Kismat se tum hamko mile ho books and stories free download online pdf in Gujarati

કિસ્મત સે તુમ હમકો મિલે હો..

કિસ્મત સે તુમ હમકો મિલે હો...

"દુલ્હે કા સેહરા સુહાના લગતા હૈ… દુલ્હન કા તો દિલ દિવાના લગતા હૈ..

પલભર મૈં કૈસે બદલતે હૈ રીસ્તે… અબ તો હર બેગાના અપના લગતા હૈ..."

પુનમ ના લગ્ન ના પવિત્ર અવસર પર ઉપસ્થિત ગાયક વૃંદ એક પછી એક સુંદર લગ્ન ગીતો ની કડી ઓ વડે વાતાવરણ ને વધુ ખીલવી રહ્યાં હતાં...પુનમ જેવું નામ એવું રૂપ..ગોરો વાન,કાળી આંખો,આછા ભુરા કેશ અને કેશ માં થી નીકળતી લટ.. જોતાં જ વાહ નીકળી જાય એવો પુનમ નો ચાંદ જેવો દેદીપ્યમાન ચહેરો.

મહેસાણા માં રાધનપુર ચોકડી જોડે આવેલી નિકેતન સોસાયટી માં રહેતાં પુનમ ના મધ્યમ વર્ગ પરિવાર ના બીજા ત્રણ સભ્યો માં પિતા ગીરીશભાઈ, માતા કોકિલા બેન અને નાના ભાઈ નિકુલ નો સમાવેશ થતો હતો..પૂનમે m.com સુધી નો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો હતો..અભ્યાસ પૂર્ણ કરતાં ની સાથે જ પુનમ ની સગાઈ અમદાવાદ સ્થિત એક શ્રીમંત પરિવાર ના એક ના એક દીકરા મિલન સાથે કરવામાં આવી હતી.

સગાઈ ના ત્રણ મહિના પછી આજે આ લગ્ન નો સુંદર અવસર ગીરીશભાઈ ના આંગણે પધાર્યો હતો..પોતાની દીકરી ના લગ્ન નો પ્રસંગ ધામધૂમ થી ઉજવવામાં ગીરીશભાઈ અને કોકિલાબેને કોઈ કચાશ બાકી નહોતી રાખી.જમણવાર નું મેનુ પણ ખુબ ઉચ્ચ ક્વોલિટી નું નક્કી કરવામાં આવ્યું હતું.પુનમ ને ઘણીવાર થતું કે એના પપ્પા નકામો આટલો બધો ખર્ચ ઉઠાવી રહયાં હતાં. એ એકાંત માં ગીરીશભાઈ ને કહેતી પણ ખરી..

"પપ્પા તમે આમ પોતાની બધી બચત મારા લગ્ન પાછળ વેડફી દેશો..તો ભવિષ્ય માં તમે જરૂર પડશે તો શું કરશો.."

દીકરી ની વાત સાંભળી ગીરીશભાઈ ની આંખો હર્ષ થી ઉભરાઈ આવતી અને એ પોતાની વ્હાલસોયી દીકરી ના માથે હાથ ફેરવતાં ફેરવતાં કહેતાં..

"દીકરી આને પૈસા વેડફવા ના કહેવાય..પણ આને તો યોગ્ય રીતે ઉપયોગ કર્યો કહેવાય..અને અમારી ચિંતા તું ના કરીશ..હજુ હું બે ચાર વર્ષ કામ કરૂં એવો છું..અને પછી તો આપણો મિલન કમાવવા લાયક થઈ જશે પછી મારે કોઈ વાત નું દુઃખ નથી.."

બસ આમ ને આમ આજે રૂડો અવસર આવી ગયો..શરણાઇ ના સુર સંભળાઈ રહ્યાં હતાં..જાન પણ આવી ગઈ હતી..બીજી વિધિઓ ની પુર્ણાહુતી પછી કન્યા ના આગમન નો સમય પણ નજીક આવી ગયો હતો..પુનમ આજે લાલ અને શ્વેત રંગ ના પાનેતર માં સ્વર્ગ ની અપ્સરા જેવી સોહામણી લાગી રહી હતી.

પુનમ ધીરે ધીરે સખીઓ જોડે ડગ માંડતી માંડતી મંડપ તરફ આગળ વધી રહી હતી..અચાનક મમ્મી એ પોતાના ૨૨ મા બર્થડે પર આપેલી સોના ની લકી વીંટી ભૂલી જવાનું યાદ આવતાં પોતાને શણગારવામાં આવી એ રૂમ તરફ પાછી વળી..પાછા જતાં એનું ધ્યાન દુલ્હા ને સજાવવા માટે ના રૂમ તરફ ગઈ જ્યાં પોતાના પિતા ગીરીશભાઈ અને મિલન ના પિતા અશોક ભાઈ કંઈક ચર્ચા કરી રહ્યાં હતાં.

પુનમે જોયું તો વાતચીત દરમિયાન અશોક ભાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હતાં અને ગીરીશભાઈ એમને હાથ જોડી આજીજી કરી રહ્યાં હતાં..વાતચીત શું થઈ રહી હતી એ ના સંભળાતા અનાયાસે પુનમ ના પગ એ દિશા માં આગળ વધ્યા જ્યાં એ ઉભા હતાં.

"અશોક ભાઈ આ પંદર લાખ રૂપિયા અત્યારે રાખો..બીજા દસ લાખ ની વ્યવસ્થા હું દસેક દિવસ માં કરી દઈશ.."ગીરીશભાઈ એ કહ્યું.

"મેં તમને કીધું હતું કે લગ્ન ન દિવસે જ મારે બાકી ના પચીસ લાખ જોઈએ..મારો દીકરો મલ્ટીનેશનલ કમ્પની માં ક્રિએટિંગ હેડ છે એનો મહિના નો પગાર દોઢ લાખ રૂપિયા છે..ઘણા એ પોતાની દીકરી ના એની સાથે લગ્ન કરાવા પચાસ લાખ સુધી ની ઓફર મુકી હતી..પણ તમારા સાથે જુના સંબંધો હોવાથી અમે ચાલીસ લાખ માં માની ગયાં.. તમે પહેલાં પંદર લાખ આપ્યા હતા અને આજે પચીસ લાખ આપવાનો વાયદો હતો પણ આ પંદર લાખ.."મોં બગાડતાં અશોક ભાઈ એ કહ્યું.

"અરે માનવતા ખાતર આવું ના કરો..મને થોડા સમય ની મોહલત આપો.."બે હાથ જોડી ગીરીશભાઈ અશોકભાઈ ને વિનવણી કરી રહ્યાં હતાં.

"મારે તમારી કોઈ વાત નથી સાંભળવી.."આટલું કહી અશોકભાઈ મોઢું ફેરવીને ઉભા રહ્યાં.

"અશોકભાઈ આમ મારી દીકરી ના લગ્ન ન લીલા તોરણે જાન પાછી ના વાળશો.. હું તમારા પગે પડું છું.."આટલું કહી ગીરીશભાઈ અશોકભાઈ ના પગ માં પડી ગયાં.

પુનમ માટે તો આ દ્રશ્ય ચોંકાવનારું હતું..આટલી મોટી વાત એના પિતા એ છુપાવી એ વાત પુનમ ને માનવામાં આવે એવી નહોતી..એના પિતા આ રીતે પોતાને માટે કરગરી રહ્યાં હતાં...એ વાત નું પુનમ ને અતિશય દુઃખ થઈ રહ્યું હતું.!!

પુનમ તરત જ ગીરીશભાઈ ની નજીક ગઈ અને એના પિતા ને ઉભા કરી કહ્યું..

"પિતાજી આ બધું શું છે..તમે આ શું કરી રહ્યા છો..?"

"બેટા તું અહીં થી ચાલી જા..વડીલો ની વાત માં બાળકો એ ના પડવું જોઈએ..તું લગ્ન મંડપ માં જા.. તારી ત્યાં રાહ જોવાતી હશે.."ગીરીશભાઈ એ પુનમ ને ઉદ્દેશીને કહ્યું.

"અરે પુનમ એતો અમારી વડીલો ની અંગત વાતચીત હતી.. તું લગ્નમંડપ માં જા.."પુનમ ના આમ અચાનક ત્યાં આવી જવાથી ભોંઠા પડેલાં અશોકભાઈ એ કહ્યું.

"મહેરબાની કરીને તમે ચુપ રહો..હું એટલી પણ નાની નથી કે શું ચાલી રહ્યું છે એ સમજી ના શકું.."પુનમે અશોકભાઈ ને ઉદ્દેશીને કહ્યું.

"અરે બેટા આવું ના બોલાય..."વાત વધુ ના વણસે એ માટે ગીરીશભાઈ એ કહ્યું.

"પપ્પા તમે મને તમારી દીકરી સમજતાં હોય તો ચૂપ રહો..અને ચાલો મારી સાથે..વચ્ચે એક હરફ પણ ઉચ્ચાર્યો છે તો તમને મારા સમ.."આટલું કહી..પૈસા ભરેલી બ્રિફકેસ લઈને ગીરીશભાઈ નો હાથ પકડી પુનમ લગ્ન મંડપ તરફ આગળ વધી.

ગીરીશભાઈ પણ દીકરી ની કસમ થી પુનમ ની વાત નો વિરોધ ના કરી શક્યા અને એની પાછળ પાછળ મંડપ માં આવ્યા.અશોકભાઈ પણ એમની પાછળ પાછળ લગ્નમંડપ તરફ ગયાં.

ચોરી ના પગથિયાં ચડી પુનમ મિલન ની પાસે જઈ પૈસા ભરેલી બ્રિફકેસ એના હાથ માં મુકી ત્યાં ઉપસ્થિત બધાં મહેમાનો સાંભળે એમ જોર થી કહ્યું...

"તો Mr. મિલન..આ લો પંદર લાખ રૂપિયા..બીજા દસ લાખ રૂપિયા તમને પછી મળી જશે.."

પુનમ ની આ હરકત થી મિલન તો ડઘાઈ જ ગયો..એને શું પ્રતિક્રિયા આપવી એ ના સમજાતાં મિલને ગુસ્સે થઈને કહ્યું.."આ શું છે..અને આ શેના પૈસા છે...?"

"ઓહ..તો તમને ખબર નથી લાગતી કે તમારા પિતાજી એ તમારો માર્કેટ ભાવ ચાલીસ લાખ રૂપિયા રાખ્યો છે..પંદર લાખ નું એક ઇન્સ્ટોલમેન્ટ તો મારા પિતાજી આપી ચુક્યા..આ રહ્યું બીજું ઇન્સ્ટોલમેન્ટ અને ત્રીજું થોડા દિવસ માં મળી જશે.."પુનમ નો અવાજ વધુ ઊંચો થઈ રહ્યો હતો.

હવે પુનમ ના આ શબ્દો ચાબખા ની જેમ મિલન ના કાને પડ્યાં.. ત્યાં ઉપસ્થિત મહેમાનો પણ આ વાત સાંભળી આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયાં હતાં..શરમ ના લીધે મિલન ગુસ્સે ભરાયો અને પુનમ ને લાફો મારવા હાથ ઊંચો કર્યો..પુનમે એનો હાથ પકડી લીધો અને એજ સમયે ગીરીશભાઈ એ કસકસાવીને જોરદાર તમાચો મિલન ને લગાવી દીધો અને કહ્યું.

"નીકળી જા અહીં થી.. મારી દીકરી ને હાથ લગાડવા નું સપના માં પણ વિચારતો નહીં..હવે વધુ સમય રોકાયા તો તારા કે તારા ઘર ના સભ્યો ની વધુ બેઇજ્જતી થશે એનો જવાબદાર હું નહીં હોઉં..મારી દીકરી એ આજે મારી આંખો ખોલી દીધી છે..દહેજ ભૂખ્યાં લોકો ને ઘરે મારી દીકરી વળાવવા કરતાં એ કુંવારી રહેશે એ વધુ યોગ્ય લાગશે..."ગીરીશભાઈ ની આંખો માં હવે ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો.

પોતાના પિતાનો પોતાના પર નો વિશ્વાસ અને અત્યારે એમને પોતાને આપેલો સાથ જોઈ પુનમ ની આંખો ઉભરાઈ આવી અને એ પોતાના પિતાને ભેટી પડી..કોકિલાબેન અને નિકુલ પણ એમને ભેટી પડ્યાં..!!

બધા જાનૈયાઓ ની સાથે મિલન અને એનો પરિવાર પાછો વળી ગયો..જતાં જતાં અશોકભાઈ જોડે બીજા પંદર લાખ રૂપિયા પણ લઈ લેવામાં આવ્યાં. ચારેતરફ પુનમ ની હિંમત ની પ્રશંષા થઈ રહી હતી.

લગ્નમંડપ માં હજુ પણ ગીરીશભાઈ ના સગાંવહાલાં અને મિત્ર વર્તુળ ના લોકો ઉપસ્થિત હતા..ઘણા ના ચહેરા પર આમ લીલા તોરણે જાન પાછી જવાનું દુઃખ હતું..તો ઘણા અંદરોઅંદર પુનમ ની સાથે કોણ લગ્ન કરશે એની ચર્ચા થઈ રહી હતી.

ગીરીશભાઈ નતમસ્તકે પુનમ ની સામે લાચાર ચહેરે બેઠા હતા..એમને સાંત્વના આપવા પુનમ એમની પાસે ગઈ અને કહ્યું..

"પપ્પા તમે ચિંતા ના કરશો..તમારી દીકરી ના માં કોઈ એવો અવગુણ નથી કે એના લગ્ન માટે બીજો કોઈ છોકરો નહીં મળે.."

પુનમ ની વાત સાંભળી ગીરીશભાઈ ને થોડી રાહત તો થઈ પણ હજુપણ આ રીતે જાન નું પાછું જવું એમને એમને આઘાત તો આપી રહ્યું હતું..હજુપણ આંખો માં આંસુ સાથે એ નીચા મોંઢે બેઠા હતા..ત્યારે એમના ખભા પર કોઈએ હાથ મુક્યો હોય એવું લાગતા એમને નજર એ તરફ ઘુમાવી તો જોયું તો એમના મિત્ર નરેશ ભાઈ હતાં.

નરેશભાઈ એ ગીરીશભાઈ ને ઉભાં કર્યા અને કહ્યું.."અરે ગિરિયા આમ બાયલા ના જેમ શું રડે છે..તને તો ગર્વ હોવો જોઈએ કે તારે આટલી હિંમતવાન દીકરી છે..જે સત્ય માટે કંઈપણ કરી છૂટવા તૈયાર છે.!!"

"પણ નરીયા થોડું દુઃખ તો થાય ને.."ગીરીશભાઈ એ પોતાના ખાસ મિત્ર નરેશભાઈ ની સામે જોઇને કહ્યું.

"જો ગિરિયા જો તને ખોટું ના લાગે તો હું એક વાત કહું..?"નરેશભાઈ એ ગીરીશભાઈ ની આંખોમાં આંખો નાંખી કહ્યું.

"હા બોલ ને...તારી વાત નું થોડું ખોટું લાગે.."ગીરીશભાઈ એ આંસુ લૂછતાં કહ્યું.

"તું મારા દીકરા દીપ ને તો ઓળખે છે ને..એ એક મહિના પહેલાં જ અમેરિકા થી આવ્યો છે..ઉચ્ચ અભ્યાસ પછી એને ત્યાં સારી સેલરી વાળી જોબ મળતી હતી પણ એને પહેલાં થી ભારત દેશ અને ભારત દેશ ના સંસ્કારો વિશે બહુ માન છે..એ કહે છે મારે મેરેજ તો એક સીધી સાદી ઇન્ડિયન છોકરી જોડે જ કરવા છે..તો તારી દીકરી પુનમ નો હાથ હું મારા દીકરા માટે માંગુ છું.."હાથ જોડતાં નરેશભાઈ એ કહ્યું.

"હા હું તારા દીકરા દીપ ને સારી રીતે ઓળખું છું..અને પુનમ પણ એને સારી રીતે ઓળખે છે..પણ મારે એ પહેલાં પુનમ ની અનુમતિ લેવી પડશે.."અચકાતા અવાજે ગીરીશભાઈ એ કીધું.

"હા કેમ નહીં.. હું જ પૂછી લઉં પુનમ ને કે એ અમારા ઘરની દીકરી બનશે..કેમકે હું પુત્રવધુ તરીકે નહીં દીકરી તરીકે એને લઈ જવા માંગુ છું..મારો દીકરો દીપ પણ અહીં ઉપસ્થિત છે..એને જ મને કહ્યું કે પપ્પા આ છોકરી મારા માટે અને આપણા પરિવાર માટે પેરફેક્ટ છે"નરેશભાઈ એ કહ્યું.

પછી નરેશભાઈ પુનમ ની જોડે ગયા અને પુનમ ને કહ્યું..

"બેટા તું મને અને મારા પુરા પરિવાર ને ઓળખે જ છે..દીપ પણ તારો સ્કૂલમેટ જ હતો..હું તને પ્રોમિસ આપું છું કે તને અમારા પરિવાર માં માન અને પ્રેમ બંને મળશે.."

નરેશભાઈ ની વાત સાંભળી ગીરીશભાઈ ની આંખો માં આંસુ ઉભરાઈ આવ્યા..બસ ફરક એ હતો કે આ વખતે આંસુ હર્ષ ના હતાં..!

પુનમે પોતાના પિતાજી તરફ નજર કરી પોતાની મુક સંમતિ આપી દીધી..નરેશભાઈ પણ પુનમે આ પોતાના પુત્ર માટે પોતે મુકેલો લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે એ સમજી ગયાં હતાં..એટલે એમને ઈશારા થી દીપ ને પોતાની જોડે આવવા કહ્યું.!

દીપ એક સોહામણો અને આકર્ષક યુવાન હતો..એનું વ્યક્તિત્વ કોઈને પણ આંજી નાંખે એવું હતું..USA માં જોબ પડતી મુકીને આવવું અને તો પણ સાદાઈ એના વર્તન માં સાફ દેખાતી હતી..એ આવીને ગીરીશભાઈ અને કોકિલાબેન ના પગે પડ્યો.

ગીરીશભાઈ નરેશભાઈ ને ભેટી પડ્યાં અને કહ્યું..."અરે નરીયા તે તો મારું બધું ટેંશન દુર કરી દીધું..હવે મને મારી દીકરી ની કંઈપણ ચિંતા નથી....તું મારો સાચો મિત્ર છે.."

"અરે ગાંડા મિત્ર નહીં વેવાઈ બોલ વેવાઈ."નરેશભાઈ એ હસી ને કહ્યું.

બંને મિત્રો ની વાત સાંભળી બધાં હસી પડ્યાં.ત્યારબાદ દીપ અને પુનમના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા..!!ત્યાં હાજર સર્વ ની આંખો પણ વિધાતા ના આ ખેલ ને જોઈ સુખ ની લાગણી સાથે છલકાઈ રહી હતી.આ સાથે ગાયક વૃંદ પણ સરસ મજાનું ગીત વગાડી રહ્યું હતું.

"કિસ્મત સે તુમ હમકો મિલે હો..કૈસે છોડેંગે એ સાથ હમ ના છોડેંગે...!!"

"ફિર સે બનતી તકડીરો કો..અરમાનો કી જંજીરો કો હમ ના તોડેંગે.એ હાથ હમ ના છોડેંગે.."

***

ભારત માં વર્ષે દહાડે હજારો નિર્દોષ છોકરી ને દહેજ ના લીધે મારી નાંખવામાં આવે છે.સમાજ માં ફેલાયેલા દહેજ રૂપી દુષણ નો આપણે સૌ એ પુનમ ની જેમ જ હિંમત થી સામનો કરવો જોઈએ..કેમકે એ પિતાની હાલત બહુ દયનિય હોય છે જેની જમીન પણ ગઈ અને દીકરી પણ..દહેજ માંગવુ એ તો ગુનો છે જ પણ દહેજ આપી ને પણ તમારી દીકરી ના ગુનેગાર જ બનાય..કેમકે દહેજ મંગનારા લાલચુ લોકો ની લાલચ ક્યારેય ઓછી થતી નથી..દહેજ માંગતા દરેક ને કડક માં કડક સજા અવશ્ય મળવી જોઈએ.!

લેખક :- દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED