Jodi Number 1 books and stories free download online pdf in Gujarati

જોડી નંબર ૧

જોડી નંબર ૧

ગુજરાત કોલેજ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતી અવની કોલેજ ના પ્રથમ દિવસ થી જ કોલેજ ના પ્રોફેસર,પ્રિન્સીપાલ અને પોતાના ફ્રેન્ડ સર્કલ માં સૌને ઘણી પસંદ આવવા લાગી હતી.અને કેમ ના હોય?..અવની નો સ્વભાવ હતો જ એવો કે કોઈપણ હોય એની સાથે ની પ્રથમ મુલાકાત માં જ એના થી અંજાયા વીના રહેવાય નહીં.!!

"અવની" નો અર્થ થાય પૃથ્વી..ધરા..પોતાના નામ ના અર્થ મુજબ જેમ પૃથ્વી બધો બોજ સહન કરી લે એમ જ અવની ને બધી જ નાની મોટી જવાબદારીઓ માથે ઉપાડવાનો અને કુનેહપૂર્વક એ બધી જવાબદારીઓ પૂર્ણ કરવાનું કામ ખુબ જ પસંદ હતી.

રમત ગમત,સંગીત,નાટક,અભ્યાસ બધા માં અવની જ પ્રથમ ક્રમાંકે આવતી..અવની દેખાવે વધુ સુંદર તો નહોતી પણ એના ચહેરા માં એક ગજબ નું ખેંચાણ હતું..એના વ્યક્તિત્વ માં પણ એક કરિશ્મા હતો જેના થી અંજાઈ ગયા વગર કોઈ રહી શકે એમ નહોતું. હંમેશા હસતો ચહેરો અને હસતી વખતે ગાલ માં પડતા ખંજન એના ગોળાકાર ચહેરા ને વધુ સુંદરતા બક્ષી રહયા હતા..અવની નો અવાજ પણ "Cherry on the top of cake" હોય એવો સુમધુર હતો. એક વાર કાને પડે તો એવું થાય કે આ બુલબુલ બસ બોલ્યા જ કરે.

આવી છોકરી હોય અને એના પ્રેમીઓ ના હોય એવું તો બને જ નહીં..અવની ના પાછળ તો ઘણા મજનુ,રાંઝા,રોમિયો અને ફરહાત પડ્યા હતા..પણ અવની બધાં ને એમ ના પાડી દેતી કે "આ બધાં માં એને કોઈ રસ જ નથી..મારા માટે એક જ વસ્તુ મહત્વ ની છે મારો અભ્યાસ.." અવની ની આવી મક્કમ ના જોઈ કોઈ છોકરો આગળ કંઈપણ બોલી શકતો નહીં.

અવની ના ખાસ મિત્રો માં હતા..સાહિલ,માહી, તૃપ્તિ,વરુણ અને પાર્થ...માહી સિવાય બીજા મિત્રો અમદાવાદ ના જ વતની હતી..માહી સાથે અવની હોસ્ટેલ માં રહેતી હતી..આર્થિક રીતે પોતે અને પાર્થ મધ્યમ વર્ગ ના હતાં..બાકી ના બધાં ઉચ્ચ શ્રીમંત પરીવાર માં થી આવતાં હતાં..સાહિલ માહી ને પસંદ કરતો હતો અને એને માહી ને પ્રપોઝ પણ કરી દીધું હતું..માહી એ પણ સાહિલ ના પ્રેમ ના પ્રસ્તાવ ને સ્વીકારી લીધો હતો.

બધા મિત્રો ઘણી વખત હેંગ આઉટ પર જતાં..કોઈ વાર મુવી જોવા તો કોઈ વાર ક્યાંક ફરવા નીકળી પડતાં.. પાર્થ અને ખાસ કરી ને અવની ની આર્થિક સ્થિતિ નબળી છે એવું બધાં જાણતાં હોવાથી અવની ને ક્યારેય એક રૂપિયો પણ ખર્ચ કરવા નહોતા દેતાં.. અવની પણ આવું સુંદર મિત્રવર્તુળ આપવા બદલ ભગવાન નો ખુબ ખુબ આભાર માનતી હતી.

આજે પણ બધા મિત્રો ફરવા માટે દિવ જવાના હતા...દિવ જવા માટે સાહિલે એની ઈનોવા કાર લઈ લીધી હતી..બધા મિત્રો ટાઈમસર દિવ જવા માટે નક્કી કરેલી જગ્યા એ નિયત સમયે આવી ગયા..અવની અને માહી ને લાસ્ટ માં હોસ્ટેલ થી પીક કરી ઈનોવા નીકળી પડી દિવ જવા માટે..સાહિલ ડ્રાઈવ કરતો હતો અને પાર્થ એની બાજુ માં બેઠો હતો..વચ્ચે ની સીટ માં માહી, તૃપ્તિ અને અવની બેઠાં હતાં અને છેલ્લી સીટ માં વરુણ પગ લંબાવીને આરામ ફરમાવતો હતો.

વીરપુર દર્શન કરી એ લોકો સોમનાથ જવા માટે નીકળ્યાં.. બાર જ્યોર્તિલિંગ માં ના એક એવા સોમનાથ મહાદેવ ના દર્શન કરી એ લોકો દિવ પહોંચ્યા..રાતે સૌપ્રથમ તો oyo room એપ્લિકેશન માંથી બુક કરેલી "hotel sea line"..આગળ લાવી પોતાની ગાડી ઉભી રાખી અને બુક કરેલાં રૂમ ની કી લઈને જોડે લાવેલો બધો સામાન જઈને રૂમ માં મુકી દીધો.

સાહિલે ત્રણ રૂમ બુક કર્યા હતા..એક પોતાના અને માહી માટે..એક રૂમ વરુણ અને પાર્થ તથા બીજો રૂમ તૃપ્તિ અને અવની માટે..પોતપોતાનાં રૂમ માં જઈને બધા ફ્રેશ થયાં અને ત્યાં જ હોટલ માં જમવાનું જમીને રાત્રી ના સમય ના દરિયા પર થી આવતાં ઠંડા પવન નો અહેસાસ કરવા અને મોજ કરવા દરિયાકિનારે આવીને બેઠાં.

પાર્થ અને વરુણ આજુબાજુ માં થી થોડાં લાકડાં લેતાં આવ્યા અને સાહિલ બિયર અને વેફર..યુવાન મિત્રો ની આ ટોળી પછી બેઠી મજાક મસ્તી અને મોજ મજા ની ક્ષણો ને વ્યતીત કરવામાં..!!

સૌપ્રથમ શરૂવાત થઈ અંતાક્ષરી ની..પછી સાહિલે બધાં ને એક એક બિયર ની બોટલ આપી..બધાં એ બિયર ની બોટલ લઈ લીધી પણ અવની એ બિયર પીવાની સ્પષ્ટ ના કહી દીધી..બધા મિત્રો જાણતાં હતાં કે અવની ની ના નો મતલબ ના જ થાય.

ખાલી બિયર ની બોટલ જોઈને માહી એ કહ્યું..

"ચાલો ને આપણે TRUTH એન્ડ DARE રમીએ..બહુ મજા આવશે.."

"હા યાર મસ્ત આઈડિયા છે.."બીજા બધાં મિત્રો એ પણ એક અવાજે માહી ના સુર માં સુર પરોવ્યો. અને પછી શરૂ થઈ રમત TRUTH એન્ડ DARE ની..જેમાં જેની તરફ બોટલ ની ઉપર નો ભાગ આવે એને બધા પુછે એ વાત સાચી કહી દેવાની.

સૌપ્રથમ બોટલ માહી પર આવી ને ઉભી રહી..માહી એ બધાં ની સામે જોયું અને કહ્યું..

"ચાલો ચાલો જેને જે પુછવું હોય એ..હું તૈયાર છું.."

માહી ની વાત સાંભળી પાર્થ અને વરુણે ઘીમાં અવાજે કંઈક ચર્ચા કરી અને પછી માહી ની તરફ જોઈને વરુણ બોલ્યો.

"માહી Are u vergin?"

"What..?તું શું બોલી રહ્યો છે એનું તને કંઈ ભાન છે.."અવની એ વરુણ ની તરફ જોઈને કહ્યું.

"અરે અવની..તું ગુસ્સો ના કર..એમાં શું નવું છે યાર..હું વર્જીન નથી..સાહિલ મારી લાઈફ માં આવ્યો એ પહેલાં હું જ્યારે અમરેલી બાર સાયન્સ માં ભણતી હતી ત્યારે મારા થી એક વર્ષ મોટા છોકરા જોડે મારે અફેયર હતું..અને અમે એક વાર સેક્સ પણ કરેલો..અને મેં આ વાત સાહિલ ને પણ કરેલી છે.."માહી ને જાણે આટલો વિચિત્ર સવાલ પણ સામાન્ય લાગ્યો હોય એમ બોલી.

ફરી થી બોટલ ને ગોળ ફેરવવામાં આવી અને બોટલ આવીને પાર્થ પર ઉભી રહી..સાહિલ અને માહી તો જાણે નક્કી કરીને જ બેઠા હતા કે પાર્થ ને શું પૂછવું...તરત જ સાહિલે પાર્થ સામે જોઈ લુચ્ચાઈ ભર્યું હસીને કહ્યું..

"તો મિસ્ટર પાર્થ..તમે મહેરબાની કરીને જણાવશો કે તમે કોને પ્રેમ કરો છો..?"

સાહિલ ના સવાલ સાથે બધા ની નજર પાર્થ પર આવીને ચીપકી ગઈ..પાર્થ કોનું નામ દેશે એ જાણવાની બધાને બેતાબી હતી.પાર્થે નજર નીચી કરીને ..ઘણી બધી મહેનત એકઠી કરીને પોતાની આંગળી ને તૃપ્તિ તરફ કરી.!!

"અલ્યા શું તું તૃપ્તિ ને પ્રેમ કરે છે...??મજાક તો નથી કરતો ને?"વરુણ ક્યારેક તૃપ્તિ તો ક્યારેક પાર્થ તરફ જોતાં જોતાં બોલ્યો..

"ના યાર હું સિરિયસ છું..હું તૃપ્તિ ને બહુ જ પ્રેમ કરું છું..હું એની મિત્રતા ગુમાવવા નહોતો માંગતો એટલે જ મેં એને પ્રપોઝ નહોતો કર્યો.."પાર્થે ત્રાંસી નજરે તૃપ્તિ તરફ જોઈને કહ્યું.

તૃપ્તિ નું રિએક્શન શું હશે એ જાણવાની બધા ને ઇંતેજારી હતી..તૃપ્તિ ઉભી થઈ અને પાર્થ ની નજીક ગઈ..અને જોર થી બોલી.."શું કીધું..તું મને લવ કરે છે..અલ્યા તારું ડાચું જોયું છે..??તારી હિંમત જ કઈ રીતે થઈ આવું કહેવાની.."આટલું કહી તૃપ્તિ એ પાર્થ ને લાફો મારવા પોતાનો હાથ ઉગામ્યો.. પાર્થે ડર ના માર્યા પોતાનો ચહેરો ફેરવી લીધો..પાર્થ નો ચહેરો ફેરવતાં જ તૃપ્તિ ના ચહેરા પર ચમક પથરાઈ ગઈ અને એને હળવેથી પોતાના અધર નો સ્પર્શ પાર્થ ના હોઠ પર કરીને એક નાનકડું ચુંબન આપ્યું અને કહ્યું..

"આઈ લવ યુ ટૂ ડફર.."અને પછી પાર્થ ને ગળે વળગી ગઈ..

તૃપ્તિ ની આ હરકત થી બધા ના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ..બધા ની આંખો માં આનંદ હતો.ફરી થી બોટલ ફેરવવામાં આવી આ વખતે બોટલ આવીને સાહિલ પર અટકી..સાહિલ ને પુછવામાં આવ્યું કે "એ ક્યારેય પોલીસ સ્ટેશન માં રાત પસાર કરી આવ્યો છે અને કેમ?"

સાહિલે હકાર માં જવાબ આપ્યો અને કહ્યું.."હા એક વાર ન્યુ યર પર દારૂ પી ને ડ્રાઈવિંગ કરીને બાઇક ચલાવવા બદલ હું એક રાત પોલીસ સ્ટેશન માં રહી આવ્યો છું.."એનો જવાબ સાંભળી બધા હસી પડ્યાં.

Truth and dare ની ગેમ પછી ફરીથી ચાલુ થઈ અને આ વખતે અવની પર આવીને અટકી..

માહી એ અવની તરફ જોયું અને કહ્યું.."હા તો મિસ અવની તમે તમારી લાઈફની એવી કોઈ હકીકત જણાવશો જે વિશે અમને કોઈને ખબર ના હોય"

અવની એ માહી ની વાત સાંભળી ને થોડી વાર માટે આંખો બંધ કરી પછી ભુતકાળ ને યાદ કરતી હોય એમ બોલવાનું શરૂ કર્યું..

"મિત્રો મારી જીંદગી ની એક એવી સચ્ચાઈ આજે આપ સમક્ષ મુકવા માંગુ છું..કે જે જાણ્યા પછી કદાચ તમે બધા બોલાવવાનું બંધ કરી દો.તમે મારા જોડે કોઈપણ પ્રકાર નો સંબંધ ના રાખો એવું પણ બને.."

અવની ની વાત અને એનો ગંભીર અવાજ સાંભળી બાકી ના મિત્રો એકીટશે એની સામે જોઈ રહ્યા.અવની એ આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

"માહી તમે બધા ઘણીવાર મને મારા પરિવાર વિશે પુછો છો ને..અને હું ખાલી એમ કહીને વાત ટાળી દેતી કે મારે ખાલી પરિવાર માં એક માં છે અને એ નોકરી કરે છે..હા મારી અડધી વાત સાચી છે કે મારા પરિવાર માં એક મારી માતા સિવાય બીજું કોઈ નથી પણ એ નોકરી નથી કરતી પણ ધંધો કરે છે..અને એ ધંધો છે વેશ્યાવૃત્તિ.."

અવની ના વાત ત્યાં હાજર બીજા મિત્રો ને શુળ ની માફક લાગી રહી હતી..એક લપડાક પડી હોય એમ બધા ખુલ્લા મોં એ અવની ની સામે જોઈ રહ્યાં.. માહી ઉભી થઈને અવની ની તરફ ગઈ અને એનો હાથ પોતાના હાથ માં લઈને જોડે બેસી ગઈ.

થોડીવાર ના સન્નાટા પછી અવની ને ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું..

"હા મિત્રો મારી માં એક વૈશ્યા છે અને હું એક વૈશ્યાની દીકરી..મારો બાપ કોણ છે એની મને નથી ખબર અને મારે જાણવું પણ નથી..મારી માતા મુળ પશ્ચિમ બંગાળ ના વતની હતા..એક વખત એમના ગામ માં એક નાટક કમ્પની આવી..એમાં કામ કરતાં એક યુવકે મારી માં ને ફિલ્મો માં કામ આપવાની લાલચ આપી મુંબઈ ભગાડીને લેતો આવ્યો..અહીં એને મારી માતા નું શારીરિક શોષણ કર્યું..જ્યારે એ ધરાઈ ગયો એટલે મારી માતા ને સુરત લાવી ને રેડલાઈટ એરિયા માં વૈશ્યાલય ચલાવતી એક માસી ને ત્યાં વીસ હજાર રૂપિયા માં વેંચી દીધી.."આટલું બોલતાં બોલતાં તો અવની ની બંધ આંખો માં થી આંસુ ઉભરીને એના ગાલ પર આવી ગયાં.વરુણ ઉભો થયો અને પાણી ની બોટલ અવની ના હાથ માં મુકી.

પાણી પીધાં બાદ અવની એ આગળ બોલવાનું શરૂ કર્યું..

"મમ્મી એ અહીં બે વર્ષ સુધી પોતાનું શરીર લોકો ની વાસના અને હવસ ને સંતોષવા માં રાખી દીધું..મમ્મી નો કોઈ ગ્રાહક હતો જેને મમ્મી જોડે પ્રેમ થઈ ગયો અને એ પચાસ હજાર માં મમ્મી ને માસી જોડે થી ખરીદીને પોતાના ઘરે લઈ ગયો..જ્યાં જઈ એને ફક્ત પોતાની શારીરિક ભૂખ સંતોષી..એ ઘણીવાર મમ્મી ને દારૂ પી ને મારતો હતો..બે વરસ પછી મમ્મી પ્રેગ્નેન્ટ થઈ અને જ્યારે આ વાત ની જાણ એ વ્યક્તિ ને કરી તો એ વ્યક્તિ એ કહ્યું.."સાલી વૈશ્યા ખબર નહીં કોનું પાપ લઈને ફરે છે..અને મને એનો બાપ ગણાવે છે.."આટલું કહી મમ્મી ને એને ઢોર માર માર્યો.

"એ દિવસ મમ્મી ની સહનશક્તિ ની હદ આવી ગઈ હતી..એને ભાગી જવું હતું પણ આ હાલત માં ક્યાં જાય આખરે એ પાછી માસી ના કોઠા પર પાછી આવી ગઈ..માસી દિલ ના બહુ સારા હતા..ત્યાં કામ કરતી દરેક સ્ત્રી ને માં ની જેમ સાચવતા..મમ્મી ની પણ આ સમય દરમિયાન એમને બહુ કાળજી રાખી સેવા કરી..મારા જન્મ પછી પણ જ્યારે મમ્મી એના ગ્રાહકો ને સંતુષ્ટ કરવા જતી ત્યારે માસી જ મને સાચવતાં."

"હું જેમ જેમ મોટી થઈ રહી હતી..મમ્મી ની ચીંતા વધી રહી હતી..કેમકે અહીં કોઠા પર નું વાતાવરણ અને ત્યાં આવતાં હવસખોર પુરુષો ની નજર થી મને વધુ સમય બચાવવી સરળ તો નહોતી જ..એટલે માસી ની સલાહ અને સહકાર થી હું જેવી પાંચ વર્ષ ની થઈ ત્યાર થી જ મને અભ્યાસ માટે હોસ્ટેલ માં મુકી દીધી..એ દિવસ છે ને આજ નો દિવસ હું એ કોઠા પર નથી ગઈ..મમ્મી અને માસી ઘણીવાર મને મળવા અહીં આવે છે પણ ત્યાં આવવાની મને ના પાડે છે..મમ્મી નથી ઇચ્છતી કે પોતાના ગંદા કામ નો પડછાયો પણ મારા ઉપર પડે.."બસ આટલા શબ્દો બોલીને અવની ચોધાર આંસુ એ માહી ને વળગીને રડી પડી.

અવની ની વાત સાંભળી હાજર દરેક મિત્ર ની આંખ માં આંસુ ઉભરાઈ આવ્યા..તૃપ્તિ પણ અવની ની જોડે ગઈ અને એની પીઠ પર હાથ ફેરવી સાંત્વના આપવા લાગી..જ્યારે અવની થોડી શાંત થઈ એટલે પાર્થે કહ્યું..

"અવની..તારી વાત સાંભળી અમારા દિલ માં તારા માટે અને તારી મમ્મી એ તારા માટે જે કર્યું છે એ બદલ એમના માટે માન થયું છે.."

"હા યાર..અવની તે જે રીતે તારી જીંદગી ની સચ્ચાઈ અમને જણાવી એ કહેવા હિમંત જોઈએ..જે અહીં હાજર અમારા કોઈના માં નથી.."તૃપ્તિ અવની ની પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં બોલી.

"એન્ડ યાર તે એવું કઈ રીતે વિચાર્યું કે તારી જીંદગી અને ભુતકાળ જાણ્યા પછી અમે તારી જોડે સંપર્ક તોડી નાંખીશું.."સાહિલે કહ્યું.

"અવની તું અમારા માટે એક મિત્ર ની સાથે એક આદર્શ છો.. જે આટલી વિકટ પરિસ્થિતિ માં પણ હંમેશા હસતી રહે છે..હંમેશા બીજા ની મદદ માટે તૈયાર..we love you yar" વરુણ એ કહ્યું.

"ઓહ..we love u.. અરે આજે તો સાચું બોલી દે બબુચક..કે તું એને લવ કરે છે..અમને બધા ને ખબર છે કે તું એને કેટલો લવ કરતો હતો..અને આ વાત સાંભળ્યા પછી પણ કરતો જ રહીશ.."માહી એ વરુણ ની વાત સાંભળી પોતાનો મત રજૂ કર્યો.

માહી ની વાત સાંભળી વરુણ એ અવની નો હાથ પોતાના હાથ માં લીધો અને કહ્યું.."અવની..આઈ લવ યુ સો મચ..તારી લાઈફ ની હકીકત જાણ્યા પછી તારા પ્રત્યે નો પ્રેમ અને માન વધી ગયું છે..હું તને પ્રોમિસ કરું છું કે તારો ભુતકાળ ભુલાવવામાં..તારા વર્તમાન ને ખુશ કરવામાં અને તારા ભવિષ્ય ને સુરક્ષિત કરવામાં તારો સાથ આપીશ..હું..શું તું મારા હૃદય નો ધબકાર બનવા તૈયાર છો??"

"હા વરુણ આઈ લવ યુ ટૂ.."આટલું કહી અવની વરુણ ને વળગી પડી અને ત્યાં હાજર બીજા બંને યુગલો એ પણ આ સારસ બેલડી ને જોઈ એકબીજા ના હાથ માં હાથ પરોવી દીધાં.બે અલગ અલગ પ્રકાર ના પરિવાર માં થી આવતી આ બેલડી અત્યારે ખરેખર જોડી નમ્બર 1 લાગી રહી હતી.

દિવ થી પાછા ફરીને વરુણ અને સાહિલ સુરત જઈને અવની ની મમ્મી ને અમદાવાદ લેતા આવ્યા..જ્યાં તૃપ્તિ ના પિતા ના એક ખાલી પડેલાં ફ્લેટ માં એમના રહેવાની વ્યવસ્થા કરાવી દીધી.માહી અને અવની બંને હોસ્ટેલ માં થી ત્યાં ફ્લેટ પર જ ટ્રાન્સફર થઈ ગયા.

થોડા દિવસ પછી વરુણ એ પોતાના ઘરે પોતાના અને અવની ના સબંધ ની જાણ કરી..અવની ના કહેવાથી વરુણે અવની ના અને એની મમ્મી ના ભુતકાળ વિશે પોતાનાં માતા પિતા ને અક્ષરશઃ સત્ય જણાવી દીધું.

વરુણ ના માતા પિતા મોટા મન ના અને પ્રેક્ટિકલ વિચારધારા ધરાવતાં હતા..અવની ની હિંમત અને એની મમ્મી એ એના માટે આપેલા બલિદાન નું મુલ્ય સાચું આંકી ને એમને વરુણ ની પસંદગી નો સ્વીકાર કર્યો.

અભ્યાસ પૂર્ણ થતાં ની સાથે અવની અને વરુણ ના ધામધુમથી લગ્ન કરવામાં આવ્યાં.. અવની નું કન્યાદાન કોઠો ચલાવતાં માસી ના હાથે થયું...ત્યાં હાજર એમના બીજા મિત્રો ના ચહેરા પર પણ વરુણ અને અવની ની પેરફેક્ટ જોડી ને જોઈ એક ખુશી નું મોજું ફરી વળ્યું હતું.

માહી અને સાહિલ તથા તૃપ્તિ અને પાર્થ ના પણ લગ્ન થઈ ગયાં..દર વર્ષે બધા મિત્રો દિવ જાય છે અને જ્યાં બધા સાથે બેસીને truth and dare રમ્યા હતા ત્યાં બેસી ને જુની વાતો ને વાગોળતાં વાગોળતાં રાત પસાર કરે છે.

***

"નસીબ થી બળવાન કંઈપણ નથી.." આ કહેવત ને સાકાર કરતી સુંદર રચના એ વાત ની સાબિતી પૂરે છે કે જો તમારું દિલ સાફ હશે તો સમય આવે ભગવાન પણ તમારા પર મહેરબાન જરૂર થશે. એક માતા નો પોતાની પુત્રી પ્રત્યે નો પ્રેમ અને સમાજ ના પુરુષો ની નીચ માનસિકતા ની ઝાંખી કરાવતી આ વાર્તા ને આપ સૌનો પ્રેમ મળે એવી આશા.

ઓથર :- દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED