Chhellu inaam prem nu books and stories free download online pdf in Gujarati

છેલ્લું ઇનામ પ્રેમ નું

છેલ્લું ઇનામ પ્રેમ નું

"તોબા એ મતવાલી ચાલ, ઝુક જાયે ફૂલો કી ડાલ.

ચાંદ ઓર સૂરજ આકર માંગે તુજસે રંગ ઉધાર.. . હસીના તેરી મિસાલ કહાઁ.. "

તો ક્યારેક

"ચાંદ તારે ફૂલ શબનમ તુમસે અચ્છા કોન હૈ.. "

એ જ્યારે મારી નજર સમક્ષ આવતી તો હું મનોમન આવા ગીતો થી એનું સ્વાગત કરી લેતો.. એનું નામ હતું નીલમ.. જેવું નામ એવી જ એની આંખો. શરીર નો આકાર અને એની બનાવટ જાણે કે કોઈક ઊંચા ગજા ના કારીગરે કરેલું નકશીકામ.. અદ્ભૂત, સુંદર, લાજવાબ, બેનમુન ઈશ્વર ની કલાકૃતિ સમાન એ યુવતી હજુપણ ઘણીવાર મારી આંખો સમક્ષ ઉભરી આવે છે.

મારુ નામ મિલન સવસાણી.. હું અત્યારે તો અમેરિકા સ્થિત કમ્પની ની વડોદરા ખાતે આવેલી ઓફીસ માં મેનેજર ની જોબ ઉપર છું.. મારા લગ્ન ને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે.. હું મારી પત્ની ક્ષમા થી ખૂબ જ ખુશ છું.. ભગવાન જોડે જેવી હમસફર માંગી હતી એવી મળી ગઈ. ક્ષમા મને બહુ જ પ્રેમ કરે છે અને સામે પક્ષે હું પણ એને એટલી જ ખુશ રાખવા પ્રયત્ન કરતો રહું છું.

ઓફીસ ના એક કામ થી અમદાવાદ આવ્યો હોવાથી જ્યારે આજ થી પાંચ વર્ષ પહેલાં જૂનાગઢ થી અમદાવાદ અભ્યાસ માટે આવ્યો હતો એ સમય ની યાદો પાછી થઈ ગઈ. એ યાદો ની સાથે પાછી યાદ આવી ગઈ મારી પ્રથમ સ્ત્રી મિત્ર નીલમ.. !!

હું પેઇંગ ગેસ્ટ તરીકે ઇસકોન સર્કલ જોડે આવેલ એક હોસ્ટેલ માં રહેતો હતો.. હું ત્યાં થી AMTS ની બસ માં બેસી આંબાવાડી જતો.. અને સાંજે કોલેજ પત્યા પછી પાછો રૂમ ઉપર આવતો. એ મારો પ્રથમ દિવસ હતો અમદાવાદ માં.. જૂનાગઢ આમ તો શહેર ખરું પણ અમદાવાદ જેવી દોડધામ અને ભીડ મેં તો પહેલીવાર જ જોઈ હતી.. સવાર ના સાડા નવ વાગવા આવ્યા હતાં. કોલેજીયનો માટે કોલેજ અને નોકરિયાતો માટે નોકરી પર જવાનો સમય હોવાથી આવતી દરેક બસ પેક જ આવતી હતી. હું પંદર મિનિટ થી બસ ની રાહ જોઈને ઉભો હતો.

અચાનક એક બસ બોપલ બાજુ થી આવતી દેખાતાં હું બસ માં બેસવા માટે સજ્જ થઈ ગયો.. બસ જેવી સ્ટેન્ડ પર આવી ને ઉભી રહેવા ધીમી પડી એટલાં માં તો મારી જોડે ઉભેલા બીજા લોકો ધક્કામુક્કી કરતાં બસ માં ચડવા પ્રયત્નશીલ થઈ ગયાં.. હું મહામુસીબતે છેલ્લે છેલ્લે બસ માં ચડી શક્યો. હું છેક પગથિયાં જોડે ઉભો હતો.

બસ ધીરે ધીરે ચાલુ થઈ અને થોડી ગતિમાન થઈ ત્યારે મારી નજર બસ ની બહાર હતી.. મેં જોયું તો એક યુવતી દોડતી દોડતી બસ ની તરફ આવી રહી હતી.. બસ વધુ ગતિ પકડે એ પહેલાં એને ઉપર ચડવું હતું એટલે એ બસ ના પગથિયાં પર પગ મુકવા જતી હતી પણ ઉપર ચડવા કોઈ આશરો ના મળતા એને મદદ ની આશા એ મારી તરફ જોયું.. કાજળ ભરેલી એ કેફી આંખો માં ખોવાયેલા મેં અનાયાસે મારો હાથ એની તરફ લંબાવી દીધો જેને પકડી ને એ ઉપર આવી ગઈ.. એને સસ્મિત મારી સામે જોયું અને મને "thanks" કહ્યું.

મેં પણ ઘણી બધી હિંમત એકઠી કરી ને સામે પ્રત્યુત્તર માં welcome કહ્યું.. બહાર થી આવતાં પવન માં એની ભૂરાશ પડતી રેશમી ઝુલ્ફો ઉડી રહી હતી.. ચહેરા ના ઘાટ અને કદ કાઠી પર થી હું એટલું તો સમજી ગયો કે એ યુવતી સહેજે મારા થી ત્રણ ચાર વર્ષ તો મોટી હશે જ. એને પહેરેલ ફોર્મલ પેન્ટ અને આછા બ્લુ કલર ના શર્ટ માં એ કોઈ ઓફિશિયલ જોબ કરતી હશે એવું મેં અનુમાન લગાવ્યું.

હું પહેલા થી જ ઓછો બોલો અને એમાં પણ જ્યારે કોઈ છોકરી જોડે બોલવાની વાત આવે તો બકરી બરફ ખાઈ જતી.. મને એ યુવતી ને જોવા ની ખૂબ ઈચ્છા થઈ રહી હતી પણ એકધાર્યું જોવાથી ખોટી ઇમ્પ્રેશન પડે એમ માની હું ચોર નજરો થી એને જોઈ લેતો.. મારી એ સપનાની દુનિયા પંદર વીસ મિનિટ ચાલી હશે ત્યાં શિવરંજની જોડે બસ સ્ટોપ થતાં એ ઉતરી ગઈ.. જતાં જતાં પણ એ મારી સામે જોઈ મંદ મંદ હસતી ગઈ. મેં પણ સામે સ્માઈલ આપી.

તો આવી હતી અમદાવાદ માં પહેલા દિવસ ની મારી પહેલી સવાર.. જ્યારે તમને કોઈ ગમવા લાગે ત્યારે તમને બધું ગમવા લાગે એ વાત સાથે હું એ દિવસે સહમત થઈ ગયો.. ત્યારબાદ તો કોલેજ નો પ્રથમ દિવસ પણ મને ખુબ સારો લાગ્યો.. કોલેજ માં પ્રથમ દિવસ હોવાથી કોઈ લેકચર તો હતું નહીં તો પણ કલાસ માં નવરા બેઠા બેઠા મારું ધ્યાન તો સવારે જોયેલી એ યુવતી ના ફરી થી દર્શન કરવા આતુર બન્યું હતું.

"अगर किसी चीज़ को तुम दिल और जान से चाहो तो पूरी कायनात तुम्हें उससे मिलाने की फ़िराक में लग जाती हैं"!!

ઓમ શાંતિ ઓમ મુવી નો શાહરુખ ખાન નો આ ડાયલોગ ખરેખર સાચો છે એવું મને સાંજે કોલેજ થી ઘરે જતાં સમયે મહેસુસ થયું.. હું આંબાવાડી થી ઇસકોન જતી બસ માં બેસી ગયો.. અત્યારે પણ બસ પેક જ હતી પણ સવાર જેમ કોઈ ઉભું નહોતું.. હું પાછળ ની બાજુ બેઠો હોવાથી મારી બાજુ માં એક સીટ ખાલી હતી.. મેં ત્યાં મારી કોલેજ બેગ રાખી દીધી અને મારા nokia 5200 માં ઈયરફોન ભરાવી હિમેશ રેશમિયા ના ગીતો સાંભળવા લાગ્યો.

બસ શિવરંજની સ્ટોપ પર ઉભી રહી એટલે મને થયું કાશ એ યુવતી બસ માં આવે.. હજુ તો હું વિચારતો જ હતો ત્યાં ખરેખર એ યુવતી બસ ના પગથિયાં ચડતી દેખાઈ.. આશ્ચર્ય સાથે હું મારી આંખો ને ચોળવા લાગ્યો.. આ સત્ય હતું કે કોઈ સપનું એ જ સમજાતું નહોતું.. એ યુવતી એ બસ માં ચડતાં જ કોઈ ખાલી સીટ શોધવા નજર આમ તેમ ઘુમાવી.. અચાનક અમારી નજર મળી.. મેં મારી કોલેજ બેગ ને ખોળા માં મૂકી અને એને મારા જોડે જગ્યા છે એમ આંખો ના ઈશારા થી કહ્યું.

એ યુવતી તરત જ મારી બાજુ માં આવી અને બેસી ગઈ.. ફરી થી એજ કોકિલકંઠી અવાજ માં એને મને thanks કહ્યું.. મેં પણ સવાર ની જેમ welcome કહી ફોર્મલિટી પુરી કરી.. મારો જમણો હાથ એના હાથ ને સ્પર્શી રહ્યો હતો.. કોણ જાણે કેમ એ સ્પર્શ માત્ર થી મને ગજબ નો અહેસાસ થઈ રહ્યો હતો.

કઈ રીતે એના જોડે વાતચીત કરું એ વિશે વિચારતો જ હતો એટલા માં એ યુવતી એ મારી તરફ પોતાનો સુંદર ચહેરો કર્યો અને હળવેક થી પૂછ્યું..

"શું તમે રોજ આજ બસ માં આવો છો?"

સાંભળ્યું હતું કે અમદાવાદ ની છોકરીઓ બહુ ફોરવર્ડ હોય છે પણ આજે તો સાક્ષાત અનુભવી પણ લીધું.. કાન માં ઈયરફોન હોવાથી મને એની વાત સ્પષ્ટ સંભળાઈ નહીં એટલે મેં મ્યુઝિક પ્લેયર બંધ કરી, કાન માં થી ઈયરફોન કાઢી ને કહ્યું..

"સોરી મને સંભળાયું નહીં તમે શું કહ્યું.. "

"નો સોરી.. તમે સોન્ગ સાંભળતા હતાં એ તરફ મારું ધ્યાન ગયું જ નહીં.. એ તો મેં એમ પૂછ્યું કે તમે રોજ આ જ બસ માં આવો છો.. ?"

"ના રોજ તો નથી આવતો પણ હવે રોજ આવવાનું થશે.. "એની તરફ જોઈને મેં કહ્યું.

"મતલબ.. ખબર ના પડી.. તમે શું કહેવા માંગો છો.. "એ યુવતી એ કહ્યું.

"અરે આજે મારો કોલેજ નો પ્રથમ દિવસ હતો.. "આટલું કહી મેં મારા વિશે એને બધું જણાવી દીધું.

"મિલન.. સારું નામ છે.. મારુ નામ નીલમ પંચાલ.. અને તું તો હજુ વીસ વર્ષ નો પણ નથી તો હું તમે તમે નકામું કહેતી હતી.. તું તો મારા થી ચાર વર્ષ નાનો છે.. "આટલું કહેતાં કહેતાં એ હસી પડી.

ઇસકોન સર્કલ આવતાં અમે બંને નીચે ઉતરી ને પોતપોતાની મંજીલ તરફ આગળ વધવા લાગ્યાં.. નીલમ નો નિખાલસ સ્વભાવ મને ખુબ સ્પર્શી ગયો.. હવે અમદાવાદ માં કંટાળો નહીં આવે એ વાત પાકી હતી. પછી તો સવારે સાથે જવું અને સાંજે જોડે પાછું આવવું એ અમારો રોજ નો ક્રમ બની ગયો હતો. અમે બંને સારા મિત્રો બની ગયાં.. પરસ્પર એકબીજાનાં મોબાઈલ નમ્બર ની પણ આપ-લે થઈ ગઈ હતી.

આમ ને આમ ચાર મહિના જેટલો સમય વીતી ગયો.. મારા કોલેજ માં પણ ઘણા સારા મિત્રો બની ગયાં હતાં પણ મને નીલમ જોડે જેટલું ગમતું એટલું બીજા કોઈ જોડે નહોતું ગમતું.. ઉંમર માં મારા થી મોટી હોવા છતાં હું તમે કે માન પૂર્વક બોલાવું તો એને ગમતું નહોતું.. એ કહેતી હું નીલમ છું બસ નીલમ.

એક દિવસ એક ઘટના બની જેને મારા અને નીલમ વચ્ચે ના સંબંધો માં ઘણો બધો ફેરફાર કરી દીધો. વાત જાણે એમ બની કે એક છોકરા ઓ નું ગ્રૂપ હતું જે ઘણા દિવસ થી અમે જ્યાં બસ સ્ટોપ પર થી બસ માં ચડતાં ત્યાં જ બેસતું.. નીલમ ને જોઈ એ લોકો ઘણી ગંદી ગંદી કોમેન્ટો કરતાં.. બૉલીવુડ ગીતો ગાતાં. આજે તો એ લોકો એ હદ કરી દીધી.. બસ માં જગ્યા હતી નહીં એટલે હું અને નીલમ જોડે જોડે જ બસ માં ઉભા હતાં. એ લોકો પણ આજે બસ માં ચડ્યાં હતાં અને બિલકુલ નીલમ ની પાછળ આવી ને ઊભાં રહ્યાં.

બસ ઉપડી એટલે એ છોકરા ઓ એ ખરાબ ખરાબ કોમેન્ટ કરવા માંડી..

"અરે જો તો ખરો કોણ આવ્યું છે.. મિસ હવા હવાઈ.. "

"અરે હિરોઈન બોલ હિરોઈન.. શું મસ્ત એક્ટિંગ હતી.. "

"અરે મારુ ચાલે તો એક ઓસ્કાર એના નામે કરી દઉં.. "

આવું કહી એ લોકો જોર જોર થી હસવા લાગ્યાં.. થોડીવાર પછી એમાં થી એક છોકરા એ નીલમ ની કમર પર હાથ મુક્યો.. નીલમે એનો હાથ પકડી ને દૂર કર્યો.. પણ નીલમ કંઈ બોલી નહીં એટલે એ લોકો ની હિંમત વધી ગઈ એટલે એમાં થી એક છોકરા એ નીલમ ના પૃષ્ઠભાગ પર હાથ ફેરવ્યો.. મારા થી એમની એ હરકત સહન ના થઈ એટલે મેં એ યુવક ને જોરદાર મુક્કો લગાવી દીધો અને કહ્યું.

"ક્યારનાય એક સીધી છોકરી ને હેરાન કરો છો.. એ કંઈ બોલતી નથી એનો મતલબ એવો નથી થતો કે તમે તમારી મનમાની ચલાવશો.. "

"ખાખ સીધી.. આના કાંડ તું જાણતો નથી લાગતો છોકરા.. અને આ તારી થાય છે કોણ કે તું આટલો બધો ખેંચાઈ ગયો.. "એમાં થી એક છોકરા એ કહ્યું.

"હું એનો મિત્ર છું.. અને હવે તમારી ભલાઈ એમાં છે કે આગળ ના સ્ટેન્ડ પર ઉતરી જાઓ.. નહીં તો.. "મેં ધમકી ભર્યા સુર માં કીધું.

"નહીં તો શું કરી લઈશ તું.. "એમાં થી એક યુવક બોલ્યો.

"રહેવા દે મિલન.. આમ ના જોડે ખોટી મગજમારી ના કરીશ.. "નીલમે કહ્યું.

"અરે યાર એ બધા તારા વિશે જેવું તેવું બોલે તને અહીં તહીં સ્પર્શ કરે એ તું સહન કરી લે હું નહીં.. "મેં નીલમ ની વાત ને અવગણતાં કહ્યું અને બેગ માં થી એક કટર બહાર કાઢી.. હું બેગ માં એક કટર રાખતો હતો જેથી ગમે ત્યારે કોઈ બખારો થાય તો કામ આવે.

મારી હાઈટ બોડી અને કટર જોઈને એ યુવકો થોડા ડરી ગયાં અને વધુ કોઈ મગજમારી કર્યા વિના જ આગળ ના સ્ટેન્ડ એ ઉતરી ગયાં.. મેં નીલમ સામે જોયું અને વેધક નજરે પૂછ્યું.. "શું હતું આ બધું અને આ લોકો કેવા કાંડ ની વાત કરતાં હતાં.. ?મેં ઘણી વાર તારા વિશે લોકો ને આડી અવળી વાતો કરતાં સાંભળ્યા છે.. તું બસ માં આવે ત્યારે પણ ઘણા છોકરાઓ તને જોઈને ગીતો ગાતાં હોય છે.. અત્યાર સુધી તો હું આ બાબત ઇગ્નોર કરતો રહ્યો.. પણ આજે તો હદ થઈ ગઈ.

"મિલન એ બધી વાત મુક.. યાર જસ્ટ ચિલ્લ. લોકો ને તો આદત છે. આપણે મન પર નહીં લેવાનું. "ધીરે થી નીલમે કહ્યું.

"સારું તારે નથી કહેવું તો કંઈ નહીં.. . ના કહીશ.. પણ તું જ્યારે એના વિશે મને વાત કરીશ ત્યારે જ હું તારી સાથે વાત કરીશ.. "મેં પણ મક્કમ મને કહ્યું.

નીલમ કંઈ વધુ બોલે એ પહેલાં એનું સ્ટેન્ડ આવી ગયું અને એ બસ માં થી ઉતરી ગઈ.. આખો દિવસ એ ને કોલ કરતી રહી પણ મેં એનો કોલ રિસીવ ના કર્યો.. એના ઘણા મેસેજ હતાં પણ મેં કોઈ રીપ્લાય ના આપ્યો.

બીજા દિવસે રવિવાર હોવાથી હું સાંજે વહેલો હોસ્ટેલ પર જવા નીકળી ગયો એટલે સાંજે પણ હું અને નીલમ મળી ના શક્યા.. મારી પણ ઈચ્છા તો બહુ હતી કે નીલમ જોડે વાત કરું પણ એક જક્કીપણું હતું મારા માં જે મને એની સાથે વાત કરતાં રોકી રહ્યું હતું. રાતે જમ્યા પછી હું કોલેજ ની એસાઈમેન્ટ લખતો હતો ત્યારે નીલમ નો મેસેજ આવ્યો.

"Sorry, milan.. I want to tell you all the past and secret of my life.. But not on phone or message.. If you want to know about my life past than meet me tomorrow 5 o'clock evening at kankriya.. "

"નીલમ મને રૂબરૂ મળવા માંગતી હતી એની અંગત જીંદગી ના ભુતકાળ વિશે જણાવવા માટે.. એવું તો શું રહસ્ય હતું એના ભુતકાળ માં જેને એ ફરી થી ખોલવા નહોતી માંગતી.. " હું લાંબો સમય સુધી આ વિશે જ મનોમંથન કરતો રહ્યો આખરે જે પણ હોય કાલે નીલમ ને મળવું તો પડશે જ એમ વિચારી મેં મોબાઈલ ફોન હાથ માં લીધો અને મેસેજ ટાઈપ કરી એને સેન્ડ કરી દીધો.

"Okk.. I will come on time.. Good night.. . Sweet dream.. Take care.. Milan.. "

બીજા દિવસે સાંજે હું નીલમ ના કહ્યા મુજબ પાંચ વાગે કાંકરિયા તળાવે પહોંચી ગયો.. મેં અંદર જઈને નીલમ ને કોલ કર્યો તો એને મને ગેટ નમ્બર ૨ ની સામે આવેલી તળાવ ની પારી નજીક આવવા કહ્યું.. મેં ત્યાં જઈને જોયું તો નીલમ ત્યાં જ બેઠી હતી.

આજે એને વ્હાઇટ રંગ ની ટીશર્ટ અને બ્લુ કલર ના સ્કિન ટાઈટ જીન્સ માં હતી.. રોજ કરતાં આજે નીલમ અલગ જ લાગી રહી હતી.. હું એની નજીક ગયો અને ધીરે થી બોલ્યો.

"Sorry.. મારા કાલ ના બીહેવીયર માટે.. . પણ એ લોકો આવું કેમ બોલતાં હતાં એ હું જ્યાં સુધી નહીં જાણું ત્યાં સુધી મારા મન ને શાંતિ નહીં થાય.. "

"મિલન પહેલાં અહીં બેસ મારી બાજુ માં.. મેં આજે તને એ બધું કહેવા માટે જ અહીં બોલાવ્યો છે.. "નીલમે કહ્યું એટલે હું એની નજીક તળાવ ની પારી પર બેસી ગયો.

"મિલન તારે મારા ભુતકાળ વિશે જ સાંભળવું છે તો સાંભળ.. હું મારા માતા પિતા ની એક ના એક દીકરી છું.. એટલે ક્યારેય એમને મને કોઈ વાત માં ટોકી નહોતી.. મારી દરેક ઈચ્છાઓ એ પૂર્ણ કરતાં. નાનપણ થી જ હું થોડી અલ્લડ અને બિન્દાસ્ત હતી.. સ્કુલ ટાઈમ થી જ મને છોકરા ઓ સાથે ફરવું અને એમની સંગત વધુ પસંદ હતી. "

"હું કોલેજ માં આવી ત્યારે મારી મુલાકાત કેતન સાથે થઈ.. કેતન એક શ્રીમંત પરિવાર માં થી આવતો સ્માર્ટ અને હેન્ડસમ યુવક હતો.. અમારી વચ્ચે ની ટૂંકા ગાળા ની મૈત્રી ધીરે ધીરે પ્રેમ માં પરિણમી. મારે ઘણા પુરુષ મિત્રો હતાં પણ મારો પ્રથમ પ્રેમ કેતન હતો. "

"હું કેતન ને મારુ બધું જ માનતી હતી.. મેં એની સાથે અમારા સોનેરી ભવિષ્ય ના સપના પણ જોઈ લીધાં હતાં.. એક દિવસ હું કોલેજ ની ટુર ના બહાને કેતન જોડે ફરવા માટે દિવ ગઈ.. જ્યાં અમે હોટલ માં રાત્રે રોકાયા.. બિયર ના નશા માં અને કેતન પર કરેલા સંપૂર્ણ વિશ્વાસ ના લીધે અમે એ રાતે શારીરિક સંબંધ બાંધ્યો.. સવારે મેં મારી જાત ને જ્યારે કેતન ની સાથે બેડ પર નિવસ્ત્ર જોઈ ત્યારે હું પગ થી માથા સુધી ધ્રુજી ગઈ.. મારા થી ભૂલ તો થઈ ગઈ હતી પણ મને વિશ્વાસ હતો કે કેતન મારી સાથે લગ્ન તો કરવાનો છે એટલે વાંધો નહીં. "

"અમે જ્યારે દિવ થી અમદાવાદ પાછા આવ્યા ત્યારે મેં કેતન ને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો.. પણ એને.. . "આટલું બોલતાં બોલતાં તો નીલમ મને વળગીને ચોધાર આંસુ એ રડી પડી.

મેં મારા હાથ રૂમાલ વડે એના આંસુ લૂછયાં અને એને સાંત્વના આપી.. હું ઉભો થઇ ને મિનરલ વોટર બોટલ લેતો આવ્યો એમાં થી થોડું પાણી પી ને નીલમે આગળ બોલવાનું ચાલુ કર્યું.

"કેતન મારા લગ્ન નો પ્રસ્તાવ સાંભળી ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો... મિસ નીલમ રાત ગઈ બાત ગઈ.. મને ખબર છે તારા જેવી છોકરી ઓ ને બસ જલસા કરવામાં જ રસ છે એટલે તારા મોંઢે લગ્ન ની વાતો સારી ના લાગે.. "

"કેતન ની વાત સાંભળી મને એક જોરદાર ઝાટકો લાગ્યો.. મેં એના ગાલ પર જોરદાર લપડાક ચોડી દીધી.. અને કહ્યું.. ચૂપ થઈ જા.. નહીં તો.. "

"નહીં તો શું કરી લઈશ.. જો હવે તું કંઈ નહીં કરી શકે.. એ રાત ની આખી વીડિયો કલીપ મારા જોડે છે.. હવે તું મારી મરજી મુજબ નહીં કરે તો હું તારો MMS બનાવી તને બદનામ કરી મુકીશ"એ જોર થી મારી ઉપર તાડુક્યો.

"MMS વાળી વાત સાંભળી હું ખૂબ ડરી ગઈ અને ત્યાં થી નીકળી ને સીધી ઘરે આવી ગઈ.. મારા રૂમ માં જઈ ને હું એકાંત માં ખૂબ રડી.. મારી એક નાનકડી ભૂલ મારા માતા-પિતા ની બદનામી નું કારણ બનશે એ વાત નો મને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો.. આત્મ હત્યા કરી લઉં એવો વિચાર પણ આવ્યો પણ એ કાયર નું કામ છે એમ વિચારી મેં આત્મહત્યા નો વિચાર પડતો મુક્યો.. મેં મારી જીંદગી સાથે રમનાર એ કેતન ને પાઠ ભણાવવા નું નક્કી કરી દીધું. "

"મન ને મજબૂત કરી મેં આ સમગ્ર વાત મારા માતા પિતા ને જણાવી.. મને એમ હતું કે એ મારા પર ગુસ્સે થશે પણ એમને પ્રેમ થી મારી વાત સાંભળી અને હમેશા મારી પડખે ઉભા રહેવાનું વચન આપ્યું.. અમે પોલીસ સ્ટેશન માં જઈ ફરિયાદ કરી.. કેતન ની ધરપકડ થઈ અને એને છ મહિના ની સજા પણ કરવામાં આવી.. પણ જેલ માં જતા પહેલાં કેતન દ્વારા એ MMS એના મિત્રો ના મોબાઈલ સુધી પહોંચી ચુક્યો હતો જેમને એ MMS વાયરલ કરી મુક્યો. "

"ઘણા દિવસ તો હું ઘર ની બહાર પણ ના નીકળી.. પછી માતા પિતા અને બીજા ફેમિલી મેમ્બર ના સપોર્ટ થી હું નોર્મલ થઈ અને બહાર ની દુનિયા માં પગ મૂકી શકી.. પણ હજુ એ એ વાત ને ત્રણ વર્ષ વીત્યા હોવા છતાં અમુક લોકો એ કિસ્સા ને ફરી થી ઉખેડે છે.. કાલે પણ એ લુખ્ખા તત્વો એ જ કરી રહ્યાં હતાં"આટલું કહી ફરીવાર નીલમ જોર જોર થી રડી પડી.

નીલમ ની વાત સાંભળી મારા મન માં કેતન જેવા લોકો પ્રત્યે ઘૃણા ઉપસી આવી. કેવા હોતાં હશે એ લોકો જે છોકરી ના પ્રેમ અને વિશ્વાસ નો ફાયદો ઉઠાવીને એમના તન અને મન જોડે રમનારા લોકો ને તો નર્ક માં પણ જગ્યા ન મળવી જોઈએ.. મને મારા પર પણ ગુસ્સો આવી રહ્યો હતો કે જે વાત અને જે ભુતકાળ થી નીલમ દૂર જવા મથતી હતી મેં એ ભુતકાળ પાછો એની આંખો સમક્ષ લાવી દીધો.. નીલમ ના થોડા શાંત થયાં બાદ મેં નીલમ ની આંખો માં જોયું અને કહ્યું.

"નીલમ હું દિલગીર છું.. મારે જૂની વાતો ને પાછી તાજી નહોતી કરવી જોઈતી.. સોરી યાર મેં તને ખોટી સમજી.. રિયલી સોરી.. "

"એ ડોબા.. સોરી ના બોલ.. ઉપર થી મારે તો તને thanks કહેવું જોઈએ.. ઘણા વર્ષો બાદ તારા સ્વરૂપે એક સાચો મિત્ર મળ્યો.. દિલ માં ધરબી રાખેલી વાતો ને તારા આગળ ઠાલવ્યા પછી મારા હૈયા નો ભાર હળવો થઈ ગયો.. "નીલમે મારો હાથ પોતાના હાથ માં લઈને કહ્યું.

"અરે તે મને એ લાયક સમજ્યો અને પોતાની લાઈફ ની આટલી મોટી વાત મને જણાવી એ માટે હું મારી જાત ને નસીબદાર માનુ છું.. આમ પણ તું 'NILAM' અને હું 'MILAN'.. આમ જોઈએ તો બધા આલ્ફાબેટ સેમ છે પણ બસ થોડા આડા અવળા છે. "મેં પણ થોડું હસતાં હસતાં કહ્યું. મારી વાત સાંભળી નીલમ પણ હસી પડી.

"મિલન એક બીજી વાત કરવાની હતી.. એ દિવસે બસ માં થયેલી બબાલ માં હું તને એ વાત કહી જ ના શકી.. "નીલમે કહ્યું.

"બોલ ને શું કહેવું છે તારે.. "હું બોલ્યો.

"હું બે દિવસ પછી મુંબઈ જાઉં છું.. મારી ફેમિલી ના USA ના વીઝા પાકા થઈ ગયાં છે.. અમે પરમ દિવસે જ મુંબઈ મામા ના ઘરે જવાના.. ત્યાં જઈ થોડી ખરીદી પતાવી અમે USA માટે નીકળી જવાના.. હું મારી ફેમિલી સાથે હવે ત્યાં જ સેટલ થવા માંગુ છું. "નીલમે હળવેકથી કહ્યું.

"હેપ્પી જર્ની.. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર લાઈફ.. "હું બસ આટલું બોલી શક્યો અને ત્યારબાદ નીલમ ને વળગીને રડી પડ્યો.

થોડીવાર સુધી નીલમે મને રડવા દીધો અને પછી મારી તરફ જોઈને કહ્યું..

"મિલન મને ખબર છે કે તું મને મનોમન પ્રેમ કરે છે.. તારી સાથે ની પહેલી મુલાકાત થી જ હું તારા મન ની વાત જાણી ગઈ હતી. આટલા સમય ની મિત્રતા પછી પણ તે આપણી મિત્રતા ને મહત્વ આપતાં પ્રેમ નો પ્રસ્તાવ ના મુક્યો એ બદલ મને મારી જાત પર ગર્વ થયો કે મેં તને મિત્ર બનાવી કોઈ ભૂલ કરી નથી.. "નીલમે કહ્યું.. એની વાત સાંભળી હું નવાઈ પામી ગયો.

"શું તને ખબર હતી હું તને મનોમન લવ કરું છું.. જો મેં તારી સામે પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો હોત તો તારો જવાબ શું હોત.. ?"મેં પણ મારા મન માં ઉઠેલા સવાલ નો જવાબ મેળવવા ની તક ઝડપી લેતાં કહ્યું.

"જો મીલન તું બહુ જ સરસ છોકરો છે.. તું જેને પણ મળીશ એ બહુ લકી ગર્લ હશે.. પણ હું તારો પ્રેમ પ્રસ્તાવ નો સ્વીકાર તો ના જ કરત.. કેમકે હવે હું મારી લાઈફ એકલી જ જીવવા માંગુ છું.. હું લાઈફ ટાઈમ લગ્ન કરવા નથી માંગતી"નીલમ મારી સામે જોઈ બોલી રહી હતી.. એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ અને કાજળ ભરી આંખો ને હું એકીટશે જોઈ રહ્યો.

"નીલમ મને તારા જેવી મિત્ર નહીં મળે.. હા એ વાત સાચી હું તને પ્રેમ કરતો હતો પણ એ પ્રેમ નિસ્વાર્થ હતો.. મારા હૃદય અને મન માં નીલમ ચોક્કસ રહેશે.. "હું બસ આટલું જ બોલી શક્યો.

"મિલન તારા પ્રેમ નો સ્વીકાર તો હું ના કરત પણ મારા દિલ માં તારા માટે જે લાગણી છે અને અત્યાર સુધી તારા તરફ થી મને જે સાચી મિત્રતા ની હૂંફ મળી એ બદલ હું તને એક વસ્તુ આપવા માંગુ છું. મારા તરફ થી એને તારી મારા પ્રત્યે ની વફાદાર દોસ્તી નું ઈનામ સમજજે.. !!"

આટલું કહી નીલમે એના ગુલાબી અધરો ને મારા અધર પર મૂકી દીધા.. બે ક્ષણ માટે તો હું થોડો ચોંકી ઉઠ્યો.. પણ પછી મેં પણ ધીરે ધીરે નીલમ ના સુંદર અધરો નું રસપાન કરવાનું ચાલુ કર્યું.. આજુબાજુ ની દુનિયા ની સહેજ પણ ચિંતા કર્યા વિના અમે પાંચેક મિનિટ સુધી એકબીજા ને ચુંબન કરતાં રહ્યાં.

ત્યારબાદ અમે બંને એ સાંજ નું ભોજન સાથે લીધું અને ઇસકોન સર્કલ જોડે એકબીજા ને છેલ્લીવાર બાય કહીને છુટા પડ્યાં. જતાં જતાં એ મારી તરફ એ રીતે જોઈ રહી હતી કે એ પોતાનું હૃદય અને હસવાનું કારણ મૂકીને દૂર જાય છે.. એની નજર જોઈને મને મરીઝ સાહેબ ની લીટીઓ યાદ આવી ગઈ

"મિલન માં થી નથી મળતાં મોહબ્બત ના પુરાવાઓ.. .

બધો આધાર છે એની જતી વેળા ના જોવા પર.. !!"

આજે એ વાત ને ચાર વર્ષ નો સમય વીતી ગયો.. USA ગયા પછી પણ સમયાંતરે નીલમ મને કોલ કરતી રહે છે.. હજુ પણ એના લગ્ન થયાં નથી.. એ ત્યાં એક સફળ બિઝનેસ વુમન છે.. એની માલિકી ના ત્યાં દસ જેટલા સ્ટોર છે. હજુપણ એ ક્ષણ ને યાદ કરું જ્યારે અમે કાંકરિયા મળ્યાં હતાં ત્યારે મારા પ્રથમ ચુંબન માં થયેલો નીલમ ની "સ્ટ્રોબેરી ફ્લેવર ની લિપસ્ટિક"નો એ સ્વાદ યાદ આવી જાય છે.. પ્રેમ ની એ છેલ્લી નિશાની રૂપે મળેલ એ ઈનામરૂપી ચુંબન હજુપણ યાદ આવે ત્યારે હોઠ પર મીઠું સ્મિત ફરકી ઉઠે છે અને અનાયાસે જ મારી જીભ મારા હોઠ પર એ ટેસ્ટ શોધવા ફરી વળે છે.. !!

IN THE SWEET MEMORY OF LOVE

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED