દસ પાગલ Jashuraj Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દસ પાગલ

દસ પાગલ

જશુરાજ

પ્રસ્તાવના

“તમે લોકો એક સેના છો. હા, દુનિયાની કોઈ પણ સેના કરતાં વધારે મજબુત સેના. તમે ભગવાનના દૂત છો. તમારા આ કામ પછી દુનિયા કાયમ માટે તમારી ઋણી રહેશે.”

કડક ઈસ્ત્રી કરાવેલ કુરતો અને લેંગો પહેરેલ એક વ્યક્તિ કંઈક અલગ જ છટાથી બોલી રહ્યો હતો. તેના એકદમ ટૂંકા અને ચીપકી ગયેલ વાળમાં લગભગ તેલની અડધી બોટલ ખાલી કરી નાખી હોય એટલું તેલ હતું. દાઢી પર એક પણ વાળ ન હોવાથી ચેહરો એકદમ તેજસ્વી લાગતો હતો અને આંખો એટલી જ નિસ્તેજ.

તેનું ભાષણ સાંભળવા માટે સામે કેટલાક વ્યક્તિઓ બેઠા હતાં. બધા જ તેને એ રીતે જોઈ રહ્યા હતા કે જાણે કોઈ બીજા ગ્રહથી આવીને તેમની સામે પરગ્રહની વાતો કરી રહ્યું હોય. આ બધા તે વ્યક્તિની વાતો સાંભળવા એક નાનકડા રૂમમાં ભેગા થયા હતાં. તેમાંથી બે જણા એક ટેબલ પર બેઠા હતાં. અન્ય ત્રણ પલંગમાં બેઠા હતા. જેમ નાનું બાળક તેની માંના ખોળામાં બેઠું હોય તેમ એક વ્યક્તિ ખુરશીમાં બેઠેલા દુબળા પાતળા વ્યક્તિના ખોળામાં બેઠો હતો. બાકીના નીચે જમીન પર બેઠા હતાં.

“તમે એમ જ માનીને ચાલજો કે ઈશ્વરે જ તમને સીધા પસંદ કર્યા છે આ મહાન કાર્ય માટે. તમે લોકોએ આજ સુધી જે સામાન્ય જીવન પસાર કર્યું છે તેને ભૂલી જાઓ. આ પવિત્ર કાર્ય કર્યા પછી તમે લોકો દુનિયામાં પૂજાવા માંડશો. તમે લોકો અમર બની જશો.”

તે વ્યક્તિ તેની સામે બેસેલા લોકોની થોડી નજીક જઈને તેમની તરફ ઝૂક્યો અને એકદમ ધીરેથી દબાયેલા અવાજે કહ્યું, “આ એકદમ ગુપ્ત મિશન છે. તમારા દિલની ધડકનને પણ ખબર ના પડવી જોઈએ કે તમારું મગજ શું વિચારી રહ્યું છે.”

પેલા દસ લોકોએ એકબીજા સામે જોયું અને હકારમાં આંખો પટપટાવી.

તે છટાદાર વક્તા પોતાની જગ્યાએ જઈને ઉભો રહ્યો અને ફરીથી ઊંચા અવાજે બોલવા લાગ્યો, “મારે જવાબ જોઈએ છે. શું મારી આ સેના તેના મિશન પર ઉપડવા માટે તૈયાર છે? શું તમે લોકો આ ભગીરથ કાર્ય કરવા માટે તૈયાર છો?”

સામે બેઠેલી સેના એક સાથે ગુંજી ઉઠી, “અમે તૈયાર છીએ.”

પ્રકરણ ૧

“હું આ વાત માત્ર તને જ કરું છું. તું મને વચન આપ કે તું બીજા કોઈને આ વાત નહી કરે.”

“હું મારી જાન આપી દઈશ પણ આ વાતનું રહસ્ય અકબંધ રાખીશ.”

“તો સાંભળ,” બોલનાર વ્યક્તિ તેની પાસે બેઠેલા વ્યક્તિની એકદમ નજીક ગયો અને કાનમાં ગણગણ્યો, “હું ભારતીય જાસુસી સંસ્થા ‘રો’ નો એજન્ટ છું અને અહીંયા એક ખુફિયા મિશન પર આવ્યો છું.”

બાજુમાં બેઠેલ વ્યક્તિ પણ તેના કાનમાં ધીરે રહીને બોલ્યો, “મને ખબર છે.”

પેલો વ્યક્તિ એકદમ ચોંકી ગયો. તેની બાજુમાં રહેલ વ્યક્તિથી થોડો દુર ખસી ગયો. તેણે આંખો ઝીણી કરીને એકદમ ગંભીર અવાજમા કહ્યું, “તને કઈ રીતે ખબર?”

“કેમ કે હું ‘રો’નો વડો છું.”

પેલો વ્યક્તિ આમને સલામ કરીને જતો રહ્યો.

ઓજસ ઉપાધ્યાયને આવા રહસ્યમય લોકોને મળવું એ કોઈ મોટી વાત ન હતી. તેઓ છ વર્ષથી ગુપ્તપુર પાગલખાનાનાં સંચાલક હતા. તેમને આ રીતે ઘણીવાર જાસૂસો મળતા, તો કોઈવાર પોલીસ ઓફીસર મળતા અને જો તેમનો દિવસ બહુ ભારે હોય તો દેશના વડાપ્રધાન બનીને ફરવાવાળા પાગલ પણ મળી રહેતાં. તે લોકોની મનોસ્થિતિ સમજીને ઓજસ તેમને બહુ વ્હાલથી સંભાળતા.

ગુપ્તપુર પાગલખાનું પશ્ચિમપ્રાંત રાજ્યનું સૌથી મોટું પાગલખાનું હતું. આજુબાજુના રાજ્યોના પણ સૌથી જટિલ કેસો અહીંયા આવતાં હતાં. પશ્ચિમપ્રાંતમાં બીજી કોઈ જગ્યાએ પાગલોને સુરક્ષિત રાખવાની સુવિધા ના હોવાથી રાજ્યના અન્ય પાગલખાનાઓમાં પ્રાથમિક સારવાર અપાવી પાગલોને અહીંયા મોકલી દેવામાં આવતાં. માટે આ પાગલખાનું સેંકડો માનસિક બિમાર વ્યક્તિઓનું ઘર બની ગયું હતું.

ઓજસ તેમની કેબીનમાં ગયાં. ત્યાં તેઓએ રોજિંદુ કામ આટોપવાનું ચાલુ કર્યું. પાગલખાના માટે જે નવો સામાન લાવવાનો હતો તેનું લીસ્ટ તેમની સામે પડ્યું હતું. તેમણે તેમાંથી બે-ત્રણ વસ્તુ બાકાત કરી નાખી અને બાકીના લીસ્ટ પર સહી કરી વસ્તુ મંગાવવા મંજુરી આપી દીધી. તેઓ પચાસ વર્ષની ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવે એટલી સ્ફૂર્તિથી કામ કરતા હતા. (પચાસ વર્ષે પણ તેમની કામ કરવાની સ્ફૂર્તિ જોઈને યુવાનોની આંખો શરમથી ઝુકી જતી.)

“ઓજસસર...” એક કારકુન ભાગતો આવીને કેબીનના દરવાજા આગળ ઉભો રહ્યો. ઉતાવળમાં આવવાના કારણે હાંફી રહેલ શ્વાશને સામાન્ય કરવાની પરવા કર્યા વિના તેણે કહ્યું, “ઓજસસર, વોર્ડ નંબર... વોર્ડ નંબર ૩માંથી દર્દી... દર્દી નંબર ૩૦૬ ગાયબ છે.”

“ગાયબ છે મતલબ?” ઓજસ ચોંકીને ખુરસીમાંથી ઉભા થઈ ગયાં. તેમનો અવાજ કેબીનમાં ગુંજી રહ્યો હતો.

“અમે તેને બહુ શોધ્યો પણ તે ક્યાંય મળતો નથી.”

ઓજસ કંઈ પણ જવાબ આપ્યા વગર વોર્ડ નંબર ૩ તરફ દોડવા લાગ્યા. કારકુન પણ તેમની પાછળ ઊંચા શ્વાશે દોડી રહ્યો હતો. પાગલખાનું ઘણું મોટું હતું. આમાં દર્દીઓ માટે રહેવાની સુવિધા સાથે તેમની સારવાર માટે એક મોટું દવાખાનું પણ હતું. લગભગ તમત પ્રકારની માનસિક બીમારીની સારવાર અહીંયા થતી અને તમામ પ્રકારના પાગલો પણ અહીંયા રહેતા હતાં.

“ડો. દેસાઈ, હું આ શું સાંભળી રહ્યો છું? આટલી બધી લાપરવાહી?”

ઓજસ ત્યાં પહોંચ્યા ત્યારે તે વોર્ડના ઇન્ચાર્જ ડો. દેસાઈ અને અન્ય ત્રણ સહાયકો હાજર જ હતાં. તેઓના ચેહરા પર દર્દી ગાયબ થઈ જવાની ચિંતા કરતાં સંચાલક ઓજસ ઉપાધ્યાયનો ડર વધારે સાફ જોઈ શકાતો હતો.

“તપાસ ચા...લુ જ છે. મને ખા...તરી છે કે દર્દી અહીંયા જ ક્યાંક હશે. હા અહીંયા જ ક્યાંક હશે.” ડો. દેસાઈના અવાજ સાથે તેમના હાથ-પગ પણ કાંપી રહ્યા હતા.

“તમે અહીંયા શું મારું સ્વાગત કરવા ઉભા છો? આ આળસુ શરીરને થોડી તકલીફ આપો અને શોધો તેને.”

ડો. દેસાઈ અને તેમના સહાયકો બીજી જ ક્ષણે અલગ-અલગ દિશામાં ગાયબ થઈ ગયાં. તેમને ખબર ન હતી કે તેઓ દર્દીને ક્યાં શોધવા જશે, પણ અત્યારે મહત્વનું એ હતું કે ઓજસ સામે એક પણ મિનીટ ઉભું રહેવું શક્ય ન હતું.

ઓજસ ગુસ્સાના કારણે કંપી રહ્યા હતાં. પરસેવાથી ભીંજાઈ ગયેલો ચેહરો અને લાલ આંખો તેમના દેખાવને વધારે ભયાનક બનાવી રહ્યા હતાં. તેઓ એકવાર દર્દીના રૂમમાં જઈને ખાતરી કરી આવ્યા કે ખરેખર દર્દી ગાયબ છે ને. તેઓ અન્ય રૂમમાં જઈને પણ તપાસ કરવા માંડ્યા પણ તેમની ડર હવે ખાતરીમાં પરિવર્તિત થઈ રહ્યો હતો. તેઓ નિરાશા સાથે વોર્ડની બહાર આવ્યા અને ખરાબ સમાચારની રાહ જોવા માંડ્યા.

“ઓ...ઓજસ સર.”

ઓજસ જે ન હતા સાંભળવા માંગતા, તે સમાચાર સાંભળવા માટે પાછળ ફર્યા. એક સહાયક ગરદન ઝુકાવીને ઉભો હતો. તેની સ્થિતિ જોઈને ઓજસ સમજી ગયાં હતાં કે શું સમાચાર હતાં.

“મને ખબર છે તમે શું કહેવા આવ્યા છો. ગભરાયા વગર કહો.”

“વોર્ડ નંબર ૪માંથી દર્દી નંબર ૪૦૨ ગાયબ છે.” સહાયક એકી શ્વાશે બોલી ગયો, પણ ગભરાહટ સાથે.

“મગજ તો ઠેકાણે છે ને. તમને કંઈક ગેરસમજણ થઈ લાગે છે. વોર્ડ નંબર ૪ નહિ પણ વોર્ડ નંબર....”

“તેમની વાત સાચી છે, ઓજસસર. દર્દી નંબર ૪૦૨ પણ ગાયબ છે,” ઓજસની વાત વચ્ચે અટકાવીને ડો. મહેશે કહ્યું.

“તમે બધા મુર્ખ છો અથવા તો મને મુર્ખ બનાવી રહ્યા છો. જો આ રીતે જ તમે કામ કરશો તો હું પોતે પાગલ થઈ જઈશ અને મારે જ આ પાગલખાનામાં સારવાર કરાવી પડશે,”ઓજસે કહ્યું.

“સર તમે શાંત રહો. તમને બ્લડ પ્રેશરની તકલીફ છે. બહુ ચિંતા ના કરશો. તે લોકો અહીંયા જ ક્યાંક હશે. હમણાં જ મળી જશે.”

ઓજસ કંઈક કહેવા જતાં હતા પણ વોર્ડ નંબર ૫ તરફથી તે વોર્ડના ઇન્ચાર્જ ડો. પંકજને આવતાં જોઈને તેઓ શાંત થઈ ગયા. તેમની ચાલ પરથી ઓજસ એટલું તો સમજી જ ગયા હતા કે તેઓ સારા સમાચાર તો નથી જ લાવી રહ્યા. જેમ જેમ ડો. પંકજ તેમની નજીક આવતા હતા તેમ ઓજસની બેચેની વધી રહી હતી. તેઓ પરસેવાથી લગભગ નહાઈ ચૂક્યા હતા.

“હવે કોણ નથી મળી રહ્યું?” ડો. પંકજ કંઈ કહી શકે એ પહેલા ઓજસે પૂછી લીધું.

“સર તમને કઈ રીતે ખબર પડી?” ડો. પંકજે પુછ્યું.

“ડો. મહેશ આમને સમજાવો મને કઈ રીતે ખબર પડી. તમે લોકો મારી નજરો આગળથી હટી જાઓ. હું તમને એક ક્ષણ માટે પણ વધારે જોઈશ તો મારા મગજની નશો ફાટી જશે.” ઓજસ માટે સ્થિતિ અસહ્ય બની રહી હતી.

ગુપ્તપુર પાગલખાનાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ દર્દી અહીંથી ગાયબ થઈ ગયો હોય. પાગલખાનાની સુરક્ષાના વખાણ આસપાસના રાજ્યોમાં પણ થતા હતા. ઓજસ ઉપાધ્યાયના હોદો સંભાળ્યા બાદ પાગલખાનાનું સંચાલન એકદમ સુવ્યવસ્થિત થઈ ગયું હતું. તેમના આવ્યા પછી આ પ્રથમ લાપરવાહીની ઘટના ઘટી હતી.

ઓજસ તેમની કેબિનમાં ગયા. ખુરસીમાં આંખો બંધ કરીને બેસી ગયા. ત્રણ ચાર વાર ઊંડા શ્વાશ લઈ શાંત થવાનો પ્રયત્ન કર્યો. તેઓ શાંતિનો અહેસાસ કરે એ પહેલા ફોનની ઘંટડીએ તેમને ખલેલ પહોંચાડી.

“ઓજસ ઉપાધ્યાય,” ઓજસે આદત મુજબ એકદમ ભારે અવાજમાં નામ કહ્યું.

“સર... સર અનર્થ થઈ ગયો. અનર્થ થઈ ગયો.”

“હજુ શું થવાનું બાકી રહી ગયું છે?”

“આપણાં પાગલખાનામાંથી બે ત્રણ નહીં પણ દસ-દસ પાગલ ગાયબ છે.”

***