શું તું પણ મજાક કરે છે? આપણે છેલ્લા અડધો કલાકથી અહીંયા બેસીને વાતો તો કરીએ છીએ,” શંકરાકાકાએ કહ્યું.

“છેલ્લા અડધો કલાકથી? હું તમને ઓળખાતો નથી, હજુ એકાદ મિનીટ પહેલાં અહીંયા આવીને બેઠો છું અને તમે કહો છો કે આપણે અડધો કલાકથી વાતો કરીએ છીએ. મને તો તમે લોકોને છેતરીને લુંટી લેનારા વ્યક્તિ જેવા લાગો છો. ખોટી ઓળખાણો બનાવી અને પછી મોકો જોઈને લુંટી લેતા હશો. ચાલો નીકળો અહીંયાથી.”

“સાલા લુંટારો તો તું લાગે છે. કોઈ પણ ઓળખાણ વગર અડધો કલાકથી કાકા-કાકા કરીને માથું ખાઈ રહ્યો છે અને હવે કહે છે કે તું મને ઓળખાતો નથી! તું અહીંયાથી ઉભો થા ચાલ.” શંકરાકાકાએ ધક્કો મારીને નિકુંજને ઉભો કરી દીધો.

શંકરાકાકાનો અવાજ થોડો ઉંચો થઈ ગયો હોવાથી આસપાસના લોકો તે બંનેને જોઈ રહ્યા હતા. નિકુંજને આ રીતે ધકો મારીને ઉભો કરતા લોકો વાતમાં કઈ ગડબડ હોવાની શંકા સાથે તેમના બાંકડા તરફ વધવા લાગ્યા હતાં.

“બુઢા ડોસા, તમારી હિમ્મત કઈ રીતે થઈ મને ધકો મારવાની?”

નીકુંજે કોલરથી પકડીને શંકરાકાકાને ઉભા કરી દીધા. આ નજારો જોઈ રહેલ લોકો તેમનો ઝગડો રોકવાને બદલે તેમની નજીક જઈને ઉભા રહ્યા અને મફતમાં ભવાઈની મજા માણવા લાગ્યાં.

શંકરાકાકાએ ઝટકો મારીને પોતાનો કોલર છોડાવી દીધો અને નિકુંજને એક લાફો મારી દીધો.

“અરે કાકા આરામથી...”

“શાંત થઈ જાઓ બંને...”

“કાકા આ રીતે લાફો મરાતો હશે?”

“અરે પેલા લંબુનો જ વાંક લાગે છે મને તો. તેણે પહેલાં કાકાનો કોલર પકડ્યો હતો.”

આસપાસના લોકો પણ હવે ભવાઈમાં ભાગ લેવા માંડ્યા હતાં.

નીકુંજથી તેનું આવું અપમાન સહન ના થયું. તેણે શંકરાકાકાને જોરથી ધક્કો મારી દીધો. શંકરાકાકા આવા અચાનક આંચકા માટે તૈયાર ન હતાં. તેઓ એકદમ ફંગોળાઈ ગયાં અને નીચે પડયા. તેમનું માથું બાંકડા સાથે ટકરાયું. લોકો કંઈ સમજે વિચારે એ પહેલાં તો લોહીની ખાબોચિયું ભરાઈ ગયું અને શંકરાકાકાએ આંખો મીંચી દીધી.

લોહીના ખાબોચિયામાં સુતા શંકરકાકામેં જોઈને નિકુંજ ગભરાઈ ગયો. તે કુદકો મારીને બાંકડા પર ચડી ગયો. બાંકડો એક દિવાલને અડકીને હતો. નિકુંજ તે દીવાલ પરથી પાછળની સોસાયટીમાં કુદી ગયો અને ત્યાંથી ભાગી ગયો.

થોડીકવાર દોડ્યા પછી નિકુંજ રોડ પર આવી પહોંચ્યો હતો. તે એટલો બધો હાંફી રહ્યો હતો કે તેનું મોંઢું બંધ થતુ ન હતું. તે દોડતા-દોડતા અચાનક રોડ ઉભો રહી ગયો. તે આજુબાજુ જોવા માંડ્યો. નિકુંજને અચાનક બધું અજાણ્યું લાગવા માંડ્યું.

“હું દોડી કેમ રહ્યો છું?”

“અને આ કયા વિસ્તારમાં આવી ગયો છું?”

નીકુંજે રસ્તાની જમણી બાજુ નજર કરી તો ત્યાં એક મેદાન હતું અને ત્યાં કોઈ સભા યોજાઈ રહી હતી.

પ્રકરણ 3

“દસ પાગલ ગાયબ છે. કેટલા...? દસ.” ઓજસ હળવા અવાજે પણ દાંત ભીંસીને બોલી રહ્યા હતાં.

ઓજસની કેબીનમાં તમામ વોર્ડના ઇન્ચાર્જ બેઠા હતાં. મીટીંગ વીસ મિનિટથી ચાલી રહી હતી પણ ઓજસ સિવાય કોઈ બોલ્યું ન હતું. ઓજસના સવાલના જવાબો આપવાની પણ હિમ્મત કોઈનામાં હતી નહિ. કેબીનમાં ઓજસના અવાજ સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો અવાજ ન હતો. તે જયારે બોલાતી વખતે અટકતા ત્યારે કેબીનમાં એકદમ સન્નાટો છવાઈ જતો હતો. એ સન્નાટામાં અજાણ્યો ભય હતો અને તે અજાણ્યો ભય ઘણા ઇન્ચાર્જને પોતાના મનમાં અલગ જ ધ્રાસકો આપતો હતો.

“છેલ્લા પાંચ કલાકથી આપણા કર્મચારીઓ નજીકના વિસ્તારોમાં તે પાગલોને શોધી રહ્યા છે પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તેમની કોઈ પણ નિશાની જોવા મળતી નથી. કોઈ વ્યક્તિઓએ પણ તેમને જોયા હોય એવું પણ જાણવા મળ્યું નથી. તે લોકો આંખના પલકારામાં ક્યાં પલાયન થઇ ગયા?”

“આપણા પાગલખાનામાં દસ વોર્ડ છે. દરેક વોર્ડમાંથી એક પાગલ ગાયબ થયો છે. કોઈ એકાદ વોર્ડમાંથી દર્દીઓ ગાયબ થયા હોત તો હું તેના ઇન્ચાર્જની ભૂલ માની લેત પણ દસે દસ વોર્ડમાંથી એક-એક પાગલ ગાયબ.....” ઓજસ અટક્યા.

ઓજસ કોઈ ગહેરા વિચારમાં ડૂબી ગયા હોય તેમ તેવી મુદ્રામાં બેસી ગયાં. કેબીનમાં એકવાર ફરીથી દહેશત ફેલાવતી શાંતિ છવાઈ ગઈ. તમામ ઇન્ચાર્જ્સ આ શાંતિમાં જે ડરનો ઘોંઘાટ હતો તે મહેસુસ કરી રહ્યા હતાં. તેવામાં અચાનક ઓજસે ટેબલ પર હાથ પછાડ્યા અને તેના અવાજથી તેમની સામે બેઠેલા મુક પ્રેષકો ચોંકી ગયા, કેટલાક તો ચમકી ગયાં.

“હું એમ પુછવા માંગું છું કે તમે બધા કરતા શું હતાં? તમારા દરેકના વોર્ડમાંથી એક-એક દર્દી ગાયબ થયો છે અને કોઈને કંઈ પણ ખબર જ નથી? તમે બધા... તમે બધા મને મુર્ખ બનાવી રહ્યા છો. સાચે કહો તમારું શું આયોજન છે? મને કોઈ કાવતરાની ગંધ આવી રહી છે,” ઓજસે કહ્યું.

તમામ ઇન્ચાર્જ્સ ઓજસને એકીટશે જોઈ રહ્યા હતા અને ઓજસ તેમને જોઈ રહ્યા હતાં. ઓજસ ખુરસીમાંથી ઉભા થયા. સામે તમામ ઇન્ચાર્જ્સ પોતપોતાની ખુરસીમાં થોડા આઘાપાછા થયા. કેબીનમાં આવ્યા બાદ પહેલીવાર તેઓએ કોઈ હલનચલનની કામ કર્યું હતું. ઓજસ થોડીકવાર તેમની સામે જોઈ રહ્યાં. તેમના હાથમાં રહેલ પેન ટેબલ પર જોરથી પછાડી તેઓ તાડૂકી ઉઠ્યા,

“શું પથ્થરની જેમ પડ્યા રહ્યા છો? તમારી જીભને લકવો મારી ગયો છે? મારે જવાબ જોઈએ છે જવાબ.”

“સર મને લાગે છે કે...”

“આ બધું કોઈ બહારના...”

“સર કોઈ અંદરનો જ માણસ...”

“મને તો કંઈ ખબર જ...”

અચાનક જ ઓજસની સામે બેઠેલા પુતળાઓમાં પ્રાણ ફૂંકાઈ ગયા. તેઓ એકસાથે બોલી ઉઠ્યા. શાંત કેબીન અચાનક ઘોંઘાટીયું બની ગયું.

“અરે ચુપ. પાગલ તો તમે બધા છો. એક પછી એક બોલો. આપણે આગળથી શરૂઆત કરીએ. ડો કમલેશ તમારું શું કહેવું છે આ ઘટના વિષે?”

“સર, મને તો આમાં કોઈ બહારના વ્યક્તિનો હાથ લાગે છે. કેમ કે આપણા આ બધા દર્દીઓ માનસિક રીતે બીમાર છે. તેઓ થોડીક ક્ષણો માટે સારી રીતે વિચારી શકતા નથી. તેમને માટે એકદમ સામાન્ય કામ પણ જાતે વિચારીને કરવાનું હોય તો તે લોકો અસમર્થતા અનુભવે છે. આટલું મોટું આયોજન એ તેમનું કામ તો નથી જ.”

“હું તમારી વાત સાથે ઘણા ખરા અંશે સહમત છું. હા તો ડો ઉદિત આપના વિચારો જણાવો.”

“સર બહારના વ્યક્તિ કરતા મને એવું લાગે છે કે આ કોઈ અંદરના વ્યક્તિનું જ કામ છે. કોઈ બહારનો વ્યક્તિ કઈ રીતે આટલું મોટું કાવતરું આટલી આસાનીથી પાર પાડી શકે. તે વ્યક્તિને આપણા પાગલખાનાની સુરક્ષા સંબંધિત તમામ માહિતી હોવી જોઈએ. આપણા કોઈ પણ સુરક્ષા કર્મચારી કે વોર્ડના ઇન્ચાર્જને ગંધ પણ ના આવીને આટલો મોટો કાંડ થઈ ગયો. આમાં પાગલખાનાનો કોઈ કર્મચારી જ છે, સર.”

“આપણે આજ સુધી આપણા તમામ કર્મચારીઓ પર સંપૂર્ણ ભરોસો રાખ્યો છે પણ તમારી વાત નકારી શકાય તેમ નથી. હા તો ડો...”

“મને લાગે છે કે આપણે નાહકના પરેશાન થઈએ છે,” ઓજસ તેમનું નામ કહે એ પહેલા ડો લોકેશ બોલી ગયાં.

“તો તમે આ દસ પાગલ ગાયબ થઈ ગયા છે તે ઘટના નાહકની પરેશાની લાગે છે?,” ઓજસે પૂછ્યું.

“ઘટના તો ગંભીર જ છે, સર. આપણે જે પરેશાન થઈએ છે તે ખોટું છે કેમ કે આ બધા પાગલો જ છે. તે માનસિક સ્થિરતા ગુમાવી ચુક્યા છે. તેઓ અહીંયા જ ક્યાંક આસપાસ જ હશે. તેઓ જાણી જોઇને ક્યાંક સંતાઈ ગયા હોય. તેઓ કદાચ કોઈ છુપાઈ જવાની રમત રમી રહ્યા હોય અને પછી બહાર આવવાનું જ ભૂલી ગયા હોય. તેમને ગાયબ કરનાર વ્યક્તિ બહારનો હોય કે અંદરનો તેને પાગલોને, એ પણ એક-બે નહિ દસ-દસ પાગલોને, ભગાડી જવાથી શું મળવાનું છે?”

“ડો લોકેશ તમારી વાત સંભાળીને શરૂઆતમાં તો મને તમારી માનસિક સ્થિરતા પર શક થવા માંડ્યો હતો. પણ તમારું અંતિમ વાક્ય મને વિચારવા માટે મંજુર કરી રહ્યું છે. સારું તો હવે ડો મયંક તમે તમારા વિચાર રજુ કરો.”

“સર મારા મત મુજબ તેઓ અહીંયા આસપાસ તો ક્યાંય નથી. તેઓ પાગલખાનાની બહાર ગયા જ છે. તેમને લઇ જનાર વ્યક્તિ કોણ હશે તેનો મને બહુ ખ્યાલ નથી પણ આપણા દર્દીઓ કોઈ મોટી મુસીબતમાં હોઈ શકે છે. તેમની માનસિક સ્થિતિ ગમે તેવી હોય પણ તેઓ શારીરિક રીતે તો તેઓ એકદમ તંદુરસ્ત હતાં. કદાચ કોઈ શરીરના અંગોનો વેપાર કરતી ગેંગનો આમાં હાથ ના હોય?,” ડો મયંકે કહ્યું.

“ડો મયંક તમે બહુર ગંભીર મામલો સામે લઈને આવ્યા છો. જો ખરેખર આવું હોય ઓ ઘણી ગંભીર સમસ્યા આવી પડશે. ચાલો જોઈએ શું થાય છે. હા તો ડો પ્રકાશ હવે તમે આ મુદ્દા પર કંઈક પ્રકાશ પાડો.”

“શારીરિક રીતે તંદુરસ્ત વાળી ડો મયંકની વાતથી હું સહમત છું પણ મારો દ્રષ્ટિકોણ થોડો અલગ છે. આપણા આ દર્દીઓ અત્યારે બહાર લોકોની વચ્ચે છે. તેમને કાબુમાં રાખવા માટે કોઈ છે નહિ. તેમની માનસિક સ્થિતિનો અન્ય કોઈ વ્યક્તિને ખ્યાલ નથી. મને ડર એ વાતનો છે કે તેઓ અન્ય વ્યક્તિઓ માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. તેઓ જો હિંસા પર ઊતરી આવ્યા તો તેમને રોકશે કોણ?”

“ડો પ્રકાશ, આ વાતે તો આપણે અંધારામાં જ છીએ કે આપણા દર્દીઓ મુસીબતમાં મુકાઈ જશે કે અન્ય વ્યક્તિઓ. ડો મોનિકા તમારું શું કહેવાનું થાય છે આમાં?”

“સર મેં અન્ય કોઈ વાત વિષે વિચાર્યું જ નથી. હું એ જ વાતથી ચિંતિત છું કે આ દસ પગલોમાં એક છોકરી પણ છે. તેણીની સાથે કોઈ ખરાબ ઘટના ના બની જાય. તેણીની પોતાને બચાવાવા માટે અસમર્થ છે.”

“ચિંતા ના કરશો. એવા ખરાબ કામ કહેવાતા ડાહ્યા માણસો જ કરતાં હોય છે. આપણા પાગલોમાં અન્ય સામાન્ય વ્યક્તિઓ કરતા ચડિયાતા છે. હવે ડો ભાટીયા તમે બોલો.”

“સર મેં સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ જોઈ લીધું છે પણ તેમાં કંઈ જાણવા મળ્યું નથી. બહુ જ ઉમદા આયોજન સાથે આ કામ પર પાડવામાં આવ્યું છે. આમાં કોઈ સામાન્ય કર્મચારી નહિ પણ જેની પાસે કોઈ સત્તા હોય તેવા વ્યક્તિનો હાથ લાગે છે. સર, માફ કરશો, મને લાગે છે કે આમાં આ રૂમમાં જ બેઠેલા કોઈ વ્યક્તિનો હાથ હોવો જોઈએ.”

“શું તમારો શક મારા પર છે?” ઓજસે પૂછ્યું.

“આ રૂમમાં હાજર તમામ વ્યક્તિઓ પર,” ડો ભાટીયાએ કહ્યું.

“શક હોવો પણ જોઈએ. સરસ. ડો મહેશ તમે કંઈ કહેશો આ મુદ્દે?”

“સર બધા કંઈકને કંઈક કહી રહ્યા છે તો હું પણ થોડું ઘણું કહી જ દઉં છું. આપણે એક વાત પર તો સહમત થવું જ પડશે કે આ દસ દર્દીઓને અહીંયાથી ગાયબ કરવામાં કોઈ અંદરના વ્યક્તિનો હાથ તો છે જ. કેમ કે પાગલખાનામાંથી કોઈ કર્મચારીની મદદ વગર તેમનું બહાર જવું અશક