Khimali nu Khamir - 3 books and stories free download online pdf in Gujarati

ખીમલીનું ખમીર - 3

ખીમલીનું ખમીર 3

.... 'ખમ્મા ગ્યર ને' કેસર આઈ બોલ્યા.

' બા પહુંડું(હરણ) જ હતું. મારણ કયરુ લાગે સે ' જુઠો બોલ્યો.

દેવ ના કાંન માં એ ચીસકાર હજી ગૂંજતી હતી.સિંહ હશે? પુછાય ગયું એનાથી.

'દીપડું હયશે, સાવજ આયા માલ હોય એટલે ઠેઠ હુધી નો આવે.દીપડું જ લપાતું હાયલું આવે ' સાંગા આતા એ જવાબ ભર્યો.

તો સિંહ ક્યારેય ના આવે, અહીં સુધી???

'આવી ય જાય.. ઘણી વાર આયવો ય સે પણ લાગતું નયથ કે એ હયશે એ દીપડું જ લાગે અટાણે તો, હાવજ એકલો હોય તો આટલા માલ માં જોર નો કરે બાકી આવી ય જાય બે ચ્યાંર હોય તો...'

દેવ ના તો તોતા ઉડી ગયા. મૃત્યુ ના કાંઠે આવી ને ઉભેલા હરણ ની ચીસ પર થી ખાળી રહ્યો હતો કે એ શું અનુભવિ રહ્યું હશે?.એનો.મરણોન્મુખ સમય મનુષ્ય ને માટે હ્રદય દ્રવી મૂકે એવો હતો. ને એટલે જ કેસર આઈ ના મુખે થી ખમ્મા નીકળ્યું હોય ને.

પણ એ ખમ્મા તો ગીર ને હતું. એમાં હરણ નો તો ઉલ્લેખ પણ ન હતો. આતો દેવે વાંચેલી ધ્રુવ ભટ્ટ ની નોવેલ જેવું થયું, એને યાદ પણ આવ્યું કે એમાં પણ આઈ માતા ખમ્મા ગ્યર ને આવું જ બોલ્યા તા.પણ અહીં આ સિવાય બાકી બધું અલગ ચાલી રહ્યું હતું.

આઈ એ જૈવિક સાઇકલ ને એક ખમ્મા શબ્દ ની અંદર જ સમાવી લીધી. આજ કુદરત નો નિયમ છે એવું એ ભલી ભાતી માનતા હતા અને શાળા એ ગયા વગર આવું જ્ઞાન કુદરતે જ ઉગાડ્યું હશે ને?

આવા વિચારો ની સાથે દેવ સુવાની મહેનત માં લાગી ગયો. હા...એને ગભરામણ પણ થતી હતી, 'આય એકલું નો રેવાય આ ગ્યર છે ' આવા શબ્દો ભૂતકાળ માં એને શા માટે કહેવાયા હતા એના પણ તાળા મળવા લાગ્યા હતા.

આવતી કાલથી એને ખીમલી સાથે ત્રણ દિવસ જંગલ માં રખડવાનું હતું એ બાબતે એ થોડો રોમાંચિત પણ હતો. આતા એને સૂચવ્યું પણ હતું કે,

'તું ખીમલી અને કરણ તયણેય જાજો, આયા થી પેલે દી દાધિયા જાજો રોડે થી નો જતા,વાંહે જંગલ માં થી જ નીકળી જાહો તો મજા ય આવ સે, ઈમાય અટાણે સોમાહુ રયુ ને.....ન્યાથી પછી કમલેસર આડે ધડ નીકળી જાજો....અને હા હાયરે હાલ જો નકર ખોવાઈ જાહો, ખીમલી એ હંધુય જોયું જ સે '

સારું...દેવ સહમત થયો ને બધા એ ઊંઘ લીધી.

દેવ સૂતેલો હતો, ત્યાં એને પંખીઓ ના અવાજો અને ભેંસો તરફ થતા હાકલા સંભળાવા લાગ્યા..આંખ ખોલી ને જોયું તો સવાર પડી ગય હતી..સૂર્ય એ એના સોનેરી કપડાં ચડાવી લીધા હતા. એ દાતણ કરી નાહી ધોઇ અને કપડાં બદલી લીધા. આજ થોડા છાંટા પડતા હતા ને જોત જોતામાં થોડાક કાળા વાદળો પણ દેખાય રહ્યા હતા. જે ઉગતા સૂર્ય ને થોડો ઢાંકવા લાગ્યા હતા.

ખાટલે ટેકાવ્યું ત્યાં ખીમલી આવતી દેખાઈ. આ જ ખીમલી અવર્ણનીય હતી.દેવ સાથે જવા એ તૈયાર થઇ હતી.દેવ એની સામે જોતો જ રહી ગયો.

એના ખુલ્લા વાળ ના છેડે પાણી ના મોતિયા બાજયા તા, જીમી ને કપડાં ની વચ્ચે થી પાતળી કમર દેખાતી હતી અને એના કેડે કનદોરો પણ દેવે ધારી લીધો હતો.બેય હાથ માં સરસ બંગળી ઓ અને બાજુબંધ. કાન માં બેય બાજુ ઠોરિયા પહેર્યા હતા. નાથ માં નાનકડી નથ. દાઢી પર નાનું છૂંદીયા નું ટપકું અને નેણ વચ્ચે કાળી ભ્મમર નાનકડી બિંદી હતી. જેવા તેવા તો પ્રેમ માં પડી જાય એવી એની પાત્રતા દેવ ના મન માં હતી.અને દેવ તો એના મનોવૃત થી પણ પ્રભાવિત હતો પણ એને ક્યાં ખબર કે આ છોકરી ના વ્યવહાર માં એ તરબોળ થઈ જવાનો છે.

કરણ ને ય સાથે લેવાનો હતો.એ પણ તૈયાર થઇ ગયો હતો.બધા એ સીરામણ કરીને, પછી દેવે પોતાની બેગ તૈયાર કરી લીધી. એક પાણી ની બોટલ, નાનકડું ચપ્પુ, થોડા બિસ્કીટ, સુતરી દોરી ( એક તો શું કામ લીધી હશે એને પણ ખ્યાલ નોતો), અને ટોર્ચ

બાકી ની થોડી જરૂરિયાત ની ચીજો લઇ ને દેવ તૈયાર થઇ ગયો. સાંગા આતા બે લાકડીઓ લઇ ને આવ્યા આ લાકડી ઓ પણ સરસ રીતે તૈયાર કરેલી હતી. વાંસ માંથી શેકીને બનાવેલા દાઝ ના નિશાન હતા અને વચ્ચે વચ્ચે ગાંઠ પર સ્પાઇરલ આકાર માં ટાઈટ પાતળી દોરી બાંધી ને શણગાર કર્યો હતો ખરેખર એ લાકડી ફાટે નઈ એ માટે હોય પણ દેવ એને માત્ર શણગાર જ સમજી શક્યો.

ખીમલી આતા ને પગે લાગી ને આગળ ચાલી આતા એ પણ ત્રણેય ને માં પીઠળ ને ખોડલ રખોપા કરે એવા આશીર્વાદ આપ્યા.

આલાવાણી જયા તેઓ મુખ્ય રસ્તા પર થી આવ્યા હતા ત્યાંથી જવાનું નોતું એ લોકો પાછળ બીજો જંગલ માં રહેલો આદેધડ કેડો પકડવાના હતા. જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું.

દેવ ને દુહાઓ ગમતા ને કરણ પણ એની શૈલી માં દુહાઓ ફટકારી રહ્યો હતો એના પર જ દેવ ના કાંન હતા...

"હે....રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય"

સિંહની ખાનદાની કરણે આ માં જ વર્ણવી દીધી.

થોડું ચાલતા ઉઘાડો થોડો પટ આવ્યો એમાં જ્યાં જુઓ ત્યાં નાના નાના ઝાડ હતા.દેવ બોલ્યો તમારી ભેંસો ને ખાવાનું ઘણું છે.

' હું ખાય બિસારી... નિહાપા નાખે...આ કુવાડીયા ને કોણ ખાય? નો ભેહુ ખાય કે નો પહુડા કે રોઝડા ખાય' ખીમલી બોલી.

દેવ ને ખબર હતી કે આને કુવાડીયો કેવાય પણ એ નોતો જાણતો કે ઢોર આને ખાય નહીં.

તો..પછી આ તો જગ્યા રોકે ને?

' જગા તો ઠીક પણ ગ્યર પર બધા માલ ચરાવા જય તો ગ્યર એ ય બિસારી સુ કરે? ઉગાડ્યો કુવાડીયો..લ્યો ખાય સકો તો ખાવ તમતમારે...હા આના બી પાકે ને તઈ વપરાય.'

ખીમલી ની વાત માં કરણ બોલી ઉઠ્યો કે

' હા..મને એક વાર ધાધર થઈ ન તો આતા એ આના બી છાઇસ માં વાટી ને ચોપડી દીધા તા..મટી તો ગયું પણ બ્વવ બરે....આહુડા આવી જાય બાપલીયા '

કરણ ની વાત થી દેવ ને નવી જાણકારી પણ મળી.અને ખીમલી ની વાત કરવાની અદા વધુ પસન્દ આવવા લાગી હતી.

થોડાક દૂર ચાલ્યા તો હરણ નું એક ટોળું દેખાતું હતું. આ લોકો ના થોડા અવાજ થી હરણ બધા આ લોકો ને તાકી રહ્યા હતા અને જો નજીક આવે તો ભાગવાની તૈયારી હોય એમ ઉભા તા.

ખીમલી બોલી ' પહુડા નો ઘેરો સે...મૂંગા હાલજો અવાજ ન્યો કરતા નકર ખાધું મૂકી ને ભાગી જાહે..થોડોક બિકણો જીવ છે પણ હું કરે ગ્યર માં બધા ય આવી ને એને હખ નથી લેવા દીધું તો બિવે જ ને બીસારા. પાંહે ઘરી ઘરી ને ફોટા પાડવાની સુ જરૂર સે?..કિમેરો લેવાના ફદીયા આયવા પણ ભેજા માં એટ્લુય નો આયવું કે આ ય જીવ છે "

ખીમલી નો પ્રાણી પ્રત્યે પ્રેમ દેખાઈ રહ્યો હતો અને દુઃખ પણ હતું.

'જ્યાં આવે ન્યા રોડ કરી મેલ્યા, ગ્યર ને ઉઘાડી મેલી હાવ.. જીવ બિસારું જાય તો જાય ક્યાં??'

હવે જરાક ગુસ્સા ના ભાવ દેખાતા હતા. અને દેવ પણ જાણવા લાગ્યો તો કે ગીર આ લોકો ને લીધે જ ટકી છે. આવી વિચારશક્તિ ક્યાંય નિશાળ માં તો નથી શીખવવામાં આવતી, તો પછી હોશિયાર કોણ આ મોટી મોટી ડિગ્રીઓ વાળા કે પછી મારી ખીમલી?

આ મન માં થયેલા પ્રશ્ન માં જ દેવ થી ખીમલી માટે 'મારી' ખીમલી બોલાય ગયું..અને કેમ ના પણ બોલાય એની આટલી ઉદારતા કુદરતે જ ખીલવી છે ને. પોતે શહેર માં રહેલો એટલે ત્યાંના લોકો માં તો ક્યારેય આવું જોયુ નહોતું. બધા ને ગીર માં ફરવા જવાનો શોખ હતો. પણ કોઈ ને એનું માન કરતા નોતું આવડતું. મન પણ પોતાની મજા શોધતું અને કોઈ ક્યારેય આ ગીર ના અંશો ની વિચાર કે લાગણીઓ ને પ્રાધાન્ય આપતું ન હતું. દેવ ના તો મન માં આ બધું વિચારી ને નફરત ના તરંગો ઉડવા લાગ્યા હતા.

હેરણ આવી ગઇ, કાંઠે બધા બેઠા થોડી વાર અને સાથે લીધેલો થોડો નાસ્તો કર્યો.ખીમલી ના ભાવો હવે થોડા બદલાયા હતા.એ તો મન મૂકી ને હિરણ નદી ની સુંદરતા ને માણી રહી હતી..મૂંગા મોઢે હિરણ ની ફરતે રહેલી વનરાજી જોઈ રહી હતી. ચોમાસા માં ગીર સોળે કળા એ ખીલી ઉઠે અને એની સુંદરતા અદભુત હોય. લીલા પર્ણો ફૂટેલા સાગ ચારે બાજુ હતા.નીચે લીલું ઘાસ પથરાયું હતું. જંગલ માં ઊંડે જતા કુવાડીયા નો પ્રકોપ થોડો ઓછો જોવા મળતો. સાગ પર વેલા ઓ પણ દેખાતા હતા. ક્યાંક ક્યાંક મીંઢળ અને કારખીડો તો ચારે બાજુ હતો. કરમદી ના ઢૂંવાઓ પણ ઘણા હતા. કરંજ અને જાંબુ પણ દેખાતા હતા.આટલી સરસ વનરાજી માં ક્યાંયક લીમડો અને ગળા ના વેલાંઓ પણ હતા.કારીખડા ના સફેદ ફૂલો સુંદરતા વધારતા હતા. વચ્ચે વચ્ચે દુધલો પણ આવતો.

એ લોકો થોડા બેસી ને પછી આગળ ચાલતા થયા.અચાનક ખીમલી ની નઝર ઉપર ઝાડ પર ગઈ.એ તો સાઈડ માં થઇ ને દેવ અને કરણ ને નજીક આવવા ઈશારો કર્યો.

ઝાડ પર જોતા દેવ ની નઝર ફાટી ગઇ. એને ક્યારેય આવું જોયું નહોતું. એ લાગણીવશ થઇ ને ઉભો રહ્યો. ઝાડ પર હરણ નું માંસ ના થોડા લોંન્દા વાળું હાડપિંઝર લટકતું હતું. દેવને આશ્વર્ય એ વાત નું હતું કે આ ઝાડ પર પહોંચ્યું કઈ રીતે. એ પૂછી પણ બેઠો.

' દીપડું...તે દી રાડો પાડી એ આ જ મારણ ની હયશે, દીપડું મારણ ને ઝાડ પર લઇ જય ને જ ખાય એટલે બીજા કોઈ ભાગ નો પડાવે ને..' ને હા..દીપડું પાછું ઉન્ધે મોઢે ઝાડ પર ચડી જાય મારણ ને લઇ ને...'ખીમલી એ સમજાવ્યું.

આ સાંભળી દેવ તો એની શક્તિ નું અનુમાન જ લગાવતો રઇ ગયો.

ખીમલી નીચે કૈક બતાવતા બોલી..'જો આ એના હગડ(પગ ના નિશાન) ને લીહોટો ઈ આમ હેરણ ના કાંઠે થી ઢસડી ને લાયવો હશે'.

કેસર આઈ ને જુઠા ના વાક્યો તે રાતે થયેલું અનુમાન સાચું હતું. દેવ ના હાથ માં રહેલી લાકડી ને એણે આ બધૂ જોઈ ગભરાટ માં જ ટાઈટ મુઠ્ઠી વાળી દીધી.

' દીપડું બોવ સાતર(ચતુર) જનાવર, ઈ તમી બેઠા હોય તો આખો દિ આઘે થી જોયા કરે ને પછી જો માલ નું કે પહુડા નું કે પછી માણહ નું બસ્સુ જરાકે ય આઘું પાછું થાય તો ગયું. એ બોસી પકડી ને દબાવે એટલે એનો ભવ તો પૂરો '

ખીમલી ના વાક્યો થી દેવ ને જરા ફાળ પડી.ખીમલી આમાં જ મોટી થયેલી ને એના મોઢા પર તો જરા પણ ડર ના ભાવ સુદ્ધા ય ન્હોતા.

તે ક્યારેય જોયેલું દીપડા ને ??

'હા તે જોયેલું જ હોય ને....' ખીમલી આખી વાત કહેવા મંડી જાણે દેવ ની આંખે આખું ચિત્ર ઉભું થઇ ગયું પોતે પણ જરા ભાવ વિભોર થઇ ગય.'

"હું ને આતા ભેંહુ માં હતા.અમી કાઠિતળ કોઇર(બાજુ) ચરાવતા તા. અમારી ગાય 'મુસ્કાન ' એ વાછડી હતી તય થી જ અમારી પાંહે એટલે અમને બોવ વાલી. એ વિહાણી અને એક લાંબા કાન વાળી વાછળી ને જન્મ દીધો. એનું નેમ હતું 'હેમુ'.મને બોવ વાલી. એનું ખડ કાપવા થી લઇ ને બધું ય કામ હું કરતી. કંયક હું હટાણું કરવા સાસણ ગઈ હોય તોય આખો દિ' ભામ્ભરડા નાખી જાય ને પાછા આહુડા ય દડ દડ હાલ્યા જતા બિસારી ને. એ થોડીક હાલવા શીખી ને તો અમી ઈને ઝોક બારી કાઢતા ને એક વાર કાઠિતળ કોયર એને ચરાવા ભેહુ ભેગા લઈ ગયા.આતા તો ના પાડતા, પણ મેં કીધું કે એની માં અને આટલી ભેહુ ભેગી સે ને એટલે ઈને કાય નો થાય.એ'મ કરી ને ઈને હારે લીધી.ઈ તો આમ પેલી વાર સૂટ માં નીકળી તી ત્યાં તો એ ખબર નય ધોડતી ને આમ તેમ ભમરા લેતી તી, ત્યાં અમને મન માં ય નઈ દીપડું ન્યા જ બેઠું હશે. જરાક એની માં થી આઘી થઇ ને ઉપાડી લીધી. અમે ધોડ્યા ને બીજો માલ પણ ઈની હામેં થયો. પણ ડોકી ઉપર ને બયડે બધે ય નોર(નખ) બેહાડી દીધા તા બિસારી ને..સોડાવી તો લીધી પણ બોવ દુઃખી થઇ ને એનો જીવ ગયો.આતા ને હું દસ દી હુધી એને લીમડા ના પાન ને પાણાં ફાળ(વાનર પૂછ કે ઘાબૂરી) ની લૂગદી લગાડતા તોય મેડ નો આયવો ને મૂંગું જીવ અમને મૂકી ને ગ્યું."

આ વાત કરતા જ ખીમલી જરાક ઝાંખી પડી.

દેવ તો નિશબ્દ થઇ ને ઉભો રહ્યો.એની આખો સામે જેમ આખી ઘટના ઘટી ગય હોય એમ એ જોતો રહ્યો.

ત્રણેય એ પાણી પીધું ને જરાક બેસી લીધું.

કરણ જરા ઢીલો પડી ગયો હોય એવું લાગતું હતું.અને જરા લન્ગડાઈને ચાલતો હતો પણ એને શું થયું એ કોઈ ને કીધું ન હતું.

જરા એના ચહેરા પર દુખાવા ના ભાવો પણ હવે દેખાતા હતા.

ખીમલી એ પૂછ્યું " કિમ લન્ગડાય સે, ? પોપટ પાયળો સે ને? હું લાયગુ કે તો?

કરણ નાનો હતો પણ માલધારી મરદ ને એટલે એણે અત્યાર સુધી કોઈ ને કીધું નોતું. પણ ખીમલી ના પ્રેમાળ ગુસ્સા સામે એને બોલવું પડ્યું.

"ત્રયણ દી પેલા,ભેંહુ માં ગયો તો કરમદી નો કાંટો ઘરી ગયો તો. મેં કાટો તો કાઢી લીધો સે પણ તોય આજ હાલ્યો ને એટલે દુખતું હશે"કરણ એ જવાબ ભર્યો.

અને પગ ઊંચો કરી ને ખીમલી ને તળિયું બતાવ્યું

'આ તારો ડોહો.. પાકી ગયો સે..વેલું નોતું ફટાતું, અણી અંદર રય ગય હયશે, એટલે રસી થયા ને હવે રસી ભેગી નીકળસે'

ખીમલી નો આ અંદાજ જ દેવ ને મોહી દેવા માંટે કાફી હતો.

કરણ જરા ડઘાય ગયો.પણ ધીમે ધીમે ચાલી ને આગળ વધવાનું ચાલુ રાખ્યું.દેવ અને ખીંમલી પણ જરૂર પડ્યે કરણ ને મદદ કરતા ને એક લાકડી એની પાસે હતી એના ટેકે એ ચાલતો હતો.વચ્ચે થી લીમડા ના પાન અને ગળા ના વેલા પણ તોડી લીધા હતા.

દાધિયા હવે નજીક હતું અને બપોર ના પાંચેકક તો વાગી ગયા હતા. હવે એ લોકો હિરણ ઓળંગી ને ફરી સામે કાંઠે આવી ગયા હતા. કદાચ અડધો કલાક માં પહોંચી જવાશે આવું ખીમલી નું અનુમાન હતું.તેઓ પોરો ખાવા બેઠા.

કરણ જરા વધુ બીમાર હોય એવું જણા્યું. ખીમલી એ એને અડ્યો તો એ ખુબ ગરમ હતો

'રખ રખે સે આખો..તાવ ભરાય ગયો સે..'

ખીમલી એ સુચવ્યું 'ઝટ પુગવું જોયસે.' જેમ તેમ કરી એ લોકો દાધિયા પહોંચ્યા. આજ તો દેવ ના દાદાનું ઘર જોવા જવાનો ય વેંત નોતો. ખીમલી ઓળખતી તી એ લખમણ આતા ને ઘેર ગયા. ખીમલી એ લીમડા ની લૂગદી ઘા પર લગાવી કપડું બાંધી દીધું.અને ગળો વાટવા લાગી.સાથે દેવ ને કહ્યું પણ કે 'તાવ ની માં સે આ'. કરણ ને ગળો નો રસ પીવડાવી ને સુવડાવ્યો બધા એ થોડું થોડું જમ્યું.પણ એની તબિયત વધુ બગડતી હતી તાવ ઉતરવાનું નામ નોતો લેતો.પોતા મુક્યા તોય પરસેવો જ નો વળે ને.

એ હવે તાવ ના લીધે બબડતો પણ હતો.બધા એની પાસે જ બેઠા હતા. ખીમલી અને દેવ ના મોઢા પર ચિંતા સ્પષ્ટ પણે દેખાતી હતી. લખમણ આતા એ કહ્યું કે 'માતાજી છે ને બટા તું તારે ચ્યન્તા ના કયર '

દેવ એ આ બાબત ની જાણ સાંગા આતા ને કરવા ફોન કર્યો પણ જવાબ સાંભળી દેવ આશ્વર્યચકિત થઇ ગયો...!!!

સાંગા આતા ના એવા તો શું શબ્દો હતા?? આ શબ્દો ને શું અંધશ્રદ્ધા ગણવી?? કરણ નું શું થશે?? પોતે આગળ જવું કે નઈ?? કરણ ને એકલો આ લોકો પાસે છોડાય કે નહીં??

આ અવઢવ માં પડી રહ્યો....

સાંગા આતા નો જવાબ હતો.કે.... (વધુ આવતા અંકે....)

લેખક : ડો રાકેશ સુવાગિયા..

લેખન ને રીવ્યુ 9586048450 પર વોટ્સએપ કરી શકો છો, ખુબ ખુબ આભાર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED