એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 18 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 18

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 18 )

આયર્નના ટેબલના ગ્લાસટૉપ પર ખૂબીસૂરત રીતે સજાવાયેલી હતી હતી ચાંદીની પાનપેટી, અત્તરદાની અને એક ફ્રેમ.... ફ્રેમમાં જડાયેલી તસ્વીર જોઇ લેવાની કુતુહલતા ન રોકી શકી સલોની. ઓહ, સુદેશ સિંહ અને એની પત્ની.... ફોટોગ્રાફ કદાચ વીસેક વર્ષ જૂનો હતો. સલોનીએ અનુમાન લગાવ્યું.

ક્યાંય સુધી જોતી રહી ગઇ સારસબેલડી જેવી તસ્વીરને : સુદેશ સાથે.... પત્ની જ હશે.. સુંદર પણ છે ને ટેસ્ટફુલ પણ... યુનિક કૉમ્બિનેશન...

પોતે આજે જરા વધુ પડતી ડ્રેસઅપ થઇને તો નથી આવી ગઇ ને ? સલોનીને પહેલીવાર પોતાની ડ્રેસિંગ સેન્સ માટે સંદેહ થયો.

‘ઓહ, મિસ દેશમુખ... આમ અચાનક ?’

વિચારમાં ભંગ પાડતો હોય એમ સુદેશ સિંહનો અવાજ પીઠ પર અથડાયો. સલોનીએ સફાળા સજાગ થઇ પાછળ ફરી જોયું. પોતાના બેડરૂમમાંથી કદાચ સીધો જ બહાર આવ્યો હોય એમ સુદેશ સિંહ કંઇક જુદો જ લાગી રહ્યો હતો.... ન તો પહેલી વાર જોયો હતો એવો કરડો, ન બીજી વાર નારીનિકેતનમાં મળ્યો હતો એવો સાલસ, ન તો ગેલપ્સમાં જણાયો હતો એવો દમામદાર.... કડક ઇસ્ત્રીવાળો વ્હાઇટ પઠાણી સુટ થોડો ચોળાયેલો હતો. ચહેરો પણ થોડો ઝંખવાયો હતો એમ કૃશ અને નિસ્તેજ લાગી રહ્યો હતો કદાચ તાવને કારણે, પણ થોડી વધી ગયેલી દાઢી હંમેશા ક્લીનશેવ્ડ જોયેલા સુદેશની ઓળખ નહોતી. સલોની એટલું તો કલ્પી શકી કે સુદેશ વાળ તો બહાર આવતા પહેલાં જ ઓળ્યા હશે.

‘બસ, તમારી ખબર કાઢવા !’ સલોનીએ સ્મિત કર્યં.

‘અરે, પણ એના માટે તમારે આમ તકલીફ લેવાની ખરેખર જરૂર નહોતી...’ સુદેશના અવાજમાં રણકો હતો. એ જે બોલી રહ્યો હતો એ જ અર્થ કરતો હોય તેમ.

‘વેરી નાઇસ પ્લેસ...’ સલોનીએ ટૉપિક બદલ્યો.

‘હું એવો બિમાર નહોતો કે કોઇને મારી ખબર કાઢવા આવવું પડે,’ સુદેશને કદાચ સલોનીનું આગમન ખરેખર ન ગમ્યું હોય એમ લાગ્યું.

‘ઓકે, બીજી વાર પૂછીને આવીશ.’ સલોનીએ વાતને હળવી રીતે વાળી લેવાની નાકામ કોશિશ કરી જોઇ : કદાચ પત્ની શક્કી હશે ? પોતાની આ હરકત પર સલોનીને ચચરાટ થઇ આવ્યો, ક્યાંક વિના કારણે પોતે કોઇ મનદુ:ખનું કારણ ન બની જાય !

‘અરે, પણ એ તો કહો કે મારું રેસિડેન્ટ એડ્રેસ તમને મળ્યું કઇ રીતે ? સામાન્ય રીતે કોઇને અપાતું નથી.’ સુદેશનું આશ્ર્વર્ય હજી સંપૂર્ણપણે શમ્યું નહોતું.

‘ઓહ, વેરી ઇઝી... છેલ્લી વાર તમને પેલા મિલ્ક બુથ પાસે ડ્રૉપ કર્યા હતા... ત્યાં જ તમારું નામ આપીને એડ્રેસ પૂછી લીધું... આ વિસ્તારમાં તો તમને બધા ઓળખે જ ને ?’

‘હં... સ્માર્ટ લેડી !’ સુદેશે વિચાર્યું.

‘સર, ચા કે કૉફી ? ‘સુદેશ-સલોની વચ્ચેનો સંવાદ અટકે એની રાહ જોતો હોય એમ સિવિલિયન ડ્રેસમાં તહેનાત ઑર્ડરલી પૂછી ગયો.

એની હાજરીની નોંધ લેતા સુદેશે વાતને વધુ ન ખેંચતાં વાળી લીધી.

‘તમારા તાવનું કારણ મચ્છર જ હોય ને ? ઘરની બહાર જેટલી હરિયાળી એટલી તો ઘરમાં ! બાકી, તમે હજી છેલ્લે મળ્યાં ત્યારે તો એકદમ ફિટ હતા.’ સલોનીને લાગ્યું કે પોતે તદ્દન અર્થહીન સંવાદ કરી રહી છે ને એ વાત સુદેશ પણ સમજે છે.

‘હમ્મ, તમારી વાત ખોટી પણ નથી, પરંતુ આ હરિયાળી તો અમારા આ ઘરની શાન છે ને જાન પણ...’ સુદેશ જરા સ્મિત કરીને બોલ્યો, પણ ખરેખર તો આપવા ખાતર અપાયેલો જવાબ વધુ લાગ્યો સલોનીને.

‘તમારી દીકરી કેટલા વર્ષની છે ?’ અચાનક જ સુદેશે પૂછ્યું.

સલોનીના હાથમાંથી કપ સરકી જતા માંડ બચ્યો. એના ચહેરા પરની વ્યગ્રતા કપાળ પર ખંચાયેલી રેખામાં અંકાઈ રહી :

‘કેમ પૂછવું પડ્યું ?’

‘અરે, તમે તો વિના કોઇ કારણે ટેન્સ થઇ ગયા... ભારે મીઠડી લાગી ‘તી મને, પણ સંજોગ એવા નહોતા કે એના ગાલ પર ટપલી મારી શકું...’ સુદેશ હસીને બોલ્યો, જાણે ખરા દિલથી બોલી રહ્યો હોય.

સલોનીએ જરા રાહતનો શ્વાસ લીધો. એકમાત્ર વિક્રમનું જ પ્રકરણ જ થોડું હતું ? પરી સાથે જોડાયેલાં બીજાં પાનાં ઊઘડી જવાની દહેશત પણ ખરી.

‘તમને બાળકો બહુ ગમતાં લાગે છે. એ સિવાય તમે ન પૂછ્યું હોત ! ‘સલોનીએ વાતને બીજા જ છેડે વાળી દેવાનો પ્રયત્ન કર્યો.

‘વેલ, તમે આજકાલ કઇ સિરિયલ કરો છો ? ‘

નથિંગ... એક પણ નહીં... તેમ જાણે કહેવું હોય એમ સલોનીએ સહેજ ખભા ઉલાળ્યા. સલોની સમજી ગઇ કે પોતાના પ્રશ્નનો ઉત્તર ટાળવો હોય એમ સુદેશે આ સામે પ્રશ્ન કર્યો હતો.

સલોની એ પણ સમજી ગઇ કે કોઇ આઇપીએસ અધિકારી સાથે વાત કરવાનો મોકો મળે તો પણ પ્રાઇવેટ વાતો પૂછવી નહીં.

અચાનક જ જાણે મોસમ ફરી ગઈ હોય એમ વાતાવરણ ભારે થઇ ગયું, થોડી ક્ષણ એમ જ પસાર થઇ રહી.

‘ઓકે, પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ.... ‘

સલોનીએ હાથમાં પકડી રાખેલા કપને સામે રહેલા સેન્ટર ટૅબલ પર પડેલી ટ્રેમાં રાખી દીધો.

હવે અહીંથી ખસી જવું જરૂરી હતું.

‘થેન્ક્સ ફોર કમિંગ....’ આ પળની રાહ જોતો હોય એમ સુદેશે ઊભા થઇ નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા.

નખશિખ સજ્જ્ન.... સલોનીના મનમાં એક વ્યાખ્યા ઊભરી આવી.

સુદેશ મેઇન ગેટથી બહાર જતી સલોનીને ક્યાંય સુધી જોતો રહ્યો. શું કામ આવી આ સલોની ? પોતાના મનનાં ચસોચસ વાસેલાં દ્વાર ખોલવા ?

સુદેશે સાઇડટૅબલ પર રાખેલી તસવીર હાથમાં લીધી. પૂર્વી મન મૂકીને હસી રહી હતી. પોતાની ડીવાયએસપી તરીકે પહેલી અપોઇન્ટમેન્ટ- પહેલો દિવસ :

સુદ, જો જે હવે પાપા ના નહીં જ પાડે...

પૂર્વી, તેં આવું કેમ કર્યું ?

સુદેશની આંખોમાં હળવી ભીનાશ તરી આવી, જેનો ખ્યાલ આવતાંવેંત જ સુદેશે આંખ પર આંગળી ફેરવી દીધી. એક પોલીસ ઑફિસર માટે ઇમોશનલ બનવું અપરાધ હોય એમ....

* * *

જઇ રહેલી સલોનીની કાર મેઇન ગેટમાંથી બહાર નીકળી ગઇ હોવા છતાં ક્યાંય સુધી બંધ થઇ રહેલ ગેટને તાકતો રહ્યો સુદેશ....

કારકિર્દીમાં આ પહેલોવહેલો કેસ નહોતો કે કોઇ નિ:સહાય સ્ત્રીને મદદ કરી હોય, પણ રહી રહીને મન સતત કંઇક વિશેષ અનુભવતું રહ્યું હતું. સુદેશે જાણે સલોની વિશે વિચારવું બંધ કરવું હોય તેમ ટીવી સ્વીચ ઓન કર્યું. સમાચારનો હુમલો શરૂ થયો. એ જ વિધાનસભામાં ગોકીરો, પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા તો કોઇ રન આઉટ થયા પછી પણ નાના બાળકની જેમ જીદ્દ કરીને રમવા માંગતા હોય એવા ત્રેપન વર્ષે પિસ્તાલીસના કહેવડાવતા ફિલ્મ સ્ટારની બર્થ-ડે પાર્ટી...

કોઇ અજબ થકાન વર્તાતી હતી સુદેશને તન-મનમાં, જાણે કંઇક ઊગીને આથમતું રહ્યું.

‘ઓહો, હવે વળી પાછું શું થયું ? આટલું બધું સેન્ટી નહીં બનવાનું, એ તો મારો હક્ક છે એ તમારા ડોમેન –સરહદમાં ન આવે એટલે એ બધું છોડો મારા પર. ઇટ’સ નોટ યોર કપ ઓફ ટી’ હંમેશાની જેમ ઉદાસ પળમાં થતું એમ જ આજે પણ ફોટોફ્રમમાં ખડખડાટ હસી રહેલી પૂર્વી જાણે બાજુમા આવીને ઊભી રહી ગઇ હતી :

સુદ, તેં મને પ્રોમિસ કર્યુ’તું ને કે તું ખુશ રહીશ ? તો પછી ?

પૂર્વીના કપાળ પર આછેરી તાણભરી રેખા અંકાઇ અને અદૅશ્ય થઇ ગઇ : ઓહ, હા... હું પણ કેમ ભૂલી ગઇ કે મિસ્ટર સિંહ અને એમના વાયદાઓ, તમે કોઇ પ્રોમિસ પાળ્યું છે કે હવે પાળશો ? સુદ, મેં ક્યાં કોઇ આકાશના તારા માંગી લીધા તમારી પાસે ? પણ કદાચ આપણાં ભાગ્યમાં આટલો જ સાથ લખ્યો હશે.... તેને માટે થઇ આખી જિંદગી આમ કોસતાં રહેશો ?

‘પૂર્વી, ધીઝ ઇઝ નોટ ફેર’ પૂર્વી સાથે વાત કરી રહ્યો હોય તેમ સુદેશ સ્વગત સંવાદ કરતો રહ્યો.

જેને માટે રાત-દિન એક કરી કોઇ મૂકામ પર પહોંચવું હતું એ જ હવે આ દુનિયામાં નહોતી. સલોનીને એની નાનકડી દીકરી તો જવાબદાર હતી આ પૂર્વીની યાદ બળવત્તર બનાવવા માટે ! સુદેશને થઇ રહેલા ઉત્પાતનું કારણ મળી ગયું એમ મન હળવો હાશકારો અનુભવી રહ્યું.

જરૂર કોઇ લેણદાર હશે એ જીવ, જન્મતા સાથે જ મા-બાપની જુદાઇનું કારણ બની ગયો. કોઇએ પાણીમાં અજાણે જ કાંકરી ફેંકી હોય અને ઉદ્દ્ભવેલા તરંગ જાણે શમવા જ નહોતા માગતા. પૂર્વી ક્યારેય ભૂલાવાની નહોતી, છતાં પણ એ પ્રયાસ કરતો તો પૂર્વીની યાદ ઘોડાપુરની જેમ દિવસો સુધી દિલ-દિમાગનો કબજો લઇ લેતી. તાજી રહી રહેલી એ યાદને ભૂલી જવા માટે સુદેશ હંમેશાં કામમાં ડૂબી જતો, પણ આજે તો એ પણ શક્ય નહોતું. તાવે શરીરને તોડી નાખ્યું હતું. હઠીલું મન કેડો મૂકવા તૈયાર જ નહોતું !

સુદ, સાચું કહેજે, હું આપણું સંતાન આપી નથી શકી એ વાત તને પીડે છે ને ?

નિવૃત થઇ રહેલા કમિશ્નર ત્યાગીની ફેરવેલ પાર્ટીમાંથી મોડી રાતે પાછાં ફર્યા પછી અડધી ઊંઘમાં સરી ચૂકેલા સુદેશની પીઠ પર હળવેકથી હડપચી ટેકવીને પૂર્વીએ જાણે કાનમાં ફૂંક મારતી હોય એવા દબાયેલા સૂરે પૂછ્યું હતું.

‘હવે પાછું શું થયું ?’ પાર્ટીમા શું થયું હશે એનો અંદેશો આવી ગયો હતો. છતાં આંખો બંધ કરી પથારીમાં પડેલો સુદેશે પૂર્વીનું મન રાખવા પૂછ્યું હતું.

‘બસ, ઑફિસરની પત્નીઓ સાથે એ જ વાત.... આજે તો મિસિસ ત્યાગીએ પણ કહ્યું : હજી ક્યાં સુધી ફેમિલી પ્લાનિંગ છે ? અમે જ્યાં પણ જઇએ ત્યાં સ્વીટ્સ મોકલવાનું ભૂલતી નહીં.... અને એ સાથે બીજા ઑફિસરોની પત્નીઓ ખી ખી... કરતી હસી પડી હતી. બધા પાસે કંઇક ને કંઇક ખુશી હતી સૌ સાથે વહેંચવા માટેની. મિસિસ કૌશિકીની દીકરી માસ કમ્યુનિકેશન ભણવા યુકે જાય છે ને મિસિસ પટનાયકનો દીકરો સિવિલ સર્વિસ કરવાને બદલે પ્રાઇવેટ બિઝનેસ કરવા માંગે છે. કોઇક પોતાના બોર્ડીંગ સ્ફૂલમાં ભણતાં છોકરાંની વાત કરી રહી તો કોઇ વિદેશ જવા માટે પ્રોસિજર....’

પૂર્વીના અવાજમાં ઇર્ષાનો અંશ નહીં, બલકે માતૃત્વથી વંચિત રહી જવાનો રંજ હતો.

‘તો તારે શું કરવું છે ? ફેશન ડિઝાઇનિંગ કે પછી જર્નાલીઝમ ?’

સુદેશ ખરેખર ચીડાયો હતો. પૂર્વી કોઇપણ પાર્ટી કે સોશિયલ ફંકશનમાંથી પાછાં આવતાંવેંત આવી વાત શરૂ કરતી. માતૃત્વથી વંચિત રહી જવાની પીડા હવે હળવેકથી બંને વચ્ચે કોઇ પ્રકારની ખાઇ સર્જી રહી હતી.

પૂર્વીની આંખોમાં હળવી ભીનાશ તરવરી રહી:

આ એ જ સુદેશ હતો, જે પોતાના એક કૉલ પર ઉપર – નીચે થઇ જતો હતો. ?

‘સુદ, તને યાદ છે ? જ્યારે તું હૈદરાબાદ ટ્રેઇનિંગ માટે ગયો હતો અને તને વાત કરવાનો પણ સમય નહોતો મળતો ત્યારે મેં હોસ્પિટલમાં એડમિટ હોવાનો કૉલ માત્ર મસ્તી માટે કરાવ્યો હતો ને મારા અચરજ વચ્ચે તું ટ્રેઇનિંગ અધવચ્ચે છોડીને સાચે જ આવી ગયેલો ? ‘

પૂર્વી કોઇ નાજુક કિંમતી ઘરેણું પસવારી રહી હોય એવા ભાવથી સ્મૃતિઓ તાજી કરી રહી.

‘હા, અને એ ભૂલી ગઇ કે એ માટે મને પનીશમેન્ટ મળી હતી, પૂરો એક મહિનો મેસમાં અઢીસો લોકો માટે શાક્ભાજી સમારવાની અને એટલે જ મેં તારી સાથે મહિનો ન જ બોલવું એવું મનોમન નક્કી કરી લીધું હતું. પણ દરેક થતું હતું એમ તારાથી રિસાવાનો ડોળ કરવામાં પણ હું નાકામિયાબ રહ્યો હતો.... માય ઇડિયટ સ્વીટી ! ‘

સુદેશની આંખો ઘેરાઇ રહી હતી, છતાં એણે પૂર્વીને પાસે ખેંચી એના વાળ અને કપાળ ચૂમી લીધા હતાં. પૂર્વી પર એની કોઇ અસર જ ન હોય એમ એ સુદેશ પાસેથી સરકી ફરી પાસે બેસી પોતાની હડપચી સુદેશની પીઠ પર મૂકી વચ્ચે વચ્ચે એની પીઠ ચૂમતી રહી.

‘સુદ, ચાલને થોડાં દિવસ કયાંક જતાં રહીએ...’ પૂર્વી છતને તાકતાં બોલી રહીં.

‘પૂર્વી, મને વાગે છે.’ સુદેશ નો ઇશારો પૂર્વીની હડપચી પર હતો, જે સુતેલા સુદેશના ખભે જ ટેકવાયેલી હતી.

કોઇક કાંકરી વાગી હોય એવી ચૂભન થઇ આવી પૂર્વીને :

આ એ જ સુદેશ હતો, જેને માટે પોતે મા-બાપ, વૈભવ છોડી પહેરેલાં કપડે આવી હતી ? અંતરમાં ઊઠેલા ઘા શબ્દ રૂપે બહાર આવ્યા વિના ન રહ્યો.

‘સુદ... જે વ્યક્તિ હથેળી છેદી જાય એવી બુલેટની પીડા સહન કરી શકે એને હડપચી વાગે ? ‘સ્વાભાવિકતાથી બોલાયેલા વાક્યનાં સરવાળા-બાદબાકી પૂર્વી શરૂ કરે એ જ વાત સુદેશને અકળાવનારી લાગી. :

‘મા મારી, ઊંઘવા દે, કાલે ભારે દિવસ છે...’

સુદેશે સાહજિકતાથી કહ્યું હતું. ન સુદેશે આંખો ખોલી- ન પડખું ફેરવ્યું. જો આ વાત શરૂ થઇ તો સવાર પડી જવાની એ પણ નક્કી.

એવું તો નહોતું કે એને પૂર્વીના ઘાની ખબર નહોતી, પણ ફરી ફરીને એક જ વાતથી હવે એ ત્રાસી ગયો હતો : દુનિયામાં કેટલાંય યુગલ સંતાનવિહીન હોય છે. અરે ! કેટલાંય તો પોતાની મરજીથી એ જવાબદારીથી મૂકી્ત રહેવા માગે છે. બાળક ન હોય તો શું આભ તૂટી પડે? આપણે એકબીજા માતે છીએ એ જ વાત કંઈ ઓછી છે ? બંને પક્ષે કેટકેટલા અવરોધ ઓળંગીને સાથે રહેવાનો આ અવસર મળ્યો છે, સારી ઈજ્જતદાર કારકિર્દી, નામ, શોહરત, શું નથી ? ને એ બધું અવગણી, જે નથી એની ખોટ પર રડવામાં આ બધું ગૌણ કરી નાખવાનું ?

પૂર્વીને વારંવાર એ જ સમજાવતો રહેતો સુદેશ, પણ આ સમજાવટની કોઇ અસર પૂર્વી પણ જાણે થતી જ નહોતી. એના મનમાં કોને ખબર કેમ, પણ કોઇકે એવું ઠસાવી દીધું હતું કે બાળક ન થવાથી જ આજે નહીં તો કાલે પણ સુદેશ એનાથી દૂર સરી જવાનો.

આપણે સરોગેટ મધર હાયર ન કરી શકીએ ? ના. ના.... એના બદલે બાળક જ દત્તક લઇ લઇએ તો ? પૂર્વીના મનની સ્થિતિ ગાંડ્પણની હદે વકરી હતી, જેની હદ તો હજી આવવી બાકી હતી :

તને કોઇક ગમી ગઇ છે ? તું મને શું ડિવોર્સ આપશે ? હું જ તારો માર્ગ મોકળો કરી આપું તો ?

પૂર્વીની આંખોમાં ઉદાસીનાં આવરણ દિન-બ-દિન ગહેરાતાં જતાં હતાં. પોતે જ સર્જેલી અસલામતીનાં જાળાંમાં એ ગુંગળાતી જતી હતી. જેના સાથ વિના જિંદગી જીવવા જીવવા જેવી નહોતી લાગી એની હાજરી હવે દુષ્કર બનાવી રહી હતી.

સુદેશ થાકી ગયો હતો. હવે થકવી નાખનારી ડ્યૂટી જીવવાનું એક માત્ર કારણ હતી. પતિ-પત્ની વચ્ચે થતો સ્ંવાદ પણ ટુંપાતો ચાલ્યો હતો. પૂર્વી વધુ બોલતી જ નહીં, એ મનોમન વલોવાતી રહેતી. એને લાગતું પોતે સુદેશને અન્યાય કરી રહી છે પિતા બનવાના સુખથી વંચિત રાખીને... અને સુદેશ સમજાવતો રહેતો –એના વહેમના જાળાં દૂર કરવાના પ્રયાસ કરતો ને અચાનક જ પૂર્વી બધું ભૂલીને લગ્ન પહેલા હતી એવી હેતાળ બની જતી ને અચાનક મળ્યો પૂર્વીની પ્રાર્થનાનો જવાબ :

સુદ,મારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો !

એક બપોરે સુદેશ ઑફિસમાં હતો ત્યારે પૂર્વીનો ફોન આવ્યો હતો. હજી હલો બોલી રહે એ પહેલાં તો આંનદ થી ઝૂમી રહેલી પૂર્વીની હેલી એને તરબોળ કરતી હોય એમ સ્પર્શી ગયેલી.

લગ્નનાં પુરાં તેર વર્ષે મોંઘેરા નાના મહેમાનની પધરામણી થઇ રહી હતી. એ આઠ મહિના સુદેશ અને પૂર્વી ફરી એક તાતંણે જોડાઇ ગયા હતા. આટલાં વર્ષોનું સાટું આઠ મહિનાની અવધિમાં વળી ગયું હતું. સુદેશ ખુશ હતો, પણ પૂર્વીની ખુશીની કોઇ સીમા નહોતી. બેબી આવે પછી જીવ કરતા વધુ વહાલાં ઝાડ –પાન ક્યાં મૂકવાં એનું ટેન્શન થઇ આવતું પૂર્વીને. ઝાડ-પાન ને કારણે થતી જીવાત, મચ્છર બેબીને ક્યાંક કરડી જાય તો ? ડિલિવરીને તો પૂરાં બે મહિનાની વાર હતી. છતાં તૈયારી તો એવી રીતે કરી હતી કે ન જાણે બેબીની પધરામણી વહેલી થઇ જાય તો ?

વરસાદની એ સાંજ, બ્રીચકેન્ડી હોસ્પિટલની એ લોબી અને અંતહીન લાગતિ રાત : કોન્ગ્રેચ્યુલેશન સર, બેબીગર્લ છે... પછી ડોકટરે આવીને વધામણી તો ખાધી સાથે દબાયેલા સ્વરે ચેતવણી પણ આપી :

મિસિસ સિંહને હળવું ટેમ્પરેચર છે. નથિંગ ટુ વરી. કાલ સવાર સુધીમાં તો બધું બરાબર થઇ જશે.

જોકે બીજા દિવસની સવાર કેટલી કાળી હતી એ ડોકટરે ક્યાં કહ્યું હતું ? પૂર્વીનુ ટેમ્પરેચર ઊતરી જ નહોતું રહ્યું : કદાચ ઇન્ફેકશન હોય શકે... હેવી એન્ટિ-બાયોટેક ડ્રીપથી પણ કંઇ પરિણામ આવતું ન જણાયું ત્યારે ડોકટરની બોડી લેગ્વેજ વાંચી સહેમી ગયો સુદેશ.

‘મને જો કંઇ થઇ જાય તો બેબીની મા પણ બનીને રહેશો ને ? આયા કે બાઇઓના ભરોસે ન મૂકી દેતા. અલબત્ત, તમને લાગે કે તમારાથી શક્ય નથી તો મમ્મી ને ફોન કરજો. હજી મેં એમને નાના-નાની બનવાના છે એ ખુશખબર આપ્યા જ નથી...’ પૂર્વી જરા અટકી. જાણે રૂંધી રહેલી લાગણી ખંખેરી સ્વસ્થતાથી વિચારી રહી હતી :

‘પાપા ભલે મને ન માફ કરે. પણ એમનો રોષ એટલો પણ નહીં હોય કે એમના વ્યાજને માફ ન કરે...’

કદાચ પૂર્વીને કોઇ પૂર્વાભાસ થઇ રહ્યો હોય તેમ બોલેલી : ના, પૂર્વાભાસ હોત તો બેબી આ દુનિયામાં રહેશે કે નહીં એ પણ જોઇ શકી હોત ને ?

નવજાત શિશુ પણ માની જેમ જ તાવથી ધગી રહ્યું હતું : ૧૦૬ ડિગ્રી. ક્યાંક બેબીને કંઇક થઇ ગયું તો ? એ કલ્પના સુદેશને કંપાવતી રહેલી. ત્યારે સૌથી વધુ ડરામણી વાત તો એ લાગી રહી હતી કે ન કરે નારાયણ ને બેબીને કંઇક થઇ ગયું તો પૂર્વીને સંભાળવી સૌથી મોટી સમસ્યા થઇ જવાની. તેર વર્ષે બંધાઇ રહેલા ઘોડિયામાં બાળક જ ન હોય એ વાત પૂર્વીની માનસિક હાલત બગાડી નાખ્યાં વિના નહી રહે... ત્યારે ક્યાં સપનેય ખયાલ હતો કે આ બાળકી તો એની માને પોતાની સાથે જ લઈ જવા જ આવી હતી. બે દિવસ સતત ઉચાટમાં રહ્યાં પછી અચાનક જ મા-દીકરીનું શરીર બરફ જેવું થઇ ગયું :

‘સૉરી સર, વી કુડન્ટ સેવ મધર એન્ડ ચાઇલ્ડ... અ કેસ ઓફ સેપ્ટિસેમિયા.’

ડોક્ટરના આ એક માત્ર વાક્યથી સુદેશની દુનિયા લુંટાઇ ગઇ હતી. અને એ ચૂપચાપ જોતો રહ્યોં. કશું પણ કરવા નિ:સહાય અસમર્થ.

પૂર્વીની આઅંખોની ઉદાસી અને સલોનીની નજરની સ્થિરતા વચ્ચે કોઇ સામ્યતા હતી.... એવી જ કંઇક સામ્યતા હતી પોતાની કલ્પનાની દીકરી ને પરી વચ્ચે ! પૂર્વીની આંખોમાં અંજાયેલી ઉદાસીની ભાષા જેવી કોઇ લીપી સલોનીની આંખોના ખૂણામાં વર્તાતી હતી ? સલોનીની દીકરી પરીએ યાદ કરાવી એ બાળકી માત્ર બે દિવસ સુદેશની દુનિયામાં આવીને પોતાની મા સાથે ચાલી નીકળી હતી તો આખી દુનિયામાં અનાથ લાગતા આ મા-દીકરી માટે પોતે કંઇ કરી શકે ?

‘સર, જોઇન્ટ સીપી સાહેબના પીએનો ફોન છે.... વાત કરી શકાય એમ હોય તો સીપી સાહેબને વાત કરવી છે... ” ઓર્ડરલી હાથમાં કોર્ડલેસ ફોન લઇ ઊભો હતો.

કોઇ નવું અર્જન્ટ કામ નીકળી આવ્યું એ વાત તો સુદેશને શાંતિ આપતી રહી. જીવવાનું આ બહાનું કંઇ ખોટું પણ નહોતું.

* * *

વિના કોઇ ફોર્માલિટી આમ સુદેશ સિંહના ઘર આવી ચઢીને પોતે કોઇક ભૂલ તો નહોતી કરી નાખીને ?

ઉચ્ચક જીવે સુદેશ સિંહના રેસિડન્સ બહાર નીકળેલી સલોનીના મનમાં એકનો એક પ્રશ્ન ત્રીજી વાર પડઘાયો.

કદાચ ભૂલ કરી હોય તોપણ હવે શું ? એણે મનને ટપારવાનો એક પ્રયાસ કર્યો : એટલો વિવેક તો કોઇ પણ કરે ને....

સલોનીને અકસ્માત વખતે સુદેશ સિંહે કરેલી મદદ યાદ આવી. એટલું ઓછું હોય તેમ પરી વાળો કિસ્સો થયો ત્યારે એક કૉલ પર આવીને એણે તો પોતાની સજ્જનતા પૂરવાર કરી આપી હતી ને? તો પોતે એક નાની કર્ટસી વિઝિટ માટે આટલું વિચારવા લાગી ગઇ ?

મલબાર હિલના વનરાજીથી છવાયેલા ઢોળાવને પસાર કરતી કાર નીચે ઊતરી રહી હતી. શાંત વિસ્તારની ખાસિયત હોય એમ ટ્રાફિક હતો, પણ કોલાહલમૂકી્ત. આગળ્-પાછળ સૌ પોતાની દુનિયામાં ખોવાયેલા તેમ કારના કાફલા હળવી ગતિએ સરકી રહ્યા હતા.

શક્યતા તો તમામ છે કે કોઇ તો જરૂર પોતાની હિલચાલ પર નજર રાખી રહ્યું હોવું જોઇએ... સલોનીને અકારણે જ વિચાર આવ્યો. જો કે એ સંદેહને પુષ્ટિ આપતી કોઇ નિશાની નજરે તો ન ચઢી, છતાં આગળ-પાછળ નજર રાખી સલોનીએ ચોક્ક્સાઇ કરી લીધી.

જો કે સલોનીએ થોડું વધુ બારીકીથી અવલોકન કર્યું હોત તો એને મિલ્ક બુથની આડશમાં બાઇક પર સવાર પપ્પુ નક્કી નજરે ચઢ્યો હોત. કલાકથી સુદેશ સિંહના રેસિડેન્સના ચારેક રાઉન્ડ લગાવી ચૂક્યો હતો એ.... પોણા કલાકે પણ સલોની બહાર ન નીકળી ત્યારે પપ્પુને વધુ રાઉન્ડ કરવામાં જોખમ વર્તાયું.

એડિશનલ સીપી ક્ર્રાઇમની સિક્યોરિટી હેવી હતી ને એવામાં જો વિના કારણે આમ આંટાફેરા કરતાં કોઇના હાથે ભીડાઇ ગયો તો પેલો મલેશિયામાં બેઠેલો બાપ હાથ ઝાલવા આવવાનો નહોતો. માત્ર એક રેસિડન્સ જ નહીં, આખા રસ્તે વીવીઆઇપીના આવાસ હતાં. એવા સંજોગોમાં સુદેશ સિંહના ઘર પર નજર રાખી શકાય એટલી દૂર પર કોઇક બહાને રોકાવું બહેતર વિકલ્પ હતો. એ ઠેકાણું પણ મળી ગયું. થોડે દૂર જ હતું બંધ મિલ્ક બુથ. કદાચના સવારના બે કલાક માટે જ ખુલતું હશે. બાકી, દિવસ આખા દરમિયાન સિગારેટ અને જર્દા ભંડાર. પપ્પુને એ જગા સૌથી વધુ સૂરક્ષિત લાગી.

‘એક વિલ્સ દેના.’ પપ્પુએ સહજિકતાથી સિગારેટ માગી ને ત્યાં જ ફૂંકવી હોય એમ પેટાવી ઊંડો કશ માર્યો. એમાં એકસાથે બે કામ થવાનાં હતાં. એક તો સલોની પર નજર રાખવાની ડ્યૂટી તો થઇ જવાની હતી અને સાથે સાથે એકાદ ફોટો ક્લિક કરવાનો ચાન્સ મળી જાય તો વિક્રમ ને પણ ખાતરી થઇ જાય કે પોતે આ કામ કેટલું ચીવટથી કરી રહ્યો છે. લમણાંફોડી કરીને એ સ્માર્ટ ફોન વાપરતા શીખ્યો, છતાં આજકાલ પેલો વિકી મુઠ્ઠી કસીને બેસી રહ્યો છે.

ઉપરાછાપરી ચાર સિગારેટ ફૂંકી ચૂક્યો હતો પપ્પુ. ક્યાંક આ ટપરીવાળાએ સંદેહ ન થઇ જાય... પપ્પુને થોડો ઉચાટ થઇ આવ્યો ત્યાં તો સુદેશ સિંહનાં રેસિડેન્સના ગેટમાંથી સલોનીની કાર નીકળતી નજરે ચઢી.. એનો પીછો કરવાનો તો કોઇ અર્થ નહોતો, પણ સલોનીનું આમ એડિશનલ કમિશ્નરને મળવા આવવું એનો અર્થ ભારે ગહન થઇ શકતો હતો. સુદેશ સિંહની છાપ દબંગ ઑફિસરની હતી. ખાસ કરીને ડ્રગ માફિયાઓનું જીવવું હરામ કરી નાખ્યું હતું ને. સલોનીનું આમ મળવા જવું કંઇક ભારે નવાજૂની નિર્દેશ કરતી હતી.

સલોનીની કાર બાજુમાંથી પસાર થઇ ને પપ્પુનો મોબાઇલ રણક્યો :

‘શેઠ, તમારા જ મિશન પર છું...’ પપ્પુ ફોન રિસિવ કરતાંવેંત બોલ્યો :

‘રસ્તામાં છું, બાઇક પર... રાત્રે વાત કરીએ ને...’ વિક્રમ જો જોઇ શકતો હોત તો એ પપ્પુના વચહેરાના હાવભાવ જોઇને સમજી શક્યો હોત કે પપ્પુના મનમાં કશું રમી રહ્યું છે.

‘પપ્પુ, તારો પ્રોબ્લેમ એ છે કે તારી રાત જાણે પીવા માટે જ પડે છે. સવારે તું ફસાયેલો હોય છે ને રાતે ફસડાયેલો... વાત શું છે ? ‘વિક્રમ અધીર થઇ ગયો હતો. અચાનક પપ્પુને શું થઇ ગયું હતું કે સલોનીના લાઇવ અપડેટ્સ – લેટેસ્ટ બાતમી આપવામાં આમ ઠાગાઠૈયા કેમ કરવા લાગ્યો ?

‘વિકી શેઠ, તમે તો ભારે અધીરા, કહ્યું ને કે આરામ કહું છું. બે-પાંચ કલાકમાં શું ખાટું-મોળું થઇ જાય છે ? ‘પપ્પુએ એની એ જ વાત દોહરાવી અને એટલું જ નહીં, પાછળથી ઉમેર્યું પણ ખરું :

‘શેઠ, તમારો હૂકમ પડે એ કામ થયું જ સમજો... પણ બૉસ, આપણું કામ નથી થતું.... ‘

ઓહ... વિક્રમને બત્તી થઇ : તો એ યાદ કરાવવા માંગે છે કે એને મોકલવાનો હપ્તો હજુ સુધી ચૂકવાયો કેમ નથી !

‘અચ્છા, એટલે કે હાથ ગરમ ન થયો એટલે તારું નેટવર્ક ઠપ્પ કરી નાખ્યું છે એમ ને ?’ વિક્રમને ખરેખર તો ઝાળ લાગી ગઇ હતી. પપ્પુની આ નફ્ફટ હરકતથી, પણ આ ઘડી સાચવી લેવાની હતી.

‘ના.... ના, એવું નહીં શેઠ,પણ હાથમાં જરા ગરમી હોય ને તો પેટમાં જરા ઠંડક રહે. બાકી તો.... ‘વિક્રમ વાત લાંબી ચલાવે એ પહેલાં જ પપ્પુએ કૉલ કટ કરી નાખ્યો અને બાઇક સ્ટાર્ટ કર્યું :

વિકી શેઠ, આપણી પાસે અપડેટ તો આજે ધમાકેદાર છે,પણ તમને નહીં મળે....

પપ્પુ મનોમન પ્યાદા ગોઠવતો રહ્યો : છેલ્લાં કેટલાય સમયથી વિકીએ રૂપિયો પરખાવ્યો નહોતો ને પોતે જાણે ધર્માદો કરવા બેઠો તેમ રજેરજ માહિતી આપતો રહ્યો. પણ હવે નહીં.... આજની આ સુદેશ સિંહ વાળી માહિતી તો ધરાર નહીં... સારું થયું સુદેશ સિંહ એક પણ વાત હજુ સુધી વિક્રમને નહોતી કરી. જો વિકી પૈસા ઢીલા કરશે ત્યારે ઇન્ફોર્મેશન પણ ઢગલો માગશે, ત્યારે ક્યાં નથી કહી દેવાતી ?

આ તરફ, ફોન કટ થયા પછી વિક્રમનો સંદેહ તેજ થઇ રહ્યો : પપ્પુ જરૂર કોઇ ફિરાકમાં છે. નક્કી એ કંઇક તો છૂપાવી રહ્યો હતો એ પણ.... પૈસા – એના હપ્તા ખાતર... એથી વધુ પપ્પુની હેસિયત પણ નથી.

પપ્પુ જો કોઇ મહત્વની કડીઓ ગુલ કરી નાખી હશે તો... પપ્પુ એનું મોં નહીં ખોલે ત્યાં સુધી બ્લાઇન્ડમાં હવે નવી ચાલ રમવાની તૈયારી પણ રાખવી પડશે....

***