Khimali nu Khamir - 1 books and stories free download online pdf in Gujarati

ખીમલી નું ખમીર 1

સવારે સાડા છ વાગ્યા નો સમય , સડસડાટ ચાલતી બસ માં અચાનક બ્રેક લાગે છે. જોરથી કોઈ માણસ નો અવાજ આવે છે, " સાસણ જવું હોય એ આગળ આવી જજો, ઉતરવાનું છે "

'દેવ' આખો ઉઘાડે છે. અવાજ સાંભળી જરા ઉતાવળે પોતાના થેલા ખભેં નાખી ને વ્રજભૂમિ ટ્રાવેલ્સ ના પ્રથમ VIP સોફા માંથી નીચે ઉતરે છે. આંખો માં જરાક ઊંઘ ભરેલી છે. બસમાંથી ઉતરી ને આંખો વ્યવસ્થિત કરી ને આસપાસ નઝર કરે છે. ત્યાં સામે જ એક પાણી નું પરબ દેખાય છે, મુખ પર પાણી છાંટે છે અને મોઢું સાફ કરી ને પોતાના ચેહરા ની ચીકાસ દૂર કરે છે અને બબડે પણ ખરો કે આ ટ્રાવેલ્સ માં દર વખતે ચીકણા લાર થઇ જવાય ...

ફ્રેશ થઈ ને જરા આસપાસ જુએ છે, એનું મુખ ઉત્તર દિશા તરફ હોય છે. પૂર્વ તરફ નજર કરતા એને એક 'સિંહ સદન ' નો સુપ્રખ્યાત ગેઇટ જોવા મળે છે અને એ ગેઇટ પર બેઠેલા સિમેન્ટના સિંહ અને લટકાવેલ અજગર આપમેળે ગમે એવા હતા, ત્યાં જવાનું મન થાય એવું હતું પણ એને મન માં વિચાર્યું કે , અહીં તો રીટર્ન માં જઈશ. એવી મુખ્ય જગ્યા કે જ્યાં પ્રવાસીઓ જતા નથી એ જોવાની એની અધીરાઈ અદમ્ય હતી.

એ ડાબી તરફ પગલાં માંડવા લાગ્યો, દસેક ડગલાં ચાલીને રહેલું રેલવે ક્રોસિંગ વટાવીને ,તેણે સો એક મીટર ચાલવાનું હતું. એ ચાલી ને આગળ એ ફોરેસ્ટ નાકુ એટલે કે ' એક ચેકીંગ પોસ્ટ ' એની ડાબી તરફ દેખાઈ. એ રસ્તો કાચો હતો અને બીજો રસ્તો કે જેના પરથી એ ચાલીને આવ્યો એ સડસડાટ ડામર રોડ હતો અને એના પર એક પત્થર ખોસીને લખેલું હતું કે તાલાલા 12 km.

એ નાકા આગળ રહેલા લીમડા ના ઝાડ પાસે બેઠો અને 'જીવલના ' આવવાની રાહ જોવા લાગ્યો.

***

દેવરો રબારી ઉર્ફે ' દેવ' . રામકુ દેવા રબારી નું સૌથી નાનું સંતાન. છેલ્લા પાંત્રીસ વર્ષો થી રાજકોટ માં હોટલ ચલાવતા રામકુ રબારી ગીર ના એક નેસડા માં જન્મેલા. દેવાભાઈ લખુભાઈ રબારી એટલે કે દેવ ના દાદા આ નેસડા માં રહીને પેહલા ભેંસો ચરાવતા અને રામકુ એટલે કે દેવ ના પિતા નો જન્મ પણ એ નેસડા માં થયેલો. એ નેસડા નું નામ "દાધિયા "..ત્યાં ના લોકો નેસડા ને બદલે 'નેહડું' શબ્દ વાપરતા. રામકુ મોટો થઇ ને રાજકોટ આવીને વસેલો ત્યાં એને ત્રણ સન્તાન હતા. સૌથી મોટી દીકરી ' હેમી' અને પછી મોટો ભાઈ 'કાનો ' અને સૌથી નાનો 'દેવરો' ઉર્ફે દેવ.

દેવ રાજકોટ ની આત્મીય કોલેજ માંથી 'બોટની માં' ગ્રેજ્યુએટ થયેલો, એને વનસ્પતિઓ પ્રત્યે પુષ્કળ પ્રેમ. સાહસકથા ઓ નું પણ ઘણું ખરું જ્ઞાન અને દાદા દેવા બાપા એ દેવ ને ઘણું શાસ્ત્રીય જ્ઞાન પણ આપેલું અને અમુક વાર તો દેવા બાપા દુહાઓ પણ ગાઈ સંભળાવતા દેવને એ ખુબ ગમતું.

અહીં ગીર માં આવ્યા નું કારણ દેવ માટે જિજ્ઞાસા અને મૂંઝવણ બન્ને હતું. દેવ પહેલેથી જ શહેર ના વાતાવરણ માં ઉછરેલો હતો માટે તે બાળવીવાહ અથવા તો બાળસગપણથી તે દૂર ભાગતો. હા, એને પોતાની નાત માં એક વાત ગમતી કે ઘેર ઘેર દીકરીઓ તો હોય જ. પણ દેવ ને બાવીસ વર્ષે ખબર પડી કે પોતાનું સગપણ એ જયારે છ મહિનાનો હતો ત્યારે એની ડૂંટીએ ચાંદલો કરીને પોતાના જ માસીની દીકરી ખીમલી સાથે થઈ ગયું છે, એ સાંભળી પોતે ઘણો અકળાયેલો . અને એથીય ચમચમાવે એવી વાત તો એ કે પોતાની માતા 'પૂની' અને 'પાતીમાસી' બન્ને બહેનો એ ગર્ભવતી હતી ત્યારે જ નક્કી કરી નાખેલું કે જો બન્ને ને દીકરો દીકરી જન્મશે તો સગપણ કરીશું.

આ વાત સાંભળી દેવ ખુબ જ ગુસ્સે થાય છે અને પોતાના લગ્ન ખીમલી સાથે નહીં જ કરે એવી જીદ પકડે છે અને ખરેખર જે છોકરીને એણે જિંદગી માં ય જોઇ જ નથી એની સાથે કેમ પરણવું? અને એ પણ પોતાના સગ્ગા માસીની દીકરી હોય?

પરન્તુ દેવાબાપા એ મધ્યસ્થ રસ્તો કાઢીને દેવ ને દસેક દિવસ ગીરના નેહડા માં મોકલવાનું નક્કી કર્યું. કારણ કે દેવ ક્યારેય ત્યાં ગયેલા ન હતો. ઘરમાંથી બધા જ રાજકોટ આવ્યા પછી માંડ બે-એક વાર નેસડે ગયેલા હશે પણ દેવ નું ભણવાનું ચાલુ હતું માટે ક્યારેય ગયેલો નહીં..

દેવાબાપા પણ જો દેવ ની વાત માની લ્યે તો પોતે નાત બહાર થવાનો ભય હતો કારણ કે કરેલું સગપણ તોડી શકવાનો રિવાજ એ રબારી કુળ માં તો ક્યાંથી હોય?

દેવા બાપા એ 'હાંગા બાપા '(સાંગા નું અપભ્રન્સ) એટલે કે ખીમલી ના દાદા સાથે બધી વાત કરી દેવ ને દસ દિવસ ત્યાં મોકલવા માટેનું આયોજન કરેલું, દેવ પણ ફરવાનો શોખીન અને આમ પણ નેહડાં ના લોકો વિશે દાદા પાસેથી ઘણું સાંભળેલું એટલે એની જિજ્ઞાસા વૃત્તિ ખીલી હતી. પણ મૂંઝવણ એ હતી કે 'હાંગા બાપા ' પાસે દાદા એ પ્રસ્તાવ મુકેલો કે ખીમલી ને કેજો દેવ ને બધા નેહડાં અને જંગલો ફેરવે અને એ પ્રસ્તાવ સ્વીકાર્ય પણ થયેલો.....

***

' ખીમલી' ...જુઠા ભાઈ સાંગા ભાઈ રબારી ની બીજા નંબર ની દીકરી. પોતે બાવીસ વર્ષ ની અને વાને રૂપાળી. ખીમલી નો જન્મ 'આલાવાણી ' નેસડા માં થયો હતો જે દાધિયા(દેવ નું મૂળ નેસડું) થી માત્ર ચાર કિલોમીટર દૂરી પર હતું.આલાવાણી નેસડા બે હતા એક જૂનું અને એક નવું. જુના નેસડા માં ગઢવીઓ રહે અને નવા આલાવાણી માં રબારીઓ રહે. આ બન્ને માલધારી કોમ પહેલા સાથે રહેતી હશે અને પછી બન્ને અલગ નેસડા બનાવ્યા હોવાનો દાવો કરી શકાય. બન્ને વચ્ચે બસોએક મીટર નું માંડ અંતર હતું.

ખીમલી જન્મેલી ભલે આલાવાણી માં પણ પોતે દાદાની સાથે ભેંસો ચરાવા નાનપણ થી જાય એટલે દાધિયા અને આલાવાણી થી લઇ છેક કમલેશ્વર ડેમ સુધી ના બધા જ નેસડા તેણે જોયેલા અને ત્યાંના લોકો પણ આ છોકરી ને બાળપણ થી જ ઓળખે. અક્ષરજ્ઞાન માત્ર બે ચોપડી નું જ પણ દાદા ની સાથે રહીને કોઠાસૂઝ ઘણી કેળવેલી. એને છેક સાસણ ભણવા જવાનું થતું અને માસ્તરે એક દહાડો હાથ ઉપાડ્યો ને બસ ત્યારથી જ ખીમલી એ નિશાળ જોઈ નથી. દાદા પણ એવું કહેતા કે " ભણ્યે કોના ઘર મોટા થાય , ભણેલા ને ભેંસુ દહોતા કિમ કરીને સાલે".

ખીમલી બાળપણ થી જ ઘરકામ, વાંછિન્દુ ,ભેંસો દોહવાની, પાવાની, નિરણ કરવાની, ઉપરાંત દોહતા પેલા ખવડાવવા ના ખોળ કે દાણ ના પાવરા તૈયાર કરવાનું પણ જાણતી. પોતે બાજરી ના રોટલા બનાવવા માં માહિર, એ લોકો શાક ખુબ ઓછું ખાય, અઠવાડિયે બે-ત્રણ વાર જ ઘરમાં શાક બને એટલે ખીમલીને એ ઓછું ફાવતું પણ દૂધમાં સાકર નાખીને લઢી નાખે એટલે ઘાટું રગડા જેવું દૂધ અને બાજરી ના રોટલા જ એમનો ખોરાક.

ખીમલીને એ પાંચ ભાંડરડા ,એમાં 'જીવલો' સૌથી મોટો , પછી 'ખીમલી' ,એનાથી નાનો ભુપત, અને પછી 'લખું(લક્ષ્મી)', સૌથી નાનો ' કરણ' તો માત્ર આઠ વર્ષ નો જ હતો. જમાના પ્રમાણે જીવલા એ બે વર્ષ પેલા જ એક સાદો ફોન લીધેલો અને એમાં પણ જંગલ ખાતા એ આપેલું એરટેલ નું સિમ કાર્ડ રાખતો. જીવલા ને પૈસા ગણતા ને થોડું વાંચતા આવડતું એની અને ખીમલી ની વચ્ચે માત્ર દોઢ વર્ષ નો જ ફેર હતો માટે બન્ને ના વિવાહ પણ એક સાથે જ કરવાનું 'સાંગા આતા 'એ નક્કી કરેલું.

ઘરમાં એક કેરોસીન થી ચાલતું ભટભટીયુ હતું અને એ લઈ ને રોજ 8 કિલોમીટર દૂર સાસણ જીવલો દૂધ આપવા જતો.

જીવલો એક વાર રાજકોટ ગયેલો માટે દેવ એ જીવલા ને જોયેલો હતો માટે એને ઓળખતો પણ હતો.ફોન માં પણ જીવલા સાથે જ દર વખતે વાત થતી.

આમ, જીવલા ની રાહ જોય ને દેવ લીમડા ના ઝાડ નીચે બેઠો હતો સાત વાગ્યે ચેક પોસ્ટ ખુલવાનો સમય હતો. દેવ લગભગ પોણો કલાક થી બેઠો હતો . એટલે સાડા સાત વાગ્યા હતા, જીવલો દૂધ આપીને પાછો ફરે ત્યાં સુધી એને બેસવાનું હતું.

ચેક પોસ્ટ થી અંદર જતો કાચો રસ્તો એ જોઈ રહ્યો હતો જમણી બાજુના ખૂણે રહેલી ઓફીસ માંથી એક ફોરેસ્ટ અધિકારી બારી માંથી ફોર વ્હીલર ગાડીઓ અંદર જવા માટે ની ચિઠ્ઠીઓ આપતા હતા. ગાડીઓ સડસડાટ ધૂળની ડમરીઓ ઉડાડતી ત્યાંથી જંગલ માં પેસી જતી. થોડી ખુલ્લી જીપ લાઈન માં ઉભી હતી અમુક ભૂરિયાઓ પણ ચસ્મા લગાવીને આ જીપમાં બેઠા હતા. દેવ આ બધું જોતો હતો..

ત્યાં પોતાની પાસે અચાનક એક ટુવિલર આવીને ઉભી રઇ.કેરોસીન ના ધુમાળાની તીવ્ર ગંધ આવતી હતી..દેવ એ ગાડી તરફ નઝર ફેરવી...

(.........વધુ આવતા અંકે)

લેખક : ડો રાકેશ સુવાગિયા..

લેખન ને રીવ્યુ 9586048450 પર વોટ્સએપ કરી શકો છો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED