એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 17 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 17

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 17 )

‘મૅમ... આ જુઓ તો ખરાં...’

અનીતાના અવાજમાં અચરજ સાથે હળવા ભયની માત્રા ભળી હોય એમ સ્વર થોડો ઊંચો હતો.

ટેરેસ ગાર્ડનના સ્વિંગ પર ઝૂલતાં ઝૂલતાં શૂન્ય નજરે ક્ષિતિજ સામે તાકી રહેલી સલોનીને એથી કંઇ નવાઇ ન લાગી હોય એમ એણે જવાબ આપવાનુ ટાળ્યું. વૃંદાના આગમન પછી અનીતાનું વર્તન ફરી ગયું હતું. અસૂરક્ષિતતાની લાગણી કે પછી મૅમ પરનો માલિકીભાવ... કે પછી પોતાની એકહથ્થુ સત્તાના કિલ્લાની રાંગમાં પડેલું છીંડુ ! જે પણ કારણ હોય,અનીતા વૃંદાનો વાંક શોધવાની એકેય તક જતી ન કરતી, એટલું જ નહીં એ એની પાછળ એવી પડી ગયેલી કે એક બપોરે વૃંદાએ જાતે જ નોકરી છોડવાની વાત કરી :

‘મારું કામ અને લાયકાત જોયાં નોકરી તો ક્યાંક પણ મળી જશે, પરંતુ હવે તો એક દિવસ પણ અહીં નહીં રહું...’

પછી તો ક્યાં કઇ સમજાવવાનો અવકાશ હતો અને સલોની પણ અંદરખાનેથી એ જ તો ઇચ્છતી હતી, કારણ કે એના ઘરમાં વૃંદાની નિમણુંક એને જાણ કર્યા વગર થઇ હતી.

શું છે, અનીતા ?

સલોનીના ચહેરા પર હળવા કંટાળાના ભાવ તરી આવેલા જોઇ અનીતા ક્ષણ માટે જરા ઓજપાઇ ગઇ.

‘મૅમ, એમ જ તમને પરેશાન નથી કરતી, પણ આ જુઓ..’

અનીતાએ પરીનો ડાબો હાથ હળવેકથી ખેંચી સીધો કરી સલોનીને બતાવતાં કહ્યું.

ડાબા હાથની નસ પર હળવા લાલ રંગનુ ચાઠું ઊપસી આવેલું દેખયું, જે થોડી દૂર હોવા છતાં સલોનીને સ્પષ્ટ નજરે ચઢ્યું, એક જ ઠેસ મારી સલોનીએ ઝુલાની ગતિ રોકી ને તે જ સાથે એ ઊતરીને પરી પાસે આવી. અનીતાની વાત ખોટી તો નહોતી. ડાબા હાથની નસ પર લાલાશ વચ્ચે બે નાનાં છિદ્ર જેવા ચિહન સ્પષ્ટ નજરે ચઢ્યાં.

‘અરે ! આ શું છે ?’ સલોનીનું આશ્ર્વર્ય એના ચહેરા પર સ્થિર રહી ગયું હોય એમ આંખ અને હોઠ ખુલ્લાં જ રહી ગયાં. સલોનીએ પરીનો ડાબો હાથ હળવેકથી ખેંચ્યો. કંઇક દુખ્યું હોય એમ પરીએ હાથ પાછો ખેંચી લીધો. સલોનીએ વહાલથી પરીના વાળ પસવાર્યા અને ફરી નિશાન જોવાનો પ્રયત્ન કરી જોયો. જાણે કોઇએ સોય ભોંકી હોય એવા ઝીણા કાણાં જેવું લાગ્યું.

‘મૅમ, મેં નહોતું કહ્યું ? પણ તમે તો માનો કે વૃંદાની રાવ જ ખાઉ છું, પણ મને તો પહેલેથી જ એ છોકરી બરાબર નહોતી લાગી..’ અનીતા એકશ્વાસે જે કહેંવુ હતું તે કહીને જ રહી.

‘એટલે ?’ સલોનીને પૂછવુ નહોતુ પણ પૂછાય ગયું.

‘એ બેબીને એમ જ થોડી નીચે લઇ ગઇ હશે ? અરે, તમે આવું બધું માનો નહીં, પણ એટલે શું આવું નથી હોતું ?’ અનીતા જાણે કોઇ વાત કહેવી પણ હોય અને છતાં સ્પષ્ટ રીતે ન કરવી હોય એમ ગોળ ગોળ ઘૂમાવતી રહી વાતને.

‘અનીતા, જે કહેવું હોય તે સીધું કહે. હવે તો વૃંદા પણ નથી...’ અનીતાના બોલવા પાછળનો ઉદ્દેશ હજી સલોનીને સમજાયો નહોતો.

‘અરે ! મૅમ, તમે લોકો માનો નહીં એટલે બોલી નહીં, પણ મને તો વહેમ પડેલો જ, આ છોકરી નક્કી કંઇક ઊંચું-નીચું કરવા જ આવેલી. આ નિશાન જુઓ, દેખીતો પૂરાવો... આ બધું તાંત્રિકો કરે ને કરાવે !’

અનીતાની આંખમાં દહેશત છવાયેલી જોઇ સલોનીને ખરેખર ચીડ ઊપજી.

‘અનીતા, ચૂપ કર... કંઇ પણ બોલવાનું ? એવું બધું કંઇ હોતું હશે આ જમાનામા ?’ અનીતાની પૂરી વાત સાંભળ્યા વિના જ કાપી નાખી.

આખરે તો અનીતા રહી અભણ ને અંધશ્રદ્ધાળુ અને એ વળી બીજો ક્યો તર્ક કરી શકવાની હતી?

‘જા. અંદર જા.... અને મેડિકલ કિટ લઇ આવ.

સલોનીને હવે અનીતાની હાજરીનો ભાર વર્તાઇ રહ્યો હતો. એ જેવી અંદર ગઇ કે સલોનીએ પરીના લાલ ચકામાવાળા ભાગ પર વહાલથી હાથ પસવાર્યો.

કશુંક તો નક્કી થયું હતું, પણ શું ?

અનીતાએ મનમાં રોપેલાં વહેમના બીજને જડમૂળથી ઉખેડી ફેંકવું હોય એમ તમામ શક્યતા વિચરવા માંડી. શક્ય છે કે કંઇક કરડી ગયું હોય એમ પણ તો બને ને ? એ જ શક્યતા વજૂદવાળી લાગી રહી હતી.

‘મૅમ, લાવો હું લગાવી દઉં.... ‘મેડિકલ કિટ લઇને આવેલી અનીતાના હાથમાં ઍન્ટિ-સેપ્ટિક ક્રીમની ટ્યૂબ હતી.

‘એક મિનિટ થોભ, અનીતા.’

સલોનીએ ક્રીમ લગાડવા જઇ રહેલી અનીતાને રોકી.

‘પહેલા એ જોઇ તો લેવા દે, બીજે ક્યાંક આવી ઇજા તો નથી થઇ ને ?’ સલોનીની શંકા સાચી પડતી હોય એમ એવા જ નિશાન પગ પાસે પણ હતાં. નક્કી કંઇ કરડી ગયું છે...

‘જો અનીતા, મેં નહોતું કહ્યું? કંઇક કરડી ગયું લાગે છે એ તો નક્કી, તું પરીને એમ જ લોનમાં મૂકી દે છે ને... મચ્છર જ હશે ને. આખા સિટીમાં ઉપદ્રવ છે તો શું અહીં નો ઍન્ટ્રીનું બોર્ડ છે ? મચ્છરને વીસમા ફ્લોર પર આવવા કંઇ વિઝા ન જોઇએ !’

સહેમી ગયેલી અનીતાનુ સ્મિત જોવા સલોનીએ હળવાશથી કહ્યું. બીજા બે ડાઘ જોઇને કે પછીએ સલોની સાથે દલીલમાં ન ઉતરવું હોય એવા કોઇક આશયથી અનીતાએ વળતો જવાબ આપ્યા વિના ટ્યૂબમાંથી ક્રીમ લઇ ચૂપચાપ ઘસવા માંડ્યું.

આ બધી ગડભાંજ ચાલી રહી હતી ત્યાં જ ફોનની રિંગ રણકી ઉઠી. સલોનીના દિલમાં ક્ષણભર માટે એક ઠડકારો થયો અને વિલીન થઈ ગયો. ખબર નહીં કેમ, પણ હવે પેલા થડકારની ધાર સાવ બુઠ્ઠી થઇ ગઇ હોય એવું સલોનીને લાગ્યું. એનો અર્થ કે વિક્રમની ધમકીમાંથી હવે વેધકતા ઓસરી રહી હતી ? કે પછી ઉદય થઇ રહેલા નામને જોતાવેંત સલોનીના મન પર હાવી થઇ રહેલો વિક્રમનો વિચાર ઓગળી ગયો.

‘સલોની, તું તો ગઇ તે ગઈ, પછી ન કોઇ ફોન ન મૅસેજ..’ પોતે હજીએ તો ફોન રિસીવ કર્યો નહીં ને આઇએ સંભળાવ્યું:

‘મેં કહ્યું તારા બાબાને કે એની પાસે એવી બધી અપેક્ષા રાખવી જ નકામી. મન થાય તો આપણે જ એક ફોન કરી લેવાનો કે પછી અઠવાડિયું રહી આવવાનું. બાકી, એ છોકરી તમારી પાસે અહીં આવીને રહે એવી ખોટી આશા રાખવી નક્કામી... બરાબર ને ?’

સલોની સમજી ગઇ કે આઇએ પોતાને જે કહેવું હતું તે કહી દીધું હતું. લાતની લાત અને વાતની વાત એ આઇના સ્વભાવની ખાસયિત હતી ને બાબા મંદ મંદ સ્મિત કરતા રહેતા.

‘હું તને વધુ તો શું કહું... જ્યારે પણ સમય મળે ત્યારે એકાદ આંટો મારી જતી હોય તો ? મારો તો વિચાર છે કે જો ડૉકટર રજા આપે તો હું ને બાબા ત્યાં આવીને રહીશું. બાબા તને જુએ એટલે એમના મનમાં શાંતિ તો રહે...’

સુહાસિની બોલી તો હતી એમ જ કોઇ પૂર્વયોજના વિના, પણ એને શું ખબર આવી નાની વાત સલોનીને ખળભળાવી મૂકવા પૂરતી હતી..

‘હા, આઇ, એ માટે કંઇ કહેવાની જરૂર થોડી હોય ?’ પણ શું છે કે મને જો તમારા પ્લાનની ખબર હોય તો હું મારું શેડ્યુલ એ રીતે પ્લાન કરું ને !’ સલોની બોલી તો ખરી, પણ એના અવાજમાં રહેલી શુષ્કતા પકડી ન શકે એવી અબોધ સુહાસિની નહોતી.

‘સલોની, પહેલાની વાત તો ઠીક હતી, પરંતુ તારા બાબાની હાલત જોયા પછી હજી પણ તને ગંભીરતા નથી સમજાઇ ?’ તને પોતાને ક્યારેય એમ નથી થતું કે વૃદ્ધ થઇ રહેલા મા-બાપ સાથે થોડો સમય વિતાવવો જોઇએ ? હા, અત્યારે તને એ વાત નહીં સમજાય... તું મા બનશે ત્યારે સમજાશે.’ સુહાસિનીના અવાજમાં રંજ સાથે સંતાપની હળવી માત્રા ભળી હતી.

સલોની હવે માની વાત સમજી શકતી હતી, પણ પોતે જ ઊભી કરેલી ભૂલભૂલામણીમાં એ એવી તો અટવાઇ હતી કે આઇને જવાબ પણ શું આપવો ? માની ફરિયાદ વાજબી હતી, પણ થાય શું? સલોની પાસે ચૂપચાપ સાંભળી લીધા વિના વિકલ્પ પણ નહોતો.

‘કેમ કંઇ બોલતી નથી ? ‘વિચારમગ્ન સલોનીનું મૌન સુહાસિનીને મુત્સ્દ્દીગીરી જ લાગતું

‘સલોની, જો તું હવે સમજદાર છે. અત્યાર સુધી હું કંઇ પણ વધુ કહેતી નહીં, પણ માંદગી પછી તારા બાબાનો સ્વભાવ બહુ આળો થઇ ગયો છે.’ સુહાસિની એકદમ નીચા અવાજે બોલી. કદાચ બાબાની સામે નહીં કહેવું હોય એમ વાત કરતાં કરતાં બાબાના રૂમની બહાર નીકળી જઇને એક બાજુ જઇને બોલી હશે.

‘હા... આઇ, સમજી ગઇ... પણ હું જરા દોડધામમાં છું. થોડો સમય તો આપ.’ સલોનીએ મનમાં જે પહેલુ બહાનું સુઝ્યું એ બોલી નાખવું ઉચિત સમજ્યું. આઇને કેમ કરીને આ પરિસ્થિતિ સમજાવવી ? કઇ રીતે કહેવી પરીની વાત ?

સુહાસિની આગળ કંઇ બોલી તો નહીં, પણ ફોન કટ કરતાં પહેલા મૂકેલો નિ:શ્વાસ સલોનીને દઝાડતો ગયો. જોકે એથી વધુ ચચરાટ કરાવી રહી હતી મનમાં જાગી રહેલી ફિકર, આઇ ને બાબા જો અચાનક મુંબઇ આવી ચડ્યાં તો પરી માટે શું જવાબ આપવો ?

સલોની વધુ કંઇ વિચારે એ પહેલા ફરી ફોનની રિંગ સંભળાઇ. સ્ક્રીન પર નંબર અનરજિસ્ટર્ડ સ્ટેટસ દર્શાવી રહ્યો હતો.

નક્કી વિક્રમ... છેલ્લાં થોડાં સમયથી ઓસરી રહેલી એની ધમકીઓની અસર અચાનક પાછી બળવત્તર થઇ રહી. ‘હલો... સલોની, લાગે છે ઇન્ડિયા પહોંચીને તું મને ભૂલી જ ગઇ !’

વિક્રમના અવાજમાં પહેલા જેવો ખોફ ન વર્તાયો સલોનીને, બલકે કશુંક ખૂટતું હતું. જે સલોની પામવા પ્રયત્ન કરતી રહી કે પછી સુદેશ સાથે થતી વાતચીત એના સુધી પહોંચી ગઇ હશે એટલે એ સંયમિત સ્વરમાં વાત કરે છે ?

‘કેટલો ઇન્તજાર કરાવીશ ?’ વિક્રમના અવાજમાં હળવેક્થી પેલો શિકારી ફરી સવાર થઇ રહ્યો હતો.

‘વિક્રમ, મેં તને પહેલા પણ કહ્યું હતું કે તેં ધારી છે એવી કોઇ લોટરી મને લાગી નથી. છતાં કહું છું ને કે મારાથી શક્ય બનશે એ રીતે હું આપતી રહીશ.’

સલોનીએ આખી વાત ભારે સિફતથી મૂકી. સુદેશ સિંહ પાસેથી વિક્રમની અસલિયત જાણ્યા પછી એની સાથે વાત કરવામા જરાસરખી ગાફેલિયત કરવી આફતને નોતરું આપવા જેવું હતું.

શક્ય હોય એ રીતે એટલે ? વિક્રમના અવાજની ધાર વધુ તીક્ષ્ણ બની :

‘સલોની કદાચ તું જે વિક્રમને ઓળખે છે એ વિક્રમ હવે રહ્યો નથી... તું સમજે છેને ? મારી સાથે આ ટાઇમ બાય કરવાની ટેકનિક અજમાવતી નહીં, નહીંતર...’ વિક્રમે ધમકીવાળું વાક્ય ઇરાદાપૂર્વક અધુરું મૂકી દીધું.

વિક્રમનો એકએક શબ્દ સલોનીને રૂંવે રૂંવે ઝાળ લગાડી રહ્યો હતો.

‘વિક્રમ, હું પણ થાકી ગઇ છું આ ઉંદર-બિલાડીની રમતથી. એક વાત સમજી લે, સોનાના ઈંડા આપતી મરઘી એક વાર કાપી નાખી તો ઈંડા પણ જશે ને મરધી પણ... નાવ બૉલ ઇઝ ઇન યૉર કોર્ટ...’ હિંમતભેર બોલી લીધા પછી વિક્રમનો પ્રતિભાવ જાણવાની દરકાર કર્યા વિના જ સલોનીએ ફોન કટ કરી નાખ્યો ને ફરી રિંગ આવી.

‘આઇ ડિફાઇ યુ, વિક્રમ... જા જે થાય તે કરી લે... હું નથી ડરતી તારાથી ને તારા અન્ડરવર્લ્ડની તાકાતથી. હવે હું પણ જોઉં છું તું શું કરે છે...’

સલોનીનો અવાજ અત્યંત નીચો હતો, પણ એમાં ધાર એવી તીક્ષ્ણ હતી કે બોલતાં તો બોલી કાઢ્યું, પણ એને પોતાને જ વાગી રહી હોય એન જરા ગભરામણ થઈ ગઈ : આમ બોલીને પોતે બાજી બગાડી તો નથી નાખી ને ?

‘ગુડ ઇવનિંગ... સુદેશ સિંહ હિયર... મને લાગે છે કે મેં તમને ડિસ્ટર્બ કર્યા, રાઇટ ?’

‘ઓહ, તમે ?!’

સલોનીના અવાજ પરથી સુદેશ અંદાજ લગાવી ચૂક્યો હતો કે આ પહેલા નક્કી પેલો બ્લેકમેઇલર જ લાઇન પર હશે એટલે જ એને સલોનીનો નંબર એન્ગેજડ મળતો હતો.

‘ના, ના.... ખરેખર તો આ કૉલ પ્લેઝન્ટ સરપ્રાઇઝ છે મારા માટે...’ મનમાં જે આવ્યું એ સીધું કહી દેવું સલોનીને વધુ સહેલું લાગ્યું. આમ પણ આખી વાત ક્યાં સુદેશ સિંહથી અજાણી છે ?

‘ઓકે, મને થોડોઘણો અંદાજ તો હતો જ કે તમારી પજવણી નક્કી ચાલુ જ હશે, પણ એનું લેવલ હું નક્કી નહોતો કરી શક્યો.’

સલોનીએ કરેલા એકરારનો હુંફાળો પડઘો ઘટ્ટ વેલવેટ જેવા સ્વરમાંથી છતો થઇ રહ્યો, જેની નખશિખ શિષ્ટતા સલોનીને સ્પર્શતી રહી.

સલોની કઇ રીતે કહે કે આ એક કૉલ એના દિલમાં કેવી શાંતિ આપી રહ્યો હતો ! જાણે ઘા પર કોઇ પીંછું ન પસવારી રહ્યું હોય ?

‘મારા મનમાં એક વિચાર આવે છે....’ સલોનીના પ્રતિભાવની અપેક્ષા હોય એમ સુદેશે વાક્ય અધૂરું મૂકી દીધું.

જેનો ખયાલ સલોનીને એક ક્ષણ પછી આવ્યો હોય એમ એ જરા ઝંખવાઇ :

‘જી... મેં તો મારી બાજુથી તૈયારી રાખી જ છે, પણ હવે મારે કરવાનું છે શું ? ‘સલોની થોડાં દિવસ પહેલાં જ સુદેશને વિક્રમનાં કેસ માટે મદદ કરવાનું વચન આપી ચૂકી હતી એમાં પીછેહઠનો તો કોઇ પ્રશ્ન જ નહોતો.

‘ના, ના... એ બધી વાત હમણાં નહીં. રૂબરૂ મળીએ ત્યારે. યાદ રહે, ફોન પર તો આ બધી વાત હરગિજ નહીં...’ કોઇક હળવી ચેતવણી આપતો હોય એવા સૂરે સુદેશ સિંહ બોલ્યો.

‘પણ એ માટે જરૂરી મક્કમતા...’ ક્યાંક સલોની છેલ્લી ઘડીએ ફસકી ન પડે એવી કોઇ ખાતરી કરી લેતો હોય એમ એણે ઉમેર્યું.

‘મારા તરફથી આપને ફરિયાદનું એક પણ કારણ નહીં મળે એની ખાતરી હું આપી શકું છું... તો ક્યારે મળીએ ?’ બોલ્યા પછી સલોનીને થયું કે આમ અથરાં થઇ જવાની જરૂર નહોતી.

‘મળવું તો જરૂરી આજકાલમાં જ હતું પણ હમણાં તો હું હાઉસ અરેસ્ટ છું...’ સુદેશ ગંભીરતાથી બોલ્યો.

‘એટલે ?....’ અચાનક મળેલા જવાબથી સલોનીનો અવાજ અચરજથી ખેંચાઇ ગયો.

‘એટલે કે જે કામ મારા જાની દુશ્મનો કદાપિ ન કરી શક્યા એ કામ મચ્છરોએ કર્યું...’

સામે છેડે સુદેશના સદા ગંભીર રહેતા ચહેરા પર હળવું સ્મિત ફરકી રહ્યું હશે એવી કલ્પના સલોની કરી શકી.

‘થોડાં દિવસોથી તાવ આવતો હતો. ડોકટરને લાગ્યું કે ડેન્ગ્યુ હોઇ શકે એટલે ફરજિયાત આરામ પર ઉતારી દીધો.... જે મારા માટે છે સૌથી મોટી પનિશમેન્ટ ડ્યૂટી.... એટલે થયું કે ઑફિસમાં ન જવાય એવા કામ તો કરી લઉં. ત્રાસી ગયો આ આરામથી...’

‘ઓહ, એમ વાત છે ?’ તમે તો મને ડરાવી દીધી’ વાત સાંભળ્યા પછી રમૂજ થઇ હોય એમ સલોની હસી રહી.

‘અરે ! ડરી શેનાથી ગયાં.... હાઉસ અરેસ્ટથી કે મચ્છરથી ?’ સુદેશે પૂછ્યું.

સલોનીને લાગ્યું કે સામે છેડે સુદેશ સિંહ મંદ મંદ હસી રહ્યો છે.

આ માણસ હસી પણ શકતો હશે ?

સલોનીના મનમાં ઊઠેલો પ્રશ્ર્ન નિરુત્તર શમી ગયો.

* * *

‘ચોપરા.... આટલા દિવસ થયા, પણ હજી જોઇએ એવું પિક્ચર ક્લિયર થતું નથી. ‘ગુરુનામે ગ્રીન ટી ની ચૂસકી ભરતાં ચોપરા સામે પ્રશ્ર્નાર્થભરી નજરે જોયું,

‘હમ્મ....’ ચોપરા પોતે પણ એ જ અવઢવમાં હોય એમ વિચારગ્રસ્ત અવસ્થામાં એણે માથું ધુણાવ્યું.

‘હા, વાત તો સાચી, પણ ગુરુનામ, આપણી પાસે હાલ તો વેઇટ ઍન્ડ વૉચ સિવાય કોઇ બીજો પ્લાન પણ ક્યાં છે ?’ ચોપરા એકએક શબ્દ તોલીને વિચારતો હોય એમ બોલ્યો.

‘...પણ જો, સલોનીને અહીં બ્લુ બર્ડ મેન્શનમાં રાખવાનું મન બનાવી ચૂક્યો હોય તો પણ હું તો એવી સલાહ હરગીજ નહીં આપું.’

કાબેલ વકીલમિત્ર સાથે દલીલમા ન ઊતરવું હોય એમ ગુરુનામ રહ્યો તો ચૂપ, પણ એમના ચહેરા પર તરી આવેલો પ્રશ્ર્નાર્થ સ્પષ્ટપણે વાંચી શકાય એવો બોલકો હતો. કદાચ ગુરુનામ હવે વિના કારણે ભાવાવેશમાં તણાઇ જશે એવી તમામ શક્યતા દેખાઇ રહી હતી ચોપરાને અને એટલે જ માત્ર વકીલ તરીકે નહીં, એક મિત્ર તરીકે ફરજ બજાવવી જરૂરી હતી- ભલે ગુરુનામને એ વાત વસમી લાગે.

‘ગુરુનામ, જો માની લે કે તું પરી માટે થઇને ગૌતમના પ્રેમની સ્વીકૃતિ રૂપે સલોનીને આ ઘરમાં રાખે.... તારા મનમાં આમ જ છેને ?’ ચોપરાએ મિત્રના મનને ફરી એકવાર ટટોળ્યું.

ગુરુનામે જવાબ આપવાને બદલે મૌન જ સેવ્યુ, પણ એનો અર્થ તો હા જ થતો હતો.

‘ગુરુનામ. વકીલ તરીકે નહીં, એક મિત્ર તરીકે હું રોકીશ તને... કારણ ખબર છે ?’ ચોપરાને પોતાના મિત્રની આવી ઇમોશન વીકનેસ પર દયા આવી રહી હતી :

‘કારણ એટલું જ કે ગુરુનામ, જો સલોની બાળકી જોડે આ ઘરમાં આવી ગઇ તો એનાં પરિણામ માત્ર કલ્પી લેજે. મારે તને એ તો નહીં સમજાવવું પડે ને ?’

ચોપરાના અવાજમાં રહેલી ગંભીરતાએ કોઇ ડર પડકાર્યો હોય એમ ગુરુનામ પોતાની અસલિયતમાં આવી રહ્યા હતા. એક ખેલાડી, બિઝનેસમૅન, જે રોકાણ કરતા પૂર્વે આવનારાં પરિણામના લેખાંજોખાં કરી શકે એવા બિઝનેસમૅન આ કેવી ભૂલ કરવા જઇ રહ્યો હતો ? પહેલી વાર અવું બન્યું કે ચોપરાની સ્ટ્રેટજી સાથે ગુરુનામે પહેલી જ ચર્ચામાં સહમત થઇ જવું પસંદ કર્યુ એ વાત જ ભારે આશ્વાસનરૂપ લાગી ચોપરાને.

હવે ગુરુનામને સમજાવવાની જરૂર નહોતી કે સલોની પોતાની પરી સાથે બ્લુ બર્ડ મૅન્શનમાં એક વાર રહેવા આવી જાય તો વારસદાર તરીકે બાળકીનો તમામ મિલકત પર હક્ક લાગી જવાનો.... અને શું ખબર, શક્ય છે કે સલોનીએ આ ચાલ... આ રણનીતિ પહેલેથી પ્લાન કરી હોય !

ગુરુનામ વિરવાની પોતે બજારના અઠંગ ખેલાડી હતા. સ્ટ્રેટજી ઘડવાથી લઇ કાયદાઓની છટકબારી બખૂબીથી જાણનારા. બિઝનેસમાં ઊભી થતી કાયદાકીય ગૂંચમાં ચોપરા સાથે ડેવિલ્સ ઍડવોકેટ થઇ વર્તતો માણસ આવી સરળ વાતમાં કેમ આવું કાચું કાપવા જઇ રહ્યો હતો એ વાત જ ચોપરાની સમજ બહાર હતી.

જોકે વાસ્તવિકતાથી બેખબર ચોપરાને ક્યાં ખબર હતી કે પોતાના એકના એક પુત્રના મોત માટે મનોમન પોતાની જાતને દોષી લેખતો આ બાપ ભલે બહાર લોખંડી છાતી લઇ ફરતો હોય, પણ રાત્રે સ્લીપિંગ પિલ્સ સાથે પણ ઊંઘી નહોતો શકતો !

* * *

ડ્રેસિંગ ટેબલ પાસેથી હટ હવે, નહીં તો નક્કી મોડી પડવાની....

એક નજર ફરી એકવાર મિરરમાં નાખતાં સલોનીએ પોતાની જાતને ટપારી. લિનનનું રૉયલ બ્લુ કલરનું ટ્યુનિક ને વ્હાઇટ સ્ટ્રેઈટ જીન્સ, લાઇટ મેકઅપમાં આયનામાં પોતાની જાતને જ એ અજાણી લાગી રહી હતી. કંઇક જૂદી, અલગ જ, પણ મોહક...

પોતાના જ ચહેરા પરથી નજર જ ઊઠતી હોય એમ સલોનીએ ફરી એક વાર આયનાની સાવ નજીક આવી આંખની પાંપણ પર જરાસરખી બહાર રેલાઇ ગયેલી બ્લુ આઇ પેન્સિલની ઘેરાશ ટિશ્યુ લઇ સાફ કરી. આટલી ચીવટથી છેલ્લે ક્યારે તૈયાર થઇ હતી પોતે ?સલોનીએ યાદ કરવાનો પ્રયત્ન કર્યો.

ગૌતમની વિદાય, પરીનું આગમન... ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં તો પોતાની હાજરી એવી રીતે વિસરાઇ હતી જાણે પાણીમાંથી બહાર કાઢેલી આંગળી ને જગ્યા પુરાઇ ગઇ... જાણે કે એનું ક્યારેય કોઇ અસ્તિત્વ જ નહોતું ને એમાં પણ જ્યારે કોઇ એને ઓળખી ન શક્તું ત્યારે તો કશુંક મનમાં ચુભાઇ જતું. આનો પહેલોવહેલો અનુભવ ઇન્ડિયા આવતી વખતે ફ્લાઇટમાં થયેલો ને બાકી હોય એમ પેલા નારીનિકેતનનાં મૅનેજર તો ન ઓળખી, ન ત્યાં હાજર કોઇ બીજાએ... કદાચ એટલે કે પછી અચાનક સુદેશ સિંહના ઘરે માત્ર ખબર કાઢવા જવાને બહાને મળવાની તક ઝડપવી અને આમ સભાનતાપૂર્વક તૈયાર થવું... ? ક્ષણ માટે સલોની પોતાને ભારે ક્ષોભિત મહેસૂસ કરી રહી. એવું તે ક્યું પરિબળ પોતાને આમ ચુંબકની જેમ ખેંચી રહ્યું હતું ? પહેલા વિક્રમ પછી આશુતોષ, છેલ્લે ગૌતમ... કોઇ ને કોઇ સહારાની આદિ તો એ નહોતી બની ચૂકી ને ?

બાન્દ્રાથી મલબાર હિલ સુધીનુ અંતર કાશ્મીરથી કન્યાકુમારી જેટલું લાંબુ લાગ્યું સલોનીને, ટ્રાફિક ન હોય એ તો કેમ બને. પણ એ કરતાં વધુ પરેશાન કરી નાખી મગજમાં કોલાહલે.

સુદેશ સિંહ સાથે નિકટતા વધારવાની આ ચેષ્ટા ક્યાંક ખરતાનાક તો નહીં નીવડે ને ? સલોનીનું મન વિક્રમ અધમમાં અધમ પગલું ભરે તો શું કરે ? એ બધી શક્યતા જોડવામાં પરોવાયેલું રહ્યું : ના સુદેશ સિંહ સાથે મિત્રતા હશે તો વિક્રમ ચેકમાં તો રહેશે, નહીંતર તો... સલોનીને આગળ વિચારતા ડર લાગ્યો હોય એમ એણે વિન્ડો બહાર જોવા માંડ્યું.

જે માણસ વિદેશમાં પોતાની હરેક હિલચાલ પર નજર રાખી શકતો હોય તો એને આ ડેવલપમેન્ટની જાણ થયા વિના થોડી રહેવાની ?

સાચે જ ? સલોની, સુદેશને આમ મળવા જવા પાછળનું કારણ માત્ર ને માત્ર વિક્રમ છે ?

સલોનીએ પોતાની જાતને જ પ્રશ્ન કર્યો. સાચો જવાબ જાણવા મન તૈયાર હતું ખરું ? સલોનીએ વધુ વિચાર્યા વિના બહાર હળવે હળવે વિખેરાઇ રહેલા ટ્રાફિક્ને જોવા મન પરોવ્યું, હજી વીસ મિનિટ તો પાકી...

મહાનગરના દિલ જેવા દક્ષિણ મુંબઇમાં ગીચ વનરાજી અને શાંતિનું સામ્રાજ્ય સંભવી શકે એ સલોનીએ પહેલી વાર અનુભવ્યું. અંગ્રેજના જમાનાની કોઠી સ્ટાઇલ વિલાને હળવો આધુનિક સ્પર્શ મળ્યો હોય એમ બારીના કાચ ઢળતાં સૂર્યના પ્રકાશમાં ઝળહળી રહ્યા હતા. બહાર નાની, પણ ચીવટથી ઉછેરેલી લોન અને પ્લાન્ટ્સ રહેનારના મિજાજનો પરિચય આપી રહ્યા હોય એમ લહેરાતા હતા.

‘મારે મિસ્ટર સુદેશ સિંહને મળવું છે...’ પોર્ચમાં થોડે દૂર રહેલા નાનકડાં બૂથ પર તહેનાત સિક્યોરિટી ઑફિસર સલોનીની વાર સાંભળી જરા દંગ રહી ગયો હોય એમ એનો ચહેરો તાકતો રહ્યો : એડિશનલ સીપીને ફર્સ્ટ નેમથી સંબોધન કરનારી આ મનુની ક્યાંથી ફૂટી નીકળી ? એ એ પણ હાથમાં બુકે લઇને ?

‘આપલા નાવ... કૉન્ટેક્ટ નંબર... અપોઇન્ટમેન્ટ છે ખરી ? ‘માત્ર એક જ ક્ષણમાં સવાલોની ઝડી વરસી.

સામાન્ય સંજોગોમાં આટલી પૂછપરછે સલોનીના મગજની નસ તંગ કરી નાખી હોત, પણ આજની વાત થોડી જૂદી હતી. શાંતચિત્તે એણે જરૂરી વિગત સ્લિપ પર આપેલા ખાનામાં ભરી, જે લઇને પૂછપરછ કરનારનો સાથી અંદર ગયો.

‘વિના અપોઇન્ટમેન્ટ સાહેબ નહીં મળે... ને આ બુકે ? એ અંદર નહીં લઇ જઇ શકો.’

સિક્યોરિટી ગાર્ડની ટકોરને ખોટી પાડવી હોય એમ થોડી જ સેકન્ડમાં બીજો એક ઑર્ડરલી બહાર આવતો દેખાયો : આવો... કહેતાં એ આગળ થયો અને સલોની પાછળ દોરવાતી રહી.

સલોનીને બેસવાનું કહી એ તો પાછો ગાયબ પણ થઇ ગયો. સલોનીએ આસપાસ નજર દોડાવી.

મોટો લંબચોરસ લિવિંગરૂમ ટેસ્ટફુલ રીતે સજાવ્યો હતો, જેના અણુયે અણુમાંથી ઊભરી રહી હતી સાદગીભરી કલાત્મકતા. પ્રવેશ પાસે જ જાજરમાન શ્વેત તારાની પ્રતિમા આવકારી રહી હતી. ટીકવુડના સોફા પર કલરફુલ કુશન્સ આખા વાતાવરણને ભરી દેતા હતા. બહાર રહેલા પ્લાન્ટ્સ સાથે કોઇ સ્પર્ધામાં ઊતર્યા હોય એવા મિનીએચર બોન્સાઇનું તો જાણે વન ખડું થયું હતું. દરેક ખૂણે સજાવાયેલી આર્ટ ઇફેક્ટ બોલકી હતી. કાષ્ઠની કલાકૃતિઓ અને તાંજોર પેન્ટિંગ્સનો દમામ ભારેખમ હતો. ત્રણ ફુટ ઊંચી ધ્યાનસ્થ બુદ્ધની પ્રતિમા અને એની પાછળ ફેલાયેલા લીલાંછમ્મ બામ્બુ ટ્રી. વાતાવરણમાં હળવી સુગંધ હતી કયાંક ક્યાંક સાજાવેલી રજનીગંધાની...

સલોની મનભરીને આખી સજાવટને પીતી રહી. જાણે કેવડાનું શરબત. બધું જ શુદ્ધ અને સાત્વિક... કોઇ પોલીસ ઑફિસરનું ઘર આવું પણ હોઇ શકે ? સલોનીના મનમાં પ્રશ્નાર્થ થયો. અચાનક જ નજર બાજુમાં રહેલા સાઇડટેબલ પર પડી.

***