Shaapit Haveli - 1 books and stories free download online pdf in Gujarati

શાપિત હવેલી

શાપિત હવેલી

(ભાગ 1)

અનાથબાબુને હું રઘુનાથપુર જતી ટ્રેનમાં મળ્યો હતો. રજા પસાર કરવા હું પણ ત્યાં જ જઈ રહ્યો હતો. કલકત્તાના દૈનિક સમાચારમાં હું કામ કરતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી યંત્રવત કામ કરીને કંટાળી ચૂક્યો હતો. મન હળવું કરવા માટે મારે થોડાક દિવસો પૂરતી રજાઓની જરૂર હતી. દૈનિક સમાચારમાં કામ કરવા ઉપરાંત, લેખનનો શોખ પણ પહેલેથી રહેલો. ઘણા સમયથી કેટલીક શોર્ટ સ્ટોરીઝ લખવાના આઇડિયાઝ મનમાં આકાર લઈ રહ્યા હતા, પણ એને શબ્દોમાં ઉતારવાની ફુરસદ નહતી મળતી. રજાઓ વિતાવવા માટે મારે એક એવા સ્થળની જરૂર હતી, જ્યાં નીરવ શાંતિ હોય અને કોઈ ખલેલ કરવાવાળું ન હોય. મનનો ભાર હળવો કરવા અને લખવા માટે મેં દસ દિવસની રજા મૂકી. બીજે દિવસે સૂટકેસમાં જરૂરી વસ્તુઓ સાથે એક કોરી નોટબુક-પેન લઈને રઘુનાથપુરની સફરે નીકળી પડ્યો.

રઘુનાથપુરમાં રજાઓ વિતાવવા પાછળનું પણ એક કારણ હતું. કોલેજનો જૂનો મિત્ર, બિરેન બિસ્વાસ, જેના પરદાદાઓનું ઘર ત્યાં હતું. એક સાંજે અમે કોફી હાઉસમાં વાતચીત કરતાં હતા કે, કઈ કઈ જગ્યાએ યાદગાર પળો રહી જાય એવી રજાઓ વિતાવી શકાય? ત્યારે બિરેને તરત જ મને રઘુનાથપુર, એના ગામમાં રજાઓ વિતાવવાનું કહ્યું. ભૂતકાળની યાદોમાં સરી પડતાં તેણે કહેલું,

ત્યાં વિતાવેલા બચપણના દિવસો આજેય મિસ કરું છું, યાર! ત્યાંના હવા-પાણીનો નશો જ કંઈ ઔર છે!

તો પછી ચાલ ને! આપણે બંને ત્યાં થઈ આવીએ. બચપણની તારી યાદો પણ તાજી થઈ જશે...

અરે ના ના યાર...

શનિ-રવિ ત્યાં રોકાઈને તું નીકળી જજે... બે દિવસ તારી કંપની રહેશે તો મજા આવશે...

તારી વાત સાચી યાર, પણ તને તો ખબર છે આ દૈનિકની નોકરીમાં હું કેટલો બંધાયેલો છું. અને એનો છેલ્લો મહિનો ચાલે છે એટલે...યુ નો...

ઓહ... તો ઠીક છે... લગ્નેતર સંબંધમાં સંડોવાયેલા હોય એમના માથે જવાબદારીઓના ટોપલા તો જીવનભર રહેવાના...!મેં હસતાં મુખે બેચલર હોવાનો ગર્વ લેતા કહેલું.

અને હા, ત્યાં અમારો નોકર ભારદ્વાજ છે. છેલ્લા પચાસ વર્ષથી તેણે અમારા ઘર માટે કામ કર્યું છે. કોઈ કામ હોય તો એને કહી દેજે. એ ત્યાં જ રહે છે...

બિરેને તેના ઘરનું સરનામું લખાવ્યું, અને ત્યારબાદ થોડીક દૈનિક સમાચારની વાતચીત કરી અમે છૂટા પડ્યા.

***

બીજા દિવસે સવારે સૂટકેસ લઈને હું રેલ્વે સ્ટેશને પહોંચ્યો. ટિકિટ ખરીદી ડબ્બામાં સીટ નંબર શોધ્યો. અનાથબાબુ મિત્રા મારી બાજુની જ સીટ પર બેઠા હતા. એમની ઉંમર લગભગ પચાસેક જેટલી હતી. માપની ઊંચાઈ, વચ્ચેથી પાંથી પાળીને ઓળેલા વાળ, અને હસમુખું સ્મિત એમના ચહેરા પર રમતું હતું. પણ એમના કપડાં! જાણે પચાસ વર્ષ પહેલાના કોઈ પાત્રનો અભિનય ભજવવાનો હોય એવા સાવ જૂના જમાનાના કપડાં પહેર્યા હતા. એમણે જે જાકીટ પહેર્યું હતું એવું તો આજના સમયમાં કોઈ પહેરતું પણ નહતું. આંખના ચશ્માં, બુટ અને ઘડિયાળ પણ બાબાઆદમ વખતની માલૂમ પડતી હતી.

અમે ઔપચારિક વાત કરવાની શરૂ કરી. વાતચીત કરતાં જાણ્યું કે એ પણ રઘુનાથપુર જઈ રહ્યા હતા.

મેં પૂછ્યું, “તમે પણ રજાઓ વિતાવવા જઈ રહ્યા છો કે કોઈ ખાસ કામે?”, પણ એમણે કોઈ જવાબ ન આપ્યો.

કદાચ રેલ્વેના ઘોંઘાટને લીધે એમણે સાંભળ્યું નહીં હોય એમ માની મેં ફરી ન પૂછ્યું.

***

ગામમાં પહોંચી ત્યાંના લોકોને બિરેને બિસ્વાસના પિતાજીનું નામ કહી, એમના ઘરનું સરનામુ પૂછ્યું. ગામનું સૌંદર્ય માણતા-માણતા હું બિરેનના ઘર તરફ ચાલવા લાગ્યો. લીલાછમ ખેતરો, તળાવમાં તરતી ભેંસો, ગાયોના ધણને ચરાવા લઈ જતો રબારી, લસકાના પુળા માથે કરી લઈ જતી સ્ત્રીઓ, અને ચડ્ડી પહેરીને સાયકલના પૈડાં દોડાવતા ટાબરિયાઓના ખિલખિલાટ ચહેરા જોઈને આપોઆપ મારા ચહેરા પર સ્મિત રેલાઈ ગયું.

બિરેનના ઘરે હું પહોંચ્યો. તેના ઘરને જોઈને હું ખુશ થઈ ગયો. દસ દિવસ વિતાવવાની મોજ આવે એવું મસ્ત સગવડભર્યું ઘર હતું. આંગણામાં સુંદર ખીલેલા ફૂલ-છોડ અને બીજી બાજુ શાકભાજી વાડીમાં વાવણી કરી હતી. કુદરતી ચોખ્ખી હવા અને ખોરાક માણવાની મજા દસ દિવસ સુધી હું લૂંટવાનો હતો એનો આનંદ મનમાં વરસી રહ્યો હતો. આજુબાજુ પાડોશમાં કોઈ ઘર પણ નહતા, એટ્લે કોઈ પ્રકારની ખલેલ થવાની શક્યતા પણ સાવ નહિવત હતી.

ઘરમાં જતાં જ ભારદ્વાજે હસતાં મુખે ગામઠી ભાષામાં ભાવભર્યો આવકાર આપ્યો. મારી સૂટકેસ લઈને એણે ઘરમાં મૂકી દીધી. લેખન માટે કઈ જગ્યા સરસ રહેશે એ માટે મેં ઘરના બધા રૂમનું નિરીક્ષણ કર્યું. ભારદ્વાજના વિરોધ કરવા છતાં મેં ઉપરની મેડીએ બેસી કામ કરવાનું નક્કી કર્યું. બારી-બારણાં ખોલતા જ આહલાદક પવનની લહેરો અંદર દોડી આવી. ઉપર હું કામ કરવામાં વધુ કમ્ફર્ટેબલ અને પ્રાઈવેટ મહેસુસ કરતો હતો. નીચે મૂકેલી સૂટકેસ ઉપર લઈ જઈ, એમાંથી સામાન રૂમમાં ગોઠવવા લાગ્યો. સૂટકેસમાંથી સામાન કાઢતા ખબર પડી કે હું દાઢી કરવાની બ્લેડ્સ તો લેવાની જ ભૂલી ગયો હતો! મેં ભારદ્વાજને બૂમ પાડી બ્લેડ્સ ક્યાં મળશે એ વિશે પૂછ્યું.

કશો વોધો નઈ. ગોપીરામના ગલ્લે તમાર જોવ એવી બલેડમળી રેશે. ઓયથી પોચ મિનટનો રસ્તો છ...

સાંજની ચા પીને લગભગ પાંચેક વાગે હું ગલ્લા પરથી બ્લેડ્સનું પેકેટ લેવા નીકળ્યો. ગલ્લાની આગળ બંને બાજુ લાકડાની પાટલીઓ મૂકેલી હતી. સિત્તેર વર્ષનો ઉંબરો વટાવી ચૂકેલા વડીલોમાં કેટલાક લિજ્જતથી બીડીઓ ફૂંકતા, તો કેટલાક મસાલામાં ચૂનો ભેળવી ગલોફમાં ભરતા હતા. નશા માટે ગામડાનું ક્લબ કહી શકાય એવું સ્થળ લાગતું હતું. બધાના ચહેરા પર આનંદ છવાયેલો હતો. એમાંથી એક જણ વાતનો છેડો કાઢતા બોલ્યો, “આના વિશે મેં બસ સાંભળ્યું જ હોય એવું નથી. મારી સગ્ગી આંખે એ આખી ઘટના જોઈ હતી. ત્રીસ વર્ષ પહેલા એ ઘટના બની હતી. આટલા વર્ષો બાદ પણ હજુ એ દ્રશ્ય મારા મનમાંથી ભૂંસાયું નથી. ગીરીનાથ દત્તા મારો ખાસ અંગત મિત્ર હતો. આજેય એના મોત માટે ક્યાંક હું જવાબદાર હોએવી અપરાધભાવની લાગણી થઈ આવે છે...

7 O’clock બ્લેડ્સનું પેકેટ ખરીદી, થોડીક વાર હું ત્યાં રોકાઈ રહ્યો.

એ ભાઈએ તેમની વાત શરૂ કરી, “મારા એ મિત્રએ મારી જોડે દસ રૂપિયાની શરત લગાઈ અને એ હલદાર હવેલીના પશ્ચિમ તરફના સૌથી શાપિત ઓરડામાં આખી રાત વિતાવવાનું નક્કી કર્યું. હું બીજા દિવસની સવાર સુધી તે બહાર આવે એની રાહ જોઈ. બહાર ઊભા રહી મેં કેટલીયે બૂમો એના નામની પોકારી હશે, પણ કોઈ જવાબ નહીં. આખરે મેં જીતેન બક્ષી, હરિચરણ સહા અને બીજા કેટલાક મિત્રોને બધી વાત કહી. અમે બધા દિવસના અજવાળામાં એ હવેલીમાં પ્રવેશ્યા. અને અમે તેની લાશ એ રૂમમાં જમીન પર પડેલી જોઈ. ભયથી ફાટી પડેલી આંખો છતને તાકી રહેલી, ચહેરા પર થીજી ગયેલા ભયભીત મુખભાવો પરથી લાગતું હતું જાણે એણે વિચિત્ર રૂપ ધારણ કરેલું ભૂત જોઈ લીધું હોય...! તેના શરીર પર કશું વાગ્યાનું કે સાપ કરડ્યાનું નિશાન પણ નહતું. ભૂત સિવાય બીજું કોણ હોય શકે એને એ રીતે મારી નાંખનાર!?”

ગલ્લાની નજીક હું પાંચેક મિનિટ ઊભો રહ્યો એટ્લે એ લોકોની વાતનો અંદાજો આવી ગયો. ત્યાં એ ગામના દક્ષિણ ખૂણે લગભગ 200 વર્ષ જૂની હવેલી આવેલી હતી, જેની માલિકી હલદાર્સ, ત્યાંના જમીનદારોની હતી. જેમણે એ હવેલી વર્ષોથી ત્યજી દીધી હતી. એ હવેલીનો પશ્ચિમ દિશા તરફનો એક ઓરડો શાપિત માનવામાં આવતો હતો. ગીરીનાથ દત્તાના મૃત્યુ બાદ, છેલ્લા 30 વર્ષથી કોઈ વ્યક્તિ ત્યાં એક રાત પસાર કરી શકવાની હિંમત જુટાવી શક્યું નહતું. રઘુનાથપુર ગામ લોકોની આ માન્યતા પાછળ મુખ્ય બે કારણો હતા. એક, ગીરીનાથ દત્તાનું રસ્યમય મૌત અને બીજું, હલદાર્સ પરિવારના સભ્યોના ખૂન અને આત્મહત્યાનો ઇતિહાસ.

રસ પડે એવી વાતચીત સાંભળતા મારી નજર અનાથબાબુ મિત્રા પર પડી. વાતો સાંભળતા એમના હોઠ પર સ્મિત ફરકતું હતું. અંધારું થવા આવતા લોકો વિખેરાવા લાગ્યા. અનાથબાબુએ મારી પાસે આવીને પૂછ્યું, “તે સાંભળ્યું એ લોકોએ શું કહ્યું?”

હા, વાત રસ પડે એવી હતી.

તું એ વાતમાં માને છે?” એમણે મારા મુખભાવનું નિરીક્ષણ કર્યું.

ભૂતની વાતમાં?”

હા,”

ભૂતિયા ઘરો અને બંગલા વિષે મેં ઘણું સાંભળેલું છે. પણ ક્યારેય એવા વ્યક્તિને મળ્યો નથી જેણે એવા શાપિત સ્થળોએ એક રાત વિતાવી હોય. એટ્લે આવી બધી વાતમાં હું... કહી મેં માથું નકારમાં હલાવ્યું.

તો પછી ત્યાં જોવા જવું છે?” એમના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું.

શું?” મારા જવાબમાં મારી છૂપી ના હતી.

એ હવેલીમાં. જવું છે ત્યાં?”

જવાબ આપવા હું વિચારું એ પહેલા એ બોલ્યા, “માત્ર બહારથી જ દેખીશું. અહીંથી વધારે દૂર પણ નથી. બસ એક કિલોમીટરના અંતરે છે.

અનાથબાબુ માણસ રસપ્રદ લાગ્યા. મને ઘરે જવાની ખાસ ઉતાવળ પણ નહતી એટ્લે હું એમની સાથે હવેલી દેખવા નીકળી પડ્યો.

વર્ષોથી ખંડેર પડી રહેલી હલદાર હવેલી આસપાસના જંગલી છોડવાઓથી ઘેરાઈ ગઈ હતી. તેની દીવાલો લીલી વેલોથી ભરાઈ ગઈ હતી. હલદા હવેલીના આંગણાંમાં દાખલ થવા મુખ્ય દરવાજાની જાળીઓમાંથી પણ લીલી વેલો સાપની જેમ વીંટળાઇ વળી હતી. હવેલીના આંગણમાં બનાવેલું ગોળ તળાવ અને એમાં વચ્ચોવચ્ચ ખંડિત થઈ ગયેલી મુર્તિ ઊભેલી હતી. સુકાઈ ગયેલું તળાવ ખરી પડેલા પાંદડાના કચરાથી ભરાઈ ગયું હતું.

સૂર્ય હજુ થમ્યો નહતો. અનાથબાબુ હવેલીને એકાદ મિનિટ સુધી તાકી રહ્યા. પછી કહ્યું, “હું જાણું છું એ મુજબ, ભૂતપ્રેત દિવસના અજવાળામાં બહાર નીકળતા નથી. અને હજુ તો થોડુક અજવાળું આકાશમાં ફેલાયેલું છે.હોઠ પર સ્મિત રેલાવી મારા તરફ જોઈને બોલ્યા, “અંદર જઈને એક આંટો મારી આવવામાં વાંધો શું છે...!

એ પશ્ચિમના રૂમમાં? જેમાં...?” કહેતા મારી બંને ભ્રમરો ડરથી ઊંચકાઈ ગઈ.

હા. એજ રૂમમાં જેમાં ગીરીનાથ દત્તાનું મૌત થયું હતું.

અનાથબાબુનો આ ઉત્સાહ મને વધુ ખતરાજનક લાગ્યો.

રઘુનાથપુર ગામમાં આ હવેલીમાં આવવા પાછળ મારું એક કારણ છે. જો તું સાંભળવા ઈચ્છતો હોય તો મને સત્ય કહેવામાં કશો વાંધો નથી.

હા બોલો.

કલકત્તામાં મેં સાંભળ્યું હતું કે આ હવેલી એ હંટેડ (શાપિત) છે. છેક ત્યાંથી અહીં સુધી એટલું દેખવા આવ્યો છું કે હું અહીં ભૂત હોવાની કોઈ ઝલક પકડી શકું છું કે નહીં. તે મને ટ્રેનમાં પૂછ્યું હતું કે, આ ગામમાં આવવાનું કારણ શું છે? પણ મેં જવાબ નહતો આપ્યો. જોકે એ વખતે તને મારું એ વર્તન જરાક તોછડું લાગ્યું હશે. પણ મેં નક્કી કર્યું હતું કે તને થોડોક ઓળખી લઉં પછી જ કહેવું યોગ્ય રહેશે.

પણ તમારે એક ભૂતની ઝલક જોવા માટે છેક કલકત્તાથી અહીં શું કામ આવવું પડ્યું?

એ વાત તને પછી સમજાવીશ. હજુ મેં તને મારા પ્રોફેશન વિશે નથી જણાવ્યુ. હું ભૂતપ્રેતો અને બધી જ સુપરનેચરલ વસ્તુઓ પર ઊંડો અભ્યાસ ધરાવું છું. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડમાં રિસર્ચ કરું છું. મૃત્યુ પછીના જીવન વિશે આજ સુધી જે કંઈ છપાયું છે એ બધુ જ મેં વાંચેલું છે. આ વિષયમાં ઊંડા ઉતરવા હું સાત ભાષાઓ પણ શીખ્યો છું. મારા આર્ટિકલ્સ બ્રિટનના ખ્યાતનામ મેગેઝિન્સમાં પણ છપાયેલા છે. હું બડાઈ મારતો હોવ એવું તને કદાચ લાગશે, પણ એવું નથી. આ દેશમાં કોઈપણ વ્યક્તિ પાસે ભૂતપ્રેત અને સુપરનેચરલ ઘટનાઓ વિશે જેટલી માહિતી કે અનુભવ નહીં હોય એટલો મારી પાસે છે.

આ સાંભળી થોડીકવાર તો હું એમને અચરજભરી આંખે દેખી રહ્યો. થોડોક સમય અમારા વચ્ચે મૌન પથરાયેલું રહ્યું. પછી એમણે કહ્યું, “આ દેશની લગભગ 300થી પણ વધુ શાપિત હવેલીઓમાં હું રહી ચૂક્યો છું.

બાપ રે! આશ્ચર્યથી મારી આંખના પોપચાં પહોળા થઈ ગયા.

જબલપુર, ચેરાપુંજી, કાંથી, કાટોઆ, જોધપુર, અઝીમગંજ, હઝરીબાગ, શીઉરી, જેવા બીજા કેટલાયે સ્થળોએ રાતો વિતાવી ચૂક્યો છું, પણ...

કહેતા અનાથબાબુ થોભ્યા. પછી માથું ધુણાવી બોલ્યા, “દર વખતે ભૂતપ્રેતો મારા સકંજામાંથી છટકી જાય છે. માત્ર એકવાર એવો કિસ્સો બન્યો હતો એ રસપ્રદ હતો. હું શાંત રૂમમાં અંધારું કરીને ખુરશીમાં બેઠો હતો. કશુંક થવાની રાહ દેખતો હતો ને અચાનક એક મચ્છર મારા માથામાં કરડ્યો. મેં તરત જ મચ્છર ઉડાડવા માથા પર હાથ માર્યો. માથાને હાથ અડતા એવું લાગ્યું કે મારા માથાના બધા વાળ ખરી પડ્યા છે! મેં ઊભા થઈ લાઇટ ઓન કરી, અરીસામાં જોયું તો બધા જ વાળ અકબંધ હતા. બસ આ એક વિચિત્ર અનુભવ આટલા વર્ષોમાં થયેલો. ભૂતપ્રેતોની ઝલક જોવાની હું આશા ગુમાવી બેઠો હતો, પણ તાજેતરમાં મેં જૂના મેગેઝીનમાં રઘુનાથપુરની આ શાપિત હવેલી વિષે વાંચ્યું એટ્લે મેં વિચાર્યું કે છેલ્લો પ્રયાસ અહીં અજમાવી જોઈએ.

અમે આગળના દરવાજે પહોંચ્યા હતા. અનાથબાબુ એમની ઘડિયાળ જોઈને બોલ્યા, “દરરોજ સૂર્યાસ્ત 5:31 p.mથાય છે. અત્યારે 5:15 p.m થાય છે. અંધારું થાય એ પહેલા ચાલ... એક નજર અંદર ફેરવતા આવીએ.

સુપરનેચરલ વસ્તુઓમાં એમનો રસ કદાચ ચેપી હતો. મેં તરત જ તેમની વાતમાં હાકહી એમની વાત સ્વીકારી લીધી. એમના જેમ હું પણ ઉત્સુક બની રહ્યો હતો કે હવેલીની અંદર પેલા રૂમમાં શું રહસ્ય છુપાયેલું હશે.

અમે મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા. ત્યાં મોટું આંગણું હતું. આંગણાની ફરતે વરંડો કરેલો હતો. હવેલીના ઉપરના માળે જવા પગથિયાં નીચેના માળના બેઠકખંડમાંથી જતાં હતા. અંદર અંધારું હતું એટ્લે અનાથબાબુએ ગજવામાંથી ટૉર્ચ કાઢી ચાલુ કરી. ઉપર જતાં કરોડિયાના જાળાં હટાવી અમે ઉપર જવા લાગ્યા. જ્યારે અમે ઉપરના માળે પહોંચ્યા ત્યારે મેં વિચાર્યું કે આ હવેલીમાં કશુંયે શાપિત હોય એવું લાગતું તો નથી.

અમે પેસેજમાં ઊભા રહ્યા અને પશ્ચિમ તરફનો રૂમ કયો એનો અંદાજ લગાવવા લાગ્યા. અનાથબાબુ ધીમેથી બોલી ઉઠ્યા, “મળી ગયો રૂમ. ચાલ મારી સાથે. જરાયે સમય વેડફવાનો નથી.

પશ્ચિમના રૂમનો દરવાજો બંધ હતો. અનાથબાબુએ દરવાજો ખોલી, ધીરેથી આગળ ધકેલ્યો. દરવાજાના મજાગરાનો ટરર... અવાજ સાંભળી ભયથી મારા રૂંવાડા ખડા થઈ ગયા. દરવાજો આખો ખૂલી ગયો.

રૂમમાં ટૉર્ચનો પ્રકાશ ફેંકી બધુ દેખી જોયું. પણ આશ્ચર્ય થાય એવું કશું નહતું. રૂમની વચ્ચોવચ મોટું ટેબલ હતું. જેના બે પાયા તૂટેલા હતા. હાલકડોલક થાય એવી એક આરામ ખુરશી બારીની બાજુમાં હતી. એના આર્મરેસ્ટ તૂટી ગયેલા હતા. દીવાલ ઘડિયાળ, જેનો કાચ ફૂટેલો હતો. લોલક વચ્ચોવચ સ્થિર હતું.

મેં ઉપર જોયું તો જૂના જમાનાનો ફેશનવાળો હાથથી પવન નાંખવાનો પંખો લટકાવેલો હતો. દીવાલ પર બે પાઇપ વાળી બંદુકો અને ખૂણામાં હુક્કા મૂકેલા હતા. અનાથબાબુ ઊંડા વિચારમાં ખોવાયેલા જણાતા હતા. થોડીક વાર પછી એ બોલ્યા, “તને કશાકની ગંધ આવે છે?”

શાની ગંધ?”

ધૂપસળી, તેલ અને સળગતી લાશની સંમિશ્રિત ગંધ...

મેં ઊંડો શ્વાસ લીધો. લાંબા સમય સુધી ઘર બંધ રાખ્યું હોય ને જે ગંધ આવે એના સિવાય કશી જ ગંધ ન આવી.

ના. તમે કહ્યું એવી ગંધ તો બિલકુલ નથી આવતી.

અનાથબાબુએ કશું કહ્યું નહીં. પછી અચાનક કશું યાદ આવતા એ તરત જ બોલી ઉઠ્યા, “હે ભગવાન! આ ગંધ તો હું જાણું છું. નક્કી અહીં કોઈ ભૂતપ્રેતનો હમણાં દેખાડો થવાનો છે. એ આવે એ પહેલા ચાલ ભાગી નિકળીઅહીંથી...

બીજી જ પળે અમે બંને હેવેલીની બહાર તરત ભાગી નીકળ્યા...

અનાથબાબુએ બાકીની રાત હલદાર હવેલીમાં વિતાવવાનું નક્કી કર્યું. ત્યાંથી બહાર નીકળતા એમણે કહ્યું, “આજે હું હવેલીમાં નહીં જાઉં, કેમકે આવતીકાલે અમાસ છે. ભૂતપ્રેતોનો બહાર નિકળવાનો યોગ્ય સમય. અને આજે મારે જે સમાનની જરૂર છે એ પણ નથી. કાલે જરૂરી સામાન લઈને મુખ્ય કામ શરૂ કરી દઇશ. આજે માત્ર હવેલીનું નિરીક્ષણ જ કર્યું છે.

બિરેનના ઘર આગળથી અમે છૂટા પડ્યા એ પહેલા એમણે ધીમા અવાજે મને કહ્યું, “મારા પ્લાન વિશેની વાત કોઈને કરતો નહીં. આજની આ વાત આપણાં બંને વચ્ચે જ રાખજે. અહીંના લોકોને જો મારા પ્લાન વિશેની ગંધ આવી ગઈ તો મને અંદર જવા નહીં દે. અને...,” એમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, “...મારા પ્લાનમાં તને સામેલ નથી કરતો એ બદલ ખોટું ના લગાડતો. અને હા, મારી સાથે છેક અંદર આવવાની તારી હિંમતને હું દાદ આપું છું. હવે બાકીનો ખરો ખેલ કાલની અમાસની રાતે શરૂ થશે...

***

શું અનાથબાબુ તેમનું સાહસભર્યું કામ સફળતાથી પૂરું કરી શકશે...કે...પછી એ શાપિત હવેલીમાં કોઈ રહસ્યમય ઘટના એમની સાથે બનશે? આગળની કહાનીમાં શું રહસ્ય છુપાયેલું છે એ જાણવા ભાગ 2 વાંચવો જ પડશે…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED