ચાર મિત્રો Jashuraj Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાર મિત્રો

ચાર મિત્રો

જશુરાજ

“કોઈ સારૂ લોકેશન આવે તો ગાડી ઊભી રાખજે,” વિજયે કારની પાછળની સીટ પરથી હૂકુમ કર્યો.

“કેમ ભાઈ? તારી પાણીની ટાંકી ફરીથી ફુલ થઈ ગઈ?” અક્ષયે ડ્રાઇવર સીટ પરથી મજાક ની ગાડી પણ ચાલુ રાખી.

“દોઢા, તું ગાડી ચલાવવામાં ધ્યાન આપ. કોઈને ઠોકી ના બેસાડતો. અને ઓ ‘કાયમી કુંવારા’, તું લોકેશનનું ધ્યાન રાખજે. તારો ભાઈ આજે ફોટા પડાવશે પહાડો વચ્ચે,” વિજયે કોલર ઊંચો કરતાં કહ્યું.

“મેં કંઈ ઠેકો લઈ રાખ્યો છે લોકેશન શોધવાનો? અને આ કાયમી કુંવારા કહવાનું બંધ કર.” સૌરવ તેના હુલામણા નામથી ચિડાઇ ગયો હતો.

“જો બકા અક્ષય ગાડી ચલાવે છે. વિહાંગ તેની નવી અને નવમી પ્રેમિકા સાથે ગળાડૂબ ચેટમાં વ્યસ્ત છે. હું મારી કોઈ પણ ભૂલ વગર મારા પર નારાજ મારી જાનુને મનાવવામાં વ્યસ્ત છુ અને સાથે સાથે ગૂગલ મૅપ પર રસ્તો પણ શોધી રહ્યો છું. અને બાકી રહ્યો...”

“અને બાકી રહ્યો હું કે જેનાથી કોઈ છોકરી સેટ થવાની નથી. સમજી ગયો ભાઈ. પણ યાદ રાખજે એકલાપણામાં જે ખુશી છે એવી ખુશી બીજે ક્યાંય નથી દોસ્ત.” સૌરવે મહામેહનતે ખુશ દેખાવવાનો પ્રયત્ન કર્યો.

“એ તો ભાઈ દ્રાક્ષ ખાટી છે એ વાર્તા તો અમે બધાએ સાંભળી છે,” વિહાંગ મોબાઇલમાંથી નજર ઊંચી કર્યા વગર બોલ્યો.

“જોવો ભાઈ બાર વર્ષે બાવો બોલ્યો,” સૌરવે તાળી પાડીને હસતાં કહ્યું.

“ચલ ભાઈ તું લોકેશન શોધવામાં ધ્યાન આપ. તને ડ્રાઇવરની બાજુ માં એટ્લે જ બેસાડયો છે.” વિજય ફરીથી ગૂગલ મૅપ ના વાંકા ચૂંકા રસ્તા અને તેનાથી પણ વધારે ગૂંચવણ ઊભી કરતી તેની જાનુની વાતોમાં ખોવાઈ ગયો.

કોલેજના ત્રીજા વર્ષમાં ભણતા ચારેય મિત્રો વેકેશનની મજા માણવા પ્રવાસે નીકળી ગયા હતા. વિશાળ લીલાછમ પહાડો વચ્ચેથી પસાર થતા વાંકાચૂંકા રસ્તા પરની મુસાફરી તેમને અલગ જ રોમાંચ આપતી હતી. સાંજના સમયે પહાડોમાથી આવતી ઠંડી હવાની મજા માણતા તેઓ આગળ વધી રહ્યા હતા.

રસ્તા પર વધુ અવરજવર ન હતી. ક્યાંક એકાદ કાર પસાર થતી હતી. જેનાથી પહાડો અને જંગલ થી ઘેરાયેલું શાંતિમય વાતાવરણ વધારે શાંત લાગી રહ્યું હતું, તોફાન પેહલાના શાંત દરિયા જેવુ શાંત.

“ગાડી ઊભી રાખ અક્ષય.” સૌરવે લગભગ બૂમ પાડી.

“પણ અહિયાં ક્યાં ફોટા પડાય એવું છે?,” અક્ષયે ગાડી બાજુમાં કરતા કહ્યું.

“ફોટાને માર ગોળી. મેં અહિયાં એક છોકરી જોઈ.” સૌરવ ગાડીની બહાર નીકળી પથ્થર તરફ જઈ રહ્યો હતો.

“આ ભાઈ ને ધોળા દાડે સપના આવે છે.” વિજય પણ સૌરવની પાછળ પાછળ જઈ રહ્યો હતો.

“અહિયાં જ. આ પથ્થર પર જ પેલી છોકરી બેઠી હતી.” ચારેય મિત્રો પથ્થરની પાસે ઉભા હતા પણ પેલી છોકરી ત્યાં ન હતી.

“ભાઈ, તને છોકરી મળશે. પણ તું આ રીતે પાગલ ન બનીશ કે તને સુમસામ રસ્તા પર પણ છોકરીઓ દેખાય,” વિહાંગે મોબાઈલ ખિસ્સા માં મુકતા કહ્યું.

“હા ભાઈ આ તારા મનનો વહેમ છે. તું ચાલ. હવે અંધારું થવા આવ્યું છે,” અક્ષયે કહ્યું.

“મને પણ પેહલા એવું જ લાગ્યું જયારે મેં તેને થોડાક આગળ આ રીતે જ એક પથ્થર પર બેસી રેહતા જોઈ હતી. પણ બીજીવાર એ જ છોકરી એ જ રીતે બેઠેલી જોઈ એટલે મને વિશ્વાસ છે આ વહેમ નથી.” સૌરવ હજુ પણ આજુ બાજુ ફાંફા મારી રહ્યો હતો.

“તે છોકરી થોડીકવાર પેહલા પણ જોઈ હતી?,” વિજયે આશ્ચર્યથી પૂછ્યું.

“હા યાર.”

“તો તો તારા મનનો વહેમ જ છે. અરે યાર છેલ્લા અડધો કલાકથી આપણે કોઈ બીજી ગાડી જોઈ નથી. કોઈ ગાડીએ આપણને ઓવરટેક કર્યા નથી. તો એક છોકરી કઈ રીતે આટલી જલ્દી આપણી ગાડીની આગળ નીકળી જાય અને અહીંયા જંગલમાં જવાના રસ્તા આગળ આવીને બેસી જાય!” વિજય ચિડાઈ રહ્યો હતો.

“હા એ વાતતો સાચી. ચાલો ભાઈ જલ્દી હવે.” વિહાંગ ગાડી તરફ ચાલવા લાગ્યો.

વિહંગની પાછળ વિજય અને અક્ષય પણ ગાડી તરફ જવા લાગ્યા. સૌરવ કંઈ બોલ્યો નહિ. તે થોડીકવાર ત્યાં ઉભો રહ્યો અને જંગલ તરફ જોયું. તેને ખાતરી હતી કે તે છોકરી તેના મનનો વહેમ ન હતી પણ તેની વાત માનવા કોઈ તૈયાર ન હતું. તે પણ ગાડી તરફ જવા લાગ્યો. તેની નજર હજુ જંગલ તરફ જ હતી. તેને એવું લાગ્યું કે કોઈ જંગલમાંથી ઝાડ પાછળ છુપાઈને તેને જોઈ રહ્યું હતું. પણ તે કંઈ બોલ્યા વગર ગાડીમાં બેસી ગયો.

ગાડી ફરીથી તેની ઝડપમાં દોડવા લાગી. પણ હવે કોઈ મજાકના મૂડમાં ન હતા. બધા કોઈપણ વાત કર્યા વગર શાંત બેઠા હતા. સૌરવની નજર હજુ પણ બારીની બહાર જ હતી. થોડીકવાર આગળ ગયા પછી તેને દુરથી એવો જ એક પથ્થર રસ્તા પર દેખાયો. પણ આસપાસ કોઈ હતું નહિ.

“લો ભાઈ. બહુ સમય પછી કોઈ ગાડી દેખાયી. મતલબ આપણે પૃથ્વી પર જ છીએ,” વિજયે માહોલ હળવો કરવા કહ્યું. સૌરવ સિવાય બધા હસી પડ્યા.

ગાડી તે પથ્થરને પાર કરી થોડી આગળ નીકળી ગઈ. સૌરવ વારેઘડીએ પાછળ ફરીને તે પથ્થર સામે જોઈ રહ્યો હતો. પેહલા તો તેણે કંઈ દેખાયું નહિ. પણ ફરીથી પથ્થર તરફ જોતા તેની આંખો અને મોં બંને ખુલ્લા રહી ગયા.

“ભાઈઓ મને ખબર છે કે તમે મારી વાત નથી માની રહ્યા. પણ....”

“પણ બણ કંઈ નહિ. તું સુઈ જા એમ કર. તું સપનોમાંથી બહાર આવ્યો નથી હજુ,” વિજયે સૌરવની વાત પુરી થાય એ પેહલા જ કહી દીધું.

“ભાઈ પેહલા વાત તો પૂરી સાંભળ. જુઓ આગળ કદાચ એવો જ પથ્થર આવી શકે છે. મારા અંદાજા મુજબ પાંચ જ મીનીટમાં આવી જશે. તમે બધા ત્યાં સુધી બહાર નજર રાખો. મને વિશ્વાસ છે કે તે તમને પણ દેખાશે જે હું જોઈ રહ્યો છું.” સૌરવનો આવાજ ગંભીર લાગતો હતો અને તેના અવાજમાં ડર પણ હતો.

અક્ષય ગાડી ચલાવવાની સાથે સાથે સતત બહાર પણ જોઈ રહ્યો હતો. વિજય અને વિહાંગ ની નજર તો ગાડીની બહાર જાણે સ્થિર થઈ ગયી હતી. સૌરવ પણ આતુરતાપૂર્વક બહાર જોઈ રહ્યો હતો. તે છોકરીના દેખાવવાની રાહ જોઈ રહ્યો હતો જેથી તે પોતાને સાચો સાબિત કરી શકે. પણ એક અજાણ્યા ડર ના કારણે તે એવું પણ ઈચ્છી રહ્યો હતો કે તે ખોટો પડે.

થોડીકવાર પછી તેમને એવો જ એક મોટો પથ્થર જંગલમાંથી બહાર આવવાના રસ્તા તરફ દેખાયો. પણ ત્યાં બીજું કંઈ દેખાયું નહિ. અક્ષયે આજુબાજુ જોવા ગાડી ધીમી પણ કરી પણ ત્યાં તે છોકરી તેમને દેખાઈ નહિ. સૌરવ ખોટો પડ્યો હોવા છતાં ખુશ હતો. વિજય અને વિહાંગ હવે થોડા શાંત લાગતા હતા.

“બસ ભાઈ હવે શાંતિ થઈ?” વિહાંગ મોબાઈલ નીકળીને ફરીથી તેમાં ડૂબી ગયો.

સૌરવ કંઈ જવાબ ના આપી શક્યો. પણ તેના ચેહરા પારથી લાગતું હતું કે ચિંતાના વાદળો દુર થઇ રહ્યા હતા. ચારેય મિત્રો એકદમ શાંત હતા. ચેહરા પર થી તો બધા એવું દેખાડવાની કોશિશ કરી રહ્યા હતા કે હવે તેઓ નિશ્ચિંત હતા પણ દરેક ના મનમાં કેટલાય વિચારો ચાલી રહ્યા હતા. મનોમન બધા જાણતા હતા કે સૌરવે જે છોકરીની વાત કરી હતી તે માત્ર તેનો ભ્રમ ના હોઈ શકે. પણ કેટલાક સત્યોને ભ્રમમાં ગણીને અવગણવામાં જ દરેકની ભલાઈ હોય છે.

કોઈ પણ બીજાને જણાવવા ન હતું માગતું પણ દરેક બારીની બહાર જોઈ રહ્યા હતા. દરેકના મનમાં છૂપો ડર હતો કે તે જે સત્ય ને અવગણવા માંગતા હતા ક્યાંક તે સામે આવી ના જાય. થોડુક આગળ ગયા પછી રસ્તાની બાજુમાં કંઈક જોઇને બધાની આંખો પહોળી થઇ ગયી અને મોઢા ખુલ્લા રહી ગયા. સૌરવનું હૃદય તો જાણે એક ધબકારો ચુકી ગયું.

“ગાડી ઉભી રાખ, અક્ષય,” વિજયે બૂમ પાડીને કહ્યું.

જંગલમાંથી બહાર આવવાના રસ્તા પાસે પેહલા જેવો એક મોટો પથ્થર પડ્યો હતો. અને તેના પર એક છોકરી સફેદ વસ્ત્રોમાં બેઠી હતી. તેના વાળ ખૂલ્લા હતા. કમર સુધી વહોંચતા તેના વાળ પવનના કારણે હવામાં ઊડી રહ્યા હતા. તે એક મૂર્તિની જેમ બેઠી હતી. તેના ચેહરા પણ કોઈ પણ જાતના હાવભાવ ન હતા. તેની આંખો દરિયાની જેમ ગેહારાઈ વાળી હતી.

“આ....આ જ... બસ આ જ છોકરી હતી.આ જ છોકરીને જ મેં બે વાર જોઈ આ જ રીતે પથ્થર પર બેઠેલી.” એક જ છોકરીને ત્રીજીવાર જોતા સૌરવની જીભનો લોચો વળી ગયો હતો. તે કંપી રહ્યો હતો.

અક્ષયે થોડીક આગળ જઈને ગાડી ઊભી રાખી. સૌરવ સિવાય બધા ઝડપથી ઊતરી ગયા. સૌરવની હિંમત ચાલતી ન હતી બહાર જઈને સત્યનો સામનો કરવાની. થોડીક ક્ષણો પછી તે પણ ધ્રુજતા પગે બહાર ગયો. ચારેય પેલા પથ્થરની દિશામાં ગયા. તેમના આશ્ચર્ય વચ્ચે પથ્થર પર છોકરી બેઠેલી ન હતી. પણ બીજી જ ક્ષણે બધાની ધડકનો તેજ થઇ ગઈ. તે છોકરી ઝડપથી જંગલમાં જઈ રહી હતી.

“ચાલો ફટાફટ. આજે આપણે આ છોકરીને પકડીને જ રહીશું,” વિજયે જંગલ તરફ ઝડપથી પગ ઉપાડતા કહ્યું.

“ના યાર. આપણે ફસાઈ જઈશું. મને લાગી રહ્યું છે કે તે જે કંઈ પણ છે તે આપણને ફસાવા માંગે છે,” સૌરવે વિજયને રોકતા કહ્યું.

“તે કંઈ પણ નથી. તે એક સુંદર છોકરી છે. અને આપણે તેની સુંદરતાને યોગ્ય ન્યાય આપવાનો છે.” અક્ષય લુચ્ચું હસ્યો.

“મતલબ?” સૌરવ અક્ષયની લુચ્ચાઈ સમજી ન શક્યો.

“મતલબ બતલબ કંઈ નહિ. આપણે જંગલમાં જઈશું અને તે રૂપસુંદરીને સાથે મિલાપ કરીશું.” વિજયે જંગલ તરફ દોટ મૂકી દીધી. બાકીના ત્રણેય મિત્રો પણ તેની પાછળ દોડ્યા.

જંગલમાં થોડાક અંદર જઈને તેઓ અટકી ગયા. જંગલમાં ભેકાર શાંતિ હતી. તે છોકરી ક્યાય દેખાતી ન હતી. તેના ભાગવાનો સળવળાટ પણ ક્યાય હતો નહિ. તે જાણે જંગલમાં અચાનક અલોપ થઈ ગયી હતી.

“ચાલો ભાઈઓ પાછા. તે કોઈ સામાન્ય છોકરી નથી. તમે કેમ સમજતા નથી. મેં આ જ છોકરી રસ્તામાં ત્રણવાર જોઈ હતી. તે આપણી ગાડી કરતા પણ વધારે ઝડપથી જઈને કઈ રીતે આપણી આગળ પહોંચી જતી હતી અને પેલા પથ્થર પર ગોઠવાઈ જતી હતી. જરાક તો વિચાર કરો મારા ભાઈઓ.”

સૌરવની વાત સંભાળીને બાકીના બધા થોડા વિચારમાં પડી ગયા. તેઓ પણ સમજી શકતા ન હતા કે તે જ છોકરી દર વખતે કઈ રીતે જોવા મળતી હતી.

“સૌરવની વાત સાચી લાગે છે. આપણે કોઈની માયાજાળમાં ફસાઈ રહ્યા છે. અને તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી લાગી રહી. આપણે અહીંથી ભાગી.... વિજય જો પેલી છોકરી.... સામેના ઝાડની પાછળ...” વિહાંગ અચાનક છોકરીને જોઇને લગભગ ચીસો પાડીને બોલી રહ્યો હતો.

તેનો અવાજ સંભાળીને છોકરી જંગલની વધારે અંદર ભાગવા માંડી. ચારેય તેની પાછળ દોડ્યા. કદાચ તેઓ છોકરીની સુંદરતા જોઇને ભૂલી ગયા હતા કે સૌરવે શું શંકા વ્યક્ત કરી હતી. તેઓ જેમ જેમ જંગલની ઊંડે જતા હતા તેમ તેમ જંગલ વધુ ને વધી ગાઢ થતું જતું હતું. થોડેક આગળ જઈને બધાના પગ થંભી ગયા. તેઓ જાણે થાંભલા બની ગયા હતા. કદાચ તેમની બધાની ધડકન પણ ત્યાં જ અટકી ગયી હતી.

તે છોકરી અચનાક ઉભી રહી ગઈ. અને તે પાછળ ફરીને ચાર મિત્રો તરફ જોઈને સ્મિત કરી રહી હતી. તેનું એ મનમોહક સ્મિત જંગલની ભયાનકતાને વધારે ભયાનક બનાવી રહ્યું હતું. સૌરવ અને તેના મિત્રો હજુ આ વજ્રઘાતમાંથી બહાર આવ્યા ન હતા ત્યાં અન્ય એક વધારે ભયાનક વજ્રઘાત થયો. તે છોકરીએ પાછળ સંતાડી રાખેલા તેના હાથ આગળ લાવ્યા. અને તે હાથમાં રહેલી વસ્તુ જોઈને ચારેય જણની હાલત એવી થઇ ગયી હતી કે કાપો તો લોહી પણ ના નીકળે.

તેઓ કંઈ સમજે એ પેહલા તે છોકરીએ તેના હાથમાં પકડી રાખેલું કોઈ પુરુષનું માથું તેમની તરફ ફેંક્યું. હવામાં ઊડતું લોહીથી લથપથ થયેલું માથું જોઈને તેઓ એટલા બધા ઘભરાઈ ગયા હતા કે તેમનું મોઢું તો ખુલ્લું હતું પણ તેઓ બૂમ પાડી શકતા ન હતા. તેમણે હાથની મુઠ્ઠીઓ વાળીને બસ જંગલની બહાર જતા રસ્તા તરફ દોડવા માંડ્યું. તેમની થોડેક પાછળ જમીન પર પટકાયેલ માથાના અવાજથી તેમની દોડવાની ઝડપ વધી ગયી. અને તે છોકરીનું અટ્ટહાસ્ય તેમની દિલની ધડકન વધારી રહ્યું હતું.

થોડુક દોડ્યા પછી અચાનક તેમની આગળ પેલી છોકરી આવીને ઊભી રહી ગઈ. તેમની પાછળથી આવતો છોકરીના અટ્ટહાસ્યનો અવાજ હજુ બંધ થયો ન હતો અને તેમની આગળ ફરીથી તે છોકરી આવીને તેનું મનમોહક સ્મિત રેલાવી રહી હતી.

વધારે કંઈ વિચાર કર્યા વગર તેઓ બીજી દિશામાં દોડવા માંડ્યા. ત્યારે અચાનક સૌથી આગળ દોડતા વિજયની નજર તેની પાછળ દોડતા મિત્રો તરફ ગઈ અને એક અનિષ્ટ વિચાર વીજળી વેગે તેના મગજની અંદર ઘૂસી ગયો.

“સૌરવ ક્યાં છે?”

વિજયનો સવાલ સાંભળીને વિહાંગ અને અક્ષય બેબાકળા બનીને આજુબાજુ જોવા માંડયા પણ સૌરવ ક્યાય દેખાયો નહિ. ત્રણેય મિત્રો કંઈ પણ બોલ્યા વગર એકબીજાની સામે જોયું અને જાણે બધું સમજાઈ ગયું હોય તેમ તેઓ એક દિશામાં બમણી ઝડપથી દોડવા લાગ્યા. પેલી છોકરીનું અટ્ટહાસ્ય હવે સંભળાવવાનું બંધ થયું હતું. પણ અન્ય એક અવાજે તેમની ચિંતા વધારી દીધી અને તે અવાજ તેઓ જે દિશામાં દોડી રહ્યા હતા તે દિશામાં વેહતા ઝરણાનો હતો.

ઝરણા આગળ જઈને જોતા તેમનું માલુમ પડ્યું કે આગળ કોઈ રસ્તો ન હતો અને તેઓ જે રસ્તે દોડીને આવ્યા હતા તે જ રસ્તે પાછા જવા સિવાય એમની પાસે અન્ય વિકલ્પ ન હતો.

“હું તમારી જ રાહ જોતી હતી. મારું આ રૂપ, આ સુંદરતા તમારા માટે જ છે.” ઝરણાના વચ્ચેથી એક છોકરી બહાર નીકળી. તેનું અડધું શરીર હજુ પાણીમાં જ હતું.

તેણીને જોઇને વિહાંગ અને અક્ષય જંગલની અંદર તરફ ભાગવા લાગ્યા પણ વિજય ત્યાં જ ઊભો રહીને તે છોકરીને એકીટસે જોઈ રહ્યો હતો. અચાનક તેના મગજમાં એક ઝબકારો થયો. તે છોકરીને ઝરણામાંથી બહાર આવતી જોઈને તે પણ જંગલ તરફ ભાગવા લાગ્યો.

“ભાઈઓ ઊભા રહો. ડરવાની જરૂર નથી,” વિજયે વિહાંગ અને અક્ષય જોડે પહોંચીને કહ્યું.

“તું પાગલ થઈ ગયો છે કે શું? આપણો જીવ ઝોખમમાં છે. ખબર નહિ પેલી સફેદ કપડાંવાળી છોકરી કોણ છે? કોઈ ભૂત, ચુડેલ, આત્મા કે બીજું કંઈ?” અક્ષયનો શ્વાસ હજુ હેઠો બેઠો ન હતો.

“તે એક સામાન્ય છોકરી છે. સોરી એક નહિ, ત્રણ કે ચાર અથવા તેનાથી પણ વધારે.” વિજયના ચેહરા પર ડર દુર થયો હોય તેવું લાગી રહ્યું હતું.

“મતલબ?” વિહાંગ વાત કરવાની સાથે સાથે આજુ બાજુ નજર ફેરવીને ખાતરી કરી રહ્યો હતો કે પેલી છોકરી ક્યાય નજીકમાં ન હતી ને.

“આપણે જંગલમાં ત્રણ વાર છોકરીને જોઈ. મને થોડું વિચારતા એટલું માલુમ પડ્યું કે ત્રણેય છોકરીઓ અલગ અલગ છે. તેમના કપડાં, વાળ, ઊંચાઈ, શરીર અને ચહેરો લગભગ એકસમાન છે પણ તેઓ અલગ અલગ છોકરીઓ છે”

‘તો સૌરવે જે છોકરીને રસ્તા પર ત્રણવાર જોઈ તેનું શું?” અક્ષયના ગળે વાત ઉતરી રહી ન હતી.

“સૌરવે પણ ત્રણ અલગ અલગ છોકરીઓ જોઈ હતી. પણ તેણે છોકરીઓને થોડે દુર થી જોઈ હતી. તેમના એકસમાન દેખાવના કારણે સૌરવ એવું માની બેઠો કે તેણે એક જ છોકરીને ત્રણવાર જોઈ છે. અને બસ તેમની માયાજાળમાં આપણે ફસાઈ ગયા. બસ હવે આપણે સૌરવને બચાવીશું.”

વિજયની વાત સંભાળીને અક્ષય અને વિહાંગમાં થોડી હિંમત આવી. અને તેમને નકી કર્યું કે તેઓ સૌરવને લઈને જ પાછા જશે. તેઓ જંગની અંદર ચાલવા માંડયા. તેમના પગલાના અવાજ સિવાય અન્ય કોઈ અવાજ જંગલમાં સંભળાતો ન હતો.

થોડીકવાર ચાલ્યા પછી સૌથી પાછળ ચાલી રહેલા વિજયને એવું લાગ્યું કે તેનીપાછળ કોઈ ચાલી રહ્યું હતું. તેણે પાછળ વળીને જોયું તો દ્રશ્ય જોઇને તેનું મોઢું ખૂલું રહી ગયું પણ તેના હૃદયને લાગેલા આંચકાના કારણે તે બૂમ પણ ન પડી શક્યો. તેણે જોયું કે તે ત્રણ છોકરીઓ તેની પાછળ ચાલી રહી હતી. અને તેમના ચેહરા પર હળવું સ્મિત હતું. વિજય કંઈ સમજી શકે એ પેહલા એક છોકરીએ અણીદાર હથિયારની મદદથી વિજયનું ગળું કાપી નાખ્યું.

“વિજય ફટાફટ ચાલ ભાઈ. અંધારૂ થવા આવ્યું છે,” વિજયના અંજામથી વંચિત અક્ષયે પાછળ જોયા વગર જ કહ્યું.

કંઈ જવાબ ન મળતા અક્ષયે પાછળ વળીને જોયું તો વિજય હતો જ નહિ. અક્ષયને ઉભો રહી ગયેલો જાણી વિહાંગ પણ પાછો ફર્યો અને તે અક્ષયને એકલો ઉભો રહેલો જોઇને સમજી ગયો કે વિજયનું શું થયું હતું.

વિહાંગ અને અક્ષય કંઈ પણ વાત કર્યા વગર જંગલની બહાર જતા રસ્તા તરફ દોડવા લાગ્યા. તેમને ખબર હતી કે પોતાનો જીવ બચાવવાનો એક જ રસ્તો હતો એને એ હતો કે જંગલ છોડીને ભાગી જાઓ.

દોડતા દોડતા વિહાંગનું ધ્યાન ગયું કે જંગલમાં માત્ર તેના જ દોડવાનો અવાજ આવી રહ્યો હતો. તે સમજી ગયો કે અક્ષયનું શું થયું હતું પણ તેનામાં પાછળ વળીને જોવાની હિમ્મત ન હતી. તે બસ હાથની મુઠ્ઠીઓ વાળીને દોડી રહ્યો હતો. ગાડીઓનો અવાજ સંભળાતા તેની ખુસીનો પાર ન રહ્યો. તેણે બમણા વેગથી દોડવાનું શરુ કર્યું અને તે ખુશીની વધારે પણ જીવે એ પેહલા તે છોકરી તેની સામે આવીને ઉભી રહી ગઈ અને વિહાંગ દોડવાનું અટકાવે એ પેહલા છોકરીએ છોડેલું તીર વિહાંગના કપાળમાં ઘૂસીને માથાના પાછળના ભાગમાંથી થોડું બહાર નીકળી ગયું.

“આ ગાડી અહી કોની પડી છે? અને અહિયાં કોઈ વ્યક્તિ દેખાતું પણ નથી.” રસ્તાની પાસે અવાવરું જગ્યાએ અક્ષયની પડી રહેલી ગાડી જોઇને કોઈ રાહદારીએ સવાલ કર્યો.

“ખબર નહિ. લાગે છે કે ફરીથી કોઈ શરીરના અંગો નીકાળીને તેનો વેપાર કરતી સુંદરીઓની સુંદર માયાજાળમાં ફસાયું છે.” અન્ય એક વ્યક્તિએ જવાબ આપ્યો.

***