ઝંખના - ૪ Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - ૪

ઝંખના – ૪

હું ઝબકીને બેઠો થઇ ગયો, મારા માથા પરથી પસીનો નીતરી રહ્યો હતો. આઈ હેટ યુ... આઈ હેટ યુ.... આઈ હેટ યુ....

બારી બહાર ચોરસ અંધારાનો ટુકડો જોવાઈ રહ્યો હતો. સાચું કહું તો ચોરસ અજવાળું દેખાતું હતું... અંદર જેટલું અંધારું હતું તેનાથી સહેજ ઓછું અંધારું બહાર હતું.. એટલે અંધારાનો નહિ પણ અજવાળાનો ચોરસ ટુકડો હું જોઈ રહ્યો હતો.

સવાર પડવાને વાર હતી. સિગરેટ સળગાવી. બસ હવે આ અજવાળા-અંધારામાં રમવું નથી.. ચીટીંગ કરે છે, તેમની જગ્યા બદલાય છે, પણ સાથે મારી જગ્યાને પણ બદલી નાખીને મને અજવાળામાં આવવા જ દેતા નથી... બસ, હવે નહિ.. હું એકલો જ રહેવા બન્યો છું, તે જ સારું છે.. ફરીવાર આઈ હેટ યુ તો સાંભળવું નહિ પડે...સાથે રહેવાવાલાને થોડા સમયમાં જ મારાથી નફરત થઇ જાય છે. લીલીને પણ, અને પરમદિવસે મોની પણ એમ જ કહી ગઈ અને સુચેતાએ ફોન પર પણ એવું જ કહ્યું, સિવાય કે કબીર...

હજુ તો પાંચ જ વાગ્યા હતા. રાત્રે વિચાર્યું હતું કે કામ પર નહિ જાઉં, ઘેર બેસીને એક પત્નીવ્રતા પતિની જેમ મોનીના જતા રહેવાનો શોક મનાવીશ.. પણ ના, કામ જ સારું છે, નહિ જાઉં તો દિવસ પૂરો જ નહિ થાય.

ચા ને આમલેટ બનાવી. બ્રેડ નહોતા, કઈ વાંધો નથી. માંડ માંડ દસ વગાડ્યા અને હું કામે જવા નીકળ્યો. બાજુવાળા સાલુભાભી ચાવી લેતા બોલ્યા, “લંચ તો બહાર જ કરશો ને? રાત્રે અહી જમજો.”

“ના, હું નહિ આવું, મારું ઠેકાણું નહિ.”

કલાકેકમાં કબીરનો ફોન આવ્યો, મને સારું લાગ્યું. એ જ એવો છે કે મને સમજે છે, અને મને ખાતરી છે કે તે ક્યારેય મને આઈ હેટ યુ નહિ કહે. તે બોલ્યો, “ક્યાં છે? ઘેર?”

“ના ડ્યુટી પર.”

“ઓહો!!! મને તો એમ હતું કે મોનીની યાદમાં ઘેર બેસીને રડતો હોઈશ.” કહેતા કબીર હસ્યો.

“મોની યાદ આવે એવી નથી.”

“એ તો તું જાણે, પણ રાત્રે યાદ આવે એવી તો ચોક્કસ છે જ, નહિ?” મેં કશો જવાબ આપ્યો નહિ. થોડીવારે હું બોલ્યો, “લંચ સાથે કરીશું, તું અહી આવી જજે..”

“ના ભાઈ, હું તો પરિવાર અને બાલ-બચ્ચાવાળો છું, તું જ મારે ઘેર આવી જા.”

“તારું ઘર એટલું દુર છે કે રસ્તામાં જ મારો લંચ ટાઈમ પૂરો થઇ જાય. તારી વાઈફને મોનીની વાત કરી?”

“હા, મને ખુબ બોલી, અને મારો વાંક કાઢતી હતી.”

“મોની મને છોડી ગઈ એમાં તારો શું વાંક?”

“અરે ભાઈ, મોની તેની દૂરની સગી નથી? મને બોલતી હતી કે તેં રાહુલની ભલામણ કરી હતી, અને મેં તારા પર વિશ્વાસ કરીને મારી સગીને ફસવી મારી છે.” કહેતા તે ખડખડાટ હસ્યો, ને આગળ બોલ્યો, “એક વાત સાંભળી લે, હવે ફરી લગન કરવા હોય તો મારી વાઈફથી આશા રાખીશ નહિ કે તે બીજી શોધી આપશે...”

“ફરી લગન? મને કુતરું કરડ્યું છે??”

“હા કુતરું જ કરડેલુ છે ને, એટલે જ તો વારંવાર માર ખાવા છતાં સુધરતો નથી.”

“રાત્રે ઘેર વાત કરીશું, હું થંભો લેતો જઈશ.”

જમવાની ઈચ્છા હતી નહિ, તોયે લારી પર વડા-પાઉં ખાઈ લીધા. અને ટેબલ પર પગ ચઢાવીને ઊંઘવા જ જતો હતો કે મોનીનો ફોન આવ્યો. હું ઉપાડતા જ બોલ્યો, “બોલ..”

“મારે મારી બધી વસ્તુઓ લઇ જવી છે, ઘેર આવ.”

“મારી શું જરૂર છે? ચાવી સાલુભાભી પાસે છે. બધું તારું લઇ જજે.” કહીને મેં ફોન કાપી નાખ્યો.

સાંજે મોટી બોટલ લીધી, ને ઘેર આવ્યો. ચાવી આપતા સાલુભાભીએ કહ્યું નહિ કે મોની આવી હતી. ઘરમાં પણ મોની આવી હોય કે તેની વસ્તુઓ લઇ ગઈ હોય તેવા કોઈ ચિન્હો મને જોવાયા નહિ. કેમ ન આવી? વસ્તુની જરૂર પડશે તો લઇ જશે, મારે શું?

રાત્રે કબીર આવ્યો, આવતા જ બોલ્યો, “માલ લાવ્યો ને?”

“હા, પહેલા જમી આવીએ કે પહેલા પીવું છે?”

“બે બે પેગ મારીએ પછી જમવા જઈએ, અને આવીને ફરી..” કહેતા તે બેસી ગયો. હું કિચનમાંથી બધું લાવીને તેની સામે મુક્યું. કબીરને હું બપોરે આવેલ મોનીના ફોન વિષે કહેવા જ જતો હતો ને ફરી મોનીનો ફોન આવ્યો. હું બોલ્યો, “કેમ આવી નહિ તારું બધું લેવા?”

“કાલે આવીશ, મારે વારંવાર ધક્કા ખાવા નથી, એટલે એક જ વારમાં બધું લઇ જઈશ. તને એ કહેવા ફોન કર્યો છે કે મારા ઘરેણા તારા બેંક લોકરમાં છે તે લાવી મૂકજે, અને આપણા જોઈન્ટ ખાતાના ચેક પર પણ સહી કરીને મૂકી જજે. અને હા, આપણા બંનેના નામે જે એફ્ડીઓ પડી છે તે પર પણ સહી કરીને મૂકી જજે, કાલે ને કાલે જ મારે તેને તોડાવી લેવી છે. મારા સર્ટિફીકેટો, માર્કશીટો, બેન્કની પાસબુક, વગેરે બધું જ કાઢીને જજે.”

“સારું.” કહીને મેં ફોન બંધ કરી દીધો, અને ગ્લાસ મોઢે માંડ્યો. કબીર મારી તરફ જોતા બોલ્યો, “ શું વિચાર્યું? તે જે કહે છે તે બધું આપી દઈશ?”

“હાસ્તો.. બધું તેનું જ છે ને?”

“તેનું? બધું તારું છે.”

“તેને આપી દીધું પછી તે બધું તેનું જ કહેવાયને? અને તે લઇ જ જાય ને...”

“વસ્તુઓ, કપડા, વગેરે ઠીક છે, પણ પૈસા અને ઘરેણા, અને સહીઓ કરવી.. થોડું વિચાર.”

“કશું વિચારવાનું નથી, બધું તેનું જ છે.”

“હા, તેનું જ છે અને આપણને જોઈતું પણ નથી, પણ હમણાં તારી પાસે રાખીશ તો છૂટાછેડા વખતે નેગોશીએશન કરવા માટે ખુબ કામ લાગશે.. હમણાં બધું લઇ જશે અને છૂટાછેડા માટે નવી માંગણી કરશે, તું સમજે છે હું શું કહું છું?”

“હા, તે ખરું, પણ પછીની વાત પછી...” કહીને હું ગ્લાસ હાથમાં લઈને જ કબાટ પાસે બેસીને મોનીના બધા પેપર, પાસબુક, વગેરે કાઢીને ટેબલ પર મુક્યા અને ચેક અને એફડીના સર્ટીફીકેટ પર સહીઓ પણ કરી દીધી. કબીર મને જ જોઈ રહ્યો હતો. તેની પાસે બેસતા હું બોલ્યો, “કાલે નોકરી પર અડધા દિવસની રજા રાખીશ.”

“કેમ?”

“કેમ શું? લોકરમાંથી મોનીના ઘરેણા નથી લાવવાના?”

કબીર તે પછી કશું બોલ્યો નહિ. મોડે અમે જમવા ગયા, બીજી બીજી વાતો કરતા રહ્યા, ફરી પીવા બેઠા અને મોડી રાત્રે તે ઘેર જવા નીકળ્યો.

બેન્કથી ઘેર આવતા લંચનું પાર્સલ પણ હું લેતો આવ્યો. મોનીના ઘરેણાનો ડબ્બો કબાટની ઉપર મુકીને હું જમવા બેઠો. બારણું નોક થયું, મોની હતી. તે મારી સામે જોયા વગર મારી બાજુમાં થઈને અંદર આવી ગઈ. હું પણ ફરી ખુરશી પર બેસીને જમવા લાગ્યો. તે કબાટ ફેંદી રહી હતી, અને સાથે લાવેલ મોટી હેન્ડબેગમાં જોઈતું ભરી રહી હતી. પછી તે મારી તરફ ફરીને બોલી, “ઘરેણા લાવ્યો? સહી કરેલો ચેક અને એફડીના કાગળો ક્યાં છે?” મેં ઇશારાથી તેને કબાટની ઉપર મુકેલી ફાઈલ અને ડબ્બો બતાવ્યા. તેણે ખોલીને બધું ચેક કર્યું અને હેન્ડબેગમાં મુક્યું. મેં કહ્યું, “મોની જમવું હોય તો આવી જા.” તે કશું બોલી નહિ અને લાકડાનું સ્ટુલ ખેંચીને માળીયા નીચે મુક્યું અને તેની ઉપર ચઢી. તેની સાડી ઉંચી થઇ, અને મારી ફેવરીટ ગોરી અને માંસલ પીંડી પર મારી નજર ચોંટી ગઈ. મોનીએ વેક્સિંગ કર્યું હતું, સાફ અને ચકચકિત.. પણ મને વેક્સિંગ કરેલ પગ ગમતા નથી... મોની પંજા પર ઉંચી થઈને બેગ ખેંચી રહી હતી, તેની ઊંચાઈ સહેજ ઓછી પડતી હતી. હું હાથ ધોઈને તેની પાસે આવતા બોલ્યો, “ઉતર નીચે, હું ઉતારી આપું છું. પડીને હાથ-પગ તોડીશ તો ખોટી મારે માથે જવાબદારી આવશે.”

“સાચી જવાબદારી પણ ક્યારેય લીધી છે? જવાબદારી કોને કહેવાય તેનું તને ભાન છે?” કહેતા તે બેગ લઈને નીચે ઉતરી. તે નીચે બેસીને બેગમાં જાણે શું ફેંદી રહી હતી. હું બોલ્યો, “મોની રેઝર તો બાથરૂમમાં જ પડ્યું છે, નવું લાવી? કે વેક્સિંગ કર્યું?”

“બિલાડીની નજર તો છીછરા ઉપર જ હોય... હું જાણું છું, તું લંપટ છે અને તેની વારેઘડી સાબિતીઓ આપવાની જરૂર નથી.” કહેતા મોનીએ બેગ બંધ કરી અને ફરી સ્ટુલ પર ચઢીને માળીયે મૂકી, ફરી મને તેની લીસ્સી પીંડીઓ જોવાઈ.. લીસ્સી પીંડીઓ.. મને ગમતી નથી.. મને તો ઘણું બધું ગમતું નથી, પણ દુનિયા કઈ મારા ગમા-અણગમાને ધ્યાને રાખીને ચાલતી નથી. મેં ખુરશી પર બેસીને સિગરેટ સળગાવી. મારે મોની સાથે કશી વાત કરવી નહોતી, કે તે પણ કરવા માંગતી નહોતી, તોયે મારાથી બોલ્યા વગર રહેવાયું નહિ, “મોની, સુચેતા કહેતી હતી કે તું એનો ફોન નથી ઉપાડતી..”

મોની ધારદાર નજરે મને તાકી રહી, ને બોલી, “તું સુચેતા સાથે વાતો કરે છે? તને જરાય શરમ જેવું નથી? તારા જેટલો નીચ મેં આજ સુધી બીજો જોયો નથી.”

મને ગુસ્સો આવ્યો, “ક્યારનો હું સાંભળી રહ્યો છું, માપમાં રહેજે, નહિ તો એક જ ઝાપટમાં તારું મોઢું સુજાડી નાખીશ..”

તેની આંખમાં આંસુ આવ્યા, “હા તે જ ફક્ત બાકી રાખ્યું હતું, પણ હવે તે તારી ઈચ્છા પૂરી નહિ થવા દઉ..”

તેને રડતી જોઇને હું ઠંડો પડી ગયો, ને બોલ્યો, “મોની એક વાતનો મને જવાબ આપ કે હું નીચ, લંપટ છું તેની જાણ તને કેવી રીતે થઇ? કોણે તને કહ્યું? તારી બહેને કહ્યું? ના... તો? મેં કહ્યું... હું ના બોલતો તો? સાળી પ્રમાણિકતાની કોઈ જ કિંમત નહિ?”

તે આંસુ લૂછતાં હસી પડી, ને બોલી, “પ્રમાણિકતા? એમ કેમ કહેતો નથી કે નશામાં જીભ કચડાઈ ગઈ..”

“નશામાં? નશામાં ક્યારેય મને લવારી કરતા સાંભળ્યો? ક્યારેય તને આઈ લાવ યુ કહ્યું?” કહેતા પાણી પીવા ઉભો થયો. તે હેન્ડબેગમાં બધું ગોઠવી રહી હતી. મેં કહ્યું, “સુચેતાએ મને એક જ વાર ફોન કર્યો હતો, અને એ પણ તારી સાથે વાત કરવા માટે.. તેની સાથે તું ખોટી ઝઘડે છે, તેનો કોઈ વાંક નહોતો.”

મોની બેગની ઝીપ બંધ કરતા બોલી, “હા, તે તો નાની કીકલી છે.. તું તેનું પણ ઘર ભાંગીને જ રહીશ, નહિ?” ને મારી સામે જોયું.

“મોની, તું સમજે છે એવો હું નથી.”

“હા, હું સમજતી હતી તેનાથી પણ તું તો વધારે લંપટ છે.” કહીને તેણે બેગ ખભે ભરવી અને જોરથી બારણું પછાડીને જતી રહી.

નોકરી પર હવે જવું નથી, ફોન કરીને કહી દીધું. સાલી દિમાગ ખરાબ કરી ગઈ, તેની જીભને કારણે જ તે મને ગમતી નથી.

મેં કબીરને ફોન કર્યો, “તારો વકીલ ઓળખીતો છે ને? છૂટાછેડા માટે આજે મળી આવીએ, હું ઘેર જ છું.”

કબીર અને હુ વકીલ પાસે ગયા. બધી વાત સાંભળીને વકીલ બોલ્યો, “તમને કઈ તકલીફ છે? કે બીજા લગન કરવા છે? કેમ એટલી ઉતાવળ કરો છો?”

“ના, કશી તકલીફ નથી, પણ એક વાતનો નિકાલ આવે અને ઉંચી મુકાય...”

“મારી સલાહ છે કે સામે પાર્ટીને છૂટાછેડા માટેની અરજી કરવા ધ્યો, આપણે કશું કરવું નથી કે છૂટાછેડા જોઈતા નથી, તેમને જ આગળ કરો. તમે સમજો છો ને હું શું કહું છું?”

કબીર ઉભો થતા બોલ્યો, “ખરું, અમે સમજી ગયા.. તેમની નોટીસ આવશે પછી તમને મળીશું.” કહીને હાથ મિલાવ્યો, ક-મને મારે પણ ઉભા થવું પડ્યું. બહાર નીકળીને હું બોલ્યો, “મારે આ બધું જલ્દી પૂરું કરવું છે.”

“ટોપા, તું છુટા થવાની અરજી આપીશ તો તને ખુબ નુકશાન થશે, તને તળિયા-ઝાટક તો કરી જ ગઈ છે, ને બાકી છે તે કોર્ટમાં પૂરું કરીને તને રોડ પર લાવી દેશે.”

“હું તો ફકીર છું, તું જાણે જ છે..”

“તને પહેલેથી હું કહેતો હતો કે બાયડીને બધું કહેવું નહિ, પણ તેં તો કહ્યું એટલું જ નહિ પણ બધું તેના અને જોઈન્ટ નામે કરી નાખ્યું.. તે બધું તો લઇ જ ગઈ છે, અને હવે ઘર પણ બીજું શોધી રાખજે, આ રૂમ પણ મોનીના નામેજ છે ને?”

હું હસ્યો, ને કહ્યું, “કડકા થઈશું તો ફરીથી કમાવાની સમજ પડશે...”

***

આજે બરાબર બે મહિના થયા, મોનીને જવાને. હવે હું થાળે પડી ગયો હતો, બધું ફરીથી હું એકલો હતો ત્યારે જેવી રીતે ગોઠવ્યું હતું તેમ બધી ગોઠવણ અને વ્યવસ્થા કરી લીધી હતી.

આઠ વર્ષની મારી બધી આદતો મોનીને કારણે બદલાઈ હતી, દોઢ વર્ષમાં જ તેણે મને બગાડી નાખ્યો હતો. તે રોજ અને નિયમિત યાદ આવતી હતી, આમતો તેની યાદ ન આવવી જોઈએ, પણ... દિમાગમાંથી ખસતી જ નથી. હું રોજ તેની નોટીસની રાહ જોતો હતો, પણ જેમ મને વકીલે સલાહ આપી તેમ તેને પણ આપી જ હશે ને? ભલે ક્યાં સુધી? મને તો કોઈ જ તકલીફ નથી.

સાચું કહું તો તેની કચ-કચ, ઝઘડાઓ, હું મિસ કરતો હતો. તેની એક ક્વોલીટી મને ખુબ ગમે છે, તે ગમે તેટલું ઝઘડ્યા હોઈએ તો પણ દરેક કામ સારી રીતે કરતી હતી, ખાસ તો મારા કામ.. લડ્યા હોઈએ, ને પછી જો હું માથે બામ લગાડતો હોઉં તો તે રિસાયેલી તો રિસાયેલી, પણ મારા હાથમાંથી બામ લઈને મને લગાડી આપતી હતી.

એકવાર સવાર સવારમાં ઝઘડો થયા પછી હું ગુસ્સામાં ટીફીન લીધા વગર જ કામે જતો રહ્યો. અને મોની ભલે બોલતી નહોતી મારી સાથે, પણ તે બપોરે ટીફીન લઈને મને કંપનીમાં આપવા આવી હતી. તે પછી હું ક્યારેય ગમે તેટલું લડ્યા હોઈએ તો પણ ટીફીન લીધા વગર કામે જતો નહિ. મને સારું લાગતું નહિ, મને ટીફીન આપવા માટે તે તડકામાં ટ્રેન અને પછી બસમાં ધક્કા ખાતી કલાકે પહોંચે ને હેરાન થાય તે મને ગમતું નહિ. આ વસ્તુ હું મોનીથી શીખ્યો હતો, હું પણ મોનીની જેમ જ ગમે તેટલું લડ્યા પછી પણ ઘરના કામ કે વ્યવહાર કરવામાં ડખો કરતો નહોતો.

***

----- બાકી છે.