Veer Abdul Hameed books and stories free download online pdf in Gujarati

વીર અબ્દુલ હમીદ - પરમવીર ચક્ર વિજેતા

Untold war stories

પરમવીર ચક્ર વિજેતા વીર અબ્દુલ હમીદ

"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...

દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈં.."

કોઈ એવા વીર હોય છે જે પોતાના જીવ ની પણ પરવાહ કર્યા વિના માતૃભૂમિ ની રક્ષા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી દે છે..આવા જ ભારત માતા ના એક સાચા સપૂત અબ્દુલ હમીદ ની આ શોર્યગાથા આપ સૌ માટે અહીંયા પ્રસ્તુત છે.

અબ્દુલ હમીદ નો જન્મ ૧ જુલાઈ ૧૯૩૩ ના રોજ ઉત્તરપ્રદેશ ના ગાઝીપુર જિલ્લાના ધરમપુર નામક એક નાનકડા ગામ માં થયો હતો..પિતા મોહમ્મદ ઉસ્માન પોતાના પરિવાર ના ગુજરાન માટે દરજીકામ કરતાં હતાં.ભારત દેશ ની આઝાદી અને ભારત પાકિસ્તાન ના ભાગલા અબ્દુલે યુવાનાવસ્થા માં જોયા હતાં.

નાનપણ થી જ અબ્દુલ ના માં દેશ માટે કંઈક કરી ગુજરવાની ભાવના હતી..એક મુસ્લિમ હોવા છતાં પણ અબ્દુલ પોતાની જન્મભૂમિ ભારત ની ને સ્વર્ગ થી પણ વધુ ચડિયાતી ગણતો.પિતાજી ની ઈચ્છા હતી કે અબ્દુલ સિલાઈ કામ શીખે પણ અબ્દુલ નું મન સિલાઈ કામ માં નહોતું લાગતું.એને તો દાદા અને પિતા ના જેમ કુસ્તીના દાવ માં રસ હતો.ક્યારેક નદી ના ગતિમાન પ્રવાહ માં એક કિનારા પર થી બીજા કિનારા પર જવું તો ક્યારેક ગિલોલ ના અચૂક નિશાન ની પક્ષીઓ ને ભગાડવા અબ્દુલ ને બહુ પસંદ હતું.

આ સિવાય જરૂરિયાતમંદ વ્યક્તિ ની મદદ કરવાનો ગુણ અબ્દુલ ને બીજા થી અલગ બનાવતો હતો.ગામ માં આવેલ પુર વખતે નદી ના ધસમસતા પ્રવાહ માં ડૂબતી બે છોકરીઓ ને બચાવી અબ્દુલે પોતાની હિંમત નો પરચો આપ્યો હતો.આ ઉપરાંત ગામ માં એક ગરીબ ખેડૂત નો ઉભો પાક લઈ જવા જ્યારે જમીનદાર ના પચાસ માણસો આવ્યા ત્યારે એકલા હાથે એ બધા સાથે લડીને અબ્દુલે એ બધાં ને ધૂળ ચાટતા કરી દીધા હતાં અને પેલા ગરીબ ખેડૂત ના જીવવાનો આધાર સમાન પાક બચાવી લીધો હતો.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૨૧ વર્ષ ની યુવા ઉંમરે અબ્દુલ હમીદ રેલવે ની નોકરી માં જોડાયા..પણ જેનું મન ભારત માતા ની સેવા માટે પળેપળ વિચારી રહ્યું હોય એને બીજું કંઈ સૂઝે પણ કઈ રીતે..??વીર અબ્દુલ હમીદ પણ થોડાં દિવસ રેલવે ની નોકરી કર્યા બાદ દેશ સેવા માટે આર્મી માં જોડાઈ ગયાં..જ્યારે આર્મી ના યુનિફોર્મ માં સજ્જ અબ્દુલ પોતાની જાત ને અરીસા માં નિહાળતા ત્યારે એમના ચહેરા ની ચમક વધુ નિખરી ઉઠતી.

શરૂવાત ના દિવસો માં અબ્દુલ નું પોસ્ટિંગ જમ્મુ અને કાશ્મીર માં થયું..આઝાદી ના વધુ વર્ષો વીત્યાં ન હોવાથી કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હમેશા તણાવ ભરી સ્થિતિ બની રહેતી.જમ્મુ કાશ્મીર માં ઘૂસણખોરી ને રોકવા કાર્યરત જવાનો ની સાથે અબ્દુલ હમીદ ને જોડાવાનું કહેવામાં આવ્યું.

બસ પછી તો શું...જ્યારે જ્યારે અબ્દુલ હમીદ ના વિસ્તાર માં પાકિસ્તાન તરફ થી કોઈ ઘૂસણખોરી થતી ત્યારે ઘૂસણખોરો ની છાતી માં અબ્દુલ હમીદ ની બંદૂક માં થી છુટેલી ગોળી થી રક્તરંજીત થઈ જતી.એકવાર અલગાવવાદી નેતા ઈનાયત અલી પોતાના નાપાક મનસૂબા સાથે પાકિસ્તાન માં થી ભારત આવી રહ્યો હતો ત્યારે એ અબ્દુલ હમીદ ના હાથે ચડી ગયો..આતંકવાદી ગણાતા ઈનાયત અલી ને એકલા હાથે પકડી અબ્દુલ હમીદ બધાની શાબાશી ના પાત્ર બન્યાં.. એમની આ વીરતા ના લીધે એ સુબેદાર માં થી લાન્સ નાયક બની ગયાં.

અત્યાર સુધી ભારત પાંચ યુદ્ધમાં લડયું છે..૧૯૪૮,૧૯૬૫,૧૯૭૧,૧૯૯૯ માં પાકિસ્તાન સાથે અને ૧૯૬૨ ની સાલ માં ચીન સામે.વીર અબ્દુલ હમીદ એવા ગણતરી ના ઓફિસરો માં હતાં જેમને બે વાર યુદ્ધ માં પોતાની જાન ની બાઝી લગાવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો.આર્મી માં તો કહેવાય છે કે જે સૈનિક ને પોતાની કારકિર્દી દરમિયાન યુદ્ધ માં ભાગ લેવા ના મળે એને અફસોસ રહી જાય છે દુશ્મનો ને મૃત્યુ ના અંજામ સુધી પહોંચાડવાનો.

૧૯૬૨ ના ચીન સામે ના યુદ્ધ માં ભારત અનેક મોરચે પરાજિત થયું અને ભારત ને પોતાનો એક લાખ ચો.કીમી ક્ષેત્રફળ નો પ્રદેશ ચીન ને આપી દેવો પડ્યો.ચીન સામે નું યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે વીર અબ્દુલ હમીદ પણ પોતાની પોસ્ટ પર દુશ્મનો સાથે લડી રહ્યાં હતાં.ચીની સૈનિકો એ એમના નાનકડા દળ ને ચારે બાજુ થી ઘેરી લીધું..બચવાનો કોઈ ઉપાય હવે લાગતો નહોતો.છતાંપણ અબ્દુલ હમીદ અને એમના સાથીદારો એ ચીન ના સૈનિકો નો ભરપૂર લડત આપી..એક પછી એક સાથીઓ શહીદ થતાં રહ્યાં પણ અબ્દુલ હમીદ લોહીલુહાણ હાલત માં પણ લડતા રહ્યાં.આખરે જ્યારે ગોળીઓ ખૂટી ગઈ ત્યારે બરફ માં છુપાતા એ ચીની સૈનિકો ને થાપ આપી ભાગવામાં સફળ રહ્યા..ચીની સૈનિકો પણ આ વીર ની હિંમત ને સલામ કરતાં રહી ગયાં.

થોડા દિવસ ની સારવાર બાદ અબ્દુલ હમીદ પાછા આર્મી માં જોડાઈ ગયાં.. ચીન સામે ના યુદ્ધ માં ભારત ની થયેલી હાર થી એ વ્યથિત હતાં.. પોતે આ યુદ્ધ માં પુરી બહાદુરી થી લડયાં છતાં પણ કંઈક કસર બાકી રહી ગઈ છે એવું ભારત માતા ના આ પનોતા પુત્ર લાગતું હતું.

૧૯૬૫ ની સાલ આવતાં આવતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નો તણાવ ખૂબ જોર પર હતો..યુદ્ધ ગમે ત્યારે થવાની અણી પર હતું..ભારત શાંતિપ્રિય દેશ હોવાથી પાકિસ્તાન હુમલો કરશે તો જ સામે જડબાતોડ જવાબ આપવાની રણનીતિ અપનાવી ને બેઠું હતું.

૨૦ માર્ચ ૧૯૬૫ ના દિવસે પાકિસ્તાન દ્વારા ભારત હસ્તક કચ્છ ના રણ ના વિસ્તાર પર છાશવારે અટકચાળા કરવાના શરૂ કરી દીધા..શરૂવાત માં સીમા સુરક્ષા દળ વચ્ચે ના તકરાર પછી બંને દેશો ની આર્મી એ એમાં ભાગ લીધો..સ્થિતિ વધુ વણસે એ પહેલાં બ્રિટિશ વડાપ્રધાન હેરોલ્ડ જેક્સને ૧ જૂન ૧૯૬૫ ના દિવસે મધ્યસ્થ અદાલત ની રચના કરી યુદ્ધ ની સ્થિતિ અટકાવી દીધી..મધ્યસ્થ અદાલતે પણ ૯૦૦ વર્ગ કીમી જેટલો પ્રદેશ પાકિસ્તાન ને આપી એમના તરફી ચુકાદો આપ્યો.

પાકિસ્તાની પ્રજા અને આર્મી ઓફિસરો આના લીધે ખૂબ ખુશ હતાં..વિદેશમંત્રી જુલ્ફીકાર અલી ભુટ્ટો એ એ સમય ના પાકિસ્તાની રાષ્ટ્રપતિ આયુબખાન પર ભારત પર હુમલો કરવાનું દબાણ કર્યું જેને પાકિસ્તાની સેના ના બે ઉચ્ચ ઓફિસર એવા આહ્યા ખાન અને ટીક્કા ખાને પણ સમર્થન આપ્યું.એમનું માનવું હતું કે ૧૯૬૨ ના ચીન સામે ના યુદ્ધ પછી ભારત તરત જ બીજું યુદ્ધ કરવા સક્ષમ નથી.એમના દબાણ સામે આયુબ ખાન ઝૂકી ગયાં અને ભારત સાથે યુદ્ધ કરવાની એમની વાત નો સ્વીકાર કરી લીધો.

ભારત સામે ના આ યુદ્ધ અભિયાન ને જીબ્રાલ્ટર યુદ્ધઅભિયાન નામ આપવાનું પાકિસ્તાન દ્વારા નક્કી થયું..જે મુજબ ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ ના દિવસે નાપાક ઈરાદા વાળા પાકિસ્તાને ૨૫-૩૦ હજાર કાશ્મીરી પોશાક માં સજ્જ સૈનિકો ને ભારત ની સીમા માં મોકલી યુદ્ધ ની શરૂવાત કરી દીધી.!!

૧૯૪૭-૪૮ ના યુદ્ધ માં ભૂંડી રીતે હાર્યા બાદ આ વખતે પાકિસ્તાન કોઈ કસર છોડવા માંગતું નહોતું..એ સમયે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો હોવાથી અમેરિકન આર્મી એ પાકિસ્તાન આર્મી ને પેટન્ટ ટેન્ક ભેટ આપ્યાં હતાં..આ પેટન્ટ ટેન્કો ને લોખંડ નો દૈત્ય કહેવામાં આવતો. પાકિસ્તાન આર્મી ના ઉચ્ચ ઓફિસરો ને વિશ્વાસ હતો કે આ ટેન્કો એમને યુદ્ધ માં અવશ્ય વિજય અપાવશે.

શરૂવાત માં પાકિસ્તાની આર્મી વિજય ની સ્થિતિ માં હતી પણ તે સમય ના ભારતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ ભારતીય જવાનો ને પાકિસ્તાની સેના ને મુંહતોડ જવાબ આપવા સુસજ્જ થઈ જવાનું કહ્યું..પછી ચાલુ થયો ખરા ખરી નો જંગ.બે કટ્ટર પ્રતિસ્પર્ધી એવા બે પાડોશી દેશો ના સૈન્ય એકબીજા ને હંફાવવા માં લાગ્યાં હતાં.આ યુદ્ધ માં નેવી નો કોઈ રોલ રહેવાનો નહોતો અને વાયુસેના પણ મહદઅંશે જરૂર હોય ત્યાં જ સક્રિય રહી હતી..એટલે કોની આર્મી(થલ દળ)જેવું પરાક્રમ બતાવે એના પર હાર કે જીત નો સીધો આધાર હતો.

યુદ્ધ ના બ્યુગલ વાગી ગયાં હતાં અને ગમે ત્યારે પોતાને આ યુદ્ધ માં કોઈ મોરચા પર લડવા જવું પડી શકે છે એ જાણતાં અબ્દુલ હમીદે પોતાના ભાઈ જુન્નન ને પત્ર લખ્યો જે આ મુજબ હતો.

"જુન્નન યુદ્ધ ની તૈયારીઓ થઈ રહી છે..તને ખબર છે પલટન માં એ સૈનિક નું બહુ માન હોય છે જેને કોઈ વીરતા ચક્ર પ્રાપ્ત થયું હોય..આ યુદ્ધ માં હું ચોક્કસ કોઈ ચક્ર જીતી ને આવીશ..."

એ સમયે પાકિસ્તાન ને અડીને આવેલા પંજાબ ના તરન તારન જિલ્લા ના ખેમકરણ સેકટર તરફ પાકિસ્તાની સેના આગળ વધી રહેવા ના સંદેશ ભારતીય ગુપ્ત એજન્સી ને મળ્યાં હતાં..આર્મી ના ઉચ્ચ ઓફિસરો એ તાત્કાલિક અબ્દુલ હમીદ ને ખેમકરણ સેકટર પહોંચવા નો હુકમ કરી દીધો..હુકમ મળતાં જ વીર અબ્દુલ હમીદ એક પળ નો પણ વિલંબ કર્યા વિના પોતાની ટુકડી સાથે ખેમકરણ સેકટર પહોંચી ગયાં.

અબ્દુલ હમીદે જોયું તો દુશ્મન સેના ના સેંકડો સૈનિકો ખેમકરણ સેકટર ની નજીક આવેલા ઉસલ ઉતાળ ગામે પહોંચી ગયાં હતાં..સૈનિકો ની સાથે હતી અમેરિકન બનાવટ ની પેટન્ટ ટેંન્કો નો મોટો જથ્થો..આગળ જણાવ્યું એમ આ પેટન્ટ ટેંન્કો પાકિસ્તાની લશ્કર ની તાકાત માં વધારો કરી રહી હતી.એમાં થી છૂટતા ગોળા ના અચૂક નિશાના થી બચવું લગભગ તો અશક્ય હતું.

ભારતીય સૈનિકો સૈન્ય ની દ્રષ્ટિ એ પણ જુજ સંખ્યામાં હતાં અને એમની જોડે રહેલો શસ્ત્ર સરંજામ પણ બહુ ઓછી માત્રા માં હતાં. ઇન્ડિયન આર્મી જોડે હતી તો સામાન્ય કક્ષા ની કહી શકાય એવી થ્રી નોટ થ્રી રાયફલ.. જેને લોડ કરી ફાયરીંગ કરવામાં સારો એવો સમય પસાર થઈ જતો..બીજા હથિયાર માં હતી એલ.એમ.જી જેની તીવ્રતા અને મારક ક્ષમતા થ્રી નોટ થ્રી કરતાં તો વધુ હતી પણ પેટન્ટ ટેંન્કો નો મુકાબલો કરવા માટે તો નિમ્ન સ્તર ની જ હતી..બીજા હતા થોડા ઘણા હેન્ડ ગ્રેનેડ..બસ આટલા હથિયારો થી દુશ્મનો ને પોતાની માં સમાન માતૃભૂમિ પર આગળ વધતા રોકવાના હતાં.

યલગાર થઈ ચૂકી હતી..શસ્ત્રો ઓછાં હતાં પણ હોંસલો બુલંદ હતો ભારતીય સૈનિકો નો..દરેક સૈનિક હવે માથે કફન બાંધી ને તૈયાર હતો શત્રુઓ નો મુકાબલો કરવા માટે..દેશ માટે શહીદ થઈ જવાના મક્કમ ઈરાદા સાથે આપણા સૈનિકો લાગી ગયાં પાકિસ્તાની સૈન્ય નો મુકાબલો કરવા માટે.

"બહોત કમ હી લોગો કે હિસ્સે મેં એ હસીન મુકામ આતા હૈ...

ખુશનસીબ હોતે હૈ વોહ લોગ જીનકા ખુન દેશ કે કામ આતા હૈ.."

જીત ના ઈરાદા સાથે મેદાન માં લડતી અને અભિમાન માં ચૂર પાકિસ્તાની આર્મી ને ખબર નહોતી કે એમનો કાળ થઈને ભારત માતા નો એક વીર સપૂત એમના માથે ભમતો હતો..પોતાની ટુકડી ને પોતાના વક્તવ્ય થી જોશભેર બનાવી વીર હમીદ પોતાની "ગન માઉન્ટેડ જીપ" પર બેસી ને ઉતરી પડ્યાં પેટન્ટ ટેંન્કો નો મુકાબલો કરવા માટે..ધન્ય હતી એ માં જેને આવા સાવજ ને જન્મ આપ્યો હતો..જેને અત્યારે એક જ વાત દેખાતી હતી કે કઈ રીતે આ દુશ્મનો ને અહીં થી દૂર નર્ક ના દ્વાર સુધી પહોંચાડી દઉં.દૈત્ય આકાર ની પેટન્ટ ટેંન્કો સામે ટક્કર લેવા નાની એવી "ગન માઉન્ટેડ જીપ" સાથે સામી છાતી એ લડવું એતો કોઈ વીર નું જ કામ હતું..અને અબ્દુલ હમીદ તો મહાવીર હતાં.!!

નાનપણ માં ગિલોલ વડે પાક ને નુકશાન કરતાં પક્ષીઓ ને ઉડાડવા માં ગિલોલ થી નિશાન લગાવવાની કળા માં હમીદ પાવરધા હતાં.. અને બંદૂક વડે પણ એમના લગાવેલ નિશાન અર્જુન ની જેમ સચોટ હતાં. પહેલાં તો પાકિસ્તાન ટુકડી ના કમાન્ડર ને હમીદ નું "માઉન્ટેડ જીપ" લઈને પેટન્ટ ટેંન્કો નો આમ મુકાબલો કરવાની વાત સાહસ કમ દુઃસાહસ વધુ લાગ્યું..કેમકે સોય વડે હાથી ને મારવા જેવું કામ એક વ્યક્તિ કઈ રીતે કરી શકે એમ વિચારી એમને અબ્દુલ હમીદ ની આ હરકત પર હસવું આવી રહ્યું હતું.

અચાનક એક ઘટના એ પાકિસ્તાની કેમ્પ માં હડકંપ મચાવી દીધો..વાત એમ બની કે પોતાની માઉન્ટેડ જીપ પર રાખેલી રોલિંગ ગન માં થી છોડવામાં આવતી ગોળીઓ ના અચૂક નિશાન થી અબ્દુલ હમીદે બે પેટન્ટ ટેંન્કો ને નેસ્તાનાબુદ કરી દીધી.અબ્દુલ હમીદ ને ખબર હતી કે ભવિષ્ય માં એમનો મુકાબલો યુદ્ધ માં આ પેટન્ટ ટેંન્કો સાથે થવાનો છે એટલે જ અમેરિકન બનાવટ ની આ ટેંન્કો નો કયો ભાગ પ્રમાણ માં નબળો છે એની અબ્દુલ હમીદે જાણકારી એકઠી કરી રાખી હતી અને એ મુજબ આ પેટન્ટ ટેંન્કો ના નબળા ભાગ પર એક પછી એક ગોળી ઓ ચલાવી એનો નાશ કરી દીધો..બે ટેંન્કો નો કાટમાળ અત્યારે સળગી રહ્યો હતો.

જ્યારે પાકિસ્તાની ઓફિસરો એ જોયું કે આ એક સૈનિકે સામાન્ય લાગતી ગન વડે એમની બે ટેંન્કો ને ઉડાડી દીધી છે ત્યારે આ ઇન્ડિયન આર્મી નો ઓફિસર કોણ છે એ જાણવાની એમને કોશિશ કરી..અને જ્યારે એમને ખબર પડી કે અબ્દુલ હમીદ મુસ્લિમ છે ત્યારે ધર્મ ના નામે એને પોતાની તરફી કરવાનો પણ પ્રયાસ કર્યો..પણ કહેવાય છે ને "મુસલમાન એટલે જેનું ઈમાન દરેક સંજોગો માં ચટ્ટાન ની જેમ અડગ હોય એ.." અબ્દુલ હમીદ પણ પોતાની જાત ને પહેલાં ભારતીય માનતો અને પછી નાત જાત અને ધર્મ ના ત્રાજવા માં ટોલતો..!!

પાકિસ્તાની ઓફિસરો ના ઉશ્કેરવાની કોઈ અસર અબ્દુલ હમીદ પર ના થઈ.. ઉલ્ટા નું એના અંદર ફરતા ભારતીય લોહી ની તપિશ ઓર વધી ગઈ અને પછી જે થયું એ પાકિસ્તાની સેના ની કરોડરજ્જુ પર ફટકા સમાન હતું..પોતાની માઉન્ટેડ જીપ નો યુ ટર્ન લઈને અબ્દુલ પેટન્ટ ટેંન્કો ના નાળચા માં થી છૂટેલા ગોળા થી બચતા એને પાકિસ્તાની ટેંન્કો ની વચ્ચે લઈ ગયો..!!

સામે દુશ્મનો ની દસ જેટલી ટેંન્કો અને બીજી તરફ "ગન માઉન્ટેડ જીપ" પર સવાર વીર અબ્દુલ હમીદ..રોલિંગ ગન ને પોતાના હાથ માં કસકસાવી ને પકડી અને ભારત માતા કી જય ના ઉદ્દઘોષ સાથે ગોળીઓની ઘણઘણાતી નો અવાજ ગુંજી ઉઠ્યો.કોઈ વધુ કંઈપણ સમજે એ પહેલાં પાકિસ્તાની સૈન્ય ની ચાર ટેંન્કો સળગતી હવામાં ઉછળતી જોવા મળી.

જેના પર પાકિસ્તાન ની પુરી આર્મી ને ગર્વ હતો એવી છ પેટન્ટ ટેંન્કો ને અબ્દુલ એકલા હાથે નેસ્તાનાબુદ કરી ચુક્યો હતો..અબ્દુલ પોતે પણ ઘવાયો હતો..શરીર માં થી નીકળતું રક્ત એને વધુ જોશ બક્ષી રહ્યું હતું..એનું આ સાહસ જોઈ પાકિસ્તાની આર્મી ની હિંમત મરી પરવરી..અને ભારતીય આર્મી માં એક નવી શક્તિ નો સંચાર થયો.

હવે આગળ વધવું અશક્ય લાગતાં પાકિસ્તાની આર્મી એ પીછેહઠ કરવી ઉચિત સમજી..સાચા અર્થ માં કહીએ તો વીર અબ્દુલ હમીદ જેવા ચટ્ટાન સામે ટકરાવાની તાકાત પાકિસ્તાની સૈન્ય માં રહી નહોતી..છ ટેંન્કો ની સાથે એમના ઘણા ખરા સૈનિકો કાળ ની લપડાક માં હોમાઈ ગયાં હતાં..એટલે વધેલા સૈનિકો અને ટેંન્કો ને લઈને પાછા જતા રહેવું જ યોગ્ય છે એમ લાગતાં પાકિસ્તાની કમાન્ડરે પોતાના સૈન્ય ને પીછેહઠ કરવા હુકમ કરી દીધો.

પાકિસ્તાની સૈન્ય પીછેહઠ કરી રહ્યું હતું એ જોઈ ઇન્ડિયન આર્મી માં ખુશી નું મોજું દોડી ગયું..પણ અબ્દુલ હમીદ ના મગજ માં તો અત્યારે કાળ ભમી રહ્યો હતો..ભાગતા દુશ્મન ને બક્ષવાના મૂડ માં અત્યારે હમીદ નહોતાં એટલે પોતાની માઉન્ટેડ જીપ લઈને એ પાકિસ્તાની સૈન્ય ની પાછળ પાછળ ગયાં.. પાછા વળતા એક ટેન્ક ને અબ્દુલ હમીદ ના અચૂક નિશાન થી આગ ની લપેટ માં નાશ પામવું પડ્યું.

અબ્દુલ હમીદ રક્તરંજીત દેહ સાથે પાકિસ્તાની સૈન્ય ની પાછળ હતાં ત્યારે એક ટેન્ક માં થી છોડાયેલો ગોળો સીધો એમની જીપ પર આવી ને પડ્યો..નિશાન અબ્દુલ હમીદ ની પાસે જ હતું..ગોળા ના બારુદ થી એમનો દેહ દાઝી ગયો અને તીવ્ર પીડા ના ભાવ સાથે એવો ફસડાઈ પડ્યાં.. મૃત્યુ આંખો સામે રમતું હતું છતાંપણ આ ભારત માતા ના વીર પુત્ર ના ચહેરા પર કોઈ દર્દ ની રેખા નહોતી..બસ એક અદમ્ય ખુશી હતી એ વાત ની કે પોતે ૧૯૬૨ ના યુદ્ધ માં રહી ગયેલી કસર આ યુદ્ધ માં પુરી કરીને પોતાના પરિવાર અને માં ભારતી નું નામ રોશન કર્યું છે.

દિવસ હતો ૯ સપ્ટેમ્બર ૧૯૬૫ નો જ્યારે આ ભારત માતા નો લાલ..સાચો દેશભક્ત અને વીર યોદ્ધા શહિદ થઈ ગયો.કહેવું ખોટું નહીં હોય કે એ દિવસે કુદરત પણ રડી હશે આ સાહસિક ની વીરતા જોઈને.

યુદ્ધ માં બતાવેલા પોતાના 'ન ભૂતો ન ભવિષ્યતિ' સાહસ બદલ ભારત સરકાર દ્વારા શહીદ વીર અબ્દુલ હમીદ ને પહેલાં વીર ચક્ર અને ત્યારબાદ ભારતીય સેના ના સૌથી મોટા વીરતા પુરસ્કાર એવા પરમવીર ચક્ર થી નવાજવામાં આવ્યાં.૧૯૬૫ ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના ની ૯૭ ટેંન્કો નો નાશ થયો હતો જેમાં વીર અબ્દુલ હમીદે એકલા હાથે જ ૭ ટેંન્કો નો સફાયો કર્યો હતો..પરમવીર ચક્ર પણ આ વીર ની વીરતા બદલ હકીકત માં ઓછું પડે..!!પત્ર લખીને અબ્દુલ હમીદે યુદ્ધ પર જતાં પહેલાં પોતાના ભાઈ જુન્નન ને આપેલું વચન મૃત્યુપર્યંત પરમવીર ચક્ર પ્રાપ્ત કરીને પૂરું કર્યું હતું.

ડાકવિભાગે ૨૮ જાન્યુઆરી ૨૦૦૨ ના રોજ પોતાની માઉન્ટેડ જીપ પર બેસીને ગોળી ચલાવતાં શહિદ વીર અબ્દુલ હમીદ ને સચિત્ર દર્શાવતી ૩ રૂપિયા ની ટપાલ ટિકિટ પાડી એમને ખરા અર્થ માં શ્રદ્ધાંજલિ આપી હતી.

યુદ્ધમાં ભારત નો વિજય થયો..ભારતીય સૈન્ય છેક પાકિસ્તાની સીમા માં ઘુસી ને લાહોર સુધી પહોંચી ગયું હતું..ભારતીય સૈન્ય ના શહિદ થયેલાં દરેક વીર જવાન ને મારી લાખ લાખ સલામ.સુવર્ણ અક્ષરે વીર અબ્દુલ હમીદ પોતાનું નામ ઇતિહાસ ના પન્ના પર લખી ગયાં.. ધન્ય છે શહીદ વીર અબ્દુલ હમીદ ને.!!

સાલ ૨૦૧૫ માં જ્યારે ૧૯૬૫ ના યુદ્ધના શહિદો ને સન્માન આપવા અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો જેમાં શહિદ અબ્દુલ હમીદ ના પત્ની રસૂલન બીબી પણ આવ્યાં હતાં..જેમને પણ પોતાના શબ્દો વડે ત્યાં ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા..

"હું મારી જાત ને ભાગ્યશાળી સમજુ છું કે હું એવા બહાદુર ની પત્ની છું જેને પોતાના લોહી નું છેલ્લી બુંદ પણ દેશ માટે ખર્ચી દીધી.."

★★★★★★★★★★★★

માતૃભારતી દ્વારા રખાયેલી આ યુદ્ધ હીરો ની સ્પર્ધા માં વીર અબ્દુલ હમીદ ની વીરતા વિશે લખતાં હું ધન્યતા અનુભવી રહી છું.આપણા ભવિષ્ય ને સુરક્ષિત કરવા અને આપણે સપરિવાર ચેન ની ઊંઘ લઈ શકીએ એ માટે દિવસ રાત ખડે પગે સીમા પર તૈનાત વીર જવાનો નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

આ એક વીર ની શોર્યગાથા છે..જે લખવા માટે મેં ઘણા બધા રેફરન્સ અને અલગ અલગ લેખો માં થી માહિતી એકત્રિત કરી છે..બધી વસ્તુઓ સત્ય ના પણ હોય થોડા ઘણા શબ્દો વધારે ઓછા લખાયાં પણ હોય..પણ આ એક હકીકત છે કે ભારત માં નો આવો એક વીર થઈ ગયો જેને એકલા હાથે સાત ટેંન્કો ને નેસ્તાનાબુદ કરી હતી.લખતી સમયે હું જેટલી રોમાંચિત હતી એટલા રોમાંચિત તમે પણ વાંચતી વખતે થાઓ એવી આશા..જય હિંદ.!

લેખક:-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED