Khimali nu Khamir - 2 books and stories free download online pdf in Gujarati

ખીમલી નું ખમીર 2

(અંક -2)

... જુના જમાના નું રાજદૂત હતું. આ દેવે ક્યારેય જોયું ના હતું, એના દાદા પાસેથી સાંભળેલું જ હતું. એની ટાંકી પર રાજદૂત લખેલું હતું. એની સવારી કરી જીવલો દેવ ને લેવા આવ્યો હતો.

દેવ ને હાંસકારો થયો અને બન્ને એકબીજાને જોઈ મલકાયા અને પ્રેમ થી ભેટી પડ્યા. ભેટતા જ દેવ ને પરસેવા મિશ્રિત છાણ ની ગંધ આવી. તેઓ અળગા થયા. જીવલે એક મેલી સફેદ ચોરણી અને એના પર બે ચોરસ ખિસ્સા વાળું કમીઝ પહેર્યું હતું. દાંત મોટા અને પીળા પડી ગયેલા હતા તથા માથા ના વાળ પવન અને ધૂળ લાગવાથી ચમકહિન ઉભા હતા.

જીવલો કમીઝ ના ખિસ્સા માંથી બીડી કાઢી અને બોલ્યો ... બેહ્ય, પાસ મિનટ,હું જરાક બીડી પી લવ હો ... દેવે હકાર માં માથું ધુણાવ્યું ને જીવલો બાક્સ કાઢી સળગાવી દીવાસળી ને બન્ને હાથનો ભેટો કરી પવનથી રક્ષણ આપતા, બીડી સુધી લઇ ગયો અને પછી એ બીડી માંથી ધુમાડાના ગોટા ઉડવા માંડ્યાં.

દેવ ને આવા લોકો પ્રત્યે સહાનુભૂતિ ખુબ જ હતી પણ એ મન માં મૂંઝાતો હતો કે આવા વાતાવરણ માં ખીમલી નું કેવું ઘડતર થયું હશે???

જીવલા ની બીડી ઓલવાય ... હાલ બેહિ જા.., એમ કરી જીવલે રાજદૂત ને કીક મારી. ત્રણવાર અડધી ને પછી આખી કીક મારતા રાજદૂત ગાજી પડ્યું. ભટ્... ભટ્... ભટ્ અવાજ ની સાથે ધુવાડીયું કેરોસીન યુક્ત ધુમાડા ના ગોટે ગોટા ઓકવા લાગ્યું.

એક બાજુ ચાલીસ લીટરનું ટીન નું દૂધ ભરવાનું કેન બાંધેલું હતું એટલે દેવ જરા કેન ની આગળ પગ સરકાવતો બેસી રહ્યો. ભટભટીયુ ચેકપોષ્ટ થી આગળ કાચા રસ્તે ચડ્યું. આગળ જતી ધૂળ ની ડમરીઓ આખમાં અને નાક માં ઘુસી જતી હતી. એકાદ કિલોમીટર આગળ ચાલતા એક જમણી તરફ સાંકળો રસ્તો જઈ રહ્યો હતો અને ત્યાં પણ એક ચેક પોસ્ટ હતી. એ બતાવીને જીવલો બોલ્યો કે ' દેવરા જો.. આ કેડી કનકાઈ બાણેજ ને ઠેઈઠ કમલેસર ડેમ હુધી જાય સે '(આ લોકો ની ભાષા માં અમુક જગ્યા એ 'સ' અને 'હ' મિશ્રિત બોલાય છે અને એ સાંભળવું ખુબ ગમે એવું પણ છે એ દેવ એ મનોમન વિચાર્યું) અને એ કેડી તરફ ધ્યાન થી જોય પણ લીધું.

એ લોકો એ તો મુખ્ય કાચા રસ્તા પર જ આગળ જવાનું હતું, હવે એટલા બધા વાહન ના હોવાથી થોડી ધૂળ માં રાહત હતી પણ રસ્તો એટલો બધો ખરાબ હતો કે અમુક જગ્યાએ બન્ને કાયદેસર ઉછળીને સીટ પર પછડાતાં . દેવ ને કમર માં ઝટકા પણ લગતા હતા. એ સાગ નું લીલુડું વન જોઈ રહ્યો હતો ને ક્યારેક ફોટા પણ પાડી લેતો. ઓગસ્ટં મહિનાનો સમય હતો એટલે વરસાદે થોડા દિવસો થી વરાપ પણ મૂકી હતી ને સાથે જન્માષ્ટમી ની રજાઓ હોવાના લીધે પ્રવાસીઓ પણ વંધૂ દેખાતા હતા.

આગળ ચાલતા ઊંડો ઉતરતો ઢાળ આવ્યો... રસ્તો એકદમ ઊંડો થઈ રહ્યો હતો અને સાથે પત્થરો ના લીધે થડકા પણ લાગતા હતા . દેવ તો જાણે કૂવામાં જઈ રહ્યો હોય એવું ભાંસી રહ્યો હતો કારણ કે ઉપર ઘનઘોર વડવાઈઓ વડલામાંથી ટીંગાઈ રહી હતી. આ ઊંડાણ પત્યું ત્યાં પેટાળે એક નદી હતી. 'આ ખાતું આય રોડ નથ કરવા દેતું નકર એ ય થોડી ક.... ' જીવલો બોલ્યો એ અવાજ ના લીધે અધૂરું સંભળાયું.

જીવલે નદી પાસે થોડી બ્રેક મારી. રસ્તો આ નદી પરથી પસાર થતો હતો વચ્ચે સિમેન્ટ ના ભૂંગળાઓ નાખી રસ્તો બનાવેલો પણ ચોમાસુ હોવાથી અત્યારે તો નદી ના એ કાચા પુલ પરથી ય પાણી વહી રહ્યું હતું. નદી ઓળન્ગતા ભટભટીયા ના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બન્ને ના ગોઠણ સુધી પેન્ટ અને ચોરણી ભીની થઇ ગય હતી. સામે કાંઠે ભટભટિયું રોકી ને જીવલે પાણી નો ખોબો ભરી ને માથે ચડાવ્યો.. આ જોઈ દેવ ના મન માં પ્રશ્ન ઉદ્દભવ્યો આ શું કરે છે જીવલા??

'ભઈલા ... આ તો હેરણ (હિરણ નદી) સે આપણા માઇ બાપ. આપણી અને આપણા માલ(ભેંસો) ની તરસ આ જ ભાંગે સે ' નદી ગાઢ વૃક્ષો વચ્ચે આગળ વળાંક લઇ અદ્રશ્ય થઈ રહી હતી. ભટભટીયુ જ્યાં પડ્યું તું ત્યાં બોર્ડ લગાવેલું હતું કે "અહીં મગર નો ભય હોવાથી નદીના પાણીમાં ઉતરવું નહીં"

બન્ને આગળ વધ્યા હવે રસ્તો થોડો સારો હતો કદાચ ચારેક કિમિ જેટલું કાપ્યું ત્યાં એક નેસડું દેખાયું જીવલે કીધું ' જો .... આ તારા આતા નું નેહડું,.. અટાણે ઉભું નય રેવું નકર મોડું થઈ જાહે, તું ને ખીમલી નિરાંતે આયવ જો આય '.. દેવે જોઈ લીધું ને પછી મન મૂકી માણીશ આવું નક્કી પણ કર્યું.

વધુ ચારેક કિલોમીટર કાપ્યું ત્યાં બીજું નેહડું આવ્યું, ત્યાંથી અંદર જમણી બાજુ જવાનો રસ્તો હતો. ભટભટીયુ તે તરફ વળ્યું. આખરે ઉભું રહ્યું દેવ ઘડિયાળ માં જોતો હતો સાડા આઠ વાગ્યા હતા, સુરજ પણ હવે સામે જ દેખાય રહ્યો હતો, ત્યાં જીવલો બોલ્યો ' એય ને આ મારુ અલખધણી આલાવાણી... !'

'બાપુ, કેહર(કેસર) આઈ દેવરો આયવો સે '... જીવલે કહ્યું. સાંગા આતા ઝોક ની આગળ ખાટલો ઢાળી ને બીડી પિતા હતા. બન્ને હાથ ઉંચા કરી ને એણે દેવ ને આવકર્યો ' એ રામ... હેમ ઠેમ રયુને બધુંય? કાંઈ તકલીફ તો નથ પૈડી ને ?.. ' દેવે નકાર કરી, અંદર થી ખીમલી ના દાદી આવ્યા કેસર આઈ... ' " અરે મારો બટો, આય વયો આયવ,માલીપા ઓહરી(ઓસરી) માં'

દેવ ઓસરી માં ખાટલા ની પાંગત તરફ બેઠો. આઈ બોલ્યા... ' સાહ પીવી સે કે સાઈહસુ(છાંસ) ??? ' હજુ દેવ કઈ ઉત્તર આપે એ પેલા જ આઈ બોલ્યા કે ' સાઈસ ની તાહડી ભરી લે પાતી, વીરો આયવો સે... '

આશીર્વાદ આપતા હોય એવી રીતે હાથ કરતા આવકાર આપ્યો.

દેવ ને આ ભાષા મહદઅંશે જાણતો હતો માટે એટલી મુશ્કેલી ના હતી અમુક શબ્દો જ નહોતી ખબર પડે એવા. આ લોકો ની નિખાલસતા એને મન ગમે એવી હતી. ન ઝૂંપડું કહી શકાય કે ન મકાન એવું એક ઢાળિયું લાકડા ની દીવાલ વાળું બારણાં વગર નું હતું. બારણાં વગર ના બે રૂમ અને થોડીક આગળ ઓસરી, દીવાલો છાણ થી લીપેલું. લાકડા ની આડપ જોઈ દેવે પૂછ્યું આઈ આ શું છે? ' ઈ ઝોક છે.. ને ગિલોર જેવા ખોડેલા મોટા મેઢાં ને ઈની ઉપર લાકડા ની આડી સે.. ઈ આખી ઝોક સે... ' ઝોક માં ભેંસુ બાંધીયે.

અત્યારે ઝોક માં ભેંસો ન હતી. વાંછિદા પણ થઇ ગયા હતા. આમથી ખીમલી આવતી દેખાઈ, દેવ તો વારી ગયો એને જોય ને, પળવાર સ્તબ્ધ થઇ ગયો પણ હજી પળે પળે સ્તબ્ધ થવાનું જ છે એની એને ક્યાં ખબર પણ હતી??

ખીમલી પુરી ઊંચાઈ ની, રૂપાળી હતી . તેણે નીચે કાળી જીમી પહેરી હતી અને ઉપર સરસ મજાના ભરત કામ કરેલું ને ચાંદરડા ચોટડેલું કાપડું હતું. કાપડું એટલે આગળ નો ભાગ ઢાંકે અને પાછળ દોરીઓ જ હોય અને વાંસો ખુલ્લો રહે પણ એ ખુલ્લા વાંસા ને કથ્થાઈ ઓઢણી નો સંપૂર્ણ આશરો મળતો હતો. કમરથી ઘણી નિચે સુધી ઓઢણી આવતી હતી.

એ આવતા વેંત બોલી " આઈ.... જીવલા ને કયો ને "ઉભી ધોઇણ" કરી લ્યે.. મારે પછી ડંકી એ લૂગડાં ધોવા સે.. '

.... 'પણ તું ધોઈ લે ને મારે કામ સે.. ' રુમ માંથી જીવલા નો અવાજ આવ્યો . ખીમલી કપડાં લઇ ને જતી જ હતી ત્યાં જીવલો દોડ્યો સીધો ડંકી તરફ ને ખીમલી ને કેતો ગયો કે ' લૂગડાં વાળી થા માં... ધણી ને શિરામણ દે નકર આજ જ વયો જાહે.. ! ' બન્ને હસ્યાં. આવી જ નિખાલસતા અને ટીખળો આ લોકો કરી શકતા એવા ખુલ્લા દિલ પ્રકૃતિ ના ખોળે જ રહી શકાય એવું દેવ વિચારતો હતો ને.. જીવલા ને ડંકી એ કપડાં પેરી ને ન્હાતા જોઈ ને "ઉભી ધોઈણ" નો મતલબ પણ સમજાઈ ગયો. ખરેખર આ લોકો પ્રકૃતિ ને જે પ્રેમ કરે છે એ એની ભાષા અને લાગણી માં છલોછલ આવે છે..

સાંગા આતા તો રામ.. રામ કરી ને જુઠા સાથે ભેસુ ચરાવવા નીકળી ગયેલ. ખીમલી અંદર થી રોટલો માખણ ને ચા લઇ ને આવી.. ' લ્યો હીરામણ(સ+હ) કરી લ્યો નકર પાસા ભૂખ્યા રઇ જ્હો તો દુબળાઈ જ્હો... ' હવે 'પો... હે.. ' આ શબ્દ જરાક દેવ ને સમજાયો નહીં પણ એને યાદ આવ્યું કે ભેંસો ને પાણી પીવડાવતી વખતે સાંગા દાદા આવા અવાજો કરી રહ્યા હતા . ખીમલી પણ ઉછળતી હસી ને ચાલી ગઈ અને ચોક્કસ થઇ ગયું કે એની મજાક ઉડી ગય.

દેવ ડંકીએ થી નહિ ધોઈ ને આવ્યો ત્યાં બપોર થઇ ગઈ પછી જમી ને એણે પીપર નીચે ખાટલો લંબાવ્યો, જીવલો પણ એની બાજુ માં જ ખાટલો લાવી ને બોલ્યો " એકલું નો હુવાય આ ગ્યર છે તમારું રાજકોટ નય્થ... " અહીં ના લોકો ગીર ને ગ્યર બોલતા એ પણ પ્રેમાળ લાગતું. ખીમલી પણ વાંસણ માંજતી લખું સાથે ફળિયા માં બેઠી હતીને કરણ તો ભેંસો માં હતો.

'કેટલી ભેંસો છે??' દેવે પૂછ્યું.

'એકવિહ ભેહુ ને ચ્યાંર ગાયું.. એમાં ત્ર્યણ ભગરી ને બે કુંઢી.. 'જીવલે જવાબ વાળ્યો.

પીપળ નીચે સુતેલા દેવ ની આખો ખુલી. સાંજે સાડા પાંચ નો સમય હતો. પોતે પીપળ ના વૃક્ષ સામે જોતો હતો ને પોતે ભણ્યો પણ હતો. શાસ્ત્ર માં આનું સન્સ્કૃત નામ ' પ્લાક્ષ ' છે ને એની છાલ વપરાય એ પણ જાણતો હતો...

બાજુ માં ખીમલી આવી. હાથ માં રકાબી લઇ ને એમાં સફેદ માવો પડ્યો હતો પોતે બપોર વચચે જાગી ને આ બનાવ્યો હશે એમ અનુમાન કરી શકાય.. ત્યાં જ ખીમલી બોલી,

' ઉભો થા ને મોઢું વિસર, કે પસી હેઠાં મોઢે જ ઝાપટી લેવું સે??

દેવ ઉત્તર આપે એ પેલા જ એણે આગળ બોલ્યું

'તમને જીમ ઠીક લાગે ઈમ, અમી કાંવ (શું) જાણીએ તમારા સીટી ના મરદીયા કિમ ખાતા હૈશે... !!'

હસતા મોઢે ખીમલી ઝોક તરફ નીકળી પડી ને એ માવા નો સ્વાદ આજીવન ભૂલી શકે તેમ ન હતો..

પોતે હજુ લોકો વચ્ચે જરા અજાણ્યા પડવાનું ભાંસી રહ્યો હતો એવામાં આ લોકો આટલી નિખાલસતાથી વર્તણુક કરી શકે એ જોઈ મન માં સવાલ આવ્યો કે .. આ લોકો કઈ જગ્યાએ કનવરઝેશન સ્કીલ ના ક્લાસ કરી આવ્યા હશે?. ?. ? પણ આતો પ્રકૃતિ ના ખોળે જન્મેલી ભેટ જ છે ને ... દેવ ગીર એ સાચવેલ આ વાક્ ભેટ માણી રહ્યો હતો.

સમી સાંજ થવા આવી. એક બાજુ કરણ,જૂઠો અને આતા ભેસુ લઇ ને આવી ગયા હતા ભેંસો ઝોક માં બંધાઈ અને બધા વાળું ની તૈયારી માં લાગ્યા. દેવ ને પણ દૂધ ની મીઠી સુગંધ એ બારણાં વગર ના ઘર માંથી આવતી હતી. કઢેલું દૂધ ને બાજરાના રોટલા,ભરપેટ વાળું કરી ને બધા ઝોક ની બહાર આંગણામાં ખાટલા નાખ્યા.. જેમાં કેસર આઈ, આતા અને બાકી બધા હતા,વાતો ચિતો ચાલતી હતી... એવા માં એક બીક ભરી ચીસ સંભળાઈ... !!!

દેવ જરા ઝબકી ગયો . શેનો હશે આ અવાજ ????

( ..... વધુ આવતા અંકે)

લેખક : ડો રાકેશ સુવાગિયા..

લેખન ને રીવ્યુ 9586048450 પર વોટ્સએપ કરી શકો છો,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED